ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભારતી રાણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભારતી રાણેની ટૂંકી વાર્તાઓ

સંધ્યા ભટ્ટ

Bharti Rane.jpg

સર્જકપરિચય :

જન્મ : ૨૬-૧૨-૧૯૫૪, બારડોલી સ્થિત ભારતી રાણે વ્યવસાયે ગાયનેકોલોજિસ્ટ છે. તેમણે પચાસ જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે અને આ પ્રવાસો વિશે આઠ પુસ્તકો આપ્યાં છે જે ભાવકો અને વિદ્વાનો દ્વારા પ્રશંસા પામ્યાં છે અને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયાં છે. તેમણે લેખનની શરૂઆત લલિત નિબંધોનાં પુસ્તક ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’થી કરી હતી જે પણ પુરસ્કૃત થયેલું. તેમણે એક લઘુનવલ ‘પાંખેથી ખર્યું આકાશ’ અને એક કાવ્યસંગ્રહ ‘હૃદયલિપિ’ પણ આપ્યાં છે અને આ બંને પુસ્તકો પણ પુરસ્કૃત થયાં છે. તેઓ ક્યારેક પુસ્તકના આસ્વાદ પણ લખે છે. તેમની લઘુનવલનો અંગ્રેજી અનુવાદ તેમના તબીબ પતિ રાજીવ રાણેએ કર્યો છે અને બે-ત્રણ પ્રવાસનાં પુસ્તકોના હિન્દી અનુવાદ પણ જેઠમલ મારુ અને શિવચરણ મંત્રી દ્વારા થયા છે. ૨૦૦૨માં ‘નવનીત સમર્પણ’માં તેમની પ્રથમ વાર્તા પ્રકાશિત થયેલી. સમયાંતરે તેઓ વાર્તા લખે છે. એમની પાંચ વાર્તાઓ સામયિકોમાં પ્રકાશિત થયેલી છે અને એક વાર્તાનો હિન્દીમાં અનુવાદ થયો છે.

ભાવનાત્મક સંબંધોનું ચિત્રણ

એકવીસમી સદીનો પહેલો દાયકો માતબર સ્ત્રી-સર્જકોની ભેટ આપે છે જેમાં ભારતી રાણેનું નામ પ્રથમ હરોળમાં લઈ શકાય. તેમણે લેખનની શરૂઆત વીસમી સદીના અંતિમ દાયકામાં કરી દીધી હતી. ગુજરાતી સાહિત્યમાં તેઓ પ્રવાસનિબંધલેખક તરીકે જાણીતાં છે. ભારતીબહેનનું વતન સુરેન્દ્રનગર અને શ્વસુરગૃહ મહારાષ્ટ્રના પૂણેમાં. તો વળી તબીબ તરીકેની કર્મભૂમિ બારડોલી. મુખ્યત્વે અહીં જ નિવાસ કરતાં કરતાં તેમણે વિદેશપ્રવાસો કર્યાં. એમનાં મૂળિયાં ભારતીય પરિવેશમાં જ હોવાને કારણે વિદેશી જીવન અને ભારતીય જીવનનાં વિવિધ પાસાંનું આલેખન તેમની વાર્તાઓમાં થયેલું છે. ૨૦૦૨માં ‘નવનીત સમર્પણ’માં તેમની પ્રથમ વાર્તા ‘ઇંચ ઇંચ વરસતો સફેદ બરફ’ પ્રકાશિત થઈ. અહીં બરફ થીજેલા સંબંધનું પ્રતીક બનીને આવે છે. નાયિકા પોતે વર્ષોથી માતા-પિતાને છોડીને વિલિયમ્સ સાથે વિદેશમાં વસી ગઈ હતી. વિલિયમ્સની ભૂરી આંખોના પ્રેમમાં ખોવાઈ ગયેલી નાયિકા પ્રેમની ભારતીય વિભાવના વિલિયમ્સની સામે બક્યા કરતી હોય છે. સર્જકે આ નાયિકાનું નામ આપ્યું નથી. વાર્તા પ્રથમ પુરુષના કથનકેન્દ્રથી લખાઈ છે તેથી નાયિકાની અંતરતમ લાગણીઓ વ્યક્ત કરવાની મોકળાશ મળી છે. પરદેશથી માતા-પિતાને મળવા જતી નાયિકા તેમની નબળી શારીરિક હાલત જોઈ દુઃખી હૃદયે પાછી ફરતી હોય છે. પણ હવે દીકરા-દીકરી યુવાન થાય છે. દીકરો પાવન રૂપકડી એન્જેલાને પરણે છે. એન્જેલાને સાડીમાં હરતી-ફરતી જોવાનો તો નાયિકાને આનંદ છે પણ આઘાત આપી જાય છે, યુવાન થયેલી પૂજા. હવે તે સ્વતંત્ર જીવન જીવવા માગે છે એમ કહી ઘર છોડી એકલી રહેવા જતી રહે છે. મા તરીકે નાયિકાને સતત એની ચિંતા થાય છે. એક સમયે ફોન કરતાં ખબર પડે છે કે એની પાસે પૈસા ખૂટી ગયા છે. મા મોકલવાનું કહે છે ત્યારે તે છોકરી બરાડી ઊઠે છે, ‘એની પ્રોફેશન કેન બ્રિંગ ઈન મની!’ આની સામે મા પરદેશની રીત પ્રમાણે કંઈ જ બોલી શકતી નથી. વાર્તાને અંતે માની લાચારી વાળની સફેદીમાં ને લાંબા સમય સુધી ઇંચ ઇંચ વરસ્યા કરતા બરફમાં પડઘાય છે. આ સ્થિતિ અસહ્ય છે પણ સહન કર્યા સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો નથી. ટૂંકી વાર્તાના ફલકમાં બે દેશ, બે પેઢી, બે જીવનશૈલી, બે સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષ અને તેમાંથી નિપજતા વિષાદની વાત વાર્તાકાર સહેજ પણ મુખર થયા વિના કરી શક્યાં છે. ૨૦૦૮માં એક અલ્પખ્યાત સામયિકમાં ‘બારી’ વાર્તા પ્રગટ થાય છે. લગ્ન થયા પછી થોડાક જ સમયમાં પતિ દામોદરથી વિખૂટી પડી ગયેલી અને હવે જીવનના અંતિમ દિવસો પરદેશમાં પસાર કરી રહેલી સુમિત્રાને માટે એકમાત્ર આશ્વાસન છે, બારી. કેમ કે અઢાર વર્ષની કુમળી વયે પોતાના પિતાના ઘરે દામોદરને મળવા માટે કોઈને ખબર ના પડે એમ તે પાછલી ગલીમાં પડતી બારી પાસે ઊભી રહી જતી. પણ એક વાર આ જ બારીએથી મળીને દામોદર ગયો તે ગયો જ! ત્રીજા પુરુષના કથનકેન્દ્રથી લખાયેલી આ વાર્તાનું વિષયવસ્તુ વધુ સારી રીતે પુનરાવર્તિત થયું છે, ૨૦૧૦માં ‘સંવેદન’માં પ્રગટ થયેલી વાર્તા ‘ઊલટા ફેરા’માં. કેતન મુનશી વાર્તાસ્પર્ધામાં આ વાર્તા નિર્ણાયક મણિલાલ હ. પટેલ દ્વારા નોંધપાત્ર જાહેર થયેલી. અહીં વાર્તાનાયિકા નિયતિનો પતિ એક રાત્રે પિતા સાથે ઝઘડો થતાં પત્ની અને નાનકડી દીકરી કુહૂને મૂકીને ઘર છોડી જતો રહે છે. નિયતિને એમ કે બે દિવસ રહીને પાછો આવશે પણ તે આવતો જ નથી. પછી તો બા ઉપર પરદેશથી તેના છાના ફોન આવે છે અને ત્યાં વિધર્મી સાથે લગ્ન કરી લીધાના સમાચાર પણ આવે છે. વાર્તાકાર આ પતિને નામ નથી આપતાં. હવે જ્યારે આવતીકાલે કુહૂનાં લગ્ન છે ત્યારે આગલી રાતે મોડેથી દ્વાર પર ટકોરા પડે છે અને વાર્તાકાર જેને ‘આગંતુક’ કહે છે તે આવે છે. બીજા દિવસના લગ્નની તૈયારી કરી જંપી ગયેલા ઘરના સભ્યોની આ નવી પરિસ્થિતિને આવકારતી હલચલ વાર્તાકારે અદ્‌ભુત રીતે વર્ણવી છે. આગંતુકની બા, ભાઈ, દીકરી ખુશ થઈ જાય છે કારણ કે વેવાઈ પાસે આબરૂ સચવાઈ જવાની છે. પણ નિયતિ આટલા વર્ષ પછી પણ ઉપેક્ષિત જ રહી જાય છે! ‘આગંતુક’ની પથારી પાથરતી વખતે સળ ન રહી જાય તેની તકેદારી રાખતી નાયિકાના જીવનમાં સળ રહી જાય છે એ વિડંબના વ્યંજિત થાય છે. લેખિકા સંબંધોના મનોવિજ્ઞાનને જાણે છે. કુહૂને દીકરી તરીકે પિતા માટે કોઈ ફરિયાદ નથી. તે ડેડીના આવવાથી ખુશ છે. ચંપાબા પણ દીકરાની ભૂલને ભૂલી જવા તૈયાર છે. સંવાદો પાસેથી વાર્તાકાર ધાર્યું કામ કઢાવે છે. વાર્તાને અંતે કુહૂ પરણીને વિદાય થાય છે અને ‘આગંતુક’ પણ જવા તૈયાર થાય છે. બા કહે છે કે, મારી અર્થી ઉપાડવા પણ જરૂર આવજે. નિયતિ તો જ્યાં હતી ત્યાં જ છે! ૨૦૦૯માં પ્રકાશિત ‘બે વીકની લીવ’માં લાંબા ગાળાના વિરહ પછી પરદેશથી આવતા મહેન્દ્રના બા સાથેના મેળાપની વાત છે. વિરહ પછી મિલનની વાત જુદી જુદી રીતે તેમની વાર્તાઓમાં આવે છે. એક અંતરાલ પછી ૨૦૨૧માં ‘પરબ’માં ‘ઇમર્જન્સી એમ. આર. આઈ.’માં જેને નામ નથી અપાયું તે નાયિકાને પડી જતાં એમ. આર. આઈ. માટે મશીનમાં મૂકવામાં આવે છે ને તેના અર્ધજાગ્રત મનમાં બાળપણથી તે વર્તમાન સુધીની વાતો ત્રુટક ત્રુટક રીતે પડઘાય છે. બા-બાપુજી સાથે બાળપણનાં સુંદર સ્મરણો અને લગ્નજીવનમાં મળેલી પીડાને વ્યક્ત કરવા માટે સર્જકે પ્રયોજેલી ફ્લેશબૅક સાથે સંનિધિકરણની ટેક્‌નિક અસરકારક છે. ટૂંકા સંવાદોનું ઊંડાણ સ્પર્શી જાય છે. એક ઉદાહરણ આપું. ‘આટલો બધો પ્રેમ? ભગવાન માટે કે સંગીત માટે?’ ‘શું ફરક પડે છે? ઈશ્વર હોય કે સંગીત, સવાલ પ્રેમ કરવાનો છે. મનની લગની લાગે, તે જ સાચો પ્રેમ! પછી એ કોઈના પર પણ હોય.’ ભારતી રાણે પાસે વાર્તા કહેવાની કલા છે. તેમની વાર્તાની શરૂઆત તરત જ ભાવકને વાર્તાપ્રવાહમાં મૂકી દે છે. વાર્તાની જરૂરિયાત પ્રમાણે કથન અને સંવાદો દ્વારા વાર્તા ગતિ પકડે છે અને ‘હવે પછી?’નું કુતૂહલ પણ સર્જાતું આવે છે જે ટૂંકી વાર્તાનું મહત્ત્વનું લક્ષણ છે. ‘ઇમર્જન્સી એમ. આર. આઈ.’માં બને છે તે પ્રમાણે લાઘવની કલાથી પાત્રની સંકુલતા વ્યક્ત થતી અનુભવાય છે. તેમની વાર્તાઓમાં મોટે ભાગે સ્ત્રીઓનાં જીવનનું કરુણ વાસ્તવ પ્રતીતિકર રીતે ચિત્રિત થયું છે. ભારતી રાણે પાસેથી વધુ વાર્તાઓ મળે એવી અપેક્ષા રહે છે.

સંધ્યા ભટ્ટ
કવિ, વાર્તાકાર, ચરિત્રકાર,
અંગ્રેજીના પ્રાધ્યાપક
આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ
બારડોલી
મો. ૯૮૨૫૩ ૩૭૭૧૪
Email : Sandhyanbhatt@gmail.com