વાર્તાકાર હેમાંગિની રાનડે/શરૂઆત
હરિશંકર દવે મુંબઈના ઊંચા બિલ્ડિંગના એક ફ્લેટની ગૅલેરીમાં બેસીને, અમેરિકાથી આવેલો દીકરીનો પત્ર વાંચે છે. સામે દોરડી પર એમનો ટુવાલ લટકે છે. ટુવાલ તડકામાં સુકાતો જાય છે અને દવેજીને છાંયડોય આપતો જાય છે. નાહી-ધોઈ, પૂજા પતાવીને દવેજી રોજ આમ ગૅલેરીમાં આવીને બેસે છે, તે છેક સાંજ સુધી. આ ગૅલેરી જાણે દવેજીનો અંગત ઓરડો છે. ભાઈ ઘણુંય કહે છે કે, “બાપુજી, આખો દિવસ તડકામાં શીદ બેસો છો? અમે ઑફિસે જઈએ પછી તમતમારે આરામથી પંખો ચલાવીને અંદર કેમ નથી સૂતા?” વહુ-દીકરાના ઓરડામાં જઈને એમની પથારી પર સૂવું? ...ના, ના, એ દવેજી ન કરી શકે. દવેજી જુનવાણી માણસ છે. એમને તો આ ગૅલેરી જ સારી છે. ભાઈએ અહીં બેસવા માટે એક બાંકડો નખાવી દીધો છે, જેની ઉપર દવેજી આખો દિવસ બેસે છે, બપોરે આડે પડખે થાય છે અને રાતે સૂઈ પણ જાય છે. ક્યારેક ગૅલેરીમાં ઊભા રહીને નીચે, રસ્તા પરની આવન-જાવન જોવાનો પ્રયત્ન કરે છે, પણ આટલી દોડા-દોડી એમની ઘરડી આંખોને પજવી મૂકે છે. કોણ છે આ લોકો? આ શહેરમાં આટલી બધી ભાગમ-ભાગ શું કામ થાય છે? દવેજી વિચાર કરે છે, પછી કંટાળીને બાંકડા પર બેસી જાય છે. ચશ્માં ચડાવીને સવારે દીકરા-વહુએ વાંચીને મૂકેલું છાપું, સરખું કરીને વાંચે છે. ક્યારેક ગીતા લઈ, એકાગ્રચિત્ત થઈ, બે-ચાર શ્લોકો વાંચવાનો પ્રયત્ન કરે છે. પણ મન નથી ચોંટતું. કદાચ ઘડપણ આનું જ નામ હશે! હમણાં દવેજી, અમેરિકાથી આવેલો દીકરી મીરાંનો પત્ર વાંચવામાં મશગૂલ છે. કેવી માયા છે ભગવાનની, દવેજી વિચાર કરે છે. ગામડામાં મોટી થઈ દીકરી, જેને ઉછીકે પૈસે પરણાવી, આજે અમેરિકાથી લખી મોકલે છે, કે બાપુજી, હું તમારા માટે ટિકિટ મોકલું, તમે થોડા દિવસ અહીં આવોને! દવેજી સહેજ હસ્યા. જીવનમાં કોણ જાણે કેટલાંય પાપ કર્યાં હશે, કે ગામનું ઘર છોડી, આ શહેરમાં અજંપો ભોગવવા આવવું પડ્યું છે. હવે એ સમૃદ્ધ દેશમાં, અમેરિકામાં જઈને શું દવેજીને મરી જવું છે? આ ઘરમાં દવેજીનો જીવ મૂંઝાય છે. અહીં તેઓ ખુલાસાથી શ્વાસ પણ નથી લઈ શકતા, એટલા માટે જ તો ધમધોકાર તડકામાં બેસી રહે છે. કેટલી ગરમી, કેટલો પરસેવો છે એ શહેરમાં! ઠંડી હવા માટે દવેજી ઝંખે છે. અહાહા! ત્યાં પોતાના નાનકડા ગામડામાં કેવી સરસ હવા આવતી. મન ખુશખુશાલ થઈ જતું. જ્યારે સાંજે ટપાલ-કચેરીથી દવેજી ક્વાર્ટરમાં પાછા ફરતા અને નરબદા લોટો લઈ તેમના પગ ધોવરાવતી, ત્યારે દવેજીનું કાળજું અંદર સુધી ભીંજાઈ જતું. અહાહા! નરબદા!! કેટલી સેવા કરી છે તેં મારી. સેવા કરતાં જ તું મને મૂકીને ચાલી ગઈ. દવેજી ધોતિયાના છેડાથી આંખો લૂછે છે. હમણાંનું માળું આમ જ થાય છે. નરબદા યાદ આવે છે અને દવેજીનું મન એની પાસે ઊડી જવા મથે છે. નરબદા ગઈ, એને બાર-બાર વરસ વીતી ગયાં, પણ હજી નરબદા સ્મરે છે અને અહીં આવ્યા પછી તો વધારે. એના મૃત્યૃ પછી દવેજી એ જ ગામડામાં, એ જ ક્વાર્ટરમાં, ટપાલકચેરીની પછવાડે રહ્યા, પણ ત્યારે એમને એટલું એકલું નહોતું લાગતું. ત્યારે નંદુ હતો... નંદુ… નરબદા માસીના ગયા પછી નંદુએ કેટલી ચાકરી કરી છે. પેટનો દીકરો ન કરી શકે. પણ હવે એય ત્યાં ગામમાં રહી ગયો… અને બીજા હતા વ્યાસજી. ટપાલકચેરીના કારકુન. એમનાં પત્ની ચંપાબેન, અવારનવાર રકાબીમાં ઢાંકીને ઢોકળાં, ક્યારેક ભજીયાં અને ક્યારેક શીરો લઈ આવતાં. રસોડામાં મૂકતાં, કહેતાં જતાં, “એ નંદુ! દવેજીને યાદ રાખીને જમતી વખતે આપજે હોં, ભૂલતો નહીં પાછો.” અને મળવા આવનારાઓ! કાગળ આવ્યો છે કે નહીં, એની ખાતરી કરવા આવતા સુલેમાન ભાઈ. મનીઓર્ડરનું પૂછવા આવતી જીવી ડોશી, જેનો દીકરો વડોદરામાં નોકરી કરીને દર મહિને પૈસા મોકલતો. જયંતભાઈ હતા, ખુશાલભાઈ હતા. કેટલાય લોકો હતા, રોજ મળવાવાળા. એ બધાને મૂકી દવેજી અહીં આવી ગયા. શું કરવા? શું કામ? આ પ્રશ્ન દિવસમાં પચાસ વાર દવેજી પોતાને પૂછે છે: શું કામ અહીં આવ્યા દવેજી? રિટાયર થયા પછી પણ ત્યાં જ રહી ગયા હોત તો? ત્યાં? બધાની વચ્ચે? તો? ત્યારે સ્વાસ્થ્ય પણ સારું હતું. ખુલ્લી હવા, સાદું ભોજન. અહીં આવ્યાં પછી મારી તબિયતે સારી નથી રહેતી. હા, હજી પથારી નથી પકડી. દવેજીએ નિઃશ્વાસ નાખ્યો. એટલી ભગવાનની કૃપા. પણ આ વહુ-દીકરો શું જમે-ખાય છે. રેફ્રિજરેટરમાં મૂકેલો રાતનો ભાત. બે દિવસ પહેલાં વઘારેલી દાળ. શાકને તો જોઈને જ ઊબકા આવે છે. અને પેલું ડબ્બામાંનું ઘી. આમ વહુમા સારી છે હોં! આવું બધું વાસી એ સસરાની થાળીમાં નથી મૂકતી. પણ રસોઈ થઈ જાય છે, સવારે સાત વાગે. બે ડબલામાં ભરીને વહુ-દીકરો પોતપોતાનું જમવાનું ઑફિસે સાથે લઈ જાય છે. દવેજી માટે થાળી પીરસીને ઢાંકી દેવાય છે. જમવાનું જો જરીક ગરમ હોયને, તો માણસ બે કોળિયા વધારે ખાય. પણ દવેજી ખંચકાય છે. ગરમ કરતાં, ક્યાંક વાસણ બળી જાય, ખરાબ થઈ જાય, તો? પાછી વહુમા ખિજાય, કે આ ડોસાના જીભના નખરા હજુય ગયા નથી, તો? એના કરતાં, જે થાળીમાં ઢાંક્યું-ઢૂંબ્યું છે, એ જ ખાઈ લ્યો. દવેજીને ટેબલ પર બેસીને જમવાનુંય નથી ફાવતું. જાણે, જે ખાધું છે, તે પેટમાં નહીં, પગમાં ઊતરી જાય છે. એટલે દવેજી પોતાની થાળી બહાર લઈ આવે છે અને અહીં ગૅલેરીમાં બેસીને જમે છે. ઠીક છે, ખુલ્લી હવા તો મળે છે! હરિશંકર દવે વિચારોમાં ખોવાઈ ગયા. થોડી વાર પછી તંદ્રા ભંગ થઈ ત્યારે જોયું કે હાથમાં દીકરીનો પત્ર છે. કપાળે ચઢાવેલાં ચશ્માં પાછાં નાક ઉપર ગોઠવીને આગળ વાંચવાનું શરૂ કર્યું. એ જ બધી રોજિંદી વાતો. જમાઈ મજામાં છે, છોકરાંઓ પણ ઠીક છે. નાનકી ચાલતાં શીખી ગઈ છે. મોટાની શાળામાં ભણતર સારું છે. ભાઈનેય ત્યાં અમેરિકા બોલાવી લેવાનો વિચાર છે, પણ હજુ પોતાનું સારી રીતે જામ્યું નથી. ઘર લેવા માટે કરજ લેવું પડે એમ છે… કરજ! જો મીરાંના લગ્નમાં કરજ લેવાની જરૂર ન પડી હોત, તો આજે દવેજી પોતાના ગામડામાં જ રહ્યા હોત. પણ જમાઈને આગળ ભણવું હતું. અને દીકરીને કરિયાવર તો આપવો જ પડેને. એટલે દવેજીએ પ્રોવિડન્ટ ફંડમાંથી કરજ ઉપાડ્યું. દવેજીના હાથમાંથી કાગળ સરકી ગયો. પેટનાં છોકરાંઓ માટે બધા કરે છે, પોતે કર્યું તો શી ધાડ મારી? અડધું પ્રોવિડન્ટ ફંડ બચ્યું હતું, તે ભાઈના આ ઘર માટે વપરાઈ ગયું. ભાઈએ પ્રેમલગ્ન કર્યાં, એટલે વહુમાના પિયરથી કંઈ મળ્યું નહીં. ના! વહુમા સારી છે હોં! બહુ સારી છે. દવેજી પોતે શોધવા જાત, તોય આટલી સુશીલ, સારી છોકરી ન મળત. નરબદા શોધતને તોય નહીં. દવેજીએ નિઃશ્વાસ નાખ્યો. સારું થયું. નરબદા ત્યારે ચાલી ગઈ, ભાઈના મુંબઈ આવી ગયા પછી તરત. લગ્ન પછી વહુમાને લઈને ભાઈ ગામ આવ્યો’તો. જતી વખતે કહેતો ગયો કે “બાપુજી, તમારા પ્રોવિડન્ટ ફંડના બાકીના પૈસા મારા છે હોં. મારે મુંબઈમાં ઘર લેવું છે. એક ઓરડીમાં હવે રહેવાય એવું નથી.” ત્યારે શું કહેત દવેજી? બસ! જ્યારે રિટાયર થયા, ત્યારે રહેવાનું ઠેકાણું ન રહ્યું. નંદુએ તો ઘણુંય કીધું હતું કે, “સાહેબ! મારી પાસે રહોને. હું તમારો દીકરો નથી? મેં તમારી સેવા નથી કરી?” પણ દવેજી એક ટપાલીને ત્યાં કેવી રીતે રહી શકે? એમને તો કાંઈ વાંધો નહોતો, પણ ભાઈ બદનામ થઈ જાયને! લોકો મહેણાં ન મારે કે સગા બાપને ન રાખી શક્યો, એ દવેજીથી ન સંખાય અને ત્યાં નરબદાનું કાળજું ન કકળે? તો દવેજી નિરાંતે ઊંઘી શકે ખરા? અને એમ દવેજી મુંબઈ આવી પહોંચ્યા. પાછળ રહી ગયા બધાય... દવેજીએ ઊઠીને ટુવાલ સરકાવ્યો. તડકાની દિશા બદલાઈ ગઈ હતી. દીકરીનો કાગળ ઘડી કરીને અંદર રેડિયો નીચે મૂકી દીધો. કદાચ ભાઈને પાછો વાંચવો હોય, બહેનનો કાગળ. પછી રસોડામાં જઈ દવેજી પોતાની થાળી બહાર લઈ આવ્યા. ચલો આ કામ પણ પતાવી દઈએ. ઢાંકેલી થાળી બાજુએ મૂકી તો જોયું કે ઉતાવળમાં વહુમા રોટલી પર ઘી ચોપડવાનું ભૂલી ગઈ હતી. વાંધો નહીં. કોરી રોટલી ખાઈ લ્યો. દવેજી ગૅલેરીમાં બાંકડા ઉપર થાળી મૂકીને બેસી રહ્યા. ઠંડી રસોઈ અને સૂકી રોટલી. કોળિયો મોઢામાં નાખવાનું મન ન થયું. પરાણે બટકું તોડ્યું, ત્યાં તો ગૅલેરીની પાળ ઉપર કાગડો આવીને મંડ્યો કા-કા કરવા. દવેજીએ હાથમાંનો ટુકડો એની સામે નાખી દીધો. કાગડો બીને ઊડી ગયો, પણ જ્યારે રોટલી ત્યાં જ છે એ જોયું, તો પાછો આવીને ચટ્ દેતોને રોટલી લઈ નાસી ગયો. દવેજી હસી પડ્યા. “અલ્યા, ગભરાય છે શું કામ? હું કંઈ તને મારવાનો નથી. લે આ બીજો ટુકડો પણ લઈ જા. આવ અલ્યા, આવ. આપણે સાથે જમીએ.” દવેજી હાથમાં કોળિયો લઈને કેટલી વાર એની વાટ જોતા બેસી રહ્યા, પણ એ હરામખોર પાછો ફર્યો જ નહીં. દવેજીએ જમવાનું શરૂ કર્યું. જમી લીધા પછી વાસણો અંદર મૂકી આવ્યા. કામવાળી બાઈ થોડી વાર પછી આવશે. એને માટે દરવાજો ખોલવો, એને અંદર રસોડામાં જવા દેવી, એ દવેજીનું કામ છે. દસ મિનિટ પછી કામ પૂરું થઈ જાય, ત્યારે કામવાળી કહે, “દરવાજો બંધ કરી લ્યો, દાદા.” આ નાનકડી ઘટના દવેજીના દિવસને બે ભાગમાં વહેંચી જાય છે. ચા દવેજી પીતા નથી. કામવાળીના ગયા પછી દવેજી પાછા ગૅલેરીમાં આવીને બેસે છે. આંખો બંધ કરવાનો પ્રયત્ન કરે છે. જરીક આંખ લાગે, પછી પાછી ઊંઘ ઊડી જાય પછી દવેજી ઊભા થઈને ગૅલેરીમાંથી નીચે જુએ. ક્યારેક વિચાર કરે કે નીચે ઊતરીને, લાવને જરી પગ છુટ્ટા કરી આવું. પણ દવેજી જાય ક્યાં? આટલા માણસોની વચ્ચે ક્યાંક ખોવાઈ જવાય તો? અને પાછા ફરતાં, લિફ્ટ ન ચાલે તો? આટલા બધા દાદરા તેમનાથી ચડાશે? દવેજી બાંકડા ઉપર બેસી રહે છે. તડકાની દિશા પરથી જણાય છે કે ત્રણ વાગ્યા હશે, હમણાં ચાર વાગ્યા હશે, હવે પાંચ થયા હશે. કલાક, દોઢ કલાક પછી વહુમા આવશે, પછી ભાઈ આવશે. ત્યાં ગામમાં ખરે બપોરે નરબદા નંદુ સાથે શરબતનો ગ્લાસ મોકલતી. એને ખબર હતીને કે આકરા તાપમાં જો ઠંડું ન પીએ, તો દવેજીનું પિત્ત વધી જાય છે. સાફ, ચમકતો ગ્લાસ. ઉપર ઢાંકેલી રકાબી. નંદુ સંભાળીને, બપોરની ટપાલ વહેંચવા પહેલાં આપી જતો. “લો સાહેબ. માસીએ મોકલ્યો છે. જલદીથી પી લો, તો હું ગ્લાસ પાછો આપી આવું.” દવેજી ત્યારે જરીક હસીને, જરીક ચિડાઈને, શરબત પી લે. કો’ક દી લીંબુનું શરબત, કો’ક દી કેરીનું પનું, તો ક્યારેક પાતળી છાશ. ફેરવી ફેરવીને નરબદા નવું નવું મોકલતી. અહાહા! પીધા પછી શરીર ટાઢું હીમ થઈ જતું. નર્યું જાણે અમૃત! નંદુએ એ બધું શીખી લીધું હતું. નરબદાના મૃત્યૃ પછી એ પોતે લીંબુનું શરબત બનાવી લાવતો. અને અહીં આ શહેરમાં ટાઢા પાણી માટે તલસી ગયા છે દવેજી. આ ઘરમાં માટલુંય નથી. એ લોકો નળમાંથી લઈને પાણી પીએ છે, ગાળ્યા વગર દવેજી પણ પીએ છે. પણ બપોરે નળ તપી જાય છે અને ગરમ ગરમ પાણીથી તરસ નથી મટતી. આમ જુઓ તો દવેજી પણ જાણે છે કે એમનું દુ:ખ કોરી રોટલી અને ગરમ પાણી નથી. ફક્ત ખાવા-પીવાથી માણસ નથી જીવતો. એમનું દુ:ખ છે એકલતા. વાત કરવાવાળું, સુખ-દુ:ખમાં ભાગ પડાવવાવાળું અહીં કોઈ નથી. સાંજે જ્યારે દીકરો-વહુ પાછાં ફરે છે, ત્યારે બન્ને થાકેલાં હોય છે. વહુનું ઊતરેલું મોઢું જોઈને દવેજીનું કાળજું ફફડી ઊઠે છે. ચહેરા પર લોહીનો એક છાંટો સરખો નથી હોતો. આવતાંવેંત તે ચા કરે છે, રાતની રસોઈ કરે છે, બીજા દિવસની તૈયારી કરે છે. દવેજી સમજે છે કે તેમના અહીં આવવાથી વહુમાનું કામ વધી ગયું છે, ફુરસદ ઘટી ગઈ છે. વહુમા પગ ચડાવીને બેસી નથી શકતી. દવેજી કહેવા મથે છે કે વહુમા, મારી સામે માથું ઢાંકવાની જરૂર નથી બેટા! તું તો મારી દીકરી છો. પણ તેઓ બોલી શકતા નથી. તેમને અજૂગતું લાગે છે. ભાઈ જોડે વાત કરવાનો પણ સમય નથી મળતો. જમ્યા પછી ભાઈની આંખો ઘેરાવા લાગે છે. દવેજી શરમ મૂકીને કહે છે. “જાઓ બેટા, જઈને સૂઈ રહો. સવારે પાછું તમારે વહેલા ઊઠવું પડશે.” વહુ-દીકરો આજ્ઞા શિરે ધરીને ઓરડામાં ચાલ્યાં જાય છે. ત્યાંથી હસવાનો આછો-આછો ધ્વનિ, તો ક્યારેક રૂસણાં-મનામણાંના અવાજો કાન પર અથડાય છે. આ પણ કારણ છે જેને લીધે દવેજી ગૅલેરીમાં બાંકડા પર રાતે સૂએ છે. એમને અંદર સંકોચ થાય છે. પતિ-પત્ની છે. કેટલીયે વાતો હોય તેમની વચ્ચે. ઘરડા સસરાના કાનમાં ભૂલે ચૂકેય એ વાતો જાય, તો? રામ-રામ! લાજ રાખજે પ્રભુ, આ ઘરડા ડોસાની. એકલપણું મટાડવાની દવેજીએ કોશિશ તો ઘણી-બધી કરી જોઈ, પણ ફાયદો ન થયો. “આજુબાજુ કોણ રહે છે?” પૂછ્યું તો પહેલે દિવસે જ ભાઈએ કહ્યું, “આ ગામડું નથી હોં બાપુજી. સહેજ સંભાળીને રહેજો. બાજુના ફ્લેટમાં કોણ રહે છે, અમને ખબર નથી. કોણ જાણે કેવા માણસો હોય. આ તો મુંબઈ છે. અહીં બધી જાતના લોકો વસે છે. હા, દરવાજો ખોલીને બહાર જતા નહીં. ક્યાંક દરવાજો બંધ થઈ જશે, તો શું કરશો? અમારા આવ્યા સુધી તમારે બહાર બેસી રહેવું પડશે. હા, માટે સંભાળીને…” રામ, રામ! આ તે કેવું શહેર છે! અહીં કોઈને કોઈની ઉપર ભરોસો જ નથી. પહેલે દિવસે દવેજીએ કામવાળીને કહેતાં સાંભળી હતી, “ના રે ના. હું કંઈ તમારા સસરા એકલા હોય, ત્યારે નહીં આવું. અમનેય અમારી આબરૂ વહાલી છે હોં.” દવેજી ડઘાઈ ગયા હતા. આ બાઈ તેમને આટલો નીચ માણસ સમજે છે? હવે જ્યારે બાઈ આવે છે, દવેજી ભૂલથી પણ ઓરડામાં નથી આવતા. બહાર ગૅલેરીમાં બેસી રહે છે. જ્યારે બાઈ કામ કરીને જાય છે, ત્યારે દવેજી અંદર આવીને બારણું બંધ કરે છે. એક દિવસે ટપાલીએ ઘંટડી વગાડી. દવેજીએ ટપાલીનો યુનિફોર્મ જોયો અને ખુશ થઈ ગયા. જાણે વર્ષોથી વિખૂટો પડેલો કો’ક સાથી મળી ગયો. ખૂબ પ્રેમથી એમણે ટપાલી જોડે બોલવાનો પ્રયત્ન કર્યો, પણ એણે કંઈ દાદ ન દીધી. ટપાલ નાખીને એ વહેતો થયો. દવેજી ફિક્કું હસીને રહી ગયા. ત્યાર પછી તેમણે ટપાલી જોડે બોલવાની હિંમત ન કરી. પણ હાલમાં જમતી વખતે દવેજીને એક સાથી મળી ગયો છે. એક કાગડો. દવેજી બે કોળિયા ખાય છે, પછી એકાદ ટુકડો રોટલીનો ગૅલેરીની પાળ ઉપર મૂકે છે. કાગડો કા-કા કરીને, રોટલીનો ટુકડો ચાંચમાં ઝાલીને પાસેના લીમડા પર બેસીને ખાય છે. દવેજી કહે છે, “કાં કાળુભા, આ તમારું શહેર તો ભાઈ ગજબ છે હોં,” અને પછી પોતે હસી પડે છે. પણ દરરોજ બપોરે દવેજી રાહ જુએ છે, સાથી કાળુભાની. એક દિવસે જોયું, કાળુભા તણખલાં, ડાળખાં વીણી રહ્યો છે. દવેજી સમજી ગયા. લીમડા ઉપર માળો તૈયાર થઈ રહ્યો છે. હવે ઈંડાં મુકાશે, પછી કાળુભા અને કાળુવહુ ઈંડાં સેવશે. પછી નાના-નાના કાગડાઓ દેખાશે. ભૂખ્યા, કા-કા કરતા. દવેજી ખુશ થઈ ગયા. હવે રોજ બપોરે એકની જગ્યાએ રોટલીના ત્રણ-ચાર ટુકડાઓ ગૅલેરીની પાળ ઉપર મુકાવા લાગ્યા. રવિવારની બપોરે દવેજી બેઠાં-બેઠાં કાળુભાની ગતિવિધિ જોતા હતા, ત્યાં ભાઈ બહાર આવ્યો. કાગડાની કા-કાથી કંટાળીને એણે હાથ હલાવી, કાગડાને ઉડાડી દીધો. પછી અંદર જઈ, લાકડી લાવી દવેજીને આપી, કહ્યું, “આ કાગડાને હળી જવા દેતા નહીં હોં બાપુજી, નહિતર આ ગૅલેરીને ઉકરડો બનાવી દેશે. આ માળા કાગડાઓને તો બેસવા જ ન દેતા. કેટલો કચરો કર્યો છે, જુઓ.” ભાઈ દવેજી સામે ઘૂરક્યો. જાણે કાગડો આવે છે, તેમાં વાંક દવેજીનો જ છે. દવેજી કંઈ ન બોલ્યા. સમય વીત્યો. કાળુભાને ત્યાં છોકરાં થયાં, આ સમય દવેજી માટે વ્યસ્તતાનો હતો. કાળુભાને ખાવા માટે શું મળ્યું. નાના કાગડાઓ ઊડવા માંડ્યા કે નહીં, બધી વાતો દવેજી નોંધતા. કાળુ છોકરાંઓની ચાંચમાં નાખવા કશું અભક્ષ્ય લાવતો, પાળ પર મૂકી, એનાં મચકાં તોડતો, ત્યારે દવેજીને ઊબકા આવતાં. પણ ભૂખી ચાંચો જોઈ એમનું હ્રદય દ્રવી ઊઠતું. પછી દવેજી ધ્યાનથી જોતા કે કયા કાગડાની ચાંચમાં પહેલો ગ્રાસ નખાયો, કાળુવહુ કયા કાગડાનું ધ્યાન વધારે રાખે છે. પ્રકૃતિનો આ ખેલ પણ પૂરો થયો, નાના કાગડાઓ મોટા થયા, ઊડતાં શીખ્યા અને એક દિવસે ઊડી પણ ગયા. કાળુ પણ ઊડી ગયો, કાળુવહુયે ગેબ થઈ ગઈ. દવેજી પાછા પોતાના એકલવાયા બાંકડા પર બેઠા, નીચે રસ્તાની હાલચાલ જુએ છે, ગીતા વાંચે છે, માથા ઉપર હાથ દઈને બેસી રહે છે. ત્યાં, એક દિવસ તેમના નામે નંદુનો કાગળ આવે છે… ટપાલીએ બારણું ઠોક્યું. દેવજીએ ‘ચોરઆંખ’માંથી જોયું. કોણ છે? ભાઈએ શિખવાડ્યું છે. પહેલાં જોઈ લેવું, પછી જ બારણું ખોલવું. “નહીં તો કો’ક દિવસ ફસાઈ જશો, સમજ્યાને?” દેવજીએ ટપાલીનો વેશ જોઈ બારણું ખોલ્યું. “ભાઈશ્રી હરિશંકર દવે?” “હા ભાઈ હું જ. મારું જ નામ હરિશંકર દવે.” “એ જય-જય દવેજી.” દવેજીએ માથું ઊંચક્યું ને જોઈ જ રહ્યા. અરે! આ તો કો’ક આપણી તરફનું જ લાગે છે. “જય-જય ભાઈ.” દવેજી બોલ્યા. “લેજો સાહેબ, આપને માટે પોસ્ટકાર્ડ છે.” પછી ફેરવીને વાંચ્યું, “કો’ક નંદુનો કાગળ છે.” “હેં?” દવેજીની અધીરતા વધી ગઈ. “નંદુનો છે? લે ત્યારે.” દવેજી હરખાઈ ગયા. “તમારો દીકરો છે, સાહેબ?” ટપાલીએ પૂછ્યું. “દીકરો? હા, દીકરો સમજી લ્યો ભાઈ, અમારા ગામનો ટપાલી છે.” “એમ?” ટપાલીને આ વ્યાવસાયિક ભાઈ વિષે કુતૂહલ થયું. એ જરીક રોકાઈ ગયો. “હા, હોં.” દવેજી ઉત્સાહમાં આવી ગયા. “હું હતોને ત્યાં પોસ્ટમાસ્તર.” “અરે! આશીર્વાદ આપો સાહેબ.” ટપાલીએ માથું નમાવ્યું. દવેજી ગદ̖ગદ થઈ ગયા. “અરે ભાઈ, જીવતો રહે…” પછી બે-ત્રણ મિનિટ સુધી ટપાલી માનસિંહ અને દવેજીની ત્યાં દરવાજા પર વાતો થઈ. દવેજીની ઇચ્છા હતી કે માનસિંહને અંદર બોલાવીને બેસાડવો, પાણી પૂછવું, બે-ચાર વાતો હજુ કરવી. પણ સંકોચવશ તેઓ વધારે બોલી ન શક્યા. ભાઈની પણ તાકીદ હતીને કે અજાણ્યા માણસને કદીય ઘરમાં લેવા નહીં, એટલે જ્યારે માનસિંહ જવા લાગ્યો ત્યારે દરવાજો બંધ કરી તેઓ ગૅલેરીમાં આવ્યા, ને જ્યારે નીચેથી માનસિંહે ઉપર જોયું તો દવેજીએ હાથ હલાવીને એને વિદાય આપી. દવેજી કેટલીકવાર ત્યાં ઊભા રહ્યા, પછી નંદુના પોસ્ટકાર્ડ ભણી નજર ફેરવી, ચશ્માં પહેર્યા. બાંકડા પર બેઠા અને પોસ્ટકાર્ડ વાંચવા લાગ્યા. નંદુએ લખ્યું છે, “અમારા સાહેબને છોરુ નંદકુમાર ટપાલીના પ્રણામ પહોંચે. અમે બધા અહીં મજામાં છીએં. તમો પણ ત્યાં મજામાં હશો. બાકી લખવાનું કે સુલેમાનભાઈ અને ખુશાલભાઈ તમોને રોજ યાદ કરે છે. તમારા તરફથી ખુશાલીનો કાગળ નથી, ઘણું એકલું લાગે છે.” દવેજીના ગળામાં કશુંક ફસાઈ ગયું. એમને યાદ આવ્યું, જ્યારે નંદુ નાનો હતો, મા સાથે નરબદા પાસે આવતો. નાકમાંથી શેડા વહી જતા હોય, શરીર પર ફાટેલું ખમીસ લબડતું હોય, ગંદા હાથપગ પર માખી બણબણતી હોય. નંદુની મા ઉનાળામાં નરબદાને પાપડ, વડી અને મસાલો તૈયાર કરવામાં મદદ કરતી. નંદુડો બહાર બેસી રહેતો. એક દિવસે દવેજીએ હાથ પકડીને નંદુને નળ નીચે બેસાડ્યો. “નાહી લે ગધેડા. આ દેહ ભગવાનનું મંદિર છે. એને એટલું ગંદું ન રખાય.” પછી ભાઈનાં જૂનાં કપડાંમાંથી એક ખમીસ અને ચડ્ડી કાઢીને નરબદાને આપી. “પહેરાવો એને.” અને જ્યારે નાહીધોઈને નંદુડો એમની પાસે આવ્યો, ત્યારે દવેજીએ એને ભણાવવાનું શરૂ કર્યું. આજે એ જ નંદુ આટલો સરસ કાગળ લખે છે! દવેજીએ ધોતિયાના છેડાથી આંખો લૂછી. દવેજીએ નિર્ધાર કર્યો કે પોતે પણ નંદુને જરૂર કાગળ લખશે અને નંદુને જ નહીં, ત્યાં આગળ બધાને - ખુશાલભાઈને, સુલેમાનભાઈને, જીવી ડોશીને, બધાંને, પણ પત્ર લખવા કેવી રીતે? તેમની પાસે નથી પોસ્ટકાર્ડ કે નથી ટિકિટ. તેઓ ભાઈને કહેત, તો ભાઈ જરૂર બધો સમાન લાવી આપત. પણ દવેજીની જીભ ન ઊપડી. સંકોચના માર્યા તેઓ ચૂપ રહ્યા. ભાઈ પાસે મોઢું ખોલીને કંઈ માગવું એમનાથી ન થતું. પણ માગવાની જરૂર શી? તેમનું પેન્શન આવે છેને દર મહિને. હવે જ્યારે માનસિંહ આવશે, ત્યારે દવેજી તેની પાસે મગાવી લેશે. માનસિંહ તો આપણો માણસ છે. સાવ આપણો. હાશ! દવેજીના મનને શાંતિ મળી. અને જ્યારે બીજી વખતે માનસિંહ આવ્યો, ત્યારે અધિકારથી દવેજીએ તેને કહ્યું. ટપાલનો થેલો ત્યાં જ મૂકીને માનસિંહ નીચે દોડી ગયો, ને પોસ્ટકાર્ડ લાવી આપ્યાં. દવેજીએ એને બેસાડીને પાણી પાયું અને ઝટ-પટ નંદુને કાગળ લખી નાખ્યો. “પહોંચી જશે હોં સાહેબ. ચિંતા કરતા નહીં.” આશ્વાસન આપીને માનસિંહ ગયો. હવે દવેજીનું મન એટલું ઉદાસ નથી રહેતું. એમને માનસિંહની રાહ જોવી હોય છે. જ્યારે ભાઈની ટપાલ નથી હોતી અને માનસિંહ બિલ્ડિંગમાં કોઈને ત્યાં કાગળ નાખવા આવે છે, ત્યારે દવેજીને મળ્યા વગર નથી જતો. એને પણ પેટછૂટી વાત કરવા એક માણસ મળી ગયું છે. “હું તો સાહેબ, નાનપણમાં શહેર નાસી આવેલો. મારે ડ્રાયવર થાવું’તું. પહેલાં મોટર લૂછવાનું, ટેક્સી સાફ કરવાનું કામ કર્યું. જરૂર પૂરતા પૈસા મળી રહેતા. પછી મેં નાઈટસ્કૂલ શરૂ કરી. રહેવાનું રેલવેના પુલ નીચે,” માનસિંહ કહેતો, દવેજી સાંભળતા. “કેટલા ધંધા કર્યા છે સાહેબ. સારા-નરસા-બધા. પણ ભણતર ન મૂક્યું. જેમતેમ મેટ્રિક થયો. એક ભલા માણસે આ નોકરી ઉપર લગાડી દીધો. બોલી કરી હતી, કે પહેલા ત્રણ મહિનાનો પગાર એને આપવો. મેં કહ્યું કે લેને ભાઈ, ત્રણ મહિના શું કરવા, હું તને ચાર મહિનાનો પગાર આપીશ. પૈસા ખોબા ભરીને આપ્યા, પણ નોકરી લાગી ગઈને!” “ના સાહેબ. ઘર પાછળ રહી ગયું. અહીં આવ્યા પછી પાછો ફર્યોં જ નહીને. હવે તો બધુંય ભુલાઈ ગયું છે. એમ છેને સાહેબ, કે જે રોજ થોડું-થોડું ઝેર ખાયને, એનું લોહી ઝેર બની જાય છે. હવે ગામ ક્યાં અને ઘર કોનું.” માનસિંહ બોલે છે તે બોલતો જ જાય છે. દવેજી સાંભળે છે. માનસિંહ ચાલ્યો જાય છે, ત્યારે દવેજી એના જ વિચારો કર્યા કરે છે. અહા! દવેજીને માનસિંહ માટે કેટલી કરુણા ઊપજે છે! એક રાત્રે દવેજી બાંકડા પર પડખાં બદલી રહ્યા હતા. ગરમી સખત હતી. લીમડાનું એકેય પાંદડું નહોતું હાલતું. દવેજી બેઠા થઈ ગયા. ઊભા થઈને ગૅલેરીની પાળ પર હાથ ટેકવી આકાશ ભણી જોઈ રહ્યા. અષાઢ માસ શરૂ થઈ ગયો, છતાંય વરસાદનું નામ નથી. દિવસભરમાં ડામરનો રસ્તો તપી જાય છે અને રાતે એની ગરમી વાતાવરણને ભારે કરી મૂકે છે. હવા પણ જાણે વજનદાર થઈ જાય છે. દવેજી વિચાર કરે છે, ત્યાં ગામમાં અષાઢ આવે નહીં, કે રૂમઝૂમ વરસાદ વરસવા લાગે. દવેજી અંદરના ફળિયામાં સૂતા હોય, નરબદા આવીને ઉઠાડે. “ઊઠો, આ વરસાદમાં પલળી જશો.” દવેજી ત્યારે હસીને કહે, “એટલા માટે તો અહીં સૂતો છું. મજા આવે છે હોં. આવને, તુંય મારી પડખે સૂઈ જા.” અંધારામાં પણ સમજાતું કે નરબદાના મોઢા પર શરમના શેરડા પડ્યા છે. અને પછી, સંકોચાતી, શરમાતી નરબદા એમની સોડમાં સૂઈ જતી. અને પછી તો... નિઃશ્વાસ નાખીને દવેજીએ નીચે સૂમસામ રસ્તા ભણી જોયું. ક્યાંક દૂરથી ઢોલ-મંજીરાનો સ્વર હવા ઉપર સવાર થઈ એમને સંભળાયો. કો’ક ભજનમંડળી ક્યાંક ભગવાનને ભજી રહી છે. એટલામાં જાણે ટાઢી હવાનો વાયરો ફૂંકાય તેમ દુહાના શબ્દો એમના કાન ઉપર અથડાયા. અવાજ જાણે નજદીકથી આવતો હતો. ક્યાંક નીચેથી પણ... અહાહા! દવેજી બાંકડા ઉપર બેસી ગયા. દુહો સાંભળતા. એમની આંખો મીંચવા લાગી. સવારે ઊઠતાંવેંત દવેજીએ નીચે જોયું, કોઈ ન દેખાણું. રાતે દુહા કોણ લલકારતું હશે? દવેજીને લાગ્યું જાણે કોઈ ખાસ એમની જ માટે ગાઈ રહ્યું હતું. ભાઈને પૂછી જોઉં? પણ ના, રહેવા દે રે જીવ, ભાઈને એવી વાતો નથી ગમતી. પોતે નીચે ઊતરીને જોઈ આવે? પણ ના. દવેજી લિફ્ટથી બહુ બીએ છે. ક્યાંક વચમાં એ યંત્ર બંધ પડી જાય, તો?
વહુના અને ભાઈના ગયા પછી દવેજી નહાવા બેઠા. ત્યાં દરવાજાની ઘંટડી વાગી. જરીક ચિડાઈને ટુવાલ વીંટી દવેજી બહાર આવ્યા. ‘ચોર-આંખ’માંથી જોયું. ધોતિયું ને ખાખી ખમીસ પહેરીને કો’ક અજાણ્યું માણસ ઊભું છે. દવેજી જરીક ખંચકાયા. આ વખતે તો કોઈ નથી આવતું. કોણ હશે? ઘંટડી ફરી વાગી. દવેજીએ હળવેથી દરવાજો ખોલ્યો. બહાર એક સ્થૂળ માણસ ઊભું હતું. દવેજીને જોતાવેંત તેણે કહ્યું,
“હું નવો ચોકીદાર છું સાહેબ. લીફ્ટ પણ હવેથી હું જ ચલાવીશ. મારું નામ વજેસંગ વોચમેન.” હવે દવેજીએ પૂરું બારણું ખોલ્યું. “રાતે દુહા તમે ગાતા’તા?” માણસના મોઢા પર આશ્ચર્ય ફેલાયું. કુતૂહલપૂર્વક બોલ્યા, “હા સાહેબ, હું જ હતો. વાત એમ છે કે એકલા બેઠાં-બેઠાં…” “સરસ ગાઓ છો હોં ભાઈ.” દવેજીએ પ્રશંસા કરી. વજેસંગે હાથ જોડ્યા. “તમારા આશીર્વાદ છે સાહેબ.” “ભાઈ, જરા થોભજો. હું નાહી, કપડાં પહેરીને આ આવ્યો.” “આપ નિરાંતે સ્નાન કરી લ્યો સાહેબ. હું બીજા ફ્લેટોમાં મારો પરિચય આપી આવું.” અને આમ દવેજીને બીજો સાથી મળી ગયો. વજેસંગ સમજદાર માણસ છે. જ્યારે ભાઈ ને વહુમા કામે નીકળી જાય છે, ત્યારે વજેસંગ આવે છે. પણ ઘરમાં નથી પેસતો. બહારનું બારણું ઉઘાડીને, દવેજી ઉંબરાની આ કોર અને વજેસંગ બીજી કોર, વાતો કરતા ઊભા રહે છે. વજેસંગ પૂછે છે, “સાહેબ, નીચે ઉતરવાનું મન નથી થાતું?” “થાય છેને ભાઈ”, દવેજી હળવેથી કહે છે. “ઘણુંય મન થાય છે. પણ વાત એમ છેને કે મારી પાસે ચાવી નથી. અને પાછું, આટલી ગિરદીમાં નીકળતાં ડર લાગે છે. આ ઉંમરે ભાઈ, ક્યાંક અથડાઈ જવાય, ને પડી જાઉં, તો? અને પાછું ખોવાઈ જવાનીય બીક તો લાગેને…” વજેસંગ હસી પડે છે. “અરે ના રે સાહેબ. હું કંઈ તમને એકલા જવા દઉં ખરો? હુંયે રહીશને તમારો ભેગો. તમને કંઈ નહીં થાય, હોં”. વજેસંગ સધિયારો આપે છે. “બસ, તમે એટલું કરજો. નાના સાહેબને કહીને એક ચાવી બનાવરાવી લેજો. જ્યારે તમારું મન થશે, હું લઈ જઈશ તમને. રાતે ભજન સાંભળો છોને? અહીં પાસે એક મંદિર છે ત્યાં જઈ બેસશો તો આનંદ આવશે હોં સાહેબ.” દવેજીનું મન ચળે છે. મંદિર છે? અહીં? પાસે? વાહ! આ નરક જેવા શહેરમાં પણ ધરમ-કરમમાં લોકોનો વિશ્વાસ છે ખરો? જ્યારે વજેસંગ લિફ્ટની ઘંટડી સાંભળીને ચાલ્યો જાય છે, દવેજી મંદિરના વિચાર કરે છે, પોતાના ગામડાનું મંદિર… દવેજી જરૂર જશે મંદિર જોવા. પણ ચાવી? વાંધો નહીં. ભાઈને તેઓ કહેશે, “ભાઈ, હું વજેસંગ જોડે ભગવાનને ઘેર જઈશ.” ત્યારે ભાઈ થોડો જ ના પાડવાનો છે? પણ કેટલાય દિવસો વહી ગયા. દવેજીની જીભ ન ઊપડી. કોણ જાણે કેમ, પણ દવેજી પેટના દીકરા સામે બોલી નથી શકતા. એમને નંદુ પોતીકો લાગે છે, હમણાં આ વજેસંગ પણ એમને ‘ઘરનું માણસ’ લાગે છે. દવેજીનું મન ખાટું થઈ ગયું. પેટના દીકરા કરતાંય આ લોકો વધારે પોતાના થઈ ગયા? હા, તેમની વાત દવેજી સમજી શકે છે. પણ ભાઈ તેમની વાત નથી સમજી શકતો. સમજી નથી શકતો કે સમજવા નથી માગતો? રામ જાણે! દવેજી જેટલા ભાઈ સામે દબાઈ જાય છે, તેટલા તો નોકરી દરમિયાન સાહેબથીયે નો’તા દબાતા. પણ દવેજી જાણે છે કે ભાઈ એમની વાત નહીં સમજે. બાપ-દીકરો જાણે જુદી-જુદી ભાષાઓ બોલે છે. એક, વાતનો મર્મ નથી સમજી શકતો. બીજો, તે મર્મ સમજાવી નથી શકતો. કદાચ ભાઈ કો’ક વાર સમય કાઢીને દવેજી જોડે બે વાતો કરવા માગે છે, ત્યારે પહેલા વાક્ય પછી તેનો સ્વર મંદ પડી જાય છે. અને વાતને અધૂરી મૂકીને એ ઊભો થઈ જાય છે. દવેજી પણ એના ઊઠી ગયા પછી નિરાંતનો શ્વાસ લઈ શકે છે. પણ આમ કેમ ચાલે? કેમ ચાલશે? બન્ને બાપ-દિકરો એક ઘરમાં રહેશે અને હવે તો નાછૂટકે રહેવું જ પડશે, તો શું બન્ને વાતચીત કર્યા વગર રહી શકશે? અને વહુમા? પણ બાઈ માણસ સાથે શી વાત થાય? એટલી જને, કે “વધારે મૂકું?” “રાતે ઊંઘ આવી’તી”, “દૂધ લેશો?” દવેજી ત્યારે નીચું જોઈને અથવા વહુમાના માથાની ઉપર ક્યાંક નજર ટેકવીને બને તેટલું ઓછું બોલે છે. પણ બિચારી છોકરી સારી છે હોં. મલાજો રાખે છે, પણ… એની સાથે કંઈ મનની વાતું કરાતી હશે? દવેજીની હાલત કફોડી થઈ ગઈ. ચાવી મળે, ત્યારે વાત આગળ વધેને! નીચે ઊતરવાની તક સામે છે માટે જ દવેજી વધારે અકળાય છે. એમના પગ રસ્તા પર ચાલવા, મંદિર સુધી જવા વ્યાકુળ છે. છેવટે, એક રવિવારે બપોરે વજેસંગે આવીને ભાઈને સલામ કરીને પૂછ્યું, “સાહેબ! આજે પૂનમનો દિવસ છે. મોટા સાહેબને હું પાસેવાળું મંદિર દેખાડી લાવું. દર્શન થઈ જશે ભગવાનનાં. મારી ડ્યુટી હમણાં પૂરી થાય છે.” દવેજીને ભારે શરમ થઈ. નાનકડા બાળકને જાણે ફરવા લઈ જવા માટે પરવાનગી મગાઈ રહી છે. ભાઈ જવાબ આપે તેની પહેલાં ઝટ ગૅલેરીમાંથી ઊઠી આવીને, પરાણે હસીને દવેજી બોલ્યા, “વજેસંગ, ચાલો, અમે પણ જોઈએ, તમારા શહેરનું મંદિર કેવુંક છે, હેં.” પછી ભાઈ તરફ જોયા વગર, “હું જરીક જઈ આવું છું.” કહેતાંકને દવેજીએ ધોતિયું સરખું કર્યું, ખમીસ ચડાવ્યું, પગમાં ચંપલ સરકાવ્યાં અને વજેસંગ સાથે ઘરની બહાર નીકળી ગયા. જ્યારે દવેજી શહેરમાં આવીને પહેલવહેલા લિફટમાં ઉપર ચડ્યા હતા, ત્યારે શ્વાસ અધ્ધર રહી ગયેલો. હમણાં દવેજી એટલા તો ખુશ હતા કે પોતે લિફ્ટમાં છે, એનો વિચાર કરે, તે પહેલાં નીચે પહોંચીયે ગયા અને વજેસંગ તેમને ગેટ સુધી લઈ પણ આવ્યો. રસ્તા પર ઝાઝી ભીડ નહોતી. રજાને દિવસે ખરે બપોરે, ધોમ તડકામાં કોણ બહાર નીકળે? ધીરે ધીરે ચાલતાં, બંન્ને મંદિર સુધી પહોંચી ગયા. નાનકડું એવું મંદિર, ચારેબાજુએ મોટાં તોતિંગ બિલ્ડિંગો જાણે પહેરો દેતાં ઊભાં હતાં. એમના છાંયડામાં આવડું, અમથું મંદિર. દૂરથી દેખાય પણ નહીં. પણ અંદર ગયા બાદ ફૂલ અને અગરબત્તીની પરિચિત સુવાસે દવેજીને બાહુપાશમાં જકડી લીધા. જાણે નરબદાનો હળદર, મરચાંની ગંધભર્યોં પાલવ, સૂતા દવેજી પર હળવેકથી ફરી વળ્યો. દવેજીએ શ્રદ્ધાપૂ્ર્વક હાથ જોડ્યા, સાષ્ટાંગ દંડવત્ કર્યા. પછી વજેસંગ અને દવેજી બહાર ઝાડ નીચે મૂકેલા બાંકડા પર થોડી વાર બેઠા. પાછા ફરતાં વજેસંગે પૂછયું, “સાહેબ, ચા પીશો?” “ના હોં ભાઈ. મેં તો કદીયે નથી પીધી આ ચા.” “તો, પાન ખાશો?” દવેજી હસી પડ્યા. “પાન ખાધું હતું હોં ભાઈ, જ્યારે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી.” અને દવેજીને યાદ આવ્યું, હજુ એક વખત પાન ખાધું હતું. જ્યારે ભાઈ પેટમાં હતો, ત્યારે એક રાતે નરબદાએ ઇચ્છા કરી હતી, “અમને પાન લાવી આપોને. બહુ મન થાય છે પાન ખાવાનું.” ત્યારે દવેજી પાન લઈ આવ્યા હતા. એક પોતાને માટે, એક પત્ની માટે. અને પછી તો જે થયું હતું, એ યાદ કરતાં આજે પણ દવેજીનું શરીર રોમાંચિત થઈ ગયું. ચમકીને તેમણે જોયું, બન્ને, વજેસંગ અને પોતે પાનવાળાની દુકાન સામે ઊભા હતા. “લેજો સાહેબ, આજે અમારા તરફથી. મીઠા કલકત્તી છે હોં.” દવેજીએ પાન લીધું. મોઢામાં મૂક્યું. પાન ખૂબ સરસ હતું. વજેસંગે પણ પાન ખાધું. થોડી વાર પછી વજેસંગે બે આંગળીઓ હોઠોની બે બાજુએ મૂકીને એક લાંબી પિચકારી મારી. દવેજીને હસવું આવ્યું. તેમણે મોઢું ફેરવીને, પાનને દાંતો વચ્ચે દબાવીને એક નાનકડી, અધમૂઈ પીક થૂંકી અને હસી પડ્યા. “કેમ સાહેબ, હસ્યા?” “હા ભાઈ. આજે થૂંકી દીધું આ અવળચંડા શહેરના મોઢા પર. આ મુંબઈએ મને ખૂબ પજવ્યો છે હોં. આજે મેં પણ મુંબઈને સડેતોડ જવાબ આપી દીધો.” બન્ને મિત્રો, હસતાં, ડોલતાં પાછા ફર્યા. રાતે વહુમાએ ગૅલેરીમાં આવીને પૂછ્યું, “કેવુંક લાગ્યું હેં બાપુજી, અમારા મુંબઈનું મંદિર?” આવડું મોટું વાક્ય આજે વહુમાએ પહેલી વાર ઉચ્ચાર્યું હતું. દવેજી જરીક છોભીલા પડી ગયા. પછી હસીને કહે, “અમારે ત્યાં રામજીનું મંદિર તો છે બેટા. પણ અહીં સાંભળ્યું કે આ શહેરમાં કાળા રામનું મંદિર છે, ને ધોળા રામનુંય મંદિર છે. લ્યો, આ લોકોએ તો રામનેય વહેંચી નાખ્યા, નોખા રંગમાં.” અરે! આજે વહુમા જોડે બોલતાં દવેજી જરાયે ખચકાણા નહીં. કેટલી સરળતાથી બોલી ગયા. દવેજી મનમાં ને મનમાં મલકાઈ ઊઠ્યા. આપણી દીકરી જ છે ને વહુમા. ભગવાન એની મનોકામના પૂરી કરે. બીજે દિવસે સાંજે ભાઈએ ઘેર આવીને દવેજીના હાથમાં એક ચાવી મૂકીને કહ્યું, “બાપુજી, તમે જયા કરજો હોં, જ્યારે તમારું મન થાય. ઘરમાં ને ઘરમાં ક્યાં સુધી ગોંધાઈ રહેશો?” દવેજીએ સહેજ ચમકીને દીકરા ભણી જોયું. સાંજના સોનેરી પ્રકાશમાં ભાઈના ચહેરા પર નરબદાની છબી દેખીને દવેજીની આંખ્યું દીપી ઊઠી. લે ત્યારે, બાપ-દીકરો એક ભાષા તો બોલી રહ્યા છે. બન્નેને સમજાય તેવી ભાષા…
(‘નવનીત સમર્પણ’ માર્ચ-૨૦૦૪)