લઘુ સિદ્ધાન્તવહી/પશ્ચિમાભિમુખ રહેલી સાહિત્યવિવેચનની સાચી દિશા

From Ekatra Foundation
Revision as of 02:58, 27 August 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬૯

પશ્ચિમાભિમુખ રહેલી સાહિત્યવિવેચનની સાચી દિશા

અનુસંરચનાવાદી અભિગમને કારણે ‘પૂર્વ’ અને ‘પશ્ચિમ’ અંગે નવેસરથી વિચારણા શરૂ થઈ છે. પશ્ચિમની વિચારણાથી જન્મેલા પૂર્વવાદે સંસ્થાનવાદી સંબંધોને નિયંત્રિત કરવામાં ભાગ ભજવ્યો છે, એની હવે ટીકાઓ થઈ રહી છે. એડવર્ડ સઇદ અને ગણેશ દેવી જેવાનાં લખાણોમાં એ જોઈ શકાય છે. પશ્ચિમાભિમુખ રહેલી સાહિત્ય-વિવેચનની પ્રવૃત્તિની સામી બાજુ પણ છે. પશ્ચિમની વિવેચનાએ પૂર્વના મૂલ્યવાન વિવેચનવારસાને પોતાનામાં આમજ નથી કર્યો એ પશ્ચિમની ઊણપ છે અને એ ઊણપ આજે ધ્યાન પર આવી રહી છે. આવા સમયે સંસ્કૃત અને આફ્રિકી સૌન્દર્યશાસ્ત્રના પક્ષધર કહી શકાય એવા સી.ડી. નરસિંહૈયાના અવસાને સાહિત્યવિવેચનક્ષેત્રે મોટી ખોટી ઊભી કરી છે. શામ લાલ પછીના પ્રબુદ્ધ પત્રકાર એચ. વ્હાઈ શારદાપ્રસાદે ‘એશિયન એજ’ (૨૦ એપ્રિલ ૨૦૦૫)માં આ રૂઢિચુસ્ત અને મતાગ્રહી ગણાતા પ્રસિદ્ધ નરસિંહૈયાની નિવાપાંજલિમાં નરસિંહૈયાએ મૈસૂરમાં સ્થાપેલી ‘ધ્વન્યાલોક’ જેવી સંસ્થાના ઋષિ તરીકે ઓળખાવ્યા છે. ભરત, આનંદવર્ધન જેવા સંસ્કૃતના આચાર્યોથી વિકસિત ભારતીય વિવેચનપ્રણાલીને પુરસ્કારવામાં નરસિંહૈયા ક્યારેય થાક્યા નથી. પશ્ચિમના વિવેચકોને સ્પષ્ટપણે તેઓ જણાવતા રહ્યા છે કે ઍરિસ્ટૉટલના સિદ્ધાન્તોથી ઉદ્ભવેલાં વિવેચનનાં સંકુચિત અને સીમિત ધોરણોને પૂર્વની સંસ્કૃતવિવેચના દ્વારા સંસ્કારવાની અને દૃઢ કરવાની ખાસ જરૂર છે. અંગ્રેજીના લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન નરસિંહૈયાએ આંતરરાષ્ટ્રીય પરિસંવાદો અને સંમેલનોમાં એકસ્વરે કહ્યા કર્યું છે કે સંસ્કૃતવિવેચનની રસ જેવી એકમાત્ર સંજ્ઞાને પણ પશ્ચિમના વિવેચને મૂલ્યાંકન માટે અંકે કરી હોત તો સુખ (Joy), આનંદ (pleasure), ઉલ્લાસ (delight), ઉપદેશ (instuction), સંદેશ (message) જેવી નિરર્થ વાતોમાં એ અટવાયા કર્યું ન હોત. આ પ્રકારની પશ્ચિમની રઝળપાટે કલાનુભવની વિશિષ્ટ પ્રકૃતિથી વિવેચનને ખાસ્સું દૂર રાખ્યું છે. નરસિહૈયા પોતાની પ્રતીતિને વ્યક્ત કરતાં કહે છે કે યુરોપ જ્યારે અંધકારયુગોમાં આથડતું હતું ત્યારે ભારતમાં અત્યંત પરિષ્કૃત સાહિત્યપ્રવૃત્તિ ફાલીફૂલી હતી. આ જ કારણે નરસિંહૈયા નિર્દેશે છે કે જો પશ્ચિમની આધુનિક વિવેચનાએ આફ્રિકી અને પૂર્વના કલાભિગમોને પોતાનામાં સમાવ્યા હોત તો એનું પરિણામ વધુ સારું આવી શક્યું હોત. આમ નરસિંહૈયા પૂર્વની સંસ્કૃતવિવેચનના પુરસ્કર્તા હોવાથી સાહિત્યરચનાનું મૂલ્યાંકન એની સામાજિક-રાજનૈતિક દસ્તાવેજ તરીકેની પ્રમાણિકતા પર નહીં પણ એ રચનાના કલાસામર્થ્ય પર નિર્ભર ગણે છે. નરસિંહૈયાની દૃઢતાને ઉપસાવવા શારદાપ્રસાદ એક પ્રસંગ ટાંકે છે. એ મહત્ત્વનો છે. નાય્પોલને નોબેલ પારિતોષિક મળ્યું એ પહેલાં વીસમી સદીના આઠમા દાયકામાં એક વાર નાય્પોલ નરસિંહૈયાને બાજુમાં લઈ જઈ પૂછે છે : ‘તમને મારા પર આટલો બધો ગુસ્સો કેમ છે?’ પછી, ઉમેરે છે : ‘હું મારા ભાવજગતમાં પૂરો ભારતીય છું, હું મારી સંવેદનામાં પૂરો ભારતીય છું - હા, મારા નિરીક્ષણોમાં નહીં.’ કદાચ આવા મતાગ્રહને કારણે પ્રસિદ્ધ સાહિત્યિક સામયિકોમાં ચિનુઆ અચેલે અને વોલ સોયિન્કા જેવા આફ્રિકી લેખકો પર આવતા લેખો કરતાં નરસિંહૈયાનો અભિગમ આ આફ્રિકી લેખકો પ્રતિ જુદો રહ્યો છે. વર્ષો સુધી નરસિંહૈયાના ‘ધ લિટરરી ક્રાયટેરિયા’ સામયિકે જુનવાણી ગણો તો જુનવાણી આ પૂર્વાભિમુખ વિવેચનને સદા જાગ્રત રાખ્યું છે. પશ્ચિમના વિવેચનને વખત આવ્યે પોતાની ગરજે આ અભિગમની સક્રિય રીતે નોંધ લેવી પડશે. સાહિત્યવિવેચનની આંતરરાષ્ટ્રીય પરિપાટી હવે આવા બહુપરિમાણી સાહિત્યઅભિગમોની સંયોજિત ભૂમિકા પર જ તૈયાર થઈ શકે.