વીક્ષા અને નિરીક્ષા/આમુખ

Revision as of 15:39, 4 June 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આમુખ*[1]

ગુજરાતી ગદ્ય વિચાર, વર્ણન અને ભાવના વાહન તરીકે, સાહિત્યના વિભિન્ન પ્રકારો જેવા કે નિબંધ, નિબંધિકા, પ્રવાસ, ઇતિહાસ, ચરિત્ર, વાર્તા, નવલકથા, શાસ્ત્રીય ગ્રંથો, પત્રકારત્વ વગેરે દ્વારા સારી પેઠે ખેડાયેલું અને પલોટાયેલું છે. દરેક ક્ષેત્રમાં એણે ગણનાપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, અને વિવિધ શૈલીઓ પણ એમાં વિકસેલી છે. એ બધું જેમાં પ્રતિબિંબિત થયું હોય એવા ગદ્યસંગ્રહના પ્રયત્નો પણ આપણે ત્યાં અવારનવાર થતા રહ્યા છે. અને એ પ્રયત્નો સ્વાભાવિક રીતે જ મોટે ભાગે વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને થયા છે. આવો પહેલો મોટો પ્રયત્ન ૧૯૨૬માં સ્વ. શ્રી વિશ્વનાથ મગનલાલ ભટ્ટે `ગદ્યનવનીત’માં કર્યો. તેમણે સમમ આધુનિક ગુજરાતી ગદ્યસાહિત્યને આવરી લે તેવો `સર્વસ્પર્શી અને પ્રતિનિધિરૂપ સંગ્રહ’ કરવાનો ખૂબ વ્યવસ્થિત યોજનાપૂર્વક અને સ્પષ્ટ પ્રયોજન નજર સામે રાખીને પ્રયત્ન કર્યો હતો. એ સંગ્રહ વિદ્યાર્થીઓ અને તે પણ રાષ્ટ્રીય વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે યોજાયો હતો એટલે એમાં રજૂ થયેલી સામગ્રી આવતી કાલના `પ્રાપ્ત વ્યવહાર સંસારી અને સૈનિકે’ જે કેટલાક ગુણો અવશ્ય કેળવવા જોઈએ તેને લક્ષમાં રાખી પસંદ કરવામાં આવી હતી, અને તેને વ્યક્તિ, ગૃહ, સમાજ અને દેશ એમ ઉત્તરોત્તર વિશાલતર ક્ષેત્રને અનુલક્ષીને ગોઠવવામાં આવી હતી. તેમાં વ્યક્તિની બાબતમાં સત્ય, કર્તવ્ય અને સૌન્દર્ય, અને દેશની બાબતમાં તેનું પ્રાચીન અર્વાચીન ગૌરવ, વર્તમાન અવદશા અને ભાવિ ઉદ્ધારના વિચારના સંદર્ભમાં એ સામગ્રીને ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો. આ યોજના દેશ આગળ અટકી જાય છે, દુનિયા સુધી આગળ વધતી નથી, અને આ બધામાં `વાચકની મનોભૂમિમાં ગુજરાતને મધ્યવર્તી સ્થાન આપવું’ એમ સંપાદકે નક્કી કર્યું હતું. સંગ્રહનો હેતુ `ગદ્યલેખનની જે જે મુખ્ય શૈલીઓ આપણા સાહિત્યમાં પ્રચલિત થઈ છે, અને જે જે વિવિધ દિશાઓ, ક્ષેત્રો તથા પ્રકારમાં તેની ગતિ થઈ છે, એનું બને તેટલું સ્પષ્ટ પ્રતિબિંબ ઝીલી સંગ્રહને સમગ્ર ગુજરાતી ગદ્યસાહિત્યના પ્રતિનિધિરૂપ બનાવવો’ એ હતો, વળી એને `દરેક લેખકની નખશિખ મૂર્તિ વાચક આગળ ખડી કરવામાં બની શકે તેટલો ઉપયોગી બનાવવા’નો પણ ખ્યાલ હતો. કૃતિઓની પસંદગીમાં `અભિજ્ઞાત અને પ્રસિદ્ધ સૌંદર્યને પ્રગટ કરવા કરતાં અનભિજ્ઞાત છતાં અભિજ્ઞાનપાત્ર સૌંદર્યનો પરિચય કરાવવો એ મોટું કર્તવ્ય છે’ એ વિચાર પ્રધાન રાખ્યો હતો. પણ ગુજરાતી ગદ્યસાહિત્ય, સંયોજકને મતે, એટલું વિપુલ છે કે, ઉપર કહ્યો તેવો સંગ્રહ કરવા જતાં તે ઘણો મોટો થઈ જાય, તેથી તેમણે કેટલીક મર્યાદાઓ સ્વીકારી. પહેલી એ કે, `શુદ્ધ અમિશ્ર ગદ્ય’ જ લેવું. આમ, નાટકો બાદ થઈ ગયાં. ટૂંકી વાર્તાઓને પણ બાકાત રાખી. ભાષાંતર-અનુવાદો પણ ન લીધા. ઉપરાંત, ચારપાંચ વર્ષથી જૂની જેની પ્રતિષ્ઠા ન હોય એવા લેખકો કે લેખોને પણ બાકાત રાખ્યા. (આ મર્યાદા ખૂબ ઉદાર કહેવાય.) તેમ છતાં, `થોડા સારા લેખકો સંગ્રહમાંથી રહી ગયાની કોઈ ફરિયાદ કરે તો તે ખોટી પાડી શકાય એમ નથી’ એમ સંયોજક કબૂલે છે. ૧૯૨૮માં આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીએ માધ્યમિક શાળાના ચોથા-પાંચમા એટલે આજના આઠમા-નવમા ધોરણ માટે પાઠ્યપુસ્તક તરીકે ચલાવાય એવો એક ગદ્યસંગ્રહ `ગદ્યાવલિ’ નામે પ્રગટ કર્યો હતો. એના સંગ્રાહક શ્રી આશાભાઈ નરસિંહભાઈ પટેલ હતા. તેમણે નિખાલસતાથી વિજ્ઞાપનમાં લખ્યું છે: `લેખોની પસંદગીમાં કંઈ ખાસ ધોરણ રાખ્યું નથી. છતાં વાચકને જણાઈ આવશે કે આધ્યાત્મિકતા, નીતિ, સ્વદેશાભિમાન, સેવા વગેરેનાં તત્ત્વો વિદ્યાર્થીઓને જે વાચનથી સ્પર્શે તેવા લેખોની પસંદગી કરવામાં આવી છે.’ એક રીતે જોતાં, કંઈક સ્થૂળ રીતે, આ પ્રયોજન `ગદ્યનવનીત’ના પ્રયોજનને અમુક અંશે મળતું આવે છે એમ કહી શકાય. ઉપરાંત કહ્યું છે કે `ગુજરાતી સાહિત્યનો રસ વિદ્યાર્થીઓને ચખાડવો એ આ પુસ્તકનો એક હેતુ છે.’ ઉતાવળને કારણે `કવિ દલપતરામ, શ્રી નરસિંહરાવ, શ્રી કેશવલાલ ધ્રુવ, શ્રી કમળાશંકર, શ્રી રણછોડભાઈ વગેરે જેવા પ્રખર અભ્યાસીઓનાં લખાણમાંથી લેખ પસંદ કરાઈ શકયા નથી"—એમ પણ સંગ્રાહકે નોંધ્યું છે. `પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે ચલાવવાનું હોવાથી જોડણીનું એકસરખું ધોરણ તેમાં રાચવાઈ રહે એ ઇષ્ટ લાગવાથી મૂળ લેખકોની જોડણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે" અને એ માટે લેખકોની ક્ષમા યાચી છે. પ્રેયોજનને અનુલક્ષીને એમાં અનુવાદોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એ પછી ૧૯૩૧માં સ્વ. શ્રી હિંમતલાલ ગ. અંજારિયાએ `ગદ્યપ્રવેશ’ નામે એક સંગ્રહ બે ભાગમાં પ્રગટ કર્યો. પહેલો ભાગ અંગ્રેજી હાઈસ્કૂલના ચોથા-પાંચમા ધોરણ માટે (એટલે કે જેમને માટે ‘ગદ્યાવલિ’ યોજાઈ હતી તેમને માટે) અને બીજો છઠ્ઠા-સાતમા (એટલે આજના દસમા- અગિયારમા) ધોરણ માટે. એમાં પણ અનુવાદને સ્થાન આપવામાં આવ્યું છે. આ બધા જ સંગ્રહો વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને થયેલા હતા. ૧૯૩૯માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (આજની ગુજરાત વિદ્યાસભા) શ્રી વિશ્વનાથ મ. ભટ્ટ પાસે `નિબંધમાળા’નું સંયોજન કરાવે છે. એના નિવેદનમાં કહ્યું છે કે `ગદ્યનવનીત’ તૈયાર કરતી વખતે ‘ગદ્યસંગ્રહ જો એક જ ગ્રંથમાં કરવો હોય તો તેમાં ગદ્યલેખનના સઘળા પ્રકારો એકીસાથે લેવાનો લોભ ન રાખતાં નિબંધ, નિબંધિકા, નવલિકા, સંવાદ આદિ વિવિધ લેખનપ્રકારો માટે દરેક દીઠ એક એક સ્વતંત્ર સંગ્રહ યોજવાની આવશ્યકતા સમજાયેલી અને તેથી આ ગ્રંથમાં માત્ર નિબંધો જ સંગ્રહવામાં આવ્યા છે.’ વધુ સ્પષ્ટતા કરતાં સંયોજકે જણાવ્યું છે કે `આ સંગ્રહમાં સ્વતંત્ર, સ્વપર્યાપ્ત, સુશ્ર્લિષ્ટ નિબંધો જ–કોઈ મોટા લખાણમાંથી અનુકૂળતા પ્રમાણે કાપી કાઢેલા ટુકડા નહિ, પણ અખંડ, આત્મપર્યાપ્ત ગદ્યકૃતિઓ જ—લેવાનું અને જે લેખકોએ એવા નિબંધ ધ્યાન ખેંચે એવી કે ગણનાપાત્ર સંખ્યામાં રચેલા હોય તેમ એ સાહિત્યપ્રકારના ઇતિહાસમાં સ્થાન પામે એવું રચનાકૌશલ કે વિશિષ્ટ શક્તિ દાખવેલ હોય એવા જ લેખકોના કૃતિસંગ્રહમાંથી તે પસંદ કરવાનું ઠરાવ્યું છે.’ `આ ગ્રંથમાં એકાગ્ર શૈલીના ગંભીર નિબંધોનો જ સંગ્રહ કર્યો છે, અને વિનોદાત્મક રસળતી શૈલીની નિબંધિકાઓને ભવિષ્યના કોઈ સંગ્રહ માટે અલગ રાખેલ છે.’ નિબંધપસંદગીની બાબતમાં એમણે (૧) `ટૂંકા નિબંધને પહેલી પસંદગી આ૫વી’, (૨) `સંગ્રહ એકદેશી પંડિતોને અર્થે નહિ પણ સાહિત્યરસિક સામાન્ય વાચકોને અર્થે યોજાયેલો હોવાથી એમાં અતિશાસ્ત્રીય, પારિભાષિક, કે વિવાદાસ્પદ બની જતા હોય એવાં નિબંધો ન લેવા’, (૩) `નિબંધના વર્ણન, કથન, પર્યેષણ આદિ વિવિધ મુખ્ય તેમ જ ગૌણ પ્રકારોમાંથી આપણે ત્યાં જે જે ખીલ્યા છે તે સઘળાનું બને તેટલું પ્રતિનિધિત્વ સાચવવા પ્રયત્ન કરવો’, એવું ધોરણ રાખેલું છે. એક વિચિત્ર અપવાદ પણ કરેલો છે કે `જે રચનાઓ આકારે શુદ્ધ નિબંધ જ હોય છતાં મૂળ કોઈ સભામાં જાહેર ભાષણ કે વ્યાખ્યાનરૂપે રજૂ થઈ હોય તેને બનતા સુધી અલગ રાખેલ છે.’ `નિબંધોની સંખ્યાનો નિર્ણય લેખકની ગુણસંપત્તિ તેમ કૃતિસમૃદ્ધિ પર સતત નજર રાખીને કર્યો છે.’ એ સંગ્રહમાં કુલ ૨૨ લેખકોના એકંદરે ૬૨ નિબંધો સંગ્રહાયા છે અને ઉપોદ્ઘાતમાં નિબંધના સ્વરૂપ વિશે અને ગુજરાતી નિબંધલેખકો વિશે વિસ્તૃત વિવેચન છે. એ પછી ૧૯૫૬માં પ્રગટ થયેલો વ્રજરાય દેસાઈ અને કુંજવિહારી મહેતા સંપાદિત `ગદ્યરંગ’ પણ `નિબંધમાળા’ની પેઠે `શિક્ષિત જિજ્ઞાસુને લક્ષમાં રાખીને’ યોજાયેલો છે. એનો ઉદ્દેશ `વાચકને ગુજરાતી ગદ્યસાહિત્યની વિવિધતા તથા શક્તિ અને રસમયતાનું ભાન’ કરાવવાનો છે. એમાં `નવલકથા, નવલિકા સિવાયના ગદ્યમાંથી ગુજરાતનું અર્વાચીન જીવન, એનું વૈચારિક અને સામાજિક ચિત્ર, ઉપસાવવાનો ...એક નમ્ર પ્રયત્ન છે.’ અને `ગુજરાત પ્રદેશના માનસની વૈયક્તિક વિવિધતા તથા સમગ્રતા દર્શાવવા તરફ’ એનો ઝોક છે. આ સંગ્રહ પાછળ એક બીજો પણ ઉદ્દેશ છે અને તે ગદ્યલેખન કેળવવાની ઉમેદ રાખતા `શિક્ષિત વાચકોને પોતપોતાની રુચિને અનુસરતું ગદ્યલેખન કેળવવાને ઉપયોગી દૃષ્ટાંતો મળી રહે એટલું વૈવિધ્ય’ પીરસવાનો. એ પછી આવે છે ૧૯૭૦માં સાહિત્ય અકાદમીએ શ્રી વિજયરાય વૈદ્ય પાસે તૈયાર કરાવેલ `મનપસંદ નિબંધો’. એમાં સંપાદકે નિબંધો અને નિબંધિકાઓ બંનેનો સમાવેશ કરેલો છે અને નિબંધિકાઓનું પ્રમાણ જાણી-જોઈને વિશેષ રાખ્યું છે. ૧૮૫૦થી આજ સુધીમાં લખાયેલા નિબંધોમાંથી અહીં કુલ ૩૧ લેખકોના ૩૧ નિબંધો ૨૯૫ પાનાંમાં રજૂ થયા છે. આ સંગ્રહ પણ સામાન્ય વાચક માટે જ યોજાયેલો છે એ સ્પષ્ટ છે. આપણે ઉપર જે છ ગદ્યસંગ્રહોની યોજનાનો પરિચય કર્યો તેમાંના પહેલા ત્રણ વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને અને બાકીના સામાન્ય વાચકોને લક્ષમાં રાખીને યોજાયેલા છે. જે સંગ્રહો વિદ્યાર્થીઓ માટે યોજાયેલા છે તેમાં ગદ્યના બધા જ પ્રકારોને સમાવવાનું વલણ જોવા મળે છે. જોકે ‘ગદ્યનવનીત’-ના સંયોજકે નાટકો અને ટૂંકી વાર્તાને બાદ રાખ્યાં છે, અને નવલકથામાંથી ખંડો લીધા છે. ‘ગદ્યાવલિ’માં અને ‘ગદ્યપ્રવેશ’માં નાટકો અને ટૂંકી વાર્તાઓ બંનેને સ્થાન આપેલું છે. પણ સામાન્ય વાચકને લક્ષમાં રાખીને યોજાયેલા સંગ્રહો એક જ પ્રકારને વળગી રહે છે. જોકે તેમાં પણ એક સૂક્ષ્મ ભેદ છે. ‘નિબંધમાળા’માં કેવળ ગંભીર નિબંધો જ છે, જ્યારે ‘ગદ્યરંગ’ અને ‘મનપસંદ નિબંધો’માં ગંભીર તેમ જ હળવા અથવા લલિત બંને પ્રકારના નિબંધો છે. એનો અર્થ એ કે એ ત્રણે સંગ્રહો કેવળ નિબંધસંગ્રહો જ છે. અને એ રીતે જોઈએ તો ગદ્યના જે બીજા પ્રકારો –ખાસ કરીને ટૂંકી વાર્તા, નાટક, સંવાદ વગેરે – તેને અહીં સ્થાન આપવામાં આવ્યું નથી. એ પ્રકારોના પણ સ્વતંત્ર સંગ્રહો આપણે ત્યાં થયેલા છે, પણ તેમનો મેં અહીં વિચાર કર્યો નથી. ‘ગદ્યનવનીત’માં ૧૮૫૬થી ૧૯૨૪ સુધીનાં લખાણો સંગ્રહાયાં છે. એમાં કુલ ૩૧ લેખકોના ૧૩૨ લેખો લેવામાં આવ્યા છે. નીચે એની જે તપસીલ આપી છે તે ઉપરથી તે તે લેખકોને સંયોજકે આપેલા મહત્ત્વનો ખ્યાલ આવશે : ૧. નર્મદ (૫), ૨. નંદશંકર (૪), ૩. નવલરામ (૭), ૪. મહીપતરામ (૧), ૫. હરગોવિંદદાસ કાંટાવાલા (૩), ૬. અંબાલાલ સાકરલાલ (૧), ૭. મનઃસુખરામ (૧), ૮. ગોવર્ધનરામ (૧૧), ૯. દોલતરામ પંડ્યા (૮), ૧૦, મણિલાલ નભુભાઈ (૧૦), ૧૧. નરસિંહરાવ (૩), ૧૨. કે. હ. ધ્રુવ (૨), ૧૩. રમણભાઈ (૬), ૧૪, મણિશંકર રત્નજી ભટ્ટ (૪), ૧૫. આનંદશંકર (૫), ૧૬. બ. ક. ઠાકોર (૭), ૧૭. ગાંધીજી (૯), ૧૮. ઉત્તમલાલ ત્રિવેદી (૨), ૧૯. કલાપી (૫), ૨૪. મોતીલાલ સટ્ટાવાલા (૧), ૨૧. ભોગીન્દ્રરાવ દિવેટિયા (૧), ૨૨. નાનાલાલ (૬), ૨૩. રણજિતરામ (૧), ૨૪. ખબરદાર (૧), ૨૫. વિનાયક નંદશંકર (૨), ૨૬. ચંદ્રશંકર પંડ્યા (૨), ૨૭. અતિસુખશંકર (૩), ૨૮. મુનશી (૭), ૨૯. કાંતિલાલ પંડ્યા (૨), ૩૦. કાકાસાહેબ (૧૦), ૩૧. ધૂમકેતુ (૨). એ સંગ્રહ ૧૮૯૨માં જન્મેલા ધૂમકેતુ આગળ અટકે છે, જોકે ૧૯૨૬માં પ્રગટ થયેલા એ સંગ્રહમાં ૧૯૨૪ સુધીનાં લખાણો લેવાયાં છે. ‘ગદ્યનવનીત’ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને યોજાયેલું હોવાથી એમાં અઘરા લેખો લઈ શકાયા છે, એવું એ પછીના બે સંગ્રહોમાં થઈ શક્યું નથી, કારણ, તે સંગ્રહો આજના હિસાબે આઠમા-નવમા અને દસમા-અગિયારમા ધોરણો માટે યોજાયેલા છે. ‘ગદ્યાવલિ’માં ‘ગદ્યનવનીત’માં ન જોવા મળતા ૧૯ લેખકો નવા લેવામાં આવ્યા છે : ૧. કરસનદાસ મૂળજી, ૨. મશરૂવાળા, ૩. ગોકળદાસ. મ. શાહ,. ૪. ચાંપશી ઉદ્દેશી, ૫. છગનલાલ યોગી, ૬. જીવનલાલ અમરશી,. ૭. મેઘાણી, ૮. દેસાઈભાઈ પટેલ, ૯. ધર્માનંદ કોસંબી, ૧૦, નરસિંહભાઈ પટેલ, ૧૧. નરહરિ પરીખ, ૧૨. નાનાભાઈ ભટ્ટ, ૧૩. રા. વિ. પાઠક, ૧૪. હરિલાલ દેસાઈ, ૧૫, સ્વામી રામતીર્થ, ૧૬ સ્વામી સત્યદેવ, ૧૭. હરિલાલ મા. દેસાઈ, ૧૮, અરવિંદ ઘોષ, ૧૯. અજ્ઞાત. આમાંથી ૯, ૧૫, ૧૬, ૧૮ એ મરાઠી, હિંદી અને બંગાળીના લેખકો છે અને તેમના લેખોના અનુવાદ અહીં તેમને નામે લેવામાં આવ્યા છે. એ જ રીતે નરસિંહભાઈ પટેલના બંને લેખો પણ રમેશચંદ્ર દત્તની બંગાળી નવલકથાનાં પ્રકરણો છે. આમ, આ સંગ્રહમાં હું પહેલાં નોંધી ગયો તે મુજબ અનુવાદોને પણ સારું સ્થાન મળ્યું છે. એમાં દ્વિજેન્દ્રલાલ રાયના ‘મેવાડપતન’, ‘શાહજહાં’, ‘રાણા પ્રતાપ’ એ ત્રણ નાટકોના તથા રમેશચંદ્ર દત્તની ‘મહારાષ્ટ્ર જીવનપ્રભાત’ અને ‘રાજપૂત જીવનસંધ્યા’ એ બે નવલકથાઓના અંશો, તૉલ્સ્તૉયની એક વાર્તા, સ્વામી રામતીર્થ અને સ્વામી સત્યદેવના લેખો અને અરવિંદ ઘોષના એક લેખનો અનુવાદ લેવામાં આવ્યો છે. એમાં કેટલાક લેખકો એવા છે, જે આજે એટલા જાણીતા નથી; એમને સંગ્રહમાં સ્થાન મળ્યું છે તેનું કારણ તેમના લેખના વિષય છે. ‘ગદ્યપ્રવેશ’ના બંને ભાગો મળીને ‘ગદ્યાવલિ’ સુધીમાં સ્થાન ન પામેલા એવા ૨૪ નવા લેખકો ઉમેરાયા છે: ૧. પ્રાણજીવન વિઠ્ઠલદાસ, ૨. રવિશંકર અંજારિયા, ૩. ગિજુભાઈ, ૪. પદ્માવતી દેસાઈ, ૫. ચંદ્રશંકર શુક્લ, ૬. વિનોબા, ૭. મહાદેવભાઈ, ૮. નાનાલાલ શાહ, ૯. અમૃત કે. નાયક, ૧૦. ચૂનીલાલ મૂળજીભાઈ, ૧૧. વજુભાઈ દવે, ૧૨. ડુંગરશી સંપટ, ૧૩. વાલજી દેસાઈ, ૧૪. જિનવિજયજી, ૧૫. વા. મો. શાહ, ૧૬. વ્રજેન્દ્રનાથ સીલ, ૧૭, કિસનસિંહ, ૧૮. મનસુખલાલ ઝવેરી, ૧૯. રામપ્રસાદ દેસાઈ, ૨૦, સાકરલાલ દવે; ૨૧. જયસુખલાલ મહેતા, ૨૨. મહાશંકર દવે, ૨૩, બાબુરાવ ઠાકોર, ૨૪. જયેન્દ્રરાવ દૂરકાળ. ‘ગદ્યાવલિ’માં અને ‘ગદ્યપ્રવેશ’માં લેખો ‘ગદ્યનવનીત’ની પેઠે વિષય પ્રમાણે ગોઠવેલા છે, કાલાનુક્રમે નહિ. અને એ બંને સંગ્રહોમાં લેખકોની આનુપૂર્વી કે જન્મસાલ પણ આપેલી નથી. એટલે કયા સમય સુધીના લેખકો કે લેખો લેવાયા તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી તેમ છતાં લેખકોની યાદી જોતાં એમ લાગે છે કે ‘ગદ્યપ્રવેશ’ના સંપાદકે તરુણ લેખકોને પણ સ્થાન આપેલું છે. દા. ત., ૧૯૦૭માં જન્મેલા શ્રી મનસુખલાલ ઝવેરીનું લખાણ ૧૯૪૧માં પ્રગટ થયેલા આ સંગ્રહમાં છે. બીજી ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે એમાં શ્રી વા. મો. શાહના બે લેખો લેવામાં આવેલા છે. ‘ગદ્યાવલિ’ની પેઠે એમાં ૫ ઓછા જાણીતા લેખકોને સ્થાન મળ્યું છે. તેનું કારણ, હું પહેલાં જણાવી ગયો તેમ, પાઠ્યપુસ્તકના હેતુને સિદ્ધ કરવા જોઈએ એવાં લખાણો સિદ્ધ લેખકોમાંથી ન મળ્યાં હોય અને માટે વિષયને ધ્યાનમાં લઈને ઓછા જાણીતા લેખકોના લેખો લીધા હોય એ સંભવે છે. એ સંગ્રહમાં પણ ૧૦ અનુવાદલેખો છે, જેમાં અંગ્રેજીમાંથી જેમ્સ ઍલન, એચ. છ વેલ્સ અને વ્રજેન્દ્રનાથ સીલ, બંગાળીમાંથી દ્વિજેન્દ્રલાલનાં બે નાટકો-રાણા પ્રતાપ અને મેવાડપતન, સંસ્કૃતમાંથી કાદમ્બરી, શાકુંતલ અને ઉત્તર-રામચરિતમાંના ખંડો અને હિંદીમાંથી સ્વામી હંસદેવનાં ‘કૈલાસ માનસ સરોવરદર્શન’માંથી એક ખંડ લેવામાં આવ્યો છે. એમાં જેમના એકથી વધુ લેખો લેવામાં આવ્યા છે એવા લેખકો આટલા છે : ૧. ગાંધીજી (૧૦); ૨. કાલેલકર (૭); ૩. મણિલાલ (૪); ૪. નવલરામ (૩); ૫. કાંતિલાલ પંડ્યા (૩); ૬. ઝવેરચંદ મેઘાણી (૨); ૭. ચંદ્રશંકર શુક્લ (૨); ૮. નરહરિ પરીખ (૨); ૯. મશરૂવાળા (૨); ૧૦. વા. મો. શાહ (૨); ૧૧. નંદશંકર (૨); ૧૨. આનંદશંકર (૨); ૧૩. ગોવર્ધનરામ (૨). એ પછી ૧૯૩૯માં પ્રગટ થયેલી ‘નિબંધાવલિ’માં ૩ લેખકો નવા ઉમેરાયા છે : મટુભાઈ કાંટાવાળા, વિજયરાય વૈદ્ય અને લીલાવતી મુનશી. એમાં લીલાવતી (૧૮૯૯)ની ઉંમર જ નાનામાં નાની છે. ‘નિબંધાવલિ’માં હું પહેલાં નોંધી ગયો તે પ્રમાણે `નિબંધની સંખ્યાનો નિર્ણય લેખકની ગુણસંપત્તિ તેમ કૃતિસમૃદ્ધિ પર સરત રાખીને કરેલો છે’ એટલે કોની કેટલી કૃતિ લીધી છે એ પણ જાણવાનું કુતૂહલ રહે એ સ્વાભાવિક છે. આ રહી એ યાદી : નર્મદ (૩); નવલરામ (૪); મનઃસુખરામ (૧); મણિલાલ (૯); નરસિંહરાવ (૨); રમણભાઈ (૩); આનંદશંકર (૫); ઉત્તમલાલ ત્રિવેદી (૧); બ.ક. ઠાકોર (૩); નાનાલાલ (૧); રણજિતરામ (૧); ચંદ્રશંકર પંડ્યા (૨); ગાંધીજી (૫); અતિસુખશંકર (૩); મુનશી (૪); મટુભાઈ (૨); કાલેલકર (૬); વિજયરાય (૧); રા. વિ. પાઠક (૧); ધૂમકેતુ (૧); લીલાવતી મુનશી (૧); ‘સૌરાષ્ટ્ર’તંત્રીમંડળ’ (૩). આમ, ૨૨ લેખકોના ૬૨ લેખો લેવાયા છે. ૧૯૫૬માં પ્રગટ થયેલા ‘ગદ્યરંગ’માં ૯ નવા લેખકો ઉમેરાય છે: વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ગગનવિહારી મહેતા, જ્યોતીન્દ્ર દવે, પ્રભુદાસ ગાંધી, વિનોદિની નીલકંઠ, સુન્દરમ્, ઉમાશંકર અને યશવંત શુક્લ. ૧૯૧૩માં જન્મેલા છેલ્લા લેખક જ વયમાં નાનામાં નાના છે. ૧૯૭૦માં પ્રગટ થયેલ ‘મનપસંદ નિબંધો’માં પાંચ નવા લેખકો ઉમેરાય છે : અંબાલાલ પુરાણી (એ નવાઈની વાત છે કે આ પહેલાંના કોઈ સંગ્રહમાં એમનું લખાણ સ્થાન પામ્યું નથી), રતિલાલ ત્રિવેદી, મુનિકુમાર ભટ્ટ, ચંદ્રવદન મહેતા અને જિતુભાઈ મહેતા. એ સંગ્રહ ૧૯૧૧માં જન્મેલા ઉમાશંકરે અટકે છે. આ પછી ૧૯૭૩માં આવે છે આ ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય’. અત્યાર સુધીના બધા સંગ્રહોમાં લેખક-સંખ્યા અને પૃષ્ઠ સંખ્યા બંનેની દૃષ્ટિએ એ સૌથી મોટો સંગ્રહ છે. એમાં કુલ ૮૪ લેખકોના ૧૧૦ લેખોનો સમાવેશ પૃ. ૬૭૨માં કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ‘ગદ્યનવનીત’ આપણો મોટામાં મોટો ગદ્યસંગ્રહ હતો. તેમાં ૩૧ લેખકોના ૧૩૨ લેખો ૫૫૩ પાનાંમાં સંગ્રહાયા હતા. એમાં પાનું, અર્ધું પાનું રોકે એવા લેખો પણ છે, એથી એમાં આ સંગ્રહ કરતાં લેખસંખ્યા મોટી છે. પણ તેનાં પાનાં અને આ સંગ્રહનાં પાનાંના કદમાં જે ફરક છે તેને હિસાબમાં લેતાં એમ કહી શકાય કે આ સંગ્રહ તેના કરતાં લગભગ પોણા બે ગણો મોટો છે. એમાં ૫૬ નવા લેખકો ઉમેરાયા છે. એનું એક કારણ એ છે કે આ પહેલાંના સંગ્રહો કરતાં આ સંગ્રહનું પ્રયોજન જરા જુદું છે. સંપાદકો સાથેની વાત ઉપરથી હું એમ સમજ્યો છું કે આ સંગ્રહનો હેતુ વિદ્યાર્થીઓનું ગદ્ય પ્રત્યે ધ્યાન દોરી તેમનામાં સારું ગદ્ય લખવાની વૃત્તિ જગાડવાનો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ હેતુ `ગદ્યરંગ’ના પ્રયોજનને અમુક અંશે મળતો આવે છે. આથી એમણે આ સંગ્રહમાં ગદ્યના બધા જ પ્રકારોને સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. વળી, એમણે એ પણ નોંધ્યું છે કે, `અમે ગદ્ય-નમૂનાઓના સ્વરૂપ, વૈવિધ્ય વગેરે કલાગત-અભિવ્યક્તિગત પાસાં ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે.’ આથી યોગ્ય રીતે જ એમણે આપણા ગદ્યસાહિત્યમાં પ્રગટેલા બધા જ ઉન્મેષોનો પરિચય કરાવવાનો પ્રયત્ન કરેલો છે; અને તે તો વિચારવાહક કરતાં સર્જનાત્મક ખંડો દ્વારા જ વધુ સારી રીતે થઈ શકે, એટલે નવલકથાના ખંડો, ટૂંકી વાર્તાઓ, કથાઓ, નાટક, સંવાદ વગેરેનું પ્રમાણ એમાં પહેલાંના સંગ્રહો કરતાં સ્વાભાવિક રીતે જ મોટું છે, તે સાથેના તુલનાત્મક કોઠા ઉપરથી જોઈ શકાશે.

સંગ્રહ કુલ લેખ વાર્તાદિ એનાં પાનાં કુલ પાનાં ટકા
ગદ્યનવનીત ૧૩૨ ર૦ ૧૪૮ ૫૩૩ ર૮
ગદ્યાવલિ ૬૩ ૧૮ ૧૭૦ ૪૫૪ ૩૭
ગદ્યપ્રવેશ-૧ ૪૪ ૬૦ ર૩૯ ર૬
ગદ્યપ્રવેશ-૨ ૪૬ ૫૮ ર૬૬ રર
ગદ્યપરિચય-૧ ૫૬ ર૫ ૧૫૫ ૩ર૦ ૪૮.૫
ગદ્યપરિચય-૨ ૫૪ ર૭ ૧૫૨ ૩૫૨ ૪૩

અહીં બીજી એક બાબત પણ ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે, છેલ્લાં પચીસ-ત્રીસ વર્ષથી આપણે ત્યાં ગદ્ય વધારે સભાનતાપૂર્વક ખેડાતું થયું છે. નવા નવા લેખકો અભિવ્યક્તિના નવા નવા પ્રયોગો સતત કરતા રહે છે, અને એમાંથી નવી નવી છટાઓ અને ઉન્મેષો પણ પ્રગટે છે. એ નવા પ્રયોગો અને ઉન્મેષોમાંના બને એટલા વધુનો પરિચય કરાવવાનો સંપાદકોએ પાનાંની અમુક મર્યાદામાં રહીને પ્રયત્ન કર્યો છે, એટલે આપોઆપ જ કેટલીક મર્યાદાઓ આવી પડી છે. આખો સંગ્રહ જોતાં લાગે છે કે સંપાદકોએ કોઈ પણ લેખકના બેથી વધુ લેખો લીધા નથી, એમણે આ સંબંધમાં કહ્યું છે કે `ગુજરાતી ગદ્યક્ષેત્રે કંઈકે પ્રભાવક રીતે જેમણે કાર્ય કર્યું છે એવા ગદ્યલેખકોના એકાધિક ગદ્યનમૂના આ સંગ્રહમાં લીધા છે.’ પણ આ નિયમને પણ સર્વત્ર વળગી રહી શકાયું નથી. મશરૂવાળા અને સુખલાલજી જેવાનો એકેક જ લેખ લઈ શકાયો, અને રા. વિ. પાઠક અને ઉમાશંકર જોશી વગેરેના બેથી વધુ નમૂના આપી ન શકાયા તે નોંધી તેનાં કારણો છે, એવી સ્પષ્ટતા પણ એમણે કરી છે. નવા લેખકોમાંથી જેમના બબ્બે લેખો લેવાયા છે તેમનાં નામ આ પ્રમાણે છે : ૧. વલ્લભભાઈ પટેલ, ૨. પન્નાલાલ પટેલ, ૩. દર્શક, ૪. જયન્તી દલાલ, ૫. નગીનદાસ પારેખ, ૬. સુરેશ જોષી, ૭. મોહનભાઈ પટેલ, ૮. કૃષ્ણ દ્વૈપાયન (‘એક જ ખંડમાં બે લેખો લેવાયા છે.’), ૯, મધુ રાય, ૧૦, શાંતિભાઈ આચાર્ય. મને પોતાને એમ લાગે છે કે અહીં કેટલાંક નામોની બાબતમાં સંપાદકો સમતુલા જાળવી શક્યા નથી અથવા સાહિત્યેતર કારણો વધારે પ્રભાવક નીવડ્યાં છે. જે નવા લેખકોનો એક એક લેખ લેવાયો છે તેમનાં નામ આ પ્રમાણે છે : ૧. માણિક્યસુંદર સૂરિ, ૨. સહજાનંદ સ્વામી, ૩. કવિ દલપતરામ, ૪. પંડિત સુખલાલજી, ૫. ડોલરરાય માંકડ, ૬. રમણલાલ દેસાઈ, ૭. અનંતરાય રાવળ, ૮. મગનભાઈ દેસાઈ, ૯. ગુલાબદાસ બ્રોકર, ૧૦, ઈશ્વર પેટલીકર, ૧૧. જયન્ત કોઠારી, ૧૨. જયંત ખત્રી, ૧૩. વાડીલાલ ડગલી, ૧૪. ફાધર વાલેસ, ૧૫. બકુલ ત્રિપાઠી, ૧૬. ચંદ્રકાન્ત બક્ષી, ૧૭. ઈવા ડેવ, ૧૮. ભોળાભાઈ પટેલ, ૧૯. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ૨૦. પિનાકિન દવે, ૨૧. ચિનુ મોદી, ૨૨. અબદુલકરીમ શેખ, ૨૩. વિનોદ ભટ્ટ, ૨૪. ગણપતરામ ભટ્ટ, ૨૫. રસિકલાલ છો. પરીખ, ૨૬. ઇન્દુલાલ યાજ્ઞિક, ૨૭, ભાયાણી, ૨૮. મડિયા, ૨૯. શિવકુમાર જોષી, ૩૦. નારાયણ દેસાઈ, ૩૧. ચિનુભાઈ પટવા, ૩૨. મધુસૂદન પારેખ, ૩૩. કનુભાઈ જાની, ૩૪. મ. જો. પટેલ, ૩૫. દિગીશ મહેતા, ૩૬. રઘુવીર ચૌધરી, ૩૭, લાભશંકર ઠાકર, ૩૮. રાવજી પટેલ, ૩૯. રાધેશ્યામ શર્મા, ૪૦. નંદ સામવેદી, ૪૧. મુકુંદ પરીખ, ૪૨. કિશોર જાદવ, ૪૩, સુવર્ણા, ૪૪. રાજેન્દ્ર શુક્લ, ૪૫. વિભૂત શાહ. આમાં પણ કેટલાંક નામ એવાં છે જેમને ગદ્યકાર તરીકે સ્થાન ન આપ્યું હોત તો ચાલત. અહીં નવા નવા પ્રયોગો પ્રત્યેનો સંપાદકોનો પક્ષપાત પ્રગટ થતો લાગે છે. એ ગમે તે હો, આમાંથી એક વસ્તુ ફલિત થાય છે અને તે એ કે, ગુજરાતી ગદ્યમાં એટલું કામ થયું છે કે, એનો યથાર્થ પરિચય કરાવે એવો પ્રતિનિધિરૂપ સંગ્રહ કરવો હોય તો તેનું કદ એવડું મોટું રાખવું પડે, જે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પોસાય નહિ. ‘ગદ્યનવનીત’ના સંપાદકને પણ એ જમાનામાં આજથી આશરે અડતાલીશ વર્ષ પહેલાં સુધ્ધાં આવો જ અનુભવ થયો હતો, તો આજે આ સંગ્રહના સંપાદકોને થાય એમાં નવાઈ શી? એમણે પણ પોતાના નિવેદનમાં યુગવાર ગદ્યસંગ્રહો કરવાનો વિચાર રજૂ કર્યો છે, જેમ ‘ગદ્યનવનીત’ના સંપાદકે સ્વરૂપવાર સંગ્રહો કરવાનું વિચાર્યું હતું, અને ‘નિબંધમાળા’માં તેનો અમલ પણ કર્યો હતો. અત્યાર પહેલાંના સંગ્રહો યોગ્ય રીતે જ નર્મદથી શરૂ થતા હતા. આ સંગ્રહે ઠેઠ પંદરમી સદીના ‘પૃથ્વીચંદ્રચરિત્ર’માંથી પણ એક ખંડ શરૂઆતમાં આપ્યો છે અને તે પછી સહજાનંદ સ્વામીના ‘વચનામૃત’ માંથી એક ખંડ આપી આધુનિક ગદ્યને મધ્યકાલીન ગદ્ય સાથે સરખાવવાની તક ઊભી કરી આપી છે. ત્યાર પછી તો એ પણ નર્મદથી માંડીને ઠેઠ આજ સુધીના તરુણ લેખકો સુધી આવે છે. ગુજરાતી ભાષાની શક્તિ જેમાં પ્રગટ થઈ હોય એવા અભિવ્યક્તિના અનેકવિધ ઉન્મેષોનો પરિચય કરાવવાનો આ સંગ્રહનો ઉદ્દેશ હોઈ એમાં નંદશંકરના એકાદ વર્ણનને કે ‘સંસારસાગર’ કે ‘પ્રીતિ’ જેવા એકાદ ચિંતન-ખંડને, અંબાલાલ સાકરલાલના કોઈ લેખને, કલાપીના જેલમના વર્ણન જેવા કોઈ ખંડને, વા. મો. શાહના કોઈ વિચારવિમર્શના લેખને અને એ સિવાય પણ આપણા ગણનાપાત્ર ગદ્યકારોને સ્થાન મળી શક્યું હોત તો સંગ્રહ વધુ પ્રતિનિધિરૂપ બનત. એ જ રીતે, બેથી વધુ લેખો ન લેવાનો નિયમ કરવો પડ્યો તેથી કેટલીક વિશિષ્ટ ગદ્યસિદ્ધિઓનો પરિચય કરાવી શકાયો નથી. દા. ત., રા. વિ. પાઠકનો સ્વૈરવિહાર અથવા તેમની જે વિશેષ સિદ્ધિ કે ગમે તેવા સૂક્ષ્મ અને જટિલ વિચારને પણ પ્રાસાદિક નિરાડંબર ગદ્ય મારફતે આસાનીથી વાચક સુધી પહોંચાડવો – તેનો પરિચય થાય તેવો કોઈ ખંડ પણ લઈ શકાયો નથી. થોડી હેરફેર કરવાથી પ્રયોગો પ્રત્યેનો પક્ષપાત સાચવીને પણ સંગ્રહને વધુ પ્રતિનિધિત્વવાળો બનાવી શકાયો હોત એમ મને થયા કરે છે. આવા મોટા સંગ્રહમાં ખંડોની પસંદગીની બાબતમાં પણ મતભેદ રહેવાનો જ. તેમ છતાં મને એમ લાગે છે કે સરદાર વલ્લભભાઈની ઓજસ્વી વાણીનો પરિચય એકાદ સળંગ વ્યાખ્યાન કરતાં અનેક વ્યાખ્યાનોમાંથી કરી લીધેલા સંકલન દ્વારા વધુ સારી રીતે કરાવી શકત. ૧૯૬૩-૬૫ની સાલના માધ્યમિક શાળાની ૫રીક્ષા માટેના ‘ગુજરાતી ગદ્યપદ્યસંગ્રહ’માં એવું એક સંકલન એ દૃષ્ટિએ જોવા જેવું છે. અભિવ્યક્તિના નવા નવા ઉન્મેષોને બદલવું સામાન્ય એ આ સંગ્રહની પહેલી વિશેષતા છે. અત્યાર સુધીના આપણા સંગ્રહો સામાન્યપણે વિષયવસ્તુને લક્ષમાં રાખીને થતા આવ્યા હતા. અને તેમાં બને તેટલાં સ્વરૂપોને સમાવવાનો પ્રયત્ન પણ જોવા મળતો હતો. આમાં અભિવ્યક્તિના વિભિન્ન ઉન્મેષોને લક્ષમાં રાખી તેમાં બને એટલા વિષયવસ્તુવૈવિધ્યને જોગવવાનો પ્રયત્ન છે. એમાં સંપાદકોએ એકેએક ખંડ પૂરા વિચારપૂર્વક લીધેલો છે એની ખાતરી, સંગ્રહને અંતે એમણે દરેક લેખની વિશેષતા ચીંધતી જે ‘સંદર્ભદર્શિકા’ જોડી છે તે જોવાથી થાય એમ છે. એ ‘સંદર્ભદર્શિકા’ અધ્યાપકોને અધ્યાપનકાર્યમાં તેમ જ સામાન્ય વાચકોને તે તે લેખની ખૂબીઓ સમજવામાં ઉપયોગી થઈ પડશે. આપણે ત્યાં ગદ્યની ખૂબી-ખામીઓને વિશે હજી જોઈએ એટલી વિગતે ચર્ચાવિચારણા થયેલી નથી. તેથી એ વિશે પૂરતી જાગૃતિ પણ નથી. આ સંપાદકો આ સંગ્રહની પૂરક કાર્યપોથી તૈયાર કરવાની મુરાદ સેવે છે. તેમાં એ કાર્ય થાય એવી આશા રાખીએ. ‘સંદર્ભદર્શિકા’ કરતાં આ કાર્યપોથીમાં ગદ્યની ઝીણી ઝીણી તરકીબો અને તેના ઔચિત્યાનૌચિત્ય વિશે વધુ સારી રીતે લક્ષદોરી શકાય એવો સંભવ છે. આખરે તો ગદ્ય કશાકનું વાહન છે, અને તે સુચારુ રૂપે વહન કરવામાં જ એનું સાર્થક્ય છે, એટલી વાત જો ખ્યાલમાં રહે તો વહનને વધુમાં વધુ અસરકારક બનાવવા માટે પ્રયોજાતા નાનાવિધ શિલ્પચાતુર્યની સફળતા-નિષ્ફળતાનો અને ઔચિત્યાનૌચિત્યનો સાચી રીતે વિચાર કરતાં ફાવે, અને એવી ચર્ચામાંથી વિદ્યાર્થીઓને પોતપોતાની ગદ્યશૈલી ઉપજાવી લેવાની બાબતમાં કેટલીક મદદ પણ મળી રહે. અંતમાં, નર્મદથી માંડીને આજ સુધીમાં વિકસેલાં ગુજરાતી ગદ્યનાં વિવિધ સ્વરૂપો, છટાઓ, શૈલીઓ અને તેમાં થતા રહેતા નવા નવા પ્રયોગોનો એકંદર પરિચય કરાવી શકે એવો આ ‘બૃહદ ગુજરાતી ગદ્યપરિચય’ બે ભાષાપ્રેમી, ખંતીલા, પ્રયોગશીલ શિક્ષકોને હાથે વિશિષ્ટ દૃષ્ટિ અને પ્રયોજનના સ્પષ્ટ ખ્યાલ સાથે ખૂબ કાળજીપૂર્વક તૈયાર થયો છે, એને હું ગુજરાતીના શિક્ષણ માટે એક સારું કામ થયું ગણું છું.

‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય’ ‘વિશ્વમાનવ’ સપ્ટેમ્બર, ૧૯૭૩


  1. * `બૃહદ ગુજરાતી ગદ્યપરિચય’ (સંપા. મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્ત શેઠ; પ્રકા. ગૂજરાત વિદ્યાપીઠ)નું આમુખ