બાબુ સુથારની કવિતા/ભૂવા દાણા જૂએ છે
ૐ અંતર મંતર
જાદુ તંતર
મેલડી વંતરી
ભૂત શિકોતર
નાડાછડીને ચડ્યા વેતર
એક નહીં
બે નહીં
પૂરાં સાડા તેતર.
ગુરુ પરતાપે હમ જૂઠ નહીં બોલતા
સૂરજ મેરા ગુરુ
આકાશ મેરા ગુરુ
બોડી બામણી મેરા ગુરુ
પછી ગુરુ તમે કહ્યું હતું
તેમ
કર્યું અમે.
અમે વાડકીમાં લીધા
મકાઈના દાણા
સવા મુઠ્ઠી ભરીને,
પછી વાડકી ફેરવી
ગોલ્લાના માથે
સાત ફેરા,
પછી અમે ગોલ્લાને કહ્યું:
અંતર મંતર
પગના અંગૂઠે
જગાડ જંતર,
જગાડ શંખ
મેરુદંડમાં.
ચાલ, કાયામાં છે
તે
અન્નમાં લાવ,
માયામાં છે
તે
અન્નમાં લાવ,
જીવમાં છે
તે
બે દાણામાં લાવ,
મનમાં છે
તે
અઢી દાણામાં લાવ.
પછી ગોલ્લાને પગનો અંગૂઠો
અડકાડ્યો વાડકીને
કે
કાયા માયા અને જીવ
પોથી બની ઊઘડ્યાં
દાણે દાણે
મ્હેંદી ઊઘડે એમ.
પછી અમે ચપટી દાણા લઈ
નાખ્યા ભૂમિ પર
અને
કહ્યું:
આ ભૂમિ સાક્ષી છે હે, અન્નદેવ
જૂઠ ના બોલના
પાંચ આગળીઓ સાક્ષી છે હે અન્નદેવ
જૂઠ ના બોલના
કોળિયામાંથી
કોઠામાં
કોઠામાંથી
ડીલમાં
ડીલમાંથી
જીવમાં
જીવમાંથી
આતમામાં
આતમામાંથી
પરમાતમામાં
ડમરો થઈને મઘમઘતા મારા દેવ
જૂઠ ના બોલના
એક સવા ગજ મોટું જંગલ
જંગલમાં એક ફૂલ
ફૂલમાં કળા કરે
સ્ત્રીકેસર
અને
પુંકેસર
દેવ જૂઠ ના બોલના
દાણા નાખ્યા તેવા વેરાયા
એક ગયો ઓત્તરે
એક દખ્ખણે
એક ઊગમણે
એક આથમણે
ગુરુ, અડધા માગ્યા
તો આખા થઈને ઊતર્યા
આખા માગ્યા
તે અઢી
અઢી માગ્યા તો
ત્રણ થઈને ઊતર્યા
ત્રણ માગ્યા
તો ઊતર્યા મણ
ને મણ માગ્યા
તે અધમણ.
ગુરુ, કેમ બોલતા નથી આ દાણા?
ગુરુ, શું થયું છે અન્નદેવને?
ગુરુ, ક્યાં ગઈ અન્નદેવની વાણી?
ગુરુ, આ દાણાને દહેરે દહેરે
કેમ ફરકવા લાગી છે ધજાઓ
અસદ્ ની?
દાણે દાણે કોણે કાપી કાપીને લટકાવી છે
જીભો
હડકાયા કૂતરાની?
ગુરુ, ૐને એંઠું કર્યું છે કોણે?
સત્ ને કોણે બાંધ્યું છે
સ્વસ્તિકમાં?
ગુરુ, અમે ફરી એક વાર દાણા નાખ્યા
વેર્યો ગોલ્લાનો દેહ
અઢી દાણામાં,
ગોલ્લાના જીવમાં અમે
સૂતો જગાડ્યો કેવડો,
પણ કાંઈ કહેતાં કાંઈ નહીં ગુરુ.
ગુરુ, દાણે દાણે ફૂટ્યા દાંત
દાંતે દાતે દીવા
દીવે દીવે સાપ
પોતપોતાની ફેણ
દોણી જેમ સળગાવીને બેઠા
ગુરુ, કહું તો દાણા બોલે.
અમે દાણા પડતા મૂકી
બળતી દોણીઓની
વચ્ચે થઈને
આગળ ચાલ્યા.
(‘ગુરુજાપ અને માંલ્લું’માંથી)