કાવ્યમંગલા/વિદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વિદાય
(શિખરિણી)


ખર્યું ના ત્યાં આંસુ, વદન હસતે હસ્ત ગ્રહિયા,
જવાના ઘોંઘાટે નયન રડવું યે વિસરિયું,
થવાના ખ્યાલોમાં ક્ષણ ભર મને ના ઉતરિયું,
ડર્યું ના હૈયું, સૌ નિજ નિજ પ્રવાહે પ્રસરિયા.

હવે ઘેલાં ચક્ષુ, મન વદન, હૈયું ઉકળતાં,
રવે ગેબી રોવે, સ્મરણ સઘળાં જીવિત થતાં,
ઉઠે સૂતાં સ્વપ્નો, નિરજિવ છબીઓ વદી પડે,
રુઠે પાદે પાદે ભવન સઘળું સો દૃગ વડે.

ગયા સંગી ! વાહ્યા સમયસરિતાએ ઉદધિમાં,
સર્યા ઓ ! ઓ ! ધોળા સઢ ક્ષિતિજ કેરી અવધિમાં, ૧૦
ભરી એ નૌકાઓ પવનસહચારે ઉપડશે,
હરિ, સૂકી, ગાઢી, નિરજન જમીને રવડશે.

પછી સૌ ખેડંતા સફર જળની કે વનતણી,
મળીશું કો દી કે જલધિતણી થાશું જલકણી?
(મે, ૧૯૨૯)