સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/ચુનીલાલ મડિયાનું વિવેચન (એક નોંધ)

From Ekatra Foundation
Revision as of 08:51, 7 August 2025 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચુનીલાલ મડિયાનું વિવેચન (એક નોંધ)

મણિલાલ હ. પટેલ

ઝવેરચંદ મેઘાણીનું ૧૯૪૭માં અવસાન થયું એ ગાળામાં ચુનીલાલ મડિયા સાહિત્યક્ષેત્રે પ્રવેશ કરી ચૂક્યા હતા. મેઘાણીએ લોકસાહિત્યનું લેખન-સંપાદન કરીને સૌરાષ્ટ્રના લોકજીવનનાં અનેક પાસાંનો વિગતપ્રચુર પરિચય પ્રજા સમક્ષ રજૂ કર્યો હતો. એમનું મૌલિક સર્જન પણ એ દિશામાં પ્રભાવકતા દાખવી રહ્યું હતું. એમના પછી મડિયાએ, રાજકોટ-જૂનાગઢ પંથકના પ્રજાજીવનની વાસ્તવિકતા અને વિવિધ રંગોને કલ્પનોત્થ સાહિત્ય વડે, રસાળ શૈલીમાં, નવલકથાઓ તથા વાર્તાઓ રચીને વાચા આપી હતી. મડિયા આપણા ઉત્તમ વાર્તાકારોની હરોળના વાર્તાકાર તરીકે આજે પણ વંચાતા-ચર્ચાતા રહ્યા છે. નવલકથાકાર તરીકે પણ તેઓનું લેખન-સર્જન ગુણવત્તાએ કરીને આજેય વિસારે પડ્યું નથી. મડિયા ગઈ સદીના છઠ્ઠા-સાતમા દાયકામાં સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત હતા. પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, દર્શક, પીતાંબર પટેલ, ર. વ. દેસાઈ અને જયંતી દલાલ જેવા કથાવાર્તાના સર્જકો મડિયાના સમકાલીન હતા. મડિયા એક બાબતે નોખા, આ બધાથી જુદા પડતા હતા, અને તે બાબત એટલે એમનું કથાસાહિત્યનું વિવેચન! પોતાની કથાવાર્તાલેખનની કોઢમાં (વર્કશૉપમાં) એમને જે લેખન-સર્જન સંદર્ભે અનુભવો થયા, જે વિચારો આવ્યા અને એના અનુસંધાને, એમણે જે વિવેચનો (પશ્ચિમનાં સમેત) વાંચ્યાં એના પરિપાકરૂપે એમણે કથા-વાર્તાનાં રૂપ-સ્વરૂપ અને ઘાટઘડતર વિશે મોકળાશથી વિવેચનાત્મક લેખો કર્યા. આમ, મડિયા કથાસાહિત્યના વિવેચક તરીકે ઊપસી આવેલા. સુરેશ જોષીના ‘નવલકથાનો નાભિશ્વાસ?’ જેવા લેખોનો એમણે પોતીકી ભોંય પરથી જવાબ વાળ્યો કે નવલકથાને કશું થયું નથી. મડિયાનું વિવેચન બહુધા નવલકથા – ટૂંકીવાર્તાના સિદ્ધાંતો અને કૃતિઓની સમીક્ષાને તથા ગુજરાતી કથાવાર્તાના પ્રવાહોને રજૂ કરે છે. એમને એ વિશે વધુ ને વધુ કહેવું છે, જાણવું છે, એટલે એ પાશ્ચાત્ય નવલકથા-વાર્તાના સિદ્ધાંતો તથા ત્યાંની કૃતિઓને વાંચે છે, એ વિશે વિચારે છે અને આપણી ભૂમિકાએ એની ચર્ચાઓ કરે છે. ‘કથાલોક’ અને ‘વાર્તાવિમર્શ’ આ બે સંચયોના લેખોમાંથી પસાર થનારને મડિયાની વિવેચનશક્તિ અને રીતિનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. આપણે આ બે સંચયોમાંથી પસંદ કરેલા મહત્ત્વના અને પ્રતિનિધિ રૂપ અભ્યાસલેખો વિશે વાત કરીશું. ‘નવલકથા : એક વિકાસશીલ સાહિત્ય સ્વરૂપ’ – આ લેખ મડિયાએ પોતાની નવલકથા ‘લીલુડી ધરતી’ના આરંભિક લેખ તરીકે લખીને મૂકેલો. નવલકથાના સ્વરૂપ અને શાસ્ત્ર વિશે જાણવા ઉત્સુક મડિયાને જાણવા મળેલું કે નાટકને એની અઢી હજાર વર્ષોની યાત્રામાં, લેખન પરંપરાએ એનાં સ્વરૂપો અને શાસ્ત્રો સ્પષ્ટ કરી આપ્યાં હતાં. નવલકથાને ત્રણ-ચાર શતકની એની સર્જનયાત્રા દરમ્યાન ‘એના રસિક શાસ્ત્રીય ભાષ્યકારો બહુ મોટી સંખ્યામાં હજી સાંપડ્યા નથી.’ (‘કથાલોક’, પૃ. ૧૬) મડિયા યાદ દેવડાવે છે કે મીમાંસા આખરે તો સર્જન/કૃતિઓ પર નિર્ભર હોય છે. અનેક નવલકથાઓનો તથા એ માટે પ્રયોજાયેલી કેટલીક વ્યાખ્યાઓની નોંધ કરીને મડિયા ‘યુદ્ધ અને શાંતિ’ (તોલ્સ્તોય) અને ‘સરસ્વતીચંદ્ર’ (ગો.મા.ત્રિ.) જેવી નવલકથાઓના લેખન-વાચનને માર્ગદર્શક માનતા પમાય છે. આવી નવલકથાઓ, નવલલેખકોને એવું સૂચવે છે કે નવલકથામાં શું શું ન આવવું જોઈએ તથા શું શું કેવી રીતે આવવું જોઈએ. ‘માદામ બોવરી’ જેવી ઘૂંટી ઘૂંટીને લખાયેલી નવલકથાને પણ ‘ક્રાફ્ટ’, ‘આસ્પેક્ટ્‌સ’ બાબતે મડિયા મહત્ત્વની માને છે. નવલકથામાં વાસ્તવ અને દર્શન બંનેને જરૂરી માનતા વિવેચકોને ટાંકીને મડિયા નવલકથા માત્ર દર્પણ – વાસ્તવનું ચિત્ર માત્ર આપતી – ન બની રહેતાં દર્શન સુધી પહોંચે એમાં જ એના લેખનની સફળતા જુએ છે. ‘નવલકથા : યુગચેતનાનું વાહન’ લેખમાં મડિયાના ઉક્ત વિચારો વ્યક્ત થયા છે. નવલકથા વર્ણનો અને પ્રસંગોનાં દૃશ્યો આલેખતી ધારાપ્રવાહ બનવાનાં ભયસ્થાનો હોય છે. મડિયા પણ અન્યોની જેમ વિચારે છે – ચાહે છે કે નવલકથાને પણ ચિત્ર-શિલ્પ-સ્થાપત્ય જેવું સ્થૈર્ય મળે. યુગચેતના તો નવલોમાં આવે જ. પશ્ચિમની નવલોમાં સામંતશાહી, ઝારશાહી અને નાઝી વલણોનો સંદર્ભ મડિયા નવલોનાં નામ સાથે ટાંકે છે. યુગચેતના સંદર્ભે મડિયા ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ગોરા’ને યાદ કરે છે. જીવનનું પ્રતિબિંબ (‘મિરર ઓન ધ રોડ સાઇડ’, ફ્રેંક ઑ’કોનર) – (‘ઊભી વાટે આરસી’) તો બીજા ગદ્ય સ્વરૂપોમાંય આવે જ આવે... નવલકથાએ એથી આગળ વધવાનું છે. નવલકથા જેવા ઓછા ચુસ્ત અને વધારે પરંપરાગત સ્વરૂપમાં જમાને જમાને બદલાવ આવવા સાથે ક્યારેક એનો શ્વાસ ધીમો પડતો પણ લાગે છે. ૧૯૬૮માં કલકત્તા ખાતે ગુજરાતી સાહિત્ય મંડળને ઉપક્રમે પરિષદ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો (જેનો કેન્દ્રવર્તી સારાંશ આ લેખ છે : નવલકથા – યુગચેતનાનું વાહન) – આપતાં મડિયાએ સુરેશ જોષીને અપ્રત્યક્ષ જવાબ વાળતાં મડિયા લખે છે : ‘આવા જીવંત સાહિત્ય પ્રકારના સ્વાસ્થ્ય અંગે વારંવાર શંકાકુશંકા સેવાય એ કેવું વિચિત્ર ગણાય! નવલકથાના નાભિશ્વાસનું નિદાન આપણે ત્યાં જ નહિ, વિદેશોમાં પણ વારેવારે થયા કરે છે. થોડા થોડા સમયગાળે નવલકથાની મૃત્યુનોંધ લેવાતી રહે છે, અને છતાં, હુમાપક્ષી ફિનિક્સની પેઠે એ નવજન્મ પણ લેતી રહે છે.’ (‘કથાલોક’, પૃ. ૩૧૮) મડિયા પોતે વાર્તાકાર તરીકે વધારે સફળ લેખક મનાયા છે. વાર્તાનું શાસ્ત્ર મડિયાએ ‘વાર્તાવિમર્શ’ના લેખોમાં ઘણાં ખરાં પાસાં અને લક્ષણોને ધ્યાનમાં રાખીને, સમજાવ્યું છે. મડિયાએ પોતે સદ્‌ અને અસદ્‌ બંને તત્ત્વોને લક્ષીને વાર્તાઓ રચી છે. ટૂંકી વાર્તાના ‘ઘાટ અને ઘડતર’માં મડિયા પ્લૉટને, આદિ-મધ્ય-અંત અને ક્રિયાશીલતામાંથી પ્રગટતા સંઘર્ષને મહત્ત્વનાં ગણાવે છે. વાર્તાના અંતની બધે થયેલી ચર્ચાઓ ટાંકીને મડિયા વાર્તામાં સહજ રીતે બંધાતા-રચાતા આવતા ઘાટને દૃઢાવી આપતા. – (ને એ જ એકમાત્ર અંત હોવાની વાતને – ) અંતને આવકારે છે. નવલકથાનો અંત જુદો – બીજો – લાવી શકાય, વાર્તાનો અંત બદલી નહીં જ શકાય. મડિયા ચૅખવ અને મોપાસાંની વાર્તાશૈલી તથા રીતિની તુલના કરીને, બંનેની ભિન્ન શૈલીએ વાર્તાવિશ્વ પર પાડેલા પ્રભાવની નોંધ લે છે. આ બંને વાર્તાકારો પછી મડિયા અમેરિકન વાર્તાકાર હેમિંગ્વેની વાર્તાકળાના પ્રભાવને વર્ણવે છે. ગુજરાતીના ધૂમકેતુ, જયંત ખત્રીની વાર્તાઓના ઉલ્લેખો કરતા મડિયા ગુજરાતી વાર્તાની ગઈકાલ – આજ – આવતીકાલની વાત કરતાં મહત્ત્વના વાર્તાકારો અને વાર્તાઓની નોંધ લે છે. વાર્તાલેખન વિશે ફરિયાદો કે ટીકાટિપ્પણી કર્યા પછી પણ ગુજરાતી વાર્તા વિશે એમનો સંતોષ અને આવતીકાલ વિશે હકારાત્મકતા વ્યક્ત થતાં વંચાય છે. મડિયા વાર્તા-નવલકથા બંનેમાં જીવનદૃષ્ટિ, ગદ્યશૈલી, કથાકથનરીતિ, ઘટના-પ્રસંગોને અનિવાર્ય માનતા દેખાય છે – વંચાય છે. એમણે લીધેલાં દૃષ્ટાંતોમાં પણ એ વલણ સ્પષ્ટ થાય છે. ‘નવલકથા અને વાર્તાભેદ માત્ર કદ કે વિસ્તારનો ભેદ નથી. એ ભેદ મૂળભૂત છે. કથયિતવ્યનો છે. કેટલાંક કથાવસ્તુ જ એવાં હોય છે, જે ટૂંકી વાર્તાના ઢાળમાં ઢાળી શકાય. બીજી કેટલીક અનુભૂતિ જ એવી હોય છે જેમાંથી નવલકથા લાંબી વાર્તા નીપજે; પછી એ કૃતિઓનું કદ ગમે તેટલું લાંબું હોય કે ટૂંકું.’ (‘વાર્તાવિમર્શ’, પૃ. ૧૯) મડિયા નવલકથા-વાર્તા-એકાંકી સ્વરૂપોમાં થયેલા લેખનસર્જનનું પ્રવાહદર્શન કરાવતા લેખોમાં બહુધા ‘સ્ટોક ટેકીંગ’ કરતા જણાયા હોવા છતાં નવલકથા વિશેના લેખોમાં યુગ-કર્તા-કૃતિના ઉચિત સંદર્ભોની વાત કરે છે. નવલકથામાં મુનશીની બરકરાર રહેલી લોકપ્રિયતાને ગુણપક્ષે ગણાવી, ર. વ. દેસાઈની ઓસરતી લોકપ્રિયતા વિશે ધ્યાન દોરે છે. કૃતિ વિવેચનમાં ર. વ. દેસાઈની ‘પ્રેમપંથ’-ની મર્યાદઓ બતાવે છે. તો ‘ઝેર તો પીધાં છે’ના બંને ભાગોની પાત્રસૃષ્ટિ અને કથાની યોગ્ય ગતિ તથા કથનની માવજતને જમા પક્ષે નોંધે છે. મડિયાએ ‘અધ્યાપકીય’ વિવેચનની બીબાંઢાળ રીતિનીતિનો ઉપહાસ કરેલો. દા.ત. ‘પેટલીકરનાં વખાણ ન થાય ને પન્નાલાલની ટીકા ન થાય.’ – આ વલણ નુકસાનકારક છે. મેઘાણીની નવલોને પણ એ ‘અર્ધદસ્તાવેજી’ ગણાવી, ઉદાહરણો સાથે જમા પક્ષની નોંધ લે છે. મડિયા, બક્ષી, મધુ રાય, દિગીશ મહેતાની પ્રથમ નવલકથાઓને આવકારે છે અને રઘુવીર ચૌધરી, ભગવતીકુમાર શર્મા વગેરેના નૂતન લેખન પ્રત્યે આશાવાદી દૃષ્ટિથી જુએ છે. આપણે ત્યાં મોડેથી આવેલો-ખેડાયેલો ‘એકાંકી’ નાટ્યપ્રકાર, એની પહેલી પચ્ચીસીની મર્યાદાઓ ચીંધવા સાથે ઉમાશંકર, જયંતી દલાલ અને ચં. ચી. મહેતાનાં એકાંકીઓની ગુણવત્તા સદૃષ્ટાંત દર્શાવવાનું મડિયા ચૂકતા નથી. મડિયા યુરપ-રશિયાના સાહિત્યના સારા વાચક ભાવક હોવાનું – એમના લેખોમાં (મૂળે ઘણા લેખો મડિયાએ આપેલાં વ્યાખ્યાનોની નીપજ છે –) પ્રતીત થાય છે. ‘માનવીની ભવાઈ : ઇટાલિયન ભૂમિમાં’ (‘કથાલોક’) નાયક લેખમાં ઇગ્નાઝિયો સિલોનીની ‘ફોન્તામારા’ નવલકથાની સરસ સમીક્ષા કરતા મડિયા, દુનિયામાં બધે ‘દીનહીન’ લોકોની આપદાઓ સરખી હોવાનું સૂચવી એની લેખકની કથાસંકલન અને પરિવેશ વર્ણનની શક્તિનો પરિચય કરાવે છે. ‘પથેર પાંચાલી’ અને ‘આરણ્યક’ નવલકથાઓમાં પ્રગટતા સૌંદર્યલોકને મડિયા તારવી બતાવે છે. તો ‘શર્વિલક’ નાટકના મૂળ સ્રોતોમાં લઈ જઈ નાટ્યકલા અને ચરિત્રીકરણ, ચિત્રીકરણની સક્ષમતા દર્શાવતો લેખ, ‘ફાંકડો ફિતુરી : પ્રાચીન લેબાસમાં’ (ગ્રંથગરિમા) મડિયાની વિવેચક દૃષ્ટિ અને ગદ્યશક્તિનો પરિચય છે. આવા જ બીજા ધ્યાનપાત્ર સમીક્ષા લેખો પણ મડિયાએ આપ્યા છે. દા.ત., ‘બંડખોર મરજાદીની મૂંઝવણ’ (ગ્રંથગરિમા) લેખમાં નાનાભાઈ ભટ્ટની આત્મકથા (બંને ખંડ એક સાથે) ‘ઘડતર અને ચણતર’ની વિગતે ચર્ચા સાથે એ યુગ, એ કાળમાં કેળવણીના નવા ખ્યાલો, પરિવેશ, અભાવો, સંઘર્ષોનું મડિયાએ ભાવસભર શૈલીમાં આલેખન કર્યું છે એ કાબિલેદાદ છે. આલ્બેર કામૂ અને ચૅખવ વિશેના લેખોમાં એ બંને સર્જકોનો જીવનસંઘર્ષ આલેખતાં આલેખતાં એમના સર્જનમાં પ્રગટતાં નૂતન યુગ પરિબળ અને વિચારવલણો મડિયા અભિનિવેશ વિના રજૂ કરે છે. સુરેશ જોષીના ‘બીજી થોડીક’ વાર્તાસંચયની ‘અચલાયતન ઉપર આક્રમણ’ (વાર્તાવિમર્શ) શીર્ષકથી કરેલી સમીક્ષા ટૂંકી છતાં માર્મિક છે. થોડીક મજાક ખાતર કરેલી (‘ગૃહપ્રવેશ’ની પણ) વાર્તાઓની ટીકા સાધાર નથી. જો કે સુરેશ જોષીની વિચાર અને સર્જનની દિશાને, સાચે જ પરખતા હોય એમ મડિયા, એમને ‘વિદુલા’ જેવી ઊંડાણવાળી છતાં અ-રુઢ કથાઓ આપવા કહે છે. (આ વાત આજે પણ સુ.જો.ને જમાપક્ષે છે.) મેઘાણીની તો ટીકા જ ન થાય એવું વલણ ત્યારે પણ હતું (આજે વધુ છે.) મડિયા ‘યુગવંદના’ની વાત કરતાં બહુ ઓવારી જતા નથી. અનુવાદો અને ઉછીનું લીધેલું એમણે મુખર થયા વિના ચીંધ્યું છે. ઉમાશંકરની વાર્તાઓ વિશે વાર્તાકલા, વાસ્તવ, લોકજીવન-સમાજ અને સર્જકશક્તિને ધ્યાને રાખીને, ગળે ઊતરી જાય એવી ચર્ચા-પરીક્ષા કરી છે. મડિયા, ઉમાશંકરના વિવેચન સંગ્રહ ‘અભિરુચિ’ની સમીક્ષા કરતાં ‘બે પૂંઠાં વચ્ચે ઊપસતી એક તસ્વીર’ તે બીજા લેખકો સાથે ઉમાશંકરની પણ ઊપસી આવ્યાનું નોંધે છે. મડિયાની વિવેચના જલદી કાળક્ષય નહીં પામે, એની પ્રતીતિ થાય છે.

૦૦૦