શબ્દલોકના યાત્રીઓ – ૨/શ્રીકાન્ત શાહ

Revision as of 03:12, 2 September 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શ્રીકાન્ત શાહ

શ્રીકાન્ત શાહ એક સત્ત્વશીલ સર્જક છે. કવિતા, નવલકથા અને નાટક એ ત્રણ મહત્ત્વનાં સાહિત્યસ્વરૂપોમાં માત્ર એકેક કૃતિ આપીને તેમણે સાચા આધુનિક સર્જક તરીકેનું પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી દીધું છે, તેમનો કાવ્યસંગ્રહ ‘એક શ્રીકાન્ત શાહ,’ નવલકથા ‘અસ્તી’ અને નાટક ‘તિરાડ અને બીજાં એકાંકીઓ’ દ્વારા સાચા પ્રયોગશીલ સર્જક તરીકે તે બહાર આવ્યા. અત્યારે આધુનિક કવિતાની આપણે અવારનવાર ચર્ચા કરીએ છીએ પણ એ આધુનિકતાની મુદ્રા ગુજરાતી કવિતામાં તેમણે વીસ-બાવીસ વર્ષ પહેલાં ઉપસાવી હતી એ હકીક્ત એમની સૂઝ અને શક્તિની દ્યોતક છે. શ્રીકાન્ત શાહનો જન્મ ૧૯૩૬ના ડિસેમ્બરની ૨૯મી તારીખે બાંટવા(સૌરાષ્ટ્ર)માં થયો હતો. એમનું વતન જામનગર. તેમણે પ્રાથમિક શિક્ષણ બાંટવામાં લીધું, માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં મેળવ્યું, કૉલેજનો અભ્યાસ જૂનાગઢમાં આરંભ્યો. ઇન્ટર આર્ટ્સ અલિયાબાડામાં કર્યું, બી.એ. જામનગરમાં થયા અને એમ.એ. અમદાવાદમાં કર્યું. બી.એ.માં તેમણે એન્ટાયર સાઈકૉલોજી લીધેલું, ૧૯પ૯માં બી.એ. થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં દાખલ થયા અને ૧૯૬૨માં આ જ વિષય સાથે એમ.એ. થયા. એ પછી અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાં સાઈકૉલોજીના લેક્ચરર તરીકે જોડાયા. એ પછી જામનગર એમ્પ્લૉયમેન્ટ એક્સચેન્જમાં અને ‘જનસત્તા’માં જનરલ મૅનેજર તરીકે થોડો સમય કાર્ય કરેલું. એ પછી અમદાવાદની વિવેકાનંદ આર્ટ્સ કૉલેજમાં મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયેલા. હાલ ત્યાં જ અધ્યાપનકાર્ય કરે છે. ૧૯૬૩માં શ્રીકાન્તનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘એક શ્રીકાન્ત શાહ’ પ્રગટ થયો. આ સંગ્રહ ‘બધા જ મનુષ્યોને’ અર્પણ થયો છે કે જેઓએ ‘સ્વચ્છાએ ગૂંગળામણ પસંદ કરી છે.’ જેઓ સમયના ‘કાળા ચમકતા આંકડાની બહારની સૃષ્ટિ થકી અણજાણ છે.’ પણ કવિ આ ‘બધા’ની વાત કરતાં કરતાં ક્યારે પોતાની વાત કરવા બેસી જશે એ ધારવું ખેરખાંઓ માટે પણ અઘરું થઈ પડે તેવું છે. કવિ બધામાં પોતાને જુએ છે એટલે કે પોતામાં બધાને જોવાનો પ્રયત્ન એમને કરવો પડે એમ નથી. શહેર એ કુરૂપની કથાનું ચિત્ર વારંવાર કવિપ્રદેશમાં રમતું લાગે છે. આધુનિક જીવનની ગૂંગળામણ અને વિમાસણને તેમણે સુરેખ ચિત્રો દ્વારા ઉપસાવી આપી છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી ૧૯૬૩માં પ્રગટ થયેલાં પુસ્તકોની સમીક્ષા આપતાં આ લખનારે વર્ષ દરમ્યાન પ્રગટ થયેલા કાવ્યસંગ્રહોમાં શ્રીકાન્ત શાહનો આ કાવ્યસંગ્રહ “એક નવી તરાહ લઈને આવે છે” એમ લખેલું. શ્રીકાન્તે કવિતામાં Abstraction દાખલ કર્યું અને આધુનિક અભિવ્યક્તિનો વિનિયોગ કર્યો એ કદાચ તેમનું મુખ્ય અર્પણ છે. બીજે જ વર્ષ નવલકથા ‘અસ્તી’ (૧૯૬૪માં) પ્રગટ થઈ. ‘અસ્તી’એ ઘણા વિવેચકોને આકર્ષ્યા અને એના વિશે ઘણી ચર્ચાઓ પણ થઈ. આ કૃતિને ચુસ્ત રીતે નવલકથાના ચોકઠામાં મૂકી શકાય એમ નથી. એને નવલકથા અને કવિતા વચ્ચે ક્યાંક મૂકવી પડે. એમાં ઘટના નથી, પાત્રો નથી, સંવાદો નથી. માત્ર એક માણસ રસ્તા ઉપર ઊભો રહીને જે જુએ છે એનાં ચિત્રો તેમણે આપ્યાં છે. આ કૃતિ એ કદાચ પ્રથમ નાસ્તિવાદી કૃતિ છે. એમાં સાંપ્રત જીવનરીતિને કલાત્મક રીતે રજૂ કરવાનો પ્રયત્ન થયો છે. ૧૯૬પમાં તેમણે ‘ક્રાઈમ ફિકશન’ લખવાનો આરંભ કર્યો. નિરંજન સરકારના ઉપનામથી ‘ત્રીજો માણસ’ પ્રગટ થયું હતું. છેલ્લાં વર્ષોમાં તેમનો રસ નાટકમાં વધ્યો છે. તેમણે લાંબાં અને એકાંકી બંને પ્રકારનાં નાટકો લખ્યાં છે. નાટકની નવી નવી ટેકનીકને તે પ્રયોજે છે. અભિનેયતા વિશે સૂઝ ધરાવે છે. રંગભૂમિની કલાની પણ તેમને જાણકારી છે. ૧૯૭૮માં ‘સપ્ત સિંધુ’ સંસ્થાએ તેમનાં સાત નાટકો રજૂ કર્યાં હતાં. તેમણે નાટકનું એક નવું સ્વરૂપ નિપજાવ્યું છે. એને તે “માઈક્રોડ્રામા” કહે છે. આ નાટકો ૮-૧૦ મિનિટનાં હોય છે. માઈક્રોડ્રામા એ સૂક્ષ્મતમ ઘટનાઓને નાટક બનાવવાનો પ્રયત્ન છે. તે કહે છે તેમ “Micro drama is an attempt to see life through Micro-sights." ૧૯૭૨માં પ્રગટ થયેલા ‘તિરાડ અને બીજાં એકાંકીઓ’ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું બટુભાઈ ઉમરવાડિયા પ્રથમ પારિતોષિક મળ્યું હતું. એ પછી ૧૯૭૮માં ત્રિઅંકી નાટક ‘નેગેટિવ’ પ્રગટ થયું. પછી પણ તેમણે ઘણાં નાટકો લખ્યાં છે. ચારેક નાટ્ય સંગ્રહો પ્રગટ થઈ શકે તેટલી કૃતિઓ એમની પાસે છે. શ્રીકાન્ત શાહ ‘રે’ મઠના સ્થાપકોમાંના એક છે. એમની રૂમમાં જ ‘રે’ મઠ સ્થપાયેલો. ‘રે’ માસિકનું નામ પણ તેમણે જ સૂચવેલું. પણુ અત્યારે કોઈ ગ્રુપમાં ન ભળવાનું તેમનું વલણ છે. અત્યારની સમગ્ર સાહિત્યપ્રવૃત્તિ તેમને દૂષિત જણાય છે. બધા સર્જકો એકમેકના ટેકા વડે જ આગળ વધતા રહ્યા છે, નિરપેક્ષ સાહિત્ય મૂલ્યાંકનની રીતે આમાંથી બહુ ઓછા લોકો ટકી શકે એમ તે માને છે. અત્યારની ગુજરાતી સાહિત્યની પરિસ્થિતિ વિશે વાત વાતમાં તેમણે કહ્યું : “ગુજરાતી સાહિત્યની શિરાવાહિનીઓ ગંઠાઈ ગયેલી અને અક્કડ થઈ ગયેલી છે. ફૅટ પાર્ટિકલ્સ અને બ્લડ કૉલેસ્ટરૉલથી લોહીનો સ્વાભાવિક સંચાર વેગવાન બનવાને બદલે તૂટક તૂટક થઈ ગયો છે. થોડક જાગ્રત લેખકો, કવિઓ, વિવેચકો છૂટક છૂટક એકલવાયા બનીને પોતપોતાના ક્રુસીબલ્સમાં કોક પ્રવાહી ઉકાળી રહ્યા છે. કદાચ કૉલેસ્ટરૉલ ઓગળે, પ્રવાહ વેગવાન બને.” પોતે સાહિત્ય તરફ કેમ વળ્યા, સાહિત્યની પ્રેરણા પાછળનું રહસ્ય શું એ વિશે તેમણે જણાવ્યું કે “હું મને અભિવ્યક્ત કરીને મારી પોતાની શક્યતાઓ સમજવા માગતો હતો. જ્યારે આપણે બધા જ બેહૂદા અને તકલાદી બની ગયા છીએ, જ્યારે આપણો વ્યવહાર, ભાષા, શબ્દો, આપણી પરિચિતતા અને આપણું પોતીકાપણું, આપણી વાસ્તવિક્તા કે યથાર્થતા એક નર્યો દંભ કે તરકટ બની ગયાં છે ત્યારે મને લાગે છે કે હું અને વૃક્ષનો પડછાયો જુદા નથી. મારે, મને શોધવા માટે વૃક્ષને શોધવું પડશે. વૃક્ષનો પડછાયો શોધવો પડશે. થોડાક પડછાયાઓ ઉછીના લેવા પડશે. થોડાક નવા પડછાયાઓ સર્જવા પડશે.” અત્યારે પણ તે લખે છે ખૂબ, પણ ખાસ પ્રગટ કરતા નથી. સર્જન દ્વારા શું કરવાની મહત્ત્વાકાંક્ષા તે ધરાવે છે એ વિશેની મારી પૃચ્છાના જવાબમાં તેમણે કહ્યું: “મારે ભાવકને ચકિત કરવા છે, આંદોલિત કરવા છે, માણસ કે જે આશ્ચર્યચકિત થવાની શક્તિ ખોઈ બેઠો છે, તેને આશ્ચર્ય, અચંબો, અભાનતા અને અસમજની સ્થિતિમાં મૂકવા છે. મારો ભાવક જ્યારે મારું લખાણ પૂરું કરે, કે મારો પ્રેક્ષક ઑડિટેરિયમની બહાર નીકળે ત્યારે મૂંઝાયેલો ગૂંચવાયેલો હોવો જોઈએ. તેને પોતાની પત્ની, નેકટાઈ, ડ્રોઇંગ રૂમ અને બાલ્કનીમાં બેઠેલો માણસ બધું જ એકસરખું લાગવું જોઈએ. હું મારી સર્જનપ્રક્રિયાને એક સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે જોઉં છું જેની દ્વારા મારે ‘માણસના’ માણસ હોવા ઉપર છેદ મૂકવો છે, વાઢકામ કરવું છે.” શ્રીકાન્ત શાહને આપણે સફળતા ઇચ્છીએ. એવી શુભેચ્છાઓ આપી શકાય એવા શક્તિશાળી લેખકો કેટલા?

૧૫-૭-૭૯