કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૧. વળાવી બા, આવ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૧. વળાવી બા, આવ્યા

ઉશનસ્

વળાવી બા, આવ્યા, જીવનભર જે સર્વ અમને
વળાવંતી આવી સજળ નયને પાદર સુધી
રજા ત્હેવારો કે અવસર વીત્યે, એમ નિજનો
વળાવી જન્મારો જીવનરસ થોડો કરી કરી,
ખવાઈ ચિંતાથી, વય-સમયને આમય થકી
બચેલી જે થોડી શરીરતણી રેખાકૃતિ ઝીણી,
વળાવી તે આવ્યા ફૂલસરખી ફોરી જનનીને;
દયી અગ્નિદેવે પણ લીધ ગ્રહી હાથ હળવે;

સ્મશાનેથી પાછો ફરું છું, ફરી જોઈ લઉં ચિતાઃ
હવે એ જ્વાલાઓ કજળતી’તી એકાંત વગડે,
સુણું છું કાષ્ઠોમાં દૂર દૂરથી થોડી તડતડે,
વિભૂતિ ઊડીને—નીરખું—અવકાશે ભળી જતી;

અને મેં સાંજે તે ગગનભરી દીઠા શિવ-પિતા!
કપાળે ખીલી’તી બીજ જનનીકેરી ચરચિતા!

(સમસ્ત કવિતા, ‘વળાવી બા, આવ્યા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૫૨)