લઘુ સિદ્ધાન્તવહી/સાહિત્યક્ષેત્રે વિષમસંવેદન

From Ekatra Foundation
Revision as of 01:47, 26 August 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦

સાહિત્યક્ષેત્રે વિષમસંવેદન

સાહિત્યની સમજે જે દિશામાં ગતિ કરી છે એ જોતાં ‘સમસંવેદન’, ‘સમાનધર્મા’ કે ‘સહૃદય’ જેવી સંજ્ઞાઓની હવે ફેરતપાસ કરવી પડે તેમ છે. લેખકે કશુંક સંવેદ્યું અને એને સાહિત્યમાં મૂકવું, બરાબર એવું જ સાહિત્ય દ્વારા પહોંચે અને વાચકને સમસંવેદન થાય કે પછી સાહિત્યમાં જે સ્તરે રહીને લેખકે લખ્યું કે જે સમજ સાથે કે સંવેદન સાથે લખ્યું એનો કોઈ સમાનધર્મા વાચક મળી રહે, એ એક સાહિત્યક્ષેત્રે મિથ બની ગયું છે. સાહિત્યની અર્થનિષ્પત્તિ અંગે અર્થઘટનશાસ્ત્રે જે રીતે વિચાર્યું છે અને વાચનના તેમજ વાચકના મનોવિજ્ઞાનને જે રીતે પ્રતિભાસમીમાંસાને લક્ષમાં રાખીને વિચાર્યું છે એને જોતાં સાહિત્ય અને પ્રત્યાયનની ક્રિયા હવે માનીએ છીએ એટલી સરળ મનાતી નથી. સાહિત્યની આ પ્રત્યાયનક્રિયામાં સહૃદય એ સમાનધર્મી નથી, પણ સહવર્તી છે. સાહિત્યવિવેચન સમસંવેદનથી હટીને હવે વિષમસંવેદનને સમજવા ચાહે છે. લેખક અને વાચક વચ્ચેના વિષમસંવેદનનું કારણ સાહિત્યરચના અને વાચક વચ્ચેનું અસંતુલન (Asymmetry) સ્વીકારાયું છે. બંનેમાં સર્વસામાન્ય પરિસ્થિતિનો અને સર્વસામાન્ય વિમર્શબિંદુઓનો અભાવ છે. આથી આ બંને વચ્ચેની આંતરક્રિયા અને બંને વચ્ચેની સહભાગિતાની માત્રા પ્રધાનપણે ધ્યાન પર લેવાય છે. આ બંને વચ્ચેનું અસંતુલન વ્યાખ્યેય ન હોવાથી આ બે વચ્ચેની અનિર્ણીતતા અનેકવિધ પ્રત્યાયનોની શક્યતાને ઊભી કરે છે. સાહિત્યમાં પ્રત્યાયન દરમ્યાન બે સ્તર જોવાય છે : એક કથ્યનું અને બીજું અ-કથ્યનું. એટલે કે સાહિત્યમાં કશુંક વ્યક્ત થાય છે અને કશુંક અવ્યક્ત રહે છે. એમાં જે અવ્યક્ત હોય છે તે વાચકને ગતિમાં પ્રેરે છે અને જે વ્યક્ત હોય છે તે વાચકની વાચનક્રિયાને નિયંત્રિત કરે છે. આનો અર્થ એ થયો કે સાહિત્ય હંમેશાં ‘અવકાશ’ (Gap) ઊભો કરે છે અને વાચક એ અવકાશને પોતાની રીતે જોડે છે. આમ કરવામાં વાચકે સાહિત્યરચનામાં સહભાગી થવું પડે છે, અને આ સહિભાગિતાની માત્રા જ વાચનની ક્રિયા દરમ્યાન મહત્વની બને છે. આમાંથી એ ફલિત થાય છે કે કોઈ નિશ્ચિત કે નિયત સાહિત્યરચના હોતી નથી પણ વાચક પોતાની અર્થઘટનને લગતી વ્યૂહરચનાઓ દ્વારા અર્થનિષ્પત્તિ કરે છે. આથી જ એક વિવેચકે કહ્યું છે કે સાહિત્ય એ તો માત્ર માળખું છે અને વાચક એ માળખામાં પૂર્તિ કરે છે તેમજ એનું વિવર્ધન કરે છે. આ વાત સ્પષ્ટ કરે છે કે સાહિત્યનું પ્રત્યાયન એ સાધારણ પ્રત્યાયન નથી, તો એ અસાધારણ (abnormal) પ્રત્યાયન પણ નથી. સાહિત્ય એ સાધારણનિરપેક્ષ (a-normal) પ્રત્યાયન છે. સાહિત્ય પાસેથી સામાન્ય રોજિંદા વ્યવહારમાં જે પ્રકારના સાધારણ પ્રત્યાયનની અપેક્ષા રખાય છે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. સાહિત્યક્ષેત્રે રૂઢ કે પ્રણાલીગત પ્રત્યાયનમાં જે મૂળભૂત અપેક્ષાઓ રખાતી હોય છે એ અપેક્ષાઓને તોડી પાડવામાં આવેલી હોય છે. ઉપરાંત, વાચકનું સંવેદન અને સાહિત્યરચનાનો પ્રભાવ બંને જુદા જુદા સમયે અને જુદા જુદા સામાજિક વર્ગ કે જૂથમાં પરિવર્તિત થતાં રહે છે. એટલે કે વાચકે અને સાહિત્યરચનાએ પરસ્પરનો ઉચિત રીતે હંમેશાં તાલમેલ (tunning) કરવાનો રહે છે. આનો અર્થ એ થયો કે સમસંવેદનથી વિષમસંવેદન પર પહોંચતાં પ્રત્યાયન સ્થિર, નિશ્ચિત અને એકરૂપ હોવાને બદલે ગતિશીલ, અનિશ્ચિત અને અનેકરૂપ હોવાની વિભાવના પર પહોંચ્યું છે.