< હયાતી
હયાતી/૨૯. માધવ ક્યાંય નથી મધુવનમાં
Revision as of 01:33, 10 April 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૨૯. માધવ ક્યાંય નથી મધુવનમાં | }} {{center|<poem> ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં : માધવ ક્યાંય નથી મધુવનમાં. કાલિન્દીના જલ પર ઝૂકી પૂછે કદંબડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વ...")
૨૯. માધવ ક્યાંય નથી મધુવનમાં
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીના જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઈ ન માગે દાણ
કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં
રાવ કદી ક્યાં કરતી!
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસમટુકી
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાળજ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
૧૯૬૩