ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સરોજિની મહેતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સરોજિનીબેન મહેતાની વાર્તાઓ

ગિરિમા ઘારેખાન

Sarojoni Mehta.png

નામ : સરોજિની મહેતા
જન્મ : ૧૨.૧૧.૧૮૯૮ – મૃત્યુ : ૧૯૭૭
જીવનસાથી : નાનક મહેતા
સર્જન : વાર્તાસંગ્રહ : ‘એકાદશી’, ‘ચાર પથરાની મા’, ‘વળતાં પાણી’
નવલકથા  : ‘અમરવેલ’
વાર્તાસંગ્રહ વિગતો :
૧. ‘એકાદશી’, પહેલી આવૃત્તિ ૧૯૩૫, બીજી આવૃત્તિ ૧૯૯૧
અર્પણ : ‘લઘુકૃતિ આ અર્પું છું, અર્પ્યું સર્વસ્વ મારું જ્યાં’
વાર્તા સંખ્યા ૧૧ (આ સંખ્યાને લીધે જ ‘એકાદશી’ એવું નામ), પાનાં ૧૪૮
૨. ‘ચાર પથરાની મા’, ૧૯૫૩
અર્પણ : મોસાળપક્ષનાં સ્વ. વડીલોની પુણ્ય સ્મૃતિને
વાર્તા સંખ્યા ૧૩, પાનાં ૧૮૪
૩. ‘વળતાં પાણી’, ૧૯૬૨
વાર્તા સંખ્યા ૧૯, પાનાં ૨૦૮

ગુજરાતી સાહિત્યમાં વારસામાં લેખનશક્તિ લઈને જન્મ્યા હોય એવા ઘણા લેખકો છે, જેમણે માતા અથવા પિતા તરફથી મળેલો લેખનનો વારસો આગળ ધપાવીને પોતાની સાથે એમના નામને પણ ગૌરવ અપાવ્યું હોય. અમુક સમગ્ર પરિવારે સાહિત્યસર્જન દ્વારા ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. તેમાંનો એક પરિવાર એટલે શ્રી રમણભાઈ નીલકંઠનો પરિવાર. ૧૯૨૭માં ‘નાઇટ હૂડ’નો ઇલ્કાબ મેળવનાર તેમના નામને કોઈ ઓળખાણની જરૂર નથી. તેમનાં પત્ની વિદ્યાગૌરી (જેમનાં બહેન શારદા મહેતા પણ લેખિકા હતાં.) અને પુત્રીઓ વિનોદિની અને સરોજિની. (ક્યાંક એક ત્રીજી પુત્રી સૌદામિનીનો પણ ઉલ્લેખ મળે છે.) આ બંને પુત્રીઓએ સાચા અર્થમાં પિતાનો સાહિત્ય વારસો જાળવ્યો છે, દીપાવ્યો છે. ભણતરની બાબતમાં પણ સરોજિનીબહેન માતા-પિતાના પગલે ચાલ્યાં. ગુજરાતની પહેલી સ્નાતક થયેલી એમની માતા વિદ્યાગૌરી નીલકંઠ અને માસી શારદા મહેતાની જેમ સરોજિની બહેન ૧૯૧૯માં સ્નાતક તો થયાં જ અને પછી ૧૯૨૩માં તેમણે લંડન જઈને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં સોશ્યોલોજીમાં અનુસ્નાતકની પદવી પણ મેળવી. અમદાવાદમાં વનિતા વિશ્રામમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે રહ્યા પછી એમણે સ્ત્રીઓની વ્યથા ખૂબ નજીકથી જોઈ અને હૃદયે અનુભવેલી અનુકંપા એમની વાર્તાઓમાં પ્રગટ થતી રહી. સરોજિનીબહેનની વાર્તાઓ નિયમિત રીતે એ સમયનાં ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થતી હતી. સાક્ષર યુગમાં ટૂંકી વાર્તાના સ્વરૂપને અવતારવાની મથામણ થઈ હતી. પણ એક કલાસ્વરૂપ તરીકે તેની પ્રતિષ્ઠા ગાંધીયુગમાં થઈ. એને એ પ્રતિષ્ઠા અપાવવામાં સરોજિનીબહેનની વાર્તાઓનો ફાળો પણ અવશ્ય છે. ગાંધીયુગનાં આ લેખિકાએ પોતાનો પહેલો વાર્તાસંગ્રહ ૩૭ વર્ષની ઉંમરે આપ્યો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે એમના પ્રદાનની નોંધ ઇતિહાસે લેવી જ પડે. તેમણે માત્ર કલ્પનાઓ વિસ્તારીને વાર્તાઓ નથી લખી પણ પોતાની વાર્તાઓના માધ્યમથી સમાજસુધારણાનું પણ કામ કર્યું છે. તેમની રચનાઓમાં એ વખતના સમાજમાં પ્રચલિત કુપ્રથાઓ – જેવી કે દહેજ, નારીને અશિક્ષિત રાખવી, બાળલગ્ન, કહેવાતી ‘આબરૂ’ માટે દીકરીનો અપાતો ભોગ, વગેરે વિશેનો એમનો વિદ્રોહ અને આક્રોશ આંખે ઊડીને વળગે છે. સમાજમાં બનતી ઘટનાઓ એમને એટલી વ્યથિત કરી જતી કે ‘ચાર પથરાની મા’, ‘કોનો દીકરો’ અને બીજી અમુક વાર્તાઓ એમણે સત્ય ઘટનાને આધારે જ લખી છે. પોતે જેને ‘સામાજિક સડો’ માનતાં એવી વાતોને પોતાની વાર્તાઓ થકી બહાર લાવવામાં સરોજિનીબહેને બિલકુલ સંકોચ કર્યો નથી. માત્ર સારાં તત્ત્વોની વાતો કરવી એને એ ‘ભદ્રંભદ્રી’ વૃત્તિ માનતાં. એમના પિતાજી જે પૂરું ન કરી શક્યા એ સમાજસુધારણાનું કામ ચાલુ રાખવાનું પોતાનું કર્તવ્ય છે એવું માનનારાં સરોજિનીબહેને ‘પ્રચારાત્મક’ હોવાનું તહોમત સ્વીકારીને પણ, પોતાની વાર્તાઓ મુખ્યત્વે નારીકેન્દ્રી રાખીને એને થતા અનેકવિધ અન્યાય પ્રત્યે આંગળી ચીંધવાનું કાર્ય નીડર થઈને કર્યું છે. આ લેખિકાએ સમાજનાં દૂષણો તરફ માત્ર આંગળી નથી ચીંધી, એથી આગળ વધીને એમણે એમાંથી બહાર નીકળવાના રસ્તા પણ બતાવ્યા છે. ‘ચાર પથરાની મા’ વાર્તામાં ચોથી દીકરીને જન્મ આપ્યા પછી ગૃહત્યાગ કરવા વિવશ થયેલી સ્ત્રી બીજા પુરુષ સાથે લગ્ન કર્યા વિના રહેવાનું પસંદ કરે છે. ‘સુખ કે દુઃખ’ વાર્તામાં વિધવાના જીવનના પ્રશ્નો તો ચર્ચ્યા જ છે, સાથે સાથે સ્ત્રી-જાગૃતિની પણ વાત કરી છે. ધડાકામાં પતિને મરી ગયેલો માનીને, મહેનત કરીને પૈસાવાળી થયેલી પત્નીના પૈસાની સુગંધથી ખેંચાઈને જ્યારે એ છેતરપિંડી કરવાવાળો પતિ આવે છે, ત્યારે એ મક્કમતાથી એને સ્વીકારવાની ના પાડી દે છે. એ જ રીતે ‘ભૂલી જઈને જનારાને’ વાર્તામાં મધ્યમ વર્ગની અનુરાધા સાથે થયેલી સગાઈને તોડીને સુધીર અમેરિકન રીટા સાથે પરણી જાય છે, પણ એનાથી છેતરાયા પછી એ જ્યારે અનુરાધા પાસે પાછો આવે છે ત્યારે એ સમાજનો વિરોધ સહીને પણ પોતે જ એનો ત્યાગ કરી દે છે. ‘બીજો માર્ગ ક્યાં છે?’ વાર્તામાં તો છેતરનારા પતિની પાસે પાછું ન જવું પડે માટે નાયિકા વિજયા ધર્માંતર કરીને મુસલમાન બની જાય છે એવું લખવાની હિંમત પણ આ ક્રાંતિકારી લેખિકાએ બતાવી છે. ‘સ્ત્રીનો ધર્મ’ વાર્તામાં લેખિકાએ સ્ત્રીના ત્રણ પ્રકારના ધર્મની વાત કરી છે. નાયિકા પુષ્પા ‘સ્ત્રીધર્મ’ માનીને પોતાના આળસુ, દંભી, અભિમાની, પતિની સેવા કરે છે, પણ બાળકોને ભૂખમરો વેઠવાનો વારો આવે ત્યારે ‘માતા ધર્મ’ નિભાવવા એ પતિને છોડીને આશ્રમમાં રહે છે. એટલું જ નહીં, સ્વતંત્રતા યુદ્ધ સમયે આશ્રમનું રક્ષણ કરવા વીરાંગના થઈને ‘સ્ત્રીનો એ સાચો’ ધર્મ પણ બજાવે છે. અહીં સરોજિનીબહેને સ્ત્રીને આદર્શ પત્ની, આદર્શ માતા અને દુર્ગા સ્વરૂપે રજૂ કરીને પરિસ્થિતિ પ્રમાણે ઢળાઈ જવાની એની ક્ષમતા ને ઉજાગર કરી છે. વાર્તાઓના કથાવસ્તુમાં સ્ત્રીઓને અમુક અંશે સહન કરતી અને જ્યારે પાણી ગળા સુધી આવી જાય ત્યારે વિદ્રોહ કરતી આલેખતાં સરોજિનીબહેને જ્યાં તક મળી ત્યાં સમાજના કુરિવાજો, દંભી પુરુષો અને કહેવાતી ‘આબરૂ’ ખાતર દીકરીની જિંદગી ધૂળધાણી કરતાં માતાપિતા ઉપર ચાબખા પણ વીંઝ્યા છે. કેટલાંક ઉદાહરણ જોઈએ : – ૨૦-૨૫ વર્ષના છોકરાને પૂછ્યા વિના માબાપ તેનો કોટ સિવડાવે નહીં, વખતે તેને ગમે કે ન ગમે. પણ તેને પૂછ્યા વિના તેના જીવનની સહચારિણી શોધે ખરાં. (કન્યાની શોધ) – ‘સાત પેઢીને તારનાર’ બાળકો પણ ત્યાં છે! (રક્ષક કે રક્ષિત?) – જ્યોર્જ વોશિન્ગ્ટન પેઠે તે પુરુષ ન હતી – એટલે સત્યપ્રિયતાને લીધે આગળ જતાં મહત્તા પ્રાપ્ત કરવાનું તેના નસીબમાં ન હતું. (સત્યપ્રિયતા) – હિંદુ વિધવા એટલે દુનિયાનું દુઃખીમાં દુઃખી પ્રાણી. વિના વાંકે સર્વ કોઈના તિરસ્કારને પાત્ર મનુષ્ય. (સ્વપ્નાદેશ) – પુરુષની ફરજ વિષે કોઈ પુસ્તકો હોતાં નથી. (સ્ત્રીનો ધર્મ) – મરી જવાય તો પણ વરનું કહ્યું માનવું જ પડે? ‘–હા, આપણા દેશમાં’ (સ્ત્રીનો ધર્મ) – મરતી વખતે પણ હિંદુ સ્ત્રીની ભવોભવ એ જ પતિ માંગવાની ફરજ. (બીજો માર્ગ ક્યાં છે?) હિંદુ ધર્મની અમુક બદીઓ, રૂપના ભૂખ્યા પુરુષો, કારણ વિના તકલીફ આપતી સાસુઓ અને દંભી માતાપિતાને ચીરી નાખતાં આવાં અનેક વાક્યોની વીજળીઓ આ લેખિકાની વાર્તાઓમાં ઠેર ઠેર ચમકતી દેખાય છે. સરોજિનીબહેનના સમયના સાહિત્ય ઉપર ગાંધીજીના વિચારોનો બહુ પ્રભાવ હતો. એ પ્રભાવ એમની વિધવાવિવાહને તરફેણ કરતી, વર્ગભેદ, જ્ઞાતિભેદ અને બાળવિવાહનો વિરોધ કરતી વાર્તાઓમાં ઝળકે છે. એમના ઉપર રવીન્દ્રનાથના વિચારોએ પણ પોતાની છાંટ છોડી છે. સાથે સાથે વૈશ્વિક રીતે ફરી વળેલા સમાજવાદ અને પ્રગતિવાદની ગુજરાત ઉપર થયેલી અસરથી પણ એમની વાર્તાઓ મુક્ત રહી શકી નથી. (એમના સંગ્રહમાં શ્રી રવીન્દ્રનાથ ઠાકુરની અનુદિત વાર્તા અને અંગ્રેજીમાંથી અનૂદિત વાર્તાઓનો પણ સમાવેશ થયેલો છે.) ‘સાચો માર્ગ’ વાર્તામાં થનાર જમાઈ એકદમ નીચલા વર્ગનો છે એની જાણ થતાં ચિત્રાના પિતા એનો સંબંધ તોડી નાખે છે, પણ જો છોકરો ખ્રિસ્તી ધર્મ અપનાવે તો પોતાની દીકરી એની સાથે પરણાવવા તૈયાર છે. (કેવી વિષમતા! નીચલા વર્ગનો હિંદુ ન ચાલે, પણ પરધર્મી ચાલે!) જો કે અંતમાં એમની ઘણી વાર્તાઓમાં જોવા મળે છે એમ ચિત્રા ઘરમાંથી નીકળી જઈને પોતાની પસંદગીના યુવક સાથે જ લગ્ન કરે છે. આ રીતે સરોજિનીબહેનની ઘણી નાયિકાઓ ક્રાંતિકારી વિચારોવાળી વીરાંગનાઓ છે અને સમાજ સામે લડીને પોતાની રીતે જીવવાનું પસંદ કરે છે. જો સાહિત્ય એ જે તે સમયના સમાજનું પ્રતિબિંબ હોય તો સરોજિનીબહેનની વાર્તાઓ એક નિર્મળ આયનાનું કામ કરીને એ પ્રતિબિંબને બહુ સ્પષ્ટ રીતે દર્શાવે છે. એમની વાર્તાઓમાંથી પસાર થતાં એ સમયના સમાજની નીચેની લાક્ષણિકતાઓ જોવા મળે છે : – સ્ત્રી સંપૂર્ણપણે પુરુષને આધીન હતી. – સ્ત્રીઓનાં (બાળકીઓનાં) ૧૦-૧૨ વર્ષે લગ્ન કરી નાખવામાં આવતાં. – સ્ત્રી ૮-૧૦ બાળકોને જન્મ આપે અને પછી સુવાવડમાં કે ક્ષય જેવા રોગથી એમનું નાની ઉંમરમાં મૃત્યુ પામવું સ્વાભાવિક હતું. એટલાં જ સ્વાભાવિક હતાં પુરુષનાં એકથી વધુ વાર થતાં લગ્ન. – સ્ત્રીઓએ પતિને જ પરમેશ્વર માનીને એની ભક્તિમાં રત રહેવાનું હતું. – લગ્ન માટે સ્ત્રી અને પુરુષ વચ્ચે વયનો તફાવત જોવામાં નહોતો આવતો. ૧૫ વર્ષની છોકરીનાં લગ્ન બીજવર, ત્રીજવર, રોગિષ્ટ, ગમે તેટલા બાળકોવાળા પુરુષ સાથે થઈ શકતાં. – દહેજનો રિવાજ વ્યાપક હતો અને એનો ભોગ ઘણી સ્ત્રીઓએ બનવું પડતું. – ભણેલી છોકરીઓ છીછલ્લી (છીછરી) ગણાતી. સરોજિનીબહેનની લગભગ બધી જ વાર્તાઓ નારીકેન્દ્રી છે જેમાંથી અમુક વાર્તાઓમાં એમની નાયિકા સમાજથી વિરુદ્ધ જઈને પણ પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરે છે. પણ આ બધામાં અમુક વાર્તાઓનાં કથાવસ્તુ અલગ તરી આવે છે – જેમ કે ‘કોનો દીકરો’ વાર્તામાં હિંદુ-મુસ્લિમ એકતાની વાત થઈ છે, તો ‘મને જીવતદાન મળ્યું હોત તો!’ વાર્તામાં ચિતોડગઢના કિલ્લામાં ફરતી નાયિકાને દાસી પન્નાના દીકરાની ફરિયાદ સંભળાય છે કે ‘એક રાજકુમારને બચાવવા માટે મારો ભોગ આપી દેવાનો અધિકાર મારી માતાને કોણે આપ્યો હતો? વિચાર કરતાં કરી નાખે એવી આ વાર્તા છે. ‘બે નગરની વાર્તા’માં સ્ત્રીઓના પ્રશ્નને સાવ અલગ રીતે આલેખવામાં આવ્યો છે. અહીં નાયિકા વિચારે છે કે, જો સમાજમાં સ્ત્રીઓનું કામ જ ન હોય તો એમના વિના પુરુષોને ચાલે જ. પછી એ સ્વપ્નમાં બે અલગ અલગ નગરોની મુલાકાતે જાય છે જેમાં એકમાં માત્ર પુરુષો છે અને એકમાં માત્ર સ્ત્રીઓ. એમાં સ્ત્રીઓનું નગર વધારે સારું બતાવીને એમણે સ્ત્રીઓની ઉપયોગિતા સિદ્ધ કરી છે. આ ત્રણ સંગ્રહોમાં આવેલી અમુક વાર્તાઓમાં ખૂબ નાટ્યાત્મક અંત જોવા મળે છે, જે ઘણી વાર તાર્કિક નથી લાગતા. માત્ર મનમાં વિચારેલ એક અંત સુધી પહોંચવા માટે આકસ્મિક સંજોગો ઊભા કરીને એ અંત બેસાડી દીધો હોય એવું લાગે. ‘સહેજ જ ભૂલ’, ‘પુરુષ અને સ્ત્રી’, ‘ગુજરીની ગોદડી’ વગેરે આ પ્રકારની વાર્તાઓ છે. હવે નજર નાખીએ આ લેખિકાની વાર્તાઓમાં નિરુપાયેલી ભાષા ઉપર. ગાંધીજીએ કહ્યું હતું કે ‘કોશિયો પણ સમજી શકે તેવી સાદી ભાષામાં સાહિત્ય લખાવું જોઈએ.’ એને લીધે પંડિતયુગની પ્રશિષ્ટવાળી ભાષા ગાંધીયુગમાં સરળ, પ્રવાહી અને પ્રાસાદિક બની. સરોજિનીબહેનની વાર્તાઓની ભાષા આ પ્રકારની છે. (તેમની સંપાદિત કૃતિ ‘બાપુની નિશ્રામાં’ નોંધાયું છે તે પ્રમાણે તેઓ કારોબારીના સભ્ય તરીકે ગાંધીબાપુના સીધા પરિચયમાં પણ આવ્યાં હતાં.) ઘટનાપ્રધાન અને અભિધાના સ્તરે સીધી લીટીમાં ચાલતી, એકમેવ અસરવાળી એમની વાર્તાઓની ભાષા સામાન્યજન પણ સમજી શકે એવી છે. આ વાર્તાઓમાં ભાષાની અલંકારિતા, રૂપકો કે વ્યંજનાઓ નથી, પાનાંઓ ભરીને કુદરતી વર્ણનો નથી, ખાસ મનોસંચોલનો પણ નથી, પણ એમની વાર્તાઓને રસપ્રદ બનાવતી પ્રવાહી શૈલીની પાછળ સંકુલ માનવ સંબંધો વિશેની એક સમજ છે. મધ્યમ વર્ગના માણસો બોલે એવા સાહજિક સંવાદો છે. એના કેન્દ્રમાં સામાજિક પરિવેશ છે. અને એ પરિવેશને ઉજાગર કરવો એ જ તો એમનો વાર્તાઓ લખવાનો મુખ્ય ઉદ્દેશ હતો. આ બધાં કારણોને લીધે જ સરોજિનીબહેનનાં લખાણો પ્રચારાત્મક છે એવો એમના ઉપર આરોપ મૂકવામાં આવતો હતો અને તેઓ એ વાતથી સભાન હતાં. “ ‘વળતાં પાણી’નાં વહેણ વિષે’માં એમણે સ્વીકારી જ લીધું છે કે ‘પ્રચારની ટેવ મારી પ્રકૃતિ સાથે જ જોડાયેલી છે અને તેને હું ત્યાગી શકતી નથી.’ ‘ચાર પથરાની મા’ની પોતાની પ્રસ્તાવનાને ‘બચાવનામું’ એવા શીર્ષક નીચે મૂકીને એમણે એ આરોપનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો છે. એમને એમ પણ પૂછવામાં આવતું હતું કે અનિષ્ટોની સાથે સાથે તેઓ સમાજની ઊજળી બાજુ કેમ ક્યારેય બતાવતાં ન હતાં? એના જવાબમાં એ કહે છે કે, ‘એ કામ બીજા ઘણા લેખકો કરે છે. માત્ર લોકપ્રિયતાની લાલચે તેઓ અનિષ્ટોનો બચાવ નહીં તો નવા વિચારોનો વિરોધ તો કરે જ છે. એટલે મારા વડીલોએ જગાવેલી કલમની જેહાદ-યથાશક્તિ ચાલુ રાખવી – એ મને મારી ફરજ લાગી છે.’ એ જ પુસ્તક માટે પોતે લખેલી પ્રસ્તાવનાનું શીર્ષક શ્રી ઉમાશંકર જોશીએ ‘નહીં તહોમત, નહીં ચુકાદો’ એવું રાખ્યું છે અને લેખિકાને લગ્નસંસ્કારના મૂલ્ય અંગે, માત્ર કૃષ્ણ પક્ષ તરફ જ નજર રાખીને સમાજના ચંદ્રની ઊજળી બાજુ કેમ ન બતાવવી, વગેરે અમુક પ્રાણવાન પ્રશ્નો પૂછ્યા છે. સરોજિનીબહેનના ત્રણેય વાર્તાસંગ્રહોમાંથી પસાર થતાં શ્રી ઉમાશંકરભાઈની વાત સાચી છે એવી પ્રતીતિ ક્યાંક ને ક્યાંક તો થાય જ છે. આ બધી વાર્તાઓ વાંચતાં એ તરફ ધ્યાન અવશ્ય દોરાય કે આ બધી વાર્તાઓ મર્યાદિત સામાજિક પરિવેશ અને ચોક્કસ પાત્રવર્તુળમાં ફર્યા કરે છે. આ લેખિકાની વાર્તાઓમાં ગાંધીયુગના બીજા લેખકો જેવા કે ધૂમકેતુ (પોસ્ટ ઑફિસ અને જુમો ભીસ્તી), ઝવેરચંદ મેઘાણી (માડી હું કેશવો), ચુનીલાલ મડિયા (કમાઉ દીકરો), ર. વ. દેસાઈ (ખરી મા), ઈશ્વર પેટલીકર (લોહીની સગાઈ) કે પન્નાલાલ પટેલ (રેવા મા)ની વાર્તાઓમાં ઝળકતું વિષયવૈવિધ્ય જોવા નથી મળતું. એ સમયના મોટા ભાગના લેખકોની જેમ એમની વાર્તાઓમાં ગ્રામ્યદર્શન પણ નથી થતું. એક જ ધ્યેયને લઈને લખાયેલી આ વાર્તાઓ ક્યારેક મુખર બની જાય છે અને બધી વાર્તાઓ એક સાથે વાંચતા વૈવિધ્યનો અભાવ ક્યારેક રસક્ષતિ જન્માવે છે. કથાવસ્તુ અમુક અંશે પૂર્વગ્રહયુક્ત પણ લાગે છે. પણ જે તે સમયમાં લખાયેલી વાર્તાઓને તે સમયના માપદંડથી તોળવી જોઈએ. તે રીતે જોતાં, એક સમાજસુધારક, એક ખાસ પરિવારમાંથી આવનાર લેખિકા દ્વારા લખાયેલી આ વાર્તાઓમાં ગૂંથાયેલાં સંવેદનો મન ઉપર એક ચોટ તો છોડી જ જાય છે. તેમનું સરળ ગદ્ય ભાવકને પણ ‘પરકાયા પ્રવેશ’ કરાવીને પાત્રની વેદના સુધી પહોંચાડે છે. પાત્રગત માનસિક વાતાવરણ આલેખવામાં લેખિકાની બહુશ્રુતતા અનુભવાય છે. એ સમયની સ્ત્રીઓની સામાજિક સ્થિતિનું અસરકારક અને સચોટ નિરૂપણ સંવેદનશીલ ભાવકોના ચિત્તને ક્ષુબ્ધ કરવામાં સક્ષમ નીવડે છે. શ્રી બાબુ દાવલપુરાએ આ સમયના વાર્તાકારો માટે જણાવ્યું છે એ આ વાર્તાઓને પણ લાગુ પડે છે કે ભારતીય જીવનરીતિમાં માત્ર વ્યક્તિ નહીં, કુટુંબ અને સમાજ કેન્દ્રમાં છે. પુરુષપ્રધાન સમાજ અને એમનું જ આધિપત્ય સમાજની બીજી એક આખી જાતિનું કેવું શોષણ કરી શકે છે એનું ચિત્રણ આ વાર્તાઓમાં થયેલું છે. એમણે એ સમયે જીવાતા જીવનને બહુ નિસબતથી આલેખ્યું છે અને એ જ એમની વાર્તાકળા છે. લેખિકાનો સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ વાર્તાઓને એક ઊંચાઈ ઉપર લઈ જાય છે. એમની વાર્તાઓમાં ભાવના, લાગણીનો પ્રવાહ, પ્રવાહિતા અને પારદર્શકતા અનુભવાય છે. પૈતૃક વારસામાં મળેલી કલમનો નારી ઉત્કર્ષ માટે ઉપયોગ કરવાનો એમનો ઉદ્દેશ આ વાર્તાઓના માધ્યમથી સિદ્ધ થતો અનુભવાય છે.

આજે પણ, આ વાર્તાઓ લખાયાના આઠ-નવ દાયકા પછી પણ, વર્તમાનપત્રો કે ટી.વી. ઉપર ચમકતા ઘણા સમાચારો વાંચીને કે જોઈને એવું તો લાગે છે કે ક્યાંક ક્યાંક હજી પણ સમાજ એ સમયથી બહુ આગળ નથી વધ્યો. સ્ત્રીઓની તકલીફોનું સ્વરૂપ થોડું બદલાયું હશે, તકલીફો ગઈ નથી. હજી પણ દહેજ ઓછું પડવાથી કે પુત્રને જન્મ ના આપી શકવાથી સ્ત્રીઓને કાઢી મૂકવામાં કે બાળી નાખવામાં આવે જ છે. બાળલગ્નની સમસ્યા પણ અમુક પ્રાંતોમાં પ્રચલિત છે જ. એ સંદર્ભમાં આ વાર્તાઓ દેશકાળને વટાવી જાય એવી છે એમ કહી શકાય.

ગિરિમા ધારેખાન
એમ.એ., બી.એડ્‌. (અંગ્રેજી સાહિત્ય)
વાર્તાસંગ્રહ, નવલકથા, લઘુકથા, બાળવાર્તા, વ્યક્તિચરિત્રો
અને (સંશોધન આધારિત) મંદિરો વિશેનું એક પુસ્તક
– એમ કુલ ૧૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે.
મો. ૮૯૮૦૨ ૦૫૯૦૯