પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદકીય

Revision as of 03:27, 4 September 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સંપાદકીય

‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’નો ‘પન્નાલાલ પટેલ’ વિશેનો આ ચોત્રીસમો લઘુગ્રંથ ઘણા સમયથી અપ્રાપ્ય હતો. એના પુનર્મુદ્રણની માગણી અનેક સાહિત્યરસિકો તરફથી અવારનવાર કરવામાં આવતી હતી. આજે એ પ્રગટ કરતાં આનંદ થાય છે. એના લેખક ડૉ. પ્રમોદકુમાર પટેલે એ સાદ્યન્ત જોઈ જઈ નાનામોટા સુધારા કરી આપ્યા છે એ માટે તેમનો આભારી છું. શ્રેણીનું પ્રકાશન ગૂર્જર પ્રકાશનના શ્રી મનુભાઈ શાહે ઉત્સાહપૂર્વક હાથમાં લીધું હોઈ નવી પુસ્તિકાઓ અને પુનર્મુદ્રણો ઝડપભેર પ્રગટ થશે. મુદ્રણકાર્યમાં શ્રી રોહિત કોઠારીનો સહકાર સાંપડ્યો છે. બંનેનો આભાર માનું છું. સાહિત્યરસિક વર્ગે આ શ્રેણીને જે ઉમળકાભર્યો આવકાર આપ્યો છે એ માટે આભારી છું.

રમણલાલ જોશી

ર, અચલાયતન સોસાયટી
નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯
૧લી મે, ૧૯૯૫



અંગ્રેજીમાં જુદા જુદા સર્જકો વિશે નાની પુસ્તિકાઓની એક કરતા વધારે શ્રેણી સુલભ હોય છે. ત્રણચાર ફરમાના આવા લઘુગ્રંથ(મૉનોગ્રાફ)માં તે તે સર્જકોને પ્રતિભા વિશે જાણવા જેવી બધી વીગતોનો સમાવેશ કરવામાં આવે છે.
સમગ્ર ગુજરાતી સાહિત્યના મહત્ત્વના સર્જકો અને ચિંતકોને આ શ્રેણીઓ આવરી લેવાનો ખ્યાલ છે. તેમાં મધ્યકાળના તથા અર્વાચીન સમયમાં દલપત-નર્મદ યુગથી આરંભી ગાંધીયુગ સુધીના ગણનાપાત્ર બધા લેખકોનો સમાવેશ કરવા ધાર્યો છે.
કાંઈક અંશે ઐતિહાસિક સમયક્રમ જાળવીને પુસ્તિકાઓ આપી શકાય તે તો દેખીતું જ ઘણું ઇષ્ટ છે, પરંતુ આ પ્રકારની યોજનાઓમાં સર્વત્ર જે અનિવાર્ય મુશ્કેલીઓ હોય છે તેને કારણે પુસ્તિકાઓ જેમ જેમ તૈયાર થશે તેમ તેમ પ્રકાશિત કરવાની રહેશે. તેમ છતાં પુસ્તિકાઓના પ્રકાશનક્રમમાં જુદા જુદા યુગોનું પ્રતિનિધિત્વ જળવાતું રહે તે પણ યથાશક્ય જોવાશે.
પુસ્તિકાઓમાં વિષયનિરૂપણના મુખ્ય દૃષ્ટિકોણ નીચે પ્રમાણે રહેશેઃ
ગુજરાતી સારસ્વતોના જીવનનો ટૂંક પરિચય, એમની કૃતિઓનો વિવેચનાત્મક ખ્યાલ, એમના સાહિત્યનું મૂલ્યાંકન, પુનર્મૂલ્યાંકન, એમના વિશેના અભ્યાસીઓના સમીક્ષા, આપણા સાહિત્યમાં તેમનું સ્થાન, વિગતવાર સંદર્ભસૂચિ.