કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૭. દીપ્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૭. દીપ્તિ


કો ખંડેરે મૃદુલ, વણપ્રીછી લતા કોઈ ઊગે,
બાલ્યે એવી ગરીબ ઘરને આંગણે ઊછરી એ.
લૂખાસૂકા જનનીઉરના ચાગ જોયા ન જોયા,
ત્યાં એ હૈયે તરલ વરસ્યા ભાવ કૈશોર કેરા.

મ્હોરેલા યૌવનઉપવને વાયુ વાસંતી વાયા,
તોયે એને રહી કણસવી ખેતરે સ્વપ્ન-કાયા;
ક્યારાઓને સજલ કરીને, છાંદતાં માટી નીકે
પ્રેમી સંગે સરી ગઈ યુવા આયખાને ઉનાળે.

આજે એંસી વરસ સરક્યાં; ઋદ્ધિવંતું કુટુંબઃ
છૈયાં વચ્ચે હરિભજનમાં હર્ષતી દાદિમા થૈ.
લીલી વાડી થઈ ધરણીની ને થઈ જિન્દગીની,
ત્યારે ભૂલી વિકટ, ગત જે ભોગવ્યો થાક લૂનો.

જેવી એને મુખે કો વિરલ ઝળકતી પ્રેમસંતોષદીપ્તિ,
હે સંધ્યા! એમ તારે વદન છલકતી શી સુનેરી ગુલાબી!
(દીપ્તિ, પૃ. ૨૪)