શબ્દલોકના યાત્રીઓ – ૨/દિનકર જોષી

Revision as of 03:19, 2 September 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દિનકર જોષી

શ્રી દિનકર જોષીની નવલકથા ‘સાચાં મોતીનો ચારો’, ‘ફૂલછાબ’માં ધારાવાહિક પ્રગટ થતી હતી. એ જ પાને ‘શબ્દલોકના યાત્રીઓ’ આવે. કવિ શ્રી સુન્દરમ્ મારા કૉલમની સાથે સાથે જ દિનકરની નવલકથા પણ વાંચતા. એક દિવસ એમનો પત્ર આવ્યો : “તમારા ‘યાત્રીઓ’ના પાના પર ‘ફૂલછાબ’ ચાલુ નવલકથાઓ આપે છે. સહેજ વાંચવાની શરૂ થઈ. હમણાં દિનકર જોષીની ચાલે છે. કલ્પી નહોતી એટલી શક્તિ એમાં દેખાય છે. શરૂઆતમાં જરા કૃત્રિમતા લાગી પણ પ્રકરણે પ્રકરણે વાર્તા જોર પકડતી જાય છે. પ્રસંગને બરાબર જ ખીલવે છે... સૂચિપત્રોમાં જોયું કે, આ લેખકના નામે ઘણાં પુસ્તકો છે... તમે એને મારા અભિનંદન મોકલી શકો.” એ પછી કોઈ હપતો એમને નહિ મળ્યો. હોય, તરત તેમણે એ મોકલવા મને જણાવ્યું અને સાથે સાથે ઉમેર્યું કે, “વાર્તા ખરેખર રસપ્રદ કૌશલપૂર્ણ છે.” શ્રી સુન્દરમ્ જેવા વિદગ્ધ વિવેચક પોંડિચેરી જેટલે દૂર રહ્યે રહ્યે દિનકર જોષીની કથાની તારીફ કરે તે આનંદપ્રદ છે. દિનકરભાઈએ પણ મને લખેલું કે “’સાચાં મોતીનો ચારો’ હમણાં જ પૂરી કરી. એક નવલકથા પૂરી કર્યા પછી દિવસો સુધી હું એની પાત્રસૃષ્ટિમાંથી મુક્ત થઈ શકતો નથી.” વાચકો પણ એની પાત્રસૃષ્ટિમાંથી મુક્ત થઈ શકતા નથી એવી એમની પકડ છે. દિનકર જોષીએ ‘દૂર દૂર આરા’, ‘જાણે-અજાણે, ‘તન ઝંખે મન રોય,’ ‘મત્સ્યવેધ’, ‘કંકુના સૂરજ આથમ્યા’ જેવી નવલકથાઓ લખી છે. નવલકથા ઉપરાંત ટૂંકી વાર્તામાં પણ તેમને રસ છે. ‘અનરાધાર’, ‘વનપ્રવેશ’, ‘તરફડાટ’, ‘એક લાવારિસ શબ’ જેવા નવલિકાસંગ્રહો પ્રગટ કર્યા છે. ટૂંકી વાર્તાઓનું એક સંપાદન પણ તેમણે બીજાઓ સાથે કર્યું છે. શ્રી ચંદુલાલ સેલારકા અને શ્રી વિઠ્ઠલ પંડ્યા જોડે ૧૯પ૪થી ૧૯૬૪ સુધીના દશકાની પ્રતિનિધિ વાર્તાઓનો આ સંચય ‘યાદ’ નામે પ્રગટ થયેલો અને શ્રી ઉમાશંકર જોશીએ એનું આમુખ લખેલું. દિનકરની નવલકથા ‘સત્યનો ચહેરો’ ત્રિઅંકી નાટ્યરૂપે અત્યારે ‘બહુરૂપી’ના ઉપક્રમે મુંબઈમાં ભજવાય છે. દિનકરભાઈ સંવેદનશીલ સર્જક છે, પ્રબળ કાર્યવેગ, માંસલ પાત્રો અને કથારસ-કુતૂહલ તે સાદ્યંત જાળવી શકે છે. બહુસંખ્ય પુસ્તકોના લેખકો ધોરણની બાબતમાં બેદરકાર રહે છે. સદ્ભાગ્યે દિનકર જોષી એ વિશે સજગ છે તે સુચિહ્નન છે. શ્રી દિનકર જોષીનો જન્મ ભડી ભંડારિયા (ભાવનગર જિલ્લો)માં ૩૦ મી જૂન ૧૯૩૭ના રોજ થયો હતો. તેમનું મૂળ વતન તો ભાવનગર જિલ્લાનું નાનકડું ગામ નાગધણીબા પણ છેલ્લાં ત્રીસેક વર્ષથી ભાવનગરને જ વતન માન્યું છે. જો કે કર્મભૂમિ તરીકે તો વર્ષોથી મુંબઈ જ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં લીધું ૧૯પ૧ સુધી. ૧૯પ૨થી ૧૯પપ સુધી ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ લીધું. ૧૯પ૬માં ભાવનગરની શામળદાસ કૉલેજમાં દાખલ થયા. એક સત્ર જ ભરી શક્યા. એ વર્ષે મેરિટ સ્કૉલરશિપ મળેલી; ભણવાની સાથે જ કલેક્ટર ઑફિસમાં નોકરી કરતા હતા. એ વખતની સોરાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારી નોકરી કરતાં કરતાં ન ભણી શકે એવો કાયદો કરવાથી ભણવાનું છોડવું પડ્યું. છેક ૧૯૬૨માં એકસ્ટર્નલ વિદ્યાર્થી તરીકે ઈતિહાસ, રાજકારણના વિષયો સાથે બી.એ. થયા. અભ્યાસકાળ દરમ્યાન ૧૯પપ-પ૬માં ભાવનગર કલેક્ટર ઑફિસમાં હતા. ૧૯પ૬-પ૭માં રેલવે ટ્રેનિંગ સ્કૂલમાં પહેલાં ઉદયપુરમાં કામ કર્યું અને પછી વીરમગામ આસિ. સ્ટેશન માસ્તર તરીકે પોસ્ટિંગ મળ્યું. ૧૯પ૭-પ૯માં સ્ટેટ બૅંક ઑફ સૌરાષ્ટ્રમાં ચોટીલામાં કામ કર્યું. ૧૯પ૯થી મુંબઈની દેના બૅંકમાં છે. અત્યારે બૅંકની રિજિયોનલ ઑફિસમાં ઍડવાન્સીસ ડિપાર્ટમેન્ટના ઑફિસર તરીકે કામ કરે છે. વચ્ચે ટ્યૂશનો અને બીજી નોકરીઓ પણ કરેલી. સાહિત્યક્ષેત્રમાં તે શી રીતે આવ્યા તેનો પણ ઈતિહાસ છે. ૧૯૪૯થી ૧૯પ૧-એ ત્રણ વર્ષ દરમ્યાન માંદા રહ્યા, સાવ પથારીવશ, ઊઠવા બેસવાનું પણ બંધ. પથારીમાં પડ્યાં પડ્યાં અરીસાની મદદથી આગળ પાછળની બારીમાંથી જે આકાશ દેખાય એ જ એકમાત્ર સાથી! એની સોબતમાં જ લખાયું. સૌ પહેલાં વાર્તા. આમ તો શાળાનાં જ મૅગેઝીનોમાં તે લખતા પણ તેમની પહેલી વાર્તા તે ‘જનસત્તા’માં છપાયેલી. ‘જગત આ અસ્કમાતનું’. આ પહેલાં ‘રમકડું’ના ૧૯પ૨-પ૩ના ખાસ અંકમાં તેમના નાટક ‘ભેટ’ને બીજું પારિતોષિક મળેલું. એથી પ્રેરણા મળી. વચ્ચે ન લખાયું. ૧૯પ૮માં ‘ચાંદની’માં એક વાર્તા લખી. પણ ૧૯પ૯થી ‘નવચેતન’ના એ વખતના તંત્રી ચાંપશી ઉદેશીએ દિનકર જોષીને એક સારા વાર્તાકાર તરીકે ગુજરાત સમક્ષ રજૂ કર્યા. તેમની જે પ્રથમ નવલકથા પ્રગટ થઈ છે તે ‘દૂર દૂર આરા’ ૧૯૬૩માં. એ પહેલાં તેમણે બે નવલકથાઓ લખેલી પણ પ્રગટ ન થઈ, કદાચ તેમણે પોતે જ રદ કરી. અત્યારે ‘સૂરજ ધીમા તપો’, ‘સાચાં મોતીનો ચારો’, ‘બરફની ચાદર’ એ ત્રણ નવલકથાઓ પ્રેસમાં છે. એક નવલિકાસંગ્રહ ‘એક વહેલી સવારનું સપનું’ પણ હાલ છપાઈ રહ્યો છે. દિનકર જોષીની કૃતિઓ પુરસ્કૃત થયેલી છે. તેમને કોઈ સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મળ્યું નથી તો બીજા-ત્રીજાથી ઓછું એકે પારિતોષિક તેમણે સ્વીકાર્યું નથી! ‘નવચેતન’નાં વાર્ષિક પારિતોષિક, ‘સુધા’, ‘ફૂલછાબ’, ‘ચિત્રલેખા’, ‘સવિતા’ની વાર્તા-સ્પર્ધાઓમાં તેમને ઈનામો મળ્યાં છે. ગુજરાત સરકારે ‘યક્ષપ્રશ્ન’ નવલકથાને બીજું પારિતોષિક આપ્યું છે પણ આ સૌ પુરસ્કારો કરતાં વિલેપાર્લે સાહિત્ય સભાએ ૧૯૬૦-૬૧માં તેમની રીતસરની લેખનકારકિર્દીના આરંભકાળમાં યોજેલી સ્પર્ધામાં આપેલું રૂ. એકાવનનું બીજું પારિતોષિક લેખકને મન સૌથી વિશેષ મહત્ત્વનું છે. એ એક નિર્ણાયક ક્ષણ હતી, જેણે તેમને નવપ્રેરણા આપી! દિનકરભાઈ હરેક સાચા સર્જકની જેમ સમાન ધર્મ સહૃદય માટે અભીપ્સા સેવતા હોય છે. તેમની આંતર અનુભૂતિ કોઈ ભાવકને સ્પર્શે ત્યારે તેમને ખૂબ આનંદ થાય છે. એમના ભાવકોને પણ એ થાય જ એવો કળાનો સાચો આનંદ તે વધુ ને વધુ આપે એમ ઈચ્છીએ.

૩૦-૧૨-૭૯