શબ્દલોકના યાત્રીઓ – ૧/કૃતિ-પરિચય

Revision as of 10:59, 1 September 2025 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૃતિ-પરિચય

શબ્દલોકના યાત્રીઓ

‘ફૂલછાબ’ દૈનિકમાં સમકાલીન સાહિત્યકારોના જીવન અને સાહિત્યનો પરિચય આપવાના હેતુથી ‘શબ્દલોકના યાત્રીઓ’ નામની કૉલમ શરૂ થઈ અને ડૉ. રમણલાલ જોશીએ આપણા સર્જકોનો પરિચય આપવાની શરૂઆત કરી. પછી એમાં સર્જકોની સાથે ચિંતકો અને વિવેચકોનો પણ ઉમેરો થયો અને વિદ્યમાનને બદલે દિવંગતોનો પણ ક્યારેક પરિચય અપાયો. આવા પરિચયાત્મક લેખોનો સંગ્રહ ‘શબ્દલોકના યાત્રીઓ’ ભાગ ૧-૨ રૂપે ગ્રંથસ્થ થયો છે. આ રીતે આપણને ૧૩૧ સાહિત્યકારોનો પરિચય થાય છે. પં. સુખલાલજી, કાકાસાહેબ કાલેલકર, રામપ્રસાદ બક્ષી, રસિકલાલ છો. પરીખ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, ચંદ્રવદન મહેતા, જ્યોતીન્દ્ર દવે, નગીનદાસ પારેખ, ઉમાશંકર જોશી વગેરે સર્જક–ચિંતક–સંશોધક–વિવેચકથી માંડીને સુરેશ જોશી, વસુબહેન ભટ્ટ, કુંદનિકા કાપડિયા, ગીતા પરીખ, સુરેશ દલાલ, સુધીર દેસાઈ, યશવંત ત્રિવેદી, સુવર્ણા રાય સુધીના સર્જકોનો આ ગ્રંથોમાં પરિચય આપવામાં આવ્યો છે. એમના જીવન અને સાહિત્યની માહિતી તદ્દન સરળ, સાદી ભાષામાં અને સામાન્ય વાચકને રસ પડે એ રીતે આપવામાં આવી છે. સર્જકોના જન્મદિન પ્રમાણે ક્રમ આપવામાં આવ્યો છે, અને એ રીતે મોટા-નાના સર્જક અને સિનિયોરિટીના ધોરણે ક્રમ આપવા જતાં પડતી મુશ્કેલીને એમણે સિફતપૂર્વક ટાળી છે.

સર્જકનું વતન, જન્મસ્થળ, જન્મદિન, અભ્યાસ વગેરે માહિતી અને એમણે સર્જેલ ગ્રંથોની વિગત ઉપરાંત એમનું પ્રદાન આદિ સમભાવપૂર્વક આપીને આ બન્ને ગ્રંથો આપણા સર્જકોના જીવન અને સાહિત્યની પરિચયાત્મક હાથપોથી બની રહે એવા સક્ષમ છે. ભૂતકાળના આપણા કેટલાય સર્જકો અંગે સંશોધન કરતાં આવી માહિતી ઉપલબ્ધ થતી નથી અને સંશોધકને મુશ્કેલી પડે છે એવા અનુભવ પરથી પણ આ ગ્રંથનું મૂલ્ય સમજી શકાય એવું છે.

– પન્નાલાલ ર. શાહ
(‘ગ્રંથ’, મે ૧૯૮૪, પૃ. ૧૮–૧૯)