શબ્દલોકના યાત્રીઓ – ૧/મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

From Ekatra Foundation
Revision as of 03:27, 1 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

કોઈ કવિ કવિતા ગાતો હોય અને ગાતાં ગાતાં જ અવસાન પામે એ ઘટના પોતે જ કરુણ કાવ્ય સમી છે! આપણા કવિ મનુભાઈ ત્રિવેદી અમદાવાદમાં એક કવિ સંમેલનમાં ગઝલ ગાતાં ગાતાં જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. એ દિવસ ૯ એપ્રિલ ૧૯૭૨. શબ્દબ્રહ્મના ઉપાસક બ્રહ્મમાં વિલીન થયા. પણ એ એમના શબ્દમાં જીવે છે. કવિ ન્હાનાલાલની પંક્તિને સહેજ બદલીને કહીએ તો કવિને મૃત્યુ શાં? શ્રી મનુભાઈ ત્રિવેદી ખાસ તો એમનાં ગીતો અને ભજનોથી જાણીતા છે. સૌરાષ્ટ્રના પ્રાચીન ઢાળોને નવા રૂપે તેમણે યોજ્યા એ એમનું અર્પણ છે. એમનાં કાવ્યોમાં માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રભુભક્તિ નિરૂપાયાં છે. આપણી આધ્યાત્મિક કવિતાની ધારામાં કવિ સરોદનું પણ સ્થાન છે. ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને તેમણે કાવ્યરૂપ આપ્યું છે. તળપદી લઢણો અને પ્રાસાદિક ભાષામાં તેમણે પોતાના હૃદ્ગતને વ્યક્ત કર્યું છે. પ્રાચીન ભજનોની ઉજ્જવલ પરંપરા આપણે ત્યાં છે. એ પરંપરા જાળવીને અર્વાચીન કવિઓએ સુંદર ભજનો આપ્યાં છે. કવિ સરોદ પણ એ કવિઓમાંના એક છે. તેમના કાવ્યસંગ્રહ ‘રામરસ’માં કવિએ ચાતકના પ્રતીકનો ઉપયોગ કરી અધ્યાત્મસાધનામાં મનુષ્યની નિર્બળતાને અસરકારક અભિવ્યક્તિ આપી છે :

અવગતની એંધાણી
એ સંતો! અવગતની એંધાણી
કે ચાતક પીએ એઠું પાણી

કવિતાની આ વિશિષ્ટ ધારામાં ‘સરોદ’ મકરંદ દવે વેણીભાઈ પુરોહિત, ઉશનસ્, રતિલાલ છાયા વગેરેના કુળના ગણાય. તેમના બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા છેઃ ‘રામરસ’ અને ‘સુરતા’. આ સંગ્રહોનાં શીર્ષકો જ એમના અભિગમને સ્કુટ કરે છે. ‘રામરસ’ મકરંદભાઈની પ્રસ્તાવના સાથે અને ‘સુરતા’ સ્વ. સ્વામી આનંદની પ્રસ્તાવના સાથે પ્રગટ થયેલો. તેઓ ‘ગાફિલ’ તખલ્લુસથી ગઝલો પણ લખતા. તેમની ગઝલોનો સંગ્રહ ‘બંદગી’ નામે પ્રગટ થયો છે. મનુભાઈ ત્રિવેદીનો જન્મ રાજકોટમાં ૨૬ જુલાઈ ૧૯૧૪ના રોજ થયો હતો. તેમણે માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધેલું. કૉલેજનો અભ્યાસ કરવા તે જુનાગઢ ગયેલા. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો. એ પછી તે ન્યાયખાતામાં જોડાયેલા અને ન્યાયાધીશના પદે પહોંચ્યા હતા. ન્યાયાધીશ તરીકે તેમણે સુરેન્દ્રનગર, સુરત, નડિયાદ, ભાવનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને ગોંડલમાં કામ કર્યું હતું. છેવટે તેમની સેવાઓની કદર રૂપે તે અમદાવાદમાં સ્મૉલ કૉઝ કોર્ટમાં ન્યાયાધીશના પદે નિમાયા હતા. અને અગાઉ કહ્યું તેમ છસાત વર્ષ પર અમદાવાદમાં એમનું અવસાન થયેલું. ધર્મ, તત્ત્વજ્ઞાનવિષયક ગીતો અને ભજનોના રચયિતા તરીકે કવિ સરોદ હમેશાં સ્મરણીય રહેશે. સાહિત્યમાં અનેક વ્યક્તિઓ લેખનકાર્ય કરે છે પણ એમાંથી બહુ ઓછાનું કાર્ય જ સાહિત્યના ઈતિહાસમાં પ્રવેશ પામે છે. ‘સરોદ’નું કવિતાક્ષેત્રનું કાર્ય સમગ્ર ગુજરાતી સાહિત્યનું બની શક્યું એ માટે એમના ભાવોની સચ્ચાઈ, ઉચ્ચ ભાવનાઓ પ્રત્યેનો ઉમળકો, સૌરાષ્ટ્રના લોકઢાળોની સૂઝ અને નવી રીતે એને પ્રયોજવાની ફાવટ અને પાણીના રેલા જેવી પ્રવાહી ભાષાશક્તિનો ફાળો મુખ્યત્વે છે. હાલ તેમના પુત્ર અને પત્ની દિનાબહેન રાજકોટમાં જ વસે છે. શબ્દલોકના આ સહૃદય યાત્રીને આપણી ભાવાંજલિ અર્પીએ!

૬-૫-૭૯