ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/નીતા જોશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘ખુલ્લી હવા’ : નીતા જોશી
જીવન અને સામાજિક વાસ્તવનું
સબળ સામંજસ્ય

દશરથ પરમાર

Neeta Joshi.jpg

[‘ખુલ્લી હવા’, નીતા જોશી, પ્રથમ આવૃત્તિ ૨૦૨૦]
સર્જક પરિચય :

આડત્રીસમા વર્ષે વાર્તાલેખનનો આરંભ કરનાર વાર્તાકાર નીતા જોશી પછીથી નાટ્યલેખક, નિબંધકાર અને અનુવાદક તરીકે જાણીતાં થયાં. એમનો જન્મ ઉના ખાતે પહેલી ફેબ્રુઆરી, ૧૯૭૦માં. અભ્યાસ, હિન્દી વિષય સાથે એમ. એ., ઍમ. ફિલ. સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, બરવાળા ખાતે તેર વર્ષ અધ્યાપનકાર્ય બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ. ૨૦૨૦માં પ્રગટ થયેલ પ્રથમ વાર્તાસંગ્રહ ‘ખુલ્લીહવા’ને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક અને સુરત નર્મદ સભા દ્વારા ‘શ્રી.નંદશંકર ચંદ્રક’ ઉપરાંત ‘ઉદયન ટ્રસ્ટ’ અમદાવાદ દ્વારા ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. ‘પર્સિસ’ લઘુનવલને ‘વિશ્વકોશ’ દ્વારા અને એકાંકી ‘સ્માર્ટ વિલેજમાં ગાંધી બાપુ’ને ‘વિશ્વા’ દ્વારા આયોજિત સ્પર્ધાઓનાં તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયાં છે. એમણે કેટલીક હિન્દી વાર્તાઓના ગુજરાતી અનુવાદ પણ કર્યા છે.

કૃતિ પરિચય :

Khulli Hava by Neeta Joshi - Book Cover.jpg

‘ખુલ્લી હવા’માં કુલ ૨૧ વાર્તાઓ છે. પોતાનાં સંતાનો વિસ્મય અને શરણને અર્પણ કરેલા આ સંગ્રહના નિવેદનમાં લેખિકા ૨૦૦૮થી આરંભેલા વાર્તાસર્જન, તે વિશેની મથામણ અને પ્રક્રિયાને એ રીતે જુએ છે કે, “માટીથી ધૉળેલી અભેરાઈ પર કલઈ કરેલાં વાસણો ગોઠવાઈ ગયા બાદ બા, એ ચળકાટને તાક્યા કરતી ક્યાંય સુધી, આજે મારી વાર્તાઓને બાની એ નજરથી સંગ્રહમાં ગોઠવાયેલી જોવાનો આનંદ અનુભવું છું.” કિરીટ દૂધાતે “જિંદગીને સેલિબ્રેટ કરતી વાર્તાઓ : ‘ખુલ્લી હવા’ ” શીર્ષકથી સંગ્રહની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે, “વાર્તાકાર નીતા જોશી પાત્રોનું ઊર્ધ્વીકરણ સાધી શકવાને સમર્થ વાર્તાકાર છે.” પ્રથમ વાર્તા ‘સફેદ રંગમાં ખોવાયેલું મેઘધનુષ’ની યુવાવસ્થામાં જ વિધવા થયેલી નાયિકા સીમા, પતિ નીરવ સાથેના પાંચ વર્ષના સહજીવનમાં રંગ, ધ્વનિ, દૃશ્યો અને અવાજ વગેરેની સૃષ્ટિથી એટલી પરિચિત થઈ હતી કે એની તેર વર્ષની અનુપસ્થિતિમાં એ સહેજ પણ વિચલિત થઈ નથી. પરંતુ હમણાં-હમણાં સાંજ પડ્યે એને કશોક અજંપો અને બેચેની વીંટળાઈ વળે છે. એમાંથી ઊગરવા પંદર દિવસ પોંડિચેરી જાય છે. ત્યાંથી પરત ફરતાં પતિનો કૉલેજકાળનો મિત્ર વિનય સાંભરતાં એને મળવા બૅગ્લોંર જાય છે. એકલતાનો અનુરાગી, યાત્રા-ફોટોગ્રાફીનો શોખીન અને ચિરપ્રવાસી વિનય સફેદ રંગનો ચાહક છે. પોતાનાથી સાવ વિરુદ્ધ પ્રકૃતિના વિનયને એ પોતાને ગમતી ચીજો વિશે જણાવતાં જાણી લે છે કે, સ્વભાવની વિસંગતતા ભલે રહી, પરંતુ વિનયનો સહવાસ એને રાહત આપી રહ્યો છે. છૂટાં પડતી વખતે વિનય પૂછે છે કે, તમને કાબરચીતરો રંગ શું કામ ગમે છે? મૂળ રંગ છુપાવવા માટે? આ ઝણઝણાવી દે તેવું સંગીત તમે સાંભળો છો, તમારી અંદરનો અવાજ દબાવી દેવા માટે? આ બધા પ્રશ્નોથી પતિ નીરવ દ્વારા સાંપડેલી સમજને એક નવી દિશા અને દૃષ્ટિ ઉપરાંત જીવન વિશેનો નાયિકાનો દૃષ્ટિકોણ સમૂળગો બદલાઈ જાય છે. ‘ડચૂરો’, ‘ભાવુડીનો શો વાંક’, ‘નકશો’ અને ‘ખુલ્લી હવા’– એક જ કુળની લાગતી ચારેય નારીપ્રધાન વાર્તાઓમાં નાયિકાઓની પ્રતિક્રિયાની વાત સબળ રીતે અભિવ્યક્તિ પામી છે. જયંતી દલાલની ‘આ ઘેર, પેલે ઘેર’નું સ્મરણ કરાવતી ‘ડચૂરો’માં અનિચ્છાએ અજય સાથે લગ્ન કરી નિર્જન મેદાન જેવા વિસ્તારમાં એક સફળ ગૃહિણીની અદાથી ‘ઘર’ સજાવનાર-સંભાળનાર શિવાનીને પતિનો શિપ્રા નામની સહકર્મી સાથેનો લગ્નેતર સંબંધ માન્ય નથી. આ મુદ્દે છૂટાં પડવા સહમત થયેલો અજય ઘરની ચાવી સોંપી જરૂરી સામાન લઈ ત્યાંથી નીકળી જાય છે. પતિએ ઉદારતા દાખવી આપેલા ઘરમાં જુદી રહેતી શિવાની થોડોક સમય ખાનગી શાળામાં શિક્ષિકા તરીકેની નોકરી પણ કરે છે. એક વાર ઘર માટે કલાત્મક તાળું ખરીદતી વેળાએ એ પતિને કહે છે કે, ‘તાળું હાથમાં પકડીને બંધ કરવા કરતાં પણ ખોલવાની કેવી મજા આવે! એ ખૂલે પછી ઘર ખૂલે!’ પરંતુ ગરીબ, સ્વમાની અને મહેનત વગરનું કદી ન ખાતો કચરો વીણવાવાળો સંતા નામનો છોકરો એના ભીતરના સ્વમાનને જાગૃત કરી મૂકે છે. એની સમજનાં દ્વાર ખૂલી જાય છે. પરિણામે, નકશીદાર તાળું ચાવી સમેત પતિને પાછું પધરાવી દે છે. વાર્તાની ચરમ ક્ષણ આ નથી. વાર્તાન્તે શિવાની એક ઝાડ નીચે ઊભી છે. સખત તરસ લાગી છે. પાણીની બૉટલનું ઢાંકણ ખોલે છે. પરંતુ પાણી ગળા નીચે ઉતારી શકતી નથી. બૉટલના પાણીને બાજુમાં તપતા પથ્થર ઉપર ધીમી ધારે ઢોળી ખાલી રસ્તાને ક્યાંય લગી તાક્યા કરે છે. અનિશ્ચિતતામાંથી મક્કમતાપૂર્વક માર્ગ કાઢવાની આ માર્મિક ક્ષણો નાયિકાના આક્રોશની સૂક્ષ્મ અભિવ્યક્તિ અને પ્રતિક્રિયાનું સૂચન કરે છે. ‘ભાવુડીનો શો વાંક’માં પણ કમને પરણાવવા તૈયાર કરેલી મોટી દીકરી લગ્નની આગલી રાતે નાસી જતાં સંકટમાં મુકાયેલી એની મા મંગુડીની અવદશાની વાત છે. મંગુને પણ ક્યારેય ન ગમેલો પતિ જેન્તી ઢીલો છે. યદ્યપિ, એને બીક તો છે જ કે આ ઘટના વિશે જાણીને ધણીપણું દાખવવાનો. પરંતુ પ્રકૃતિ મુજબ જેન્તી ‘મને તો કાંઈ હૂઝતું નથી, આ ચેતુડીએ ન કરવાની કરી’–કહી બેસી રહે છે. હવે જે કરવાનું છે, એ મંગુએ જ કરવાનું છે. એક ક્ષણે એ વિચારે છે કે, ભાવુડી તૈયાર થાય તો સારું. પતિની પણ તીવ્ર ઇચ્છા છે કે, ભાવુડી હા પાડે તો ચેતુડીની જગ્યાએ એને ચૉરીમાં બેસાડી દેવાય અને ઘરની આબરૂ હચવાઇ જાય. પરંતુ, મંગુ ભાવુડીની આંખમાં બંધાયેલી વરાળ અને જીવનમાં વેઠેલી કરમ-કઠણાઈઓને ત્રાજવે તોળે છે. થાય છે, ચેતુડીની ભૂલનો ભોગ એ શું કામ વેઠે? હજી તો પગમાં પતંગિયાં ઊડે છે એને પથરા બાંધી દેવાના? ભાવુડીનું મન ન હોય અને ‘હા’ થોડી પડાવાય? એક છોકરાની માફી માગવાની છે, માગી લઈશ. પણ ચેતુડીના બદલે આજે ભાવુડી તો નહીં જ...! વિકટ સ્થિતિમાં મુકાયેલી મંગુને સિસ્ટરહૂડની ભાવના દીકરી પ્રત્યેના અન્યાયી વલણમાંથી ઉગારી લે છે. એની આવી મક્કમ પ્રતિક્રિયાને પરિણામે રચના આસ્વાદ્ય બની છે. ‘નકશો’માં દિલીપ, પત્ની બિંદુને ભૂગોળ ભણવું ગમતું કે નહીં-નો પ્રશ્ન પૂછવાના બહાને નકશો જોતાં જોતાં પોતાનાં ભૂગોળનાં શિક્ષિકાબેન અને તરુણાવસ્થામાં જેના પ્રત્યે નૈસર્ગિક ભાવ અનુભવતો એ બાળસખી તનુની તસવીર જોઈ ભૂતકાલીન વાતો ખોલી બેસે છે. નકશો બનાવવામાં કુશળ પતિ, સ્થિર ચહેરાથી ટેબલ ઉપર સમયનું ચોરસ બનાવતી પત્ની બિંદુની મૌન પીડાયુક્ત ક્રિયા કે એના લમણા પર ઊપસી આવતી લીલી નસને જોઈ-સમજી શકતો નથી. ઊલટાનો તનુના શહેરમાં જવાનું થતાં એને કઈ રીતે મળવું, એના ગમા-અણગમા વગેરેની બિંદુને સતત પૃચ્છા કરતો રહે છે. અંતે, વળી પાછા ભૂગોળ અને નકશાની વાત પર આવી ઊભા રહેતા પતિની ક્રિયાની સામે ભીતરના આક્રોશને વ્યક્ત કરતાં બિંદુ કહી દે છે કે, “હા, ગમતા પણ કાચી આંગળીથી દોરેલા નકશાની રેખાઓને પાકી આંગળીઓથી લંબાવવી ગમતી નથી. હું એવું સમજું છું. એનાથી નકશો બગડી જાય છે.” અહીં બિંદુની માર્મિક પ્રતિક્રિયા અને સ્ત્રી સહજ સમજદારી તેના પાત્રને જીવંત બનાવે છે. ‘ખુલ્લી હવા’ની યુવાન નાયિકા પારુ એક સેમિનાર નિમિત્તે પોતાની નાનીને ત્યાં ત્રણેક દિવસ રોકાય છે. ‘આ સ્ત્રી એંશી વર્ષે આટલી સુંદર લાગે છે, તો યુવાનીમાં એનો મિજાજ શું હશે?’ નાનીના તરવરાટ અને તાજગીપૂર્ણ તેમજ આકર્ષક વ્યક્તિત્વથી અંજાયેલી નાયિકા બધો સમય મમ્મી અને નાની તેમજ પપ્પા અને નાનાજીની જીવનશૈલી તથા ગુણ-દોષની સતત તુલના કર્યા કરે છે. પપ્પાના સ્વભાવ પાસે ‘ગૂંચળું વળેલા અળસિયા જેવી મમ્મી’ અને ‘તારા પપ્પાને એ નહીં ગમે’ એવું કપડામાં ભરતકામની જેમ એના હોઠમાં સિવાઈ ગયેલું વાક્ય નાયિકાને પોતાની મમ્મીના કુંઠિત વ્યક્તિત્વથી અવગત કરાવે છે. સ્વતંત્ર અને મક્કમ રીતે એકલાં જીવતાં નાની પપ્પાને કેમ પસંદ નથી એનો પણ એને અહીં તાળો મળે છે. વાર્તાન્તે, નાનીના ‘તું અહીં રોકાણી છે એ વાત જાણ્યા પછી તારા પપ્પાને નહીં ગમે’ ના ઉત્તરમાં “હું કંઈ મમ્મીની જેમ સંકોચાઈને જવાબ નહીં આપું. હું તો કહીશ હા, હું નાની પાસે રોકાણી હતી. અને રાત્રે આંગણામાં ખાટલો નાખીને સૂતી હતી. મમ્મીની જેમ બારીબારણાં બંધ કરીને એ.સી.વાળા રૂમમાં નહીં, ચળકતા આકાશ નીચે અને ખુલ્લી હવામાં...” કહેતી નાયિકામાં નાનીનો મિજાજ પ્રતિબિંબિત થાય છે. લેખિકાએ લંબાણનું જોખમ વહોરીને પણ નાનીનું પાત્ર સૂક્ષ્મ વિગતો અને ક્રિયાઓથી સુંદર રીતે ઉપસાવવાનો પ્રયાસ કર્યો છે. સાથોસાથ નાનીનાં વાણી-વર્તન તેમજ તેમના ઘરનો પરિવેશ વગેરેને લીધે પારુમાં આવતું પરિવર્તન પ્રતીતિકર બની રહ્યું છે. સંગ્રહની અન્ય વાર્તાઓ ‘જમણા હાથની પેલ્લી આંગળી’, ‘એક ઉદાસ જન્મ’, ‘પથ્થર, પાણી અને પ્રેમ’, ‘સરપ્રાઈઝ’, ‘ઘર’, ‘માયા’, ‘બેહદ સુંદર છે એ’ વગેરેમાં નારીમનનાં સંચલનો સારી રીતે વ્યક્ત થયાં છે. તો નારીપ્રધાન ન હોય તેવી નોંધપાત્ર રચનાઓમાં ‘ચમન ૧૦૮’, ‘એ હજુય એવો જ છે!’, ‘ચિલોત્રો’, ‘એક ઉકેલ વગરનો માણસ’, ‘ડૉ. મિલ્કી’ અને ‘છેવાડાના બે જણ’ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી રચના છે, ‘છેવાડાના બે જણ’. અનુસૂચિત જાતિનો અશક્ત ઉંમરલાયક નાથો અને બ્રાહ્મણ માસ્તર નંદશંકર વચ્ચે પરસ્પર આદરભાવ છે. નાથાની જ્ઞાતિ ઉપર ઊઠે એવા પ્રયાસો કરતા માસ્તર સમાજસુધારક પણ છે. પત્ની કાશી એ બાબતે સતત ટોકતી રહે છે. એક વાર માસ્તરના ઘર આગળ એક ભૂંડ મરી જતાં અશક્ત નાથાથી એ ખસેડી શકાય એમ નથી. બીજો કોઈ માણસ પણ તૈયાર થતો નથી. આ ક્ષણ વાર્તામાં ખૂબ મહત્ત્વની છે. શહેરથી આવેલો પૌત્ર નચિકેતા આ સમસ્યાનો ખૂબ સમજદારીપૂર્વક ઉકેલ કાઢે છે. ભૂંડને ખેંચવા તૈયાર થયેલો એ માસ્તરને કહે છે કે, ‘એ તો એને જેટલી ચીતરી ચડે એટલી જ મને ચડશે. પણ આંગણું તો આપણું છે ને, દાદા?’ પૌત્રનો આ ઉત્તર માસ્તરને વિચારતા કરી મૂકે છે. પોતાના દ્વારા કરવામાં આવેલા જ્ઞાતિ-ઉદ્ધારના પ્રયાસો શા માટે નિષ્ફળ ગયા તેનો ઉકેલ મળી ગયો હોય એમ બબડે છે, “આ છેડા ને ઓલા છેડા જેવું કશું હોતું નથી. સાવ આટલી સીધીસાદી વાતને સમજતાં કેટલાં વરસ લાગ્યાં?” ગાંધીવાદી માનસ ધરાવતા માસ્તરને પૌત્ર પાસેથી પ્રાપ્ત થતું નૂતન ગાંધીદર્શન રચનાને એક નવીન પરિમાણ બક્ષે છે. સંગ્રહની તમામ રચનાઓમાંથી પસાર થયા પછી સ્પષ્ટપણે નોંધી શકાય કે, લેખિકા નીતા જોશીએ પ્રયોજેલા વિષય વૈવિધ્યથી માંડીને વિવિધ સમાજનાં પાત્રો, અલગ-અલગ પરિસ્થિતિમાં એમના અર્થપૂર્ણ ક્રિયાકલાપો, મનોસંચલનો વગેરે ધ્યાનાર્હ બન્યાં છે. પ્રસંગોચિત ભાષા અને સંવાદો, પાત્રોના વિધાયક અભિગમ વગેરે દ્વારા એમણે કલમપ્રૌઢિ પુરવાર કરી છે. જીવન અને સામાજિક વાસ્તવનું સબળ સામંજસ્ય એ ‘ખુલ્લી હવા’ની વાર્તાઓનો વિશેષ છે.

દશરથ પરમાર
વાર્તાકાર, સંપાદક.
મો. ૯૪૨૭૪ ૫૯૩૦૫, ૭૬૯૮૪ ૦૦૨૩૩
Email : dasharth.parmar૦૨@gmail.com