ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પારુલ ખખ્ખર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વાર્તાકાર પારુલ ખખ્ખર

હીરેન્દ્ર પંડ્યા

Parul Khakhkhar.jpg

સર્જક પરિચય:

૧૦ જુલાઈ, ૧૯૭૦ના રોજ રાજકોટમાં જન્મેલાં કવયિત્રી, વાર્તાકાર અને નિબંધકાર એવાં પારુલ ખખ્ખર રાજકોટના વતની છે. તેમનાં પિતાનું નામ રસિકભાઈ કારિયા અને માતાનું નામ જયશ્રી બહેન. તેમનાં પતિનું નામ હિતેશ ખખ્ખર છે. તેમણે શાળાનું શિક્ષણ જી.ટી. હાઈસ્કૂલ, રાજકોટમાંથી મેળવ્યું. કોમર્સના બીજા વર્ષ સુધીનો અભ્યાસ (કે.એસ.એન. કણસાગરા કોમર્સ કૉલેજ, રાજકોટ) કરનાર આ સર્જકે ચાળીસમા વર્ષે સાહિત્ય સર્જનનો આરંભ કર્યો. ‘કલમને ડાળખી ફૂટી’ (પ્ર.આ.૨૦૧૮) નામના ગઝલસંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ પોતાની સર્જનયાત્રા વિશે વાત કરતાં લખે છે, ‘આમ તો સાત પેઢીનો આંબો જોવા બેસું તો એકેય ડાળ પર કવિતાનો ‘ક’ જડતો નથી. સંભવ છે કે આ સાત પેઢીનો નહીં પણ સાત જન્મોનો વારસો હોય! કલમનો ‘ક’ ઘૂંટતાં શીખી ત્યારે ખબર ન હતી કે આ ‘ક’ કવિતા સુધી લઈ જશે...અભ્યાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યું કે ભાષા પ્રત્યે વધારે લગાવ છે. પરીક્ષામાં ભાષાના પેપરમાં સારા માર્ક આવે, શિક્ષકો વખાણ કરે એ સાંભળીને પેલાં બીજ અંદર પડ્યાં પડ્યાં હરખાય એથી વિશેષ કશું નહીં! S.S.C.ના વર્ષમાં હતી ત્યારે અમારી સ્કૂલમાં જાહેરાત થઈ કે એક હસ્તલિખિત ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. રસ ધરાવતાં વિદ્યાર્થીઓ સ્વરચિત સાહિત્ય જમા કરાવી જાય.’ ગુજરાતીના શિક્ષકે કહ્યું કે ‘તમે કંઈક લખો.’ અને મારી માટીને કદાચ પ્રોત્સાહનના ધક્કાની જરૂર હોય તેમ પેલા બીજમાંથી વિષાદનું એક બળૂકું બીજ જમીન ફાડીને બહાર આવી ગયું અને જીવનની પહેલી કવિતા ‘કરૂણપ્રશસ્તિ’ સ્વરૂપે અવતરી. આમ, કવિતાનાં શ્રીગણેશ થયાં...કૉલેજના પ્રથમ વર્ષમાં આવી ત્યારે વરસાદ લંબાયો અને દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ...અને દુષ્કાળ વિશે કવિતા લખાઈ જે જીવનની બીજી કવિતા હતી. ત્યારબાદ ધીમેધીમે કલમ ચાલવા લાગી, કવિતાઓ લખાવા લાગી અને નોટિસબોર્ડ પર મુકાવા લાગી, વખણાવા લાગી. પ્રેમની એક પણ કવિતા ન લખનાર કોમર્સની આ વિદ્યાર્થિનીએ હજુ તો કવિતાક્ષેત્રે પગરણ માંડ્યાં ત્યાં જ ઓગણીસમે વર્ષે સગાઈ અને વીસમે વર્ષે લગ્ન થયાં. રાજકોટમાં ઊગેલા બીજનાં મૂળિયાં અમરેલી સુધી આ રીતે લંબાયાં. અમરેલી તો રમેશ પારેખનું રજવાડું! કવિતાની કૂંપળ ન કોળાય તો જ નવાઈ! એક કાવ્યલેખન સ્પર્ધામાં ભાગ લીધો અને એમાં ત્રીજો નંબર આવ્યો એટલે પ્રોત્સાહન મળ્યું. થોડું થોડું લખાતું રહ્યું પરંતુ તાલીમના અભાવે કાચુંપાકું કહેવાય એવું! એકવીસમે વર્ષે દીકરાનો જન્મ થયો, જવાબદારીઓ વધી. એના ઉછેર પાછળ સમય ફાળવી શકાય એ માટે કાગળ, કલમ અને કવિતાનું પોટલું વાળીને મનના એક સુરક્ષિત ખૂણામાં જાણીજોઈને આડે હાથે મૂકી દીધું. પેલી જરાતરા ઊગેલી કૂંપળ ખાતર-પાણીના અભાવે કરમાઈ ગઈ. જોકે આ ઘટનાનો મને અફસોસ ન થયો, મેં વિચાર્યું કે ‘હશે... કલમને ડાળખી ફૂટવાને હજુ વાર લાગશે!’ લાગલગાટ વીસ વર્ષ ઘર-પરિવારમાં ગળાડૂબ રહેવાયું... છેક ચાલીસમે વર્ષે પેલી દોડતી-હાંફતી ગૃહિણીએ નિરાંતનો શ્વાસ લીધો ત્યાં જ પેલા બીજ સળવળ્યાં અને કવિતા સાથે ફરી અનુસંધાન થયું. પેલું મનનાં ખૂણામાં મૂકેલું પોટલું હળવેથી બહાર કાઢ્યું... લોકોને ચાલીસમે વર્ષે બહુબહુ તો ‘બેતાળા’ આવે પણ મને તો કવિતા આવી ગઈ!... ધીમે ધીમે ગઝલના છંદ શીખી. લખતાં લખતાં શીખતી ગઈ અને શીખતાં શીખતાં લખતી ગઈ... 2013માં અમે ૧૧ મિત્રોએ સાથે મળીને ‘લઈને અગિયારમી દિશા’ નામનો સહિયારો ગઝલસંગ્રહ આપ્યો. પછી તો કલમ સડસડાટ ચાલવા લાગી. ગઝલ ઉપરાંત ગીત, અછાંદસ, લેખ, નિબંધ, વાર્તા જેવાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપો પર કામ થતું રહ્યું.’ તેમની સર્જનયાત્રા કરૂણપ્રશસ્તિથી શરૂ થઈને ગઝલ, ગીતકથાથી માંડીને વાર્તા, નિબંધ, અનુવાદ અને આસ્વાદ લેખ સુધી વિસ્તરી છે. તેઓ હિન્દી ભાષામાં પણ ગઝલ અને નઝમ લખે છે. તેમની પાસેથી કુલ ત્રણ પુસ્તક મળે છે. ‘લઈને અગિયારમી દિશા’ (ઈ.સ.૨૦૧૩) એ અગિયાર મિત્રો સાથે પ્રકાશિત કરેલો ગઝલસંગ્રહ છે. ઈ.સ.૨૦૧૮માં ‘કલમને ડાળખી ફૂટી’ નામનો ગઝલ સંગ્રહ પ્રગટ થયો. આ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દિનકર શાહ ‘કવિ જય’ પારિતોષિક અને ‘ભગિની નિવેદિતા પારિતોષિક’પ્રાપ્ત થયું છે. ‘કરિયાવરમાં કાગળ’ નામનો ગીતસંગ્રહ ઈ.સ.૨૦૨૧માં પ્રગટ થયો. આ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ભાનુપ્રસાદ પંડ્યા પારિતોષિક, શ્રી સુરેશા મજુમદાર પારિતોષિક અને અસાઈત સાહિત્ય સભાનો સર્જન સન્માન પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ‘પ્રલંબ રાસની કથા’ (ઈ.સ.૨૦૨૪) એ વિપશ્યના સાધનાના અનુભવોનો લેખસંગ્રહ છે. આ પુસ્તકને અસાઈત સાહિત્ય સભાનો સર્જન સન્માન પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત તેમને ભારતીય વિદ્યા ભવન તરફથી શ્રેષ્ઠ વાર્તા માટે‘સર્જન પ્રોત્સાહન પુરસ્કાર’ (ઈ.સ.૨૦૨૦) અને શ્રેષ્ઠ કવિતા માટે ‘સમર્પણ સન્માન’ (ઈ.સ.૨૦૨૨); વિશ્વભારતી સંસ્થાન તરફથી ‘શ્રીમતી કોકિલ-હીરા કાવ્યકલા પારિતોષિક’ (ઈ.સ.૨૦૨૧) જેવાં પુરસ્કારો પ્રાપ્ત થયાં છે. તેમની તેત્રીસ જેટલી વાર્તાઓ ‘શબ્દસર’, ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘નવનીત સમર્પણ’, ‘મમતા’, ‘જલારામદીપ’ જેવાં વિવિધ સામયિકોમાં પ્રકાશિત થઈ છે અને વિવિધ વાર્તા સંપાદનોમાં પણ સ્થાન પામી છે. તેમની ‘ઢાંકણ’ વાર્તાનો સંસ્કૃત ભાષામાં શ્વેતા પ્રજાપતિએ અનુવાદ કરીને‘દિલ્હી સાહિત્ય અકાદમી’દ્વારા પ્રકાશિત ‘સંસ્કૃત પ્રતિભા’ સામયિકમાં (ઑક્ટોબર-ડિસેમ્બર 2020ના અંકમાં) પ્રગટ કરી હતી. ‘ઢાંકણ’, ‘ખરેડી’ અને ‘ચોરી’ વાર્તાનો પ્રશાંત કુમાર મોહંતીએ ઉડીયા ભાષામાં અનુવાદિત કરીને પોતાના સંપાદનમાં લીધી છે. ટૂંક સમયમાં તેમનો વાર્તાસંગ્રહ પ્રગટ થવાનો છે. અહીં તેમની અઢાર વાર્તાઓને (સર્જકનાં મત અનુસાર આ અઢાર વાર્તાઓમાં વાર્તા તત્ત્વ જળવાયું છે. અન્ય વાર્તાઓમાં હજુ સુધારાવધારાને અવકાશ છે.) આધારે તેમની વાર્તાકલાને જોવા, તપાસવાનો ઉપક્રમ છે.

કૃતિપરિચય:

‘ગામ-બળેલ પીપળિયા’ વાર્તા ‘પરબ’ સામયિકમાં ઈ.૨૦૨૧ના સપ્ટેમ્બર માસમાં પ્રગટ થઈ હતી. વાર્તાનું વિષયવસ્તુ આ મુજબ છે. વાર્તામાં કથક દોહિત્રી જયુ છે. તે મા સાથે એના પિયર આવી છે. મા-નાનીની વાતો સાંભળતી જયુ એ વાતનો મર્મ પામી શકવા જેવડી મોટી થઈ નથી. નાનીમા આખા શરીરે કેવી રીતે દાઝી ગયાં? એ પ્રશ્ન જયુને મૂંઝવે છે પણ નાનીની વાર્તાઓ સાંભળવામાં જયુનો એ પ્રશ્ન ખોવાઈ જાય છે. જયુ મોટી થઈ, પરણીને સાસરે ગઈ. નાની બીમાર હોવાના સમાચાર જાણીને જયુ ગામ દોડી જાય. વર્ષોથી અધૂરી રહેલી ગામ-બળેલ પીપળિયા અને રાજાની બે રાણી-માનીતી-અણમાનીતીવાળી વાર્તા નાની આજે જયુની અનિચ્છા છતાં પૂરી કરે છે. અણમાનીતીએ ઊકળતું તેલ રેડીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ બચી ગઈ. વાર્તા પૂરી કર્યા પછી નાની જયુને પૂછે છે, ‘કેવુ’ક છે ગામ?’ જવાબમાં જયુ કહે છે, ‘આમ તો બળેલ પીપળિયા જેવું જ.’ જયુના જવાબ સાથે પૂરી થતી વાર્તા ભાવકના ચિત્તમાં નવેસરથી આરંભાય છે. કથકની પસંદગી, સમયસંકલના અને કથામાં કથાની પ્રયુક્તિને લીધે વાર્તાનો કરૂણ સંયમિત રીતે પણ ઘૂંટાઈને આવે છે. સમયની દૃષ્ટિએ જોઈએ તો, વાર્તામાં જયુ અને નાનીની બે જ મુલાકાતનું વર્ણન છે. પહેલીવાર મા સાથે જયુ નાનીના ઘરે ગઈ છે તે અને બીજીવાર નાનીની માંદગીના સમાચાર જાણીને જયુ ગામ દોડી જાય છે તે દિવસ. વળી, આ બંને મુલાકાત વેળાએ કથક જયુની વય જુદી છે. પહેલીવારની જયુ નાનકડી છે જ્યારે બીજીવારની જયુ નાનીની વાત સમજી શકે તેટલી સમજદાર છે. વાર્તાકારે બોલીનો સંવાદોમાં સુરેખ રીતે વિનિયોગ કર્યો છે. વાર્તામાં નાનીના ઘરનું વર્ણન અને તેમાંય નાની જયુને જે કબાટ ગોઠવવાનું કહે છે તે કબાટની વસ્તુઓનું વર્ણન સૂચક છે. ભરવાડવાડે નાની સાથે દૂધ લેવા જતી નાનકડી જયુની આંખે નાનીનું વર્ણન જોવા જેવું છે. ‘રંગબેરંગી સાડલો. કપાળમાં કોરા કંકુનો મોટો ચાંદલો, કાનમાં હીરાની બુટ્ટીઓ, હડપચી પર શોભતું ખંજન અને એ ખંજનની બરાબર ઉપર ત્રોફેલું ત્રાજવું. એ લીલાશ પડતા ટપકાને કારણે બાનો ઘઉંવર્ણો ચહેરો ઓર દીપી ઊઠતો. આથમતા દિવસનું વિદાય લેતું અજવાળું બાની મોટીબધી ચૂંક પર પડતું અને આખો ભરવાડવાડો ઝગમગી ઊઠતો.’ વાર્તાનો આરંભ પણ સ-રસ છે. નાનકડી જયુ ખાટલા પર ઉત્સુકતાથી ગોઠવાઈ ગઈ છે અને નાનીને બધા ઓરડા ચેક કરીને આવતાં જોઈ રહી છે. જયુની મા શોભા અને નાની વાતોએ વળગે છે. વાતના કેન્દ્રમાં બાપુજી છે. મા નાનીને કહી રહી છે કે તારે સહન કરવાની જરૂર નથી. હું બાપુજી સાથે વાત કરીશ અને નાની તેને ભગવાનના સોગંદ આપીને ચૂપ રહેવા સમજાવી રહી છે. જયુને તો આ વાર્તાલાપ સમજાતો નથી અને તેને લાગે છે કે તેનો નાની પાસેથી વાર્તા સાંભળવાનો સમય ભાગી રહ્યો છે. વાર્તાકાર પુરુષના લગ્નેતર સંબંધને લીધે અકથ્ય પીડા વેઠતી સ્ત્રીની વાત કરી રહ્યા છે એ વાતનો સંકેત મા-દીકરીના સંવાદમાંથી જ મળી જાય. નાની જયુને શો-કેસ ગોઠવવાનું કામ સોંપે છે. શો-કેસ ગોઠવાયેલો જોઈને હરખાતી નાની જયુના માથે હેતથી હાથ ફેરવતાં કહે છે, ‘જેને બધુય ગોઠવતાં આવડે ઈ સુખી થાય અને વળી ઈ ગોઠવવામાં મજા ય આવે એને તો કોઈ’દી વાંધો નો આવે. હમજી?’ પાછા આવવાના દિવસે ફરીવાર મા નાનીને કહે છે કે બાપુજી જોડે વાત કરી લેવા દે પણ નાની પોતાની દીકરીને રોકી લે છે. જયુ નાનીની બીમારી વેળાએ તેને મળવા પહોંચી જાય છે. તેને વેકેશનના એ દિવસો યાદ આવી જાય છે. નાનીના માથે પોતા મૂકતી જયુ વ્હાલથી કહે છે, ‘બા, વાર્તા કહો ને!’ બા પૂછે છે કે કઈ સાંભળવી છે? અને ઉત્તરમાં જયુ કહે છે, ‘ઓલી...તમે રાજા રાણીની કહેતાં ને ઈ...જ. આ સંવાદ સાથે બા વાર્તા કહેવાની શરૂ કરે છે. આ વાર્તા એ કોઈ પરીકથા નથી એ તો નાનીના જીવનની કથા છે. સર્જકે ખરી કમાલ એ કરી છે કે નાની પરીકથા કહેતી હોય એ રીતે જ આખી સત્યઘટના કહે. નાની આખા શરીરે શી રીતે દાઝી હતી? એ પ્રશ્નનો ઉત્તર અહીં મળે છે. વાર્તાની શરૂઆત તો પેલી જાણીતી કથા - ‘એક રાજા ને બે રાણી. એક માનીતી અને બીજી અણમાનીતી’ મુજબ જ થાય પણ જયુ અને ભાવક હવે જાણે છે કે આ અણમાનીતી રાણી એ નાની છે. જયુ વાર્તામાં કથક, પાત્ર અને પ્રતિભાવક એમ ત્રેવડી ભૂમિકા ભજવે છે. વાર્તા જેમજેમ આગળ વધતી જાય તેમતેમ જયુની પ્રતિક્રિયા બદલાતી જાય. આરંભે ઉત્સાહ છે. સર્જકે જયુની ક્રમશ: બદલાતી પ્રતિક્રિયા નોંધી છે. જુઓ. ‘મેં બાને વ્હાલથી કહ્યું, ‘બા, વાર્તા કહો ને!’ ‘ઓલી...તમે રાજા રાણીની કહેતાં ને ઈ...જ.’મેં ઉત્સાહથી કહ્યું. ‘હું રસથી સાંભળતી હતી.’ ‘હું માત્ર હોંકારો પુરાવતી હતી.’ ‘મેં ચિંતિત સ્વરે કહ્યું, ‘બા, હવે સૂઈ જાઓ. બાકીની વારતા કાલે કહેજો.’ ‘હા બા, સાંભળું છું.’ મારો અવાજ ભીનો હતો. ‘મેં બાને આજીજીભર્યા સ્વરે કહ્યું, ‘બા... બસ હવે...પ્લીઝ...’ ‘હું ધ્રુસકે ધ્રુસકે રડતી હતી.’ જયુની આ પ્રતિક્રિયા શરૂઆતમાં બાની વેદના સમજાવાના ભાગરૂપે જણાય પણ અંતે ખ્યાલ આવે કે જયુ નાનીની નહીં પણ નાનીના મુખે જાણે પોતાની જ કથા સાંભળી રહી છે. રા.વિ.પાઠકની પ્રખ્યાત વાર્તા ‘મુકુંદરાય’ અહીં યાદ આવે. પિતા કથા કહેતા જાય અને દીકરીની પ્રતિક્રિયાઓ બદલાતી જાય. વાર્તાકાર આ જાણીતી પ્રયુક્તિને ઉપયોગમાં લઈને કરુણની ધાર કાઢે છે. એટલું જ નહીં, નાનીના દુ:ખની સાથે જયુની વેદનાને એક જ કથા વડે જોડી દે છે. આખી વાર્તામાં બાપુજીનો એક પણ સંવાદ નથી, જે યોગ્ય છે. સનેપાત ઉપડ્યો હોય તેમ આયખા આખાની દબાવી રાખેલી પીડા, વેદના નાની કથારૂપે જયુને કહે છે. નાનીના તાવથી ધીખતા શરીર પર ફરતો જયુનો પ્રેમાળ હાથ અને આરંભે નાનકડી જયુને હેતથી પંપાળતી નાનીનો હાથ- બંને દૃશ્યોની સન્નિધિ રચાય છે. નાનીના સંવાદોમાં જોવા મળતી બોલીની બળકટતા વાર્તાને ઉપકારક સિદ્ધ થઈ છે. ‘કાપો’ અને ‘પરવાનો’ વિષયવસ્તુની રીતે નજીકની વાર્તાઓ છે. બંને વાર્તામાં પતિ દ્વારા પત્નીના માનસિક શોષણની વાત કહેવાઈ છે. માવજતની દૃષ્ટિએ બંને જુદો આકાર ધારણ કરે છે. ‘કાપો’ વાર્તામાં સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે. વાર્તામાં મુખ્ય ત્રણ પાત્રો છે: સાસુ મીનલ, વહુ નંદિની અને કટાક્ષબાણથી મીનલને રોજેરોજ વીંધી નાંખતાં પતિદેવ. એક ગૌણ પાત્ર કચરો વીણવા આવતી છોકરીનું છે. એ ગૌણ પાત્ર અગત્યનું છે. વાર્તામાં બે ખંડ છે. પ્રથમ ખંડમાં વહુ નંદિની સાસુ મીનલ સાથે કૉફી પીતાં પીતાં તેમના અંગુઠામાં પડેલો કાપો જુએ છે અને તે સાસુને સમજાવવા લાગે છે. પ્રથમ ખંડમાં સાસુ-વહુની વાતચીત છે. એ વાંચતાં ભાવકને ખ્યાલ આવે કે, રોજ સવારે શાક સમારવા મીનલબેન બેસે ત્યારે અખબાર વાંચતાં વાંચતાં પતિ આકરા વ્યંગકટાક્ષ કરીકરીને મીનલબેનને હેરાન કરી નાંખે છે. પતિ સામે બોલવાનું ટાળતાં મીનલબેન છરીથી પોતાના હાથ પર ઘા કરી બેસે છે. સાવ નજીવી વાતે પણ મીનલબેનને ટોકીને, ગમાર ઠેરવીને પતિ પોતાની પરપીડનવૃત્તિ સંતોષે છે. બીજા ખંડમાં બીજા દિવસની સવારની ઘટના છે. જેમાં કચરો વીણવા આવતી પંદરેક વર્ષની છોકરી બેભાન થઈ જાય છે. એમ્બ્યુલન્સ આવે છે ત્યાં સુધીમાં છોકરી ભાનમાં આવી જાય છે અને ઘરે જવાની વાત કરે છે. મીનલબેનના પતિ છોકરીને બળજબરીથી ધમકાવીને એમ્બ્યુલન્સમાં બેસી જવા કહે છે પણ મીનલબેન છોકરીનો પક્ષ લે છે. તેથી સોસાયટીના લોકોની હાજરીમાં પતિ મીનલબેનને ધમકાવવા લાગે છે. જવાબમાં મીનલબેન મક્કમ રીતે ઊભા રહીને સામો જવાબ આપે છે અને પેલી છોકરી કચરો વીણવાનો થેલો ખભે ઉપાડીને ઘર તરફ ચાલી નીકળે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. આ વાર્તામાં અગત્યની પ્રયુક્તિ સંવાદો છે. પારુલ ખખ્ખર રોજબરોજની વાતચીતની ભાષાને કુશળતાથી વાર્તામાં પ્રયોજે છે. એ વડે તેઓ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા અને પુરુષોના સામૂહિક અચેતનને તાગે છે. પ્રથમ ખંડનો વહુ અને સાસુનો વાર્તાલાપ પ્રથમ નજરે બિનઉપયોગી જણાય, પરંતુ વાર્તાની સંકલનાની રીતે એ ખંડ મહત્ત્વનો છે. બીજા ખંડમાં મીનલબેન પતિને જાહેરમાં ધારદાર જવાબ આપી શકે છે તેના મૂળમાં નંદિની સાથેની વાતચીત રહેલી છે એ સમજાઈ જાય. જો કે, પ્રથમ ખંડના સંવાદો હજુ વધારે ચુસ્ત કરી શકાય તેમ છે. પતિની પરપીડન વૃત્તિ અને સ્ત્રી પ્રત્યેની હીન માનસિકતાને સર્જક ચાર-પાંચ સંવાદમાં જ લસરકાભેર ઉપસાવી દે છે. જુઓ. ‘તારી મા ક્યાં કાચની પૂતળી છે તે આવા લાડ કરવાના? ખોટા ચાળે ચડાવ મા આ બૈરાની જાત ને!’ (ચોપર ખરીદવાની વાત કરતાં દીકરાને ધમકાવતાં) ‘અને ન બેસે તો ઉપાડીને દ્યો બેચાર... એટલે થાય સીધી દોર! ધોકે નાર પાંસરી એ અમથું કીધું હશે?’ (કચરો વીણનારી છોકરીની આનાકાની જોઈ હૉસ્પિટલના માણસોને કહેતાં) ‘બુદ્ધિ તો પગની પાનીએથી ઉપર જ ન આવી... હાળા બૈરાં કીધા એટલે થઈ રહ્યું.’ (જાહેરમાં પત્નીને ટોકતાં) વાર્તાના અંતે મીનલબેનના પતિ સામે ટગર ટગર જોતી કચરો વીણનારી છોકરી કોથળો ઉપાડીને મક્કમ ડગલે ચાલી નીકળે છે. એ વર્ણનમાં કવયિત્રી પારુલ ખખ્ખર વાર્તાકાર પારુલ ખખ્ખરની પડખે આવીને ઊભા રહી ગયા છે. ‘મીનલે છોકરીની સામે કોઈ અનોખી નજરે જોયું અને જાણે શક્તિપાત થયો હોય એમ ક્ષણવારમાં છોકરીનો રંગ બદલાઈ ગયો. છોકરી કશું બોલ્યા વગર સાહેબને ટગર ટગર જોઈ રહી. સાહેબ એ નજરને જીરવી ન શકતા હોય તેમ આડું જોઈ ગયા... એ વેંત એકની છોકરી કોઈ અપૂર્વ તેજોમંડળમાં લપેટાઈને ધીમા પરંતુ મક્કમ પગલે રાજરાણીના ઠસ્સાથી પોતાની મરજીના માર્ગે જઈ રહી હતી. રસ્તામાં આવતા કાંકરા જાણે સાહેબની આબરૂના પ્રતિનિધિ હોય તેમ એને ઠેબે લેતી હતી. એના રાણી કલરના ઘાઘરી પોલાકા પર કેસરી કલરની ઓઢણી મુક્તિધ્વજ સમી લહેરાઈ રહી હતી. મીનલનાં રૂંવાડા હર્ષથી ઊભા થઈ ગયાં. એણે હથેળી ખોલીને જોયું તો પેલા કાપા પર રૂઝ વળવા લાગી હતી.’ ‘પરવાનો’ વાર્તામાં ડૉક્ટરે મયંકને કૉલ કરીને મમ્મી પ્રેમિલાબેનની સાથે આવવાનું કહ્યું હોવાથી સાંજના છ વાગ્યે મયંક મમ્મીને લઈને ડૉક્ટરને ત્યાં જવા નીકળે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. વાર્તામાં મયંક, તેની મમ્મી પ્રેમિલાબેન અને પપ્પા પ્રવીણભાઈ મુખ્ય પાત્રો છે. વાર્તામાં બે દિવસ અને એક સાંજનું વર્ણન છે. વાર્તામાં બે ખંડ છે. પ્રથમ ખંડમાં ડૉક્ટર પ્રેમિલાબેનને કેન્સર હોવાનું જણાવે અને મયંક ઢીલો થઈ જાય. તે મમ્મીને લઈને ઘરે આવે તે સાથે જ પ્રવીણભાઈના બૂમબરાડા શરૂ થઈ જાય. તે પ્રેમિલાબેનને શું થયું છે એ જાણવાની પણ દરકાર ન કરે. બીજા દિવસે સવારે પ્રેમિલાબેન પોતાની નાની બહેન અલકાને કેન્સરની ગાંઠ વિશે ફોન પર જણાવતાં હોય ત્યાં વળી પ્રવીણભાઈની કાનમાં કીડા ખરી પડે તેવી ભાષા સાથે આ સંવાદ અટકે. બીજા ખંડમાં પ્રેમિલાબેન પોતાના જન્મદિવસે ટેવવશ પતિના રૂમમાં જવા જતાં હોય ત્યાં મયંક તેમને અટકાવે અને તેમના માટે સજાવીને રાખેલા અલાયદા ઓરડામાં લઈ જઈને કહે કે, ‘હવેથી આ રૂમ તારો છે મમ્મી. માત્ર તારો, સાવ અલાયદો અને તારી માલિકીનો. અહીંયા તું તારી મરજીથી જીવી શકીશ અને તારી મરજીથી મરી શકીશ...પપ્પાનું મોઢું જોવાનું મન થાય તો દિવસમાં એકાદ આંટો મારજે બાકી આજથી પપ્પાની તમામ જવાબદારીઓમાંથી તું મુક્ત છે.’

પ્રેમિલાબેન મૃત્યુના પરવાના સમી કેન્સરની ફાઈલને વ્હાલથી છાતીએ વળગાડીને ઊભા રહે ત્યાં વાર્તા પૂરી થાય છે. ‘કાપો’ની તુલનામાં ‘પરવાનો’ વાર્તા થોડી શિથિલ જણાય. બંને વાર્તા વાંચતાં કેટલાક પ્રશ્નો સહજપણે થાય. સૌ પ્રથમ તો, બંને વાર્તામાં પુત્ર મમ્મીની સાથે પપ્પાને હિંસ્ર વર્તન કરતાં જુએ છે છતાં પપ્પાને કશું કહેતાં જોવા મળતાં નથી. તે મમ્મીનો ઉઘાડો પક્ષ લેવાનું કેમ ટાળે છે? ‘કાપો’ વાર્તામાં વહુ નંદિની સાસુને સમજાવે છે પણ પુત્ર નીરવ તો પપ્પાને સામો જવાબ પણ આપતો નથી. સર્જકે સ્પષ્ટ શબ્દોમાં ક્યાંય કોઈ ચોક્કસ ભૌગોલિક પ્રદેશનો વાર્તામાં ઉલ્લેખ કર્યો નથી. આપણી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા અને પુરુષના સામૂહિક અચેતન વડે આ વાર્તાના પુરુષ પાત્રોને સમજી શકાય. પુત્રના વર્તનને શી રીતે સમજવું? તેનો ઉત્તર મેળવવા માટે જયેશ ભોગાયતાની ‘બંગલો’ શ્રેણીની વાર્તાઓને યાદ કરવી અસ્થાને નહીં લેખાય. જયેશ ભોગાયતાની વાર્તાઓમાં પણ દીકરાઓનું આ પ્રકારનું વર્તન જોવા મળે છે. માન-મર્યાદાના દંભી ખ્યાલો અને આચરણની રીતિનાં લીધે પુત્ર પિતાની ખોટી રીતનો પણ ખુલ્લો વિરોધ ન કરે એ આપણા ગ્રામસમાજમાં આજે પણ જોવા મળે છે. પારુલ ખખ્ખર આ સામાજિક વ્યવસ્થા, સ્ત્રી પર નિયંત્રણ રાખવાની વૃત્તિ અને દમનની રીતિને જાણે છે. તેથી તેઓ વાર્તામાં પુત્રને પિતાનો વિરોધ કરતાં દર્શાવતાં નથી. આ સામાજિક સંરચના જાણતાં હોઈએ તો વાર્તાકાર માટે વિશેષ માન થાય. આમ,‘કાપો’ અને ‘પરવાનો’ આ બંને વાર્તાઓ આપણી પુરુષપ્રધાન કુટુંબવ્યવસ્થાની અંધારી બાજુને રજૂ કરે છે. વાર્તાકાર તરીકે પારુલ ખખ્ખરની બે વિશેષતાઓ ઊડીને આંખે વળગે છે. એક, તેઓ વર્ણનકલામાં પાવરધા છે. પાત્રોના દેખાવ હોય કે આસપાસનો પરિવેશ - તેઓ ઝીણવટપૂર્વક તેનું વર્ણન કરે છે. બીજી તેમની વિશેષતા છે સંવાદો. પાત્રોની વાતચીત વડે તેઓ પાત્રના વ્યક્તિત્વને ઉપસાવી દે છે. એટલું જ નહીં, સંવાદો તદ્દન વાતચીતની ભાષાની નજીકના હોવાછતાં નાટ્યાત્મક હોઈ વાર્તાને ગતિ આપે છે. કહો કે, તેમની વાર્તામાં આવતાં સંવાદો કૃત્રિમ લાગતાં નથી. તેમની આ વિશેષતા‘ખરેડી’ અને ‘આ માણસ, એ માણસ’જેવી વાર્તાઓમાં સોળે કળાએ મહોરી છે. ‘ખરેડી’ વાર્તા ચુસ્ત સમયસંકલના, કથકની પસંદગી, સાસુ-વહુ, દેરાણી-જેઠ, જેઠાણી તથા મા-દીકરી વચ્ચેનાં સંવાદોને કારણે નોંધપાત્ર બની છે. વળી,‘કાપો’ અને ‘પરવાનો’માં જે પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાની મર્યાદા ઉઘાડી રીતે દર્શાવી છે એ આ વાર્તામાં સંગોપિત રહે છે. ટોમસ માન કહે છે તેમ‘રીઅલ આર્ટિસ્ટ નેવર ટોક્સ અબાઉટ ધ મેઇન થીંગ્સ.’ આ વાર્તાની સંકલના આ મુજબ છે. વૃંદા શુક્રવારની રાત્રે પતિ ઉમંગના કહેવાથી અને જેઠાણી પ્રજ્ઞાભાભીના ફોનને કારણે પૂના જવા નીકળે છે. બસમાં પોતાની વિધવા મા સાથે ફોન પર વાત કરી લે છે. શનિવારે જેઠ-જેઠાણી અને સાસુ સાથે રહે છે. અહીં વૃંદાને ખબર પડે છે કે, જેઠ-જેઠાણીનો દીકરો-વહુ, અલ્કેશ અને અમ્રિતાને યુ.એસ.ની નાગરિકતા મળી ગઈ છે અને તેમને ત્યાં સંતાન થવાનું છે. આથી જેઠ-જેઠાણી યુ.એસ. જવાનાં છે. તેમનાં વિઝા અને ટીકીટ પણ તૈયાર છે પણ બાને ક્યાં રાખવા એ પ્રશ્ન છે. વૃંદા સાસુને પોતાની સાથે લઈ જવા માટે તૈયાર છે પણ સાસુના મોં પર અણગમાની રેખાઓ જોઈને રાત્રે તેમની સાથે એકલામાં વાત કરે છે. વાર્તામાં આ મહત્ત્વનો વળાંક છે. સાસુ સાથે વાતચીત કરતાં વૃંદાને સમજાય છે કે સાસુ આ ઘર છોડીને આવવા તૈયાર નથી. વૃંદા સાસુનો નિર્ણય સ્વીકારીને તેમને કહે છે કે તેઓ આ વાત જેઠ-જેઠાણીને પણ ભારપૂર્વક કહે. રવિવારે સવારે સાસુ પોતાનો નિર્ણય પ્રજ્ઞાભાભી- રમેશભાઈને સંભળાવીને મંદિરે દર્શન કરવા જતાં રહે છે. રવિવારની રાતે જ વૃંદા ઘરે પાછી આવવા નીકળે છે અને બસમાં બેસતાંવેંત મમ્મીને ફોન કરીને બધી વાત જણાવે છે ત્યાં મમ્મી પોતાની હૈયાવરાળ ઠાલવતાં કહે છે કે મારે હવે એકલા રહેવું નથી. તારા ઘરે આવવું છે. જવાબ આપતાં પહેલાં વૃંદાના ગળામાં ખારાશ બાઝી જાય છે. તે માંડમાંડ ખોખરા અવાજે બોલી શકે છે કે, ‘ઉમંગને પૂછીને જવાબ આપું.’ ફોન કટ થઈ જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તામાં કથક વૃંદા છે. વૃંદાની સાસુ અને મા સાથેની વાતચીત જેટલી જ અગત્યની સ્વ સાથેની વાતચીત છે. વૃંદા પોતાના સ્વભાવ વિશે, પોતાને આવતાં વિચારો આદિનો પણ ઉલ્લેખ કરતી રહે છે. એ રીતે અહીં વહુ વૃંદા, દીકરી વૃંદા અને સ્ત્રી વૃંદા – એમ વૃંદાના વ્યક્તિત્વના ત્રણ પાસાં સર્જકે આલેખ્યાં છે. વૃંદા વાર્તાને જોડતી કડી છે. સાથે જ તે જેઠ-જેઠાણી, પતિ ઉમંગ, સાસુ અને માનાં વિચારો, સંવેદનાઓને જુએ, સમજે, અનુભવે છે. વૃંદા પાત્ર, પ્રતિભાવક અને કથક એમ ત્રેવડી ભૂમિકા નિભાવે છે. વાર્તાના આરંભે વૃંદા સાંજના આકાશને જે રીતે જુએ છે ત્યાં તેની અંદર રહેલી મોકળાશની ઝંખના દેખાય. સાથે જ તેની નિરીક્ષણવૃત્તિ પણ જોવા મળે છે. વાર્તાના આરંભે આવતું વર્ણન વૃંદાની આંખે થયું હોઈ માત્ર વર્ણન ન બની રહેતાં વાર્તાનો અનિવાર્ય અંશ બની રહે છે. ‘સુરજદાદા ચોપાટ પર છેલ્લા પાસા ફેંકી રહ્યા હતા. બધી કૂકરીઓને ફટાફટ ઘરભેગી કરવાની નેમ હોય એમ ઝડપથી ચાલી રહ્યા હતા. પરંતુ કૂકરીઓને કોઈ જ ઉતાવળ ન હોય તેમ તે અહીંથી ત્યાં ટહેલતી હતી. કોઈ વાદળી બનીને, કોઈ પક્ષી બનીને, કોઈ અજવાસ બનીને, કોઈ મનુષ્ય બનીને તો કોઈ આ બસ બનીને પોતાની ગતિમાં મગ્ન હતી… ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. આકાશનું બધું જ સૌંદર્ય ચોરીને પોતાના ખજાનામાં મૂકીને રાતના રાજાએ ધાક બેસાડી દીધી. ચાંદો હવે આખી રાત ચોકીદારી કરીને એ ખજાનાનું રક્ષણ કરશે.’ આ સુંદર પ્રકૃતિને જોઈને હરખાતી વૃંદા ઉમંગના કહેવાથી અને પ્રજ્ઞાભાભીના આગ્રહને કારણે પૂના જવા નીકળી છે એ વાત જણાવે. શા માટે પોતાને બોલાવી? ઉમંગ સાચું કારણ જાણતો હશે પણ પોતાને ન જણાવ્યું એવા વિચારોને બાજુએ હડસેલતી વૃંદા ‘જે હશે તે વાજતું ગાજતું માંડવે આવશે’ એમ કહીને રમણીય પ્રકૃતિને જોવામાં, તેના ફોટા પાડવામાં ખોવાઈ જાય. રાત પડે એટલે બહારથી નજર ભીતર વાળે અને વિધવા મમ્મી સાથે વાતો કરવાના ઈરાદે માને ફોન કરે. મા-દીકરી વચ્ચેની વાતચીત અગત્યની છે. તેનો અંશ જુઓ. ‘જો કે તમારે આમ તો એકેય રોગ નથી એટલે સારું છે. મારા સાસુને તો બી.પી. ડાયાબિટીસ વર્ષોથી વળગ્યાં છે.’ ‘પણ બેટા, રોગ કંઈ માત્ર શરીરના જ થોડા હોય!’ એ દબાતા સાદે બોલ્યાં. ‘લે...તો એ સિવાય શું હોય વળી?’ હું બેફિકરાઈથી બોલ્યે જતી હતી. સામેથી માત્ર હળવો નિસાસો સંભળાયો. ફોન થોડીવાર માટે ચુપ થઈ ગયો હોય એવું લાગ્યું. ‘હેલ્લો મમ્મી, તમે ઓકે છો ને?’ ‘હા, મારે શું વાંધો હોય?’ એમનો અવાજ ફરી ગયો હતો. જાણે ગળામાં કોઈ જાળું અટવાયું હોય અને એમાંથી માંડ પસાર થઈને આવતો હોય એવો લાગતો હતો. ‘હાસ્તો વળી, એય...ને પપ્પાનું પેન્શન આવે છે, તમારું વિધવા પેન્શન છે, હેલ્થ માટે વીમો ઉતરાવેલ છે, પોતાની માલિકીનું મજાનું સ્વતંત્ર મકાન છે અને કોઈ‘ખસ’ કહેવાવાળું નથી. બીજું શું જોઈએ?’ ‘જુઓ મમ્મી, તમારા જેવું તો કોઈ સુખી નથી. ન કોઈ દીકરા-વહુની કટકટ કે ન કોઈ ભાગ-લાગની ઝંઝટ, ન કોઈ રોકવાવાળું કે ન કોઈ પૂછવાવાળું. જેમ મરજી હોય એમ જીવી શકો છો.’ ‘હમ્મ... મારા જેવું તો કોણ સુખી હોય!’ એમના અવાજમાં ખરેડી વધતી જતી હતી. મને થયું એ ખોંખારો ખાઈ લે તો અવાજ સ્પષ્ટ આવે. પણ હું બોલી નહીં. વાત ટૂંકાવતાં મેં કહ્યું, ‘મમ્મી, તમારે તો દીકરો ગણો કે દીકરી હું એક જ છું એટલે જરાય મુંઝાવાનું નહીં. જે હોય એ મને કહી દેવાનું ઓકે?’ આ સંવાદ ધ્યાનથી વાંચીએ તો, બે બાબત જોવા મળે છે. એક, મા વૃંદાને કશુંક કહેવા માંગે છે પણ કહેતાં અચકાય છે. બીજું કે, વૃંદા પણ માનાં ખચકાટને બોલ્યા વિના, ગળામાંની ખારાશ પરથી પામી જાય તેવી સમજદાર અને સંવેદનશીલ છે. વૃંદાની નિરીક્ષણશક્તિનો આ રીતે સર્જક ખ્યાલ આપે છે. સ્વાભાવિક છે કે, આવી વૃંદા સામે બેઠેલી સાસુના ખચકાટને તો સરળતાથી સમજી જાય. આથી જ તે રાત્રે સાસુને લાગણીભીના અવાજે પૂછે છે કે, ‘બા, તમારું મન નથી? આમ મુંઝાઓ નહીં. જે કહેવું હોય એ કહી નાંખો. આમ કંઈ ગળામાં બાઝેલું જાળું દૂર નહીં થાય. તમારે ખોંખારો ખાવો પડશે. બોલવું પડશે.’ બા વૃંદાના સ્નેહથી ફરતાં હાથની હૂંફને અનુભવે છે અને પોતાના હૈયાની વાત તેને કહી દે છે કે પોતાને અહીંની માયા બંધાઈ ગઈ હોવાથી તેની સાથે આવવું નથી. બાના મનની સમજી ગયેલી વૃંદા હેતથી કહે છે કે, ‘બા, એક વાત યાદ રાખજો હું તમારી સાથે જ છું. તમે અહીંયા રહો કે ત્યાં સ્થળ મહત્ત્વનું નથી. મારે તમારી મરજી મહત્ત્વની છે.’ વૃંદાના હેત અને હૂંફને લીધે જ સાસુ બીજા દિવસે સવારે દીકરા-વહુને પોતાનો નિર્ણય જણાવી શકે છે કે, ‘મોટા, હું ક્યાંય જવા નથી માંગતી. આ ઘર મારું છે. અહીંયા જીવી છું અને અહીંયા જ મરવાની ઈચ્છા છે. હજુ એકલી રહી શકું એટલી સ્વસ્થ છું. તમે લોકો આવતા-જતા રહેજો. તમારું ય ઘર છે. નિયમિત ફોન કરતાં રહેજો... વૃંદા અને ઉમંગે મને ત્યાં આવવા ખૂબ સમજાવી છે પણ મારાથી આ ઘરની, મારી બહેનપણીઓની, મંદિરની અને તારા સસરાની યાદગીરીની માયા નથી મુકાતી માટે મારે અહીંયા જ રહેવું છે. અને આ મારો સ્વતંત્ર નિર્ણય છે.’ આગળ નોંધ્યું તેમ વૃંદા જાત તપાસ કરનારી સ્ત્રી પણ છે. જેઠ-જેઠાણી અને ઉમંગે પોતાને યુ.એસ.ની વાતે અંધારામાં રાખી કે સાસુ પોતાની સાથે શા માટે આવવા તૈયાર નથી એ વાતે તે પોતાની જાતને જોતી, તપાસતી રહે છે. વાત જણાવી ન હોવાનું તેને દુ:ખ પણ થાય પરંતુ તે અણગમો કે દુ:ખ વ્યક્ત કરતી નથી. ‘રમેશભાઈએ હળવેકથી વાતનો દોર પોતાના હાથમાં લેતા કહ્યું, ‘જો વૃંદા, બા વર્ષોથી અહીંયા જ છે અને એમને અહીંયા જ ફાવે છે પણ હવે અમે જઈએ છીએ એટલે...’ કહી વાક્ય અધૂરું છોડી દીધું. મને હવે છેક ઝબકારો થયો કે અચ્છા તો આ વાત છે? હવે સમજાયું કે મને અત્યાર સુધી કેમ અંધારામાં રાખવામાં આવી હતી! ઉમંગે કશી હા-ના કર્યા વગર મને જવાની અનુમતિ કેમ આપી?... હું સ્તબ્ધ હતી. આટલું બધુ નક્કી છે અને મને આ લોકો અત્યારે છેક વાત કરે છે! આમ પરાઈ ગણે અને આમ પોતાની! પણ મારે સ્વસ્થતા ગુમાવવી ન હતી.’ એ રાત્રે એકલી પડેલી વૃંદા પોતાની જાતને પણ તપાસે છે. સ્વ-નિરીક્ષણની આ વૃત્તિ વૃંદાના અંતર્મુખી અને સંવેદનશીલ વ્યક્તિત્વને ઉપસાવે છે. વૃંદાના વિચારો જુઓ. ‘મેં મનને ઢંઢોળ્યું કે સાસુ આવે છે એ ખૂંચે છે? જવાબ ‘ના’માં આવ્યો. તો તને જાણ કર્યા વગર બધુ નક્કી થયું એ ખૂંચે છે? ઇનો જવાબ પણ ‘ના’માં જ આવ્યો. જેઠાણીનાં છોકરાં આટલી પ્રગતિ કરે છે એ ખૂંચે છે? ઇનો જવાબ પણ ‘ના’માં મળ્યો. તો શું પેટમાં દુ:ખે છે? મેં મારામાં ખોદકામ શરૂ કર્યું.’ બસમાં પાછા ફરતી વેળા વૃંદા પોતાની મમ્મીને ફોન કરે છે. બનેલી ઘટના જણાવે છે. સાથે જ મમ્મીને તેના જીવન વિશે પૂછે છે. મમ્મીના અવાજમાં રહેલી ખારાશ તે ઓળખે છે અને તેને પેટછૂટી વાત કરવા કહે છે. મમ્મીનો જવાબ સાંભળીને વૃંદાના ગળામાં ખારાશ બાઝી જાય છે. ‘કશુંક બોલવા ગઈ પરંતુ એ બન્ને સ્ત્રીઓના ગળામાંથી નીકળેલું જાળું ઓચિંતુ મારા ગળામાં આવીને ચોંટી ગયું હતું. કેટલીય મથામણ પછી માંડ માંડ શબ્દો ગોઠવાયા. મારા ગળામાં પડેલી ખરેડી દૂર કરવાના પ્રયાસરૂપે મેં સહેજ ગળું ખંખેર્યુ અને ખોખરા અવાજે કહ્યું ‘ઉમંગને પૂછીને જવાબ આપું.’ પ્રશ્ન થાય કે વૃંદાએ પોતાની માને તેના ઘરે રહેવાનું કહેવા ઉમંગને પૂછવું પડે? આર્થિક રીતે સ્વતંત્ર હોવા છતાં તે પોતાના જ ઘરમાં નિર્ણય લઈ શકવા સમર્થ કેમ નથી? વાર્તાકારે કુશળતાથી આ પ્રશ્નોનાં જવાબ વાર્તામાં આરંભથી જ આપ્યા છે. વૃંદા ઉમંગના કહેવાથી, ઉમંગની અનુમતિથી જેઠાણીના ઘરે જવા નીકળે છે. ઉમંગ પોતે જાણતો હોવા છતાં પૂરી વાત વૃંદાને કહેતો નથી. વળી, સાસુ પોતે ક્યાં રહેવું તેનો નિર્ણય જાતે લઈ શકે, પરંતુ વૃંદા ઉમંગને પૂછ્યા વિના કોઈ નિર્ણય ન લઈ શકે. આ જ આપણી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનું સત્ય છે જે વાર્તાકાર સીધેસીધું ન લખતાં કલાત્મક રીતે આલેખે છે. શુક્રવારની સાંજથી શરૂ થતી વાર્તા રવિવારે રાત્રે પરત આવી રહેલી વૃંદાની યાત્રા સાથે પૂરી થાય છે. ત્રણ સ્ત્રીઓના ગળામાં બાઝતી ખારાશ, ત્રણેય સ્ત્રીએ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે કરવી પડતી મથામણ - એની સહોપસ્થિતિ વાર્તાને સુરેખ બનાવે છે. કથક તરીકે અંતે ગળામાં બાઝેલી ખારાશ સાથે બોલતી વૃંદા અને આરંભે માને અને સાસુને સ્પષ્ટ રીતે વિચારો કહી દેવા પ્રોત્સાહન આપતી વૃંદા- આ બેની પણ સન્નિધિ રચાય છે. ત્યાં પેલી સ્ત્રી વૃંદા જોવા મળે છે જે એક નિર્ણય પણ સ્વતંત્રપણે લઈ શકતી નથી એ વાતે ગૂંગળાય છે. વાર્તાકારે વૃંદા પાછી આવતી હોય છે તે વેળાએ પ્રકૃતિનું કે રમણીય રાત્રિનું વર્ણન કર્યું નથી અને એ વડે વૃંદાની ગૂંગળામણને સ્પર્શક્ષમ બનાવી છે. વાર્તાના આરંભે બારી બહારનું દૃશ્ય અને અંતે બારી પરનો પડદો ખસેડ્યો હોવાછતાં બહાર ન જોતી વૃંદા- ભાવકને યાદ રહી જાય છે. ‘ઢાંકણ’ વાર્તામાં સર્વજ્ઞ કથક હોવાછતાં આખી વાર્તા કથક દીકરી સુગંધાના દૃષ્ટિકોણથી કહે છે. પપ્પાના અવસાન પછી વરસી વળાઈ ગયા બાદ મમ્મી મામના ઘરે જતી રહી છે અને ત્રણેક વર્ષથી ઘર બંધ છે. મમ્મીને પપ્પા વિનાના ઘરમાં ગોઠતું નથી. વાર્તા અનાયાસપણે બે ભાગમાં વહેંચાઈ જાય છે. ત્રણ-ત્રણ વર્ષથી બંધ ઘરમાં સુગંધા પગ મૂકે અને તેની ભૂતકાળની સ્મૃતિઓ તાજી થઈ જાય અને મમ્મી આવી પહોંચે ત્યાં સુધીનો પ્રથમ ભાગ છે. સુગંધા ઘરમાં ફરતી જાય અને ભૂતકાળ તાજો થતો જાય એ આખું વર્ણન ખૂબ સરસ થયું છે. કાવ્યાત્મક અને સુંદર આ વર્ણન સુગંધાની ચેતના શી રીતે ઘરને, મમ્મી-પપ્પાને ઝીલે છે તે રીતે થયું છે. મમ્મીના આગમનથી વાર્તાનો બીજો ખંડ શરૂ થાય છે. મમ્મી આવે અને સુગંધા તેને ભેટી પડે. મા-દીકરીની આંખ ભીની થઈ જાય. સુગંધાનો ભાઈ પપ્પાના મિત્ર રમણીકભાઈ સાથે આવી પહોંચે અને પપ્પાના વિલ મુજબ આ ઘર તેણે રમણીકભાઈને વેચ્યાનું તથા તેમાંથી મળેલી કુલ રકમના દસ-દસ ટકા સુગંધાને અને મમ્મીને મળી ગયાનું લખાણ બતાવીને તેના પર સહી કરવા કહે. મમ્મી એક પણ રૂપિયો લેવાની ના પાડે અને સહી કરી દે. સુગંધા પણ એમ જ કરે. મમ્મી દીકરાને કહે, ‘લાત મારું છું તારી ૧૦%ની ભીખ પર, એક રૂપિયો ય મારે કે મારી દીકરીને નથી જોઈતો જા...ગામની બહાર મોટું વૃદ્ધાશ્રમ બન્યું છે ત્યાં જ લખાવી દેજે આ રૂપિયા... અને હા, તારા બાપના નામની તક્તી જરૂર મરાવજે જેથી ભવિષ્યમાં તારે કામ લાગશે.’ આ બધું સુગંધા ભીની આંખે જુએ અને મનોમન બોલે, ‘સાચે જ ઢાંકણ દેવાઈ ગયું.’ ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તાના આરંભે આવતું સુગંધાની સ્મૃતિઓ વડે રચાતું ચિત્ર જુઓ. ‘એ મેઈનડોર ખોલી ઘરમાં પ્રવેશી. એક જાણીતી સુગંધ ઘેરી વળી. એણે ઊંડો શ્વાસ લઈ સુગંધને નાકમાં ભરી. આ સુગંધને કોઈ એક સરનામું ન હતું. મમ્મી પગે ચોળતી એ તેલની, પપ્પા છાતીએ લગાવતા એ બામની અને ઠાકોરજીને ધરાયેલા અત્તરની એમ ત્રણેય સુગંધોના મિશ્રણ જેવી આ સુગંધ એના નાકને રળિયાત કરી ગઈ.’ ‘આ રસોડામાં જ પહેલીવાર ચા બનાવી હતી, આ અરીસામાં જોઈને જ પહેલો ખીલ ફોડ્યો હતો, આ ઘરમાં સૌમિલ એને જોવા આવ્યો હતો અને અહીંથી જ એ વિદાય થઈ હતી. પપ્પાએ માથા પર હાથ મૂકી કહ્યું હતું ‘તું મારી દીકરી નથી પણ બીજો દીકરો છે. આ ઘર તારું જ છે. મન થાય ત્યારે આવી જવાનું, તારો બાપ રાહ જોઈને જ બેઠો હશે.’ મમ્મી ઉતાવળે આવીને પાછી જતી રહેતી સુગંધાને ટોકતી કે, ‘આ મા-બાપ બેય બેઠાં છે ત્યાં લાગી અવાશે. બે માંથી એક ઓછું થ્યું પછી હરિવાલા... આવવું હશે તોય કોઈ ‘આવો’ કહેવાવાળું નહીં હોય. ભર્યાભાદર્યા ઘરને ઢાંકણ દેવાઈ જશે ઢાંકણ!’ અંતે મમ્મીની આ વાત સાચી પડે છે. મમ્મી પપ્પાની એક માત્ર તસવીર પોતાની સાથે લઈને ઘરમાંથી બહાર નીકળી જાય છે. પ્રથમ ખંડની સુગંધાની સ્મૃતિઓથી રચાતું આખું ચિત્ર બીજા ખંડમાં ભાઈના ગણતરીપૂર્વકના વર્તનથી તૂટી જાય છે. વાર્તાની સંકલનની દૃષ્ટિએ જોઈએ તો, પ્રથમ ખંડમાં વાર્તાકારે જે ધીરજથી વાર્તાનો પરિવેશ રચ્યો છે, જે લયથી સુગંધાની સંવેદનાઓને અને સ્મૃતિઓને આલેખી છે તે લય, ધીરજ બીજા ખંડમાં જળવાઈ નથી. કહો કે, બીજો ખંડ તેઓ ઉતાવળે આટોપી લેતાં જણાય છે. ભાઈના વર્તનથી ચિત્ર તૂટે પણ વાર્તાનો લય જાળવીને તે તૂટે એવી ધીરજ જો સર્જકે રાખી હોત તો આ વાર્તા યાદગાર બની શકત. ‘આ માણસ, એ માણસ’ વાર્તામાં ચાર પાત્રો છે: પપ્પા, મોટી બહેન, મમ્મી અને નાની બહેન. વાર્તા નાની બહેનના મુખે કહેવાઈ છે. વાર્તા બે ભાગમાં વહેંચાયેલી છે. મોટી બહેનની લગ્નની ઉંમર વીતી રહી છે. તે રૂપાળી ન હોવાથી તેના લગ્ન થઈ રહ્યા નથી. પ્રથમ ખંડમાં મોટી બહેનના લગ્ન થતાં નથી. તેથી કોઈક ને કોઈક વાતે રોજ ઘરમાં ઝઘડો થતો રહે છે. પપ્પાનું બોલવું, મમ્મીનું સામે જવાબ આપવું અને મોટી બહેનનું વચ્ચે પડવું. વાત મોટી બહેન પર આવે, તેના દેખાવ પર આવે, અંતે તે રૂમમાં હીબકાં ભરતી રોતી રહે અને નાની બહેન સામે પોતાનું હૈયું ઠાલવતી રહે. નાની બહેન સાંભળે, ક્યાંક મોટી બહેનને સમજાવે. ‘ત્રિઅંકી નાટક’ની જેમ લગભગ રોજ આ દૃશ્ય ભજવાતું રહે છે અને નાની બહેન તે જોતી રહે છે. પપ્પા અને મોટી બહેન રોજ એકબીજાને ના કહેવાના વેણ કહેતા રહે છે. મોટી બહેનથી વયમાં મોટો યુવક મોટી બહેનને જોવા આવે અને તે બહેનને પસંદ કરે ત્યાંથી વાર્તાનો બીજો ખંડ શરૂ થાય છે. દીદીને જોવા તેનાથી આઠ વર્ષ મોટો, ટાલવાળો પણ સદ્ધર છોકરો આવે ત્યારે નાની થોડી નિરાશ થઈ જાય છે પણ ઓછી દેખવાડી ને વાંકળિયા વાળવાળી દીદી લગ્ન માટે તૈયાર થઈ જાય છે. લગ્નની દોડધામમાં બેઉ બહેનો નિરાંતે બેસી શકતી નથી. દીદીના લગ્ન નક્કી થાય છે. બધી દોડધામ પપ્પા હોંશેહોંશે કરે છે. દીદીની પસંદગી મુજબની બધી ખરીદી થાય છે. પપ્પાના કપડાં દીદી પસંદ કરે છે. કન્યા વિદાય વેળાએ માફી માંગતી દીદી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડતાં પપ્પા – ને જોઈને નાની દીકરી વિચારમાં પડી જાય કે ‘ક્યાં આ માણસ... ક્યાં એ માણસ!’ ત્યાં વાર્તા પૂરી થાય છે. હળવા ટોનમાં લખાયેલી આ વાર્તા પિતા-પુત્રીનું એક નાજુક સંવેદન આલેખે છે. અહીં મધ્યમવર્ગીય પિતાની દીકરીને પરણાવવાની ચિંતા જેવું જાણીતું કથાવસ્તુ આલેખ્યું છે. બાપ-દીકરીના સંવાદોની તોફાની ભાષા, બાપના વ્યંગ પાછળ છુપાયેલી બાપની અકથ્ય વેદના અને બાપને સામા જવાબ આપતી બાપની ચિંતા સમજતી વેદનશીલ મોટી દીકરીની પીડા અને આ બધું જોતી-સમજતી નાની દીકરી વાચકને આખી કથા હળવાશથી કહેતી જાય એ રીતે આખી વાર્તાનો પિંડ બંધાયો છે. પિતાની અકળામણ અને બહેનની પીડા- આ બંને વાત નાની દીકરીથી વધારે સારી રીતે કોણ સમજી શકે? એ રીતે વિષયને અનુરૂપ કથકની પસંદગી વાર્તાને ઉપકારક બની છે. જો કે, નાની દીકરી પણ પિતાની અકળામણ પાછળની ચિંતા અને મોટી બહેનની ગૂંગળામણને સમજે છે. એ રીતે નાની દીકરીની સમજદારી અનુભવાય. આખી વાર્તામાં ક્યાંય પિતા સીધેસીધું કહેતા નથી કે મને મોટી દીકરીના લગ્નની ચિંતા છે. એના બદલે દીકરીના દેખાવ પર કટાક્ષ કર્યા કરે છે. દીકરી પણ પિતાની મન:સ્થિતિ સમજે છે. પોતે રૂપાળી નથી અને પોતાને લીધે પિતા દુ:ખી રહે છે એ વાતે તે પણ દુ:ખ અનુભવે છે. આખી વાર્તામાં મુખ્ય વાત ક્યાંય સીધેસીધી કહેવાતી નથી. આથી જ આ વાર્તા વાર્તા બની છે. વ્યંગ પાછળની વેદનાનો સૂર હસતાં હસતાં ભાવકની આંખ ભીંજવે છે તેમાં જ પારુલ ખખ્ખરનો વાર્તાકાર તરીકેનો સાચો કસબ રહેલો છે. અખબારમાં અભિનેત્રી સોનાલી બેન્દ્રેનો કેન્સરની ટ્રીટમેન્ટ વખતનો વાળ વગરનો ફોટો છપાયો છે તે પ્રસંગનું નિરૂપણ જુઓ. ‘એ રાત્રે હું મંગળવારની મહિલા પૂર્તિ લઈને વાંચવા બેઠી હતી. દીદી રસોડાનું કામ પતાવી રૂમમાં આવી. મારા હાથમાં પૂર્તિ જોઈ મારી પાસે આવીને બેસી ગઈ. પાના પર એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેનો કેન્સર ટ્રીટમેન્ટ વખતનો ફોટો હતો. આખા પાના પર એનું વાળ વગરનું માથું ઝગારા મારતું હતું. એ આઈલાઈનર વડે પોતાની સુંદર આંખોને સજાવી રહી હોય એ ક્ષણોને ક્લિક કરાયેલી હતી. મારી નજર દીદીના ચહેરા તરફ વળી… પછી હળવા નિસાસા સાથે દબાયેલા અવાજે બોલી, ‘મારા જેવીને તો કેન્સરે ય નથી થતું!’ મોટી દીકરીની વેદના એક જ સંવાદમાં કેવી વેધક રીતે અનુભવાય છે. તે નાની બહેનને પૂછી બેસે છે, ‘હું દેખાવડી નથી એ મારો વાંક? મારા વાળ રુક્ષ અને વાંકડિયા છે એ મારી ભૂલ છે?’ નાની બહેન સામે હૈયું ઠાલવતી મોટી જાણે છે કે પિતાને શું અકળાવે છે. વાળ ન કપાવવા દેતા પપ્પાની વાત કરતી મોટી દીકરી કહે છે, ‘પરમ પૂજ્ય પિતાશ્રી ક્યાં માને છે? એ માણસ નથી તો આ લુખ્ખા વાળ જોઈ શકતા કે નથી એને કપાવવા દેતા. એ મારું મોઢું જોઈને ઇરિટેટ થયા કરે છે અને હું એના શબ્દો સાંભળીને.’ મોટીના લગ્ન નહીં થાય તો? એ બીકમાં નાની નાની વાતે ગુસ્સે થઈ જતા પપ્પા દીકરીને ‘જટાધારી મહારાજ’, ‘જટાળી’, ‘કાળમુખા ડાચાવાળી’ જેવાં સંબોધનો કરતા જોવા મળે છે. વાર્તાના આરંભે જ મમ્મી જૈન સાધ્વીને દાન આપે છે એ વાતે મમ્મી પર પપ્પા ભડકે છે. એ વેળાએ મમ્મી-પપ્પા વચ્ચેના ઝઘડામાં મોટી બહેન મમ્મીનો પક્ષ લે છે. પપ્પાની દિશા બદલાય છે અને પછી દીકરી અને પપ્પાની બોલાચાલી થાય છે. એનું વર્ણન નાની દીકરી કરે છે એ જુઓ. ‘અને પપ્પા ભડક્યા. ‘શું કીધું તેં? હેં શું કીધું? એ માણસ નહીં સમજે? વાહ રે...જટાધારી મહારાજ તમને પ્રણામ. તમે એક જ સમજદાર છો આ ઘરમાં.’ કહી પપ્પાએ દીદી સામે હાથ જોડ્યા. પપ્પાના આવા નૌટંકીવેડા જોઈ મને હસવું આવતું હતું.’ આ જ વાર્તાલાપમાં આગળ પપ્પા દીકરીને કહી દે છે, ‘કોઈ ભોજીયોભાઈ ય તારો ધણી નથી થાવાનો…આ ઘરમાં બાપ તું નથી, હું છું એ યાદ રાખજે.’ દીકરી જટા જેવા વાળ કપાવવાની વાત કરે છે ત્યારે પપ્પા બોલી ઊઠે, ‘મારા જીવતેજીવ વાળને કાતર નથી અડાડવાની. બાપ મારે ત્યારે એની પાછળ વાળ ઉતરાવજો. હું મરું પછી કળપાવજો મારા નામનું’ કથક તરીકે નાની દીકરીની ભાષા અને ટિપ્પણીઓ પણ વાર્તામાં અગત્યની છે. જેમ કે, વાર્તાના આરંભે જ મમ્મી-પપ્પાના ઝઘડાનું વર્ણન કરતી દીકરી પપ્પાની ક્રિયા, પ્રતિક્રિયાઓ કેવા શબ્દોમાં વર્ણવે છે તે જુઓ. ‘પપ્પા રસોડામાં ધસી આવ્યા.’ ‘પપ્પા ઉકળવા લાગ્યા હતા.’, ‘મમ્મી એન સ્વભાવ મુજબ ઠંડકથી જવાબ આપ્યે રાખશે અને પપ્પા ભડકો થતા રહેશે. પાણીથી તો આગ ઠરવી જોઈએ, ભડકે છે શું કામ?’ ‘ઝઘડો મારી ધારણા મુજબ ઝાળ પકડી રહ્યો હતો અને દીદીએ એન્ટ્રી મારી.’ ‘પપ્પા ભડક્યા.’, ‘પપ્પાનો બાટલો ફાટ્યો.’ કથકની ટિપ્પણીઓ અને તેના વાણી-વર્તન વડે તેનું પાત્ર ઊઘડે છે. તેને આ ઝઘડા ગમતાં નથી પણ પોતે ‘સૌથી નાની હોઈ આ નાટ્યશ્રેણીના કથાનકમાં કશો ફેરફાર કરી શકવા સક્ષમ નથી’ એ વાત જાણતી હોઈ જોયા કરે છે. મોટી બહેનને છોકરાવાળા જોવા આવે છે ત્યારે તે ઓછી રૂપાળી લાગવાના પ્રયાસો કરે છે. નાની બહેન તરીકે તેને મોટી બહેન સુંદર લાગે છે. બંને બહેનોનું છોકરાવાળા આવે ત્યારનું વર્ણન જોવા જેવુ છે. ‘દીદીએ લાઈટ યલ્લો સાડી પહેરી હતી. કપાળ પર નાનકડી બિંદી, ચહેરા પર કોઈ જ મેકઅપ નહીં માત્ર આઈલાઈનર, ઘાસના પૂળા જેવા વાળનો ઢીલો ચોટલો વાળ્યો હતો. હું પણ વાળમાં તેલ નાંખી, ચપ્પટ ચોટલો વાળી, સાદો ડ્રેસ પહેરી, બન્ને ખભા પર દુપટ્ટો પીનઅપ કરી તૈયાર થઈ ગઈ હતી. મમ્મી રૂમમાં આવી. દીદી સામે સંતોષભરી નજરે જોયું અને એના ગાલ પર વ્હાલથી હાથ ફેરવ્યો. પછી મારી સામે જોયું. અસુંદર દેખાવાના મારા પ્રામાણિક પ્રયત્નને બિરદાવતી હોય તેમ મારા માથા પર હાથ ફેરવતા બોલી, ‘બહુ વહેલી સમજણી થઈ ગઈ મારી છોટી!’ મમ્મીની એક જ ચેષ્ટા, એક સંવાદ કેટકેટલું સૂચવી જાય છે! એ જ રીતે દીદીની વિદાયવેળાએ પપ્પાને રડતાં જોઈને નાની દીકરી જે વિચારે છે તે જોવા જેવું છે. ‘અંતે આવ્યો વિદાયનો સમય. દીદી પહેલા મમ્મીને વળગીને ખૂબ રડી. પછી પપ્પા પાસે ગઈ, નીચે નમી, પપ્પાની ચરણરજ લઈને માથે ચડાવી. પછી બે હાથ જોડી બોલી ‘મારી ભૂલચૂક માફ કરજો પપ્પા...’ નાટકનાં બે સૂત્રધારો આજે સામસામે નહીં પણ સાથેસાથે હતાં. પપ્પાએ દીદીના માથા પર હાથ મૂકીને કહ્યું,‘માફ તો મને કરી દે તેં મારા કારણે બહુ વેઠ્યું છે.’ વાર્તાકારે એક મધ્યમવર્ગીય કુટુંબની ચિંતા અને તેમના હર્ષની વાત હળવાશભરી રીતિએ પણ અસરકારક શૈલીમાં કહી છે. પિતા હોઈ જાહેરમાં રડી ન શકે. દીકરીને પરણાવી નથી શકતા એ વાતે લાચારી અનુભવતા પિતા પ્રતિક્રિયા રચના વડે ગુસ્સો, આક્રોશ વ્યક્ત કરીને દબાયેલી વેદના ઠાલવતા રહે છે. દીકરી પણ પિતાના આક્રોશ પાછળના સ્નેહાને, ડરને, લાચારીને જોઈ શકે છે પણ નિ:સહાય હોવાથી લડતી-ઝઘડતી રહે છે. આરંભે જૈન સાધ્વીને દાન આપવાની વાતે ઝઘડતા પપ્પા અંતે દીકરીના લગ્ન નક્કી થયા પછી જૈન સાધ્વીને દાન આપતા ખચકાતી મમ્મીને કહે છે, ‘સરખું વ્હોરાવજે હો! કોના આશીર્વાદથી મોટીનું ગોઠવાયું હશે કોને ખબર?’ આમ, કથકની પસંદગી, સંવાદો અને વ્યંગ-કટાક્ષ વડે બાપ-દીકરીના સ્નેહનું થયેલું નિરૂપણ આ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. સાસુ-વહુનું સંવેદન ધરાવતી ‘છપતરી’ વાર્તામાં સમયગાળો આશરે એક વર્ષનો છે. લગ્ન બાદ પહેલી સાતમ-આઠમ આવતી હોવાથી રીમા રોહનને પોતાના પિયર જવા માટે પૂછે છે ત્યાંથી વાર્તા આરંભાય છે. બીજા દિવસે નાસ્તો કરતી વેળાએ રીમા રોહનને સાસુ અવનિબહેનને એ વાત પૂછવા ઇશારાથી જણાવે. સાસુ રાજી થઈ હા પાડે. રીમા પિયર જવા ઊપડે. આઠમ ઉજવીને પાછી ફરેલી રીમા સાસુને થોડાં બીમાર જોઈ ગૂંચવાઈ જાય. સાસુ તેને ચિંતા મુક્ત કરી આરામ કરવા કહે. રીમા વિચારે કે પોતાના પિયર કરતાં અહીં ઘણી સાદગી છે. વિધવા માનો એકનો એક દીકરો અને આઈટી કંપની, બેંગલોરમાં સારી જોબ, સંસ્કારી કુટુંબ જોઈ રીમાના માતા-પિતાએ તેને પરણાવી. રીમાને સાસુની નાની નાની વાતોની કાળજી મૂંઝવે. જેમ કે, જૂનો સાબુ થાય એટલે તેની બાકી બચેલી છપતરી નવા ભેગી ચોંટાડી દેવી. બચેલી ટુથપેસ્ટ ઘસી ઘસીને કાઢવી કે દૂધનું વાસણ વગેરે. એક સાંજે સાસુ પોતાના ભૂતકાળની વાતો કહે. લગ્ન બાદ અવનિબહેનને સાસરીમાં પડેલી મુશ્કેલીઓ, વિધવા થયા બાદ માંડ બે છેડા ભેગા કરીને રોહનને ભણાવ્યો તે રીમાને જણાવે. સાવ સહજ રીતે થયેલી આ વાતચીતથી રીમાને સાસુના વર્તન પાછળનું કારણ સમજાઈ જાય છે. તેને સાસુ માટે અધિક વહાલ જન્મે છે. તે બીજી આઠમે પિયર જવાને બદલે બેંગ્લોરમાં પોતાના ઘરે જ કાનુડાનો જન્મદિવસ ઉજવે છે. પારણાનોમની સવારે તે સાસુને કહે છે, ‘મમ્મી, આજથી રસોડું મારા માથે હો! તમારે હવે મનગમતી પ્રવૃત્તિ કરવાની બસ.’ સાસુ પૂછે છે આમ અચાનક શું થયું? જવાબમાં રીમા કહે છે, ‘થયું તો કંઇ નથી પણ બસ... મને સાબુની છપતરી ચોંટાડતા આવડી ગઈ.’ એ સાથે જ વાર્તા પૂરી થાય છે. સુખી કુટુંબમાંથી આવેલી રીમાને સાસુના સ્વભાવનો સાચો પરિચય થાય તે ક્ષણને વાર્તાકાર ખૂબ સહજ રીતે આલેખે છે. સમયની દૃષ્ટિએ જોઈએ તો પણ એકાદ વર્ષ પછી જ રીમા સાસુને સમજી શકે. શરૂઆતમાં નવી પરણેલી રીમાને સાસુની અમુક રીતભાત સમજાતી નથી. તે સાસુને કંજૂસ માની લે છે. વળી, તેના પિયરિયાઓ સામે તે આવી વાતો કહેતી પણ ખરી અને બધાં હસતાં. જ્યારે તેને એક સાંજે સાસુએ વેઠેલા દુ:ખ ખબર પડે ત્યારે તેને આવી પ્રેમાળ સાસુ માટે માન ઊપજે છે. આરંભે રીમા જૂના સાબુની છપતરી નવા પર ચોંટાડી શકતી નથી એવી એક નાનકડી ચેષ્ટા વાર્તાકાર લખે છે. પતિ, સાસુ, બેંગ્લોરનું ઘર તેને પોતાનું લાગે છે. તેને છપતરી ચોંટાડતા પણ આવડી જાય છે. પિયરના ઘરથી સાસરીનું ઘર પોતાનું લાગવા સુધીના રીમાના પરિવર્તનને વાર્તાકાર આલેખે છે. રીમાની નજરે પ્રેમાળ સાસુનું નિરૂપણ વાંચવું ગમે તેવું છે. જોકે, વાર્તામાં સમયસંકલના અને પ્રસંગોની ચુસ્તતા થોડી વધારે જળવાઈ હોત તો વાર્તા વધુ સુદૃઢ થાત. ‘પારિજાત’, ‘ઉઝરડા’, ‘પાપણી’, ‘બાવળિયો’ અને ‘હોંકારો’ – વાર્તાઓમાં સ્ત્રીના જુદાં જુદાં સંવેદનો નિરૂપાયા છે. આ સ્ત્રીઓ પ્રૌઢ વયની છે. ‘પારિજાત’માં ડિપ્રેશનમાંથી ઊગરેલી રૂપાંદે શાહ, ‘ઉઝરડા’ની ચાલીસ વર્ષની ગૃહિણી, ‘પાપણી’ની સ્મિતા, ‘બાવળિયો’ની સુશીલાબહેન, અને ‘હોંકારો’ના ગર્વિષ્ઠ પ્રેમિલાબહેન જુદાં પડતાં સ્ત્રી પાત્રો છે. ક્યાંક તેમનામાં અભાવ છે, ક્યાંક અભાવને ચલાવી લેવાની તાકાત પણ છે. ક્યાંક ભર્યું ઘર હોવા છતાં એક સાથી મિત્રની શોધ છે તો ક્યાંક પતિએ દગો કર્યો તે સ્ત્રી માટે આક્રોશ પણ છે. તો ક્યાંક વળી કોઈકની વાતે હોંકારો દઈ સમાજસેવા કરવાની ધખના પણ જોવા મળે છે. ‘પારિજાત’ કવિતાની નજીક સરતી વાર્તા છે. સર્વજ્ઞના કથનકેન્દ્રવાળી આ વાર્તામાં સમય સવારથી માંડી રાત સુધીનો છે. રૂપાંદે શાહ હાલમાં જ ડિપ્રેશનમાંથી બહાર આવી છે. તે એક કાર્યક્રમમાં જવા નીકળે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. રસ્તામાં તે ડ્રાઇવરને ઓવરબ્રિજ નહીં પરંતુ જૂના બેઠા પુલ પરથી ગાડી લેવા કહે. રસ્તામાં જેના લીધે તે દુ:ખી થઈ હતી તે આરવને જ ઘાયલ પડેલો જુએ. રાઘવના કહેવાથી તે આરવને એવો જ મૂકીને ચાલી નીકળે છે. કાર્યક્રમ પતાવી ઘરે પાછી ફરે ત્યારે જમાઈ તુમુલ કાર્યક્રમ વિશે પૃચ્છા કરે. પોતે આરવને એવો મૂકી ચાલી નીકળી હતી એ વાતે તે દુ:ખ અનુભવતી હોય છે. આરવ તેને જણાવે કે ડેડીએ ૧૦૮ને ફોન કરી બોલાવી લીધી હતી. રડતી રૂપાને શાંત કરી તુમુલ શાંતિથી સુવડાવે. હાથોમાં પકડી રાખેલું આંસુ સરી જાય છે. આજે તે દવા વિના સૂઈ જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. સાસુ-જમાઈના સંબંધો વાર્તાનું જમાપાસું છે. ‘ઉઝરડા’ વાર્તામાં ચાલીશીમાં પહોંચેલી સુડોળ કાયાને ટેકવીને નાયિકા ટી.વી. જોતી હોય છે. ઘરમાં અચાનક વોટ્સ એપ મિત્ર આવી પહોંચે છે. તેનું આમ એકાએક આવવું નાયિકાને મૂંઝવે છે. તે ચા મૂકવા રસોડામાં જાય છે. ઘરમાં કોઈ નથીની ખાતરી કર્યા બાદ તે અતિથિ એકાએક આવેશમાં નાયિકાને ચૂમી લે છે. તેનો નકાર પેલો જોતો નથી. ડઘાયેલી નાયિકા હજુ તો કંઇ સમજે તે પહેલાં આ ઘટના બની જાય છે. અતિથિ ચાલ્યો જાય છે પણ તે હતપ્રભ થઈ જાય છે. બે વરસનો ચેટ સંબંધ. ફોટા ને ઇમોજીની આપ-લે. તેની મરજી પૂછ્યા વિના અતિથિનું આ વર્તન તેને આઘાત પમાડે છે. રાત સુધી તે સ્તબ્ધ બેઠી છે. બહાર એક અલમસ્ત વાછડો તેના ગુલાબના એકએક છોડને પીંખી નાંખે છે ત્યારે તે ભાનમાં આવે છે. પતિ માલવ તેને બોલાવવાના પ્રયત્નો કરે છે પણ બંને વચ્ચે એ સંવાદનો સેતુ ક્યારનો તૂટી ગયો છે. દીકરી જીયા તેને પૂછે છે પરંતુ તે કહી શકતી નથી. માતા, બહેનપણીઓ સાથે વાત થાય તેમ નથી. પરિણામે તે ધુંધવાયેલી ફરે છે. વસંતપંચમીએ તે પોતાને પણ આ ઘટના માટે માફ કરે છે અને ગુલાબના છોડને સરખા કરી ફેસિયલ કરાવવા જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. ગુલાબ અહીં પ્રતીક બને છે. ‘પાપણી’ વાર્તા દિવાળી પછીના દિવસોમાં ‘હર કી પેડી’ પર ગંગાઘાટે સંધ્યા આરતી થયા બાદ સ્મિતા બેઠી છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. પોતાનો પતિ સંજય સાત વર્ષથી ક્યાંક ચાલ્યો ગયો છે. પતિને પાડોશી તરુણ રંજુ સાથે શારીરિક સંબંધ બાંધતા જોઈ ગયેલી સ્મિતા આજે પણ એ ગુના માટે બેઉને માફ કરી શકતી નથી. સખી કલ્પના તેને બધું છોડી દેવા જણાવે પણ સ્મિતાથી એમ થઈ શકતું નથી. કલ્પના વૃદ્ધાશ્રમમાં મૃત્યુ પામેલા સસરાની વાતે અપરાધબોધ અનુભવે છે. એટલે તે સસરાનો અંતિમ વિધિ ગંગા કિનારે કરાવે છે. પુલના સામા છેડે ઊભેલી સ્મિતાને અચાનક ગંગામાં ડૂબકી લગાવતી ગર્ભવતી રંજુ દેખાય. સ્મિતા તેને જોતાવેંત સળગી ઊઠે અને તેના ચિત્ત પર પતિ સંજય સાથેના રંજુના પ્રણયદૃશ્યો તાજા થઈ જાય. ક્રોધમાં અંધ બનેલી સ્મિતા સગર્ભા રંજુને ગંગામાં સરી જતી જુએ. તેના મોઢામાંથી એક પણ અક્ષર ન નીકળે. ઠંડા કલેજે મોબાઈલ પર્સમાં મૂકી, આંખે ગોગલ્સ ચઢાવી તે ત્યાંથી ચાલી નીકળે ત્યાં વાર્તા પૂરી થાય છે. અહીં વાર્તાકાર સ્ત્રીની અંદર રહેલી આદિમ વેરવૃત્તિને ગંગાઘાટ જેવા પવિત્ર સ્થળ પર થતાં કૃત્ય વડે આલેખે છે. ‘પાપણી’ કોણ? રંજુ કે સ્મિતા? કે પછી સ્મિતાનો વર? એવો પ્રશ્ન ભાવકના ચિત્તમાં જન્મે. વાર્તાકાર સમયના બે બિંદુ પર થયેલા કૃત્યને સામસામે મૂકી પાપણી શબ્દનો નવો જ અર્થ પ્રગટાવે છે. સ્મિતાનો રંજુ પ્રત્યેનો પ્રબળ તિરસ્કાર, વેરનો ભાવ અને પાપનાશિની ગંગાનો પરિવેશ, નજર સામે રંજુનું પાણીમાં ડૂબી જવું વિષયને ઉપકારક બન્યા છે. તેમાંય કથક સ્મિતા પોતે હોઈ સર્જક સ્મિતાની વેરવૃત્તિને પ્રતીતિકર અને સ્પર્શક્ષમ રીતે આલેખી શક્યા છે. ‘બાવળિયો’ વાર્તામાં મુખ્ય પાત્ર સુશીલાબહેનનું છે. આખી વાર્તા કૉલેજમાં ભણતી યુવતી ધરતીના મુખે કહેવાઈ છે. આ વાર્તાની કથક ધરતી કૉલેજમાં અભ્યાસ કરવાની સાથેસાથે માને ભરતકામમાં મદદ કરતી રહે છે. એક સાંજે માતા બાજુના બંગલામાં રહેતા સુશીલાબહેન તેને બોલાવે છે એમ કહે છે. ધરતી તેમના ઘરે સાંજે પહોંચે છે. તે સુશીલાબહેન પાસેથી ભરતકામ લે છે. તેના મનમાં કેટલાંક પ્રશ્નો છે. આવડાં મોટા ઘરમાં રહેતાં સુશીલાબેન આવું ભરતકામ શા માટે કરતાં હશે? વરસાદ તૂટી પડતાં સુશીલાબહેનને પોતાના લગ્ન સમયની મેઘલી રાત યાદ આવે છે. તેઓ ધરતીને ચા પીવડાવે છે સાથે જ પોતાનું અંતર ઉઘાડે છે. સુશીલાબહેન પરણીને આવ્યા એ રાતની વાત સાંભળવામાં ધરતીને રસ પડે છે. તેઓ કહે છે કે લગ્નની રાતે જ તેમના પતિએ તેમને પૂછ્યું હતું કે આપણે માત્ર મિત્રો બનીને ન રહી શકીએ? એમને સ્ત્રી કરતાં પુરુષોમાં વધુ રસ પડે છે. ડાયવોર્સ લેવા કે દત્તક બાળક લેવાની વાત પણ તેઓ કહે છે. ખૂબ વહાલ સાથે જોડે સૂતા પતિને લીધે તે પોતાના આવેગો વહાલમાં જ ઠારી લેતાં. એમ કરતાં કરતાં એમના પિસ્તાળીસ વર્ષ થયાં. આ વાતો સાંભળીને ઘરે પરત ફરતી ધરતીને વિરેન્દ્રનું વર્તન સમજાય છે અને પોતાના પ્રપોઝલને ફગાવી દેનાર એ છોકરાને તે માફ કરે છે. વાર્તાનો અંત ચોટદાર છે. ગેટમાં પ્રવેશેલી અને ત્યાંથી નીકળતી ધરતી વધુ પુખ્ત થાય છે. કહો કે, સુશીલાબહેનના અનુભવે તે પુખ્ત બની જાય છે. અહીં બાવળિયો પ્રતીક છે. બાવળિયો એક કચ્છી ભરતકામ છે જેમાં બાવળના ઝાડના પાન બનાવવામાં આવે છે. ઘેરા રંગો અને કાચ વડે થતું આ ભરતકામ અઘરું હોવા છતાં લોકપ્રિય પણ એટલું જ છે. અહીં ૨૦૨૩માં આવેલી મલયાલમ ફિલ્મ ‘કથલ: ધ કોર’ યાદ આવે. જેમાં મામૂટી સાથે જ્યોતિકા તે સમલૈંગિક હોવાથી લગ્નના વર્ષો પછી પણ ડાયવોર્સ લે છે. સમલૈંગિક સંબંધોની આ વાર્તા એક સ્ત્રીના, પરણેતરના દૃષ્ટિકોણથી આલેખાઈ છે. વળી, કથક પણ એક યુવતી જ છે. સ્ત્રી-પુરુષ સંબંધમાં શારીરિક સંબંધ ઉપરાંત પણ કંઈક ગૂઢ તત્ત્વ રહેલું છે એ વાત સુશીલાબહેનના પાત્ર વડે દર્શાવી છે. જોવા જેવું એ છે કે, અહીં સર્જક સહેજ પણ મુખર થયા વિના, અત્યંત સંયમિત રીતે આવા સંબંધની વાત એક જુદા દૃષ્ટિકોણથી કરે છે. કથક અને સુશીલાબહેન વચ્ચેનો સંબંધ પણ આ ઘટનાથી દૃઢ બને છે. આવા સંવેદનશીલ વિષયને સ્ત્રીના દૃષ્ટિકોણથી આલેખવાનો પ્રયાસ અને તે દ્વારા સ્ત્રી-પુરુષ સંબંધના દૈહિક સંબંધને ઓળંગી જતાં સ્નેહસંબંધનું થયેલું નિરૂપણ, ચુસ્ત સમયસંકલના, વરસાદી માહોલ અને ભરતકામનો પ્રતીક તરીકેનો વિનિયોગ – આ બધાને કારણે આ વાર્તા નોંધપાત્ર બની છે. ‘હોંકારો’ વાર્તા બે ભાગમાં વહેંચાયેલી છે. વાર્તાનો આરંભ પ્રેમિલાબહેન હોસ્પિટલમાં ભાનમાં આવે છે તે ક્ષણથી થાય છે. કુલીન અને વૈશાલી તેમને જાળવીને ઘરે લાવે છે. નવો ફોન આપે છે પરંતુ એક છોકરીની ચિંતામાં આ બધું થયું હોવાનું માની દીકરો-વહુ પ્રેમિલાબહેનને ફોન આપતાં નથી. થોડા દિવસ બાદ નવો ફોન આપે છે. પેલી છોકરીના મેસેજીસ વંચાવે છે પણ નંબર ડિલીટ કરીને આપે છે. કુલીનના મતે મમ્મી પેલી અજાણી છોકરીની વાતો સાંભળી દુ:ખી થાય છે ને તબિયત બગાડે છે. પ્રેમિલાબહેન ઘરની શાંતિ ના હણાય એ વિચારે દીકરાની વાત માને છે. બીજા ભાગમાં ૨૬મી જાન્યુઆરીનો દિવસ છે. પ્રેમિલાબહેનને મુખ્યમંત્રીના હાથે એવોર્ડ પ્રાપ્ત થવાનો હતો. મુખ્યમંત્રીને હોંકારો જેવી સમાજસેવાની સંસ્થા વિશે જાણવાનું મન થાય. ત્યારે જવાબમાં પ્રેમિલાબહેન એક ગરીબ ઘરની છોકરી સાથેની બસમાં મુલાકાત વિશે જણાવે. એના પર પારાવાર મુશ્કેલીઓ પડી છે અને એવામાં ગેંગરેપનો ભોગ બને છે. આ સમાચાર સાંભળીને પ્રેમિલાબહેન બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલમાં હોવાથી તેને જવાબ આપી શકતા નથી અને તે યુવતી આત્મહત્યા કરે છે. આ બનાવે તેઓ મજબૂત મને આવા અસહાય લોકોની વાત સાંભળીને તેમને હોંકારો દેવાનું નક્કી કરે છે. ઘણી વાર માત્ર વાત સાંભળવાથી દુ:ખ હળવાં થઈ જાય એમ વિચારી તેઓ તેમની બહેનપણીઓ સાથે મળીને હોંકારો ફાઉન્ડેશન શરૂ કરે છે. આ વાત સાંભળીને કુલીન અને વૈશાલી ખુશ થઈ જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તામાં સંકલનાની ખામી છે. હોસ્પિટલમાંથી પાછા ફર્યા બાદ પ્રેમિલાબહેન કેવી રીતે એક્ટિવ રહી કાર્ય કરે છે તે વિસ્તારપૂર્વક દર્શાવ્યું હોત તો આખી વાત અસરકારક બનત. ‘જવું એટલે’ એ થોડી જુદા પ્રકારની વાર્તા છે. વાર્તાકથક એવી નાયિકાને એક પત્ર મળે છે, એમાં માત્ર એક યુવાનનો ફોટો છે. વળી, આ પત્ર પણ બીજાનો છે પણ ભૂલથી નાયિકાના સરનામે આવી ગયો છે. ફોટો જોઈને વિચારોમાં, તરંગલીલામાં નાયિકા ખોવાઈ જાય છે એ જ વાર્તા છે. અંતે ખબર પડે કે આ ફોટો એ જ પત્ર છે. ફોટા વડે મોકલનારે પોતે આવી રહ્યો છે તેમ કહ્યું છે. જ્યારે આખી વાર્તામાં નાયિકા તે જઈ રહ્યો છે એમ માનતી કલ્પનાઓ કરતી જોવા મળે છે. કવયિત્રી પારુલ ખખ્ખરની કલમ આ વાર્તાને ઉપકારક બની છે. નાયિકાની કલ્પનાઓ ધ્યાનથી વાંચીએ તો, સમજાય કે સર્જક આવી વાર્તામાં પણ કેવું ઊંડાણ સિદ્ધ કરી શક્યા છે. એક ઉદાહરણ જુઓ. ‘આવી સુંદર જગ્યા છોડીને એ શું કામ જતો હશે? કોઈએ રાજ્યાભિષેકની આગલી સવારે વનમાં મોકલ્યો હશે કે કોઈએ ખોળામાં બેસવાની ના પાડી હોવાથી એક પગે જંગલમાં તપ કરવા જતો હશે? ચોપાટમાં સર્વસ્વ હારીને અજ્ઞાતવાસ વેઠવા જતો હશે કે પછી યમની પાસે અમૃતવિદ્યા શીખવા જતો હશે? બુદ્ધ બનવા માટે મહાભિનિષ્ક્રમણ કરીને જતો હશે કે પછી સુખી માણસનું પહેરણ શોધવા જતો હશે? યમુના નદી અને કદંબ વૃક્ષની માયા છોડીને મામાને મારવા જતો હશે કે પછી ત્રણ ડગલાંમાં પૃથ્વી માપવા જતો હશે? આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લઈને પિતાના લગ્ન નક્કી કરવા જતો કે હાથમાં ફરસી લઈને પૃથ્વીને ક્ષત્રિયવિહોણી કરવા જતો હશે?’ આ કલ્પનાઓ વડે આપણી કથાઓ સુરેખ રીતે ગૂંથી લઈને સર્જક વાચકને પણ એ કથાઓની યાત્રા પર લઈ જાય છે. આવી કલ્પનાસૃષ્ટિને લીધે જ આ વાર્તા આસ્વાદ્ય બની છે. ‘હીરાબાઈ’ એ મરાઠી કવિ સંતોષ પવારની કવિતા‘હીરાબાઈ અને જાફરમિયા’ પરથી પ્રેરણા મળતાં લખ્યાનું સર્જક નોંધે છે. ભુજ ખાતે યોજાયેલ ‘પૂર્વોત્તર અને પશ્ચિમી સાહિત્યકારોના મિલન’ કાર્યક્રમમાં મરાઠી કવિ સંતોષ પવારે આ કવિતા રજૂ કરી હતી. પારુલ ખખ્ખરે આ કવિતાનો ગુજરાતીમાં સુંદર અનુવાદ કર્યો છે. વાર્તાકથક સંતોષ પવાર છે. સંતોષ તુળજાપુર ભવાની માતાના દર્શન કરવા આવે છે ત્યાં અચાનક તેની મુલાકાત હીરાબાઈ સાથે થાય છે. સંતોષની શૈશવની સ્મૃતિઓ તાજી થાય છે. તે હીરાબાઈ વિશે વાત કરતા હોય તે રીતે આખી વાર્તા કહેવાઈ છે. સંતોષ પોતે પણ વાર્તાનું પાત્ર છે. સંતોષ પોતાના બાળપણ વિશે વાત કરે છે તેમાં પણ હીરાબાઈ કેન્દ્રમાં છે. કહો કે, કથક સંતોષના દૃષ્ટિકોણથી હીરાબાઈના જીવનની કથા કહેવાય છે અને તેમાં સંતોષના બાળપણના પણ પ્રસંગો છે. વાર્તાકાર કથક સંતોષ, પાત્ર સંતોષ અને બાળક સંતોષ વચ્ચે અંતર જાળવી શક્યા નથી તેથી વાર્તા અતિશય ભાવનાત્મક બની ગઈ છે. કવિતાનો સુંદર અનુવાદ કરનાર પારુલ ખખ્ખર પ્રતિભાશાળી વાર્તાકાર પણ છે. વળી, કવિતા અને વાર્તા આ બંને સ્વરૂપ વચ્ચેના ભેદને પણ સમજે છે. જો તેઓ લાગણીમાં તણાયા વિના આ સંકુલ વિષયવસ્તુ ધરાવતી પાત્રપ્રધાન વાર્તાનું પુન:લેખન કરે તો એક સાવ જુદા પ્રકારની વાર્તા મળે એમ નિ:શંકપણે કહી શકાય. ‘ગલો ગોર’દાદા-પૌત્રીના સંબંધની વાર્તા છે. કર્મકાંડી બ્રાહ્મણ ગુલાબચંદ્ર ગોરનો કડપ આખું ગામ જાણે છે. કપાતર પુત્ર દીપકના કારણે પુત્રવધૂ મીના ફારગતી આપીને જતી રહે છે, નશાખોર દીપક મૃત્યુ પામે છે અને નાની દીકરી મયુરીની જવાબદારી ગલા ગોર પર આવી પડે છે. આવી મા-બાપ વિના મોટી થયેલી મયુરી કોઈક સાથે સંબંધ બાંધી બેસે છે અને ગર્ભવતી થાય છે. ગામલોકોને તો એમ જ છે કે હવે મયુરીનું આવી બન્યું પણ થાય છે જુદું. ગલો ગોર એક વર્ષ માટે ગામ છોડીને જતો રહે છે અને વર્ષ બાદ મયુરી અને તેણે જન્મ આપેલા દીકરાને લઈને ગામ પાછો ફરે છે. આ વાર્તા પણ શિથિલ સંકલનાને કારણે નબળી બની છે. સર્વજ્ઞ કથક અને ‘હું’નું કથનકેન્દ્રની (ખાસ તો, વાર્તાની મધ્યમાં આવતાં મયુરીના વિચારો) સેળભેળ પણ વાર્તાના આકારને ક્ષતિ પહોંચાડે છે. ‘ભેંકડો’ અને ‘રજાઈ’ બંને એક સિક્કાની બે બાજુ જેવી પરસ્પર જોડાયેલી વાર્તાઓ છે. એક સુખદ અને બીજી કરૂણ અંત ધરાવે છે. પારુલ ખખ્ખરની વાર્તાઓમાંથી પસાર થતાં સૌ પ્રથમ કોઈ વાત નજરે પડે તો તે છે તેમના સ્ત્રી પાત્રો. ગર્વિષ્ઠ, અધિ-અહમનું પ્રાબલ્ય ધરાવતાં પણ સંવેદનશીલ અને સમજદાર સ્ત્રી પાત્રો આ સર્જકનો આગવો વિશેષ છે. બીજું કે, તેમની કૌટુંબિક સંબંધોની વાર્તાઓમાં માનસશાસ્ત્રી આલ્ફ્રેડ એડલર જે સહકારની ભાવનાની વાત કરે છે તે મૂર્તરૂપ ધારણ કરે છે. આ વાતના દૃષ્ટાંત તરીકે‘ગલો ગોર’, ‘પારિજાત’, ‘છપતરી’, ‘હોંકારો’ જેવી વાર્તાઓ જોઈ શકાય. સંવાદકલા એ તેમની વાર્તાઓની ત્રીજી ખાસિયત છે. બોલી અને શિષ્ટ બને પ્રકારની ભાષા તેઓ સહજ રીતે સંવાદોમાં પ્રયોજે છે. રૂઢિપ્રયોગો અને કહેવતો પણ સંવાદોમાં આવે છે. બોલી સંદર્ભે જોઈએ તો, બોલીના નામે બિનજરૂરી લટકણિયારૂપ શબ્દો જેમ કે, ‘હાલ્ય’, ‘હોવ્વે’, ‘હેં’, આદિનો અભાવ તેમની વાર્તાઓના સંવાદોને નક્કર બનાવે છે. તેઓ પાત્રની મન:સ્થિતિને ઉજાગર કરતાં સંવાદો બોલચાલની ભાષાનો લય જાળવીને લખતાં હોવાથી વાર્તાઓમાં એક પ્રકારની નાટ્યાત્મકતા અનુભવાય છે. પરિવેશ હોય કે પાત્રોના દેખાવ- પારુલ ખખ્ખર તેનું ઝીણવટભર્યું અને દૃશ્યાત્મક આલેખન કરે છે. પાત્રોની જ વાત કરીએ તો, વિશેષ કરીને સ્ત્રી પાત્રોની તો, તેમનાં પાત્રો લાગણીવેડામાં સરી જતાં નથી. હાસ્ય વડે કરૂણ નિપજાવવાની આવડત અને મુખ્ય સંવેદન કે ભાવને સંયમિત રીતે વાર્તારૂપ આપવાનો પ્રયાસ તેમની આ સ્વરૂપ પ્રત્યેની સભાનતા દર્શાવે છે. તેમની વાર્તાઓમાં ભારેખમ ઘટનાઓ જોવા મળતી નથી. તેમનો ઝુકાવ એકાદ સંવેદન કે ભાવને આધારે માનવચિત્તની સંકુલતાનું નિરૂપણ કરવા તરફનો છે. આ વિશેષોને કારણે પારુલ ખખ્ખરની વાર્તાઓ ગુજરાતી નવલિકાક્ષેત્રે મહત્ત્વની બની રહે છે.

-હીરેન્દ્ર પંડ્યા
નવલકથાકાર, વિવેચક
મો.નં. ૮૪૬૦૩૭૫૩૮૬