< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/અનુભાવનાશક્તિ
જૂનાગઢમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં સંમેલનમાં સાહિત્યવિભાગના અધ્યક્ષપદેથી, અધ્યાપક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમ પ્રતિપાદિત કર્યું હતું કે ભાવકમાં સમાનભાવની કે સમાન સંવેદનની શક્તિ છે અને તેને આપણે અનુભાવના શક્તિનું નામ આપી શકીએ. તેમણે લખ્યું છે,[1] “ભિન્ન ભિન્ન કે પરસ્પરવિરુદ્ધ આદર્શ કે વિચારતાત્પર્યવાળાં કાવ્યો વિશે પણ તલ્લીનતા, તદાકારતા સંભવી શકે છે એ મનુષ્યમાં રહેલી ગૂઢ અને સમર્થ समानभावनी. સમાન સંવેદનની શક્તિનું સૂચક છે.... આ શક્તિને આપણી જૂની પરિભાષાને વળગી રહી भावनाशक्ति કે અનુભાવનાની શક્તિ કહીશું તો ચાલશે” વળી કહ્યું છે.[2] “કલ્પનાદ્વાર સર્જનને અનુરૂપ અનુભવ કરવાની વાચકની શક્તિ અમાપ છે એમ ગણીશું.”
એટલે કે, કલાના અનુભવમાં સુખદુઃખાદિ ભાવોની તેમ જ વિવિધ વિચારાદિની સાથે ભાવક તદાકારતા કેમ ભોગવી શકે છે તે પ્રશ્ન છે. એકનો એક ભાવક કલાદ્વારા વ્યક્ત થતા જુદા જુદા અનેક ભાવાદિ સાથે તલ્લીનતા ભોગવી શકે છે તે સાચું, પણ એ શાને લીધે ભોગવી શકે છે એ પ્રશ્ન અધ્યાપક વિષ્ણુપ્રસાદને ઘણા વખત થયાં મુંઝવતો લાગે છે. એમને, અન્તે, એમ લાગ્યું છે કે
આમ જુદા જુદા ભાવોને ભોગવવાની ભાવકમાં એક વિશિષ્ટ શક્તિ છે.
‘સાધારણીકરણ’ નામે લેખમાં આ દૃષ્ટિ અસ્પષ્ટ છે અને તે આમ વ્યક્ત થઈ છે.[3] “કોઈ પણ વ્યાપારથી, પ્રાણી પ્રાણી વચ્ચેના કોઈ પણ તાત્ત્વિક સંબંધથી વિમર્શકનું ચિત્ત પ્રસંગ સાથે અનુકૂળ, અનુબદ્ધ થાય છે, અનુભાવનાત્મક થાય છે. એ વ્યાપારને ભાવના કે વિભાવના કહી શકો.” અહીં અનુભાવનાને વ્યાપાર ગણ્યો છે. શક્તિ નહીં.
‘રસના સિદ્ધાન્તમાં સાપેક્ષતા’ નામે લેખમાં કહ્યું છે,[4] “સાહિત્યકળાનો આસ્વાદ ભાવકની કલ્પનાશક્તિ, વેદનશીલતા (Sensibility,) સમભાવની શક્તિ (Sympathy) સત્ત્વની અપેક્ષા સર્વત્ર રાખે છે.” અહીં જે સમભાવની શક્તિ કહી છે તેને જ પાછળથી તેમણે અનુભાવનાશક્તિનું નામ આપ્યું છે. એ જ લેખમાં આગળ કહ્યું છે.[5] “ભારતીય વિવેચનમાં ‘ઇમેજિનેશન’નું સ્થાન આ રસેન્દ્રિય કે ભોજકત્વ લઈ શકે. જે શક્તિથી કવિનો અનુભવ વાચક પોતાનો કરે છે તેને ‘ઇમેજિનેશન’ (કલ્પના) શબ્દ અનુલક્ષે છે; પણ તે અનુભવ વાચકને ઇષ્ટ છે, તેમાં તેને અલૌકિક આનંદ પડે છે તે વાત તેમાં સુચવાતી નથી. આપણા કાવ્યશાસ્ત્રીઓએ આત્મસાત્ કરતી શક્તિ ઉપર ભાર ન મૂકતાં આનંદ ઉપજાવતી શક્તિ ઉપર ભાર મૂક્યો છે.” અહીં અનુભાવનાનું વર્ણન “આત્મસાત્ કરતી શક્તિ”થી થયું છે.
આમ, આ અનુભાવના નામે શક્તિની આવશ્યકતા વિષ્ણુપ્રસાદને ઘણા સમયથી લાગી છે તે સ્પષ્ટ છે. અનુભાવના વિશેના તેમના છેલ્લા લેખમાં, તેમણે આ વાતને સિદ્ધાન્તરૂપે પ્રતિપાદિત કરી છે.
જુદા જુદા ભાવો વિચારો આદિને ‘આત્મસાત્ કરતી’ શક્તિ અથવા સમાન ભાવની કે સમાન સંવેદનની આ શક્તિ તે શું છે તે જરા વિચારીએ.
ભાવક, ભિન્નભિન્ન કે પરસ્પરવિરુદ્ધ આદર્શ કે વિચારતાત્પર્યવાળા કલાનુભવોમાં તદાકાર બને છે એ ખરું છે; પણ એ તદાકારતા ભાવકમાં પોતામાં રહેલી કોઈ ગૂઢ શક્તિને લીધે સંભવે છે એ ખરું છે? કલાનુભવની ક્ષણે, તેની પહેલાં કે તેની પછી નહીં, પણ માત્ર કલાનુભવની ક્ષણે ભાવક પોતામાં રહેલી કોઈ શક્તિનો સંપ્રજ્ઞાત ઉપયોગ કરે છે એમ મને તો લાગતું નથી. કલાનુભવની ક્ષણે ભાવકને જે કંઈ અનુભવ થાય છે તેમાં તો કલાકારની કલા જ કામ કરે છે, ભાવકની શક્તિ નહીં. આપણા કાવ્યશાસ્ત્રીઓએ કહ્યું છે જે, રસ વિચાર કે કલ્પના, જે કોઈની કાવ્યદ્વારા નિષ્પત્તિ થતી હોય તેમાં માધ્યમ તો શબ્દ અને અર્થ છે તેથી, તે તે રસાદિનો ભાવકને થતો અનુભવ આ શબ્દ કે અર્થની શક્તિને આધીન છે. દા. ત. શબ્દ અને અર્થની વ્યંજના શક્તિને લીધે જ રસાદિનો આવિષ્કાર ભાવકનાં ચિત્તમાં થાય છે, ભાવકમાં આ અનુભવ થાય છે તેનું કારણ શબ્દાર્થમાં રહેલી વ્યંજના નામે શક્તિ છે, નહીં કે ભાવકમાં પોતાનામાં રહેલી અનુભવ કરવાની કોઈ શક્તિ, કલાનુભવ વખતે ભાવક તો, વિવશ બનીને, કલાકારના હાથમાં પોતાને મૂકી દે છે. કલાકાર પોતાની કલાથી ભાવકનાં આખાં આત્મતંત્ર ઉપર સમર્થ અસર કરે છે. જેમ મોરલીધર પોતાની મોરલીનાં સંગીતથી સાપને, પોતે ઈચ્છે તેમ નચાવી શકે છે તેમ કલાકાર પોતાની કલાથી ભાવકમાં ઈષ્ટ અનુભવની નિષ્પતિ કરાવી શકે છે.
આ નિષ્પતિ કરાવવામાં, ભાવકમાં રહેલી ગૂઢાતિગૂઢ વાસના કલાકારને બહુ જ કામમાં આવે છે. વિધવિધ અનુભવોની સૂક્ષ્મ વાસનાગ્રન્થિ ભાવકમાં છે, એ સુષુપ્ત દશામાં છે; એને કલાકાર પોતાની કલાથી જાગ્રત કરે છે. એ જાગ્રત થાય છે તેને પરિણામે ભાવકને કલાનુભવ થાય છે: પણ એ જાગ્રત થાય છે તેમાં કે એ કલાનુભવ થાય છે તેમાં ભાવકની પોતાની કોઈ શક્તિ સંપ્રજ્ઞાત કામ કરતી હોય એમ લાગતું નથી. અલબત વિવિધ અનુભવથી અતીવ સમૃદ્ધ બનેલું આત્મતંત્ર (વાસનાતંત્ર) ભાવકમાં ન હોય તો એને ઈષ્ટ કલાનુભવ ન થાય. એટલે, આ અનુભવસમૃદ્ધ વાસનાતંત્ર, કલાનુભવ માટે આવશ્યક છે, પણ આ વાસનાઓને જગાડવામાં ભાવક પોતે કશું જ કરતો નથી. એ તો કલાનુભવ વખતે કલાકારને અનુકૂલ બને છે અને કલાકારને તેની કલા પોતાના ઉપર અજમાવવાની બધી જ અનુકૂળતા મળે તેવી ચિત્તવૃત્તિ ધારણ કરે છે. આમ વિવિધ કલાનુભવમાં જે તદાકારતા ભાવક અનુભવે છે તે તો કલાકારની કલાની શક્તિને આભારી છે. ભાવકમાં રહેલી અનુભવ કરવાની કોઈ શક્તિને નહીં. ભાવકમાં અનુભવની સામગ્રી છે, અનુભવ કરવાની શક્તિ નહીં. એટલે મને તો એમ લાગે છે કે પરસ્પરથી વિરુદ્ધ એવા ભાવવિચારાદિમાં ભાવક તલ્લીન થાય છે અને સમાનભાવ અનુભવે છે; પણ આ સમાનભાવ તો માત્ર એક વ્યાપાર છે, સમાનભાવ (કે સમાન સંવેદન કે અનુભાવના) નામની કોઈ ગૂઢ સમર્થ શક્તિ ભાવકમાં હોય એમ તો નથી લાગતું.
વિધવિધ ભાવો વિચારો તેમજ એક જ ભાવના વિવિધ અંશોને ભાવક જરૂર અનુભવે છે, તે પણ પોતાની કોઈ શક્તિને લીધે નહીં, પણ તે તે ભાવ વિચાર કે ભાવાંશ કે વિચારાંશની સૂક્ષ્મ વાસનાગ્રન્થિથી તેનું આત્મતંત્ર અતિશય સમૃદ્ધ બન્યું છે તેને લીધે છે એમ મને લાગે છે.
એટલે કલાકારનો અનુભવ ભાવક પોતાનો કરે છે[6] અથવા
ખરી રીતે કહીએ તો કલાકારનો અનુભવ ભાવક પોતાના તરીકે અનુભવે છે તેમાં ભાવકમાં રહેલી કોઈ ગૂઢ શક્તિ કામ કરતી નથી, કલાકારની કલામાં રહેલી વ્યંજનાશક્તિ જ એ કામ તો કરે છે. આ વાત વિષ્ણુપ્રસાદ જાણે છે છતાં કોણ જાણે કેમ એમણે અનુભાવના નામે જુદી શક્તિ સ્વીકારવાનું ઉચિત ધાર્યું છે. એમણે જ કહ્યું છે,[7] ‘એ ભાવોને એ પહોંચી શક્યો તેમાં વાચકમાં રહેલી ગૂઢ શક્તિનું દર્શન થાય છે, પણ એમાં એનું પરાક્રમ થોડું જ છે? પરાક્રમ તો કવિનું જેણે એવી કૃતિ રચી કે આપણે તદાકાર થઈ શક્યા.’ અહીં તો તદાકાર થવામાં કવિની કૃતિની શક્તિ જ તેમણે સ્વીકારી છે, વાચકની શક્તિને નકારી છે; તો પછી, વાચકમાં અનુભાવના નામની જુદી શક્તિ છે એમ ગણવાનું શું કારણ છે? જો એ ભાવનો અનુભવ કરવામાં વાચકનું કાંઈ જ પરાક્રમ ન હોય તો પછી એનામાં એવી કોઈ ગૂઢ શક્તિ છે એમ માનવાની જરૂર રહેતી નથી.
બીજાં એક સ્થળે એમણે કહ્યું છે,[8]“શબ્દની શક્તિમાં કિંવા તટસ્થની (વિભાવન અનુભાવન રૂપની) સંવેદન શક્તિમાં એ (સાધારણીકરણ) અન્તર્ગત છે.” અહીં શબ્દની શક્તિને અને અનુભાવનાની શક્તિને એકરૂપ ગણી છે. આગળ મેં ક્હયું જ છે કે કલાનુભવની નિષ્પત્તિ માટે શબ્દની કે શબ્દાર્થની શક્તિ જ કામ કરે છે, ભાવકમાં રહેલી કોઈ શક્તિ કામ કરતી નથી. ઉપર આ બે શક્તિને વિષ્ણુપ્રસાદે એક જ ગણી છે. તો પ્રશ્ન એટલો જ રહે છે કે આ બન્ને શક્તિ એક જ છે કે જુદી જુદી છે? એક જ હોય તો શબ્દની શક્તિ તો કવિગત છે અને વિભાવનાશક્તિ તો ભાવકગત છે, તેનું શું? જો જુદી જુદી હોય તો બેમાંથી કઈ સાચી, શબ્દની કે તટસ્થની? મને તો આ વિષયમાં તટસ્થની કોઈ શક્તિ જ દેખાતી નથી.
હા, કલાનુભવની ક્ષણ પછી, એક વખત કલાકારની ઈન્દ્રજાળના એ પાશમાંથી છૂટા થયા પછી, વિવેચક આખો જ કલાનુભવ ફરીથી પ્રત્યક્ષ કરી શકે છે, અને આ એના પોતામાં રહેલી કોઈ શક્તિને લીધે જ બને તે સ્પષ્ટ છે. પણ આ શક્તિ તો જેને આપણે પ્રતિભા કહીએ છીએ તેનું જ એક રૂપ છે. આટલા માટે જ રાજશેખરે કાવ્યમીમાંસામાં પ્રતિભાનાં બે રૂપો કહ્યાં છે. એક કારયિત્રી અને બીજી ભાવયિત્રી. સર્જકની પ્રતિભા તે કારયિત્રી અને ભાવકની પ્રતિભા તે ભાવયિત્રી. કલાનુભવની ક્ષણ વીતી ગયા પછી, ભાવક જે પુનરનુભવ કરી શકે છે તે આ ભાવયિત્રી પ્રતિભાને લીધે જ. આ ભાવયિત્રી પ્રતિભાને અનુભઆવના શક્તિ કહેવી હોય તો કહી શકાય ખરી. પણ વિષ્ણુપ્રસાદે કલાનુભવની ક્ષણે જ આ અનુભાવનાશક્તિ કામ કરે છે એમ પ્રતિપાદિત કર્યું છે, જે સ્વીકાર્ય નથી.[9]
અનુભાવનાના આ પ્રશ્નના અનુસંધાનમાં વિષ્ણુપ્રસાદે પૂછેલો એક પ્રશ્ન વિચારવો જરૂરી છે. એમણે પૂછ્યું છે,[10] ‘કલાનુભવનાં પર્યવસાન માટે આનંદ શબ્દ શું ઉચિત છે?’ આ આનન્દને સમજાવતાં એ કહે છે, [11] “આથી આનંદ (pleasure)ને સ્થાને આપણે પરનિર્વૃતિ કે વૃત્તિઓની તલ્લીનતા (transport) મૂકી શકીએ. એનો અર્થ એ થયો કે મન કોઈપણ વૃત્તિમાં તદાકાર થઈ શકે છે; કોઈપણ લાગણીમાં-હર્ષ શોક ભય ચીઢ આદિમાં તલ્લીન થઈ શકે છે અને એ તલ્લીનતા તે એને પ્રતિકૂળ વેદના નથી.” આમ આનન્દ અને તલ્લીનતાને તેઓ પર્યાય ગણે છે.
આ તલ્લીનતાનું વર્ણન તેઓ આમ કરે છે;[12] ‘આ તલ્લીનતા પણ મૂઢ તલ્લીનતા નથી, જાગ્રત છે, સચેત છે. એમાં ચિત્તની ચેતનાશક્તિ સંપૂર્ણપણે કામ કરતી હોય છે. એ અનાવૃત થાય છે. તે બુદ્ધિને શિથિલ નથી કરતી, પણ તીવ્ર ને સૂક્ષ્મ કરે છે..’[13] ‘આ પ્રશ્નમાં મારો આગ્રહ એ છે કે કલાકૃતિનાં પર્યવસાનમાં કેવળ લાગણીની સ્થિતિ નથી, એમાં ઘણીવાર ઈચ્છાશક્તિનું પણ સૂક્ષ્મ સંચલન થાય છે.’
અહીં તેમણે નીચે પ્રમાણે વિધાનો કર્યા છે: (૧) કલાનુભવના પર્યવસાન માટે આનન્દ શભ્દ ઉચિત નથી. (૨) આનન્દ અને તલ્લીનતા પર્યાય છે. (૩) તલ્લીનતા મૂઢ નથી, જાગ્રત છે. એમાં ચિત્તની ચેતનાશક્તિ સંપૂર્ણપણે કામ કરતી હોય છે. (૪) કલાકૃતિનાં પર્યવસાનમાં એટલે તલ્લીનતામાં ઘણીવાર ઈચ્છાશક્તિનું પણ સૂક્ષ્મ સંચલન હોય છે.
આનો અર્થ એ થયો કે કલાનુભવનું પર્યવસાન આનન્દ કે તલ્લીનતા છે અને એના માટે આનન્દ શબ્દ ઉચિત નથી. મારે કહેવું જોઈએ કે તલ્લીનતા અને આનન્દ એક નથી તેમજ તલ્લીનતા કલાનુભવનું પર્યવસાન પણ નથી. તલ્લીનતા અથવા જેને આપણા આલંકારિકો વિગલિતવેદ્યાન્તરત્વ કહે છે તે કલાનુભવમાં ઉપાન્ત્ય સ્થિતિ છે, અન્ત્ય નહીં, એ તલ્લીનતાને પરિણામે, જેને વિષ્ણુપ્રસાદ ચિત્તને અનુકૂળ વેદના કહે છે તે આનન્દનો અનુભવ થાય છે. તલ્લીનતા અને આનન્દને એક ગણવાથી જ વિષ્ણુપ્રસાદને ઘણી ભાંજગડમાં ઊતરવું પડ્યું છે. કલાનુભવનાં એક સ્થિત્યન્તરે, આપણે કલાદ્વારા નિરૂપાતા સુખદુઃખાદિ ભાવો સાથે તલ્લીન થઈએ છીએ. પણ એ તલ્લીનતા તે જ ચિત્તની અનુકૂળ વેદના છે તે સાચું નથી.
સમજને ધ્યાનમાં રાખતાં, આ વચનો બરાબર સમજાય તેવાં નથી.
આપણે કલાનુભવ કરીએ છીએ. રામસીતાના વિરહનો પ્રસંગ ભજવાતો જોઈએ છીએ. નટ રામસીતાના પાઠ ભજવે છે અને એની કળા કુશળ હોય તો આ રામ નથી પણ નટ છે એવું ભાન અને આ નટ નથી પણ હું છું એવું ભાન આપણે ભૂલી જઈએ છીએ. એટલે કે, નટની કળામાં તલ્લીન થઈ જઈએ છીએ. આ તલ્લીનતા. પણ આ તલ્લીનતા કલાનુભવનું પર્યવસાન અથવા અંતિમ સ્થિત્યન્તર નથી. આમ ભાન ભૂલી ગયા પછી જ, એ તલ્લીનતા અથવા વિગલિતવેદ્યાન્તરત્વને પરિણામે જ આપણે ‘ચિત્તને અનુકૂળ વેદના’ અનુભવીએ છે. એટલે ચિત્તને અનુકૂળ વેદના તે કલાનુભવનું પર્યવસાન છે, પણ તલ્લીનતા કે અનુભાવનાશક્તિ નથી.
તો પછી વિષ્ણુપ્રસાદ તલ્લીનતાને કે અનુભાવનાને કલાનુભવનું પર્યવસાન શા માટે ગણે છે? વળી કલાનુભવનાં પર્યવસાનમાં ઈચ્છા શક્તિ પણ કામ કરે છે એમ તેઓ શા માટે કહે છે? આમ તો આ વચનો મને સમજાતાં જ નથી એમ મારે કબૂલ કરવું જોઈએ. પણ કલાનુભવનું હું પૃથક્કરણ આમ કરું છું.
(૧) નટ કલાદ્વારા રામસીતાનું નિરૂપણ કરે છે તેમાં ભાવકની થતી તલ્લીનતા, (૨) આ તલ્લીનતાને પરિણામે ચિત્તમાં નીપજતી આસ્વદ્યતાની સ્થિતિ. અહીં સુધી પ્રત્યક્ષ કલાનુભવ ચાલે છે. (૩) પણ નટનું પ્રત્યક્ષ નિરૂપણ પૂરું થઈ ગયું, કલાનુભવ પૂરો થઈ ગયો પછી કેટલેક વખતે મનની શાન્ત અક્ષુબ્ધ દશામાં ભાવક કે વિવેચક એ આખો કલાનુભવ ફરી પ્રત્યક્ષ કરે તે કલાનો પુનરનુભવ, આમ કલાનુભવનાં બે સ્થિત્યન્તરો તલ્લીનતા અને આસ્વદ્યતાની સ્થિતિ પછી કલાકારથી પરોક્ષ સ્થિતિમાં ભાવકને કલાનો ફરીથી અપ્રત્યક્ષ અનુભવ થાય તે કલાનો પુનરનુભવ.
મને શંકા છે કે વિષ્ણુપ્રસાદથી કલાનુભવનાં પર્યવસાનના અર્થમાં આ ત્રણે સ્થિતિ વચ્ચે ગોટાળો થઈ ગયો છે, આપણા આલંકારિકો ઉપરનાં બીજાં સ્થિત્યન્તરને એટલે આસ્વાદ્યતાની સ્થિતિને કલાનુભવનું પર્યવસાન ગણે છે અને એને આનન્દ શબ્દથી વર્ણવે છે. એને બદલે આનન્દ અને તલ્લીનતાને એક ગણવાથી ઉપરનાં પહેલાં બે સ્થિત્યન્તરો વચ્ચે ગોટાળો થઈ ગયો છે. અને તલ્લીનતા અથવા સમાનભાવને અનુભાવના સાથે એકરૂપ ગણવાથી ઉપરનાં પહેલાં બે અને ત્રીજાં સ્થિત્યન્તર વચ્ચે ગોટાળો થઈ ગયો છે. ઉપરનાં પહેલાં બે સ્થિત્યન્તરોમાં ઇચ્છાશક્તિ કામ કરતી હોય એમ મને લાગતું નથી ત્રીજામાં ઇચ્છાશક્તિ કદાચ કામ કરતી હશે. પહેલાં બે સ્થિત્યન્તરોમાં કશી જ સંપ્રજ્ઞાત ક્રિયા થતી હોય એમ હું ધારતો નથી તો ત્રીજામાં તો બધી પ્રક્રિયા સંપ્રજ્ઞાત જ હોય તે સ્પષ્ટ છે. આ ત્રીજાં સ્થિત્યન્તરમાં ભાવકની ભાવનાની કે અનુભાવનાની શક્તિ કામ કરે છે. પણ આ ત્રણ સ્થિત્યન્તરો વચ્ચેનો ભેદ લક્ષમાં ન લેવાથી જ વિષ્ણુપ્રસાદનાં આ આખાં વિવેચનમાં અસ્પષ્ટતા અને પરિણામે અસત્ય ઘૂસી ગયાં છે એમ હું ધારું છું. ઉપરનાં પહેલાં બે સ્થિત્યન્તરોનો ભેદ લક્ષમાં ન લેવાથી જ આનન્દ શબ્દનાં ઔચિત્યાનોચિત્યનો પ્રશ્ન એમને નડ્યો છે અને એ ત્રણે સ્થિત્યન્તરોના ગોટાળાને લીધે, જે અનુભાવના શ્કતિ માત્ર ત્રીજાં સ્થિત્યન્તરને લાગુ પાડવી જોઈએ[14] તે તેમણે પહેલાંને અને બીજાને લાગુ પાડી છે.
મારું આ પૃથક્કરણ સાચું હોય તો, પ્રત્યક્ષ કલાનુભવનાં કોઈ પણ સ્થિત્યન્તરે અનુભાવના નામે શક્તિ પ્રવર્તી શકે જ નહીં અને તો પછી આનન્દ શબ્દની અનુચિતતા પણ રહે નહીં
(કાવ્યવિવેચન, પ્રકા. ચારુતર પ્રકાશન, આણંદ, ૧૯૪૯)
- ↑ જુઓ. અ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીકૃત પરિશીલન નામે ગ્રન્થ. પૃ.૧૧૯-૨૦
- ↑ એ જ. પૃ.૧૨૨
- ↑ એ જ પૃ.૫૩
- ↑ એ જ. પૃ.૩૩
- ↑ એ જ. પૃ. ૩૯
- ↑ ‘કવિનો અનુભવ વાચક પોતાનો કરે છે’ એ વચન જ મને તો યોગ્ય લાગતું નથી. ખરી રીતે ભાવકમાં રહેલો અનુભવ, કવિ પોતાના જ અનુભવની વ્યક્તિદ્વારા વ્યક્ત કરે છે. આથી એમાં ભાવકનું કોઈ પરાક્રમ નથી, કવિનું પરાક્રમ છે.
- ↑ પરિશીલન, પૃ.૧૨૬
- ↑ જ, પૃ.૫૨.
- ↑ વિષ્ણુપ્રસાદની છે એવી જ કોઈ સમજણથી ભટ્ટ નાયકે ભોજકત્વ નામે એક શક્તિ કલ્પી હતી. વિષ્ણુપ્રસાદ અનુભાવનાને ભોજકત્વ સાથે એકરૂપ ગણતા લાગે છે. (જુઓ પૃ.૩૯). પણ એક તો અભિનવે, ભટ્ટ નાયકની આ ભોજકત્વશક્તિને નકારી છે અને બીજું, ભટ્ટ નાયકે ભોજકત્વને શબ્દની શક્તિ ગણી છે, ભાવકની નહીં તે ભૂલવું ન જોઈએ.
- ↑ એ જ પૃ.૧૧૮
- ↑ એ જ પૃ.૧૧૮
- ↑ એ જ પૃ.૧૧૮
- ↑ એ જ પૃ.૧૧૮-૯
- ↑ અનુભાવનાશક્તિ ઉપરનાં ત્રીજાં સ્થિત્યન્તરમાં જ પ્રવર્તે છે એમ કહીએ તો જ તેમનું ‘કલ્પનાદ્વારા સર્જનને અનુરૂપ અનુભવ કરવાની વાચકની શક્તિ અમાપ છે’ તે વચન સમજી શકાય. કલાના પ્રત્યક્ષ અનુભવની ક્ષણનાં કોઈપણ સ્થિત્યન્તરે કલ્પના કામ કરતી હોય એમ લાગતું નથી. પરંતુ, કલાનિરૂપણના પુનરનુભવ વખતે કલ્પના કામ કરે છે એમ કહીએ તો તે સમજાય તેમ છે.
****