ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/જયકૃષ્ણ નાગરદાસ વર્મા
એઓ જ્ઞાતે લોહાણા છે; ભરૂચના વતની અને જન્મ પણ એ જ સ્થળે તા. ૨૬ મી મે ૧૮૯૪ ના રોજ થયો હતો. એમના પિતાનું નામ નાગરદાસ ઈશ્વરદાસ વર્મા અને માતાનું નામ નંદકુંવરબા છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૯૧૪ માં જુનાગઢમાં સ્વ. જયાલક્ષ્મી સાથે થયું હતું અને બીજી વારનું લગ્ન સન ૧૯૨૪ માં સુરતમાં સૌ. કુંજલીલા સાથે થયું હતું. પ્રાથમિક અભ્યાસ છ ધોરણ સુધી ભરૂચમાં કરેલો; તે પછી વડોદરા હાઈસ્કુલમાંથી મેટ્રીક થયલા અને સન ૧૯૧૬ માં બી. એ., અને સન ૧૯૧૯ માં એલએલ. બી. ની પરીક્ષા પાસ કરેલી. ત્યાર બાદ વધુ અભ્યાસાર્થે ઇંગ્લાંડ ગયલા, જ્યાં બેરિસ્ટર થવાની સાથે લંડન યુનીવરસીટીની એમ.એસ. સી., ઈન ઈકોનોમીક્સની ડીગ્રી મેળવી હતી. હાલ તેઓ મુંબાઈ હાઈકોટમાં પ્રેક્ટિશ કરે છે. સન ૧૯૨૧ માં તેમનો પ્રથમ ગ્રન્થ “હિન્દી રાષ્ટ્રીય કોન્ગ્રેસનો ઇતિહાસ”–મીસીસ બિસાન્ટકૃત How India wrought for Freedomના આધારે લખાયલો બહાર પડ્યો હતો. તે પછી સન ૧૯૨૨ માં તેમણે “મહાત્મા ગાંધીજીનું જીવન”નું પુસ્તક તેમ સન ૧૯૨૩ માં “હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસનો ઇતિહાસ-ભા. ૨ જો” પ્રકટ કર્યા હતા. સન ૧૯૨૫માં એમની વાર્તાનો સંગ્રહ–“વર્માની વિવિધ વાર્તાઓ”–એ નામથી પ્રસિદ્ધ થયો હતો. સન ૧૯૩૧ માં એમની વાર્તાઓનો બીજો સંગ્રહ “લક્ષ્મીની સાડી” નામે પ્રકટ થયો હતો. સન ૧૯૨૩ થી ‘ગુણસુંદરી’ નામના સ્ત્રીમાસિકનું કાર્ય એમણે ઉપાડી લીધું છે અને જેને આપણે “નવીન સ્ત્રી” કહીએ, તેનું સુંદર પ્રતિબિંબ પાડતું તેમ તેને પ્રબોધતું એ માસિક સ્ત્રીસમાજમાં પ્રિય થઈ પડ્યું છે, એમ તેનો દિન પ્રતિદિન વધતો જતો પ્રચાર બતાવી આપે છે. તે પાછળ એઓ જે શક્તિનો અને ધનનો વ્યય કરે છે, તે બદલ ખરે, એમને અભિનંદન ઘટે છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | હિન્દી રાષ્ટ્રીય કોન્ગ્રેસનો ઇતિહાસ ભા. ૧* | સન ૧૯૨૧ |
| ૨ મહાત્મા ગાંધીજીનું જીવન | ” ૧૯૨૨ | |
| ૩ | હિન્દી રાષ્ટ્રીય કોન્ગ્રેસનો ઈતિહાસ ભા. ૨ | ” ૧૯૨૩ |
| ૪ | વર્માની વિવિધ વાર્તાઓ | ” ૧૯૨૫ |
| ૫ લક્ષ્મીની સાડી અને બીજી વાર્તાઓ | ” ૧૯૩૧ |
- મિસિસ બેસાન્ટકૃત “How India wrought for Freedom”નો અનુવાદ.