આમંત્રિત/૧૮. સુજીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૮. સુજીત

આ દેશમાં વર્ષની અંતિમ રાત્રીની ઉજવણી માટે વસ્તી આખી આતુર થતી હોય છે, અને એ રાત પૂરી થવા આવે ત્યારે તો જાણે ઉન્માદમાં લોકો ભાન ભૂલતા હોય છે. પણ આ દેશ જ શા માટે? પશ્ચિમના બધા જ દેશોમાં આવું નથી થતું? દેશે દેશમાં નવા વર્ષની પહેલી મિનિટને આવકારવા કેવી કેવી આતિશબાજી થતી હોય છે. ટેલિવિઝનના સમાચારમાં જોવા મળતું હોય છે. મને તો યાદ નથી, મેં ક્યારે આવી ઉજવણી જોઈ હશે. આ વખતે દિવાનને ત્યાં એ તક મળી. મને લાગે છે કે શર્માજી પણ મુગ્ધ થઈ ગયા હતા. મારી જેમ જને ! પણ બહુ સારું રહ્યું એ બેની સાથે. બંને બહુ સારા છે, અને જાણકાર પણ છે. મને એમની સાથે વાતો કરવામાં રસ પડતો રહ્યો. ના કંટાળો આવ્યો, કે ના તો થાક લાગ્યો! એ પણ સારું થયું, કે હું બહાર રહેવાનો હતો એટલે સચિન પણ રિલૅક્સ થઈ શક્યો. એને મારે માટે થઈને દોડાદોડ ઘેર આવવું ના પડ્યું. જૅકિ સાથેનો એનો અંગત સમય ગઈ કાલે જ શરૂ થયો કહેવાય, એટલે આજે, નવા વર્ષની પહેલી સવારે, સાથે હતાં તેનો આનંદ બંને પામ્યાં હશે. ભાઈસાહેબને ઘેર આવતાં સવારના અગિયાર વાગી ગયા હતા. કહે કે, “જૅકિ ફ્રાન્સથી ત્યાંની બૅગૅટ-બ્રૅડ અને ફ્રેન્ચ ચીઝ ખાસ લાવી હતી, એટલે બ્રૅકફાસ્ટ અને કૉફી લીધા વગર એણે મને નીકળવા ના દીધો. બસ, હવે આજે બીજે ક્યાંય નથી જવાનું.” અરે, હું તો અમસ્તાં એની મજાક કરતો હતો. એ આટલો ખુશ રહેતો હોય તો મને મનમાં કેવી શાંતિ થાય છે. હું તો એમ જ ઈચ્છું છું કે એને વધારે ને વધારે ખુશી મળતી રહે. જૅકિને ત્યાંની પાર્ટી બહુ સરસ ગઈ, એમ લાગે છે. સચિને મને બધું કહયું - કોણ કોણ આવ્યું હતું, શું ખાધું, ફ્રેન્ચ શેમ્પેઇનથી મધરાતને આવકારી વગેરે. એણે દોલાનો ઉલ્લેખ પણ કર્યો. મને તો દેવકી કદિ યાદ આવી નથી, ને એની છોકરીઓનાં તો નામ પણ મને યાદ નહતાં. છેલ્લે કોણ જાણે ક્યારે જોઈ હશે બંનેને. સોના અને દોલા. એમણે અંજલિને બચાવી લીધી, એને જીવતદાન જ આપ્યું કહેવાય. શર્માજીની માનિની છે જને. એ સારા-નરસાનો ભેદ કેવો ભૂલી ગઈ લાગે છે, અને એ તો કુટુંબની સાથે છે. મારી અંજલિ તો ઘર અને કુટુંબ વગરની થઈ ગઈ હતી. એ તો કેવાયે ગેરરસ્તે જતી રહી હોત, જો એને આ બે કઝીન ના મળી ગઈ હોત. સોના તો હવે લંડનમાં રહે છે, પણ દોલાને અહીં જમવા બોલાવીશું. મારે એનો ઘણો આભાર પણ માનવો છે. દોલાએ કેતકીની વાત કરી હતી, એમ સચિન કહેતો હતો. કેતકી તો પહેલેથી જ ઘણે દૂર, છેક રૉચેસ્ટર જતી રહેલી, એની નોકરી પરથી ટ્રાન્સફર મળી ગઈ હતી. બધા સંબંધો અને સંદર્ભોથી સાવ અલગ એ થઈ શકી હતી. એ તો આટલાં વર્ષો શાંતિથી, ને સગવડમાં, જીવી શકી. હવે અહીં દેવકીની નજીક આવવાની છે? એટલેકે ન્યૂયોર્કથી નજીક. ક્યારેક મળી ના જાય ક્યાંક. હું તો જોકે કશે જતો જ નથી, પણ મનમાં હવે આશંકા રહેવાની, કે ક્યાંક ભેટો ના થઈ જાય. મારે મળવું જ નથી. હું કેતકીને મળવા કે જોવા માગતો જ નથી. હવે એવી ઈચ્છા તો નથી જ, પણ અનિચ્છા યે નથી રહી. આગલાં ઘણાં વર્ષો મનથી હું બહુ પીડાયો. ત્યારે એના પર બહુ ગુસ્સો ચડ્યો, તિરસ્કાર થયો; વેર લેવાની ને એને હેરાન કરવાની ઈચ્છા તો ક્યાંય સુધી થતી રહી. ધીરે ધીરે મનના હિંસક ભાવ કેવા ઘસાતા ગયા. ખાસ કરીને, હું ‘માનવીય કેન્દ્ર’માં હતો ત્યારે અન્યોની મદદ કરવામાં મને એવો સંતોષ મળવા માંડ્યો, કે અજાણતાં જ મનમાં આનંદનો પગપેસારો પણ થવા માંડ્યો. ત્યારે મને સમજાયું કે હસીને બોલનારા લોકો આસપાસ હોય તો મનને ખૂબ સુખ થતું હોય છે. સચિને મને કહ્યું, કે નવા વર્ષના પહેલા શનિવારે એણે જૅકિને જમવાનું કહ્યું છે. “પાપા, જૅકિ તમને પ્રણામ કરવા માગે છે.” ખરેખર?, મને મનમાં થયું. આ છોકરીમાં કેવા સહજ સંસ્કાર છે. એનામાં એટલી સમજણ છે કે ઘરના વડીલનું માન કઈ રીતે સાચવવું. અંજલિ પણ આવશે. એ તો હવે સમય મળે કે તરત અહીં જ આવી જાય છે. ભાઈ-બહેનને આટલાં નજીક તો મેં છેક એમનાં નાનપણમાં જોયેલાં. માલતીબહેન બહુ ઉત્સાહમાં આવી ગયેલાં. કહે, “જૅકિબહેન જમવા આવવાનાં છે? તો હું શનિવારે સવારે આવીને તાજું જમવાનું બનાવી આપીશ, અને હું પીરસીશ બધાંને.” એમને પણ જૅકિ બહુ ગમી ગઈ છે. પણ મને લાગ્યું, કે સચિન ઈચ્છતો નહતો કે માલતીબહેન આખો વખત હાજર હોય. એણે એમને કહ્યું, કે “તમે જરા વહેલાં આવીને રસોઈ કરી લેજો. પછી જૅકિ આવે ત્યારે એને મળીને પછી જતાં રહેજો. શનિવારે તમે ઘેર હો તો અંકલને ગમે ને?” સચિને એમને કેવી સરસ રીતે સમજાવી દીધાં, કે એ નાખુશ કે નિરાશ ના થાય. મને ખાતરી છે કે સચિનને એ વાતની તો ખબર જ નહતી, કે માલતીબહેન માટે જૅકિ યાદ રાખીને એક ગિફ્ટ લાવવાની છે. તે પણ ફ્રેન્ચ ગિફ્ટ! “કેમ છો, માલતીબહેન?”, કહીને જૅકિ પાસે ગઈ, નમસ્તે કર્યાં, અને એમને ફ્રેન્ચ પર્ફયુમની એક શીશી આપી. માલતીબહેનને માટે આ નવું વર્ષ આનંદમાં શરૂ થયું હતું. મેં જોયું હતું કે સચિનના મોઢા પર પણ, આશ્ચર્યની સાથે, અપાર આનંદનો જ ભાવ હતો. જૅકિએ મને પ્રણામ કર્યા, અને એક પૅકૅટ આપ્યું. “હવે મારે કશાની જરૂર નથી, બેટા”, મેં કહ્યું. “પાપા, જુઓ તો ખરા. તમને કામમાં આવે એવી જ ચીજ છે”, જૅકિ બોલી. “અરે વાહ, શું છે? શું છે?”, સચિનને આની યે ખબર નહતી! આ છોકરી ગજબ છે, સચિન પાસે પણ એ મોટાઈ કરવા નથી માગતી. મેં ખોલ્યું તો અંદર એક મફલર હતું - અલબત્ત, ફ્રાન્સમાં બનેલું. એકદમ નરમ ને સુંવાળું. “હા, બેટા, આ મને જરૂર કામમાં આવશે. હું બાગમાં જઈશ, કે દિવાનને મળીશ, ત્યારે આ વાપરીશ. થૅન્ક્સ, જૅકિ.” મેં જોયું, કે જૅકિના ડાબા હાથની ‘અનામિકા’ આંગળી પર એક વીંટી હતી. બહુ નાજુક, અને સાદી કહેવાય તેવી હતી એ વીંટી. એમાં પણ એને કોઈ ‘દેખાવ’ નહતો જોઈતો. અહીં પશ્ચિમમાં એક પ્રથા હતી - વીંટી આપીને ઍન્ગૅજમેન્ટને જાહેર કરવાની, ને તે એમણે સાચવી હતી. જોકે, બંને સાથે જઈને પ્રેમના આરંભની આ નિશાની લઈ આવ્યાં હતાં, તે જોઈને મને વધારે આનંદ થયો. સાથે જ મને એક વિચાર આવ્યો, ને મારાથી જૅકિને પૂછાઈ ગયું, “પોન્ડિચેરીમાં હતાં ત્યારે તમે બધાં શ્રીઑરૉબિન્દો આશ્રમમાં જતાં હતાં?” સચિનને આવું પૂછવાનું સૂઝ્યું જ નહતું, તે એના મોઢા પરથી જણાઈ આવતું હતું. જૅકિ સંકોચ પામી ગયેલી. પોતાને વિષે બડાશ મારવાની એને ટેવ જ ક્યાં હતી? મને જવાબની રાહ જોતો જોઈને એણે કહ્યું, “અમે નિયમિત રીતે આશ્રમમાં જતાં હતાં. માતાજીની સમાધિ પર દિવસે બે વાર ફૂલોની રંગોળી કરવામાં આવે છે. દર સવારે મારાં મમા ત્યાં રંગોળી કરતાં. વર્ષો સુધી એમણે એ સેવા કરી. હું રોજ એ જોવા જતી. બને ત્યારે ડૅડ પણ આવતા. પછી અમે સાથે મૅડિટેશન હૉલમાં જતાં, અને સ્થિર થઈને બેસતાં.” એના મોઢા પર શરમાળ સ્મિત હતું. મેં મૌનથી વિચાર્યું, હા, એને આશ્રમના સંસ્કાર મળેલા હતા - જાણે ગળથૂથીમાંથી. આવા આભિજાત્યની શીતળ છાયા મારા કુટુંબ પર પડી છે, અને રહેવાની છે. કેવો ઋણાનુબંધ છે આ. થોડી વારમાં અંજલિ પણ આવી ગઈ. એ ખૂબ ખુશ ખુશ લાગી. વળી, નાઇન્થ ઍવન્યૂ પરની ‘ઍક્રોપોલિસ’ ગ્રીક બેકરીમાંથી ખાસ એ ‘બાક્લાવા’નો બૉક્સ લેતી આવેલી. “અરે, બેટા, મને તારો ભાઈ ગળ્યું ખાવાની ના પાડે છે, તું જાણે તો છે.” “પાપા, તમારા સારા માટે રોકું છું તમને”, સચિને પોતાનો બચાવ કર્યો. “પાપા, તમે જરાક ચાખજો. હું તો ભાઈ અને જૅકિના ઍન્ગૅજમેન્ટ નિમિત્તે મીઠાઈ લાવવા માગતી હતી. મને થયું, ઇન્ડિયનને બદલે કંઇક જુદું લઈ જાઉં.” “તને પણ તારા ભાઈની જેમ બહુ સરસ આઇડિયા આવે છે, હોં અંજલિ”, જૅકિએ એક વાક્યથી બંનેનાં વખાણ કરી લીધાં. “ચાલો, જમવા બેસીએ હવે?”, મેં કહ્યું. પણ એ કોઈને ઉતાવળ નહતી. બહારથી બેલ વાગતાં બધાંને નવાઈ લાગી. એક અંજલિ જ તરત બારણું ખોલવા દોડી. એને જ ખબર હતી, કોણ આવવાનું હતું. બહાર ઊંચો, દેખાવડો અમેરિકન યુવક ઊભેલો દેખાતો હતો. “આવ, માર્શલ. પાર્કિન્ગ મળતાં વાર થઈ, નહીં?”, અંજલિ બોલી, અને એને અંદર દોરી લાવી. “આ મારો ભાઈ સચિન, તને કદાચ યાદ હશે. ને આ જૅકિ છે”, એણે ઓળખાણ કરાવવા માંડી. મારી પાસે આવીને કહ્યું, “પાપા, આ માર્શલ છે. મારો ઘણા વખતનો ફ્રેન્ડ. મારી સ્કૂલમાં જ હતો, અને આપણી નજીકમાં જ એનું ઘર હતું. તમે એનાં પૅરન્ટ્સને ઓળખતા હતા, અને માર્શલ પણ તમને યાદ જ હશે. અમે ઘણું મળતાં હતાં.” “મને યાદ નથી, હોં. તું કોને કોને મળતી હતી, તે હું ક્યાંથી જાણું, બેટા? તારી મૉમ જાણતી હશે, ને તારાં બધાં મિત્રોને ઓળખતી હશે.” હું કશી કડવાશ કે કટાક્ષથી બોલ્યો જ નહતો, પણ શું થયું હશે, તે અંજલિ એકદમ રડી પડી. એટલું જ નહીં, મારા પગ પકડીને નીચે બેસી ગઈ, અને ધ્રુસકાં લેવા લાગી. “અરે, બેટા, આ શું?”, મેં થોથવાઈને કહ્યું. આવું રડતાં મેં કોઈને જોયું નહતું. મને પોતાને પણ નહીં. “પાપા, મેં કેવું વર્તન કર્યું, ને તમારે કેવા હેરાન થવું પડ્યું. મારે જ લીધે. પાપા, હું માફી માગું તોયે શું? ગયેલો સમય કેવી રીતે સુધારું?” એ માથું પકડીને રડવા લાગી. સચિન પાસે આવવા ગયેલો, પણ તે પહેલાં માર્શલે આવીને એને ઊભી કરી, છાતીસરસી કરી, એના વાળમાં હાથ ફેરવ્યો, અને કહેવા લાગ્યો, “ઈટ ઈઝ ઑલ રાઇટ, માય સ્વીટ, ડોન્ટ ક્રાય.” “મેં તને પણ કેટલો હેરાન કર્યો હતો, માર્શલ. તારી પણ માફી માગું છું, માર્શલ.” જૅકિ આંખોથી સચિનને પૂછતી હતી. સચિન એને એના રૂમમાં લઈ ગયો - મને અંજલિની સાથે પ્રાઇવસી આપવા. જોકે માર્શલ હજી અહીં જ હતો. એ અંજલિને આધાર આપી રહ્યો હતો. અંજલિ હજી કહેતી હતી, “માર્શલ, તેં મને કેટલી બધી વાર સારી સલાહ આપ્યા કરી હતી. પાપા, એણે મને ભણવાનું નહીં છોડવાનું કેટલીયે વાર કહ્યું હશે. એને ધ્યાન પર લેવાને બદલે હું એને મનફાવે તેમ કહેતી હતી. મેં બહુ અપમાન કર્યાં તારાં, માર્શલ. તને કેટલું સૉરિ કહું? મેં તને તરછોડ્યો, તને ગુમાવી જ દીધો હોત તોયે હું તારો વાંક કદિ કાઢી ના શકી હોત. ને છતાં તું ફરીથી મારા સંપર્કમાં આવ્યો, ને અત્યારે મને મળવા છેક બૉસ્ટનથી અહીં આવ્યો. પાપા, તમે મળ્યા, ભાઈ મળ્યો, ને હવે માર્શલ. પણ હું તમને કોઈને લાયક નથી” બોલતાં બોલતાં એ રડ્યા કરતી હતી. હવે સચિન અંદરથી આવ્યો, ને અંજલિને ભેટીને કહ્યું, “બસ, સિસ, અમને બધાંને તું બહુ વહાલી છે, ખરુંને, માર્શલ? તું જાણે છે, કે આપણે બધાંએ ભૂતકાળને અને એની ક્રૂર યાદોને ભૂલી જવાની છે. આપણે બધાં હવે સાથે છીએ, કેટલા આનંદમાં છીએ, ખરું કે નહીં, પાપા?” સ્વસ્થ થઈને, વારાફરતી, બધાં ટેબલ બેસી ગયાં ત્યારે મેં જ પહેલાં ‘બાક્લાવા’નો બૉક્સ ખોલ્યો, ને એક ટુકડો હાથમાં લઈ અંજલિના મોઢામાં મૂક્યો. બીજો ટુકડો જૅકિની પાસે જઈને એના મોઢામાં મૂક્યો. મારી આ બંને દીકરીઓનાં જીવન પણ આવાં મીઠાં જ રહે, મેં મનોમન એમને આશીર્વાદ આપ્યા. પછી અંજલિએ એક મારા મોઢામાં મૂક્યો. “પાપા, આજે આપણે ભાઈથી નહીં ગભરાઈએ. બરાબર ને?” હવે અંજલિ એક ટુકડો માર્શલના મોંમાં મૂકતી હતી, અને જૅકિ સચિનના મોંમાં. કોઈના ભાવ મને દેખાયા નહીં. મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. ચારેયના ભાવ સ્નેહસભર હતા, તે હું અનુભવી શકતો હતો.