વીક્ષા અને નિરીક્ષા/શેક્સપિયરની ઉપમા કાન્તમાં
શેક્સપિયરની ઉપમા કાન્તમાં
પાડી નાંખે તનુ પર પડ્યું બિંદુ જે હૈમ આવી,
ઝાડીમાંથી મૃગપતિ જરા યાળ જેવો હલાવી.
કીધો નીચે સુતનું કરને એ પ્રમાણે કચે જ્યાં
ઝાંખા જેવો વિધુ પણ થયો દૈન્ય દેખી નભે ત્યાં!
કાન્તના `દેવયાની’ કાવ્યમાંનો આ શ્ર્લોક એની ઉપમા માટે ખૂબ જાણીતો છે. આ ઉપમા એમણે શેક્સપિયરના નાટક `ટ્રોઈલસ અને ક્રેસિડા’માંથી લીધી હોવાનો સંભવ છે. એ નાટકમાં ત્રીજા અંકના ત્રીજા દૃશ્યમાં પેટ્રોકાલસ એકિલિસને કહે છે:
Sweet, rouse yourself; and the weak wanton Cupid
Shall from your neck unloose his amorous fold
And like a dew-drop from the lion’s mane,
Beshook to air.
કદાચ કોઈ કહે કે આ નાટક બહુ જાણીતું નથી, અને કાન્તે એ વાંચ્યું હોવાનો સંભવ બહુ ઓછો છે, તો એ વાત સ્વીકાર્યા છતાં, શેક્સપિયરની આ પંક્તિઓ ઉપરથી જ કાન્તને આ ઉપમા સૂઝી હોવાનો સંભવ બીજી રીતે ૫ણ દર્શાવી શકાય એમ છે. લી હન્ટે પોતાના વિખ્યાત નિબંધ `વૉટ ઇઝ પોયેટ્રી’ (૧૮૪૩)માં ‘ફૅન્સી’ અને ‘ઇમેજિનેશન’ના ભેદની ચર્ચા કરતાં ‘ઇમેજિનેશન’ના ઉદાહરણ તરીકે આ પંક્તિઓ ઉતારેલી છે. કાન્ત, રમણભાઈ વગેરે જ્યારે કૉલેજમાં ભણતા હતા ત્યારે લી હન્ટ, રસ્કિન, વર્ડ્ઝવર્થ, શેલી વગેરેના કવિતાને લગતા નિબંધો એમના અભ્યાસમાં, કંઈ નહિ તો વાચનમાં આવતા હતા, એ તો રમણભાઈના `કવિતા અને સાહિત્ય’ ઉપરથી પણ જોઈ શકાય એમ છે. એટલે કાન્તે આખું નાટક ન વાંચ્યુ હોય તોયે આટલા ઉતારા ઉપરથી પણ એમને આ ઉપમા વાપરવાનું સૂઝ્યું હોય એવો પૂરો સંભવ છે. આ બાબતમાં આશ્ચર્ય હોય તો તે એ વાતનું કે એમના જમાનાના કોઈ વિવેચકે એ વાત નોંધી નથી. ૨૯-૬-’૫૫