નારીવાદ: પુનર્વિચાર/ઓગણીસમી સદીનું સામાજિક નવનિર્માણ અને ‘સ્ત્રીઓનો પ્રશ્ન’

From Ekatra Foundation
Revision as of 03:01, 15 July 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૨
ઓગણીસમી સદીનું સામાજિક નવનિર્માણ અને ‘સ્ત્રીઓનો પ્રશ્ન’

બાલાજી રંગનાથન
ફૅકલ્ટી, એન. સી. બોડીવાલા કૉલેજ, અમદાવાદ

૧૯મી સદીમાં થયેલા સામાજિક નવનિર્માણનાં કારણોને ‘સ્ત્રીઓના પ્રશ્ન’ હેઠળ આ પેપરમાં જોવામાં આવ્યાં છે. એ સમયે સમાજ પર થયેલી એની અસરોનો પણ આ પેપરમાં ક્યાસ કાઢવામાં આવશે. ૧૯મી સદીના ભારતે સંસ્થાનવાદ(કૉલોનિયલિઝમ)ની વૈશ્વિક અસરો જોઈ હતી. ભારતમાં થનારા મોટા ભાગના આદર્શવાદી સામાજિક ફેરફારોનો અમલ યુરોપમાં પણ કરવામાં આવ્યો હતો. આ રીતે જોઈએ તો એ ફેરફારોને વૈશ્વિક કહી શકાય. આ ફેરફારોમાં ભણતર, કૌટુંબિક જીવન, ધર્મ અને સંગઠિત લોકસમાજની ભૂમિકા જેવાં ક્ષેત્રોનો સમાવેશ થયો હતો. શાહી સત્તાવાદી કે રાષ્ટ્રવાદી આદર્શોમાંથી મુક્ત થવા માટે ૧૯મી સદી એક લડતભૂમિ બની રહી હતી. સંસ્થાનવાદની માનસિકતા જાતિ (જેન્ડર) વિશેના વિચારો મુજબ ઘડાઈ હતી. કોઈ પણ સંસ્કૃતિમાં પૌરુષ, મુખ્ય ભૂમિકાઓ અને આદર્શ નમૂનાઓનાં ઉદાહરણો લઈને જ હંમેશાં વિજેતાની નિયુક્તિ કરવામાં આવે છે. બધી જ સંસ્કૃતિઓ માટે આ બાબત સાચી ઠરે છે. બધે જ પુરુષજાતિ(જેન્ડર)એ ભજવવાની ભૂમિકા અને સ્ત્રૈણ વર્તન – એ બંને એકસરખી પ્રતિક્રિયાના સૂચન માટે ઉત્તેજન આપે છે. સંસ્થાનવાદે એક ઉત્તમ પ્રજા વિશેની ખોટી માન્યતા અને એના પગલેપગલે ઉત્તમ પુરુષો અને પૌરુષની વિભાવના પેદા કરી છે. લડાઈઓમાં જીત મેળવીને અને ઇતિહાસ-લેખનને રૂંધી દઈને આ ખોટી માન્યતા પેદા કરવામાં આવી છે. બળ અને શાહી સત્તાના આદર્શવાદના બહોળા ઉપયોગની મદદ લઈને વર્ચસ્વવાદી ટેવો ઠોકી બેસાડવામાં આવી હતી. ઉત્તમ હોવાની આ કલ્પનાને આદર્શ ગણીને એનલાઇટનમેન્ટ (એટલે કે બુદ્ધિપ્રકાશ), ઉપયોગિતાવાદ અને પ્રગતિની કલ્પનાઓ પેદા થઈ હતી; એને શિક્ષણ, જેમ્સ મિલ્સના ઇતિહાસ અને બંગાળની એશિયાટિક સોસાયટી તેમ જ વિલિયમ કેરીના સીરામપોર પ્રેસના અનુવાદ-પ્રકલ્પો જેવાં પ્રભાવક કામોએ વધુ મજબૂત બનાવી. ૧૯મી સદીની પ્રતિક્રિયાની કલ્પનાનું ઘડતર આશરે અથવા સમગ્રપણે આ મુજબ જ કરવામાં આવ્યું છે. ૧૯મી સદીમાં અનુભવાયેલી આધુનિકતાની અસરો દૂરદૂર સુધી સામાજિક પરિવર્તનોના રૂપે પહોંચી હતી. એ સમયના ભારતને પણ અત્યારની જેમ જ વર્ણવ્યવસ્થા અને એની આસપાસ અપનાવાતાં પરંપરાગત વલણોના માળખા હેઠળ જ જોવું પડે. વર્ણની પ્રકૃતિ અને એને ગુમાવી બેસવાથી ઊભી થતી સમસ્યાઓ ત્યારે પણ કાયમી જ હતી. બંગાળમાં પ્રસરી ચૂકેલા આધુનિકતાના પ્રવાહે વિવિધસ્તરીય વર્ણવ્યવસ્થાને ફગાવી દીધી હતી. ભારતમાં શાહી સત્તાની શરૂઆત બંગાળથી થઈ હતી, એમ હું કહીશ. આધુનિકતા અને પ્રગતિના પગલે અને શિક્ષણની પ્રક્રિયાની કલ્પના સાથે ફૉર્ટ વિલિયમ કૉલેજ અને કલકત્તાની સંસ્કૃત અને હિંદુ કૉલેજો અને બનારસની હિંદુ કૉલેજની સ્થાપનાને કારણે હેન્રી વિવિયન ડેરોઝીઓ સાથેની યંગ બેંગાલ મુવમેન્ટ થઈ, જેનાથી સમાજમાં ઊહાપોહ જાગ્યો. આ યુવાન સમૂહે સમાજમાં સૌથી ભયંકર ડર ઊભો કર્યો હતો. વર્ણવિહીન, ગાયનું માંસ ખાનારા નવયુવાનો સંસ્થાનવાદની અત્યંત ખરાબ અસર હેઠળ આવી ગયા હતા એવો મત ફેલાઈ ગયો હતો. સમાજે પોતાની સ્ત્રીઓનો ઉપયોગ કરીને આ બાબત સામેથી પીઠ ફેરવી લીધી હતી. આધુનિકતાના હુમલાથી સ્ત્રીઓનું રક્ષણ કરીને સાંસ્કૃતિક હુમલો અટકાવવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો. અહીં જ ‘ગૃહલક્ષ્મી’ની સંપૂર્ણ કલ્પનાનાં મૂળ નંખાયાં. ઘરની અંદર પૂરેપૂરો આનંદ મેળવવા માટે સ્ત્રીઓને વિપુલતાની દેવીની કક્ષાએ બેસાડવામાં આવી. બહારના બદલાતા વિશ્વનો સામનો કરવા માટે ઘર યુદ્ધનું મેદાન બની ગયું. ‘સતી’પ્રથા, બાળલગ્નો અને સ્ત્રીઓ પર શિક્ષણના પ્રતિબંધો લાદીને સ્ત્રીઓની પવિત્રતાની વિભાવનાનું ધ્યાન રખાવા લાગ્યું. જમીન-મિલકતની સમસ્યાઓના ઉકેલ લાવવા માટે હવે ‘સતી’પ્રથા અપનાવવામાં આવી. પરંપરાગત રીતે ક્યારેય ન અપનાવાયેલી એ પ્રથાનો ઉપયોગ ૧૯મી સદીના સમાજમાં ઉપલા સ્તર તરફ ગતિ કરવા માટે થવા લાગ્યો. ભદ્રલોકોમાં અને જે સમુદાયો સામાજિક શ્રેણીમાં ઉપર જવા માગતા હોય, તેઓમાં મોટા ભાગે આ થવા લાગ્યું. પછી તો સતીપ્રથા એવા સ્તરે પહોંચી ગઈ કે જેના વડે પારિવારિક મોભો નક્કી થવા લાગ્યો. એ સમયના પરિવારો મોટા ભાગે સંયુક્ત અને પિતૃસત્તાક જ હતા. આધુનિકતાની ભૂમિકા બે ભાગમાં વહેંચાયેલી હતી. જ્ઞાન અને વ્યવહારનાં સઘળાં પરંપરાગત વલણોને વખોડી નાંખવામાં આવ્યાં અને એની સાથોસાથ દૃષ્ટિનો વિસ્તાર કરવાનું સૂચન લાવવામાં આવ્યું. પ્રગતિ અને શિક્ષણની વિભાવનાઓ સમાજમાં જે સમસ્યાઓ અને દૂષણો લાવી હતી, એમાં સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા અને તેઓનો હોદ્દો ઊડીને આંખે વળગે એવાં હતાં. ૧૯મી સદીમાં સ્ત્રીઓને દસ વર્ષની થાય એ પહેલાં જ પરણાવી દેવામાં આવતી. શિક્ષણ સુધી તેઓની પહોંચ નહોતી. જો સ્ત્રીઓને ભણાવવામાં આવે તો તેઓના પતિ ગુજરી જઈ શકે – એવી એક માન્યતા હતી. કેટલાક ટિપ્પણીકારોએ બે અલગ દૃષ્ટિબિંદુઓ વચ્ચે થનારા વાદવિવાદ પર ટિપ્પણીઓ કરી છે. મનુના કાયદા મુજબના એક દૃષ્ટિબિંદુથી સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા અને એમના હોદ્દા ઘડવામાં આવ્યા હતા. બીજા દૃષ્ટિબિંદુ મુજબ, ન્યૂ ફેમિનિઝમાં સ્ત્રીઓના શિક્ષણ અને બંધનમુક્તિની વ્યવસ્થા સામે પ્રગતિશીલ ટિપ્પણીઓ કરવામાં આવે છે. મોટા ભાગનાં સામાજિક નવનિર્માણો આ દૃષ્ટિબિંદુને કેન્દ્રમાં રાખીને થયાં છે. રાજા રામમોહન રાય અને આદિ બ્રહ્મોસમાજ, કેશવચંદ્ર સેન અને બ્રહ્મોસમાજ ઑફ ઇન્ડિયા અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર – આ બધા જ સૌથી વધુ મહત્ત્વના સમાજસુધારકો હતા. બ્રિટિશ લોકોની એક ખાસ નીતિ હતી કે ભારતના સામાજિક-ધાર્મિક મુદ્દામાં માથું ન મારવું. સતીપ્રથા સામે અગણિત પિટિશન – અરજીઓ થઈ, ત્યાર બાદ વિલિયમ બેન્ટિકે એના પર પ્રતિબંધ મૂક્યો હતો. સૌથી પહેલાં રાજા રામમોહન રાયે હાઉસ ઑફ કૉમન્સમાં સતીપ્રથાની સામે અપીલ કરી હતી. તેઓ ઉલ્લેખ કરે છે :

આપના માનનીય હાઉસને ખાતર આપના પિટિશનરોએ એક અરજી તૈયાર કરી છે, કારણ કે તેઓને જાણ થઈ છે કે અમુક દેશવાસીઓ પ્રાચીન રિવાજોને જોડીને તેઓની વિધવાઓને બાળી મૂકવાનું પુન: પ્રસ્થાપિત કરવા માંગે છે; અને એટલે જ માનનીય હાઉસને અદબપૂર્વક જણાવીએ છીએ કે એ લાગણી સમગ્ર દેશની જનતાની લાગણી હોય એવું માનશો નહીં. અમે આપ માનનીય હાઉસના ધ્યાન પર લાવીએ છીએ કે સ્થાનિક સરકારના કાયદાને મંજૂરી આપવી અને એનો અમલ કરવો. (રાય)

આ ઘટનાને ન્યુ ફેમિનિઝમની રચનાની ભીતરની જ ઘટના કહી શકાય. રાજા રામ મોહન રાયના ભણતર અને ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથેના એમના ધંધાદારી સંબંધને આ ચળવળના મૂળરૂપે જોઈ શકાય. એન્લાઇટનમેન્ટના વિચારમાંથી જ બ્રહ્મોસમાજનો વિચાર પ્રગટ્યો હતો. એકેશ્વરવાદ, મૂર્તિપૂજાનો વિરોધ અને એ બધા પર શાસન કરનાર ખ્રિસ્તી આદર્શો – એ સઘળા વિચારો એન્લાઇટનમેન્ટની આધુનિકતામાંથી જ ઉદ્ભવ્યા હતા. સંસ્થાનવાદી શાસક વર્ગની મેમસાહેબોને આદર્શ ગણીને કેશવચંદ્ર સેને આપણા સમાજની સ્ત્રીઓની લગ્નની વય માટે લડત ચલાવી હતી. સંસ્થાનવાદી શાસિત પ્રજાના સભ્યો પોતાના સમાજની પુનર્રચના કરવા માટે શાસક વર્ગના સભ્યો સાથે સતત સરખામણી કર્યા કરતા. કેશવચંદ્ર સેને જ્યારે પોતાની ૧૪ વર્ષની દીકરીને કૂચબિહારના મહારાજા સાથે પરણવાની મંજૂરી આપી હતી, ત્યારે તેઓ જાતે પણ આ પરિવર્તન સાથે કદમ મિલાવી શક્યા નહોતા. આ જ કારણસર બ્રહ્મોસમાજ ઑફ ઇન્ડિયા અને સાધારણ બ્રહ્મોસમાજ વચ્ચેની તિરાડ વધી ગઈ, કારણ કે અહીં નવનિર્માણની કાર્યપદ્ધતિ ક્ષીણ થવા સામેનો વિરોધ કરવામાં આવતો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સ્ત્રીશિક્ષણની હિમાયત કરી હતી. અગાઉ જણાવ્યા મુજબ સ્ત્રીઓને ભણાવવાથી એમના પતિનું મૃત્યુ થાય એવી પ્રચલિત માન્યતાની વિરુદ્ધ આ પગલું હતું. આ બાબતને મિલકત અને વારસાગત હક્કો સાથે પણ જોડી શકાય. ત્યારે સ્ત્રીઓને વારસાગત મિલકત મેળવવાનો હક્ક નહોતો. આ રીતે સ્ત્રીઓને શિક્ષણથી દૂર રાખવાને કારણે આર્થિક સત્તા પુરુષોના હાથમાં જ રહેતી અને ‘સતી’પ્રથા અપનાવવાથી મિલકતમાં ભાગ પાડવા ન પડતા. સમગ્ર ભારતમાં અને ખાસ કરીને કલકત્તા અને બંગાળમાં ૧૮મી અને ૧૯મી સદીમાં ઘણી મહામારીઓ આવી અને એ કારણે એ સમયગાળામાં મૃત્યુનો દર ઘણો ઊંચો જતો રહ્યો હતો. સ્ત્રીઓએ કઈ રીતનું જીવન જીવવું જોઈએ એનું વર્ણન કરનારાં પ્રકાશનો અને અન્ય આદેશાત્મક સામયિકો છપાવવાનો પણ એક દોર ચાલ્યો હતો. એ બધાંને ઘરગૃહસ્થીને લગતાં ચોપાનિયાં જ કહી શકાય. આ ચોપાનિયાં ન્યૂ ફેમિનિઝમનાં પ્રતિસ્પર્ધી બની ગયાં. એમાં ભલે વિવિધ વિચારો દર્શાવવામાં આવતા હોય, પણ એમનો સૂર તો માત્ર સ્ત્રીત્વ અને એના હોદ્દાના ઘડતર વિશેનો જ હોય છે. પતિની કાળજી લેવાની કળા, બાળઉછેર, ઘરની સંભાળ, રાંધણકળા અને શિક્ષણની ભૂમિકા વિશેના વિષયો જ એ બધાંમાં વારંવાર આવ્યા કરતા હોય છે. જે ન્યૂ ફેમિનિઝમમાં પતિઓ શિક્ષણકારની ભૂમિકા ભજવતા હતા, એનો ૧૯મી સદીના અંત સુધીમાં તો આશ્ચર્યજનક રીતે અંત આવી ગયો હતો. મોટા ભાગના ટિપ્પણીકારો પણ માનવા લાગ્યા હતા કે એ ચળવળ મહદ્ અંશે સફળ નીવડી હતી અને એ કારણે સ્ત્રીઓ પેલી પહેલાં જેવી વિખૂટી પાડી દેવાયેલી જિંદગીઓમાંથી બહાર નીકળી ચૂકી હતી અને એના પરિણામે સ્ત્રીઓ માટે શિક્ષણ અને પ્રવાસ વધુ સુલભ બન્યાં હતાં. જે રાષ્ટ્રીય ચળવળમાં સ્ત્રીઓએ પ્રમાણભૂત ભૂમિકા ભજવી હતી, એની શરૂઆત અહીંથી થઈ હતી એમ કહી શકાય. હવે મારા પેપરના કેન્દ્રવર્તી સિદ્ધાંત પર આવીએ. આ ઉપદેશને આપણે કઈ રીતે સમજાવી શકીએ? પાર્થ ચેટરજીથી માંડીને દીપેશ ચક્રવર્તી સુધીના મોટા ભાગના ટિપ્પણીકારોએ આ વિષયને જાહેર અને ખાનગી વર્તુળો વચ્ચેની એક ચોક્કસ સીમારેખા તરીકે જોયો છે. ઘરને એક પવિત્ર સ્થાનનો દરજ્જો આપીને એમાં પૌરુષની અકબંધ રીતે જાળવણી કરવામાં આવે છે. અહીં આ અંતર્ગત સમસ્યા બની જાય છે, જેનો ક્યારેય વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવ્યો નથી. સંસ્થાનવાદી શાસકોએ પુરુષની ઘરની બહાર એક સ્ત્રૈણ આદર્શ છાપ ઊભી કરી હતી, જે કારણે ઘરની અંદર પૌરુષસભર વર્તણૂકની છાપ ઊભી કરવામાં આવી. સંસ્થાનવાદી શાસકોના આ ગુણોને ન્યૂ ફેમિનિઝમના બધા જ રચયિતાઓએ અપનાવી લીધા અને એ ગુણોને પોતાનાં ઘરોની અંદર તેમ જ સામાજિક નવનિર્માણમાં ભેળવી દીધા. અહીં નવનિર્માણ પારંપરિક વિચારોનાં ભૂતકાલીન સાંસ્કૃતિક અને સામાજિક બંધનોને ધૂંધળાં બનાવી દે છે. આ જ વિચારોનું શાહી સત્તાવાદી ઉપદેશોમાં વારંવાર સૂચન થતું રહેતું. શું ૧૯મી સદીના નવનિર્માણને સંસ્થાનવાદી પ્રક્રિયાની તર્કસંગત ઊપજ ગણી શકાય? જેમાં એ શાસકોએ લોકોની બુદ્ધિ પર સત્તા જમાવવી હતી? અને શું એ નવનિર્માણના ઘડવૈયાઓ આધુનિકતાના ધસમસતાં પ્રવાહને નવનિર્માણમાં ખપાવી દેવા માટેનાં પ્યાદાં બની ગયા હતા? અથવા શું આપણે એમ કહી શકીએ ખરા કે એનાં જ કારણે રાષ્ટ્રીય ચળવળનાં બીજ નંખાયાં હતાં? ૧૯મી સદીની શરૂઆતમાં અને મધ્યભાગના સમયમાં ‘સ્ત્રીઓના પ્રશ્ન’નો જે પ્રભાવ હતો, એ ૧૯મી સદીના અંત સુધીમાં પત્રિકાઓ, ચોપાનિયાં કે જાહેર જગ્યાઓમાં ભાગ્યે જ દેખાતો હતો. મેં આગળ જણાવ્યું છે એ મુજબ આ ‘સ્ત્રીઓના પ્રશ્ન’નું રાષ્ટ્રીય પ્રશ્નમાં રૂપાંતર થઈ ગયું હતું. મેં આગળ જણાવ્યું છે એમ ભારતીય પુરુષ પોતાની ઓળખ વિશે દ્વિધા અનુભવવા લાગ્યો હતો. સ્ત્રૈણ તરીકે વર્ગીકૃત થવાને કારણે એ મથામણ અનુભવી રહ્યો હતો. સંસ્થાનવાદી પ્રજાના સંસ્થાનવાદી આદર્શ નમૂના મુજબના રૂપાંતર કરતાં આ પાસું સાવ જુદું જ હતું. આધુનિકતા સાથેના આ ટકરાવમાંથી જ ૧૯મી સદીના ‘સ્ત્રીઓના પ્રશ્ન’ના મૂળનાં મંડાણ થયાં હતાં. સંસ્થાનવાદે એક તળપદી જ્ઞાનવ્યવસ્થાની સમસ્યાઓ ઉઘાડી પાડીને સંસ્થાનવાદી આધુનિકતા સામે એને શીંગડાં ભરાવતી કરી મૂકી હતી. સદીઓ જૂના રિવાજો અને સામાજિક આચારવિચારો વડે સ્થપાયેલી આ તળપદી જ્ઞાનવ્યવસ્થા તો એક સામાજિક કરાર હતી. મૂળથી આ કરાર ધાર્મિક હતો. મનુસ્મૃતિમાં પુરુષો અને સ્ત્રીઓનાં સામાજિક સ્થાન નક્કી કરવામાં આવ્યાં હતા. એમાં પાછો વળી વર્ણ માટેના પૂર્વગ્રહનો ઉમેરો થયો હતો, જ્યારે આ ‘એનલાઇટનમેન્ટ’ની આધુનિકતા તો વૈજ્ઞાનિક હતી. જે-તે કારણો નજરે પડ્યાં એના પર સંપૂર્ણપણે આધાર રાખીને હકીકતો વિશે જેને જે કંઈ પણ સમજણ પડી એને આંકડાઓના કોઠાઓમાં સંગ્રહિત કરીને નોંધવામાં આવી. આ રીતે સામ્રાજ્યના આંકડાઓને મોજણીઓ, ગૅઝેટિયરો, શૈક્ષણિક સંસ્થાનો, સંગ્રહાલયોના વિકાસ તેમ જ શૈક્ષણિક અને સામાજિક નવનિર્માણો કરીને નવેસરથી ગોઠવવામાં આવ્યાં. આમ બે જ્ઞાનવ્યવસ્થાઓ – મૂળ તળપદી અને એની સામેની કારણદર્શી આયાતી યુરોપિયન વિભાવનાની અથડામણમાંથી બંને પ્રકારના પ્રત્યાઘાતો બહાર આવ્યા; નવી રીતે વિચારવાના અને એની સામે રૂઢિચુસ્ત વલણ અપનાવવાના પ્રત્યાઘાતો પણ આવ્યા જ. સારાસાર વિવેક અને બહોળી વૈશ્વિક દૃષ્ટિ એ એનલાઇટનમેન્ટની મુખ્ય લાક્ષણિકતાઓ હતી, જે પાશ્ચાત્ય ભણતરમાંથી જ આવે અને એનાથી જૂની સામાજિક વ્યવસ્થાનો નાશ થઈ જશે એવા ભયથી રૂઢિચુસ્ત પ્રત્યાઘાતો આવ્યા. એક તરફ આધુનિકતામાં શિક્ષણના પ્રભાવથી મુક્તિની અસરો અને ભૌતિક ફાયદા થતા હતા, જ્યારે બીજી તરફ આ બાંધછોડની સમસ્યા ઊભી થતી હતી અને સમાજમાંથી ન્યાત-જાતની વ્યવસ્થાનો નાશ થઈ રહ્યો હતો. પૌરુષની કલ્પના અને સ્ત્રૈણ થઈ ગયા હોવાના કલંકની સમસ્યાઓ – આ બંને બાબતોને કારણે ભારતીય પુરુષની માનસિક પરિસ્થિતિ કોરાઈ રહી હતી. કાર્યસ્થળોમાં પરદેશીઓના સંપર્કને કારણે પોતાની સંસ્કૃતિ ગુમાવી બેસવાના ભયથી સમસ્યાને કારણે તેઓ સ્ત્રીઓને વિખૂટી પાડી દેવા તરફ દોરવાયા. તેઓ માટે સંસ્થાનવાદની સામે લડવા માટે ઘર જ એક સુરક્ષિત ઠેકાણું બની રહ્યું અને સ્ત્રીઓ અને સ્ત્રીઓનાં શરીરો સંસ્થાનવાદની સામે લડવા માટેની રણભૂમિ બની ગયાં. એનલાઇટનમેન્ટ પ્રકલ્પની સાથેસાથે જ આધુનિકતાનાં ધસમસતાં મોજાંના ભાગરૂપે જ ૧૯મી સદીની સામાજિક નવરચના થઈ. આ બાબતની સારી અસર એ થઈ કે વેઠની જિંદગી વહન કરવામાંથી સ્ત્રીઓને મુક્તિ મળી. માત્ર પુરુષો જ વસી શકે એવા મર્યાદિત વર્તુળમાં કૃપાબાઈ સત્યાનંદન, પંડિતા રમાબાઈ અને આનંદીબાઈ જોશી જેવી મહિલાઓ પણ આવી. સ્ત્રીઓની ચળવળ પર આધુનિકતાની એક સારી અસર પડી હતી. શાહી સત્તાવાદી શિક્ષણના એક ભાગરૂપે માનસિક મોકળાશ પણ મળી. આ આધુનિકતાના માળખામાંથી જ ભારતના સમાજસુધારકોને સુસંગત સ્પષ્ટીકરણ સાથે વિચારો દર્શાવવાની તાલીમ મળી હતી. ખરેખર તો ૧૮૧૩ના ચાર્ટર ઍક્ટ અને ત્યાર પછીના ૧૮૩૫ના મેકોલે અને ચાર્લ્સ ગ્રાન્ટના ‘મિનિટ ઑન એજ્યુકેશન’થી શરૂ થયેલી બ્રિટિશ શાહી સત્તાની પ્રક્રિયાને કારણે જ આ ચળવળ પરાકાષ્ઠાએ પહોંચી શકી હતી. ૧૯મી સદીમાં થયેલા સમાજસુધારાની ભારતીય સ્ત્રીઓ પર પડેલી હકારાત્મક અસરો વાંચતી વખતે એ જ સમયગાળામાં યુરોપની સ્ત્રીઓએ ભજવેલી ભૂમિકાનો મુદ્દો ઘણી વાર ચૂકી જવાય છે. પિતૃસત્તાક માળખામાં સ્ત્રીઓને ભોગવવી પડતી મૂળભૂત સમસ્યાઓ બધે એકસરખી જ હતી. શરૂઆતમાં ભારત આવેલા વસાહતીઓની રોજનીશીઓ અને પત્રો વાંચતાં જણાય છે કે લગ્નની ભૂમિકા ભજવવામાં ચારિત્ર્ય- શુદ્ધિ, કૌમાર્ય, આજ્ઞાપાલન અને એક પ્રકારની દૈવી નિર્દોષતા પર હંમેશાં ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાંની બ્રિટિશ સ્ત્રીઓ પણ માત્ર એક કાલ્પનિક સ્વતંત્રતાનો અનુભવ કરતી. આ બે દેશોની સ્ત્રીઓ વચ્ચે માત્ર ભણતરનો જ ફરક હતો. ભારતમાં થનારાં બ્રિટિશ લગ્નોમાં પણ સ્ત્રીની બુદ્ધિને એક ગુણ તરીકે જોવામાં આવતી નહીં. એક સુંદર ઘરની જાળવણી અને ગૃહસ્થીની સજાવટ તેમ જ બ્રિટિશ પ્રભાવની માવજત જ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ગણાતી. ધોળી બ્રિટિશ સ્ત્રીઓ તો માત્ર પૌરસ્ત્ય સંસ્કૃતિની તીવ્ર અસરનો સામનો કરવા માટેનું ફલક જ બની રહેતી. ઈ. એમ. ફોસ્ટરનાં લખાણો અને ૧૮૫૭ના બળવાની કહાણીઓના વર્ણનમાં આ બાબત સ્પષ્ટપણે નોંધી શકાય છે. આધુનિકતાના ચોકઠા હેઠળ ભારતીય સ્ત્રીઓને જાહેર વર્તુળોમાં ધકેલવામાં આવતી. શ્રીમતી રાનડે, આનંદીબાઈ જોશી, કોર્નેલિયા સોરાબજી, પંડિતા રમાબાઈ, મૅડમ ભીખાઈજી કામા અને એમના જેવી અન્ય સ્ત્રીઓને એમના પરિવારોમાંથી જાહેર જીવનમાં જવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, એ પરિવારોમાં શિક્ષણની મુક્તિદાયક અસરોનો અનુભવ થઈ ચૂક્યો હતો. જાહેર વર્તુળોમાં પ્રવેશ કરનારી આ સ્ત્રીઓ તો ભારતના ભદ્ર વર્ગની હતી. ‘સ્વદેશી’ અને ‘ભારત છોડો’ ચળવળો વખતે જાહેર જીવનમાં મોટા ભાગની જે સ્ત્રીઓ બહાર આવી શકી એમનું આ સ્ત્રીઓ પ્રતિનિધિત્વ કરતી નથી. વર્ણ, ધર્મ અને કામકાજ વિશેના પૂર્વગ્રહોને સાચા અર્થમાં ભેદીને સ્ત્રીઓ માટે જાહેર જીવનમાં ખરેખર પ્રવેશવા માટેનો મંચ તો રાષ્ટ્રીય ચળવળે જ પૂરો પાડ્યો હતો. જાહેર જીવનનો વિચાર ઘરની અંદરના જાતિ માટેના પૂર્વગ્રહ અને પિતૃસત્તાક માળખાની સાથે જોડાયેલો હતો. જાહેર જીવન માણતી સ્ત્રીએ પણ એક ગૃહિણીની ભૂમિકા તો ભજવવી જ જોઈએ એવી બહુઆયામી અપેક્ષા રાખવામાં આવતી. આ પ્રકારનાં આશ્ચર્યજનક બેવડા ધોરણને કસ્તૂરબા અને કમલા નહેરુ ઉઘાડાં પાડે છે; તેઓ ભલે જાહેર જીવનના એક ભાગ તરીકે ગણાયાં હોય, પણ એમના પતિઓની સરખામણીમાં એમની એટલી નોંધ લેવાઈ નથી અને તેઓને ગૃહિણી તરીકે જ જોવામાં આવે છે. જે આધુનિકતાએ ભારતીય પરંપરા પર મર્મઘાત કર્યો હતો, એણે જ રાષ્ટ્રીયતાને વળતો જવાબ આપવા માટે સુસંગત રીતે એક ઉપદેશાત્મક વલણ અપનાવ્યું હતું. શાહી સત્તાવાદી આધુનિકતા એક રીતે જોઈએ તો રાષ્ટ્રવાદી આધુનિકતામાં રૂપાંતરિત થઈ ચૂકી હતી, કારણ કે લેખકો અને સમાજસુધારકોએ એનો સુસંગતતાથી વ્યૂહાત્મક રીતે ઉપયોગ કર્યો છે, જેમાં બંકિમચંદ્ર, શ્રી અરવિંદ, વિવેકાનંદ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર, જ્યોતિબા ફુલે, ગાંધી, સુબ્રમણ્યમ ભારતી અને નર્મદ અને દલપતરામ જેવા ગુજરાતી કવિઓ અને ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા નવલકથાકારોનો સમાવેશ થાય છે. આ વળી એક નવી જ સમસ્યા તરફ દોરી જાય છે. પણ અહીં હું એ વાતનો વિસ્તાર નહીં કરું. માત્ર એટલું જ કહીશ કે રાષ્ટ્રની રચના જ્યારે એક ‘મા’ તરીકે કરવામાં આવી ત્યારે એમાં નારીવાદી ઉપદેશોને જોડી દઈને એક સ્ત્રીના શરીર માટે જ સ્વાતંત્ર્યસંગ્રામ લડવામાં આવ્યો હતો ને?

Works Cited

Chakravarthi, Dipesh, 2001 Provincializing Europe: Post-Colonial Thought and Historical Difference. New Delhi: OUP.
Chaterjee, Partha, 1989. છThe Nationalistic Resolution of the Wom-enક્કs Questionઝ. Recasting Women. Ed. Kumkum Sangari and Suresh Vaid. New Brunswick, N.J.: Rutgers U.P.
Ghose, Jogendra, 1906; Rpt. 1982. The English Works of Raja Ram-mohun Ray. 4 vols. New Delhi: Cosmo Publications.