ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મુકેશ સોજીત્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મૂકેશ સોજીત્રા
માનવ મનને અજવાળતી વાર્તાઓ,
‘ચોકલેટ અને બીજી વાતો’

મિતેષ પરમાર

Mukesh Sojitra.jpg

ઈ. સ. ૨૦૧૬થી ૨૦૨૩ દરમિયાન ગુજરાતી સાહિત્યમાં કેટકેટલાં નવાં પરિણામો સિદ્ધ થયાં એ બાબતથી સૌ વિદ્વાનો, અભ્યાસીઓ પરિચિત છે. ગુજરાતી વાર્તાકાર ધૂમકેતુ અને પન્નાલાલની પંગતમાં વાર્તા સંખ્યા ૪૫૦થી બેસનાર મૂકેશ સોજીત્રા સાહિત્યમાં આગવી ઓળખ લઈને પ્રવેશ્યા છે. એમનું સાહિત્યમાં પ્રવેશદ્વાર એમણે સોશિયલ મીડિયાને દીવાલમાં બનાવ્યું છે. મિત્રો તથા વાચકોનો પ્રતિભાવ તેમના સર્જકત્વનું પરિબળ રહ્યું છે. એમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું માદરે વતન ભમરીયામાં, માધ્યમિક શિક્ષણ માટે ગાંધીવાદી સંસ્થા ગંગોત્રી સંસ્કારતીર્થ માનપુર. ૧૯૯૦માં પીટીસી પૂર્ણ કરીને રૂપાયતન આશ્રમશાળામાં શિક્ષક તરીકે જોડાય છે. ૨૦૦૦થી ૨૦૧૪ સુધી ઢસા ગામ કલસ્ટરમાં સીઆરસીકો-ઓર્ડિનેટરની સેવા બજાવે છે. મૂકેશ સોજીત્રા હવે તો સાહિત્ય અને ફિલ્મી દુનિયામાં વિઠ્ઠલ તીડી વેબસિરીઝની મૂળવાર્તાના સર્જક તરીકે ઓળખાય છે. ટૂંકીવાર્તા નખશિખ નહીં પણ ટૂંકી વાર્તાના હાલમાં પ્રદાન કરી વિકાસમાં યોગદાન આપ્યું એ જ એમની અપૂર્વ સિદ્ધિ છે. જિંદગીના અંત સુધી લખવાની ઇચ્છા રાખનાર આ સર્જક પાસેથી કંઈક નવું મળશે જ. સાહિત્યના યુગવિભાગે જોઈએ તો મૂકેશ સોજીત્રા સાંપ્રતકાળના સર્જક ગણાય. તેમનો જન્મ તારીખ ૧૫/૧૧/૧૯૭૦ના રોજ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભમરિયા ગામમાં થયો હતો. સર્જકતા ઘડવામાં એમના પિતાનો બહુ મૂલ્ય ફાળો રહ્યો છે. પિતાએ મંગાવેલાં સામયિકો વાંચીને દૃઢ સંકલ્પો મનમાં બેસાડતા જાય છે. મોટીવયે અને વ્યવસાયના સમય દરમિયાન ૨૬ વર્ષ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાના જે પણ હાથ લાગ્યાં એ બધાં જ પુસ્તકો તેમણે વાંચી નાખ્યાં. ૨૦૧૬માં ઢસા ગામમાં પોતાનું ઘર બનાવ્યા પછી રોજ કંઈક લખવાનો સંકલ્પ કરે છે અને એમાંથી જ વિઠ્ઠલ તીડીના સર્જક પ્રાપ્ત થયા. ટૂંકીવાર્તાનું શાસ્ત્રીય સ્વરૂપ એમને ખબર નથી. પણ બધા જ પ્રકારની વાર્તાઓ વાંચી છે. જરૂર તેમણે વ્યવસાયના ૩૧ વર્ષો દરમિયાન જે અનુભવ થયો જેવી અનુભૂતિઓ થઈ જેવી વ્યક્તિઓના પરિચયમાં આવ્યા, જે જે ઘટના પ્રસંગોમાંથી પસાર થવાનું બન્યું; પૂર્વોત્તરના સાત રાજ્યો સિવાયના ભારત ભ્રમણનો જે અનુભવ થયો, ખાસ કરીને ગામડાગામનું જીવન ત્યાંના વૃદ્ધો વડીલોની વાતો આ બધું જ એમને ઘડે છે. અને એમ સર્જન ફાલ ઊતરતો રહ્યો છે. સર્જકે આ બાબતે તેમની કેફિયતમાં લખ્યું છે. બધા જ અનુભવોનો નિચોડ હું જે લખું છું એમાં સામેલ કરું છું પછી જે સર્જાય છે તેને વાર્તા કે નવલિકા કહું છું. પછી સર્જકો કે વિદ્વાન વિવેચકો એને સાહિત્ય કે વાર્તાનું સ્વરૂપ કદાચ ન ગણે તો એમના મતને પૂરા આદર સાથે માથે ચડાવીને પણ મને જે મનમાં ઊગે એ રીતે જ લખવાનો મેં સંકલ્પ કરેલો છે. ૨૦૧૬માં પ્રથમ વાર્તા ચોકલેટ ઘર શાળા સામયિકમાં મનીષભાઈ પટેલે છાપી. એ જ પછીથી ઝેડકેડ પબ્લિકેશનમાંથી આ આખો વાર્તાસંગ્રહ પ્રથમ આવૃત્તિરૂપે ૨૦૨૧માં પ્રકાશિત કર્યો. આ વાર્તાઓમાં સર્જકે સૌરાષ્ટ્ર પ્રદેશની લઢણ, રાજકીયતા, સામાજિકતા સાંસ્કૃતિકતા, સંસ્કારિતાનું વાતાવરણ સરસ ઉપસાવ્યું છે. યુગસંદર્ભના ઘણા સીમાસ્તંભો પુરવાર કરતી આ વાર્તાઓ વાર્તાની આગવી છટા બતાવે છે.

Chocolate by Mukesh Sojitra - Book Cover.jpg

‘ચોકલેટ અને બીજી વાતો’ સંગ્રહમાં ‘તમે મને ગોકુળ મથુરા ક્યારે લઈ જાવ છો’થી ‘ટિફિન’ સુધીની ૨૫ વાર્તાઓ સામેલ છે. અહીં મૂકેશ સોજીત્રાની સફળતા છે પણ તેની સાથે વાર્તાનું બંધારણ અને કાઠું કેવું હોય એ કળાની કચાશ પણ છે. છતાંય મનોહર ત્રિવેદી કહે છે એમ વાત કહેવાની જડીબુટ્ટી જડી છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘તમે મને ગોકુળ મથુરા ક્યારે લઈ જાવ છો’માં સ્ત્રીઓના આંતરજગતને એક એવી ભાવસ્થિતિએ લઈ જાય છે કે, વાર્તાની નાયિકા કમુ સાથે સમસંવેદન ઝીલી લેવાય છે. રામબાઈ વિધવા છે. ને એની દીકરી રમલીના લગ્નવખતે જ ચોર એને લૂંટી જાય છે. બચપણથી મથુરા જવાની ઇચ્છા છે. પોતાના પૈસે પૂરી થવાની હતી તે જ પૈસાથી રમલીના લગ્નની ખરીદી કરાવી દઈ ને પતિને થાય કે સાતમો જનમ આ જ પત્ની મળે એ સંવેદના આપણા ભાવજગતને સ્પર્શી જાય છે. ‘દાળબાટી’ વાર્તામાં રહેલી બે-ત્રણ ભાષાના સંવાદની રીતે સૌરાષ્ટ્ર રાજસ્થાની મિશ્ર હિન્દી પ્રસંગોનું આયોજન કરીને લાલચ કેવી સ્થિતિએ માણસને પહોંચાડી દે છે તેના તાણાવાણા ઉઘાડ્યાં છે. ‘દિવાળી બોનસ’ ક્રૂરતા અને માનવતા સાથે લઈને ચાલતી વાર્તા છે. અજયની પાસેથી બધું જ લઈ લેતા મામાઓ એના જીવનનો અંતનું નિમિત્ત બને પણ અજયની માને અજય હયાત નથી એનો અણસાર આવવા દીધા વિના પોતાના ગાંઠના પૈસા મોકલાવતો સંકેત પછી મૅનેજરનું પદ પામે છે. દિવાળી બોનસપેટે જીવનમાં ગણતર જ મહત્ત્વનું છે. સારાઈ ટકે તો બસ આ જ કારણે પરકમ્મા એનો પરિચય કરાવે છે. દુનિયા જે વાત કરે છે. એ એની ચિંતા કર્યા વિના પોતાની વિધવા વહુને ક્યારેય દુઃખના પડે એટલે જાતે જ યોગ્ય યુવક સાથે ભગાડી મૂકે અને વાત ખોવાઈ જવાની વહેતી મૂકે, સર્જકે ગ્રામીણ સમાજનો મનસૂબોને વાતાવરણ સરસ ઉઘાડી આપે છે. ‘નંદુકાકી’ વાર્તા સ્ત્રીની અભિમાની વૃત્તિને ચરિતાર્થ કરે છે. સારાનરસાનો વિવેક જ્યારે સ્ત્રી ગુમાવે છે. ત્યારે કેવાં પરિણામ નીપજે એ વાત અહીં પ્રતિધ્વનિત થાય છે. નારીસંવેદના ઉજાગર કરતી વાર્તા ‘બિસ્કીટ’ બીજી રીતે ગ્રામજીવન અને નગરજીવનને સામસામે મૂકી સંસ્કાર દર્શન કરાવે છે. ‘ગામધણી’ વાર્તા રાજકીય કાવાદાવા આગળ માણસો કેવા રંગ બદલી લે છે. તેનું યથાર્થ ચિત્ર ઉપસાવે છે. વર્ષોથી બિનહરીફ ચૂંટાઈ આવતા ગામના સરપંચ એકહથ્થું શાસનને એક કુટુંબની ઇજારાશાહી બતાવે છે. પેઢી દર પેઢીથી રીઢા થયેલા સરપંચે ગામમાં કશી સગવડ કરી નથી. અભાવગ્રસ્ત ગામને બહાર લાવવા મથતો યુવાન સંદીપ છેલ્લે રાજકીયતાનો ભોગ બને છે. ‘લવાકાના’, ‘વજુબાદલ’, ‘વલ્લભ વાંદરીપાનું’, ‘વાત ભવાન ભીંડીની’, ‘ગીધો રિક્ષાવાળો, ટીકડીટી’, જેવી વાર્તાઓ પાત્રપ્રધાન છે. કદાચ એ રેખાચિત્રો બની જવાની કક્ષાએ પહોંચી જાય છે. ‘છોટુ’ અને ‘દેશી ઘી’ મહેનતનો, ઈમાનદારીનો મહિમા કરે છે. ‘એક્ટિવા’માં ત્રણેય સંદર્ભે સ્થિતિપરિસ્થિતિ બતાવી લાગણીનું મનોવિશ્વ ચંદુ અને નિહારિકા દ્વારા બરાબર વ્યંજિત કર્યું છે. ‘ગાંઠ’ વાર્તા નારીચેતનાનો અદ્‌ભુત નમૂનો બની છે. વિચરતી જાતિઓમાં નિયમના બંધનને વખડતી લખીને એની માધુનકીના નાત મુખી સાથે પ્રણયસંબંધની ગૂંચવણ અને ઉકેલ આપતી વાર્તા છે. ‘ચોકલેટ’ વાર્તા એના રચનાકૌશલ્ય અને બાળકીના પાત્ર દ્વારા રસવાહી બની છે. દુલારણ છોડની વ્યાજે પૈસા આપવાની રીત સામે એની કઠોરતા ચોપાસ ગામમાંથી ચર્ચાતી નાનજીની ઉઘરાણીએ ગયેલો દુલો એની દીકરી આગળ પેઢીથી ચાલી આવતી અડોળાઈને લાગણીહીનતા મૂકીને પોતાના કઠોર સ્વભાવને તાપણીમાં લોકોની ઉઘરાણીની ચિઠ્ઠીઓ સાથે બાળી નાખે છે. એ માનવીય પાસાને વાર્તાનો અંત વાત્સલ્ય ફેલાવી દે છે. આવી જ બીજી વાર્તા છે ‘મારા ડેડી’. બાળકના વિશ્વ સાથે નાની ઉંમરે પાકટ સમાજ સંજોગોને પણ નમાવી દે મોટી ઉંમરના અને શરમથી ઝૂકી જવું પડે એવી સંસ્કારિતા સરસ વ્યક્ત થઈ છે. ‘ટિફિન’ અને‘ માનવતાની ફિક્સ ડિપોઝિટ’ તથા ‘માસ્તર સાહેબ રોકાઈ જાવને’માં ચરિત્રો સર્જકની સંવેદન હૃદયની ઘુંટાયેલી અનુભૂતિનો પરિચય કરાવે છે. ‘વિઠ્ઠલ વન્યાની–યાદો અનલિમિટેડ’ માનવતાની કંઈક જુદી તાસીર બતાવતી આત્મવિશ્વાસને ઉજાગર કરે છે. કચરામાંથી કંચન નારીસંવેદનાનો સુપેરે પરિચય કરાવતી વાર્તા છે. સર્જક મૂકેશ સોજીત્રાએ આ વાર્તાઓમાં દરેક ક્ષણે દરેક વાર્તાએ અલગ જ વિશ્વ અને વિષય ઉપસાવ્યો છે. આ વાર્તાઓમાં લેખક વાસ્તવની ધરા સાથે જોડાઈને માનવજીવનની સંકુલતા બતાવતા સર્જક વાર્તાને વળ ચડાવી અંતે લઈ જઈને કરુણની સૂક્ષ્મતા અને સ્થૂળતાનો પરિચય કરાવે છે. વાર્તાકારે હાસ્ય વિશ્વ બનાવ્યું છે. પણ એની પાછળ કરુણ સંતાયું છે. સંવેદનશીલ ભાવકની આંખ ભીની થઈ જાય એ હથોટી સર્જકને હાથવગી છે. એમાં અગત્યની ભૂમિકા ભજવી છે ભાષા અને સર્જકને આત્મસાત્‌ થયેલી બોલીએ. ગદ્યની સરળતા અહીં ધ્યાન ખેંચતી બાબત છે. વાતચીત ગમે ત્યાંથી શરૂ થાય એમ આ સર્જકની વાર્તાઓ ગમે ત્યાંથી શરૂ થાય છે. પછી તો ઘાટઘૂટ પ્રમાણે પ્રસંગ પરિસ્થિતિઓ બનતાં રહે છે અને વિવિધ પ્રકારના ચરિત્રો ઉપસતાં જાય છે. એકાદ નાની ઘટના કે એકાદ બે પાત્રોની આસપાસ અનાયાસ ગુંથાતું વસ્તુ મનુષ્યજીવનના અકળ મનોજગતને ખોલી આપે છે. વાર્તાઓ નવીનતાનો અનુભવ એના શીર્ષકોથી જ કરાવી દે છે. વજુબાદલ, વલ્લભ વાંદરીપાનું, ગીધો રિક્ષાવાળો, ટીકડીટી, વાત ભવાનભીંડી વગેરે જોઈ શકાય. ગામડાને ધાવેલો આ સર્જક મોકળાશથી રૂઢિપ્રયોગ, કહેવત, અંગ્રેજી શબ્દો વાપરે છે. એની ધારદાર અસર વાર્તાઓને અંદરથી નવું પરિમાણ આપે છે. મનોહર ત્રિવેદીનું નિરીક્ષણ આ સર્જક માટે યથાર્થ ઠરે છે. ‘લોકોના વટવહેવાર, ખૂટલવેડાં, ખંધાઈ, બનાવટ, તરકીબો, તોછડાઈ, આંસુ ને અકળામણ, ઘા અને ઘેલછા જેવા કેટકેટલાં પાસાંઓ આ વાતોમાં વૈવિધ્ય સર્જે છે.’ લબ્ધ પ્રતિષ્ઠિત સર્જક જ્યારે આ વાર્તાકાર માટે આ પ્રકારનું મંતવ્ય આપે તો તે આવકાર્ય છે પણ મારું માનવું એવું છે કે આ વાર્તાઓમાં માણસના ઉપરોક્ત સર્જકે આપ્યા તે પાસાં તિરોભૂત જગ્યાએ ઘણી બધી રીતે મુખર બન્યાં છે. એ સાચવવાની જરૂર હતી. ઉદા; ‘ગીધો રિક્ષાવાળો ટીકડીટી’, ‘વજુ બાદલ’, ‘છોટું’ વાર્તાઓને આ સંદર્ભે જોઈ શકાય.

સંદર્ભ :

૧. ‘ચોકલેટ અને બીજી વાતો’, લે. મૂકેશ સોજીત્રા (પ્રથમ આવૃત્તિ – ૨૦૨૧) પ્રકાશક – ઝેડકેડ પ્રકાશન, અમદાવાદ.

મિતેષ પરમાર
શોધછાત્ર
ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગ
ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય
ગાંધીનગર
મો. ૮૮૬૬૧ ૯૪૦૨૦