લઘુ સિદ્ધાન્તવહી/સંદર્ભ મહિમા

From Ekatra Foundation
Revision as of 02:15, 26 August 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૯

સંદર્ભ મહિમા

દ્રોણની કૌરવપાંડવોની પરીક્ષાકથામાં અર્જુનને આસપાસનો સંદર્ભ દેખાતો બંધ થાય, ડાળી દેખાતી બંધ થાય, પાંદડા દેખાતાં બંધ થાય, પંખીના શરીરમાં ડોક સિવાય દેખાતું બંધ થાય, ડોકમાં પણ પછી ડાબી આંખ દેખાતી બંધ થાય અને છેવટે જમણી આંખ જ દેખાય અને જમણી આંખ જ વીંધાય - એવી એકાગ્રતાનો, મહિમા જરૂર છે. પરંતુ એ મહિમા પાછળ સંદર્ભોને છોડી દેતો અંધાપો પણ ચડ્યો છે. પંખીની એક આંખ વીંધવી હોય તો તો જાણે સમજ્યા, પણ પંખીને પામવું હોય તો? - તો, એની એક આંખથી આગળ વધી, એની બીજી આંખ, એની ડોક, એનું શરીર, હાલતું પર્ણઝુંડ, ડાળી અને છેવટે આકાશની પાર્શ્વભૂમિ-આમ સમગ્રતા સુધી પહોંચવું અનિવાર્ય છે. એકાગ્રતા અને સમગ્રતાના આ વિરોધનું ઉપશમન કઈ રીતે કરવું તેમજ સંદર્ભોના પરિહારમાં અને સંદર્ભોના સ્વીકારમાં અનુસ્યૂત લાભહાનિની સમતુલા કઈ રીતે જાળવવી એ એક પ્રશ્ન છે. વીસમી સદીમાં સાહિત્યક્ષેત્રે સંદર્ભોના પરિહારનો ઉત્તરોત્તર મહિમા થતાં થતાં એની પરાકાષ્ઠા ત્યાં આવી કે જીવન, ઇતિહાસ, સંસ્કૃતિ- આ બધાના સંદર્ભો કપાતાં કપાતાં દેરિદા જેવાએ છેવટે શબ્દથી અર્થનો નિશ્ચિત્ત સંદર્ભ પણ કાપી નાખ્યો. આધુનિકતાએ શરૂ કરેલી સંદર્ભહનનની આ પ્રક્રિયા પાછળ વિશ્વયુદ્ધોના મૂલ્યહ્રાસથી મનુષ્યની બાહ્યચેતનાનું અંદર તરફનું સંકોચન થતું ગયું, એ પરિસ્થિતિ પણ કારણભૂત હોઈ શકે. પણ બાહ્યસંદર્ભને કાપી નાખી આંતરસંદર્ભ સાથે સાંકળવાની આખી પ્રક્રિયા પોષણઘાતક છે, એમાં શંકા નથી. વિવિધ નલિકાઓથી પોષણ પામતી કોઈ મુખ્ય નાળનો એ જાણે કે વિચ્છેદ હતો. સદીને અંતે આપણે જ્યારે પહોંચ્યા છીએ ત્યારે આની સામે એક પ્રત્યાઘાતી ગતિ ઊભી થઈ છે. સંદર્ભહનન એ સંદર્ભ સંવનનમાં પલટાવા લાગ્યું છે. અંદર તરફ થતું સંકોચન હવે બહાર તરફના વિકસનમાં પરિણમવા માંડ્યું છે. આનો દાખલો શિલ્પજગતમાંથી લઈ શકાય તેમ છે. રૂમાનિયન શિલ્પી કોન્સ્ટન્ટાઇન બ્રાન્કુસી (૧૮૭૬-૧૯૫૭) એ વીસમી સદીના બીજા દાયકામાં પિકાસો, બ્રાક, મૌન્દ્રિઆન અને દુશાં સાથે પોતાની કલાકાર તરીકેની ઓળખ ઊભી કરેલી. અને પેરિસના આવાં ગાર્દ કલાકારોમાં અગ્રણી તરીકે એ સ્થાપિત થયેલો, શિલ્પી રોદાંએ એની પ્રતિભાને જોઈને એને પોતાના સહાયક તરીકે નીમેલો, પણ રોદાં સાથે એ એક જ મહિનો રહ્યો. રોદાંથી જુદો અભિગમ લઈ એણે શિલ્પો કંડારવાનું શરૂ કર્યું. એણે આરસનો, કાંસાનો અને કાષ્ઠમાંથી શિલ્પોની બેઠકો બનાવતાં બનાવતાં કાષ્ઠનો પણ ઉપયોગ કરવા માંડ્યો. બ્રાન્કુસીનાં આ શિલ્પોના સંદર્ભમાં તાજેતરમાં એવું વિચારવામાં આવી રહ્યું છે કે બ્રાન્કુસીનાં શિલ્પો એની બેઠકો સાથે કેટલે અંશે સંબંધિત છે. શિલ્પો એની બેઠક એ સામાન્યતઃ અંગરક્ષકની જેમ સતર્કપણે શિલ્પ અને શિલ્પના દૃઢન વચ્ચેનાં મધ્યસ્થની કામગીરી બજાવે છે. ક્યારેક બેઠકોની અલંકૃત વસ્તુ તરીકે જો રચના કરી હોય તો પણ લક્ષમાં એ લેવાયું હોય છે કે શિલ્પ અને બેઠક વચ્ચે એક પ્રકારની સંવાદિતા રહે. કહેવાય છે કે બ્રાન્કુસીએ પોતાનાં શિલ્પો માટે જાતે વિશિષ્ટ બેઠકો બનાવી છે, અને આ બેઠકોને અનુસરીને એણે એનાં શિલ્પોના વળાંકોનો વિરોધ રચ્યો છે. ક્યારેક તો એ વિરોધ અત્યંત તીવ્ર જોઈ શકાય છે. બ્રાન્કુસીનો આગ્રહ હતો કે શિલ્પને એની બેઠક સહિત સંવેદવું આવશ્યક છે. કારણ શિલ્પ અને બેઠક વચ્ચે એક ચોક્કસ પ્રકારનો દ્વન્દ્વાત્મક તર્ક રહેલો છે. એનાં શિલ્પોને બેઠકો પર ગોઠવવા માટે શિલ્પોને અને બેઠકોને એ વિવિધ રીતે ચકાસતો અને છેવટે એ બંનેનો બરાબર મેળ બેસે પછી જ શિલ્પને બેઠક સાથે જોડતો. બ્રાન્કુસીના શિલ્પ જગતમાં રહેલો બેઠકનો સંદર્ભવિચાર શિલ્પને નવેસરથી જોતા કરે છે. કલાકૃતિઓને એના સંદર્ભથી દૂર કરીને જોઈ ન શકાય એવો સૂર હવે વધુ ને વધુ વ્યાપક બનતો જાય છે. સંગ્રહાલયોની ગમે એટલી ઉપયોગિતા હોવા છતાં અને ભૂતકાલીન વારસાનું એના દ્વારા ગમે એટલું જતન થતું હોવા છતાં સંગ્રહાલયો જુદી નજરે જોવાવા માંડ્યાં છે. એવું મનાવા લાગ્યું છે કે સંગ્રહાલયો કલાકૃતિઓના જે નમૂનાઓ સંગ્રહે છે એને એ વિરૂપ અને વિકૃત કરે છે, કંઈક અંશે એનું સૌંદર્ય હણી નાખે છે. સંગ્રહાલયો શિલ્પો અને ચિત્રોને દેવળો, મન્દિરો સ્તૂપો, રાજપ્રાસાદો, હવેલીમાંથી ઊતરડી લાવે છે, જ્યાં એ ધબકતાં હોય છે, એમનું મહત્ત્વ રચતાં હોય છે. ઊતરડી લવાયેલા આવા નમૂનાઓને પછી નિષ્પ્રભાવી જગામાં થોપી દેતાં નમૂનાઓ પોતાનો ઘણો બધો પ્રભાવ અને ઘણો બધો અર્થ ગુમાવી દે છે. જ્યાંથી ઊતરડી લવાયેલા હોય એની દીવાલોની સપાટી અને દીવાલોના રંગો કરતાં સંગ્રહાલયોની દીવાલોની સપાટી અને એના રંગો જુદા હોય છે, તેથી શિલ્પોના આરસ અને ચિત્રોના રંગો એના પરિવેશ સાથેની એકાત્મકતા ખોઈ બેસે છે. ટૂંકમાં, નમૂનાઓ જે જગાથી જોનારની સામે રજૂ થતા એ જગા જ બદલાઈ જાય છે. સંગ્રહાલયો દ્વારા થતું આ સંદર્ભહાનિનું કાર્ય નજરઅંદાજ કરી શકાય તેમ નથી. શિલ્પ અને ચિત્રકલાક્ષેત્રનો આ સંદર્ભમહિમા સાહિત્યને પણ જુદી રીતે જોવા પ્રેરી રહ્યો છે. સાહિત્યકૃતિ જન્મે છે એટલું જ પૂરતું નથી, સાહિત્યકૃતિ કોના દ્વારા જન્મે છે, કયા સંજોગોમાં જન્મે છે, કઈ પ્રજા, કંઈ ભાષા, કયો સમાજ, કઈ સંસ્કૃતિ, કયા પારંપરિક વારસા વચ્ચે જન્મે છે, કેવા રૂપરંગમાં પ્રકાશિત થાય છે, કયા પ્રકારના વાચકવર્ગને કેટલા પ્રમાણમાં સ્પર્શે છે - આવા બધા સંદર્ભોની સમગ્રતામાં સાહિત્યકૃતિ પરત્વે હવે એકાગ્ર થવું પડશે. સાહિત્યક્ષેત્રે કૃતિવશ અભિગમને સ્થાને સંદર્ભસંસ્કૃતિવશ અભિગમ કેન્દ્રમાં આવી રહ્યો છે.