ધ્વનિ/ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર

Revision as of 15:05, 6 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૬. ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર

ઇંધણાં વીણવા ગૈતી મારી સૈયર,
ઈંધણાં વીણવા ગઈ’તી રે લોલ,
વેળા બપ્પોરની થતી મોરી સૈયર,
વેળા બપ્પોરની થઈ’તી રે લોલ,
 
ચઈતરનું આભ સાવ સૂનું સૂનું ને તોય
કંઈથી કોકિલકંઠ બોલે રે લોલ,
વનની વનરાઈ બધી નવલી તે કૂંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ.

જેની તે વાટ જોઈ રૈ’તી મોરી સૈયર,
જેની તે વાટ જોઈ રહી’તી રે લોલ,
તેની સંગાથ વેળ વહૈ’તી મોરી સૈયર,
તેની સંગાથ વેળ વહી’તી રે લોલ.

સૂકી મેં વીણી કાંઈ ડાળીને ડાંખળી
સૂકાં અડૈયાંને વીણ્યાં રે લોલ,
લીલી તે પાંદડીમાં મ્હેકંત ફૂલ બે’ક
મારે અંબોડલે ખીલ્યાં રે લોલ.

વાતરક વ્હેણમાં નૈતી મોરી સૈયર,
વાતરક વ્હેણમાં નહી’તી રે લોલ,
ઈધણાં વીણવા ગૈતી મોરી સૈયર,
ઈધણાં વીણવા ગઈ’તી રે લોલ.
૪-૧૦-૪૯