ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધર્મેન્દ્ર ત્રિવેદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ધર્મેન્દ્ર ત્રિવેદી

ડૉ. આરતી સોલંકી

GTVI Image 157 Dharmendra Trivedi.png

નામ : ધર્મેન્દ્ર જનકરાય ત્રિવેદી
જન્મતારીખ : ૦૮.૦૯.૧૯૬૯
જન્મસ્થળ : અમરેલી
વતન : તેઓ મૂળ રાજકોટ જિલ્લાના જસદણ નજીકના કોઠી ગામના વતની.
અભ્યાસ : એમ.એ.
વ્યવસાય : છેલ્લાં ૨૩ વર્ષથી ગુજરાત રાજ્યની વિધાનસભામાં ભાષાંતરકાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
સાહિત્યસર્જન : પુષ્પક (વાર્તાસંગ્રહ)
વાર્તાકારનો યુગસંદર્ભ : ધર્મેન્દ્ર ત્રિવેદી અનુઆધુનિક યુગના વાર્તાકાર છે.

ધર્મેન્દ્ર ત્રિવેદીની વાર્તાકળા : ધર્મેન્દ્ર ત્રિવેદી પાસેથી એકમાત્ર વાર્તાસંગ્રહ મળે છે. જેનું નામ છે ‘પુષ્પક’. નવેમ્બર ૨૦૨૧માં પ્રકાશિત થયેલ આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૨ વાર્તાઓ છે. ધર્મેન્દ્ર ત્રિવેદી એક પ્રયોગશીલ વાર્તાકાર છે. વિલક્ષણ ભાષાના આ સર્જક વાર્તાઓની સાથે નિબંધોમાં પણ પોતાની ધારદાર અને ચુસ્ત ભાષાના ચમકારા અનેકવાર બતાવી ચૂક્યા છે. હવે આપણે આ સંગ્રહની વાર્તાઓનો ક્રમશઃ પરિચય મેળવીએ.

GTVI Image 158 Pushpak.png

આ સંગ્રહની પ્રથમ વાર્તા એટલે ‘ફરી વાર’. આ વાર્તા જીવનની વાસ્તવિકતા સમજાવતી વાર્તા છે. વાર્તાનાયકને ઉદ્‌ભવેલો પ્રશ્ન જીવન એટલે શું? તેનો જવાબ તેને વાર્તાના અંતે મળે છે. જેમ માણસની નિયતિ છે ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ઘરે, અવતરે ને મરે. આ વાસ્તવિકતા નાયકને સમજાય છે. વાર્તાનાયક પોતાનું વતન છોડી નોકરી અર્થે ભાડાના મકાનમાં રહેવા આવે છે ત્યાંથી વાર્તાની શરૂઆત થાય છે અને વાર્તાના અંતે તેને જીવનની પરિભાષા પમાય છે. વાર્તાની મુખ્ય થીમ જોઈએ તો તણખલાં તણખલાં ભેગાં કરી ઘરમાં માળો કરતા કબૂતર યુગલના નવજાત બચ્ચાનું છે. પરંતુ વાર્તાના અંતે આપણને પમાય છે કે ખરી વાર્તા તો જુદી જ છે. ‘ફરી વાર’ શીર્ષક જ આપણને ઘણું કહી જાય છે. ‘જિરાફ’ વાર્તામાં મૂળ વાત તો એક દિવસ શિકારે જવા નીકળેલા અમલની છે પરંતુ અહીં સમાંતર લેખક એના અને નિશાના તથા નિશાના અને રુચિરના જીવનની જટિલ ઘટનાઓ મૂકી અને જિરાફને ફાંસલાથી વશ કરવાની ક્રિયાને એ પ્રેમપ્રસંગો જેવી રીતે આગળ વધ્યા અને છેવટે એનું જે પરિણામ આવ્યું એમાં જીરાફના તરફડાટનો સંકેત નિરૂપીને એનાં પાત્રોનો તરફરાટ પણ રજૂ કર્યો છે. આ વાર્તાનો પરિવેશ જરા જુદા પ્રકારનો છે. ‘કોરા ફોરાં’ એ વાર્તાનું શીર્ષક થોડું રુક્ષ હોય એવું લાગે છે. પરંતુ અહીં લેખકે વર્તમાન... અતીત, અને અતીત વર્તમાન એમ અનુસંધાન વારંવાર સાધ્યું છે. વાર્તાનું શીર્ષક અટપટું છે પરંતુ કોરા ફોરાં અંતે યાદોના ભીના ફોરાં બની રહે છે. જે વાર્તાથી આ સંગ્રહને નામ અપાયું છે તે વાર્તા એટલે ‘પુષ્પક’. આ એક આત્મકથનાત્મક વાર્તા છે. કથાનાયક ડી. કે.ના પોતાના પિતાની હયાતી સાથેના સંબંધો અને પિતાના મૃત્યુ પછીનો ઝુરાપો વાચકની આંખ ભીની કરી દે છે. વર્તમાનમાં ચાલતી કથામાં વારંવાર ભૂતકાળની ઘટનાઓ ખૂલતી જાય છે અને કથાનાયકના પિતાની વાસ્તવિક છબી વાચક સામે ઉપસતી જાય છે. પિતા-પુત્રના અનોખા વાત્સલ્યની આ વાર્તા છે. આ વાર્તામાં વિમાન એક પાત્ર બનીને આવે છે. ‘છળ’ વાર્તામાં મા વિનાના મોસાળમાં ઉછરી રહેલા સુરેશની વાત છે. કથાનાયક સુરેશની મા તેને જન્મ આપ્યા પછી થોડા સમયમાં ગુજરી ગઈ અને નાની નર્મદા પાસે રહીને સુરેશ મોટો થાય છે. તેને બાળપણથી જ કોઈનો પ્રેમ મળ્યો નથી. તેના મોસાળમાં કોઈ તેને લાડકોડથી ઉછેરે એવું નથી. બધા જ વાતે વાતે તેને મારે છે. ઘરનાં મોટાભાગનાં કામો કરાવે છે તેમ છતાં કોઈનો પ્રેમ તેને મળતો નથી. તેને સ્વપ્ન આવે છે કે બધાં તેની આજુબાજુ તેને વ્હાલ કરતાં હોય અને તેની સાથે પ્રેમથી વર્તતાં હોય. વાર્તાના અંતે તેનું સ્વપ્ન સાચું પડે છે. નર્મદામાને પોતાની ભૂલ સમજાય છે ને એટલે જ તે હવે કોઈ દિવસ સુરેશને નહીં મારે એવું કહે છે. આ સાંભળી સુરેશને આનંદ થવાને બદલે દુઃખ થાય છે અને વાર્તા પૂર્ણ થાય છે. સમગ્ર વાર્તામાં બાડીયો ઉર્ફે સુરેશનું પાત્ર કેન્દ્રસ્થાને છે. વાર્તાની શરૂઆતમાં લોટાને પડતો સ્થૂળ ગોબો કથાના અંતે અબૂધ નાયકના ચિત્તમાં સતત પડતા ઉપસતા અસંખ્ય ગોબાઓને ચિત્રિત કરે છે. ‘કલ્પવૃક્ષ’ વાર્તાનું મુખ્ય પાત્ર છે રતનો મોચી. પરંતુ આ વાર્તા માત્ર રતના મોચીની જ ન રહેતાં હરકોઈ આમઆદમીના સુખના સ્વપ્ને જાગ્યા પછીના વાસ્તવની સાથે મેળ પાડતી વાર્તા બની રહે છે. વાર્તાનો અંત વાચકને વિચારતા કરી મૂકે એવો છે. જે લીમડો કલ્પવૃક્ષ બનીને સહાય કરે છે એ જ લીમડો અને બીજાં ઝાડો કાપવાનો કૉન્ટ્રાક્ટ તેને મળે તેવું પેલો વ્યક્તિ લીમડાના ઝાડ પાસે માંગે છે અને મળી પણ જાય છે. તેને સતત એવું થાય છે કે લીમડો કલ્પવૃક્ષ છે અને તે તેની સિવાય બીજા બધાને સાંભળે છે. ‘ચાંદરણું’ વાર્તા ચરિત્રપ્રધાન વાર્તા છે. કથાની નાયિકા સવલીના જીવન પ્રસંગો વર્તમાન અને ભૂતકાળની વચ્ચે ખૂલે છે અને રચાય છે સવલીનું પાત્રાલેખન. ગરીબ માવતરના ઘરે ઊછરેલી સવલી મોટા ઘરની વહુ બને છે ત્યારે ખૂબ ખુશ હોય છે. પણ જેમ જેમ તેને તેના પતિની અને સાસરીયાના જીવનની વાસ્તવિકતા સમજાય છે ત્યારે તે ખુદ પણ નથી નક્કી કરી શકતી કે શું કરવું? તેનો એકનો એક દીકરો મિતુડો વાર્તાને નવો વળાંક આપે છે. અહીં વધારે પાત્ર નથી પણ જેટલાં છે એટલાં કથાને વિસ્તાર આપવા માટે પર્યાપ્ત છે. વાર્તાનું શીર્ષક પણ એટલું જ અટપટું છે. ‘શબ્દ વર્સીસ અક્ષર’ વાર્તામાં નાગર અને તન્મય એવાં બે પાત્ર છે જે શબ્દ અને અક્ષર માટે એકબીજાની વિરુદ્ધ છે. એકમાં સદ્‌ છે તો બીજો અસદ્‌નો આગ્રહી છે. એકને ભ્રષ્ટાચાર વરેલો છે તો બીજાને પ્રામાણિકતા. રાજકારણમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે પણ લેખક આંગળી ચીંધે છે. અહીં વાર્તા થોડી વધારે લંબાવાય છે એટલે વાચકને કંટાળો આવે એવું બને પરંતુ શબ્દ અને અક્ષરની લડાઈ વાચકને જાગતા રાખે છે. એક બાજુથી યંત્ર સંસ્કૃતિનો પ્રભાવ છે તો બીજી બાજુ પરંપરા અને સંસ્કૃતિ પણ છે. આ વાર્તામાં સાયન્સ ફિક્શનનો સરસ પ્રયોગ થયો છે. ‘બગલથેલો’ વાર્તાનું ભાવવિશ્વ જુદું છે. કોઈ પાણીમાં પરપોટો થાય અને તરત જ વિલાય જાય એવું આ વાર્તાનું પોત છે. વાર્તાનાં બે મહત્ત્વનાં પાત્રો કરુણાશંકર અને સનિની આજુબાજુ વાર્તા રચાય છે. બગલથેલો પ્રતીકાત્મક રીતે વાર્તાને એક નવી દિશા આપે છે. આપણા જનમાનસની ખોખલી ધાર્મિકતા પર તીખો વ્યંગ અહીં સર્જક કરે છે. ‘સમણાના ચોર’ વાર્તાનું કેન્દ્રસ્થ પાત્ર મણિમા છે. જેની વાર્તા કહેવાની કળા એટલી બધી અદ્‌ભુત છે કે બાળકો પોતાનું બધું જ ભૂલીને વાર્તાઓ સાંભળવા માટે આવી જાય છે. વાર્તાની શરૂઆત મણિમાની પુણ્યતિથિએ ઉજવાતા વાર્ષિક વાર્તામહોત્સવથી થાય છે. મણિમા અત્યારે હયાત નથી પણ તેની વાર્તાકળા હજીએ લોકોની વચ્ચે જીવે છે. વર્તમાન અને ભૂતકાળ એમ બન્ને પ્રયુક્તિ અહીં લેખકે અજમાવી છે. ‘ગમવું એટલે...’ વાર્તામાં નાયક અને નાયિકાનાં નામ નથી અપાયાં માત્ર એક સ્ત્રી અને પુરુષ એવો જ ઉલ્લેખ છે. પ્રેમની પરિભાષા વ્યક્ત કરતી આ વાર્તામાં લેખકે ઘણા સમય પછી મળતાં બે પાત્રને ચીતર્યાં છે. વાર્તાના શીર્ષકમાં જ લેખક ગમવું એટલે એમ કહી ત્રણ ટપકાં મૂકે છે. વાચક આ ખાલી પડેલા અવકાશમાં પોતાની રીતે પ્રત્યુત્તર સાધી શકે છે. વાર્તાના અંતે મુકાયેલું વાક્ય ‘તું ત્યારે પણ ગમે એવો નહોતો અને આજે પણ ગમે એવો નથી જ..’ લાક્ષણિક રીતે ‘ગમે એવું’ અને ‘ગમે એવું’ એવા બે અર્થો અહીં અભિપ્રેત છે. આ વાર્તામાં પુરુષ સ્ત્રીના બદલાતા મનોભાવોને વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓની મદદથી લેખકે આલેખ્યાં છે. આ સંગ્રહની અંતિમ વાર્તા એટલે ‘જેતલસર જંકશન’. આ વાર્તામાં પિતા પુત્રના વિશિષ્ટ સંબંધો આલેખાયા છે. પુત્રને નવાં નવાં પુસ્તકો ખરીદીને વાંચવાનો શોખ છે પણ પિતા તેની આ જિદ પૂરી કરી શકે એવા આર્થિક રીતે સક્ષમ નથી. પરંતુ વાર્તાના અંતે તેનો પુત્ર જ્યારે પોતાનું ઘર બનાવે છે અને યજ્ઞ કરે છે ત્યારે તેના પિતા ખુદ તેના માટે સરસ ચોપડીઓ ભેટમાં લઈને જાય છે. જેતલસરનું રેલ્વે જંકશન આ વાર્તામાં એક પાત્ર બનીને આવે છે એમ કહીએ તો એમાં કશું જ ખોટું નથી. આ સંગ્રહની બે વાર્તાઓમાં પિતા અને પુત્રના સંબંધો આલેખાયા છે. ધર્મેન્દ્ર ત્રિવેદીની વાર્તાઓમાં જીવનની વાસ્તવિકતા આપણી સમક્ષ ખડી થાય છે. તેમની વાર્તાઓ થકી ગુજરાતી સાહિત્યને એક નવી દિશા મળે છે. અહીં આલેખાયેલી મોટાભાગની વાર્તાઓમાં લેખકે વર્તમાન અને ભૂતકાળને સામસામે લાવીને મૂકી દીધા છે. ડૉ. કનૈયાલાલ ભટ્ટના શબ્દોમાં કહું તો “આ વાર્તાઓમાં વિષયની સાથે રચનારીતિ પણ નાવીન્ય લાવે છે. અહીં શબ્દ કરતાં અર્થ, અર્થ કરતાં મૂલ્ય અને મૂલ્ય કરતાં માનવતાનાં માર્મિક પડળો સહજતાથી ખૂલે છે અને તેથી આ વાર્તાઓ આપણી સૂતેલી સંવેદનાઓને જગાડે છે. અહીં પ્રકૃતિના અને માનવ સ્વભાવના વિવિધ રંગો અને રૂપ છે તો વળી દેહની તરસ અને આત્માની આધ્યાત્મિકતા, પ્રેમની શાશ્વતતા અને સંબંધોનું છળ છે. ભાષાનું સ્તર એકદમ સંયમિત અને સરળ છે. વાચક વાર્તાના ભાવ વિશ્વમાં તરત પ્રવેશી જાય એવો એનો પ્રવાહ છે. ભાષાના વ્યંગ્યમાં વેદના છે તો સચ્ચાઈના સૂર પણ ગૂંજે છે. સર્જકનું ભાષાકર્મ વાર્તાઓને એક નવી ઊંચાઈ આપે છે.’ ધર્મેન્દ્ર ત્રિવેદીની વાર્તાઓ વિશે કિરીટ દૂધાત નોંધે છે કે, ‘ધર્મેન્દ્ર વર્ષોથી અલગ અલગ, ક્યારેક તો એકબીજાથી વિરોધી લાગે એવી, અનેક જાહેર પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે. એની નોકરી પણ વિશેષ જવાબદારીવાળી છે. આ બધું જોતાં એને આ વાર્તા લખવાનો સમય ક્યારે મળ્યો હશે એની મને નવાઈ લાગે છે, પણ એની અંદર એક સિદ્ધહસ્ત વાર્તાકાર બેઠેલો છે એની શાહેદી આ વાર્તા પૂરે છે એ જોતાં, આ અંદરના વાર્તાકારને એ થોડી વધારે મોકળાશ અને એકાંત આપે તો અહીં રજૂ થઈ છે એથી પણ વધુ સરસ વાર્તાઓ એ આપી શકે એની મને ખાતરી છે.’

ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮