ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ (પેટલીકર)

From Ekatra Foundation
Revision as of 03:56, 21 April 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ

સાહિત્યના ક્ષેત્રમાં જાણીતું નામ ઈશ્વર પેટલીકર. જાતે લેઉઆ પાટીદાર. વતન પેટલાદ તાલુકાનું પેટલી ગામ. જન્મ વતનમાં તા. ૯-૫-૧૯૧૬ના રોજ. પિતાનું નામ મોતીભાઈ જીજીભાઈ. માતાનું નામ જીબાબહેન, પત્નીનું નામ કાશીબહેન. લગ્નસાલ ૧૯૩૩. પ્રાથમિક કેળવણી પેટલી અને મલાતજ ગામોની શાળામાં લીધી. માધ્યમિક શિક્ષણ મલાતજની એ. વી. સ્કૂલમાં તેમજ સોજિત્રા હાઈસ્કૂલમાં પ્રાપ્ત કરીને ઈ.સ. ૧૯૩૫માં તેઓ મૅટ્રિક પાસ થયા. ત્યારબાદ તેઓ વડોદરાની પુરુષ-અધ્યાપન-પાઠશાળાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરીને ઇ. સ.૧૯૩૮માં ‘ઉત્તમપદ’ (સિનિયર) થયા. કુટુંબ, ગામ કે નિશાળનું વાતાવરણ તેમને સાહિત્યક્ષેત્રે ખેંચે તેવું ન હતું. તેમની પોતાની પણ અભ્યાસકાળ દરમિયાન સાહિત્ય તરફ અભિરુચિ ન હતી. ઊલટું, વાચનની શરૂઆત ‘કાળરાત્રિનું ખૂની ખંજર’ અને ‘તરુણ તપસ્વિની’ જેવાં ઉટંગ પુસ્તકોથી તેમણે કરી હતી. પરંતુ સદ્ભાગ્યે હાઈસ્કૂલનાં ઉપલાં ધોરણોના અભ્યાસકાળે શ્રી. રમણલાલ દેસાઈની નવલકથાઓના વાચનથી તેમના જેવી વાર્તાઓ લખવાની લેખકને વૃત્તિ જન્મી. અભ્યાસ પૂરો કર્યા બાદ પાદરા અને કરજણ તાલુકાનાં અઠવાડિયામાં બે જ દિવસ ટપાલ આવી શકે તેવાં નાનાં ગામડાંમાં તેમણે શિક્ષકજીવન શરૂ કર્યું. એવાં પ્રતિકૂળ સ્થળો ને સંજોગોમાં પણ લેખક થવાની વૃત્તિ તેમનામાં વધતી જતી હતી. એ વૃત્તિને સંતોષવા શરૂઆતમાં તેમણે ‘પાટીદાર’ માસિકમાં ટૂંકી નવલિકાઓ લખવાના અખતરા શરૂ કર્યાં. ત્યારબાદ બીજાં સામયિકોએ પણ તેમની વાર્તાઓ સ્વીકારી. એ નિમિત્તે ‘પ્રજાબંધુ’ દ્વારા શ્રી. ચુનીલાલ શાહનો ૫રિચય થતાં તેમના પ્રોત્સાહનથી લેખકને આત્મશ્રદ્ધા જન્મી. પહેલવહેલી નવલકથા ‘જનમટીપ’ તેમણે ‘પ્રજાબંધુ’માં કકડે કકડે આપી, જે છપાતાં જ ખૂબ વખણાઈ આની અગાઉ ૧૨૮ પાનાંની એક લાંબી વાર્તા ‘કપટીનાં કારસ્તાન’ તેમણે એકી બેઠકે લખી રાખેલી: પણ એ વાર્તા ‘કોઈ જાતના સત્વ વગરની હોવાથી’ શરૂઆતમાં તેને છપાવતાં તેમની હિંમત ચાલેલી નહિ. ‘જનમટીપ’ છપાતી જતી હતી તે અરસામાં જ લેખકનું પહેલું પુસ્તક ‘ગ્રામચિત્રો’ શ્રી રા. વિ. પાઠકની પ્રસ્તાવના સહિત પ્રગટ થયું. ઈ.સ. ૧૯૪૪માં ‘જનમટીપ’ની બીજી આવૃત્તિ સ્વ. મેઘાણીની જોરદાર પ્રશંસા સાથે બહાર પડી. ઈ.સ. ૧૯૪૪માં લેખક છ વરસનું શિક્ષકજીવન છોડી આણંદના ‘આર્યપ્રકાશ’ સાપ્તાહિકમાં જોડાયા. ત્યારબાદ ‘પાટીદાર’ માસિકના તંત્રી સ્વ. નરસિંહભાઈ પટેલ નિવૃત્ત થતાં તેનું તંત્રીપદ તેમણે સંભાળ્યું. તાજેતરમાં ‘રેખા’ માસિકનું સંપાદન પણ તેમણે શ્રી. જયંતી દલાલ પાસેથી સંભાળી લીધું છે. તેમને સામાજિક વિષયોમાં અને ગામડાંની જનતામાં ઊંડો રસ છે. સમાજનાં સર્વ પાસાંને જાતે અવલોકી ગામડાંના વિવિધ જીવનપ્રવાહોનું નિરીક્ષણ કરી તેમાં વસતાં માનવીઓનું યથાર્થ દર્શન નવલકથાઓ ને નવલિકાઓ દ્વારા તેઓ કરાવે છે. કેમકે આખરે માનવીએ માનવીને જ ઓળખવાનો છે અને માનવનું જીવન સમાજ સાથે જોડાએલું છે. તેમના પ્રિય વાર્તાલેખકો શરદચંદ્ર અને રમણલાલ છે. વાર્તા તેમનો મનગમતો સાહિત્યપ્રકાર છે. રા. પેટલીકર પાસે ગ્રામજીવનની અનોખી શૈલી અને દૃષ્ટિ છે. ચરોતરમાં ઉછેર અને કાનમ તથા વાકળમાં નોકરી, એમ ગામડાંની ધૂળમાં તે રખડેલા છે તેથી તેમનાં પુસ્તકમાં ગ્રામધરતી અને તેની ઉપર ખેલતાં, આથડતાં, સરળ અને ભોળું તેમજ લાગણીઘેલું અને ક્ષુદ્ર જીવન જીવતાં ખેડૂત, પાટીદાર, શાહુકાર, અને વિવિધ વસવાયા કોમોના લોકોના સ્વભાવ, રિવાજ ને વૃત્તિઓનું અચ્છું નિરૂપણચિત્ર જોવા મળે છે. વિશેષે કરીને તેમની ‘જનમટીપ’ નવલકથા કુશળ પાત્રચિત્રણ, સુદઢ વસ્તુગૂંફન, ગ્રામજીવનની સચોટ બોલી અને વાતાવરણના તાદશ ચિત્રણો વડે છેલ્લાં પાંચ વર્ષની નવલોમાં ઊંચું સ્થાન મેળવી લે છે. તાજેતરમાં બહાર પડેલ ‘કાશીનું કરવત’ તેમની વાર્તાકળાનો સ્પષ્ટ વિકાસ સૂચવે છે. લેખક શહેરી જીવન કરતાં ગ્રામજીવનના ઊંડા ભાવો અને રહસ્યોને પ્રગટ કરતી વાર્તાઓ વ્યાપક ભૂમિકા ઉપર જરા કડક કલાધેારણે વધુ ને વધુ પ્રમાણમાં રચતા રહીને ગુજરાતના પ્રથમ પંક્તિના વર્તાકારોમાં નિશ્ચિત સ્થાન પ્રાપ્ત કરશે, એવી આશા હાલ તેમની સર્જનપ્રવૃત્તિ જોતાં અવશ્ય બંધાય છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક * મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. ગ્રામચિત્રો *રેખાચિત્ર *૧૯૪૩ *૧૯૪૪ *ગોરધનભાઈ મુ. પટેલ, આણંદ *મૌલિક
૨. જનમટીપ *નવલકથા *૧૯૪૩ *૧૯૪૪ લોકપકાશન લિ.,અમદાવાદ *મૌલિક
૩. લખ્યા લેખ *નવલકથા *૧૯૪૪ *૧૯૪૫ લોકપ્રકાશન લિ., અમદાવાદ *મૌલિક
(બીજી આવૃત્તિ) *નવલકથા * - *૧૯૪૬ *ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ *મૌલિક
૪. ધરતીનો અવતાર *નવલકથા *૧૯૪૫ *૧૯૪૬ *ભારતી સહુત્ય સંઘ, અમદાવાદ *મૌલિક
૫. તાણાવાણા *નવલિકાઓ ૧૯૩૯થી ૧૯૪૬ *૧૯૪૬ ગાંડિવ સાહિત્ય મંદિર, સુરત *મૌલિક
૬. ૫ટલાઈના પેચ ભા.૧-૨- *નવલિકાઓ ૧૯૪૧થી ૧૯૪૬ *૧૯૪૬ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ *મૌલિક
૭. માનતા *નવલિકાઓ ૧૯૪૫થી ૧૯૪૬ *૧૯૪૭ *ગતિપ્રકાશન લિ. અમદાવાદ *મૌલિક
૮. પંખીને મેળો *નવલકથા *૧૯૪૬ *૧૯૪૭ *ભારતી સાહિત્ય સંઘ. અમદાવાદ *મૌલિક
૯. પાતાળકુવો *નવલકથા *૧૯૪૭ *૧૯૪૭ *ભારતી સાહિત્ય સંઘ. અમદાવાદ *મૌલિક
૧૦. કળિયુગ ભા. ૧-૨ *નવલકથા *૧૯૪૭ *૧૯૪૮ *ભારતી સાહિત્ય સંઘ. અમદાવાદ *મૌલિક
૧૧. પારસમણિ *નવલિકાઓ *૧૯૪૮ *૧૯૪૯ *ભારતી સાહિત્ય સંઘ. અમદાવાદ *મૌલિક
૧૨. કાશીનું કરવત *નવલિકાઓ *૧૯૪૮ *૧૯૪૯ *ભારતી સાહિત્ય સંઘ. અમદાવાદ *મૌલિક
૧૩. કાજળ કોટડી *નવલકથા *૧૯૪૮ *૧૯૫૦ *ભારતી સાહિત્ય સંઘ. અમદાવાદ *મૌલિક

અભ્યાસ-સામગ્રી

‘જનમટીપ’ માટે- ‘રેખા,’ ૧૯૪૪.; ‘ધરતીનો અવતાર’ માટે-’ઊર્મિ’, નવે. ૧૯૪૬. ‘પટલાઈના પેચ’ માટે-’ઊર્મિ’,’ જૂન ૧૯૪૭; શ્રી રા. વિ. પાઠકની પ્રસ્તાવના.
‘પંખીનો મેળો’ માટે-’ઊર્મિ’ નવે. ૧૯૪૭ ; ‘પાતાળ કૂવો’ માટે ‘રેખા’ ફેબ્રુ. ૧૯૪૮. ‘કળિયુગ’ ૧-૨ માટે-‘રેખા’ ઑક્ટોબર ૧૯૪૮.
‘પારસમણિ’ માટે–રેખા’ ઑક્ટોબર ૧૯૪૯માં પ્રૉ. રાવળનો લેખ.
‘ગ્રામચિત્રો’ માટે–‘માનસી’ જન ૧૯૪૪
‘કાશીના કરવત’ માટે—‘ઊર્મિ’ જાન્યુ ૧૯૫૦.
આ ઉપરાંત દરેક કૃતિની પ્રકાશનસાલનાં ગ્રંથસ્થ વાઙ્મયો.

***