બે હજાર ચોવીસ સમક્ષ/સ્હેજ પોતાની તરફ – હરજીવન દાફડા

Revision as of 02:49, 8 October 2025 by Meghdhanu (talk | contribs) (+१)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કવિતા

‘સહેજ પોતાની તરફ’ : હરજીવન દાફડા

જયંત ડાંગોદરા

પ્રગટને પ્રાધાન્ય આપતી ગઝલો

વર્ષ ૨૦૦૪માં સત્ત્વશીલ ગઝલોથી સભર ‘એકરૂપ’ નામે ગઝલસંગ્રહ આપનાર કવિ હરજીવન દાફડા છેક વીસ વર્ષ પછી ૨૦૨૪માં ‘સહેજ પોતાની તરફ’ નામે બીજો સંગ્રહ આપે છે. વચ્ચેના સમયમાં રચાયેલી પ્રતિબદ્ધ રચનાઓને એ ૨૦૧૫માં ‘આ બાજુના સૂરજ આડે’માં સમાવી લે છે. વાસ્તવની આંગળી ઝાલીને માનવીય સંવેદનોને આલેખનાર આ કવિમાં અધ્યાત્મની સહજધારાનું દર્શન પામી શકાય છે. આ સહજપ્રાપ્ત કવિકર્મને આગળ ધપાવતાં તેઓ પ્રસ્તુત સંગ્રહમાં કુલ ૮૩ ગઝલો આપે છે. બે દાયકાના અંતરાલ પછી મળેલી આ રચનાઓમાં પ્રાપ્ત ગઝલિયતને પ્રમાણવાનો એક નાનકડો પ્રયત્ન કરીએ. જીવન પ્રેમની સહસ્રદલ પાંખડીઓવાળું કમળ છે. એ પાંખડીઓ સૂર્યના સ્પર્શે ખૂલે છે, ખીલે છે અને મૂરઝાઇ પણ છે. સંવેદનાની સૃષ્ટિમાં ઊછરતો કવિ આ ચક્રિયતંત્રને કારણે ચેતોવિસ્તાર સાધે છે. જડ અને ચેતન પ્રત્યેની તેની અવધારણા જે સમત્વ પ્રાપ્ત કરે છે એને વ્યક્ત કરવાની કવિની રીત જરા અનોખી હોય છે. નિવેદનમાં માત્ર એટલું જ કહેતા કવિની આ અભીપ્સા મનોહર છે :

વિશ્વને પ્રેમનું પટોળું કર,
ને એની રમ્ય કર કિનાર મને. (પૃ. ૬)

જીવું છું હું જે હાથની છાપ જોઈ,
ફકત એટલી ભીંત પાડો ન કોઈ. (પૃ. ૬૪)

પ્રેમની આવી નાજુક નમણી ભાત સામે મુખર અને મુગ્ધ પ્રેમનાં ઉદાહરણો પણ આ સંગ્રહમાં ઘણાં મળી આવે છે. કવિ ઉપર જ્યાં કાયિકભાવ હાવી થતો જણાય છે ત્યાં આવા શેર પણ મળી આવે છે :

અંગડાઈ મૂર્તિની પડખે ન લે,
ધ્યાન ક્યાં દેવું ભુલાઈ જાય છે. (પૃ. ૦૮)

સો સૂરજનું અજવાળું પણ ઓછું લાગે,
એવી ઝળહળ આભા એની લટમાં દરસે. ( ૧૪)

તો આ જ પે્રમનું સુકાન જ્યારે પ્રભુ તરફ વળે છે ત્યારે વળી ઓર નોખું પરિણામ પ્રાપ્ત થાય છે. ભૌતિક જગતમાં એકમાત્ર પરમના પમરાટની જ ચાહના રહે છે ત્યારે બાકીનું સઘળું ફિક્કું જણાવા લાગે છે.

શિખર પરની ધજા સામે શું કામે હાથ ફેલાવું?
સ્મરણ-ગજવે તને ઘાલી મને શ્રીમંત રાખું છું. ( ૩૧)

જીવનના આ નાજુક ભાવથી સામેના છેડે પીડા, કલહ, અભાવ, ખોખલાપણું, ઢોંગ, સામાજિક ભેદભાવ અને ધાર્મિક ધૂર્તતાની પણ એક અનોખી દુનિયા છે. કવિનો કૅમેરા આ બધાં દૃશ્યોને બહુ ઝીણવટપૂર્વક શબ્દોમાં કંડારે છે. એક વાત અહીં નોંધવા જેવી છે કે કવિની કલમ જ્યારે આ વિષયમાં પ્રવૃત્ત થાય છે ત્યારે અભિવ્યક્તિમાં ધાર અને તાજગીનો અનુભવ કરાવે છે.

વિશ્વમાં પણ એક નાનું વિશ્વ છે,
જે બધાએ ઊંચકેલું હોય છે. (પૃ. ૧૦)

ખોબામાં લઈને, દેવળ-દેરાં ફર્યા કરું,
અસ્તિનું ખોરું શ્રીફળ કયા દેવને ધરું? (પૃ. ૨૧)

કવિને પોતાની વાતને મૂકવા માટે સ્વાભાવિક છે કે સમાજ પાસેથી જે ભાષા મળી છે એનો જ ઉપયોગ કરવો પડે છે. એ ભાષાની લઢણને જ્યારે વળ ચડાવીને મૂકવામાં આવે ત્યારે એની તિર્યક્‌તાનો એક અનોખો અનુભવ ભાવકને થાય છે. માર્મિકતાસભર કટાક્ષ દ્વારા કવિ સોંસરવો ઘા કરે છે ત્યારે સાવ સીધીસાદી લાગતી ભાષામાં તાપની અનુભૂતિ વર્તાય છે. એ સંદર્ભે આ શેઅર જોવા જેવા છે :

ફોટામાં એક માણસ આવ્યો,
એની કોઈ જાત ન આવી. (પૃ. ૦૩)

જળ તને પીવડાવશે, જાળવ,
હાલ વ્યસ્ત એ પૂજનમાં છે. (પૃ. ૨૩)

અહીં ભાષાની વેધકતા સાથે થયેલું સરળતાનું સમાયોજન ગઝલની અભિવ્યક્તિનું ધારેલું નિશાન તાકી બતાવે છે. તો પોતાના પ્રદેશની ભાષાને ઉપમા, રૂપક, દૃષ્ટાંત, સજીવારોપણ જેવા અર્થાલંકારોમાં મલાવીને રજૂ કરવામાં આવે છે ત્યારે શેરનાં આગવાં સૌંદર્ય સાથે મલકની મીઠાશ પણ ભળે છે. પ્રતીક અને કલ્પનની અલ્પતા વચ્ચે પણ થોડાંક દૃષ્ટાંતો રસસભર બની રહે એવાં છે.

ધડ ઉપર મસ્તક મૂકેલું હોય છે,
એમ અજવાળું ઊગેલું હોય છે. (પૃ. ૧૦)

રાતભર રહેવા મળેલી છાવણી છે,
આપણે માની લીધું કે આપણી છે. (પૃ. ૪૧)

તો પ્રાસની ઝડઝમક પણ શેઅરને કેવું લાલિત્ય બક્ષે છે! ઉપરાંત એમાં વપરાયેલા દેશ્ય શબ્દો પણ પોતાનો પ્રભાવ પાથરી અર્થવિસ્તારનું આગવું પ્રતિમાન રચે છે. અહીં વપરાયેલા ‘પથાર’, ‘વેરવી’, ‘ઓસાણ’, ‘ઓણ’, ‘ધૂ-જાળાં’, ‘ખાપ’, ‘પાલી’, ‘જાર’, ‘પૂગવું’ વગેરે શબ્દોની યાદી પરથી ખ્યાલ આવશે કે તળની ભાષાને કવિએ કેવી સહજતાથી ખપમાં લીધી છે.

બળ્યા ને ઝળ્યા ને રળ્યા આખી મોસમ,
અને ભાગમાં જાર પાલી ન આવી. (પૃ. ૫૨)

ભાષાની આવી યુક્તિ-પ્રયુક્તિઓ યોજીને કહેવાતા શેઅર સાથે થોડા એવા શેઅર પણ અહીં ટાંકવાનું મન થાય છે કે જેમાં નરી ઝાકળ જેવી નજાકત ઊતરી આવી છે. એ શેઅરમાં જે કલાત્મ આયામ પ્રગટે છે તે ચીંધ્યા વગર તો વાત અધૂરી જ રહેવાની!

ઊભરે છે જેમ તારું ભોળપણ,
એમ પારેવું ભુલાઈ જાય છે. (પૃ. ૦૮)

આંખ મીંચું કે તરત દેખાય છે,
એમ અંધારું પડેલું હોય છે. (પૃ. ૧૦)

આંખ સામે અખંડ છે તરણું,
હાથ હોવાની ખોટ લઈ ફરીએ. (પૃ. ૬૮)

કવિએ અહીં શબ્દની શક્તિનો ખરો કસ કાઢ્યો છે. ખૂબ ઝીણી ભાત ઉપસાવીને ગઝલના સૌંદર્યને નિખારતી આ રજૂઆત કાબિલેદાદ છે. પરંતુ આ જ કવિ ઘણી ગઝલોમાં જાડી ભાત ગૂંથે છે ત્યારે જરા વસમું લાગે છે. કવિ સીધી સપાટ બયાની કરે એ હરગિઝ ગળે ઊતરતી વાત નથી, પણ ભરતીનાં ડહોળાં પાણીનો પ્રભાવ તો જુઓ! આ કવિ પણ અછૂતો રહેતો નથી.

તું જ રહે અંદર-બહાર ગમતી,
કોઈ આવી ન જાય ચાહતમાં. (પૃ. ૨૪)

હાલ નથી, આ ચાલ નથી,
પગ વચ્ચે કોઇ તાલ નથી. (પૃ. ૩૪)

ક્યાંકક્યાંક તો મત્લાના બે મિસરા વચ્ચે પણ સંકલનનો અભાવ જણાઈ આવે છે. બંને મિસરા જાણે સ્વતંત્ર હોય એવી અતંત્રતા અને પૂર્વાપર સંબંધનો અભાવ હોય એવું પણ જોવા મળે છે. ભાવ-વિચારનું સાયુજ્ય જળવાતું ન હોય અને એ માત્ર કાફિયાની રમત બની રહેતાં હોય એવાં ઉદાહરણો પણ અહીં છે.

તું કહે તે મારી સમજણમાં ન આવે,
કોઈ આંગણ મારા આંગણમાં ન આવે. ( ૦૪)

આવડે એવા અટકચાળા કરું,
પંખીઓના પાંચ-દસ માળા કરું. (પૃ. ૧૩)

હથેળી ઉપર કોઈ તાલી ન આવી,
સમી સાંજ આવી ને લાલી ન આવી. (પૃ. ૫૨)

તો એકાદ શેરમાં છંદભંગ પણ ધ્યાને ચડે છે :

બહુ દૂર જેમ એ બહુ મારી નિકટ રહ્યાં,
સામે હતાં છતાંય સમજવાં વિકટ રહ્યાં. (પૃ. ૧૬)

અલબત્ત આવા એકાદ દોષને બાદ કરતાં કવિએ રમલ, હઝજ, ખફિફ, મુતદારિક, વાફિર, મુઝારિઅ જેવી બહરનાં એકથી માંડીને પાંચ ગણ સુધીનાં સંયોજનો યોજી ગઝલને બહુ રૂડી ભાતે કહી છે. આ બધામાં એમને ગમતી બહર છે ખફીફ મુસદ્દસ મખબૂત અબતર. જેમાં કવિએ ૧૮ ગઝલ કહી છે. તો રમલ મુસદ્દસ મહઝૂફમાં ૧૦ કહી છે. આમ બહરની વિવિધતા ગઝલની રજૂઆતને એકધારાપણામાંથી ઉગારી લે છે. મૂળ તો જીવનની પીડાને અધ્યાત્મ અને ચિંતનની મસ્તીમાં નિરૂપવા ટેવાયેલા આ કવિ પ્રેમના હકીકી પાસા સાથે મિજાજીના પાસાને પણ સમાંતરે પ્રયોજે છે. પુનર્જન્મ અને મૃત્યુ જેવા ગંભીર ભાવને પણ એ કેટલી સહજતાથી આલેખી બતાવે છે! પૃ. ૫૮ ઉપરની ‘મટી જાશું’ એ આખેઆખી ગઝલ મૃત્યુનું મહિમ્ન છે જાણે! એ ગઝલનો એક શેઅર જુઓ :

પાંગળું છે વજૂદ ઝાકળનું,
પાન હલશે અને પડી જાશું. (પૃ. ૫૮)

એક વિરાટ સત્યને ઝાકળ સાથે મૂકીને કવિએ કેવું ઊંચું નિશાન તાક્યું છે! આ તો આપણે તિર્યક્‌તાની શોધમાં જરા આગળ નીકળી ગયા, પણ કવિ તો જે કહેવું છે તે સીધું જ કહેવાના હિમાયતી છે. શૈલી, ભાષા, અભિવ્યક્તિ, અલંકાર કે તિર્યક્‌તાની સામે પ્રગટપણું કવિને વધારે ભાવે છે. એટલે તો કહે છે :

કલ્પનના કિલ્લાઓ પર જઈ શું કરવાનું?
નૂર અમુલખ આલમનું પરગટમાં દરસે. (પૃ. ૧૪)

અને આ કારણે તો કવિ એક શેઅરમાં ઉપરની આપણી મથામણ સામે જ પ્રશ્નાર્થ ખડો કરી દે છે :

પરખી શકાય ક્યાંથી સૌંદર્ય સાદગીનું,
વાંચી રહ્યા છે તેઓ ગઝલોને વ્યાકરણથી.( ૭૫)

કવિના આ ગૃહીતને નજર સામે રાખીને ભાવક ગઝલના સૌંદર્યનું પાન કરશે તો એમાં સહજતા અને સરળતાનો જ મહિમા થતો જોઈ શકાશે. ભલે રચનાપ્રપંચ અને અભિવ્યક્તિમાં ચીલો ચાતરવાપણું ન હોય, પણ એમની ગઝલની વાટ છે તો વિશ્વને પ્રેમનું પટોળું કરવાની, જે ભાવકને ભાવ-સિક્ત કરે છે.

[ઝૅડકૅડ પબ્લિકેશન, અમદાવાદ]