ધૂળ
વાયરા સિવાય કોઈ પરોણા ન આવિયા
એવા ફળિયાની હું ધૂળ
પડતર જમીનથી યે આઘેરીક બેસી, જોઉં
સૂની ડેલી ને સૂનાં ફળિયાં
મારામાં કોઈ કીડી ફરતી નથી ને જોઉં
પંખી વિનાનાં લાલ નળિયાં
પંખીએ પગલાથી શણગારેલી હું નથી
જૂના ચબૂતરાની ધૂળ
વાયરા સિવાય કોઈ....
સાવ એકલી પડી ન જાઉં એટલે તો
વાયરો આવે ને જાય લઈ લૂ
આઘે આઘેથી કોઈ પરોણાની જેમ આવે
કોહવાતા પાંદડાંની બૂ
ધોધમાર ચોમાસે ઘાસવતી હોઉં નહીં
એવા વગડાની હું ધૂળ
વાયરા સિવાય કોઈ પરોણા ન આવિયા
એવા ફળિયાની હું ધૂળ.
***