ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જ્યોતિષ જાની

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જ્યોતિષ જાની

ડૉ. રાજેન્દ્રસિંહ ગોહિલ

[‘ચાર દીવાલો એક હૅંગર’ (વાર્તાસંગ્રહ) : જ્યોતિષ જાની, પ્રથમ આવૃત્તિ : શ્રાવણ ૨૦૨૨, સપ્ટેમ્બર ૧૯૬૬ મૂલ્ય : ચાર રૂ. પૃષ્ઠ સંખ્યા : ૧૩૦ પ્રકાશક : શાંતિભાઈ શાહ સુવાસિત સાહિત્ય પ્રકાશન, બાલાજી રોડ, સૂરત]

GTVI Image 56 Jyotish Jani.png

‘ચાર દીવાલો એક હૅંગર’ (વાર્તાસંગ્રહ) : પરંપરાગતતાનો ત્યાગ કરતી વાર્તાઓ :

આ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા ‘એક ગરમ ટીપું છે’. ઘર છોડીને ભાગી ગયેલા વાર્તાનાયક રવીન્દ્રને જ્યાં તે રહે છે ત્યાં પિતાના મૃત્યુના સમાચાર મળે છે ને ત્યાંથી વાર્તામાં મૃત્યુનો એક ઓથારજન્ય પરિવેશ રચાવા માંડે છે. તે છ મહિનાનો થયો ત્યારે મા મરી ગયેલી. મૃત્યુ પામવા જ જન્મ્યો હોય તેમ ભાઈ સતત માંદો રહીને એકાદ વર્ષમાં મરી ગયેલો. રવીન્દ્રનું ઘર છોડીને ભાગી ગયેલી તંદુરસ્ત પત્નીના ક્ષયને કરણે મરી ગઈના અચાનક સમાચાર મળેલા. તે ચાર દીવાલોની વચ્ચે પોતાના મૃત્યુને સતત ક્ષણેક્ષણ અનુભવે છે. દીવાલો પરના પીળા ગળફામાં નાયક ક્ષયગ્રસ્ત હોવાનો સંકેત રચે છે. તકિયા પાછળના વીંછીનો આંકડો જાણે મૃત્યુ આવીને ઊભું છે એમ લાગે છે. વાર્તાનાયક તકિયાને ગલેફ સાથે સળગાવી મૂકવા માગે છે. જાણે કે મૃત્યુથી બચી જવા માગે છે. જોકે ‘એક ગરમ ટીપું’ વાર્તાશીર્ષક વાર્તા સાથે સીધો કે સૂક્ષ્મ અનુબંધ રચતું નથી તેથી શીર્ષકની ઉચિતતા પ્રશ્ન જન્માવે છે.

GTVI Image 57 Char Divalo Ek Hanger.png

‘શ્રી નવનીતરાય આતમારામ શાહ સુખી છે’ એવું લાંબુ શીર્ષક ધરાવતી વાર્તા અમદાવાદની વચલી પોળની ચામાચિડીયા ખડકીના છેક અંદરના ખૂણામાં ત્રીજે માળે રહેતા નવનીતરાયની અતિનિમ્ન મધ્યમવર્ગીય જિંદગીની પળોજણોનું બયાન કરે છે. ઘરમાં દસમામાં ભણતી જવાન છોડી ‘કાન્તા’ છે. મગનલાલના છોકરા જિતેન્દ્ર સાથે એનું ‘કંઈક’ ચાલે છે. એ વાત પામી ગયેલા ચિંતાતુર નવનીતરાય વાતે વાતે ‘ભૈ, આપણે તો સુખી છે.’ રટ્યા કરીને જાણે કે આશ્વાસન આપતા રહે છે. અગવડતા, ગરીબી, જડતા, અભાવો, ચાલીની હાડમારીભરી જિંદગીમાં વીસ વરસ જૂની એક ‘હરક્યુલસ’ સાઈકલ એ જ એકમાત્ર વૈભવ છે. દુનિયા આખીના બનાવોને છાપાથકી જાણી પળોજણ કરતા નવનીતરાયને ભજિયાં હવે શરીરને સદતાં નથી અને રીંગણનું શાક ગરમ પડે છે. બે જમાઈઓના પત્રો આવ્યા છે જેમાં કાન્તા માટે છોકરાની વાત ચલાવી છે એ જાણી અદ્ધરજીવે ચિંતિત રહેતા નવનીતરાયને મૂકીને કાન્તા એક દિવસ જિતેન્દ્ર સાથે ભાગી જાય છે. પોળનો પરિવેશ અને નવનીતરાયનાં મનોસંચલનોનું નિરૂપણ નોંધપાત્ર છે. ‘બચાડો એકલો જીવ’ વાર્તામાં નાયક શહેરમાં મજબૂરીથી આવી પડ્યો હોય તેમ ગામડાના જીવનને યાદ કરી સોરાય છે. શહેરમાં કોઈને એક ઘડીની નવરાશ નહિ અને ગામમાં તો લોક સવારથી જ પાદરમાં પરબડીએ બેઠું હોય અને ઘેર ઘેર શું બન્યું તેની વાતો ચર્ચાતી હોય. નાયક પોતાની એકલતામાં હર્યુંભર્યું જીવન શોધે છે. જો કે વાર્તા વાચકના મનમાં એકધારી સઘન છાપ ઉપસાવવામાં નિષ્ફળ રહે છે. ‘એક સંદેશો’ વાર્તામાં વાર્તાકારની વાર્તા કહેવાની ઢબ નિરાળી છે. રાધા ઊર્ફે ‘રાધી’એ લખેલા પત્રના પ્રત્યુત્તરમાં વાર્તાનાયક ‘સંદેશો’ મોકલવા માગે છે. ને એ નિમિત્તે રાધા અને વાર્તાનાયક વચ્ચેના નિષ્ફળ પ્રણયનું કથાનક રચાતું જાય છે. નાયક સાથે નહિ પણ વિનીયા ઊર્ફે ડૉ. વિનયકાંત સાથે રાધીએ લગ્ન કરવાં પડશે એવી બાની ધમકી છે. પણ રાધી મનથી આ લગ્નથી સખત નારાજ છે. છેવટે રાધીને ક્ષય લાગુ પડે છે. વાર્તામાં સીધો સંકેત છે કે રાધીના પ્રણયજીવનને પણ ક્ષય લાગુ પડી ચૂક્યો છે. ‘વેદના અને મૂંગા સ્મિત’ વાર્તામાં રમણ તેની પત્ની શાંતાને પ્રસૂતિ આવવાની છે અને ઇસ્પિતાલમાં દાખલ કરેલી છે એ સમયે સતત પત્નીના વેણનું શૂળ તે પોતે અનુભવે છે. રમણની વેદના નક્કરતાથી વાચા પામી છે છતાં વાર્તાનું સંવિધાન નબળું છે તે જણાઈ આવે છે. ‘કાલિન્દી’ વાર્તામાં નાયિકા કાલિન્દીની લાગણીઓનો પ્રવાહ કેન્દ્રમાં છે. તેના પોલીસ ઇન્સ્પેક્ટર પતિ સંદીપને નાગાલેન્ડ જવાની ઑફર આવી છે. તેને વિદાય આપવા સૌ સગાંસ્નેહીઓ તૈયાર છે પણ કાલિન્દીના હૃદયમાં ઘમાસાણ મચી ગયું છે. ચકલી, મધુમાલતીની વેલ પ્રતીકાત્મક રીતે કાલિન્દીનાં મનોસંચલનોને પ્રગટાવે છે. ‘જેંતી સારો માણસ છે’ વાર્તામાં આજની હજાર હાડમારીઓમાં જીવતા માણસનું પ્રતિનિધિત્વ કરતો ‘જેંતી’ છે. ‘આપણે તો ઓપ્ટિમિઝમ’ એવું કેળવ્યું છે કે જીવનમાં તૂટી ના પડાય’ એ એનું જીવનસૂત્ર છે. એક નાનકડી દુકાનમાં આંખે મેગ્નિફાઇંગ કાચ લગાવી ઘડિયાળ દુરસ્ત કરવાનું કામ કરતો ‘જેંતી’ વાર્તાનાયક ‘હું’ને રોજ ‘રાજ્જા’ દર્શન દેતા રહેજોનો હોંકારો કરતો રહે છે. બૅંકમાં નોકરી કરતા વાર્તાનાયક પાસેથી એક દિવસ છસ્સો રૂપિયા ઊછીના લઈ જાય છે. એ પછી જેંતી પેલી દુકાને પણ દેખાતો નથી તેથી નાયકના મનમાં શંકાનાં વાદળો ઘુમરાયા કરે છે. સારા માણસના વ્યવહાર અને વર્તનને આ ‘રૂપિયો’ બદલાવી નાખે છે. આ માનસ પરિવર્તનને વાર્તાકાર સબળતાથી આલેખે છે. મઘઈ પાનની સુગંધ માનવસંબંધની સુગંધનું પ્રતીક છે. પણ પૈસા આવી સુગંધને મુરઝાવી નાખે છે. છેવટે પાનવાળા મારફતે જેંતી છસ્સો રૂપિયા મોકલાવી ઉધારી ચૂકતે કરી દે છે. પણ વાર્ન્તાતે સમાચાર મળે છે કે જેંતીએ આત્મહત્યા કરી લીધી. આશાવાદને જીવનસૂત્ર બનાવનાર જેંતી જીવન અને હાડમારીઓથી થાકીને આત્મહત્યા કરી લે એ કરુણાંત વાચકને મૂંગો કરી દે છે. વાર્તાનું બળકટ સંવિધાન આ વાર્તાકારને વાર્તાકાર તરીકે સ્થાપિત કરી શકવાને સમર્થ છે. ‘કોઈ કિનારા જડ્યા નથી’ વાર્તામાં વાર્તાકારે ત્રણેક વર્ષથી પરિણીત પુરુષ સુરેશના પ્રેમમાં પડેલી એષાના હૃદયની સંવેદનાને નાજુકાઈ ભરેલા ગદ્યમાં વાચા આપી છે. પરિણીત પુરુષના બેફિકરા વર્તાવ-વ્યવહારની સામે એષાના હૈયાની ઊંડી લાગણીઓ વચ્ચે સધાતો વિરોધ ભાવકને સ્પર્શી જાય તેવો છે. એષાના હૃદયની તમન્ના અને તડપ, ઝૂરાપો અને ઝંખના, વ્યથા અને દર્દને વાર્તાકારે આમ ઝીલ્યું છે – ‘છેલ્લા ત્રણ વર્ષથી હું નિઃશ્વાસ લઈને જીવી રહી છું, જીવી શકું છું. મારા ઉના ઉના નિઃશ્વાસથી હું પોતે જ દાઝ્યા કરું છું. મને દાઝવું, તડપવું ગમે છે. મને નથી ગમતાં ધોળાં વાદળાં કે નથી ગમતાં કાળાં વાદળાં. નિરભ્ર નીલા આકાશ સામે હું ટગર ટગર જોઈ રહું છું. કદાચ મારા જીવનમાં જડ થઈ ગયેલી કોઈ સમસ્યાનો ઉકેલ જડી જાય! મારામાં વહેતી પ્રેમની છલોછલ નદીને કોઈ કિનારા જડ્યા નથી. એનો પ્રવાહ તો નિરંતર અસ્ખલિત વેદનાથી સિક્ત અને અર્થહીન કેડીએ વહ્યે જ જાય છે... વહ્યે જ જાય છે... વહ્યે જ જાય... વહ્યે જ...’ (પૃ. ૫૪ ‘ચાર દીવાલો એક હૅંગર’) ‘સ્નેહની બારાખડી’માં વાર્તાકારે કાલ્પનિક સ્તરે માંડણી કરીને એના જીવનમાં આવતી ચાર યુવતીઓ સાથેની પ્રેમસંવેદના નિરૂપી છે. ધારી લેવાનું કે ‘અ-આ-ઈ અને ઊ’ એ ચાર પ્રેમિકાઓ છે. તેમની સાથે ફ્લર્ટ કરતી વખતે થતી અનુભૂતિ અહીં અલકા, આરતી, ઇન્દિરા અને ‘ઊ’ તે પત્ની એમ ચાર ભૂમિકાએ પ્રેમાલાપ વ્યક્ત થયો છે. વાર્તાકારની પ્રયોગ કરવાની મથામણ અહીં વાર્તામાં છે. નિર્દોષ કિશોરાવસ્થામાંથી યુવાનીમાં પગરણ માંડતી નીનાનાં મનો-દૈહિક સંચલનો ‘ઝંખનાનો જન્મ’ વાર્તામાં આલેખન પામ્યાં છે. વાર્તાકાર ઝીણવટથી નીનાના મનોભાવોને આકારે છે. વહેલી સવારે આવેલા આવેગમય સ્વપ્નની અનુભૂતિથી નીના મૂંઝવણ અનુભવે છે. સ્ત્રીસહજ શારીરિક ફેરફારો એના હૃદયમાં વલોણું જન્માવે છે પરંતુ વાર્તાન્તે સ્ત્રીસહજ સંવેગોનો સ્વીકાર કરે છે તે સર્વનું સૂક્ષ્મ નિરૂપણ વાર્તાકારે કર્યું છે. ‘ચાર દીવાલો એક હૅંગર’ વાર્તા આ વાર્તાસંગ્રહનું પણ નામાભિધાન પામી છે અને કહેવું જોઈએ કે એ એક બળુકી વાર્તા પણ છે. નાયક મનસુખકાકાને એમનો ભત્રીજો સાથે પિક્ચર જોવા જવાનું કહેણ લઈને આવ્યો છે. મનસુખકાકા ડગલો પહેરીને તૈયાર તો થાય છે પણ ડગલાના બુટણ ક્યાંક મૂકાઈ ગયાં છે તે જડતાં નથી એટલે મનસુખકાકા ગોટાળે ચડી ગયા છે. વાર્તામાં ગરોળી, વંદો, બુટણ, રોમેન્ટિક પિક્ચર, કૉમેડી પિક્ચર વગેરેના સંકેતો મનસુખકાકાના જીવનની ટ્રેજેડીને ઉપસાવી રહે છે. હાથે ભાખરી ટીપી લેતા મનસુખલાલ એકાકી છે. પત્ની ગોદાવરી મૃત્યુ પામી ચૂકી છે. પીપરમીટ અને ફૂલગા માટે ભેંકડો તાણી પજવતો બાજુવાળાનો નાનકો મનસુખલાલની નિઃસંતાન સ્થિતિને વધુ દયાજનક અને તીવ્રતાથી પ્રગટાવે છે. વાર્તાનું શીર્ષક વિશિષ્ટ અને પ્રતીકાત્મક બની રહે છે. ચાર દીવાલોની વચ્ચે એકલવાયી બની ગયેલી જિંદગીમાંથી ’જીવન’ તો ખોવાઈ ગયું છે. મનસુખલાલ બુટણરૂપે એને ગોતે છે. મૃત્યુરૂપી હૅંગરે જાણે જીવન પરાણે લટકી રહ્યું છે. ‘સમાંતર રેખાઓ’ વાર્તાની નાયિકા લીના એ શહેરમાં આવી ચઢે છે જ્યાં એનો પૂર્વ-પ્રિયતમ શિરીષ રહે છે. એના ઘરે કદી ન જવું એવું મનમાં નક્કી કરેલું છતાં લીનાની જઈ પહોંચવાની આખી ઘટનાનું નિરૂપણ કરતી વખતે વાર્તાકાર શિરીષની સ્મૃતિઓને પણ ગૂંથી લે છે. અસ્તવ્યસ્ત બેઠકખંડની જેમ શિરીષની જિંદગી પણ વિખરાયેલી છે. બેયની જુદી જિંદગીઓ સમાંતર કેડીઓ ઉપર મજલ કાપી રહી છે. ‘નવલકથાકાર શ્રીયુત...’ વાર્તામાં દિગંત નવલકથાકાર છે. હપ્તે હપ્તે છપાતી હોય તેવી નવલકથાના દસ હપ્તા લખી ચૂક્યો છે. દિગંત કલાનો ઉપાસક, સર્જક, શબ્દોનો સ્વામી છે. અગિયારમો હપ્તો લખવા બેસતાં તેની પ્રવર્તમાન જિંદગીને તુલનાત્મક ભૂમિકાએ સ્મરે છે. નવલકથાને જીવનના રસથી ભરી દેતા દિગંતના જીવનમાં છે તો નરી શૂન્યતા અને શુષ્કતા!! એના જીવનનું એક પાત્ર, અરે, મુખ્ય પાત્ર પલંગ ઉપર એની પાસે-પડખે પથારીમાં જ ટૂંટિયું વાળીને પડેલું છે, એની પત્નીરૂપે!! તદ્દન ઠંડું – અરસિક, સંસ્કારી અને જડ-શુષ્ક!! જીવનનાં બે ભિન્ન તદ્દન વિરોધી સ્થિત્યંતરો વચ્ચે ભીંસાતા દિગંતની મનોવ્યથા અહીં વાચા પામી છે. ‘બે જગજીવનરામનો સાક્ષાત્કાર’માં જગજીવનરામના પાત્રને બે ભાગમાં વહેંચીને એક હીંચકે અને બીજો ખાટલે એમ દર્શાવીને બેયના સંવાદો-પ્રલાપોમાં અતિનિમ્ન મધ્યમવર્ગીય સ્થિતિમાં અનુભવાતી ભીંસને પ્રગટ કરી છે. માંકણ જેમ લોહીના ચટકા ભરીને પજવે છે તેમ જિંદગી પણ જાણે ચટકે ચટકે પજવે છે. દીકરો પશો એક દિવસ ‘ભગવો’ ધારણ કરી ઘરેથી ભાગી જાય છે તેથી નાત-સમાજ-ગામમાં જ.જી.રાનું નાક કપાય છે. સંતાન હોય તો પણ કેવી દયનીય સ્થિતિ ભોગવવી પડે છે તેનું આલેખન નોંધપાત્ર છે. મોટાભાગની વાર્તાઓ અમદાવાદની પોળો કે મધ્ય ગુજરાતના ચરોતર પંથકની પૃષ્ઠભૂમિ પર આકાર પામે છે. નાપાડ, નરસંડા, બોરીઆવી, વડતાલ, ડાકોર વગેરે ગામોના ઉલ્લેખની સાથે પાત્રોના મુખે ચરોતરી બોલીનો પ્રયોગ વાર્તામાં ધ્યાનપાત્ર રીતે થયો છે. ચરોતરી બોલી ગામડાના વાતાવરણ અને પરિવેશને જીવંત કરી દે છે. ‘નીમિષા’ વાર્તામાં નીમિષા છે, યતીન છે અને વાર્તાનાયક ‘હું’ છે. પ્રણયની ભૂમિ ઉપરથી સ્વ-ઓળખ માટે મથતી નીમિષાના મનોભાવો કાવ્યાત્મક ગદ્યમાં ગૂંથાયા છે. ‘રોડ્રિક્સ મારો મિત્ર છે’ વાર્તામાં વિદેશી નામવાળાં પાત્રો અને પરિવેશ પાશ્ચાત્ય હોવાના કારણે પોતીકી લાગતી નથી. એવું લાગે કે જાણે કોઈ વિદેશી વાર્તાનો અનુવાદ છે. ‘લક્ષ્યવેધી’ (ત્રણ ઘા) વાર્તામાં ડોસા ત્ર્યંબકલાલના પાત્રનું ચિત્રણ હૃદયદ્રાવક છે. દીકરો પરષોત્તમ પરિણીત છે. પૌત્રોમાં મોટો દેવેશ અને નાનો પુલિન છે. પરષોત્તમ આંખોની રોશની ગુમાવી ચૂકેલા ત્ર્યંબકલાલનું સંડાસ જવા માટે જાજરૂ શોધવા માટે તડપવું-ભટકવું અને મથામણનું નિરૂપણ વાર્તામાં એકધારો ક્રિયાત્મક વેગ સાધે છે. ત્ર્યંબકલાલ ચા કે દૂધ પીવાના આવતા ‘શ..ઈડ્‌...ક્‌ ક્‌...’ અવાજ બાજુ ખપાટિયાનો જોરથી ઘા કરે છે ને ‘’ઓ દાદા રે’ની ચીસથી ભાવકને ખ્યાલ આવે છે કે ઘા પુલિનને લાગ્યો છે. વાર્તાનો અંત ભાવકને આઘાત આપે તેવો વાર્તાકાર રચી શક્યા છે. ‘આપઘાત (એક સર્‌રિયાલિસ્ટ અનુભવ)’ વાર્તામાં કપોળકલ્પના છે. ‘સર્વત્ર સઘળું યથાવત્‌ છે. વાર્તાનું વિષયવસ્તુ નોંખું છે. આ આખું જગત સર્વત્ર સ્થિર બની જાય. ક્યાંય કશું બને જ નહિ. બનાવ બને જ નહિ. ક્રિયાઓ બનવી અટકી જાય. ઘટના બને જ નહિ. જગત આખું અસમાચારવાળું અને અઘટનાવાળું બની જાય તો છાપામાં કશું છપાય જ નહિ. છાપું છાપવાની જરૂર જ પડે નહિ. આ કપોળકલ્પિત એક અલગ અનુભવની ભૂમિકા રચે છે. આ વાર્તાસંગ્રહની વાર્તાઓ એવા સમયની છે જ્યારે વાર્તાક્ષેત્રે ‘સુરેશ જોષી’ નામનું આંદોલન ‘ઊહાપોહ’ જગવતું હતું. જ્યોતિષ જાની આ ઊહાપોહથી પૂર્ણ-રૂપે પ્રભાવિત હતા. અને એટલે અહીં આ વાર્તાઓમાં મારી નજરે ઊડીને આંખે વળગે તેવું પહેલું લક્ષણ છે ‘પરંપરાગતતાનો અભાવ’. અહીં વાર્તાઓમાં પરંપરાગત એવું કશું નથી. વાર્તા રચવાની પરંપરાગત શૈલી નથી. પાત્રોનાં મનોગતને આકારવા તરફ જ્યોતિષ જાની વધુને વધુ પ્રવૃત્ત બન્યા છે. બિનજરૂરી વર્ણનો નથી. ખપ પૂરતો પરિવેશ લઈ પાત્રોની બોલીની લાક્ષણિકતાઓ થકી વાર્તા સોંસરી ગતિ કરે તેમ વાર્તાકાર વાર્તા રચવા મથે છે. જ્યોતિષ જાનીનો આ પ્રથમ વાર્તાસંગ્રહ આધુનિકતાનાં વલણોને કંઈક અંશે આકારતો અને વાર્તાકાર તરીકેની આગવી છાપ છોડે છે જે એમના પછીના વાર્તાસંગ્રહો ‘અભિનિવેશ’ (૧૯૭૫) અને ‘પંદર આધુનિક વાર્તાઓ’ (૧૯૭૭)ની વાર્તાઓમાં ઘટ્ટ બનીને દેખાય છે.

ડૉ. રાજેન્દ્રસિંહ જ. ગોહિલ
આસિસ્ટન્ટ પ્રોફેસર,
શ્રી સ. મ. જાડેજા કૉલેજ, કુતિયાણા
કવિ, નિબંધકાર, સમીક્ષક
વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ
rjgohel76@gmail.com
મો. ૮૨૦૦૫ ૨૪૨૯૪