ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અનિલ વાઘેલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અનિલ વાઘેલા

પારુલ બારોટ

Anil Waghela.jpg

અનિલ વાઘેલા જન્મ તારીખ : ૨૫-૦૫-૧૯૪૧ જન્મસ્થળ અને વતન : ડભાણ, જિ. ખેડા અભ્યાસ : બી.એ., એલ.એલ.બી. વ્યવસાય : નિવૃત્ત વાર્તાસંગ્રહ : ૧. નીલમણિ (૧૯૯૫) ૨. રોનક (૨૦૦૩) ૩. મેળો (૨૦૦૪) સંપર્ક : ૮, સૌજન્યપાર્ક સોસાયટી, હાર્ટ હૉસ્પિટલ પાછળ, મિશન રોડ, નડિયાદ-૩૮૭૦૦૨ મો. ૯૪૨૮૧૫૨૪૧૬

શ્રી અનિલ વાઘેલાના ત્રણ વાર્તાસંગ્રહો પ્રકટ થઈ ચૂક્યા છે. આ લેખકની વાર્તાઓનો સમયગાળો અનુ-આધુનિક વાર્તાના સ્થિત્યંતર સમયનો છે. આ ત્રણેય વાર્તાસંગ્રહોની વાર્તાઓ તપાસતાં શ્રી વાઘેલાની વાર્તાઓમાં દલિત-લલિત બન્ને ધારાની વાર્તાઓનો સમાવેશ થયો છે. એ ભલે અનુ-આધુનિક સ્થિત્યંતર દરમિયાન વાર્તાઓ લખતા રહ્યા છે પણ તેમની વાર્તાઓ પરંપરાગત શૈલીની છે. એમણે જૂજ પ્રમાણમાં દલિત વાર્તાઓ લખી છે. અનુ-આધુનિકતાના મહત્ત્વના પરિબળ લેખે આપણે દલિત વાર્તાને ગણીએ છીએ એટલે એ અર્થમાં એ અંશતઃ દલિત વાર્તાકાર પણ ગણી શકાય. પ્રથમ વાર્તાસંગ્રહ ‘નીલમણિ’ની ૧૧ વાર્તાઓમાંથી પસાર થતાં જણાયું છે કે લેખકનો આ પ્રથમ વાર્તાસંગ્રહ હોવા છતાં તેમની કલમ એક ઘડાયેલા વાર્તાકારની હોય તેમ લાગે છે. અહીં પ્રયોગલક્ષી વલણોનો ખાસ દેખાડો નથી. પરંપરાગત તબક્કાની નજીક જતી આ વાર્તાઓમાં વિષયવસ્તુ રોજબરોજ ઘટતી સામાજિક ઘટનાઓ પર આધારિત છે. આ લેખકનો પ્રથમ સંગ્રહ ભલે ૧૯૯૫માં પ્રગટ થયો હોય પરન્તુ ઘણા વર્ષો પહેલાં ‘ચાંદની’, ‘સવિતા’, ‘અખંડાનંદ’, ‘સ્ત્રી’ જેવાં સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ થતી હતી. આ લેખક પાસે સામાજિક વાસ્તવની એવી મૂડી છે કે જે વાર્તાના કથાવસ્તુ લેખે ખપ લાગે છે.

Neelmani by Anil Waghela - Book Cover.jpg

આ સંગ્રહની ૧૧ વાર્તાઓમાં માનવીય સમસ્યાઓનું નિરૂપણ પરંપરાગત છે. પણ ઝીણામાં ઝીણી વિગતોના નિરીક્ષણમાં તેમની દૃષ્ટિ સ્વકીય છે. ‘નીલમણિ’, ‘ઘણું મોડું થયું’ અને એના જેવી બીજી વાર્તાઓમાં માનવજીવનના વિવિધ પ્રશ્નોમાં એમની સર્જનશક્તિના ચમકારા વરતાયા કરે છે. પણ ‘જીજાજીની મોટર’, ‘શ્રીમતી કેનેડી’, ‘તાગ’ અને ‘હલ્લો’ જેવી વાર્તાઓમાં લેખકની સર્જનશક્તિનો સારો એવો પરિચય મળે છે. ‘તાગ’માં પતિના મૃત્યુ વખતે પત્નીની નિઃસહાય સ્થિતિ વર્ણવવામાં લેખકની કલમમાં પ્રૌઢિ વરતાય છે. ‘હલ્લો’ વાર્તામાં પિતાના મૃત્યુ પછી પુત્રને પિતા માટે થતી સાચી પરિસ્થિતિનું ભાન સહજ લાગે છે. ‘હલ્લો’ અને ‘તાગ’ કરતાંય ‘જીજાજીની મોટર’ અને ‘શ્રીમતી કેનેડી’ વાર્તાઓમાં સર્જકની કલમનો વિકાસ દેખાય છે. મોટર લઈને સાસરીમાં આવેલ જીજાજી પાસે સાળી મુક્તિએ રાખેલી અપેક્ષાઓ સંતોષાતી નથી. અહીં મુક્તિની મનઃસ્થિતિનું ચિત્રણ સુંદર રીતે થયું છે. શ્રીમતી કેનેડીનું કથાવસ્તુ જગજાહેર છે. કેનેડીના મૃત્યુ પછી પત્ની જેકવેલીન કરોડપતિ એનાસીસ સાથે લગ્ન કરે છે. તે વખતની એની જીવનયંત્રણામાં લેખકે રસ લીધો છે. કેનેડીએ જેકવેલીનને આપેલા માનપાન અને આદર એનાસીસમાં મળતાં નથી તે સંવેદન સઘનપણે લેખકે મૂર્તિમંત કર્યું છે. આ ૧૧ વાર્તાઓનાં કથાવસ્તુની માંડણીમાં લેખકને સામાજિક વ્યવસ્થાનો પરિચય ખપ લાગ્યો છે. સમાજના સારાં-નરસાં લક્ષણોને સમાજદૃષ્ટાની નજરે એ જુએ છે. તાગે છે અને પછી પ્રમાણે છે. એટલે એ રીતે પણ આ વાર્તાઓમાં ભાવકને રસ પડે છે.

Ronak by Anil Waghela - Book Cover.jpg

‘મેળો’ અને ‘રોનક’ ૨૦૦૩માં એકી સાથે પ્રગટ થયેલા વાર્તાસંગ્રહો છે. ‘રોનક’ની વીસ અને ‘મેળા’ની એકવીસ વાર્તાઓ મળીને ૪૧ વાર્તાઓનું દર્શન પરંપરાગત છે. બધી વાર્તાઓ નીવડી આવી છે એમ કહી શકાશે નહીં. આ બન્ને સંગ્રહોની વાર્તાઓ આ લેખક વાર્તાકાર છે તેની પ્રતીતિ કરાવે છે. ‘રોનક’ વાર્તાસંગ્રહની થોડી વાર્તાઓ ભલે નીવડી આવી છે પણ જે નીવડી આવી છે તેને આધારે અહીં ‘નીલમણિ’નું અનુસંધાન રચાતું જણાય છે. આ સંગ્રહમાં લેખક વાર્તા સાથે નિસબત જાળવી શક્યા છે તે તરત જ દેખાય છે. જીવનના અનેક રંગો અને રસોથી આ લેખક જ્ઞાત છે. એટલે એમની વાર્તાઓમાં સર્વરસોનો સમન્વય થયો છે. ‘રોનક’ વાર્તામાં તદ્દન નવું જ વસ્તુ લઈને લેખક આવે છે. કામથી થાકી ગયેલા ખેડૂતને દારૂ પીવાની ઇચ્છા થતી રહી છે. પણ પત્નીની ચોકીને કારણે એ ઇચ્છા બર આવતી નથી. એક દિવસે બેસણામાં ગયેલી પત્નીની ગેરહાજરીમાં ખૂણામાં સંતાડેલો વિલાયતી દારૂ કાઢીને એ પીવા જાય છે ત્યાં એના મનમાં નવું સંવેદન જાગે છે. એને થાય છે કે હું દારૂ પીવા જાઉં અને પત્ની મને રોકે-ટોકે તો કેવી મજા આવે. આ સંવેદન અણધાર્યું નથી. એક માનવસહજ વૃત્તિમાંથી જન્મ્યું હોવાથી સહ્ય લાગે છે. ‘સેતુ’ વાર્તા દલિત સમસ્યાને ઉજાગર કરતી વાર્તા છે. અનામત આંદોલન વખતે સવર્ણો અને દલિતો વચ્ચે ઊભા થયેલા ઘર્ષણમાં સવર્ણ રામાકાકા પડી જાય છે તે વખતે એમનો વહવાયો કાનજી એમને બેઠા કરીને સેતુ બને છે. જાતિભેદ વચ્ચે આવા સેતુબંધ રચાય તે જરૂરી છે. ‘અનર્થ’ પણ દલિત વાર્તા છે. વિષયવૈવિધ્ય આ વાર્તાને જીવંત રાખે છે. ઈસુ ખ્રિસ્તથી બીજા આંબેડકરના જન્મ સુધીની કલ્પના કૃતક લાગતી નથી. ‘ધનિયો’ વાર્તા સત્ય પર ટકેલી છે. ધનિયા જેવા મજૂરની સજ્જનતા સામે આંગળી ચીંધાય ત્યારે એની સત્યનિષ્ઠા મદદે આવે છે તે જાતના કથાવસ્તુને લેખકે પારંપરિક ઢબે વિકસાવ્યું છે. ‘ગુમાન’ વાર્તા રક્તદાન કરવા માટે મનુષ્યને પ્રેરણા આપે તેવી વાર્તા છે. આ સિવાય ‘ઉકેલ’ કે ‘મિલન’ જેવી વાર્તાઓ પણ ધ્યાનાર્હ બની શકી છે.

MeLo by Anil Waghela - Book Cover.jpg

‘મેળો’ સંગ્રહમાં દલિત વાર્તાઓ ઘણી ઓછી હોવા છતાં લલિત વાર્તાઓ કરતાં વિશેષતઃ ધ્યાનપાત્ર છે. ‘લોભ’, ‘ખમીર’ અને ‘તારાજી’ જેવી વાર્તાઓમાં લેખકના દલિત સમાજ સાથે ઘનિષ્ઠ નાતાને કારણે નીવડી આવી છે. ‘લોભ’ વાર્તા લેખકની સર્જનશક્તિનો સારો એવો પરિચય કરાવે છે. દલિત કરસનની મનોવ્યથા સરસ રીતે વર્ણવાઈ છે. ચૂંટણી ટાણે સવર્ણો સાથે ભળી ગયેલો કરસન ચૂંટણી પતી ગયા પછી સવર્ણો દ્વારા હડધૂત થાય છે. ચૂંટણી ટાણે દલિતોની ગરજ પડે છે તે વખતે સાદાસીધા ને સમભાવી લાગતા ઈશ્વરકાકા ચૂંટણી પતી ગયા પછી એમની પાસે બેઠેલા કરસનને, ‘ઉઠ્ય લ્યા ઉઠ્ય, હાહરા અમારી પાંહણ્ય બેહતાં લાજતો નથી?’ એવું કહે ત્યારે સવર્ણોની બેવડી નીતિ સામે કરસન જેવા કોઈને પણ સંદેહ જાગે. તે વખતે કરસનને અહેસાસ થાય છે કે પોતે પોતાના વાસની ધરતી છોડીને આ લોકો જોડે બેસવાનો લોભ કર્યો તે નિરર્થક છે. આવા તો કૈંક પ્રસંગો આવી વાર્તાઓના વિષયવસ્તુ બને છે. આમ, ત્રણ વાર્તાસંગ્રહો દ્વારા લલિત-દલિત બન્ને ધારોની વાર્તાઓ વખતે અનિલ વાઘેલા અનુઆધુનિક સમયના હોવા છતાં પરંપરાગત વાર્તા સાથે પોતાનો નાતો જાળવી રાખ્યો છે. આ લેખકને સમાજના વિવિધ રસો વાર્તાઓમાં આકારવાની પૂરેપૂરી ફાવટ છે. એમણે વાર્તાઓ ઉપરાંત ‘જ્ઞાતિજંતુ’ નામની દલિત નવલકથા પણ લખી છે. જ્ઞાતિભેદને કારણે સમાજમાં પ્રવર્તી રહેલી વાડાબંધી આ નવલકથાનો મુખ્ય સૂર છે. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા અનિલ વાઘેલા ‘દૂત’ નામના સામયિકના તંત્રીમંડળમાં વર્ષોથી જોડાયેલા છે. સાહિત્ય ઉપરાંત ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે એ જોડાયેલા છે.


પારુલ બારોટ
વાર્તાકાર, વાર્તાસમીક્ષક
મો. ૯૪૨૬૮ ૬૩૩૧૧