કથાલોક/અંધ, બધિર ને પીંગળકેશી મૃત્યુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



અંધ, બધિર ને પીંગળકેશી મૃત્યુ

જેમાં પ્રેમની ઝાઝી વાત ન હોય, પ્રેમત્રિકોણનો સમૂળો અભાવ હોય, સંવનન, મિલન, વિયોગ કે વિરહનો પણ પ્રસંગ ન હોય અને છતાં પાંચસો પાનાંની લાંબી નવલકથાનું વાચન દિલ અને દિમાગને જકડી રાખનારું બની શકે ખરું? તારાશંકર બંદોપાધ્યાયની નવલકથા ‘આરોગ્યનિકેતન’ વાંચ્યા પછી આ પ્રશ્નનો ઉત્તર હકારમાં આપવો પડે છે અને કહેવું પડે છે કે કથાકાર પાસે ઉપર વર્ણવ્યાં એવાં કોઈ કથાતત્ત્વો ન હોય તો પણ કશુંક જોરદાર જીવનતત્ત્વ નિરૂપવાનું હોય તો એની કથા પ્રાણવાન જ નહિ, કલાત્મક અને ચિત્તાકર્ષક પણ બની જ રહે. તારાશંકરની આ નવલકથા પ્રણય અને પરિણય કરતાંય વધારે વ્યાપક અને અસરકારક એવાં જીવન અને મૃત્યુની વાત કરે છે. પહેલી નજરે આયુર્વેદ અને ઍલોપથીની ચિકિત્સાપદ્ધતિઓના સંઘર્ષનું આલેખન કરતી જણાતી આ કથા વાસ્તવમાં જૂની અને નવી પેઢી વચ્ચેના, પૌર્વાત્ય અને પાશ્ચાત્ય વિચારબળો અને જીવનશૈલીઓ વચ્ચેના સંઘર્ષની કથા બની રહે છે. પેઢી દર પેઢી વૈદકનો વ્યવસાય જેમના કુટુંબમાં ઊતરી આવેલો એ જીવનમશાય આ કથાના કેન્દ્રસ્થાને હોવા છતાં આ વાર્તાના નાયકપદે આખું નવગ્રામ ગામ બેઠું છે. જીવનમશાયનાં બધાં જ દર્દીઓ આ કથામાં મુખ્ય પાત્રો જેવાં બની રહે છે. એમનાં સુખદુઃખને મિષે જીવનમશાયનાં સુખદુઃખની કથા કહેવામાં આવી છે. ગ્રામવાસીઓનાં જીવન અને મૃત્યુ સાથે મુખ્ય કથાનાયક જીવનમશાયનાં જીવન–મૃત્યુ અતૂટ વણાઈ ગયાં છે. જીવનમશાયના જીવનમાં પરિણીતા પત્ની આતરવહુ અને અપરિણીતા વાગ્દત્તા મંજરી પ્રવેશે છે. આ બેઉ નારીઓ ચિકિત્સક વૈદ્યના જીવનમાં મૃત્યુવેશે પ્રવેશે છે. આતરવહુ કહી ગઈ : વિધાતાએ તમને આંખમાં આંસુ આપીને આ પૃથ્વી ઉપર મોકલ્યા નથી... આ શબ્દો યાદ આવતાં જીવનમશાયનું હસવું સુકાઈ ગયું. એક ઊંડો નિસાસો નાખીને મશાય મનમાં ને મનમાં બોલ્યા : મોકલ્યો હતો, તું કલ્પી પણ ન શકે તેટલાં અનંત ને અજસ્ર, સાગર જેટલાં ખારાં આંસુ ભગવાને મારી આ બે આંખોને અંતરાળે અંતરમાં આપ્યાં હતાં. તને એની ખબર નથી. પણ ચિકિત્સાશાસ્ત્રનો જ્ઞાનયોગ અગત્સ્ય ઋષિ જેમ સાગરને અંજલિમાં પી ગયા હતા તે જ રીતે તેને પી ગયો છે. હવે એનું અંતર સાગરના શુષ્ક પેટાળ જેવું રેતાળ છે. અનેક પ્રવાળ–મણિ–માણેક ત્યાં કદાચ છે, પણ એ એમની આંખનાં આંસુથી એકદમ ખારાં બની ગયાં છે. તું ક્યારેય મને સમજી નથી, સમજવા મથી પણ નથી. તું અને મંજરી, તમે બેઉ મૃત્યુ છો. તમે અમૃત તો ક્યારેય માગ્યું નથી. માગ્યું હોત તો તમે નિકટ આવ્યાં હોત, મને સમજી શક્યાં હોત... પોતાનાં દરદીઓનાં જીવનમાં ‘અંધ, બધિર અને પીંગળકેશી મૃત્યુ’નાં નિવારણ કરવા મથનાર આ તબીબના પોતાના જીવનમાં મૃત્યુની જબરી ચોટ લાગી ચૂકી છે. પોતાને રોજબરોજ મૃત્યુનો અનુભવ થયા કરે છે એ આ કથાનાયકના જીવનની વસમી કરુણતા છે. પોતાનો ચિકિત્સાશાસ્ત્રનો જ્ઞાનયોગ પણ પોતાના પુત્ર વનવિહારીના મૃત્યુ સામે સફળ નથી થઈ શકતો એમાં એક ક્રૂર વિધિવક્રતા રહેલી છે, અને બીજી એવી જ વિધિવક્રતા છે, પોતાની એક વેળાની વાગ્દત્તા મંજરીના કરુણ વૈધવ્યની. મંજરીનો પતિ ભોપી બોઝ રોગિષ્ઠ હોવાથી અકાળે મરણ પામે છે. મંજરી ગાંડી થઈ જાય છે. આવરદાને આરે પહોંચતાં એ વૃદ્ધા આકસ્મિક જીવન મશાયને મળે છે અને પોતાની આવરદા લંબાવવાની વ્યર્થ વિનંતિ કરે છે એમાં વિષાદભર્યું કાવ્યતત્ત્વ રહેલું છે. કથાનાયકનું નામ જીવનમશાય પાડવામાં લેખકને કશો વ્યંગ અભિપ્રેત છે કે કેમ એ આપણે નથી જાણતા પણ ચિકિત્સાશાસ્ત્રના આ જ્ઞાનયોગીએ નાડીપરીક્ષા વડે દરદીના મૃત્યુની આગાહી કરવાની કલા કેળવી છે. આજાર માણસના આયુષ્યની અવધ એ ભાખી શકે છે અને સદ્ભાગ્યે કહો કે કમભાગ્યે, એમની ભાખેલી ભવિષ્યવાણી સાચી પડે છે. પોતાના સગા પુત્રનો મૃત્યુકાળ પણ એમણે જાહેર કરી જ દીધેલો. જીવનમશાયની જીભેથી ઘણીય નવપરિણીતાઓને એમનાં વૈધવ્યની વસમી ચેતવણી સાંભળવા મળતી. સ્વભાવે કરુણાસભર વૈદ્યની આ એક ક્રૂરતા પણ ગણાતી. અંધ, બધિર અને પીંગળકેશી મૃત્યુના ઓછાયા આ કથાના પટ પર ઠેરઠેર એવા તો પથરાયા છે કે આ રચનાને મૃત્યુની કથા કહેવાનું મન થાય. કથામાં જીવન અને મૃત્યુ તાણાવાણાની જેમ વણાઈ ગયાં હોવાની વાત હમણાં જ કહી. પણ કથાના વાચનને અંતે જીવન કરતાં મૃત્યુનું પ્રાબલ્ય વધારે જણાય એ બનવાજોગ છે. સંસારમાં જીવન એ વિકૃતિ છે, મૃત્યુ જ પ્રકૃતિ છે, એ કાલિદાસવચનની કથામાં વારેવારે પ્રતીતિ થાય છે, અને તેથી જ કથાનું નામ ‘આરોગ્યનિકેતન’ પણ એક સૂક્ષ્મ કટાક્ષ ગોપવતું જણાય છે. અંધ, બધિર અને પીંગળકેશી મૃત્યુને આ કથામાં નાયકપદે સ્થાપવામાં બહુ અનૌચિત્ય નથી જણાતું. અને એ દૃષ્ટિએ અવલોકતાં આ કથા કોઈ એક વ્યક્તિની મટીને સમૂહની બની રહે છે, જીવનમશાયની નહિ પણ માનવજાતની બની રહે છે; એકલા નવગ્રામ જનપદની નહિ, આખા ભારતવર્ષની, માનવસૃષ્ટિની એ કહાણી બની જાય છે. કથાનું આયોજન પણ એવું છે કે એમાં વ્યક્તિગત પાત્રનિરૂપણ કરતાં સમૂહનું ચિત્રણ જ વધારે ઉઠાવ પામી રહે છે. લેખકે કથાપ્રવાહમાં વારેવારે પીઠઝબકારની પદ્ધતિ યોજીને વીગતો ઉપર વીગતો ઠાંસવાનો જે પ્રયત્ન કર્યો છે. એથી કથાવેગ કોઈ કોઈ વાર મંદ પડતો હોવા છતાં કથાસૃષ્ટિની જે ધીંગી પશ્ચાદ્ભૂ રચાય છે એ ખરેખર રમણીય બની રહે છે. આમાંની છૂટક છૂટક વીગતો બહુ રસપ્રદ નથી લાગતી; કોઈ વાર તો એમાં ક્ષુલ્લકતા, એકવાક્યતા અને નીરસતા પણ જણાય છે. છતાં આ મામૂલી જણાતી ઝીણી ઝીણી વીગતોની સામટી અસર એક જુદો જ રસાનુભવ કરાવે છે અને આખીય કથાને એક ઊંચી સપાટી ઉપર પહોંચાડે છે. પાંચસો પાનાંની લાંબી કથા માટે લેખકે બહુ વિકટ કથાવસ્તુ પસંદ કર્યું છે. પણ ઉચ્ચ સર્જકતા વડે તેઓ એની માવજત કરી શક્યા છે અને એમાં એમને સારી સફળતા પ્રાપ્ત થઈ છે. ‘આરોગ્યનિકેતન’ના લેખક તારાશંકર બંદોપાધ્યાયનું નામ ગુજરાતી વાચકોને છેક અજાણ્યું નથી. આ અગાઉ એમની બે નવલકથાઓ ‘મન્વંતર’ અને ‘કવિ’ ગુજરાતીમાં ઊતરી ચૂકી છે. ‘આરોગ્યનિકેતન’ આગલી બેઉ કથાઓ કરતાં વધારે સમૃદ્ધ સર્જકતા ધરાવે છે. આ નવલકથા રવીન્દ્ર–પુરસ્કાર વડે પુરસ્કૃત થઈ હતી અને ૧૯૫૬માં સાહિત્ય અકાદમીએ એને પાંચ હજાર રૂપિયાનું પારિતોષિક પણ અર્પણ કર્યું હતું. સાહિત્ય અકાદમીને જ ઉપક્રમે આ કથા ગુજરાતીમાં પ્રગટ થઈ છે. અનુવાદ રમણીક મેઘાણીએ કર્યો છે. પરભાષાની આવી એક માતબર રચના ગુજરાતી ભાષામાં ઊતરે ત્યારે એના ગુજરાતી અનુવાદક પાસે પણ ગદ્યસમૃદ્ધિની એક લઘુતમ સપાટી હોય એ ઇચ્છવાયોગ્ય ગણાય. કમનસીબે આ અનુવાદ વાંચતાં ગદ્યસમૃદ્ધિની બાબતમાં ઘણું ‘ઇચ્છવાયોગ્ય’ રહી જતું જણાય છે. ‘ખુશી થઈને એણે કહ્યું.’ (પૃ. ૧૭૭), ‘અસહનીય’ (પૃ. ૨૫૧), ‘સાહેબશાહી રીતે’ (પૃ. ૨૭૨), ‘એના પર મોહાયા હતા’ (પૃ. ૩૯૪) વગેરે ખોટા નહિ તોય કઢંગા શબ્દપ્રયોગો આ અનુવાદમાં ઠેરઠેર ઊભરાય છે. ‘ભોંમાં ભંડારાઈ જવા જેવું’ (પૃ. ૨૦), ‘સગવડતા થશે’ (પૃ. ૩૨ અને ૩૫), ‘હાંકે રાખે છે.’ (પૃ. ૬૧), ‘ઓટ આવ્યો.’ (પૃ. ૧૫૫), ‘ખાક કરીને જ એ ઝંપે છે.’ (પૃ.૧૩૬), જેવા પ્રયોગો આવી સુંદર કથાના આસ્વાદમાં ખૂંચે એ સ્વાભાવિક છે. આ અનુવાદ વાંચતાં, અનુવાદની પદ્ધતિ વિષે પણ કેટલુંક વિચારવું પડે એમ છે. પ્રસ્તુત પ્રયત્ન મૂળ બંગાળીનું ભાષાન્તર જ છે, રૂપાન્તર નહિ અને છતાં કથામાં વારંવાર ગુજરાતના તળપદા લોકનાટ્યપ્રકાર ભવાઈની વાત કેમ કરી પેસી ગઈ હશે એ સમજાતું નથી : ‘બે રાત ભવાઈ કરાવવી કે કેમ?’ ‘ભવાઈ તો કરાવવી જ પડશે’ (પૃ. ૧૨૧), ‘ભવાઈના અભિમન્યુ કરતાં ઘણી વધારે દયામણી રીતે રીબાતો’ (પૃ. ૩૨૩), ‘ભવાઈનો ભીમ’ (પૃ. ૭૨). મૂળ બંગાળના ‘જાત્રા’ કે જે કોઈ નાટ્યપ્રકારની વાત હોય એનો જ ઉલ્લેખ અનુવાદકે અકબંધ રહેવા દીધો હોત તો એથી મૂળ પ્રત્યે વધારે વફાદારી જળવાઈ શકત. આ પ્રકારનાં રૂપાન્તરો કરવાને બદલે અનુવાદકે કથામાં વારંવાર આવતા ‘કાળવૈશાખી’ શબ્દનો સ્પષ્ટાર્થ આપ્યો હોત, કે પાદટીપ વડે એ વાવાઝોડાનું સ્વરૂપ સમજાવ્યું હોત તો સરેરાશ ગુજરાતી વાચકને એ વધારે સ્પષ્ટ સમજાયું હોત. એ જ રીતે ‘કરવી’ તથા ‘રક્ત કરવી’ (પૃ. ૧૨, ૩૩૩) શબ્દોના અનુવાદ ‘કરેણ’, ‘લાલ કરેણ’ વગેરે કર્યા હોત તો એ સહાયરૂપ બની રહેત. પરભાષાની કૃતિ સ્વભાષામાં ઉતારતી વેળા અનુવાદકે તળપદી, પ્રાદેશિક કે ગ્રામ્ય લઢણોનો ઉપયોગ કેટલે અંશે કરવો હિતાવહ ગણાય એ પ્રશ્ન પણ નિષ્ણાતોએ કોઈ વાર વિચારવો જોઈએ. આ કથામાં અનુવાદકે આવી શબ્દલઢણો યોજી છે : ‘ક્યાં ઊભશો, બાપા?’ ‘મશાય બાપા, તમે આવ્યા છો?’ (પૃ. ૩૯૩) ‘પણ હું શું કરું, બાપા?’ (પૃ. ૪૦૪) ‘જુઓ તો, માડી’ (પૃ. ૧૭૬) ‘એલા, ક્યાં રહેવું?’ (પૃ. ૭૫) ‘પાણકા ફેંકીફેંકીને’ (પૃ. ૧૫૧) ‘આરોગ્યનિકેતનની માઠી બેઠી હતી.’ (પૃ. ૨૧૦) ‘સેંથલે સિંદૂર’ (પૃ. ૩૦૪) આ પ્રકારની શબ્દલઢણો જો અનિવાર્ય અને મૂળ કૃતિને ઉપકારક ન બનતી હોય તો એ ટાળવી જ રહી અને સમગ્ર અનુવાદમાં ‘લાખા પટેલની પોળ’નું સ્ટાન્ડર્ડ ગુજરાતી વપરાય એ જ ઇષ્ટ ગણાય.

૧૯૬૧