ગાતાં ઝરણાં/સવાર આવે...
Jump to navigation
Jump to search
સવાર આવે
કરું છું તે દિનની હું પ્રતિક્ષા કે કોઈ એવી સવાર આવે,
ઉષાની આ લાલચોળ આંખોમાં હેત ઊભરાય, પ્યાર આવે.
બનીને મનની મુરાદ તેઓ જીવનમહીં એક વાર આવે,
ફરી ફરી આવતાં ચમનમાં વસંતને ૫ણ વિચાર આવે.
હૃદય-સમંદરનું છે એ મંથન, કદર નથી તમને આંસુઓની,
મરે કંઈક મરજીવા ઉમંગો તો એક મોતી બહાર આવે.
કદાચ હસવું તમે તજી દો, ને હું રડીને ધરાઈ જાઉં,
ચમનમાં એકે ન પુષ્પ ખીલે; ન પાંખડી પર તુષાર આવે.
રમે છે દુનિયાની રમ્યતામાં કવિની સૌન્દર્ય-પ્રિય દૃષ્ટિ,
જગતનાં દુખડાં હૃદયથી એના કવન બનીને બહાર આવે.
‘ગની’, મહોબ્બતની વેદનામાં રટણ પ્રભુનું ય થઈ રહ્યું છે,
હૃદયમાં ઊઠે છે દર્દ એવું, કે યાદ ૫રવરદિગાર આવે.
કરીને અવહેલના જીવનની જીવી રહ્યો છું, જીવાઈ જાશે;
‘ગને’, એ મૃત્યુની છે નિશાની, જો જિંદગીના વિચાર આવે.
૫-૧૧-૧૯૫૦