બાબુ સુથારની કવિતા/આજે કાળી ચૌદશ
આજે કાળી ચૌદશ
આજે ફૂટેલા હાંડલામાં આખું વરસ ગાળ્યા પછી
રૂપલી ડાકણ બહાર આવશે,
એક મૂઠ મારીને એ સૂકવી નાખશે
મહાસુખકાકાના વાડામાં આવેલા પીપળાને
અને સીમ આખીના કૂવાનાં જળને
સાપણોની પીઠ પર બેસાડીને
ચારે દિશાએ દોડાવશે.
આજે રૂપલી
દિવેટમાં મગર ગૂંથીને
દીવો કરશે
અને એને અજવાળે
અંધારાની કાયાને ચીરીને
એમાં મીઠું મરચું ભરશે,
ઝાડનાં પાંદડાને તળિયે
વડવાગોળોની જેમ લટકી રહેલો અંધકાર
આજે સાત સાત પેઢી બહાર આવેશ રૂપલીની સેવામાં.
રૂપલી કહેશે તે એ
સામે ચડીને રાંડશે
અને રૂપલી કહેશે તો એ
સાટવાની સાથે સાત ફેરા ફરશે.
આજે રૂમાલ બારીયો પણ પાછો નહિ પડેઃ
ઉંદરની પીઠ પર અંબાડી મૂકીને
આજે એ બાબરિયા ભૂતનો મહેમાન બનશે,
ખાંહારા ભૂતના વરઘોડામાં જશે
અને ચૂડેલની પીઠમાં મશાલ સળગાવશે.
વાલમો વંતરીની છાતી કાપીને વળગણીએ સૂકવશે
અને એની જીભમાં અકાળે ડૂબી ગયેલા એના પૂર્વજોને
એક પછી એક બહાર કાઢી
મકાઈના દાણા પર બેસાડશે.
આજે બાપા અને મોટાભાઈ પણ
જોગણી અને વણઝારીને
લુગડાં પહેરાવશે,
એટલું જ નહિ
કાકા નાળિયેરનાં પાણીમાં ડૂબી ગયેલા પાવાગઢને
ટચલી આંગળીથી બહાર કાઢશે
અને મોટો ભાઈ
નવ ગજા પીરને કાન પકડાવીને ઊઠબેસ કરાવશે.
આજે ગામ આખામાં દેવે ઘેર ઘેર ફરીને ચોખા મૂકશે
અને ઉંબરા, ટોડલા, ખીંટી, મોભ, પાટડા, વળીઓને
કીડીબાઈની જાનમાં જોડાવા આમંત્રણ આપશે.
પણ આજે ફિલાડેલ્ફિયામાં કંઈ નહિ બને,
શહેરમાં, પરાવિસ્તારમાં દસ પંદર ગોળીબારો થશે,
બે પાંચ મરશે,
દવાખાનાના ઇમર્જન્સી ઓરડાઓમાં દાક્તરો
કેટલાક મનુષ્યોના જીવને
એમના દેહમાં બાંધી રાખવાનો પ્રયત્ન કરશે,
જેવું આખા અમેરિકામાં બનશે
એવું મારા શહેરમાં પણ બનશે.
વરસાદ નહિ હોય તો પણ
ઈશ્વર પોતાનું મોં છૂપાવવા
છત્રી લઈને શહેરના આ છેડેથી પેલા છેડે નીકળી જશે.
(ઉથલો ત્રીજો)
(‘ઘરઝુરાપો’માંથી)