બાળ કાવ્ય સંપદા/ઝરણું (૨)
Jump to navigation
Jump to search
ઝરણું
લેખક : ધનસુખલાલ પારેખ
(1934)
હળવે હાથે હરિએ મૂક્યું,
ખળહળ વહેતું ઝરણું.
ઠુમ્મક ઠુમ્મક ચાલે સરતું,
વનવન વહેતું ઝરણું.
નાચતુંકૂદતું-, હસતુંરમતું-,
ગુનગુન કરતું ઝરણું.
અલક મલક, છલક છલક,
છમછમ છલકતું ઝરણું.
મનગમતું, સૌને ગમતું,
દડબડ દડતું ઝરણું.
રૂમ્મક ઝુમ્મક, થનગનતું,
કલકલ કરતું ઝરણું.
સરસર સરસર સરતું
સાગરને મળતું ઝરણું.