ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિજય સોની
હીરેન્દ્ર પંડ્યા
વાર્તાસંગ્રહ :
વૃદ્ધ રંગાટી બજાર (પ્ર. આ. ૨૦૧૯)
સર્જક પરિચય :
વાર્તાકાર વિજય સોનીનો જન્મ ૨૪ નવેમ્બર, ૧૯૬૯ના રોજ અમદાવાદમાં. ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન ઍન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગનો અભ્યાસ. એન્જિનિયરિંગ અધૂરું મૂકીને આરંભમાં બે વર્ષ વગર પગારની નોકરી કરી. સોનીકામ શીખ્યા. ત્યારબાદ આઠસો રૂપિયા પગાર શરૂ થયો. સવારના દસથી રાતના બાર વાગ્યા સુધીની તનતોડ મજૂરી, આર્થિક ભીંસ, શેઠનો જુલમ અને ભાવિની ચિંતા – આ યંત્રણામાંથી છૂટવા તેમણે ડાયરી લેખનનો આરંભ કર્યો. લગભગ પાંચ વર્ષનું સળંગ ડાયરી લેખન એ તેમની વાર્તાલેખનની ‘નેટ પ્રેક્ટિસ’. વ્યવસાયે સોનાના દાગીના બનાવતા આ સર્જકે ‘સાંકડી ગલીમાં ઘર’ વાર્તા લખી. તેમની આ પ્રથમ વાર્તા ઈ. ૨૦૦૫માં ‘ગદ્યપર્વ’ સામયિકમાં પ્રગટ થઈ. ત્યારબાદ તેમની વાર્તાઓ ‘તથાપિ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘નવનીત સમર્પણ’ જેવાં સામયિકોમાં પ્રગટ થતી રહી છે. ‘વૃદ્ધ રંગાટી બજાર’ (ઈ. ૨૦૧૯) તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ. આ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનો ‘તખ્તસિંહ પરમાર’ પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક, અંજલી ખાંડવાળા પુરસ્કાર અને કુમાર આટ્ર્સ ફાઉન્ડેશનનો ર. વ. દેસાઈ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અત્યારે પણ પ્રતિષ્ઠિત સામયિકોમાં તેમની વાર્તાઓ પ્રકાશિત થઈ રહી છે.
કૃતિ પરિચય :
ઈ. ૨૦૧૯માં પ્રકાશિત આ સંગ્રહમાં ૧૨ વાર્તા (કુલ પૃષ્ઠ ૧૪૨) છે. સંગ્રહના આરંભે સર્જક ‘વાર્તાની વાર્તા’ નામથી વાર્તાલેખન પાછળની પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે છે. મહેન્દ્રસિંહ પરમારે ‘વાર્તાનો તાજો નવો રંગ’ શીર્ષકથી પ્રસ્તાવના લખી છે. સંગ્રહના અંતે વીનેશ અંતાણીના બે વાર્તા વિશેના અને મોહન પરમારના છ વાર્તા વિશેના પ્રતિભાવ લેખરૂપે સમાવ્યા છે. પ્રથમ વાર્તા ‘સાંકડી ગલીમાં ઘર’ ઈ. ૨૦૦૫માં રચાઈ અને અંતિમ વાર્તા ‘પાસબુક અને ડોસો’ ઈ. ૨૦૧૮માં રચાઈ છે. સર્જક પોતાની વાર્તાલેખનની પાછળનાં પરિબળો વિશે કહે છે, ‘ડાયરી એ મારા લેખનની મારી વાર્તાઓની નેટપ્રેક્ટિસ હતી... મેં છીના-ઝપટી, કાળીમજૂરી, માર, ગાળો, અપમાનબોધ અને કામ નહીં આવડે તો શું કરીશ એવી ઘેરી અસલામતી અનુભવી છે. ડાયરી અને વાર્તાઓ એ યંત્રણામાંથી ભાગી છૂટવાનો હાથવગો અને સરળ ઉપાય છે એમ માનીને એમાં પ્રવેશ કર્યો હતો, બસ ત્યારથી જિંદગીને જુદા ગ્લાસથી જોવાની ટેવ પડી ગઈ છે. હજુ પણ જ્યારે વાર્તા લખવાનો વિચાર આવે ત્યારે સૌથી પહેલાં Conflictનો જ ઝબકારો થાય છે.’ બારેય વાર્તામાં સર્વજ્ઞ કથક છે. કથકની તટસ્થતા અને તેનો સહાનુભૂતિપૂર્ણ સ્વર સંગ્રહની વિશેષતા છે. આ વાર્તાઓનો પરિવેશ મહદ્અંશે શહેરની ચાલી, વાસ, હાઉસિંગ બોર્ડ અને ઝૂંપડપટ્ટીનો છે. શહેરનો ગરીબ મુસ્લિમ સમાજ તેના પોતીકા રૂપરંગ સાથે ‘સાંકડી ગલીમાં ઘર’, ‘ટેકરો’ અને ‘તડકી’ જેવી વાર્તાઓમાં આલેખાયો છે જે સંગ્રહની ત્રીજી વિશેષતા છે. કથક પ્રકૃતિ, વિષયવસ્તુ અને પાત્રનાં સંવેદનોને પરસ્પર સાંકળી લે છે તેથી પ્રકૃતિનાં વર્ણનો વાર્તાનું અંતરંગ તત્ત્વ બની જાય છે. ‘સાંકડી ગલીમાં ઘર’ અને ‘વૃદ્ધ રંગાટી બજાર’ – બંનેની પાર્શ્વભૂમાં કોમી હુલ્લડો છે. ધર્મની ભીંત ઓળંગી ગયેલી અમીના અને રૂખીની મિત્રતાની તથા ટોળાની હિંસ્રવૃત્તિની વાત ‘સાંકડી ગલીમાં ઘર’ વાર્તામાં છે. ‘વૃદ્ધ રંગાટી બજાર’માં રમલીના પાત્ર વડે સ્ત્રીના પત્ની અને માતા તરીકેના દ્વંદ્વમાં માતૃત્વના વિજયની વાત કલાત્મકતાથી રજૂ થઈ છે. ‘સાંકડી ગલીમાં ઘર’માં અમીના બે બાળકો અને પોતાનું પેટ ભરવા માણેકચોકમાં રૂખી સાથે દાતણ વેચે છે. શરમાળ અને અંતર્મુખી અમીના વાચાળ અને બહિર્મુખી રૂખી સાથે સલામતીનો ભાવ અનુભવે છે. સલીમના ભાગી ગયા બાદ ભાંગી પડેલી અમીનાને રૂખી હેત અને હૂંફથી જાળવી લે છે તો સાસુના માર વખતે રૂખીને અમીનાની હૂંફ મળે છે. સાડીનો છેડો સરકાવીને દાતણ વેચવાની રૂખીની રીત જોઈ અમીના શરમાઈ જતી. હુલ્લડના લીધે અમીના દાતણ વેચવા જઈ શકી નથી અને વાસમાં મામદ અમીનાને ભોગવવાનો મોકો શોધી રહ્યો છે. વહેલી સવારે અઝાનનો અવાજ ઠંડી ચીરીને આવે અને અમીના ઠંડા પાણીથી સ્નાન કરતી વેળાએ પોતાના ભર્યાભર્યા નગ્ન દેહને જોઈને શરમથી લાલ થઈ જાય તે ક્ષણથી વાર્તા શરૂ થાય છે. મોડી રાત્રે અમીના કોમની ગદ્દાર છે તેમ કહી, હિંસક ટોળા વચ્ચે અમીનાને મામદ ઢસડી લાવે અને ટોળાની હાજરીમાં ગદ્દાર અમીનાની બંને સાથળ વચ્ચે ચાંદબીબી મુઠ્ઠી ભરીને મરચું ભરી દે; ત્યારે અમીનાની ‘યા અલ્લાહ’ની કારમી ચીસ સાથે વાર્તા પૂરી થતી હોઈ વાર્તામાં ભૌતિક સમય માત્ર એક દિવસનો છે. આ એક દિવસમાં અમીના સ્નાન કરવા જાય ત્યારે તેની સ્મૃતિઓ રૂપે સલીમનું ભાગી જવું, મામદના બદઇરાદા, રૂખીનો આગવો મિજાજ, રૂખી-અમીનાનાં બહેનપણાંને સર્જક વણી લે છે. મામદ અને તેના સાથીદારો કેરોસીન વડે રૂખી જ્યાં રહે છે તે ઝૂંપડપટ્ટી સળગાવવાનું કાવતરું રચે, અમીના જોખમ વહોરીને રૂખીને ચેતવે, રૂખી પ્રેમથી અમીનાનું કપાળ ચુમી તેને ત્રણસો રૂપિયા બળજબરીથી આપે અને આ જ ત્રણસો રૂપિયા વડે મામદ અમીનાને દગાખોર, કાફરોને મદદ કરનારી ગણાવે – આટલા પ્રસંગો આ દિવસે બને છે. સર્જકે અમીનાની સ્મૃતિઓમાં પણ ચોક્કસ ક્રમ જાળવ્યો છે. શરીરથી સલીમ (સ્વ-રતિથી સ્નેહ અને ધિક્કાર), મામદ (ડર), પોતાની ભરાવદાર કાયાથી રૂખીની વાતો અને રૂખીનો દેહ (ભીતિમાંથી છૂટવા રતિ, સલામતી અને મૈત્રી) ‘રૂખીની હાજરીમાં અમીના પોતાને સલામત સમજતી’ (પૃ. ૧૯); રૂખીની સાસુ સાથે લડાઈ અને સલીમનું ભાગી જવું (બંનેનો એકમેક પ્રત્યેનો સ્નેહ) અને અંતે રૂખીની શરીર બતાવી ધંધો કરવાની વાતે સંકોચાતી અમીના – શરીરથી શરીર (રતિથી સંકોચ) એમ આખું સ્મૃતિચક્ર પૂર્ણ થાય છે. માનસશાસ્ત્રીય રીતે પણ આ ક્રમ યોગ્ય છે. એકલતા અને ડર વખતે નજીકની વ્યક્તિ યાદ આવવી તથા ખરાબ પ્રસંગો ભૂલવા સારા પ્રસંગો યાદ કરી માનવીનું ચિત્ત ટકવા મથે એ સહજ માનવચિત્તની વૃત્તિ છે. આ સંસ્મરણો વડે અમીના અને રૂખીની મિત્રતા સમજ્યા બાદ મામદનું વાસ સળગાવવાનું ષડ્યંત્ર જાણી અમીના રૂખી પાસે દોડી ન જાય તો ભાવકને નવાઈ લાગે. સર્જકે ધાર્મિક સંદર્ભો પણ સુંદર રીતે ગૂંથી લીધા છે. આરંભ અઝાનથી અને અંતે ‘યા અલ્લાહ’ની ચીસ. આરંભે મસ્જિદના મિનાર પર કબૂતરોનો ફફડાટ અને અંતે ટોળાં વચ્ચે ફફડતી અસહાય અમીના. વાર્તાના આરંભે જ કથક અમીનાના ઘરનું કેલેન્ડર દર્શાવતાં કહે છે, ‘કાબાના પથ્થરવાળું કેલેન્ડર હવામાં ધ્રૂજતું હતું. અઝાનનો બુલંદ અવાજ અને કેલેન્ડરનું ધ્રૂજવું – બંને સાથે થતા હતા. હુલ્લડમાં ગરીબ ધ્રૂજે તેમ.’ (પૃ. ૧૭) ‘વૃદ્ધ રંગાટી બજાર’માં પણ સિંદૂરિયા હનુમાનનો સંદર્ભ આવી જ કલાત્મક રીતે ગૂંથાયો છે. તેમાં ચૈત્ર માસના એક દિવસના માંડ ત્રણ કલાકની વાત છે. સત્તર દિવસના કરફ્યુ બાદ અઢારમા દિવસે ૪થી ૭ કરફ્યુમુક્તિ દરમિયાન બનતી ઘટનાઓ રજૂ થઈ છે. રંગાટી બજારની પોળમાં રહેતી અને શાકની લારી ચલાવતી રમલી, તેનો પતિ કનુ, અજાણી મુસ્લિમ સ્ત્રી અને હિંસક ટોળું મુખ્ય પાત્રો છે. ચાર માસની સગર્ભા રમલીને (આ હુલ્લડના બેમાસ પૂર્વે) કનુએ પેટ પર લાત ફટકારતાં તેને ગર્ભપાત થઈ ગયો હતો એના ટાંકા હજુ રમલીને પીડે છે. દારૂ પી, ગુપ્તી લઈ, સામેવાળાના ટોળામાં ઘૂસી જનાર કનુ પોળના લુખ્ખાઓનો હીરો બની ગયો. એ ધમાલ પછી કનુ જીવતો છે કે કેમ? પાછો આવશે કે કેમ? એવા વિચારોમાં અટવાયેલી રમલી જુએ છે કે એક બુરખાવાળી સ્ત્રીની પાછળ ટોળું પડ્યું છે ને કનુ ક્યાંકથી આવી જઈ, એ સ્ત્રીના હાથમાંથી બચ્ચું ખેંચી લઈ, તે સ્ત્રીના પેટ પર લાત ફટકારી દે છે. ટોળાની ચિચિયારીઓથી તાનમાં આવેલો કનુ ધાબા પરથી બચ્ચાને નીચે ફેંકવા જાય તે પહેલાં જ રમલી તેના હાથમાંથી બચ્ચું આંચકી લઈને કનુને ધક્કો મારી દે. આરંભથી રમલીની માતૃત્વની ભાવનાના સંકેતો મુકાયા હોઈ અંત કૃત્રિમ લાગતો નથી. આ સંકેતો જુઓ. ‘ગાડીનો આખો ડબ્બો બાળી નાંખ્યો હતો, માણસ હંગાથે... રમલીનો હાથ અનાયાસ પેટ પર જતો રહ્યો.’ (પૃ. ૭૫) ‘લાલચટ્ટક, મુઠ્ઠી જેવડો આકાર બંધાયો હતો. સફેદ ડિશમાં નર્સે બતાવ્યો હતો... રમલીએ પેટ પર હાથ ફેરવ્યો. આંખમાં પાણી ખેંચાઈ આવ્યું.’ (પૃ. ૭૭) (ગર્ભપાતની ક્ષણો વાગોળતી રમલી) ‘મારી નજર હામે આને નહીં મારવા દઉં, એના પેટમાં ફરી ફરકાટ થયો.’ (પૃ. ૮૦) (કનુને ચેતવણી આપતી રમલી) સર્જક બે દિવાસ્વપ્ન વડે રમલીના કનુ પ્રત્યેના સંકુલ મનોભાવો દર્શાવે છે. પોલીસ ગોળીબારમાં કનુ માર્યો ગયો એ દિવાસ્વપ્નથી રમલીને પરસેવો વળી જાય. બીજી ક્ષણે કનુ તેને વીંટળાઈ વળ્યો છે તેવા સ્વપ્નમાં ખોવાઈ જતી રમલીનું પાત્ર પણ અમીના જેવું સંકુલ છે. આખા બજારને જોતાં હોય તેવા સિંદૂરિયા હનુમાન, મુસ્લિમ સ્ત્રીના બચ્ચાને હનુમાનના ખભે મૂકી દઈ બચાવી લેવાય તો એમ કલ્પના કરતી રમલી, કનુને ધક્કો માર્યા બાદ હનુમાન સામે જોઈ રડી પડતી રમલી – આ ધાર્મિક નિર્દેશો અગત્યના છે. રમલીનાં માતૃત્વની પડખે હત્યારા કનુનું વ્યક્તિત્વ સચોટ રીતે ઊપસી આવ્યું છે. સામાન્ય વાચકને તેનું પાત્ર થોડું અપ્રતીતિકર લાગે. પત્રકાર રેવતીલાલે ‘ધ એનટોમી ઑફ હેટ’ ગ્રંથમાં હુલ્લડોમાં હિંસક ભૂમિકા ભજવનાર સો જેટલા પુરુષોની મુલાકાતો લઈને તેમની માનસિકતા સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમાં એક એવા પુરુષનો ઉલ્લેખ છે જે બીજા ધર્મની સ્ત્રી સાથે લગ્ન જ એટલા માટે કરે છે કે તેની મારઝૂડ કરી, તેના પર રોજ બળાત્કાર કરીને પોતાના ધર્મનું વેર લેવાય. આવી જ ઘૃણા, હિંસા અને લોહીની તરસ કનુમાં જોવા મળે છે. પોતાના બાળકની ગર્ભમાં હત્યા કરવી, રમલીને પેટ પર ફટકારી હતી તેવી જ લાત મુસ્લિમ સ્ત્રીના પેટ પર મારવી અને તે સ્ત્રીના બાળકને મારી નાંખવા માટે અવળી દલીલો કરતા કનુમાં રહેલો જાનવર ધ્રુજાવી દે. મામદ અને કનુને પાનો ચડાવતું ટોળું સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગયેલી ઘૃણા અને હિંસાની ભાવના દર્શાવે છે. ‘બ્લેક ઍન્ડ ગ્રે’ સંગ્રહની પ્રમાણમાં વિશેષ સંકુલ વાર્તા છે. અમેરિકામાં ચૌદ વર્ષથી ગેરકાયદેસર રહેતી કથાનાયિકા મીરાં શુક્રવારે સાંજે તેની સખી શીતલ ઉર્ફે સ્ટેલાને મળે અને સ્ટેલા તેને નીગ્રો ટ્રાય કરવા કહે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. ‘ડિયર, ડોન્ટ વારી. ગેટ મની ઍન્ડ એન્જોય, લેટ હિમ એન્જોય ટુ. અમેરિકામાં રહે છે ને ઇન્ડિયાનો કોથળો વીંટીને દોડ્યા કરે છે... કાગડા બધે કાળા, એક્સપ્લોઈટ એવરી બડી એન્ડ એક્સપ્લોર એવરીથિંગ.’ (પૃ. ૯૨) રવિવારની સાંજે મીરાં હોટેલમાં નીગ્રોના પરસેવાને શ્વાસમાં ભરીને, નક્કી કરેલા ડૉલર લઈને પોતાના ફ્લેટ પર પહોંચે. આ અનુભવને વાગોળતી હોય ત્યાં પતિ ભરતને પેરેલિસિસનો હુમલો આવતા અમદાવાદની હૉસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર ફોન વડે મળતા ચૌદ વર્ષ બાદ તે ભારત પાછી ફરે. અહીં પણ પહેલાં તો, તેનાથી વયમાં નાના એવા તેના રાજસ્થાની ડ્રાઇવર ડુંગર સાથે સંબંધ બાંધે. હૉસ્પિટલમાં ભરતને જોઈ પાછી ફરે અને ડુંગરની ડોશીના પલંગ પર ફાટેલી ગોદડી ઓઢીને સૂઈ જાય ત્યાં વાર્તા પૂરી થાય છે. સર્જકે મૂકેલા સૂક્ષ્મ સંકેતો સમજીએ તો મીરાંનું પાત્ર સમજાય. બે યાંત્રિક જાતીય સંબંધ અને પતિની માંદગી તથા મીરાંની થીજી ગયેલી સંવેદનાઓની સહોપસ્થિતિથી સર્જકે કમાલ કરી છે. મીરાંની જ શારીરિક-માનસિક વૃત્તિઓને સૂચવતું બરફવાળું ધુમ્મસભર્યું વિદેશનું વાતાવરણ, અમદાવાદના ઉનાળાનો ઉકળાટ અને તેથીયે આગળ ચૌદ વર્ષથી બંધ ફ્લેટનું વર્ણન તો ચૌદ વર્ષથી જાતીય રીતે અતૃપ્ત મીરાંનું જ પ્રતીક બની રહે છે. મીરાંનું વર્ણન કરતા કથક કહે છે, ‘ડુંગળીના પડની જેમ જવાનીનાં પડ ઊખડી રહ્યાં હતાં... ચુમ્માળીસમુ ચાલતું હતું. સાઇકલ હવે અટકી ગઈ હતી... સીતાના વનવાસ જેવાં ચૌદવર્ષ થયાં. પહેલાં દસ વર્ષમાં ડૉલર-ડૉલર કરીને રાતદિવસ એક કરી નાખ્યાં. છેલ્લાં ચાર વર્ષમાં શરીરે બદલો લીધો હતો... કાચમાં એણે જળવાઈ રહેલું શરીર તપસ્યું. છાતી જાણે છે જ નહીં. હમણાં જ ઉભારની સર્જરી કરાવી હતી.’ (પૃ. ૯૨) આની સમાંતરે મીરાંના બંધ ફ્લેટનું વર્ણન જુઓ. ‘પિલરોનો રંગ ઊખડી ગયો હતો. ભૂકંપમાં મકાન ઝોલો ખાઈને થોડું નમી ગયું હતું. દીવાલોની તિરાડો ચોમાસાની વીજળીની જેમ લાંબી ખેંચાઈ ગઈ હતી.’ (પૃ. ૯૭) વાર્તામાં આરંભથી જુદી જુદી ગંધના સર્જકે ઉલ્લેખો કર્યા છે. બ્લેક કૉફીની કડક સુગંધ, નીગ્રોના પરસેવાની ગંધ, ન ધોવાયેલાં કપડાંની વાસ, ડુંગરના પસીનાની ગંધ, અમદાવાદના બંધ પડેલા ફ્લેટની વાસ, ધૂળ અને તાજા વીર્યની ગંધ – આ બધી ગંધ મીરાં અનુભવે છે, માણવા મથે છે. તે ક્યાંય ફ્લેટની ગંદકી કે ધૂળથી અકળાતી નથી, પરંતુ અંતે એંઠવાડની વાસથી બચવા નાકે રૂમાલ દાબે છે. ત્યાં મીરાંમાં આવેલું પરિવર્તન જોઈ શકાય. ચૌદ વર્ષથી બંધ અવાવરુ ફ્લેટ જેવું જ જીવન જીવનારી મીરાં ચૌદ વર્ષ બાદ ઉપરાઉપરી બે સંબંધ બાંધી એ એકલતામાંથી ભાગી છૂટવા મથે. અહીં રતિ એ મુખ્ય ભાવ નહીં પણ એકલતા, ખાલીપો, વર્ષોનો થાક, ભાર, ઉદાસીનતા, પતિથી વિચ્છેદ આ સંબંધો સૂચવે છે. શારીરિક રીતે લકવાગ્રસ્ત ભરત અને આંતરિક રીતે લાગણીઓ, સંવેદનાઓથી કપાયેલી મીરાં બંનેની સ્થિતિ એકસમાન છે. ‘ટેકરો’ અને ‘તડકી’ પૈકી ‘ટેકરો’ પ્રમાણમાં વિશેષ સંકુલ પ્રકારની વાર્તા છે. ‘ટેકરો’માં ભૌતિક સમય રાતના સાડા નવથી બીજા દિવસની અઝાન સુધીનો છે. આ બંને વાર્તાઓનાં મુખ્ય પાત્રો અનુક્રમે સલીમ અને સુલતાન નિમ્ન વર્ગનાં છે. ફ્રોઇડના મતે, ‘ઈડ’થી દોરવાઈને જીવતો મનુષ્ય છેવટે તો સ્વનો વિનાશ નોતરે છે. સલીમના ચિત્ત પર ઈબુ બાદશાહ અને નુરિયો કાબૂ લઈ લે છે. ‘સલીમના શરીરમાં નુરિયો અને અબ્બા જાણે ઠંડીથી થીજી ગયા હતા.’ (પૃ. ૨૯) કાચિંડાના લોહીથી હાથ રંગનારો સલીમ અંતે બાપના લોહીથી હાથ રંગે છે. સલીમ સોનીકામ કરતો હોય એ મકાનના વર્ણનથી વાર્તા શરૂ થાય છે. પગારનો દિવસ હોવા છતાં શેઠ પૈસા આપવાના બદલે સલીમને નોકરીમાંથી છૂટો કરે. પૈસાની વાતે બાપ ઝઘડશે એ વાતે ડરતા સલીમને નુરિયો યાદ આવે. કથક સલીમની સ્મૃતિઓ રૂપે નુરિયાના કાળા ધંધા, વેશ્યાલયનો અનુભવ, ભૂરીની વાતે નુરિયા સાથે થયેલી લડાઈ, છોકરીઓ વેચવાનો નુરિયાનો ધંધો વગેરે વણી લે. બાપ સાથે તકરાર કરી જમ્યા વિના સલીમ ઘરની બહાર નીકળી ‘અલ્લાહે રાહ ચીંધી હોય તેમ’ નુરિયાના અડ્ડા પર પહોંચી જાય. તેનો અહમ ભડવાગીરી કરતાં તેને રોકે, પણ વળી વળીને ‘ઈડ’ બેકારીમાં નુરિયાની જેમ છોકરીઓનો ધંધો કરવા તરફ ખેંચે. નુરિયાએ આપેલા પાઉડર અને દારૂના નશામાં રાત્રે દોઢ વાગે ઘરે પહોંચેલો સલીમ ભૂરીના શરીર પર ઝૂકે. ભૂરી તેને ધક્કો મારીને ભાગી જાય. સવારે બાપ સલીમે ભૂરી નુરિયાને વેચી નાંખી એવો આરોપ મૂકે અને ઈડના સંપૂર્ણ તાબા હેઠળ આવી ગયેલો સલીમ બાપનું માથું લીમડાના ઝાડના થડમાં ભટકાડી દે. સલીમ મજૂર વર્ગનો છે કે નશાની અવસ્થામાં આમ વર્તે છે એમ માનવું સર્જકને અન્યાય કરવા જેવું છે. રાતનો સમય, ચુસ્ત સમય સંકલના, શેઠ, ઈમરાન, બાપ વગેરે દ્વારા સતત થતું રહેલું સલીમનું શોષણ. તેની સમાંતરે નુરિયાની જાહોજલાલી, સલ્ફ્યુરિક એસિડના ધુમાડામાંથી છૂટવા પાઉડર અને દારૂનો નશો, સલીમની કડવી સ્મૃતિઓ – આ બધાંના અત્યંત સૂક્ષ્મ અને કલાત્મક નિરૂપણ વડે સર્જક સલીમની વિશિષ્ટ મનઃસ્થિતિને તંતોતંત આલેખે છે. કહો કે, કુશળ માનસશાસ્ત્રીની અદાથી પણ સર્જકની સમભાવપૂર્ણ દૃષ્ટિથી થયેલું સલીમનું નિરૂપણ વાર્તાનું જમા પાસું છે. ‘તડકી’ વાર્તાનો નાયક સુલતાન વ્યવસાયે ઢોલી છે, ઉઠાઉગીર છે. સાથે જ તે પાઉડરની ડિલિવરી કરે છે અને તેની તેને લત પણ છે. સુલતાનની મા, પ્રેમિકા ચંદા અને બેન્ડવાળો હુસેન આટલાં પાત્રો છે. વહેલી સવારે વાદળોની ભીનાશ વચ્ચે સુલતાન જાગે છે અને તેની મા ચંદાના લગ્નની ખબર આપે છે ત્યાં વાર્તા શરૂ થાય છે. રાત્રે પાઉડરના નશામાં ચંદાના લગ્નમાં ઢોલ વગાડતાં લોકો વડે માર ખાઈને ફસડાઈ પડે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. સુલતાનની એક વેળાની પ્રેમિકા ચંદા લગ્ન કરી રહી છે. બંને જાણે છે કે તેમનાં લગ્ન શક્ય નથી. બપોરે બંને શરીરસુખ માણે છે. ચંદા તેની પાસે પહેલીવાર પોતાની કમાણીના પૈસે ઝૂમખા લાવી આપવા કહે છે. આરંભે જ ખ્યાલ આવી જાય કે સુલતાનનો અંત શો હશે. તે પ્રતિક્રિયા રચના દ્વારા પ્રબળ રીતે ચંદા પ્રત્યેના પ્રેમને છુપાવવા મથે છે. અંતે લાગણીના દબાણને વશ ભાંગી પડે છે. સુલતાનની લાગણીઓનું જો આ રીતે નિરૂપણ ન થયું હોત તો તેનું પાત્ર ધૂમકેતુની વાર્તાસૃષ્ટિ જેવું બની જાત. ‘બીજી શરત’ અને ‘રતનપોળ-શેઠની પોળ’ બંને વાર્તામાં ગરીબી અને જાતીય શોષણ જોવા મળે છે. ‘બીજી શરત’માં વાસના ઉતાર પશા અને શંકરના શેઠ એ બંનેના લખમી જોડેના વર્તનને પાસપાસે મૂકીને સર્જક બંનેની વૃત્તિઓમાં રહેલી ભિન્નતા તથા શંકર અને લખમીના દૃષ્ટિકોણમાં રહેલા ભેદને સચોટ રીતે ઉપસાવે છે. વાસના ઉતાર પશાના પત્ની લખમીના મોઢે વખાણ સાંભળી શંકરનો અહમ્ ઘવાય એ સહજ છે. પત્ની પર રૂઆબ છાંટવા શંકર શેઠનો પક્ષ લે ત્યાં વાર્તાનો ખરો કરુણ રહેલો છે. શેઠની શોષણવૃત્તિ પર જો વાર્તાકાર અટકી જાત તો વાર્તા સીમિત પરિમાણવાળી બની જાત. વાર્તાના અંતે શેઠે પોતાની હથેળીમાં નખ માર્યો એ બતાવતા લખમી શંકરને કહે છે, ‘મને તો નફ્ફટ નજરનોય હારો નો લાગ્યો!’ જવાબમાં વિના વિચારે મનોમન પશાથી લઘુતા અનુભવતો (ખાસ તો લખમીએ તેનાં વખાણ કર્યાં એ વાતે) શંકર પશા સાથે શેઠની તુલના કરતો હોય તેમ કહી દે છે, ‘તને તો શી ખબર તારો પશોભૈ જ શાહુકાર લાગે છે. એ બિચારા તને શું લેવા નખ મારે? અજાણતાં વાગી ગયો હશે. એમાં તું આવા સિસકારા શું કરે છે?’ (પૃ. ૫૪) શંકર પશા પ્રત્યેના દ્વેષ અને લઘુતાને કારણે શેઠની વૃત્તિ પામી શકતો નથી. સર્વજ્ઞ કથકના મુખે સંવાદ મૂકવાના બદલે પાત્રમુખે સંવાદ મૂકી સર્જકે કલાકીય સંયમ જાળવ્યો છે. વાર્તાના અંતે કથક લખમીને પશાની ઓસરીમાં પડતા તડકાના ચાંદરણા તાકતી બતાવી છે. લખમીની આ મૂક ચેષ્ટા તેના અને શંકર વચ્ચે વધી રહેલા અંતરને સૂચવે છે. ‘રતનપોળ-શેઠની પોળ’ તેના અણધાર્યા છતાં પ્રતીતિકર સુખદ અંતને લીધે નોંધપાત્ર બને છે. વાર્તાનો સમય સવારના થોડા કલાકોનો છે. સાસુ-વહુ વચ્ચેના ખટરાગથી શરૂ થતી વાર્તા બંને સાથે ચા પીવે તેવા સુખદ અંત સાથે પૂરી થાય છે. ‘સાંકડી ગલીમાં ઘર’ની રૂખીની જેમ લટકાળી ચાલ વડે રતનપોળના સોનીઓને વર્ષોથી કેરી વેચતી નીરુ પુત્રનાં લગ્ન માટે કનિયા શેઠને ત્યાં બુટિયાં ગીરવી મૂકીને ઉધાર રૂપિયા લે છે. છોકરો તો વહુ અને નાના દીકરાને મૂકીને ભાગી જાય છે. આજે જો રૂપિયા ન આપે તો શેઠ બુટિયાં પડાવી લેશે એ વાતે સવારથી નીરુ મુંઝાય છે. નીરુ સાથે પહેલીવાર બજારમાં આવેલી વહુ આમાંનું કશું જાણતી નથી. રૂપિયાની ઉઘરાણીના બહાને વહુની છેડતી કરતા શેઠને કપાળમાં હથોડો ફટકારીને, સાસુનાં બુટિયાં પણ સેરવી લઈને વહુ નીરુ પાસે પહોંચી જાય છે. સાસુ-વહુના વિલક્ષણ સંબંધનું નિરૂપણ વાર્તાનું જમાપાસું છે. જીવલી નીરુને ડોશી કહે ત્યારે અકળાઈ જતી નીરુનું નિરાળાપણું સર્જકે સરસ રીતે ઉપસાવ્યું છે. આરંભે થોડી ફૂવડ અને અણસમજુ લાગતી વહુ શેઠ સામે જે રીતે વર્તે તે જોતાં ભાવકને સુખદ આંચકો લાગે. ‘સિસ્ટરહુડ’ની ભાવના અહીં જુદી રીતે સિદ્ધ થઈ છે. અમીનાને તેનો વર છોડી ગયો છે. રમલીનો કનુ હુલ્લડખોર બની ગયેલો બેજવાબદાર જાનવર છે. નીરુનો દીકરો પણ મા અને વહુને મૂકીને નાસી ગયો છે. એ દૃષ્ટિએ સંગ્રહનાં સ્ત્રી-પાત્રો સંઘર્ષ કરનારાં છે, ભાગેડુ નથી. ‘મમ સત્યમ’ બાપનો સાચો ચહેરો ઓળખી જતાં મૂંગી થઈ જતી દીકરીની વાર્તા છે. ચાર ખંડમાં વહેંચાયેલી આ વાર્તામાં અન્ય વાર્તાઓની તુલનામાં સર્વજ્ઞ કથકનો ટોન હળવા વ્યંગ્ય કટાક્ષવાળો હોઈ કરુણ ઘૂંટાઈને રજૂ થયો છે. કથક વિનુભાઈ સોનીનું બેવડું વ્યક્તિત્વ, તેમનું લગ્નજીવન, દીકરી સાથેના સંબંધ – આ બધી વાત થોડી વક્ર રીતિથી કરે છે. વિનુભાઈની પત્નીને તે ‘પેલાં એ’ કહીને વર્ણવે છે તે પણ સૂચક છે. ‘બે મહોરાં પહેરીને જીવતા વિનુભાઈ... સવારે સાડા નવથી રાત્રે સાડા નવ વિનુભાઈ ઘરેણાંમાં ઓગળી જાય. રાત્રે સાડા નવ પછી ઘરે બીજું મહોરું નીકળતું. પાત્રો વિનુભાઈના ગુલામ. કહે એમ કરે. કોઈક વાર પાત્ર હઠે ભરાય, નવો ચીલો ચાતરવા જાય તો વિસર્જન જ ઉપાય.’ (પૃ. ૩૫) અહીં જ ખ્યાલ આવી જાય કે પોતાનાથી જુદો સર્જકનો મત ન સ્વીકારતા વિનુભાઈ દીકરીનો જુદો મત શી રીતે સ્વીકારે? પિતા સાથે દેશ-દુનિયાના ગ્રંથોની, સર્જકોની ચર્ચા કરતી પુત્રી પિતા પર વિશ્વાસ મૂકીને મુસ્લિમ પ્રેમીને મળવા ઘરે બોલાવે ત્યારે પિતાનો સાચો ચહેરો જુએ. એ વાતે ‘ખુલ્લાં, બોલકાં, તર્ક-વિતર્કથી સામેવાળાનું માથું ફોડતાં’ પાત્રોની ચાહક દીકરી સુરેશ જોષીનાં પાત્રો જેવી મૂંગીમંતર થઈ, સાસરીમાં ઘુમટો તાણી જીવવા માંડે. એક આંખ કાચની હોય તેવા પતિ સાથે જીવતી દીકરીના સંવાદો મર્મભેદક છે. ‘ત્રણ આંખોનો સંસાર, પપ્પા, ઘણીવાર બધું શંકરાચાર્યના માયાવાદ જેવું લાગે... તમે સમાધાનની કોઈ ફોર્મ્યુલા લઈને આવ્યા હોય તો તમારી ભૂલ થાય છે. હું તો હારેલી યોદ્ધા છું. શરણે ગયેલાને વરણી ન હોય.’ (પૃ. ૪૩) ‘સ્ત્રી અને તડકો’ ધૂમકેતુની યાદ અપાવે તેવી મેલોડ્રામેટિક રચના છે. વિજય સોની જે આગવી રીતિએ વાસ્તવનું નિરૂપણ કરીને વાર્તાને ઊંચાઈ પર લઈ જાય છે તે આ વાર્તામાં બનતું નથી. ‘વાર્તા@ વાતનગર’માં સર્જકના ઘટના અને વાર્તાના સંબંધ વિશેના આગવાં નિરીક્ષણો ગમે પણ આ નિરીક્ષણોનું નિરૂપણ સુરેખ રીતે થયું નથી. તેથી વાર્તા નબળી બની છે. ‘હાઉસિંગ બોર્ડ અને ગાજ-બટન’ તથા ‘પાસબુક અને ડોસો’ શહેરી મધ્યમવર્ગીય કુટુંબજીવનની સંકુલતાને આલેખતી સક્ષમ રચનાઓ છે. મહેન્દ્રસિંહ પરમાર લખે છે, ‘યૌનસંબંધો – શોષણ, જાતીયતાની તીવ્રતા, નીતિ અને મૂલ્યોની સામે અથડાતા જૈવિક આવેગો, નગરજીવનની અણપ્રીછી વાસ્તવિકતાઓ, કોમી તણાવો અને માનવ્ય, શોષણનાં બહુવિધ રૂપો, નારી સંવેદનની અરૂઢ ગતિવિધિઓ, ‘અંદર’ની દુનિયાનાં દૂષણો, વિભિન્ન વ્યવસાયો અને વ્યાવસાયિકો, બળુકા પ્રસંગો અને વૈચિત્ર્યોથી ભરેલી માનવસૃષ્ટિ, વાર્તાને વળ ચઢાવતી કથન પ્રયુક્તિઓ, સૂક્ષ્મ નિરીક્ષણો, વિગતો અને એનાં નિરૂપણની બારીકીઓ આ વાર્તાઓના મહત્ત્વના વિશેષો ગણી શકાય.’ (વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાંથી) નગરજીવનની ચમકદમક પાછળ ઢંકાઈ જતાં વાસ, પોળ અને ઝૂંપડપટ્ટીના પરિવેશનું સૂક્ષ્મ અને વાસ્તવિક નિરૂપણ, આ પરિવેશના આર્થિક-સામાજિક તંતુઓમાં સંપૂર્ણપણે જકડાયેલાં પાત્રોનું માનસશાસ્ત્રીય આલેખન, કથકનો સમભાવપૂર્ણ સ્વર, સ્ત્રીઓનાં અનેક શેડ્ઝ, વિષયવસ્તુને વળ ચઢાવે તે રીતે આવતું ઠંડી, તડકો, વરસાદ, ધુમ્મસ, ઉકળાટ આદિનું આલેખન, ધાર્મિક ચિહ્નોને ગૂંથી ટોળાની બર્બરતાને ઉજાગર કરવાની રીત અને આ બધાંની પાછળના કરુણની ચેખોવની સમભાવશીલતાની યાદ અપાવે તેવી સર્જકની વેદનશીલ દૃષ્ટિથી થયેલી રજૂઆત ‘વૃદ્ધ રંગાટી બજાર’ અને વિજય સોનીનો આગવો વિશેષ છે.
ડૉ. હીરેન્દ્ર પંડ્યા
નવલકથાકાર, વિવેચક,
આસિસ્ટન્ટ પ્રોફેસર,
આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, વડનગર
મો. ૭૪૦૫૮ ૮૨૦૯૭
Email : hirendra.pandya@gmail.com