કથાવિચાર/ગુજરાતી નવલકથામાં મૂલ્યબોધના પ્રશ્નો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ગુજરાતી નવલકથામાં મૂલ્યબોધના પ્રશ્નો

આપણી સામે આજે ચર્ચાનો વિષય છે : ‘ગુજરાતી નવલકથામાં મૂલ્યબોધના પ્રશ્નો’. વિષય અલબત્ત ઘણો ઘણો સૂક્ષ્મ, અટપટો અને દુર્ગ્રાહ્ય છે. સર્જનાત્મક સાહિત્યમાં મૂલ્યબોધના પ્રશ્નો અનિવાર્યતયા એની રૂપરચનાના અને તેમાં અનુસ્યૂત રહેલાં કળાત્મક મૂલ્યોના પ્રશ્નો સાથે જોડાઈ જાય છે. વળી અત્યારે આપણે આપણી નવલકથાનાં માત્ર કળાત્મક મૂલ્યોની જ વાત નથી કરવી : જીવનનાં મૂલ્યો સાથે આપણા લેખકોએ કેવી રીતે કામ પાડ્યું છે અને કયાં મૂલ્યોની તેઓ પ્રતિષ્ઠા કરવા ચાહે છે એ પ્રશ્નોમાં ય આપણને રસ છે. આપણી નવલકથાની સિદ્ધિઅસિદ્ધિઓનો ખ્યાલ આપણે કરીએ, તેના વ્યાપમાં આવતાં મૂલ્યોનો પ્રશ્ન લઈએ કે તેની સમૃદ્ધિની તપાસ કરીએ, અંતે લેખકોની સંવેદનશીલતાના વ્યાપ (range of sensibility)ના અને સમાજ પ્રત્યેના તેમના ઉત્તરદાયિત્વના કે પ્રતિબદ્ધતાના પ્રશ્નો સુધી આપણે પહોંચી જઈએ છીએ. એક રીતે એમાં ઝાઝું આશ્ચર્ય પામવા જેવું ય નથી. મહાન નવલકથાકારોએ પોતાની કળાપ્રવૃત્તિ પ્રત્યે તેમ પોતાની આસપાસ જીવાતા જીવન પ્રત્યે પોતાની ગાઢ નિસ્બત પ્રગટ કરી છે. નવલકથાનું સ્વરૂપ ખરેખર તો એના આરંભકાળથી આધુનિક માનવપરિસ્થિતિ સાથે, કહો કે તેના પ્રાણપ્રશ્નો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ જાળવીને વિકસતું રહ્યું છે. જૂની સમાજવ્યવસ્થા, જૂની પરંપરાઓ અને જૂનાં મૂલ્યોના હ્રાસની પ્રક્રિયા નવલકથાના સ્વરૂપમાં કદાચ સૌથી વધુ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થતી રહી છે, એટલું જ નહિ, તેના રચનાકીય પરિવર્તનમાં એ ઘટના પોતે એક ચોક્કસ નિર્ણાયક બળ બની છે. નવલકથાકાર જો માનવઅસ્તિત્વની સંકુલતાઓને કે સમાજજીવનની કુટિલ વાસ્તવિકતાને અખિલાઈમાં તાગવા મથે અને તેનો પુરુષાર્થ ગંભીર, સંનિષ્ઠ અને પ્રામાણિક હશે, તો સ્વાભાવિક રીતે જ તે માનવમૂલ્યો જે તળની ભૂમિમાં રોપાયાં છે ત્યાં સુધી પહોંચી જાય છે. સામાજિક, નૈતિક, આધ્યાત્મિક કે સાંસ્કૃતિક મૂલ્યો આમ જુઓ તો કંઈ તરંગી માણસની કલ્પનાઓ નથી. સમાજજીવન વચ્ચે જીવતા માણસોનાં દીર્ઘકાલીન મંથન, ચિંતન અને અનુભવોમાંથી નિપજી આવેલી એ પ્રાપ્તિઓ છે. અલબત્ત, દરેક સમાજ પાસે મૂલ્યબોધનું આગવું આગવું માળખું હોય છે. પણ સાહિત્યકાર એવાં પૂર્વસિદ્ધ મૂલ્યોને જેમનાં તેમ અપનાવી લેતો નથી કે એવાં તૈયાર મૂલ્યોનું સમર્થન કરવા તે પોતાની રચના કરતો નથી. પણ તેની સંવેદનશીલતાનો વ્યાપ મોટો હશે તો તો માનવસંયોગોના ભાગરૂપે પરંપરાઓ અને મૂલ્યોનો તે સ્વીકાર કરશે, અથવા પોતાના મુખ્ય પાત્ર (protagonist)ના વાસ્તવબોધના એક ભાગરૂપે જૂનાંનવાં મૂલ્યોની સ્થિતિનો સ્વીકાર કરશે. આવા વ્યાપક સંદર્ભમાં આપણે આપણી નવલકથાના મૂલ્યબોધના પ્રશ્નો છેડીએ ત્યારે વિશેષતઃ એની બદલાતી ગતિવિધિને લક્ષમાં લેવાની રહે છે. એ તો જાણીતું છે કે આપણે ત્યાં પરંપરાગત કથાસ્વરૂપ અને તેની સાથે યુક્ત રૂઢ કથનશૈલી ખેડતી નવલકથાઓની મોટી ધારા છે. ગોવર્ધનરામ, મુનશી, રમણલાલ, મેઘાણી, પન્નાલાલ, પેટલીકર, દર્શક, મડિયા આદિ પ્રતિષ્ઠિત લેખકોની સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક કથાઓ આ ધારામાં સ્થાન પામે છે. બીજી બાજુ, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આધુનિકતાવાદની પ્રેરણા ઝીલી આપણા તરુણ પેઢીના કેટલાક સંનિષ્ઠ લેખકોએ નવી રીતિની નવલકથાઓ અને લઘુનવલો આપી. આ સંદર્ભે એમ સ્પષ્ટ કરવું જોઈએ કે આગલી પેઢીના પ્રતિષ્ઠિત લેખકો ઘણું કરીને સંસારસુધારાના પ્રશ્નો લઈને સામાજિક કથાઓ લખવા પ્રેરાયા છે. પણ એમાં ઘણાંય દૃષ્ટાંતોમાં વત્તેઓછે અંશે રંજકતત્ત્વોનો ભોગ થતો રહ્યો છે, કહો કે રંજનનો આશય પ્રગટ કે પ્રચ્છન્નપણે એમાં કામ કરી ગયો છે. કથારસને પોષવાના ઉદ્દેશથી વારંવાર બનાવટી પ્લૉટનું માળખું ઊભું કરવામાં આવ્યું છે અને કથાવિકાસમાં લેખકનો દોરીસંચાર થતો રહ્યો છે, કેવળ રંજનલક્ષી અને લોકભોગ્ય બનવા ચાહતી સસ્તી નવલકથાઓની અહીં વાત નથી. સંસારસુધારના પ્રશ્નને કંઈક ગંભીરપણે રજૂ કરવા ચાહતી શિષ્ટમાન્ય કૃતિઓની આ વાત છે. આ સંદર્ભમાં ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪)ના સર્જનને એક અનોખી ઘટના લેખવવી પડે. કેવળ રૂપનિર્માણની દૃષ્ટિએ આજે એની અમુક ઊણપો ચોખ્ખી દેખાઈ આવે છે. પણ આપણે એ વાત ભૂલવાની નથી કે એના પ્રતિભાસંપન્ન સર્જકે પોતાના યુગના પ્રાણપ્રશ્નો સાથે પોતાની ગાઢ નિસ્બત પ્રગટ કરી છે. તેમણે વેધક દૃષ્ટિએ જોઈ લીધું હતું કે પાશ્ચાત્ય સાહિત્ય, પાશ્ચાત્ય જ્ઞાનવિજ્ઞાન અને પાશ્ચાત્ય સંસ્કૃતિના બળવાન પ્રભાવ નીચે આપણા પ્રજાજીવનમાં અસાધારણ સાંસ્કૃતિક કટોકટી જન્મી પડી છે. જૂની જીવનવ્યવસ્થા, જૂનાં આચારવિચાર અને જૂની નીતિમત્તા નવાં યુગબળોની સામે ટકરાઈને વિચ્છિન્ન થઈ રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં વિશાળ પાત્રસૃષ્ટિને આશ્રયે તેમણે એ સમયના સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક પ્રશ્નોને રજૂ કરવાનું સ્વીકાર્યું. પણ આ નવલકથાની મર્યાદા એ રહી કે લેખક પાત્રો સામે મૂલ્યબોધની સંકુલ પરિસ્થિતિઓ નિર્માણ કરવા કરતાં વારંવાર પોતે ચિંતવેલી ભાવનાઓ અને મૂલ્યોનું આરોપણ કરવા પ્રેરાયા. સરસ્વતીચંદ્ર, કુમુદ, કુસુમ, વિદ્યાચતુર, ગુણસુંદરી, બુદ્ધિધન, ચંદ્રકાન્ત આદિ પાત્રો પોતાની સામે વિષમ કઠોર પરિસ્થિતિ ઊભી થતી જુએ, એમાં જીવનનો અર્થ પામવા પોતે સંઘર્ષ કરે, તપે, તવાય અને અંતે મૂલ્યનો સાક્ષાત્કાર કરે તો એ જાતના આલેખનથી આ નવલકથાને ઘણો લાભ થયો હોત. પણ જેવી છે તેવી આ નવલકથા સામાજિક, નૈતિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોની સાથે કામ પાડે છે તે હકીકત આપણે માટે ઘણી મહત્ત્વની બની રહે છે. મુનશી, રમણલાલ અને મેઘાણીની સામાજિક નવલકથાઓમાં મૂલ્યબોધના પ્રશ્નો ઓછેવત્તે અંશે બદલાય છે. ‘સ્વપ્નદૃષ્ટા’માં મુનશી સમકાલીન રાજકીય સામાજિક પરિસ્થિતિને પશ્ચાદ્‌ભૂ તરીકે સ્વીકારે છે. નાયક સુદર્શન અને તેના મિત્રો ભારતને ગુલામીમાંથી મુક્ત થયેલું જોવા ચાહે છે. પણ તેઓ નિષ્ફળ જાય છે. કથાનાયકની નિર્ભ્રાન્તિની આ કથા લેખકના આત્મપ્રક્ષેપને કારણે જ વણસી જવા પામી છે. રમણલાલની ‘દિવ્યચક્ષુ’માં ગાંધીજીએ પ્રબોધેલાં અહિંસા, પ્રેમ, ક્ષમા, અસ્પૃશ્યતાનિવારણ, સેવા જેવાં મૂલ્યો ગૂંથી લેવાનો પ્રયત્ન છે. એમાં જો કે અરુણ, રંજન અને પુષ્પાનો પ્રણયત્રિકોણ અને જનાર્દનની ભેદભરી કથા, વિધવા સુશીલાના સંતાનનું અંત્યજવાસમાં ઉછરવું – આ સર્વ તત્ત્વો કૃતક લાગે છે. મેઘાણીએ ‘તુલસીક્યારો’માં એક સામાજિક પ્રશ્નને પોતાની રીતે રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. એમાંનો મુખ્ય વૃત્તાંત પ્રોફેસર વીરસુત અને તેના બીજા લગ્નની પત્ની કંચન વચ્ચેના વિચ્છેદ અને કમનસીબ પરિસ્થિતિ વચ્ચે ફસાયેલી કંચનની કુટુંબપ્રતિષ્ઠાની આસપાસ રચાયો છે. પણ અહીં જૂનીનવી પેઢીનાં પાત્રો પરત્વે મેઘાણી સર્જકનું તાટસ્થ્ય દાખવી શક્યા નથી. જો કે જૂની પેઢીને અભિમત સહિષ્ણુતા, ઉદારતા, ધૈર્ય, ક્ષમા જેવાં મૂલ્યોને પુરસ્કારવાનું તેમનું વલણ રહ્યું છે. પન્નાલાલ, પેટલીકર અને મડિયાની સામાજિક નવલકથાઓ પણ સામાજિક પરિસ્થિતિ કે સામાજિક પ્રશ્નોને લઈને રચાતી રહી છે અને આ રીતે જોઈએ તો સ્વાતંત્ર્ય પૂર્વે અને તે પછી થોકબંધ રહેલી આપણી સામાજિક નવલકથાઓ, દેખીતી રીતે, લગ્ન કે દાંપત્ય સંબંધની વિષમતા અને ગૂંચ, સ્ત્રીપુરુષના લગ્નેતર સંબંધો, વિધવાવિવાહ, વેશ્યાજીવન, અનૌરસ સંતાન, નારીમુક્તિ જેવા અસંખ્ય પ્રશ્નોને સ્પર્શે છે. પણ આવા કોઈ સામાજિક પ્રશ્નોના સ્વીકાર માત્રથી નવલકથા તરી જતી નથી. ખરો પ્રશ્ન તેને કળાત્મક રૂપ આપવાનો છે. આ સંદર્ભમાં આપણી સામાજિક નવલકથાઓ વિશે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે આવી મોટા ભાગની કૃતિઓ કૂટ અને વિષમ સામાજિક વાસ્તવનું આકલન કરી શકી નથી. આપણો નવલકથાકાર કહેવાતી સમસ્યાનું નિમિત્ત લઈને રોમેન્ટિક કથાવિશ્વ રચવા પ્રેરાતો રહ્યો છે. સામાજિક, નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોની ભોંય જ્યાં વિસ્તરી છે તે સ્તરોએ તેની ઝાઝી ગતિ નથી. સામાજિક પ્રશ્ન એ કેવળ વૈયક્તિક સંવેદન કે ચિંતનનો પ્રશ્ન નથી : એમાં પાત્રનાં સંવેદન અને ચિંતનને પ્રેરતી અને તેની આધારભૂમિ સમી બાહ્ય પરિસ્થિતિના દબાવો અને ભીંસોની રજૂઆતની અપેક્ષા છે. એક રીતે કથાનાં મુખ્ય પાત્રોની સંવેદનપટુતાનો આ પ્રશ્ન છે. પોતાની સામે ઉપસ્થિત થતી વિષમ પરિસ્થિતિનો પૂરી સંપ્રજ્ઞતાથી તે સામનો કરે એમાં જ મૂલ્યબોધની તેની ભૂમિકા છતી થાય છે. એ રીતે પ્રશ્ન સામાજિક સમસ્યાઓને કળાત્મક ભૂમિકાએ ઊંચકવાનો છે. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં તરુણ પેઢીના લેખકો અલબત્ત કળાત્મક નિર્માણ અર્થે વધુ જાગૃત બન્યા છે. પણ આપણા સામાજિક નૈતિક પ્રશ્નો સાથે તરુણ લેખકોની નિસ્બત ઓછી થતી દેખાય છે. એ ખરું કે રઘુવીરની ‘અમૃતા’માં કે ‘ઉપરવાસ-સહવાસ-અંતરવાસ’ કથાત્રયીમાં, ભગવતીકુમારની ‘સમયદ્વીપ’માં અને કુંદનિકા કાપડિયાની ‘સાત પગલાં આકાશમાં’માં હજી સામાજિક/નૈતિક પ્રશ્નોની રજૂઆત મળે છે. પણ બીજી અનેક નવી નવલકથાઓ સંવેદનકથાઓ બનીને થંભે છે. સુરેશ જોષીની ‘મરણોત્તર’ કે મધુ રાયની ‘ચહેરા’ કે રાધેશ્યામની ‘ફેરો’ કે ધીરેન્દ્રની ‘ચિહ્ન’ કે વીનેશની ‘પલાશવન’ જેવી કૃતિઓ પાત્રના સંવેદનની સૂક્ષ્મતાઓ કંડારીને તેનું કળાત્મક મૂલ્ય સિદ્ધ કરે છે. પણ નવી નવલકથા આ રીતે જીવાતા જીવનના વિશાળ ખંડથી વિચ્છિન્ન બની જાય એવી દહેશત ઊભી થઈ છે. આપણે વારંવાર મૂલ્યોની કટોકટીનો નિર્દેશ કરીએ છીએ. એવી મૂલ્યોની કટોકટી સુધી આપણા કેટલા સર્જકો પહોંચ્યા, એ એક તપાસનો વિષય રહે છે.