સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/મન સાથે મૈત્રી( બકુલ ત્રિપાઠી)

From Ekatra Foundation
Revision as of 03:14, 8 August 2025 by Meghdhanu (talk | contribs) (inverted comas corrected)
Jump to navigation Jump to search
(૯) મન સાથે મૈત્રી – બકુલ ત્રિપાઠી (૧૯૯૦)
મર્મલક્ષી હાસ્ય અને ભાષાની સર્જનાત્મકતા

આપણે ત્યાં મોટાભાગના પીઢ—પ્રૌઢ લેખકો—ખાસ કરીને સાઠ વટાવ્યા પછીની વયના લેખકો — એક વિલક્ષણ વલણ બતાવતા જણાશે : કોઈપણ નિમિત્તે- પ્રસંગે જે કંઈ જેવું કંઈ, લખ્યું—છપાવ્યું હોય એ બધું જ ગ્રંથસ્થ કરતા જવું. પસંદગીની કાતર ચલાવ્યા વિનાના એમના આવા (કાવ્ય કે વાર્તા કે નિબંધ કે વિવેચનના લેખોના) સંગ્રહો સુબદ્ધ નહીં પણ સારી—ખરાબ કૃતિઓના મિશ્રણથી દોદળા બની જતા હોય છે. પણ બકુલ ત્રિપાઠી થોડાક સાવધ પીઢ લેખકોમાંના એક છે. એટલું જ નહીં, સંગ્રહોને સુ—આયોજિતરૂપે પ્રકાશિત કરવાની પણ એ કાળજી રાખે છે. એક સાથે ઘણાં છાપાંમાં—ને સામયિકોમાં—એમને સતત લખવાનું થતું હોય છે, એટલે જથ્થો તો વધતો જ રહે. પણ લગભગ બે વર્ષના અંતરે પ્રકાશિત કરેલા એમના આ છઠ્ઠા નિબંધસંગ્રહ ‘મન સાથે મૈત્રી’ના ૫૧ નિબંધો (બે—ચાર અપવાદ બાદ કરતાં) પૂરી કાળજીથી સંચિત કરેલા, ફરીફરી વાંચવા ગમે એવા, ‘સંગ્રહયોગ્ય’ નિબંધો છે. આ નિબંધોમાં મર્મલક્ષી હાસ્ય ધ્યાનપાત્ર છે. એમાં કટાક્ષ છે પણ એ હાસ્યના ગુલાબી રંગમાં જ વ્યક્ત થાય છે. એ હાસ્ય ઠાવકું છે, મર્માળું છે, અન્ડરટોનમાં કહેલું છે – પ્રગટ કે સ્થૂળ નથી. લેખકમાં માનવવર્તનનું ગજબની સૂઝવાળું નિરીક્ષણ છે અને એનું એટલી જ ઝીણવટવાળું નિરૂપણ છે. ભાષાનું રૂપ પૂરું કોલોક્યુઅલ છે — વાતચીતના કાકુઓને આલેખનારું. એમાં નાટકની જેમ સરસ પંચ આવે છે. અલબત્ત, આછા હડદોલા એમાં અનુભવાય છે એથી એ નાટકીય બની જતા નથી. ‘પતાવવા વિશે’ નિબંધમાં, અવારનવાર સકુટુંબ બહાર જનાર પ્રવાસવીરોની, વધારેમાં વધારે સ્થળો એકીધડાકે જોઈ વળવાની મુગ્ધ—ઝનૂની બહાદુરીનું સરસ નર્મભર્યું આલેખન છે. એમાંનો એક સંવાદ જોઈએ : ‘બોલો, દિલ્હી અમે કેટલા દહાડામાં પતાવ્યું હશે? કહો જોઈએ?” ‘નાદિરશાહને દિલ્હી પતાવતાં ત્રણ દિવસ ને ત્રણ રાત લાગ્યાં હતાં.’ ‘બે દિવસમાં!’ ‘શું?’ ‘દિલ્હી! અમે બે દિવસમાં ફેંકી દીધું, આખું દિલ્હી.’ ‘ફેંકી દીધું—બે જ દિવસમાં?’ ‘ઇન્કલુડિંગ રાજઘાટ, કુતૂબમહાલ, મોગલ ગાર્ડન્સ ઍન્ડ લાલ કિલ્લો.’ ‘કોનોટ પ્લેસ?’, કૉનોટ-ફૉનોટ બધી પ્લેસો. દિલ્હીમાં એક જગ્યા બાકી નથી રાખી! બે જ દિવસમાં... કતલ!’ અહીં આલેખનમાં મોક હિરોઈકના સ્પર્શવાળી ગાંડી શૂરવીરતા રસપ્રદ છે. ‘કુતૂબમહાલ’ ‘કૉનોટફૉનોટ બધી પ્લેસો’ વગેરેમાં, જાણ્યા—સમજ્યા વિનાની જે પતાવટ છે એ કટાક્ષના સૂરવાળું સરસ હાસ્ય નિપજાવે છે. ઘરેળુ ભાષા પણ ધ્યાન ખેંચનારી છે. ટેર્ટોરેફિક કહેવા વિશે’માં, અનુભવને વર્ણવવામાં રહેલું આપણા લોકોનું શબ્દદારિદ્રય અને શબ્દદાસ્ય લેખકનું લક્ષ્ય છે. કટાક્ષ છે તે અંદર ઓગળેલો રહે છે —એનો માફકસરનો સ્વાદ ઊઘડે છે. મહત્ત્વનું બને છે એ તો આપણું વર્તન, રીતભાત ને એમાંથી રચાતી હાસ્યપાત્ર પરિસ્થિતિનું આલેખન. અમેરિકા જઈ આવેલાં એક બહેન બધું જ ‘ટેરિફિક ટેરિફિક’ કહે છે. લેખકના અક્ષર સારા નથી એને પણ, પ્રશંસામાં જ અલબત્ત, ટેરિફિક કહે છે ત્યારે લેખકના હાથમાંથી પેન પડી જાય છે! એમાં આયુરની સરસ ઊપસી છે. પછીનો સંવાદ જુઓ : ‘ચ્હા ટેરિફિક થઈ છે.’ ‘ચ્હા?” ‘યા, ટેરિફિક છે. આઈ’લ હૅવ અનધર કપ.’ ‘હા’ સાથે ‘યા’ જોડાઈ જાય છે ત્યાં મજાકવાળી ભાષાભાત છે, અને ખાસ તો અમેરિકા જઈ આવ્યાં એટલે હા કે યસને બદલે યા કહેવાનું—એવી ચાપલ-ફેશન પર રમૂજ છે. પરિસ્થિતિને બહેલાવવી, તરંગતુક્કાને અનેક સિચ્યુએશન્સ પૂરાં પાડવાં ને વાચનસ્મરણની મદદથી એનાં રસપ્રદ સંયોજન રચવાં એ ઘણા નિબંધોની ખાસિયત છે. જેમ કે, ‘ઊંચે સિલિંગ ફેન પર, ‘લગ્નમંડપમાં’, ‘ટિકિટ! ટિકિટ!’ વગેરે. હાસ્યનિબંધમાં ચરિત્રાંકન ઠઠ્ઠાચિત્રરૂપે સામાન્ય રીતે નીપજી આવતું હોય. બકુલભાઈ એ પ્રયુક્તિને સાવ રેઢિયાળ રીતે યોજતા નથી. પાત્રની છબી લેવા- આલેખવાનો એક લાક્ષણિક કોણ (ઍન્ગલ) અને સ્થિતિવિશેષ પસંદ કરવા માત્રથી ક્યારેક એ વ્યક્તિ-ચિત્રને રમૂજના પુટવાળું ને વળી તાર્દશ્ય પણ કરી શકે છે. ‘ક્યાં એ ઠાઠ’માં પંજાબીનું એક જાતિ-ચિત્ર આવું લાક્ષણિક થયું છે : લસ્સી પીતો, લસ્સીના મોટા ગ્લાસમાં ઊપસતા ફીણથી મૂછો ભિંજવતો, શોખથી મૂછો લૂછતો, વળી મૂછો ભિંજવતો, ઓડકાર ખાતો પંજાબી હવે અદૃશ્ય થવા માંડયો છે. મોટેભાગે તો, સંવાદની મદદ લઈને એ ઠઠ્ઠાચિત્રની રેખાઓ -સ્ક્રીન પર ઊપસતી-વિકસતી રેખાઓની જેમ—બંધાવા દે છે. ‘શ્રેષ્ઠ અને સૌથી વધુ’ નિબંધમાંનું કવિનું આવું ચિત્ર આસ્વાદવા જેવું છે : ‘ઓળખ્યા એમને? હિંદીના શ્રેષ્ઠ કવિ છે.’ ‘શ્રેષ્ઠ કવિ?” મેં પૂછ્યું. ‘હા, સાડા આઠસો કાવ્ય રચ્યાં છે! બહુ મોટા કવિ છે. ત્રણ વર્ષમાં આઠસો કાવ્યો ને દરેક લગભગ સો લીટીનું.’ ‘મુક્તકો તો જુદાં’, શ્રેષ્ઠ કવિથી વચ્ચે કહ્યા વિના ન રહેવાયું. ‘હા, મુક્તકો તો જુદાં! આઠસો એક હશે. ખરું ને કવિરાજ?’ ‘નવસો સત્યાસી.’ ‘તો બોલો, નવસો સત્યાસી! છે કોઈ તમારી ભાષામાં આવો કવિ?” આમાં કટાક્ષના બીજા સ્તરો પણ છે. ‘નવસો સત્યાસી’ ફરી બોલાય છે ત્યાં અભિભૂતતાનું તત્ક્ષણ વિરૂપીભવનડિસ્ટોર્શન-થાય છે ને આખા સંવાદમાં—આ સંગ્રહમાંના કેટકેટલા સંવાદોમાં! - હાસ્યભાષા (લેંગ્વેજ ઑફ હ્યુમર) ગજું કાઢે છે. વિરૂપીકરણ, વિ-સ્થિતિ—નિરૂપણ, અર્થશ્લેષ એવી યુક્તિઓ આગળ ન અટકતાં બકુલ ત્રિપાઠીનું હાસ્ય ક્યારેક વર્ણ અને વર્ણધ્વનિવૈચિત્ર્ય સુધી, વિ-સંદર્ભીકરણ સુધી પણ પહોંચે છે ને એમ અનેક નર્મ-શક્યતાઓમાં વિસ્તરે છે. મજાકે ચડીને, ‘પાત્રોના નામ’ નિબંધમાં છે એમ વર્ણાક્ષર સુધી જવામાં કે ‘ધ્વનિ-પ્રતિધ્વનિ’માં છે એમ ‘જયશ્રી જયેન્દ્ર જયશ્રીવાળા’ જેવી અટક રચવામાં અર્થઅવાજને મરડી લેવાની મજા લઈ તે છે એમાં, ને પતાવવા વિશે’માં પેલું ‘બે જ દિવસમાં… કતલ’ અને ‘ઇન્ડિયા ખતમ!’ વગેરે છે એમાં શ્લેષ તો ખરો જ પણ એ સાથે જ—મને જે સૌથી રસપ્રદ લાગ્યુ છે તે ઉત્સાહ મુગ્ધતાના ભાવોને વ્યક્ત કરતો (ને પાછા એમને સાજા તો ન જ રાખતો!) અવાજનો ટોન, ને એનો મહિમા પણ, બંધાય છે એ રસપ્રદ છે. સંદર્ભથી અર્થનું રૂપ બદલી નાખનારો હાસ્ય—ઝબકારો ‘મારી મીઠડી શાલ’ના અંતે છે. શિયાળો પૂરો થયો એટલે મીઠડી શાલનો વિયોગ. પણ એમાં આશ્વાસન છે - ઉનાળો, ચોમાસું જશે પછી ફરી શિયાળો આવશે તે. પેલી જાણીતી પંક્તિ અહીં મૂકી દીધી છે : ‘ઈફ સ્પ્રીંગ ક્રમ્સ, કેન વિન્ટર બી ફાર બિહાઈન્ડ?" વિ-સંદર્ભીકરણની યુક્તિનો આ સ્પૃહણીય નમૂનો છે. એટલે આ બધામાં, સર્જકકૌશલ ખૂબ ઝીણવટથી ગૂંથાયેલું જોઈ શકાશે. કવિ જે સંયોજનથી પ્રગટ કરે છે એ, ભલે જુદી રીતની પણ, સર્જકતા જ અહીં વિ—સંયોજનથી પ્રગટ થાય છે ને એમાં જગતનું અને માનવમનનું કોઈ ને કોઈ રહસ્ય હાસ્યાવતાર ધારણ કરે છે. આ નિબંધોમાંના કેટલાક, કશું તારવતા હોય એવા અંતવાળા છે. અંતને એક ચોક્કસ ઘાટ (શેપ) આપવા પણ આમ થયું હશે. હાથ ધરેલા કે આવી પડેલા મુદ્દાને તર્કને સહારે ખેંચતા જવાની રૂઢ રીતિ પણ ‘છેલ્લી ઘડીએ’, ‘ટ્રેનોનાં નામ’, ‘તરબૂચ’જેવામાં દેખાય છે. પ્રાસંગિક લેખનના આ, સંગ્રહમાં પ્રવેશી ગયેલા, થોડાક નમૂના છે. જો કે, પ્રાસંગિકતાને પણ વિવિધ પરિસ્થિતિઓમાં વ્યક્ત કરતા જવાની કુશળતાને કારણે ઘણા નિબંધો સામાન્ય થતા બચી ગયા છે એ કહેવું જોઈએ. જરાક અટકી જવાય છે, ‘મન સાથે મૈત્રી’ નિબંધ આગળ. એ છેલ્લો છે એટલા માટે નહીં પણ આ એકાવનમો ને વળી શીર્ષકદા નિબંધ પચાસેપચાસથી જુદો પડે છે એટલે. બકુલભાઈને ક્યારેક વક્તવ્ય કરતાંકરતાં (-યાદ આવી જાય છે ડીસામાં યોજાયેલા ગુજરાતીનો અધ્યાપકસંઘ’ના સંમેલનમાંનું એક વક્તવ્ય-) ખાસ્સા અંતર્મુખી બની જતા, કોઈ એક મુદ્દામાં કંઈક વધુ ગંભીરતાથી ઊંડા ઊતરતા જતા જોયા છે. આ નિબંધમાં એટલી બધી ગંભીરતા તો નથી જ, વચ્ચેવચ્ચે હાસ્ય ફરકી રહે છે. પણ અહીં એમની મુદ્રા અંતર્મુખીની જણાય છે. અન્ય નિબંધોમાં હાસ્યની વચ્ચેવચ્ચે લલિતનો સૂર પણ સંભળાય છે, આ નિબંધ વિચારરેખાઓને ચિત્રિત કરતો(અલબત્ત સરસ) લલિતનિબંધ છે. ‘કંઈક અંગત’ નામની પ્રસ્તાવનામાં, આ સંગ્રહ આગળ ‘એક સંપુટ પૂરો થાય છે’ કહ્યું છે એનું ‘ભરતવાક્ય’ તો આ નથી ને?” — એવું થાય. બકુલ ત્રિપાઠીએ એમના આ અગાઉના એક નિબંધસંગ્રહની પ્રસ્તાવનામાં હાસ્યનિબંધને લલિતનિબંધ ગણવાની જિકર કરેલી છે. પણ એની વાત તો ફરી ક્યારેક. અત્યારે તો, આ સુબદ્ધ, સર્જકકૌશલની એક વિશિષ્ટ મુદ્રા ઉપસાવતા નિબંધ—સંગ્રહના વાચને આપેલાં પ્રસન્નતા—તૃપ્તિ જ વ્યક્ત કરવાનાં રહે છે.

પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટે. ૧૯૯૧
‘સમક્ષ’ પૃ. ૧૨૫ થી ૧૨૮