કાવ્યાસ્વાદ/૪૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૯

પોલેંડનો એક કવિ આપણા આ મસ્ત સમયમાં જીવતો ચિત્કારી ઊઠે છે, ‘હે ઈશ્વર, મને તું વાદળો વચ્ચે ફેંકી દે, પણ એ વાદળમાંથી મને તું વરસાદના બિન્દુમાં ફેરવીશ નહીં, જો તું એમ કરશે તો વરસીને આખરે મારે ફરી પૃથ્વી પર પટકાવું પડશે! હે ઈશ્વર, તું મને ફૂલમાં સંગોપી દે, પણ ભમરો બનાવીશ નહીં, જો એવું કરશે તો મારે અન્તહીન મધુસંચયના ઉદ્યમ માટે રઝળ્યા કરવું પડશે! હે ઈશ્વર, તું મને સરોવરમાં નાખી દે પણ મને માછલી બનાવીશ નહીં, મારાથી માછલી જેવો ઠંડા લોહીના નહીં થઈ શકાય! હે ઈશ્વર, તું મને વનમાં છૂટો મૂકી દે, તૃણાંકુરની જેમ કે કોઈ વન્ય ફળની જેમ પણ કોઈ ભૂખાળવી ખિસકોલી મને શોધી નહીં કાઢે એવું કરજે. અરે, મને પથરો બનાવી દેજે, પણ તે કોઈ મહાનગરના માર્ગમાં જડેલો પથ્થર નહીં, એ પથ્થર તો પડ્યો પડ્યો બાજુમાંના મકાનની દીવાલોને ચિન્તાતુર બનીને કરડી ખાતો હોય છે. મને અગ્નિમાં નાખે તો એની શિખામાંથી મને ચૂંટી લેજે ને ફરી પાછો વાદળમાં ભેળવી દેજે! આ ત્રસ્ત યુગના કવિઓ જે વેદનાને વાચા આપે છે તે ભવિષ્યની પેઢીને માટેનો ઉત્તમ વારસો છે, જે વેદનાને આપણે ઓળખાવીશું ભોગ આપીને, તે વેદનાને ઓળખવામાં ભવિષ્યની પેઢીનો ભૂલ થાપ નહીં ખાય! મૌનની શિલા કહૃઠને રૂંધી નાખે તે પહેલાં ચિત્કારથી આકાશને ભરી દેવું એ પણ એક આચરવા જેવો પુરુષાર્થ છે. ઉપનિષદમાં જેને અસૂર્યલોક કહીને ઓળખાવ્યો છે તે લોક અવ્યકતનો લોક છે. એ લોકમાં કશા આકારો જ પ્રકટ થયા નથી. ત્યાં વેદનાને કોઈ ચહેરો નથી, સુખની કશી વિશિષ્ટ આકૃતિ નથી. એ બે વચ્ચેના તીવ્ર દ્વન્દ્વની કોઈ ભૂમિકા નથી. આપણે અવ્યક્તમાંથી અવ્યક્તમાં જતાં જતાં વ્યક્ત થઈએ છીએ. એ ભલેને અલ્પકાળ હોય, પણ આપણે મન તો એનો જ મહિમા છે.