અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/કાઠિયાણીનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કાઠિયાણીનું ગીત

ન્હાનાલાલ દ. કવિ

         મ્હારા સાવજશૂરા નાથ હો! ત્હારે દેશ કશા પરદેશ!
કેસરઘોળી કંકાવટી, ને કુંકુમઘોળ્યો થાળ;
સૂરજ! તુજને પૂજશું મ્હારે સૂરજદેવળ પાળઃ

આભ ઢળ્યાં ધરતી ઉરે, ત્ય્હાં ગોરંભે કાંઈ ગીર;
કુંજે બોલે મોરલો, મ્હારે હૈયે નણદલવીરઃ

રાતે ઊઘડે પોયણાં, ને દિવસે કમળની વેલ;
ભાદર ભરજોબન ભરી, એવી મુજ હૈયાની હેલઃ

ઊંચો ગઢ અલબેલડો, પડખે ચારણના નેહ;
ઝીણી ઝબૂકે વીજળી, મ્હારે ઝીણા વરસે મેહઃ

સાતમે માળ અટારીએ કાંઈ આછા વાય સમીર;
જીમી મ્હારી હેલે ચ્હડી, મ્હારાં ઝૂલે આછાં મલીરઃ

આડાં ન આવે ઝાડવાં, એવા લાંબા લાંબા પંથ;
માણકીએ ચ્હડી આવશે મ્હારો સૂરજમુખો કંથઃ

નેણથી ભાલા છોડતો, કાંઈ આંકડિયાળા કેશ,
ધણ વાળીને વળશે મ્હારો કંથડ જોબનવેશઃ

આભ ઝીલીને રેવત ઊભો, ફરતો ગિરિનો સાથ;
વનમાં ગાજે કેસરી, કાંઈ ધીંગાણે મુજ નાથઃ

કસુંબલ-રાતી આંખડી, રોમેરોમ ઢીંગલનાં દૂધ;
બળબાહુમાં બરછી ઊછળે, ઢાલે ઢળકે જુદ્ધઃ

સાગર સમ સોરઠ તણી રે હિલોળા લેતી ભોમ;
ભરતીને પૂર પધારશે મ્હારો છેલડ જળને જોમઃ

ભાલે ટમકે ટીલડી, મ્હારે હાથે હેમત્રિશૂળ;
સિંદૂરે છાંટી ચૂંદડી, મ્હારાં સોહે સૂરજકુળઃ

આશભરી અલબેલડી રે હીંચે હિંડોળાખાટ;
પિયુના પંથ નિહાળતી કાંઈ વ્હાલમની જુએ વાટઃ

આઘા ગીરના ડુંગરા, એથી આઘેરો ગુજરાત;
રંગભીના! હવે આવજો, મ્હારી સૂની માઝમ રાતઃ

(ચિત્રદર્શનો)