શબ્દલોકના યાત્રીઓ – ૨/દિગીશ મહેતા

Revision as of 02:54, 2 September 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દિગીશ મહેતા

એકવાર સેનેટની ચૂંટણીમાં ઊભો રહેલો ત્યારે દિગીશભાઈ મારી મદદમાં હતા. રઝળપાટમાં થાકું એટલે એમને ત્યાં જાઉં. જાણે એ જ મારું વિશ્રામસ્થાન! એ વખતે એમનાં સ્નેહસૌજન્યનો સઘન અનુભવ થયો. તે બોલે ઓછું પણ કામ સઘન કરે. સાહિત્યના ક્ષેત્રમાં પણ અત્યાર સુધીમાં તેમનાં ત્રણચાર પુસ્તકો જ પ્રગટ થયાં છે, પણ નગદ. કશુંય રેઢિયાળ કરવાનું તેમના સ્વભાવમાં નહિ. તેમની પ્રકૃતિ ચિંતનશીલ. સર્જનાત્મક રચનાઓમાં પણ એ દેખાય. વાત કરતા હોય ત્યારે તૂટક વાક્યો બોલે. યોગ્ય શબ્દની તેમની શોધ ચાલતી હોવાની તમને પ્રતીતિ થાય. સજ્જન અને મિત્રનાં લગભગ બધાં લક્ષણો તેમનામાં દેખાશે. દિગીશ મહેતાએ ૧૯૬૨માં ‘આપણો ઘડીક સંગ’ નામે લઘુનવલ પ્રગટ કરી ગુજરાતી નવલકથાની કાયાપલટમાં પોતાનો ઐતિહાસિક હિસ્સો નોંધાવી દીધો. આ નવલકથાના નાયક પ્રો. ધૂર્જટિમાં પ્રસ્તાવનાલેખક પ્રો. અનંતરાય રાવળને કર્તાનું Self-Projection દેખાયેલું. આ નવલકથાના વાચનથી વાચકોને “એના વિચક્ષણ કર્તાનો જે ઘડીક સંગ થશે, તે તો એમને એમના પ્રેમમાં પાડી દઈ એવો વધુ સંગ માગતા કરી મૂકે એવો છે” એવા પ્રો. રાવળના વિધાન અંગે એટલું જ કહેવાનું કે પ્રો. દિગીશ મહેતાને એવી કોઈ આફત ઊભી થયાનું જાણમાં નથી! દિગીશભાઈએ બીજી કોઈ નવલકથા આ સત્તર વર્ષમાં આપી નહિ. પણ વાચકોને આ નવલકથાનો સ્વાદ મનમાં રહી ગયો. હમણાં એની બીજી આવૃત્તિ થઈ છે. ઇંગ્લૅન્ડમાં વસતા ગુજરાતીઓની દ્વિધાને રજૂ કરતી એક નવલકથા ‘ફૉરેનર્સ’ તેઓ હાલ લખી રહ્યા છે. ‘આપણો ઘડીક સંગ’ પણ નાગરી નર્મ-મર્મનો ઉપયોગ કરી (દિગીશભાઈ પોતે નાગર છે) કંઈક પ્રયોગાત્મક કૃતિ રચવાની વૃત્તિમાંથી ઉદ્ભવી છે. મેક્સ બિરબ્હોમ વગેરે જેવા અંગ્રેજ લેખકોની વ્યંગ્યાત્મક શૈલીએ પ્રયોગશીલ નવલકથા આપવાની તેમની નેમ સફળ થઈ છે. આ શૈલીની આ પહેલી જ કૃતિ છે. શ્રી દિગીશ નાનુભાઈ મહેતાનો જન્મ ૧૨મી જુલાઈ ૧૯૩૪ના રોજ થયો હતો. તેમનું વતન ઉત્તર ગુજરાતનું ઐતિહાસિક નગર પાટણ. પિતાશ્રી સિદ્ધપુરમાં વકીલાત કરતા એટલે દિગીશનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં થયું. ૧૯૪૯માં એસ.એસ.સી.ની પરીક્ષા પસાર કરી કૉલેજ-અભ્યાસ માટે તે રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં દાખલ થયા. ૧૯પ૩માં મુખ્ય વિષય અંગ્રેજી અને ગૌણ વિષય, મનોવિજ્ઞાન સાથે બી.એ.ની પરીક્ષા તેમણે પ્રથમ વર્ગમાં પસાર કરી. એમ.એ. તેમણે ગુજરાત કૉલેજમાંથી કર્યું. અમદાવાદની જુદી જુદી કૉલેજોમાં તેમણે અંગ્રેજીનું અધ્યાપનકાર્ય કર્યું. એચ. કે આર્ટ્સ કૉલેજ, ગુજરાત કૉલેજ, સ્વામિનારાયણ કૉલેજ વગેરેમાં આવનજાવન રહી. ૧૯૬૭-૬૮માં તે લીડ્ઝ યુનિવર્સિટીની ‘સ્કૂલ ઑફ ઇંગ્લિશ’માં એમ.એ. થવા ગયા અને એ ડિગ્રી ડિસ્ટિંક્શન સાથે મેળવી. ૧૯૭૦થી તે ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં અંગ્રેજીના રીડર તરીકે કાર્ય કરે છે. દિગીશભાઈ અંગ્રેજીના ઘણા સારા અધ્યાપક છે. કેટલાક નવોદિત લેખકોનો એ જાત–અનુભવ છે. દિગીશભાઈએ લખવાનો આરંભ એક સંસ્મરણાત્મક નિબંધથી કરેલો. એ નિબંધ તે ‘દૂરના એ સૂર’. ‘સંસ્કૃતિ’માં છાપવા માટે મોકલેલો. તંત્રીનો પત્ર આવ્યો. પ્રોત્સાહિત થયા. એ ધાટીના બીજા નિબંધો લખ્યા. ૧૯૭૦માં અંગત નિબંધોનો સંગ્રહ ‘દૂરના એ સૂર’ પ્રગટ થયો. આ સાહિત્યસ્વરૂપ પણ તેમને ખૂબ અનુકૂળ આવ્યું છે. સાંપ્રત ગુજરાતી સાહિત્યમાં અંગત નિબંધો ઝાઝા લખાતા નથી; પણ આ એક પુસ્તકથી જ દિગીશભાઈએ સર્જક નિબંધકાર તરીકેનું માનભર્યું સ્થાન મેળવ્યું છે. ગુજરાતી સાહિત્યના સત્ત્વશીલ નિબંધકારમાં, યોગ્ય રીતે જ, દિગીશ મહેતાની ગણના થાય છે. તેમણે પ્રો. હર્ષદ દેસાઈના સહયોગમાં ‘પાશ્ચાત્ય નવલકથા’ ગ્રંથ તૈયાર કર્યો છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તરફથી પ્રગટ થયેલા આ ગ્રંથમાં તેમણે યુરોપની વિવિધ ભાષાઓમાં થયેલો નવલકથાનો વિકાસ દર્શાવી કેટલીક મહત્ત્વની પાશ્ચાત્ય નવલકથાઓનો આસ્વાદ કરાવ્યો છે. લેખસંગ્રહ ‘પરિધિ’માં તેમણે સાહિત્યશાસ્ત્રની કેટલીક સંજ્ઞાઓ સ્પષ્ટ કરવા સાથે કેટલાક ગુજરાતી લેખકો અને પુસ્તકો વિશે દ્યોતક નિરીક્ષણો પ્રસ્તુત કર્યાં છે. અંગ્રેજી-ગુજરાતી બંનેને સ્પર્શતાં આ વિવેચનાત્મક લખાણો ખાસ કરીને એની તાજગીભરી રજૂઆતને કારણે ગુજરાતી વિવેચનસાહિત્યમાં આગવી ભાત પાડનારાં પુરવાર થશે. તેમણે નવલકથા ઉપર એક ગ્રંથ આપ્યો તે વસ્તુ જ એમનો આ સાહિત્યસ્વરૂપ માટેનો વિશેષ પ્રેમ બતાવે છે. સર્જક, વિવેચક અને વાચક તરીકે તેમને નવલકથામાં રસ છે. દિગીશ મહેતાએ અંગ્રેજી જર્નલોમાં અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યના તુલનાત્મક અભ્યાસલેખો લખ્યા છે. હમણાં અંગ્રેજીમાં ‘શ્રીમદ્ રાજચંદ્ર’ની લઘુ જીવનકથા પણ લખી છે. ગુજરાતી સાહિત્યને અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા દૂરસુદૂર પહોંચાડનાર ગુજરાતી લેખકો આપણી પાસે મોટી સંખ્યામાં નથી એ પરિસ્થિતિમાં દિગીશભાઈ જેવા બંને ભાષાઓ પર પ્રશસ્ય પ્રભુત્વ ધરાવતા લેખકો પાસે આપણને અપેક્ષાઓ રહે તે સ્વાભાવિક છે.

૯-૯-૭૯