કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૬. તમે ઘેર આવ્યાં ને, સોનલ...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬. તમે ઘેર આવ્યાં ને, સોનલ...

રમેશ પારેખ

તમે ઘેર આવ્યાં ને, સોનલ...
ફળિયે બેઠા પથ્થરના પંખીને
નીલું પિચ્છ અચાનક ફૂટે
પિચ્છ તળે કુમળો કુમળો પડછાયો કંપે
તોરણમાં ફરફરતો લીલો પર્ણોનો કલશોર
ફળિયામાં ચકલીના સ્વરની શ્વેત મંજરી મ્હોરે
ઝલમલ ઝલમલ ઝૂલચાકળા ભીંતે
ભીંતે ફળિયું
ફળિયે તમે ઘેર આવ્યાનો અવસર ઝલમલ ઝલમલ

હળુ હળુ પગ માંડો, સોનલ...
ઉજાગરાની ઓકળીએ ખરબચડી ઘરની ભોંય
અને આ ચરણ તમારાં પારિજાતનાં ફૂલ
ફૂલની પગલી પાડો.

હરિયાળી સાંઢણીઓ સઘળી
રેત ખૂંદતી લફલફ વેગે
આંખ તળેથી સરી ગઈ
ગઢઘોડાર્યુંમાં
નરી શૂન્યતા હાવળ્ય દેતી ઊભી
ઊભી ખરી પછાડે

હુક્કામાંથી નેળ છલકતો કેફ હવે ના ગગડે
મારી સો સો પેઢી સૂરજવંશની
ઘૂંટી ખરલમાં ઘટકાવી જઈ
બુલંદ તરસો સૂરજગઢની રાંગ ચીસતી બેઠી
મારી હથેળીઓમાં હળ ચાલ્યાં

ને પીળાં જંગલ ચાસચાસમાં મ્હોર્યાં
મારી અવરજવરને કેટકેટલા દેશવટાના શાપ
મારી કિનખાબી મોજડીઓમાં
કૈં વંધ્ય કેટલી અવરજવરનાં પાપ

મારી રોમ રોમ ઊઘડી આંખોના મોર કેડીએ વેરું
મારી ચીંદરડીમાં ચપટી ચપટી દશે દિશાની ખેપ
ખેપમાં ગામ
ગામમાં મરી ગયેલી રૈયતનાં શબ રઝળે

એવા અવાવરુંને ખૂણેખાંચરે ક્યાંક સાચવે મને
હાકલે કદી કસુંબે આંખ પડેલો ધ્રાંગો
એવા અવાવરુંને ખૂણેખાંચરે ક્યાંક સાચવે મને
સમરમાં તેગ કદી લપકેલો તાતો પાણીદાર ઘેંકાર

તમે ઘેર આવ્યા ને, સોનલ...
ઝાંખાપાંખા કંકુના થાપામાં ઊઘડી
ચણોઠીઓની લૂમ
ગાતડી તડાક્ દઈને એકસામટી તૂટે

સોનલ, હળુહળુ પગ માંડો...
તમને અગણિત આંખોની અંજલિએ
એકસામટાં પીઉં
દરિયા એકસામટા પીઉં
તમને સાગ-ઢોલિયા ઢાળી આપું
અવાવરું છોબંધ ઓરડા ઢાળી આપું
અણોસરા પાંપણપડછાયા ઢાળી આપું

હળુહળુ પગ માંડો, સોનલ...
ફંગોળીને હાલરહીંચકે ઠેસ
કડામાં ખટક દઈને ખટકાવી
ચોપાટ-સોગઠે માઝમરાત્યું ગાંડી કરીએ
ખંડ-દીવડે ઝડભડ બળતી માઝમરાત્યું રાણી કરીએ
કર્ણમૂળમાં કાંઈ છાનકાં અંધારાઓ ઢોળી દઈએ

કાળીકંજર રાત પાંખમાં ભરી, અડોઅડ
ભડભડ બળતા સૂરજગઢની પાર ઊડતાં જઈએ.

૨૭-૫-’૬૮/સોમ
(છ અક્ષરનું નામ, પૃ. ૯૮-૧૦૦)