ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અદ્વૈત
અદ્વૈત
રવીન્દ્ર પારેખ
અદ્વૈત (રવીન્દ્ર પારેખ; ‘૨૦૦૩ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં.દીપક દોશી, ૨૦૦૪) મૃત્યુઉન્મુખ રાજા રસરાજને સ્વસ્થ કરવા સિદ્ધમંત્રનું રટણ કરતા સ્વામી શિવનેત્ર સફળ થતા નથી કારણ કે રાણી રતિરત્નાની મોહક દેહયષ્ટિ એમને વિચલિત કરે છે. બહ્મચારી શિવનેત્રનો આગ્રહ છે કે સ્વાનુભૂત જ્ઞાન એ દરેક વ્યક્તિનો અધિકાર છે. એ માટે તે મંત્રસિદ્ધિથી રસરાજ બની જાય છે. રાજાને સકુશળ જોઈ રાણી આવેગ અનુભવે છે પણ એનો શરીરસ્પર્શ રસરાજ બનેલા શિવનેત્રની ચેતના પામતી નથી. એ જ શિવનેત્ર વિષમજ્વર-પીડિત શિવા નામની યુવતીનો ઉપચાર કરતાં થયેલા શરીરસ્પર્શથી વિચલિત થઈ શિવાને ભોગવવા મથે છે પણ ચરમ સુખપ્રાપ્તિ થાય તે પહેલાં જ શિવા મૃત્યુ પામે છે, સુખાનુભૂતિ શરીરથી નહીં બલકે ચેતના-ચૈતન્યથી જ સંભવે એ વાત અહીં દ્વિવિધ રીતે કહેવાયેલી છે.
ઈ.