કાવ્યમંગલા/તમને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તમને
(શિખરિણી)

અડો મા, જો જો હાં ! કઠણ કરસ્પર્શે વિકસતું
મુંઝાશે હૈયું આ, પુનરપિ કદી ના વિકસશે,
ગુંજાશે એની શી? મૃદુલ વચનોથી જ હસશે,
વઢો મા, શાંતિથી હૃદય નિરખો મંદ ખસતું.

રડે તો રોવા દો, જંતુ મનસુઝ્યે છો પથ ઘડી,
ભલેને કૂટાતું, ભટકી અથડાઈ વન વિષે
બલે એ પોતાને નિજ સદન પે આખર જશે,
પડે તો વાંધો ના, શિશુ શું ઉઠશે એ પડી પડી.

ઘડી બે શાંતિથી વહન નિરખો આ ઝરણનું,
દ્રવ્યું છે એ પ્હેલું, દ્રવણ હજી યે છે નહિ સમું, ૧૦
સ્રવ્યું આ બિન્દુ ક્‌હે : ‘વહતું હમણાં કે વિરમું?
નડી જો ના બાધા, વટતરુ બને ક્ષુદ્ર કણનું.’

જરા થોભો, લાગે રસકસ જરા તો હરખજો,
નમાલું દેખો તો મનગમતું બોલી ઘર જજો,
તણાતાં આભારે નહિ હૃદયને દુઃખ રજ તો,
ધરામાતાખોળે લળતું લળતું એ મળી જજો.

(જુલાઈ, ૧૯૩૦)