‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/છંદશાસ્ત્રની અધૂરી ને કાચી સમજ : હર્ષદ ચંદારાણા

Revision as of 08:40, 5 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૯ ક
હર્ષદ ચંદારાણા

[સંદર્ભ : ઑક્ટો.-ડિસે., ૧૯૯૬, ‘નદીને મળ્યા પછી’ની સમીક્ષા, હર્ષદ ત્રિવેદી]

‘છંદશાસ્ત્રની અધૂરી અને કાચી સમજ’

‘પ્રત્યક્ષ’ અંક-૨૦માં ‘નદીને મળ્યા પછી’ની હર્ષદ ત્રિવેદીએ કરેલી આલોચના ‘– પછીયે કોરાધાકોર’ વાંચી. આમ તો ‘હસ્તી’ની મસ્તીમાં જતા હોઈએ ત્યારે પરવા કર્યા વગર બે કદમ વધુ આગળ વધીએ, એટલે કે બે કવિતા વધુ લખીએ. પરંતુ બીજા કોઈનું, બીજું કોઈ પુસ્તક પણ આવી ધોકાવાળીનો ભોગ ન બને તેવી લાગણીથી પ્રેરાઈને આ પત્ર..... આખો સંગ્રહ ફંફોસ્યા પછી, વિવેચકશ્રીએ તેમના મતે છંદદોષવાળી શોધી કાઢેલી પંક્તિઓમાં એક પણ છંદદોષ નથી કેમ કે – (૧) ગઝલના છંદશાસ્ત્ર અનુસાર પંક્તિમાં અંતિમ ગુરુ હોય અને તે પછી જો લઘુ અક્ષર પ્રયોજાય તો તે વજનરહિત છે. તેથી તેઓશ્રીએ ટાંકેલા બીજા અને ત્રીજા શે’રમાં, દર્શાવ્યો છે તેવો છંદ કે વજનદોષ નથી. (૨) હ્રસ્વ અને દીર્ઘને લઘુ કે ગુરુ ગણવાની છૂટ, સોએ નેવું ગઝલમાં લેવાય છે. અરે, ચુસ્ત વૃત્તછંદોમાં લખાતાં સૉનેટ્‌સમાં કેટલીય જગાઓએ આવી છૂટ લીધી હોય છે. આમ, માત્ર આવા દોષને, છંદદોષ ગણવાનો શો અર્થ? (૩) આ વિવેચકશ્રીની રચેલી, તાજેતરમાં ‘ગુજરાત’-દીપોત્સવી-૯૬માં પ્રગટ થયેલી રચનામાં, આવી હ્રસ્વ-દીર્ઘની છૂટ... તમામે તમામ શે’રમાં લીધેલી છે. તેઓશ્રી ‘લગાગા’ના આવર્તનમાં રદીફ તરીકે પ્રયોજેલો ‘અનુભવ’ શબ્દ જ આવી છૂટ લઈ પ્રયોજી શક્યા છે. અને નીચેની પંક્તિઓનો છંદ તો જુઓ :

લગાગા, લગાગા, લગાગા, લગાગા
તદ્દન છે અંગત અને આગવો છે
નથી કોઈ તેનો કે આનો અનુભવ

– આમાં ‘તદ્દન’ શબ્દ ‘લગાગા’ના એક આવર્તન માટે પ્રયોજાયો છે. જો ત – દ – ન – એમ ઉચ્ચારીએ તો આવર્તન લગા થાય અને છેલ્લો ‘ગા’ ઘટી પડે અને ‘તદ્દન’માં ‘દ’ બમણો લઈએ તો તેનો ધક્કો વાગતા ‘ત’ દીર્ઘ ગણાય એટલે કે ‘ગાગા’ બને અને આવર્તનમાં પ્રથમ સ્થાનનો ‘લ’ ઘટી પડે... આ તમામ આ વિવેચકશ્રીની છંદશાસ્ત્રની અધૂરી અને કાચી સમજ પ્રગટ નથી કરતું? વિશ્વપ્રસિદ્ધ ફોટોગ્રાફર અશ્વિન મહેતાના ફોટોગ્રાફ્સ ‘ગિફ્ટ ઑફ સોલિટ્યુડ’ને અનુલક્ષી લખાયેલા દોહરાઓ વિષે આ વિવેચકશ્રી લખે છે કે ‘કવિના આયાસ-ઉદ્યમની શગ ચડી છે. વળી, એ ફોટોગ્રાફ્સને અનાપ-શનાપ સંવેદનોમાં બાંધવા જતાં એકપાર્શ્વી બની રહેવાનો દોષ લાગ્યો છે. એ કવિતા માટે તો નહીં જ પરંતુ ફોટોગ્રાફ્સ માટે ય ઉપકારક નથી નીવડતું.’ વળી આગળ શબ્દ વાપર્યો છે – ‘પ્રતિજ્ઞાપૂર્વક’ લખાયેલા. આ લખતાં પહેલાં વિવેચકશ્રીએ આ ફોટોગ્રાફ્સ જોયા છે? સામે દોહરા મૂકી સરખાવ્યા છે? જો આમ ન કર્યું હોય તો ઉપરોક્ત તમામ દોષ : “આયાસ-ઉદ્યમ, અનાપ-શનાપ એકપાર્શ્વી બની રહેવાનો દોષ, પ્રતિજ્ઞાપૂર્વક લખાયેલા...” તેમના આ લેખને જ નથી લાગુ પડતા? આ દોહરાઓ વિષે વિશ્વપ્રસિદ્ધ ફોટોગ્રાફર અને સાહિત્ય-મર્મજ્ઞ શ્રી અશ્વિન મહેતા શું માને છે તે તેમણે લખેલા મારા પરના પત્રમાંથી જોઈએ.... “તમે તો ભાઈ, કમાલ કરી છે! રોમેરોમ આનંદ થઈ ગયો! તમારું કવિકર્મ મારી ફોટોકળા જેટલું જ મૌલિક અને બળૂકું લાગ્યું. યુરોપની કોઈ ભાષામાં આવું સહસર્જન કે અનુસર્જન થયું હોત તો ‘ગિફ્ટ ઑફ સોલિટ્યુટ’ની તે ભાષાની આવૃત્તિ સ્હેજે છપાત.” આ લેખમાં વિવેચકશ્રી લખે છે કે “અઢાવામાં ઘણી ઘલાત રહે છે” – તેનો અર્થ શું? આગળ લખે છે “.... એવો વહેમ જાય છે”, વધુમાં કોઈ ઉદાહરણ ટાંક્યા વગર લખે છે કે “....ની રચનાઓના પડછાયા તરવરી રહ્યા છે જેનાં પ્રગટ દૃષ્ટાંતો મૂકવાની જરૂર જણાતી નથી.” આવો આક્ષેપ કરતાં પહેલાં, જો વિવેચકશ્રી પ્રમાણિક હોય તો જેતે કવિની પંક્તિઓ ટાંકીને તેનો પડછાયો અહીં કઈ રીતે, કઈ પંક્તિમાં પડ્યો તે ટાંકી પછી જ આગળ વધવું જોઈએ નહીં? તર્કદોષની વાત પણ વગર ઉદાહરણે જ કરી દીધી છે. અને આ વિવેચનલેખમાંથી ઉપર ટાંકેલા શબ્દો ફરી વાંચો તો એક એવો પણ પ્રશ્ન થાય છે કે આવી વિવેચનની ભાષા હોઈ શકે ખરી? અંતે.... બધું જ ઉત્તમ સર્જ્યાનો દાવો નથી. કેટલુંક નબળું હશે. પણ આવી ધોકાવાળી ને આવી હરકતોનો અન્ય કોઈ પુસ્તક પણ ભોગ ન બને તેમ જ ‘પ્રત્યક્ષ’ જેવું પ્રતિષ્ઠિત સામયિક પણ આવા એકાંગી વિવેચન-લેખ છાપતાં પહેલાં બરાબર જુએ-તપાસે; તેવું વિચારીને જ આ પત્ર પાઠવું છું.

અમરેલી, ૧-૨-૯૭
– હર્ષદ ચંદારાણા
[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૭, પૃ. ૪૬-૪૭]