ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સુરેશ જોષી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સુરેશ જોષીની વાર્તાઓ :
એક દીર્ઘ પરિચય લેખ

જયેશ ભોગાયતા

Suresh-Joshi.jpg

સુરેશ જોષીની વાર્તાઓનો પરિચય નીચે દર્શાવેલ મુદ્દાઓ પ્રમાણે આપ્યો છે.
૧. સુરેશ હ. જોષીના જીવનનો પરિચય
૨. સુરેશ હ. જોષીનું સાહિત્યવિશ્વ
૩. સુરેશ હ. જોષીની કળામીમાંસા.
૪. સુરેશ હ. જોષીની ટૂંકી વાર્તાની સ્વરૂપ વિચારણા.
૫. સુરેશ જોષીની વાર્તાઓનો વિસ્તૃત પરિચય

૧. સુરેશ હ.જોષીના જીવનનો પરિચય

સુરેશ જોષીનો જન્મ વૈશાખ વદ આઠમ, ૩૦મી મે ૧૯૨૧ને દિવસે બપોરે એક વાગે મોસાળમાં થયો હતો. મોસાળનું ગામ વાલોડ. દાદાની (નાનાની) છત્રછાયામાં ગાયકવાડ રાજ્યના સોનગઢ ગામમાં ગાળ્યું ને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ લીધું. સોનગઢની આસપાસની વન્યસૃષ્ટિનો સુરેશ જોષીના સંવેદનતંત્ર પર ઊંડી અસર પડી. માધ્યમિક શિક્ષણ લેવા માટે વ્યારા ગયા. પરંતુ ગામડિયા ગણાયા ને પ્રવેશ ન મળ્યો. પાછા ફરતાં સોનગઢની શાળાના આચાર્યે આપેલો ભલામણપત્ર નાળામાં ફેંકી દીધો. ગંગાધરાની શાળામાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને એ નવસારી ગયા. ત્યાંથી ૧૯૩૮માં મેટ્રિક પાસ કરીને મુંબઈ માતાપિતાની સાથે માટુંગામાં રહ્યા, અને એલિફન્સ્ટન કૉલેજમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ શરૂ કર્યો. ૧૯૪૨માં બી.એ.ની પરીક્ષા વખતે બેભાન થઈ જતાં પરીક્ષા અધૂરી છોડવી પડી. ૧૯૪૩માં નવેસરથી પરીક્ષા આપી ગુજરાતીમાં પ્રથમ વર્ગ ને પ્રથમ ક્રમ મેળવ્યા. ૧૯૪૫માં એમ.એ.માં બીજો ક્રમ મેળવ્યો. એમ.એ. થઈને થોડો વખત ઑરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કર્યું. સિનેમાકળાના મીમાંસક અને લેખક શ્રી અમૃત ગંગરે ‘સુરેશ જોષી સ્ટડીઝ : દીવાલમાં ગામડાંની ખોજ’ નામે એક શ્રેણી ‘એતદ્‌’ સામયિકમાં પ્રકાશિત કરી હતી. (વર્ષ ૨૦૨૨-૨૦૨૪)આ શ્રેણીના પાંચ લેખોમાં ખાસ કરીને સુરેશ જોષીની કરાંચી નિવાસ દરમ્યાનની અનેક નવી માહિતી મળે છે. શ્રી રામપ્રસાદ બક્ષી અને શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સૂચનથી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં અધ્યાપક તરીકેની નિમણૂક થઈ. ત્યાં નવેમ્બર ૧૯૪૫થી ૧૯૪૭ સુધી ડોલરરાય માંકડનું સાન્નિધ્ય મળ્યું. કૉલેજના પુસ્તકાલયમાં જગતસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓનો પ્રત્યક્ષ પરિચય થયો. ૧૯૪૭માં દેશના ભાગલા થયા એના થોડાક મહિના પહેલાં જ સુરેશ જોષીની વલ્લભવિદ્યાનગરના સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે નિમણૂક થઈ. એમના જ આગ્રહથી સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે ડોલરરાય માકંડને પણ પોતાને ત્યાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે બોલાવી લીધા. ૨-૩-’૪૯ના દિવસે (ફાગણ સુદ ત્રીજ) સુરેશ જોષીનું લગ્ન ઉષા દરૂ સાથે થયું. ૧૯૫૧માં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાંથી સુરેશ જોષીને છૂટા કરવામાં આવ્યા. કારણ કે ગુજરાતી વિભાગમાં અધ્યાપકોની સંખ્યા જરૂર કરતાં વધારે હતી. એટલે સુરેશ જોષી વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના ટ્યુટર તરીકે જોડાઈ ગયા. ૧૯૫૩માં એમની લેક્ચરર તરીકે નિમણૂક થઈ. રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ એમની રીડર તરીકે નિમણૂક કરી; ૧૯૭૮માં પ્રોફેસર ને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ. ૧૯૮૧માં નિવૃત્ત થયા ત્યાં સુધી સુરેશ જોષીએ આ બંને પદ સંભાળ્યા. કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ સુરેશ જોષીએ સામયિકના સંપાદન ને પ્રકાશન શરૂ કર્યાં હતાં. ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, સંપુટ, ઊહાપોહ, એતદ્‌, સાયુજ્ય અને સેતુ એમ એક પછી એક અનેક સામયિકોની આખી એક માળા સુરેશ જોષીએ રચી. આઠ વર્ષની ઉંમરે ‘બાલજીવન’માં કવિતા છપાવી. એમણે કહ્યું છે કે મેં ચોરીછૂપીથી કવિતા છપાવી હતી. મારા દાદા જેઓ શિક્ષક હતા તેમણે આ જાણ્યું ત્યારે મને થપ્પડ મારીને અટકાવવાનો પ્રયત્ન કર્યો. તેમના મતે એ પ્રવૃત્તિ સલામતી વિરુદ્ધની હતી. પરંતુ પાછળથી તેઓ તેમણે લખેલી રચનાઓ મને સુધારી આપતા. એ રીતે મને સુસજ્જ કર્યો. ત્યારથી સુરેશ જોષીએ પોતે જીવ્યા ત્યાં સુધી સતત રચના કરીને કાવ્ય, નવલિકા, નિબંધ, નવલકથા, વિવેચન, સંશોધન, સંપાદન અને અનુવાદ દ્વારા બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો. ૧૯૬૧માં ‘પ્રત્યંચા’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો ત્યારે એમાં એમણે એક વિલક્ષણ ને મહત્ત્વનું વિધાન કર્યું : ‘આનો પુરોગામી કાર્યસંગ્રહ ‘ઉપજાતિ’ હવેથી રદ ગણવો. ‘જનાન્તિકે’ નિબંધસંગ્રહ માટે એમને નર્મદચંદ્રક એનાયત થયો. સમગ્ર સાહિત્યસર્જન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૮માં ‘ચિન્તયામી મનસા’ વિવેચનસંગ્રહ માટે નવી દિલ્હીની સાહિત્ય અકાદમીએ સુરેશ જોષીને એવૉર્ડ આપવાનું જાહેર કર્યું ત્યારે એમણે એ સ્વીકારવાની ના પાડી. એમ કહીને કે ‘પ્રામાણિકપણે કહું તો એને એવૉર્ડને લાયક હું ગણું નહીં. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એમની નેશનલ લેક્ચરર તરીકે નિમણૂક કરી, પરંતુ તેની જાહેરાત થાય એ પહેલાં જ ૬ સપ્ટેમ્બર, ૧૯૮૬ના શનિવારે રાત્રે ૯-૪૦ વાગે કિડનીની બીમારીથી નડિયાદમાં તેમનું અવસાન થયું. સુરેશ જોષીના જીવન વિશેનો વિસ્તૃત પરિચય મેળવવા માટે બે પુસ્તકો ખૂબ જ ઉપયોગી છે. ૧. ‘આત્મનેપદી’ (મુલાકાતોનો સંચય, સંપાદન સુમન શાહ. પાર્શ્વ પ્રકાશન ૧૯૮૭. ૨. આત્મપરિચય : સંકલન : શિરીષ પંચાલ. પ્ર. આ. ફેબ્રુઆરી, ૨૦૧૨ સંવાદ પ્રકાશન વડોદરા. ‘આત્મપરિચય’માં સુરેશ જોષીએ ઉષાબેનને અને પ્રણવને લખેલા પત્રો ખૂબ જ મૂલ્યવાન છે. સુરેશ જોષીની લાગણીશીલ અને ઊર્મિશીલ પ્રકૃતિનો સરસ પરિચય મળે છે. એ જ રીતે ‘ગદ્યપર્વ’ સામયિકનો વિશેષાંક વર્ષ મે, ૨૦૦૨માં સુરેશ જોષીના વિદ્યાર્થીઓ અને મિત્રોએ જે જીવનલક્ષી નિબંધો લખ્યા છે તેમાંથી સુરેશ જોષીના વ્યક્તિત્વના અનેક પાસાંઓનો પરિચય મળે છે.

૨. સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ

ક. મૌલિક
કવિતા
‘ઉપજાતિ’ (મનીષા પ્રકાશન, મુંબઈ) ૧૯૫૬ (પાછળથી સુરેશ જોષીએ રદ કર્યો)
‘પ્રત્યંચા’ (ઉષા જોષી, વડોદરા) ૧૯૬૧
‘ઇતરા’ (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૩
‘તથાપિ’ (સાહિત્ય સંગમ, સુરત) ૧૯૮૦
ટૂંકી વાર્તા
‘ગૃહપ્રવેશ’ (ચેતન પ્રકાશન, વડોદરા) ૧૯૫૭, (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૩
‘બીજી થોડીક’ (ચેતન પ્રકાશન, વડોદરા) ૧૯૫૮
‘અપિ ચ’ (મનીષા પ્રકાશન, વડોદરા) ૧૯૬૪
‘ન તત્ર સૂર્યો ભાતિ’ (રેખા સહકારી પ્રકાશન, અમદાવાદ) ૧૯૬૭
‘એકદા નૈમિષારણ્ય’ (સાહિત્યસંગમ, સુરત) ૧૯૮૧
નવલકથા
‘છિન્નપત્ર’ (ક્ષિતિજ, વડોદરા) ૧૯૬૯, (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૩
‘મરણોત્તર’ (બુટાલા પ્રકાશન) ૧૯૭૩
‘કથાચતુષ્ટય : વિદુલા, કથાચક્ર, છિન્નપત્ર, મરણોત્તર’ (ત્રિમૂર્તિ પ્રકાશન, અમદાવાદ) ૧૯૮૩
નિબંધ
‘જનાન્તિકે’ (સ્વાતિ પ્રકાશન, મુંબઈ) ૧૯૬૫, (સુવાસિત પ્રકાશન, સુરત) ૧૯૭૯
‘ઇદમ્‌ સર્વમ્‌’ (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૧
‘અહો બત કિં આશ્ચર્યમ્‌’ (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૬
‘રમ્યાણિ વીક્ષ્ય’ (ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ) ૧૯૮૭
‘પ્રથમ પુરુષ એકવચન’ (ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ) ૧૯૭૯
‘ઇતિ મે મતિ’ (પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ) ૧૯૮૭
વિવેચન
‘મૃત્યુ : રવીન્દ્રનાથની દૃષ્ટિએ’ (ચારુતર પ્રકાશન, વલ્લભવિદ્યાનગર) ૧૯૫૧
‘કિંચિત્‌’ (ચેતન પ્રકાશન, વડોદરા) ૧૯૬૦, (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૬
‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ (ચેતન પ્રકાશન, વડોદરા) ૧૯૬૨, (નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ) ૧૯૮૧
‘કથોપકથન’ (આર. આર. શેઠ, મુંબઈ-અમદાવાદ) ૧૯૬૯
‘કાવ્યચર્ચા’ (આર. આર. શેઠ, મુંબઈ-અમદાવાદ) ૧૯૭૧
‘શૃણ્વન્તુ’ (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૨
‘અરણ્યરુદન’ (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૨
‘ચિન્તયામિ મનસા’ (સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ) ૧૯૮૨
‘અષ્ટમોઽધ્યાય’ (સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ) ૧૯૮૩
સંશોધન
‘જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા’ (મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા) ૧૯૮૭
ખ. અનુવાદ
કવિતા
‘પરકીયા’ (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૫
‘રવીન્દ્ર પર્વ’, સં. શિરીષ પંચાલ. સંવાદ પ્રકાશન, વડોદરા, જાન્યુઆરી ૨૦૧૭
નવલકથા
‘અભિશાપ’, શૈલજાનંદ મુખોપાધ્યાય (ચેતન પ્રકાશન, વડોદરા)
‘વંટોળિયો’, શૈલજાનંદ મુખોપાધ્યાય (ચેતન પ્રકાશન, વડોદરા)
‘ઘીરે વહે છે દોને’ (ભાગ ૧), માઈકેલ શોલોખોવ (રવાણી પ્રકાશન, અમદાવાદ) ૧૯૬૧
‘ભોંયતળિયાનો આદમી’, ફિયોદોર દોસ્તોએવ્સ્કી (રવીન્દ્ર બૂક હાઉસ, અમદાવાદ) ૧૯૬૭
‘શિકારી બંદૂક’, યાસુશી ઈનોઉએ (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૫
નિબંધ
‘ભારતીય ધર્મ’, સ્વામી નિખિલાનન્દ (ઇન્દ્રવદન મહાશુક્લ, નવસારી) ૧૯૪૮
‘પંચામૃત’, રવીન્દ્રનાથ ઠાકુર (ચારુતર પ્રકાશન, વલ્લભવિદ્યાનગર) ૧૯૪૯
‘સંચય’, રવીન્દ્રનાથ ઠાકુર (ટ્રાન્સલેશન ટ્રસ્ટ, અલીઆબાડા) ૧૯૬૩
વિવેચન
‘સાહિત્યમીમાંસા’, વિષ્ણુપ્રદ ભટ્ટાચાર્ય (ચેતન પ્રકાશન, વડોદરા) ૧૯૫૭, (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૦
‘અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ’, માર્ક્સ કન્લીફ (વોરા પ્રકાશન, મુંબઈ) ૧૯૬૫
‘અમેરિકી ટૂંકી વાર્તા’, રે. બી. વેસ્ટ જ્યુનિયર (રવાણી પ્રકાશન, મુંબઈ) ૧૯૬૭
ચરિત્ર
‘દાદાભાઈ નવરોજી’, મીનુ મસાણી ૧૯૭૧
ગ. સહઅનુવાદ
કવિતા
‘એકોત્તરશતી’, રવીન્દ્રનાથ ઠાકુર (સાહિત્ય અકાદમી, નવી દિલ્હી) ૧૯૬૩
‘ગીત પંચશતી’, રવીન્દ્રનાથ ઠાકુર (સાહિત્ય અકાદમી, નવી દિલ્હી) ૧૯૭૮
નિબંધ
‘રવીન્દ્ર નિબંધમાલા (ભા. ૨)’, રવીન્દ્રનાથ ઠાકુર (સાહિત્ય અકાદમી, નવી દિલ્હી) ૧૯૭૬
ટૂંકી વાર્તા
‘નવી શૈલીની નવલિકાઓ’ (ચેતન પ્રકાશન, વડોદરા) ૧૯૬૧
‘વિદેશિની ૧, ૨, ૩’, (સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ) ૧૯૮૫

ઘ. સંપાદન
કવિતા
‘નવોન્મેષ’ (સાહિત્ય સંસદ, મુંબઈ) ૧૯૭૧, (નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ) ૧૯૯૦
‘નરહરિકૃત જ્ઞાનગીતા’ (મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા) ૧૯૮૩
‘વસ્તાનાં પદો’, (મ. સ. વિશ્વવિદ્યાલય) ૧૯૮૩
ગદ્ય
‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય’, (મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા) ૧૯૮૧
વિવેચન
‘આધુનિક કવિતા ચાર મુદ્દા’, (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૫
‘વિવેચન ચાર મુદ્દા’, (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૫
‘જાનન્તિ યે કિમપિ’, (સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ) ૧૯૮૪
સામયિક
‘સુધાસંધ પત્રિકા’
‘ફાલ્ગુની’
‘વાણી’, ૧૯૪૭-૧૯૪૯ અંક ૧-૧૯ (સં. મોહનભાઈ પટેલ સાથે)
‘મનીષા’, ૧૯૫૪-૧૯૫૮ માસિક અંક ૧-૨૭, ત્રૈમાસિક અંક ૧-૩ (સં. રસિક શાહ સાથે)
‘ક્ષિતિજ’ ૧૯૫૯-૧૯૬૬ માસિક અંક ૨૫-૭૯ (સં. પ્રબોધ ચોક્સી સાથે)
‘વિશ્વમાનવ’ (રવીન્દ્રનાથ વિશેષાંક) ૧૯૬૧, નવભારત (દિવાળી અંક) ૧૯૬૬
‘સંપુટ’ ૧૯૬૯ અંક ૧-૨
‘ઊહાપોહ’ ૧૯૬૯-૭૪ અંક ૧-૬૦ (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે)
‘એતદ્‌’ ૧૯૭૭-૧૯૮૬ (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે)
‘સ્વાધ્યાય’ (અર્થઘટન વિશેષાંક)
‘સાયુજ્ય’ (વાર્ષિક) ૧૯૮૩-૧૯૮૫ અંક ૧-૨
‘સેતુ’ (ત્રૈમાસિક) ૧૯૮૪-૮૬, ચાર અંક અંગ્રેજીમાં, બે અંક ગુજરાતીમાં (સં. ગણેશ દેવી સાથે)
ચ. સુરેશ જોષીની કૃતિઓનાં સંપાદન
‘માનીતી-અણમાનીતી’ (ટૂંકી વાર્તા) : સં. શિરીષ પંચાલ (સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ) ૧૯૮૨, ૧૯૮૫
‘ભાવયામિ’ (નિબંધ) : સં. શિરીષ પંચાલ (સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ) ૧૯૮૪
‘આત્મનેપદી’ (મુલાકાત : સં. સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન) ૧૯૮૭
‘સુરેશ જોષી સંચય’, સં. શિરીષ પંચાલ - જયંત પારેખ (ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ) ૧૯૯૨

સુરેશ જોષીનું સમગ્ર સાહિત્યવિશ્વ ગ્રંથસ્થ-અગ્રંથસ્થ ૧૫ ખંડમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યું છે આ ૧૫ ખંડના સંકલનકાર શિરીષ પંચાલ છે. ગ્રંથસ્થ કૃતિઓની સાથે અગ્રંહસ્થ કૃતિઓનું પ્રકાશન ગુજરાતી સાહિત્યની અ-પૂર્વ ઘટના છે. એકત્ર ફાઉન્ડેશનની વેબસાઈટ પર આ ૧૫ ગ્રંથો ઉપલબ્ધ છે. તેમ સુરેશ જોષી સંપાદિત સામયિકો પણ ઉપલબ્ધ છે. જિજ્ઞાસુ ભાવકે આ સમગ્ર સૃષ્ટિનો આનંદ લેવો.

૩. સુરેશ જોષીની કળામીમાંસા

સુરેશ જોષીની સાહિત્યવિચારણાની પીઠિકા રસમીમાંસા અને ફિનોમિનોલોજી છે તેમ સાહિત્યવિવેચનની પીઠિકા પણ દાર્શનિક છે એમના અભિગમને સાર રૂપે રજૂ કરું છું. ફિનોમિનોલોજી એ જ્ઞાતાને કોઠાસૂઝથી સ્વીકારેલા જગતથી અળગા રહેવાનો પડકાર ફેંકે છે. ‘દેખીતી’ હકીકતો અને પ્રવર્તમાન વાસ્તવિકતાથી આરંભાતા વિચારની લાક્ષણિકતા રૂપે ચુકાદાઓ અને નિર્ણયોને મોકૂફ રાખવાનું કહે છે. પરંપરાગત ગૃહીતોને સ્વીકારીને ચાલવાની ના પાડે છે. એ વસ્તુઓના જ્ઞાનના મર્મને શોધે છે. જગત પ્રત્યેના આપણા સાહજિક વલણને તત્પૂરતું અળગું (Bracketing) રાખે છે. પરંપરાગત રંગભૂમિમાં રંગમંચ ફ્રેઇમનું કામ કરે છે. નાટક રૂપગત છે અને રૂપ Reduction પર આધાર રાખે છે. મોટેરાંઓ પણ કેટલીક વાર reductionની પ્રક્રિયાને ભૂલી જઈને વર્તે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ દૃશ્ય જોતાં હું લાગણીથી અભિભૂત થઈ ગયો. મને મારી જાતનું ભાન ન રહ્યું. Reductionની પ્રક્રિયાને સ્વીકારીએ તો જ કળામાં જે શોધીએ છીએ તે ઉપલબ્ધ થાય. પાયાનો સવાલ એ છે કે કળામાં શાની શોધ કરીએ છીએ? કળાકૃતિ એટલે શું? કળાકૃતિનું સર્જન વાસ્તવિકતાના બોધ માટેની સામાન્ય પદ્ધતિ સામેના વિદ્રોહરૂપે જોઈ શકાય. કલાકાર અસામાન્ય છે એ અર્થમાં કે એ અનુભવની ‘સામગ્રી’ પરત્વે જાદુઈ megical દૃઢ અભિગમ ધરાવતો હોય છે. કોઈ ચિત્રને ફ્રેમ કરવું એટલે અનુભવના અમુક અંશને એના સંદર્ભથી અળગો પાડીને જોવો. કશુંક સરજવું એટલે કશું નોખું પાડવું. કશાને બાકાત રાખવું. સમસ્તના એક અંશને સ્વીકારીને બાકીનાને નકારવું. કળાકાર અનુભવના પરંપરાગત ચિત્રને નકારી કાઢવાનું અને એ અનુભવને સમજવાની પરંપરાગત રીતિને છોડી દેવાનું બમણું સાહસ કરે છે. કોઠાસૂઝથી આપણે જગતને સ્વીકારી લઈએ છીએ. પૂછ્યા વિનાનો સ્વીકાર. આપણે એને Animal Faith કહીએ કે કોઠાસૂઝ કહીએ પણ વાસ્તવિકતામાંની આ માન્યતા સાર્વત્રિક છે ન ભૂંસી શકાય એવા અંશો છે. રોજિંદા જીવનની લાક્ષણિકતાઓ આપણે આ નિશ્ચિત ઘટકોને સ્વીકારીને ચાલીએ છીએ. મારા અસ્તિત્વના વિશિષ્ટ અંશો તે કશીક ઇતિહાસ, સમાજવિદ્યા કે મનોવિજ્ઞાનની વિભાવનાઓથી નક્કી થતા નથી. મારું શરીર એ મને તત્ક્ષણ સહજ રીતે અનુભવાતી વાસ્તવિકતા છે. એ શરીરરચનાશાસ્ત્ર કે એના વિદગ્ધતાભર્યા જ્ઞાનનું પરિણામ નથી. વ્યવધાનરહિત અનુભવનો વિષય. હું દોસ્તોએવ્સ્કીના જગતમાં પ્રવેશવાનો નિર્ણય કરું છું તે વાસ્તવમાં તો રોજિંદા જીવનના સામાન્ય પ્રવાહથી તત્પૂરતા અળગા રહેવાનો નિર્ણય વ્યક્ત કરે છે. સામાન્ય અનુભવની વાસ્તવિકતા વિશેની મારી માન્યતાને તત્પૂરતી મોકૂફ રાખવાનો મારો નિર્ણય એ કલ્પનોત્થ જગતના સર્જનની ચાવીરૂપ છે. એની સચ્ચાઈ fictive consciousnessની ક્રિયાશીલતાને કારણે સંભવિત બને છે. આપણી અભિજ્ઞતામાં થતા આ પાયાના પરિવર્તનથી આપણી સામાન્ય સમજનું અસ્તિત્વ મૂળભૂત રીતે અજવાળાતું હોય છે આ fictive consciousness સિદ્ધ કરવી એ હકીકત જ રોજિંદા જીવનને ઉલ્લંઘીને રહેલા એના બંધારણને પ્રકટ કરી આપે છે આ transcendental structure તે રોજિંદા જીવનની ક્ષિતિજ અને તેની સાથે સ્વીકારેલાં ગૃહીતોનું બનેલું હોય છે એ એ ગૃહીતો એટલે metaphysical constants.

૪. સુરેશ જોષીની ટૂંકી વાર્તાની સ્વરૂપવિચારણા

સુરેશ જોષીની ટૂંકી વાર્તાની સ્વરૂપવિચારણાની મુખ્ય સંજ્ઞા ‘ઘટના તિરોધાન’ છે. એમના ઘટના તિરોધાનનો વિભાવ જુદા જુદા લેખોનું સઘન વાચન કરવાથી પામી શકીએ છીએ કારણ કે ટૂંકી વાર્તામાં ઘટના તિરોધાન એ શીર્ષકનો કોઈ લેખ લખ્યો નથી પરંતુ સાતત્યપૂર્વક વિવિધ લેખો દ્વારા પોતાના વિભાવને ચર્ચતા રહ્યા છે. એ લેખોની એક યાદી આપું છું : ૧. આઈ એનાઉન્સ્ડ માય સેલ્ફ (અંતે આરંભ ૧. લે. રસિક શાહ) ૨. રસ્તા દૂર ફંટાય છે. સુરેશ જોષીના ચાર પાત્રો – ગુલાબદાસ બ્રોકરને (અંતે આરંભ- ૧) ૩. કિંચિત્‌ – ‘ગૃહ પ્રવેશ’ વાર્તાસંગ્રહની પ્રસ્તાવના (પ્ર. આ. ૧૯૫૭) ૪. પ્રતીકરચના – (કિંચિત્‌ – ૧૯૬૦) ૫. ટૂંકી વાર્તા અને પ્રતીકરચના (કિંચિત્‌ – ૧૯૬૦) ૬. નવી શૈલીની નવલિકાઓ સં. સુરેશ જોષી, પ્ર. આ. ૧૯૬૧ તેમાં ‘મુખબંધ’ નામની ૬૦ પાનાંની પ્રસ્તાવના વાર્તાઆસ્વાદ સાથેની ૭. આપણી ટૂંકી વાર્તા (કથોપકથન – જૂન ૧૯૬૯) ૮. નવલિકા રચના : એક દૃષ્ટિ (કથોપકથન જૂન ૧૯૬૯ ) ૯. નવલિકા : કેટલીક અપેક્ષાઓ (કથોપકથન જૂન ૧૯૬૯ ) ૧૦. નવલિકાનું વિવેચન (કથોપકથન જૂન ૧૯૬૯) ૧૧ ગઈકાલની વાર્તા (કથોપકથન જૂન ૧૯૬૯) ૧૨ ઘટનાતત્ત્વનો લોપ? (કથોપકથન જૂન ૧૯૬૯) ઉપરના કુલ ૧૨ લેખોની વિસ્તારથી ચર્ચા કરવાનો અહીં આશય નથી. પરંતુ આ ૧૨ લેખોને આધારે સુરેશ જોષીના ઘટના તિરોધાનના વિભાવને સંકલિત રૂપે રજૂ કર્યો છે. ‘તિરોધાન’ એટલે મુખ્ય વસ્તુનું બને તેટલું તિરોધાન. મૂળ સંદર્ભથી દૂર જવું. સુરેશ જોષીને વાર્તાઓ લખતાં લખતાં જે પ્રશ્નો થયા તે પ્રશ્નોને સહૃદયો સમક્ષ રજૂ કરતાં કરતાં ઘટનાતિરોધાન સાથે સંબંધ ધરાવતી બીજી મહત્ત્વની વિચારણા પણ કરી છે. જીવનમાં જે બને છે તે સાહિત્ય સ્વરૂપે અભિવ્યક્ત થાય ત્યારે તેમાં કેવાં કેવાં પરિવર્તનો થતાં હશે? એક તરફ જીવન છે ને બીજી તરફ સાહિત્ય. બંને વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? આપણે જે કહેવા ઇચ્છીએ છીએ તેને એનાથી જેટલે દૂર જઈએ તેમ વધારે મજા પડે. ટૉમસ માનનું વિધાન : ‘The real artist never talks about main thing.’ સર્જનપ્રક્રિયામાં મહત્ત્વનું છે Transformation એટલે રૂપાન્તર. ઉપમેયનું નિગરણ derealisation અતિક્રમી જવું. આ વિશે વિસ્તારથી સમજાવે છે : એક ઘટના બનતી હોય છે ત્યારે સ્થળ અને કાળના એક બિંદુથી શરૂઆત થાય છે પણ જે શરૂઆત અમુક કક્ષાએ થઈ એમ નિશ્ચિતપણે કહી શકાતું નથી. કારણ એના છેડા પાછળ મૂકી આવીએ છીએ ત્યારે આગળ પણ એના તન્તુ લંબાતા હોય છે. ઘટનાના એકમને જુદું પાડીને જોવા મથીએ છીએ ત્યારે એની આજુબાજુ રહેલા અનેક તન્તુઓનો આભાસ તો આપણને થાય જ છે. આથી એ સંદર્ભને જે અનુપકારી છે તેનો પરિહાર કર્યો. આઘું ઠેલી દઈએ છીએ. પણ ઘટના સાથેના આ અધ્યાસનો પિણ્ડ બંધાતો નથી. આપણાથી અગોચરે. ને જ્યારે એ ઘટનાનું ફરી ઉદ્‌ભાવન કરવા જઈએ છીએ ત્યારે આ અગોચરમાંના અનેક અભ્યાસપિણ્ડ અને સંસ્કારના દ્રાવણની રાસાયણિક અસર તેના પર થઈ ચૂકી હોય છે. ઘટના જે સંદર્ભમાં બની ચૂકી હોય છે તે સંદર્ભને સ્થાને કલાકારે એક બીજા સંદર્ભનું નિર્માણ કરવું પડે. નવા સંદર્ભમાં ઘટના એની સ્થગિતતા ખોઈ બેસે છે. એ સ્થળકાળની સળંગસૂત્રતા-સાતત્યને અતિક્રમી જાય છે. સુરેશ જોષીએ ઘટના તિરોધાનના વિભાવને સમજાવવા માટે સમય, વાસ્તવ, કથનકેન્દ્ર જેવી સંજ્ઞાઓની પણ ચર્ચા કરી છે. સમયની નવી સંવેદના માટે કેટલાંક ઉદાહરણો નોંધ્યાં છે : પથારીમાં એક બાજુથી બીજી બાજુ પડખું બદલવામાં તો કેટકેટલું બની જાય છે. સમયના એક કેન્દ્રમાં થતા ઘનીભવનને હેમિંગ્વે પસંદ કરે છે. એ એનાં પાત્રોને વર્તમાનની અગ્ર ભૂમિકાએ – સોયની અણી ટકે એટલાં બિંદુ પર લાવીને મૂકી દે છે. ભૂત અને ભવિષ્ય બધાં એ બિન્દુએ આવીને ઘનીભૂત થાય છે. વાસ્તવની સીમાઓનો વિસ્તાર કેવી રીતે પસાર થાય છે? Fantasy અને absurdity દ્વારા આપણે ચેતના અને નિર્જીવ પદાર્થો વચ્ચે આપણાથી અણજાણપણે આદાનપ્રદાન થતું હોય છે. જો ક્યારેય સામે છેડેથી પણ પરિસ્થિતિ જોઈશું તો નવું જગત બનશે. સત્યના ઘણા મૂલ્યવાન અંશો Fantasy અને absurdity અંદર દટાઈને પડ્યા રહ્યા છે. વાર્તાનાં પાત્રો તરફની દૃષ્ટિ સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર કે નીતિશાસ્ત્રની નહીં કારણ કે વાર્તાનાં પાત્રો એવા પ્રાણવાયુના આધારે જીવી શકતાં નથી. સત્યનું નવું બીજું રૂપ તે તન્દ્રા અને સ્વપ્નનું. જાગૃતિમાં જે જોઈએ છીએ તે તન્દ્રા અને સ્વપ્નની આબોહવામાં કેવું બદલાઈ જાય છે! સત્યના આકલન કરવાની નવી નવી રીતો. વિશ્વને અવગત કરવાની ભાવગત રીતનું ગૌરવ થયું નથી. જ્ઞાનગત સત્યો તો ગોચર છે જ એને પ્રકટ કરવામાં કોઈ વિશેષ નથી. કલાનો વિશેષ રૂપવિધાનમાં છે નવનિર્માણમાં છે. આ નિર્માણ કેવી રીતે થઈ શકે? એ બને છે Continuous shifting of Perspectives – સતત બદલાતા દૃષ્ટિકોણોથી. સ્થિર કે એકાંગી કથનકેન્દ્રથી નહીં. આ બદલાતા દૃષ્ટિકોણોને કારણે distortion (વિકૃત અર્થ), બહુકેન્દ્રીતા, સમાંતરતા, પારદર્શીતા, ગતિ, એક વખતે બનતું, એક સાથે બનતું. સુરેશ જોષીએ સન્નિધિકરણ અને ભાવશબલ ક્ષણોની નિરૂપણરીતિના વિનિયોગથી રૂપ નિર્માણ કર્યું છે, બહુકેન્દ્રીતા સિદ્ધ કરી છે.

ભાવશબલતા

આપણને અમુક ઘટનાના પ્રતિભાવ રૂપે એક લાગણી થાય છે એવું નથી. વાસ્તવમાં એ ક્ષણે એક સંવાદી વિસંવાદી લાગણીનું જૂથ ચિત્તમાં ઉદ્‌ભાસિત થઈ શકે છે. આને ambivalence of emotion કહે છે. ભાવને શબલિત કરવો. એક જ પળે અનેકવિધ સંવેદનાઓનું આલેખન. આમ તિરોધાન એટલે પરિમિતને અપરિમિત બનાવવું તે. તિરોધાન સિદ્ધ કરીને તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્યથી આપણે અનુભૂતિઓને નહીં અનુભૂતિઓના આકારને ઓળખીએ છીએ. વાર્તાનું સંવિધાન કેવું હોવું જોઈએ? ઘટનાની વ્યાવહારિક વાસ્તવિકતાને વળગી રહેતી અર્થજડતાને દૂર કરીને એના કેન્દ્રમાંથી વ્યંજનાની ત્રિજ્યાઓ વિસ્તરે ને આપણી અભિજ્ઞતાનો ઉત્કર્ષ સિદ્ધ થઈ શકે તેવું સંવિધાન હોવું જોઈએ. લેખકને પોતાને અમુક વક્તવ્ય ગમે છે, ભાવના ગમે છે, એ વક્તવ્યનાં બીબામાં જો ઘટનાને લેખક ઢાળે તો રચનાની સીમા બંધાઈ જાય અને એથી ઊલટું કોઈ નિશ્ચિત વક્તવ્ય કે ભાવનાના નિદર્શન રૂપે ઘટનાને પ્રયોજવાને બદલે ઘટનાને એવી રીતે યોજી હોય કે ઘટના લેખકને અભિપ્રેત ભાવના કે કથયિતવ્યને બાંધવાનો ખૂંટો ન બનતાં રહસ્યને વિસ્તારવાના અવકાશરૂપ બની રહે તો તે સ્થિતિ ઇષ્ટ ગણાય. છાપાંની ઘટના જે છે તે જ છે. એને ઉલ્લંઘી જઈ શકાય નહીં. કળાની ઘટના તો સ્પ્રિંગ બોર્ડ. ઘટના પોતે પોતાનામાં જ ખરચાઈને પૂરી થાય તે ઘટના ભારે, એ વાર્તાને ડુબાડી દે. જે ઘટના પર આંગળી મૂકીને કહી દેવાય કે હો, અમે સમજ્યા, લેખક આટલું બતાવવા ઇચ્છે છે તો એ ઘટના કલામાં મર્યાદારૂપ બને. લોપ કે હ્રાસ થવો ઘટે આવી ઘટનાનો. અંતિમે જઈને જો કોઈ કહે કે વાર્તાને ઘટનાની જરૂર શી? તો એવું અંતિમનું આગ્રહી વલણ કલાને ઉપકારક નહીં નીવડે. ઘટના વાચ્યાર્થ પૂરતી જ સીમિત રહે ને વ્યંજના નિષ્પન્ન ન થાય તો તે ઘટના વાર્તાને ઉપકારક નથી. ટૂંકી વાર્તા એક અખંડ પુદ્‌ગલ છે. એમાંના કોઈ પણ ઘટકની પૃથક્‌ રીતે વિચારણા થઈ શકે નહીં. એમાંનો દરેક ઘટક અંતિમ પરિણામ નિપજાવવામાં પોતાનો પૂરેપૂરો ફાળો આપતો હોવો જોઈએ. ઘટનાને કેવળ ઘટના ખાતર સ્થાન નહીં મળવું જોઈએ. લાગણીવેડાભર્યા રંગીન લપેડા જેવું ન હોવું જોઈએ. રચનાની સમસ્યાઓ વિશે ઊહાપોહ થતો રહે, પ્રયોગો થતા રહે, નવી શક્યતાઓ વિશ્વનું કુતૂહલ જાગ્રત રહે, નવા નવા પ્રયત્નો થતા રહે, વિવિધ દૃષ્ટિબિંદુઓનો વિનિમય થતો રહે ને એ વિશે તુલનાત્મક વિચારણા થતી રહે તો જ કળા વિકસી શકે. જે ગાળામાં આ વિશે કોઈને કશું કહેવાનું નહોતું, પોતે જે કરતા હોય તેના સમર્થન માટે કશું કહેવા જેવું લાગતું ન હોય, તે ગાળો પ્રતિષ્ઠા પામનારાઓનો ભલે હોય, પણ એ ગાળા દરમિયાન સાહિત્યનો વિકાસ આગળ વધ્યો નહીં હોય, એટલું જ નહીં કે વિકાસ મંદ પણ પડી ગયો હોય એમ બને.

૫. સુરેશ જોષીની વાર્તાકળાનો પરિચય સુરેશ જોષીના વાર્તાસંગ્રહો

૧. ‘ગૃહપ્રવેશ’, પ્ર. આ. ૧૯૫૭, પ્રકાશક : ચેતન પ્રકાશન ગૃહ લિ. વતી, ભોગીલાલ ગાંધી, અમદાવાદી પોળ, વડોદરા. કિંમત પોણા ત્રણ રૂપિયા. બે અવતરણો. ઓર્તેગા વાય ગેસેટ અને પૉલક્લીનું. બંને અવતરણો કળાસર્જનની વિશેષ રીતને વર્ણવે છે. કળા એટલે વાસ્તવિકતાની નકલ નહીં, કળાકાર વાસ્તવિકતાનો પરિહાર કરે છે. સંગ્રહના પ્રથમ પાને અંગ્રેજીમાં એક અવતરણ છે.

GTVI Image 34 Gruhpravesh.png

‘My happiness wears a sad face, sometimes so sad that I almost mistake it for unhappiness.’ શ્રી ગુલાબદાસ બ્રોકરની ‘રમણીય રૂપસૃષ્ટિમાં’ શીર્ષકની પ્રસ્તાવના છે. જો કે, ‘ગૃહપ્રવેશ’ની બીજી આવૃત્તિમાં આ પ્રસ્તાવના છાપી નથી. સુરેશ જોષીએ વાર્તાસંગ્રહમાં પ્રકાશિત પ્રસ્તાવના વિશે પ્રકાશન પૂર્વે શ્રી ગુલાબદાસ બ્રોકર સાથે પત્રવ્યવહાર કર્યો હતો. એ પત્રોમાં બ્રોકરના વાર્તા વિશેનાં નિરીક્ષણો સામે સુરેશ જોષીએ અસમ્મતિ નમ્રભાવે દર્શાવેલી. સુરેશ જોષીએ એમની વાર્તાઓ વિશે વિગતે લખ્યું છે. ‘ગૃહપ્રવેશ’માં સુરેશ જોષીની પ્રસ્તાવના છે ‘કિંચિત્‌’ નામની. આ પ્રસ્તાવનાએ આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાનું વ્યાકરણ આપ્યું છે. સાહિત્યકલાનું પ્રયોજન, સાહિત્યનું માધ્યમ, ટૂંકી વાર્તામાં ઘટનાનું સ્વરૂપ અને તેનું નિરૂપણ, ટૂંકી વાર્તાનાં અન્ય ઘટક અંશો સમય, વાસ્તવ કથનકેન્દ્ર અને ભાષા વિષે નૂતન વિચારણા. સુરેશ જોષીની વાર્તાવિભાવનાની ભૂમિકા કલામીમાંસા અને ફીનોમિનોલોજી છે. આ સંગ્રહમાં કુલ ૨૧ વાર્તાઓ છે. સુરેશ જોષીની પહેલી ટૂંકી વાર્તા ‘વિચ્છેદ’ ૧૯૪૪માં પ્રગટ થઇ હતી. કેટલીક વાર્તાઓ ‘મનીષા’ સામયિકમાં રમણીક દલાલના નામે પ્રગટ કરી હતી. બીજો વાર્તાસંગ્રહ : ‘બીજી થોડીક’, પ્ર. આ. ૧૯૫૮. વિજયાદશમી ૨૦૧૪. કિંમત પોણા ત્રણ રૂપિયા. પ્રકાશક - ચેતન પ્રકાશન ગૃહ લિ. વતી ભોગીલાલ ગાંધી રામજી મંદિરની પોળ, વડોદરા. વાર્તાસંગ્રહમાં ત્રણ અવતરણો છે. You should only sit down to write when you feel us cold as ice – Chekhov. ચૅખવનું આ અવતરણ વ્યંજનાપ્રધાન ટૂંકી વાર્તાના સર્જન માટેની એક કલાકીય શરત છે લેખનની શિસ્ત છે. અન્ય બે અવતરણોમાં એક ઉનામુનોનું છે અને બીજું કાફકાનું છે. ...It is my task to make all live in unquiet and loging (અવતરણનું છેલ્લું વાક્ય) સર્જકની શ્રદ્ધા અને સર્જનનો દિશાનિર્દેશ. કાફકાનું અવતરણ પુસ્તકની અસરકારકતા, તેની શક્તિ અને મૂળ કાર્યનું સત્ય દર્શાવે છે. A Book should serve as the axe for the forzen sea within us’ (અવતરણનું છેલ્લું વાક્ય) પુસ્તક આપણી અંદર થીજી ગયેલા સમુદ્રને ભેદી નાખવાનું કામ કરે છે. Forzen Sea આપણી સ્થગિતતા, ઉષ્માહીનતા ને નિર્જીવતાનો સંકેત છે. એક ઉત્તમ પુસ્તક આપણા થીજી ગયેલા અસ્તિત્વને ગતિશીલ કરે છે, જાણે કે બધું ડહોળી નાખે છે. સ્થગિતતાને ઓગાળી નાખે છે. પુસ્તક જાણે કે બરફ કાપવાની ધારદાર કુહાડી છે. ‘ગૃહપ્રવેશ’ના આમુખમાંથી ગુલાબદાસ બ્રોકરનું અવતરણ છે. જેમાં સુરેશ જોષીની વાર્તાલેખન કળાના વિશેષો છે.

અર્પણ છે તને –
આજિ એ હૃદયે સર્વ ભાવનાર નિચે
તોમારા અમારા વાણી એકત્રે મિલિ છે.
તારી અને મારી વાણી આજે હૃદયની ભીતર મળી છે.

‘ગૃહપ્રવેશ’ અને ‘બીજી થોડીક’ વાર્તાસંગ્રહમાં હવે પછીનાં પ્રકાશનમાં ‘શબરીનાં બોર’ નવલિકાસંગ્રહનો ઉલ્લેખ છે. પણ આ શીર્ષકનો વાર્તાસંગ્રહ ક્યારેય પ્રગટ થયો નથી. સંગ્રહમાં કુલ ૧૪ વાર્તાઓ છે. તેમાંની કેટલીક વાર્તાઓ ‘સંસ્કૃતિ’ અને ‘વિશ્વમાનવ’ના અંકોમાં પ્રગટ થઈ હતી. છેલ્લી ‘વિદુલા’ કૃતિને વાર્તા નહીં પણ ‘લઘુનવલ’ તરીકે ગણીને ‘કથાચતુષ્ટ્ય’માં પ્રગટ કરી હતી. ૦ ત્રીજો વાર્તાસંગ્રહ ‘અ પિ ચ’ પ્ર. આ. મકરસંક્રાન્તિ ૨૦૨૦ ઈ.સ. ૧૯૬૪ મનીષા પ્રકાશન. મૂલ્ય : ૪.૫૦ સાડા ચાર રૂપિયા. મુખપૃષ્ઠ : વિનોદ શાહ સુશોભન : ભૂપેન ખખ્ખર. Paul claudel બે પંક્તિઓ છે.

Once again exile, once again the soul
all along climbing back into its castle.

એક સંસ્કૃત વાક્ય છે ‘જાનન્તિ યે કિમપિ તાન્‌ પ્રતિ’ અર્પણનું આ વાક્ય સૂચક છે. પાછળના પૃષ્ઠ પર જ્યાં પૉલ સાર્ત્રનું મોટું અવતરણ છે. સર્જકની સ્વતંત્રતાનું મૂલ્ય દર્શાવ્યું છે. મુક્ત સર્જનનો મહિમા. ટાઇટલ પેજ નંબર ચાર પર એક વાક્ય છે :

On of the first sings of the begining of understanding is the wish to die.
મરી જવાની ઇચ્છા તે સમજની શરૂઆતના આરંભના સંકેતો છે.

આ સંગ્રહમાં ૧૦ વાર્તાઓ છે. સંગ્રહના બીજા ભાગમાં ‘કથાચક્ર’ નામની લાંબીકથા-લઘુનવલ છે. એ ઉપરાંત સંગ્રાહમાં વિવાન સુન્દરમ્‌નાં રેખાંકનો છે, ભૂપેન ખખ્ખરનાં છે, જ્યોતિ ભટ્ટનો ફોટોગ્રાફ છે. ચોથો વાર્તાસંગ્રહ : ‘ન તત્ર સૂર્યો ભાતિ’. પ્ર. આ. ડિસેમ્બર, ૧૯૬૭ પ્રકાશન : બકુલ ત્રિપાઠી મૅનેજિંગ ડિરેક્ટર અમદાવાદ. કિંમત : સાડા પાંચ રૂપિયા અર્પણ : જેને આધારે સૃષ્ટિ રચાઈ તેને

The sweet moist wafer of your tongue I taste
and find right meanings in your silent mouth.

આ સંગ્રહમાં ૧૦ વાર્તાઓ છે. પાંચમો વાર્તાસંગ્રહ : ‘એકદા નૈમિષારણ્યે’, પ્ર. આ. ૧૯૮૧ પ્રકાશક : સાહિત્ય સંગમ, સૂરત. આ સંગ્રહમાં ૧૦ વાર્તાઓ સુરેશ હ. જોષીની અગ્રંથસ્થ વાર્તાઓ : આ બધી વાર્તાઓ સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ (અગ્રન્થસ્થ) પ્રકીર્ણ-૧માં છે. સંકલન : શિરીષ પંચાલ, પ્ર. આ. ૨૦૧૧, પ્રકાશન : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. વાર્તાનાં શીર્ષક અને પ્રકાશનની વિગતો ૧. ઘટસ્ફોટ – ‘સારથિ’, ૨૬-૫-૧૯૫૧ ૨. છૂટકારો – ‘જન્મભૂમિ’, ૨૪-૪-૧૯૫૪ ૩. ગંગાવતરણ – ‘વિશ્વમાનવ’, જૂન, ૧૯૬૦, ‘મિલાપ’, જુલાઈ, ૧૯૬૦ ૪. ફોટો – ‘જીવનમાધુરી’, જુલાઈ, ૧૯૭૮ ૫. નિષ્ક્રમણ – ‘કંકાવટી’, ૧, ૧૯૮૨ ૬. પ્રેમાલાપ – ‘ચાંદની’, ૧, નવેમ્બર ૧૯૮૩ ૭. એક વાર્તા ૮. એ લોકો, હું અને મૃણાલ – ‘ગુજરાતમિત્ર’ ૨૬-૧૦-૧૯૭૧ ૯. પ્રલયોત્થિતા – ૭-૧-૧૯૮૨ ‘કંકાવટી’ : ૩, ૧૯૮૩ ૧૦. અને પછી ૧૧. ઉપસંહાર – અરવિંદ તલાટીના નામે લખેલી વાર્તા ૧૨. પ્રથમ મનોયત્ન – ‘સાયુજ્ય’ (વાર્ષિક) અંક-૧ ૧૯૮૩ ૧૩. ઉત્તર પર્વ – ૨-૧૦-૧૯૮૫ ‘કંકાવટી’ ડિસેમ્બર, ૧૯૮૬ ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ મળીને કુલ ૭૭ વાર્તાઓ છે. પ્રથમ વાર્તા ‘વિચ્છેદ’ ૧૯૪૪ અને અંતિમ વાર્તા ‘ઉત્તરપર્વ’ ૧૯૮૫ આશરે ૪૨વર્ષના ગાળા દરમિયાન માત્ર ૭૭ વાર્તાઓનું સર્જન. સુરેશ જોષીની વાર્તાઓ વિશેના સમીક્ષાલેખોમાં પરસ્પર વિરોધી મૂલ્યાંકનો મળ્યાં છે. વિનાયક પુરોહિત અને ભૂપેશ અધ્વર્યુ અને કિરીટ દૂધાતની સમીક્ષાઓમાં વાર્તાની સખત શબ્દોમાં ટીકા છે. રામપ્રસાદ બક્ષી, જયંત ગાડીત, સુમન શાહ, શિરીષ પંચાલ, જયંત ખત્રી, જયંત પારેખ, નીતિન મહેતા, જયેશ ભોગાયતાની સમીક્ષાઓમાં વાર્તાની સર્જનાત્મકતાની પ્રશંસા છે. ટીકા અને પ્રશંસા આ બંને મૂલ્યાંકનોની પોતપોતાની ભૂમિકાઓ છે, પોતપોતાનાં દૃષ્ટિબિંદુઓ છે, વાર્તા સ્વરૂપની વિભાવના છે, વાર્તા પાસેથી કેટલીક અપેક્ષાઓ છે, એમ અનેક ભિન્નતાઓ છે. આ વિવેચનાત્મક પરિસ્થિતિમાં સુરેશ જોષીની વાર્તાઓનો પરિચય આપું છું. સુરેશ જોષીની વાર્તાઓનું સળંગ વાચન કરીએ તો એમની વાર્તાઓનું એક વિશિષ્ટ વિશ્વ પ્રગટ થાય છે. તેમની વાર્તાઓ કોઈ પ્રદેશ, જાતિ કે લિંગ વિશેની નથી. કોઈ વિચારધારાને અનુસરતી નથી. વાર્તાસર્જનનો હેતુ જીવનબોધ કે મૂલ્યબોધ આપવાનો નથી. કરુણા કે દયાભાવ દર્શાવવાનો નથી. એમનાં પાત્રો તરફનું વલણ કે દૃષ્ટિકોણ સામાજિક, આર્થિક કે નૈતિક નથી. આ વાર્તાઓ મનુષ્યની અસ્તિત્વપરક સમસ્યાઓનું કળાની શરતે થયેલા નિરૂપણોનું જગત છે. જગત નહીં પણ માનવીય સૃષ્ટિ છે! એ માનવીય સૃષ્ટિ કોઈપણ જાતની પૂર્વધારણાઓ, માન્યતાઓ, વલણો અને જડ દૃષ્ટિબિંદુઓથી પર છે. અહીં જીવનની વ્યાખ્યા નથી, નૈતિક ચુકાદાઓ નથી. સર્જકની પ્રયોગશીલ અને વિદ્રોહી સર્જકચેતનાએ સર્જેલી સૃષ્ટિને તર્ક અને બૌદ્ધિક વલણોથી પામી નહીં શકીએ. ક્યાંય ચુકાદાઓ નથી પણ મનુષ્યનું હોવું એ સ્થિતિથી સર્જાતા સંકુલ વાસ્તવની સૃષ્ટિ છે. અહીં ટૂંકાં ફલક પર ૭૭ વાર્તાઓ વિશે વિગત પરિચય આપવો શક્ય નથી. પરંતુ વાર્તાકાર સુરેશ જોષીની સૃષ્ટિના અગત્યના વિશેષો નમૂનારૂપ વાર્તાઓને આધારે દર્શાવીશ. સુરેશ જોષીની વાર્તાઓનું સઘન વાચન કરીશું તો એમનું વાર્તાવિશ્વ ક્રમશઃ વધુ ને વધુ સીમિત વિષયો અને પાત્રોમાં કેન્દ્રિત થતું જાય છે. આરંભકાળની વાર્તાઓમાં સામાજિક પરિવેશ વ્યક્તિજીવનના પ્રશ્નો, ધાર્મિક શ્રદ્ધાની પોકળતા, સ્ત્રીપુરુષના અવૈધ સંબંધો, સંવાદ વગરનો અને સેતુ વગરનો કૌટુમ્બિક પરિવેશ, આર્થિક ભીંસ અને મોટા મોઢાંની સમસ્યાઓ, ભાવશબલ અવસ્થાઓનું આંતરિક રૂપ, જિજીવિષાની કરુણ સૃષ્ટિ બૌદ્ધિકોની દિશાહીનતા ને વેડફાતી જિંદગી, હતાશા, નિરાશા, નગરજીવનની શૂન્યતા, આત્મરક્ષણ આત્મસલામતી માટે લેવાતા સ્વતંત્રતાને અને મોકળાશને રુંધી નાખતા નિર્ણયોની વિસંગતિઓ, રતિરાગની વૃત્તિઓને પોષક નહીં તેવા ઉદ્દીપન વિભાવોથી કુંઠિત થતી વૃત્તિઓ, કામવાસનાના કાદવ વચ્ચે ખીલતાં ઉદાત્ત ભાવના કમળનું સૌંદર્ય! વાસ્તવની સીમાઓને વિસ્તારતી વિસંગતિ, તન્દ્રા, સ્વપ્ન અને આંતરચેતના પ્રવાહની કલોલકલ્પિત સૃષ્ટિ – આ બધા વિષયોને નિરૂપતી વિવિધ નિરૂપણરીતિઓના સર્જનાત્મક વિનિયોગ. સન્નિધિકરણ, પ્રતીક, કલોકલ્પિત આંતરચેતના પ્રવાહ, પરાવાસ્તવવાદી, ફ્લેશબૅક, આઘાતક અંતમાં નિર્વહણ, કથનકેન્દ્રોની પ્રયુક્તિઓ – આમ વિવિધ નિરૂપણરીતિઓના સર્જનાત્મક વિનિયોગ દ્વારા કળાનું વાસ્તવ સર્જ્યું છે. જેનું મુખ્ય પ્રયોજન માનવ અસ્તિત્વનું દર્શન છે, નિર્વિઘ્ન રસાનુભવ છે. ચેતોવિસ્તાર છે. એ ચેતોવિસ્તાર મનુષ્યજીવનનો રસમય સાક્ષાત્કાર કરાવે છે. પૂર્વધારણાઓથી મુક્ત જીવનવિશ્વનો અનુભવ કરાવે છે. સર્જકતાની વિધવિધ લીલાની અનુભૂતિ. વાર્તાના વિવિધ ઘટકઅંશોના આંતરસંબંધથી ઉત્ક્રાન્ત થતાં રૂપની અનુભૂતિ. સર્વે ઘટકઅંશો પરસ્પરને આધારે છે પરસ્પરને પોષક છે. ને તેમાં વ્યંજનાસિદ્ધિ માટે ઘટના તિરોધાન. પરિમિત ઘટનાનું અપરિમિત ઘટનામાં રૂપાંતર. પ્રથમ બે સંગ્રહ પછીની વાર્તાઓ મુખ્યત્વે ચાર વિષયોમાં કેન્દ્રિત થઈ છે. એક સ્ત્રીપુરુષનો મુગ્ધ પ્રણયભાવ, પ્રણયભાવના સંચારી ભાવોની સૃષ્ટિને વિશમનની સંવાદી ક્ષણો, બે, કામનાવાસનાની દાહકતા, પુરુષની હિંસક કામવૃત્તિ, સ્ત્રી હૃદયના કોમળ ભાવોની નિરાધારતા, ત્રણ, સ્ત્રીચેતનાનાં વિવિધ રૂપો, આદિમ સૃષ્ટિની આબોહવા અને સ્ત્રીચેતના અને ચાર મરણની અનુભૂતિ અને પરાવાસ્તવિક સૃષ્ટિ. પરાવાસ્તવિક અને આંતરચેતના પ્રવાહની અપરિમેય સૃષ્ટિ વાસ્તવમાં સ્થૂળ-કાળને ઉલ્લંઘી જાય છે અને એક તર્કાતીત સૃષ્ટિનો જન્મ થાય છે. એ અવકાશની અનુભૂતિ બાળકચેતનાની બદ્ધ સીમાઓનું વિગલન કરે છે. કળાની વિશાળ સૃષ્ટિની અનુભૂતિ. વાર્તાની આદિ-મધ્ય-અંતની પારંપરિક વસ્તુસંકલાના અને વ્યાખ્યાબદ્ધ પાત્રોનો અહીં હ્રાસ થાય છે. વાર્તાની ઘટના સ્પ્રિંગ બોર્ડ જેવી જે નવી દિશામાં ઉછાળે. આટલા પ્રસ્તાવ પછી વાર્તાઓને કેન્દ્રમાં રાખીને સુરેશ જોષીની વાર્તાકળાના વિશેષો નોંધું છું. ૧. પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’(૧૯૫૭)ની વાર્તાઓ વિશે સંક્ષિપ્ત નોંધોઃ વાર્તા સર્વજ્ઞ કથનકેન્દ્રની પદ્ધતિએ નિરૂપાઈ છે. બે સ્થળ છે. બંગલો અને ઝૂંપડી. બે જન્મની ઘટના. એક કૃષ્ણના જન્મોત્સવની. બે. ઝૂંપડીમાં માણકીના બાળકના જન્મની. બે સ્થળ, ઘટનાનું સમાંતર નિરૂપણ. બંગલામાં ટેક્‌નિકથી કૃષ્ણનો જન્મોત્સવ ને શ્રદ્ધાળુઓની ભક્તિ ભાવનાનું વાતાવરણ. ઝૂંપડીમાં જન્મેલા માણકીના બાળકના ટાંટિયા વળાવી દેવા માટે કાનજી અને દેવજીનું વેલજી ડોહા પાસે જવું. વેલજી ડોહાએ નવજાત બાળકના ઘૂંટણને મરડીને ટાચકા ફોડી નાંખ્યા. બાળકની ચીસ હવાને વીંધી ગઈ. આ બાજુ કૃષ્ણ જન્મોત્સવ થયો. કાંસા ઝાલર મંજીરાં ને શંખનો ધ્વનિ, શરણાઈના સૂર! વેલજી ડોહા બોલ્યા, ‘કાલ્ય હવારે રૂપિયો દઈ જાશું. હવે તારો છોરો ભૂખે નંઈ મરે. આ બાજુ બંગલામાં ભગવાન ગોકુળ પહોંચ્યા.’ કાનજી બાળકના મોં પર વીજળીનો ચમકારો થતાં બોલે છે, ‘છોરો છે હાવ કિસન ભગવાન જેવો!’ ને તેના કોમળ ટાંટિયાના ઘૂંટણ તોડી નાખ્યા. વાર્તાકારે ભદ્રસમાજની પોકળ અને દંભી ધાર્મિકતાની વિડંબના સન્નિધિકરણ પ્રયુક્તિ વડે નિરૂપી છે. વાર્તાનો અર્થબોધ સન્નિધિકરણની પ્રયુક્તિ વડે વ્યંજિત થાય છે. ઈશ્વરની પંગુતા અને માણસની દંભી ધાર્મિકતા વચ્ચેનો વિરોધ નવો અર્થ નિષ્પન્ન કરે છે. વૃન્દાવનદાસનો બંગલો, મંદિરના મુખિયાજી અને એના વસ્ત્રો, શરણાઈના સ્ત્રોત અને પ્રેમીઓની ગોષ્ઠિની વિરુદ્ધે ઝૂંપડીમાં બાળકના જન્મની ઘટના, ફગફગતો દીવો, પતરાં-ગુણિયા, વૃદ્ધોની ખાંસી, નવજાતની ચીસ ને રુદન, માણેકનું કરાંજવું અને વેલજી ડોહાના નિર્દય સવાલો – આ બે વચ્ચેનો વિરોધ આપણી વાંઝણી શ્રદ્ધા સામેનો વિદ્રોહ છે. ૨. દ્વિરાગમન – વાર્તાકારે સમયના બે જુદાજુદા ખંડની સહોપસ્થિતિના નિરૂપણથી આધુનિક મનુષ્યની યાંત્રિક જિંદગીનું ચિત્ર આંક્યું છે. સાંજના સાડા છથી રાતના સાડા દશ દરમ્યાન થતી યાંત્રિક ક્રિયાઓનું તટસ્થ નિરૂપણ. હર્ષદરાય સાડા છને ટકોરે ઑફિસથી નીકળી રાતના સાડા દસને ટકોરે માળા ફેરવી સૂવા પડે ત્યાં સુધીના ભૌતિક સમયમાં ઘટતી ઘટનાઓ યંત્રવત્‌ ચાલતી જિંદગીની નિર્જીવ ગતિને સૂચવે છે. ઘરની યંત્રવત્‌ આબોહવામાં અવાજ પણ તરફડતો હતો તે બાજુના ઘરમાંથી શરણાઈનો અવાજ બહાર જવા માટે વ્યાકુળ હતો. હર્ષદરાયની ચેતના પર શરણાઈના સૂરો અથડાતાં એમની યાંત્રિક જિંદગી જાણે કે બહાર ધકેલાઈ ગઈ. હર્ષદરાય નવી દુનિયામાં આવી ગયા. ચાંદની ઘરમાં વિહાર કરતી હતી. જ્યોત્સ્ના દ્યૌત નારી દેહ! સુમતિના ખભા પર હર્ષદરાયે હાથ મૂક્યો. હર્ષદરાયનું ચૈતસિક સજીવ આગમન અને ઘરમાંથી યાંત્રિક જીવનનું નિષ્કાસન સૂચક રીતે યાંત્રિક જીવનની જ વિરૂપતાને તીવ્ર બનાવે છે. વાર્તાકારે ઘડિયાળના ટકોરે જીવાતી જિંદગીનું નિરૂપણ જાણે કે યાંત્રિક ગતિએ ચાલતા વાક્યો વડે સિદ્ધ કર્યું છે. ભૌતિક વાસ્તવ અને ચૈતસિક વાત્સવ વચ્ચેનો અંતરાલ આધુનિક જીવનને વ્યંજિત કરે છે. ૩. અભિસાર – અભિસાર સાથે જોડાયેલા માન્ય પરંપરાગત અધ્યોસોને બદલે તેની વિરુદ્ધના ઉદ્દીપન વિભાવો યોજીને અભિસારના સ્થિર અર્થનો હ્રાસ કર્યો છે. પ્રણયભાવને, પ્રેમીના મિલનની ક્ષણોને જરા પણ પોષક ને તેવો પરિવેશ જાણે કે નાજુક ઊર્મિઓને શોષી લે છે. મધ્યાહ્‌નનો તાપ, બળબળતો ડામરનો રસ્તો, તરતના વધેરેલા બકરાની કાળી ખાલ ઉતારીને ફેંકી દીધી હોય તેવો રસ્તો, ડુક્કરની ચીસો, ડુક્કરના શરીરમાંથી એને વીંધીને આરપાર નીકળી જતો તપેલો લોખંડનો મોટો સળિયો, આ પરિવેશમાં અનંત અને ઉર્વશીનું મળવું! સંસ્કૃતિ પ્રણયકવિતાના સૂચક સંદર્ભોના વિરોધે આકરા અને જુગુપ્સાજનક પરિવેશની સન્નિધિ પ્રણયભાવની નિરાલંબ દશાને વ્યંજિત કરે છે. ૪. વૈશાખ સુદ અગિયારસ : આભાના લગ્નનો પ્રસંગ છે. ઘરમાં આનંદનું વાતાવરણ છે. શરણાઈ પર પૂરિયા ધનાશ્રીના સૂર. આભાની મોટી બહેન કેતકી વિધવા છે. લગ્નપ્રસંગની બધી જ જવાબદારી કેતકી પર છે. કેતકીને ઘણું બધું યાદ આવી જાય છે મૂરતિયો પસંદ કરવાની વાતો, પરીની વાર્તા. કેતકીના હૃદયમાં આભા માટે ઊંડો વાત્સલ્યભાવ. કેતકી બધાં જ કામ હોંશે હોંશે કરે છે. વાર્તાકારે કેતકીને કામોમાં જ વ્યસ્ત બતાવી છે ને ચોટદાર અંત માટે એક અવકાશ સર્જ્યો છે. આભાની ખોવાયેલી વીંટી શોધવા માટે કેતકી દાદર ચડે છે. શરણાઈના સૂરોની કેતકીના મન પર અસર. એણે બીજા કોઈનાં પગલાંનો ભણકાર સાંભળ્યો. આયનામાં પોતાનું પ્રતિબિંબ જોયું. કેટી, કેટી, કેટી અવાજના પડઘાને કેતકીથી બોલાઈ ગયું નીરદ. એ અવાજ કેતકીને શણગાર માટે અનુનય કરે છે ને કેતકીએ શણગાર કર્યો. ત્યાં મા આવી. ટીન્ની આવી. લગ્નના આનંદમય વાતાવરણમાં વાર્તાકારે કેતકીના શણગાર કરવાની ક્ષણો વડે કરુણની નિષ્પત્તિ કરી. કેતકીના હૃદયનો સૂનકાર એનું વિરહદગ્ધ મન. ‘કેતકી હાથમાંની સોનાની સેરને આંસુથી ભીંજવતી બેસી રહી.’ આ વાક્ય મંગલ પ્રસંગની ક્ષણે કેવો વિપર્યાસ સર્જે છે? આભાના લગ્નની તૈયારીમાં ખૂબ જ વ્યસ્ત રહેતી કેતકીના આંતરમનમાં તો સમાંતરે પોતાની સંવેદનાઓનો પ્રવાહ વહેતો હશે જ પણ એને બીજું કોઈ જોઈ શકે? વાર્તાના અંતે સોનાની સેરને આંસુથી ભીંજવતી કેતકીનું દૃશ્ય વાર્તાનું પરિમાણ બદલી નાખે છે. કેતકીના ભાવજગતનો સૂનકાર લગ્નપ્રસંગના આનંદની ક્ષણો સાથે અથડાતો રહે છે. ૫. પાંચમો દાવ : વાર્તા ગૂંચ અને ગૂંચનો ઉકેલ એમ આરંભથી અંત સુધી વાચક પોતે ગૂંચમાં પરોવાય છે. કનુનો દાખલો ગણતો હતો. પણ કેમ કર્યો મેળ ખાતો નો’તો. ક્યાંક કશીક ગૂંચ હતી. સુશીલા આયના સામે ઊભી ઊભી પોતાને જોઈ રહી હતી. તે અધીરતા, ભય, ગભરાટ અનુભવતી હતી. સ્વસ્થતાથી દૂર ને દૂર એક વસ્તુ ઉપાડતી અને એની બીજી વસ્તુ હાથમાં લેતી. વાર્તાકારે સુશીલાના સંચારીભાવોનું નિરૂપણ કર્યું છે. હરકાન્ત ટિપોઈ પર પડેલા કાગળને સંતાડવાનો પ્રયત્ન કરે છે. સુશીલા પોતાના પ્રેમીની રાહ જુએ છે, હરકાન્ત કાગળને સંતાડવાનો પ્રયત્ન કરે છે ને કનુ દાખલાની ગૂંચ ઉકેલવા મથે છે. આમ ત્રણેય પાત્રો પોતપોતાની ગૂંચમાં ફસાયાં છે. સુશીલા અને હરકાન્ત એકબીજાથી છુપાવવા માટે નાના નાના દાવ રમ્યા કરે છે. વાર્તાકારે એ દાવની રમતને જ નિરૂપી છે પણ તે દાવને નૈતિક દૃષ્ટિકોણથી મૂલવી નથી. પતિ-પત્ની હોવા છતાં પરસ્પર જે દાવ રમે છે તે દામ્પત્ય જીવનની વિડંબના છે. વાર્તાકારે બંનેના મનોવ્યાપારોને જ સતત વિવિધ ભાવોના દાબથી નિરૂપ્યા છે. વાર્તાને અંતે કોઈક આવે છે. યશવંત દવે અહીં રહે છે? એ વખતે સુશીલા કોઈની જોડે ઇશારાથી વાત કરતી હતી. મળવાનો સંકેત આપતી હતી. હરકાન્તને એમ કે સુશીલાએ તરંગિણીનો પત્ર વાંચી લીધો હશે. બંને કોઈને ચાહે છે એ રહસ્યસ્ફોટ થયો ને કનુના દાખલાનો છેદ ઊડી ગયો. ખાનગી વાતને છુપાવવા માટેના મરણિયા પ્રયત્નોના સમયના મનોવ્યાપારોને યુદ્ધ અને શસ્ત્રોના સંદર્ભોથી તીક્ષ્ણ બનાવ્યા છે. એકબીજાથી ડરવું, સંતાડવું અને ઉદ્‌ઘાટન! ચિત્તની લીલાનું રૂપ તો છે જ પણ પતિપત્ની જે દાવ રમે છે એકબીજાના લગ્નેતર સંબંધ છુપાવવા માટે તે આખી રમતનું જ નિરૂપણ વ્યંજક છે. ૬. પરાક્રમકાણ્ડ : ચોટદાર અંતમાં નિર્વહણ સંવેદનશીલ રહસ્યોદ્‌ઘાટન ભાવિકચિત્ત પર અસર કરે છે. પંડ્યાની વહુ આવતીકાલે આવવાની છે એ જાણતાં જ વાર્તાકથકની પત્ની ચંડીનું રૂપ ધારણ કરે છે. કારણ કે પંડ્યાની વહુને ટી.બી. હતો, દીકરો નબળો છે. પત્ની લિવર એકસ્ટ્રેક્ટનાં ઇન્જેક્શન લે છે, વાર્તાકથકને ઉધરસ છે. ક્ષયનાં જંતુ પોતાના ઘર તરફ ધસી આવશે તેવી શંકાના ભારથી પત્ની અધીરી છે. રોષ છે, કલ્પિત ભયથી પીડાય છે. પંડ્યાની વહુની ઉધરસ સાંભળીને ક્ષુબ્ધ બને છે. વાર્તા વળાંક લે છે. પંડ્યાની વહુ પાછી જાય છે. એ જાણી પત્ની આનંદમાં સાંજે પંડ્યાની વહુ જવાની હતી તેની તૈયારી. શ્રીમતીએ વાર્તાકથક પતિને સ્ટેશને મોકલ્યો ખાતરી કરવા કે જાય છે કે નહીં. વાર્તાનો અંત. પંડ્યાની વહુનું નામ નિરંજના હતું. વાર્તાકથકના હૃદયમાં ધ્રાસકો પડ્યો ને મળવા દોડી ગયા. એ કિશોરવયની સખી! નિરંજનાનું સૌંદર્ય યાદ આવી ગયું. કિશોરાવયમાં ચૂંટી ખણતી નિરંજનાની પાતળી પાતળી આંગળી એના માથાના વાળમાં ફરવા લાગી. સ્નેહભરી કરુુણ આંખો. ને ફરી ચૂંટી ખણી ને બોલી ‘યાદ રહેશે ને?’ વાર્તાનો આનંદમિશ્રિત કરુણ અંત માનવીય સંબંધનું ઋજુ રૂપ વ્યક્ત કરે છે. ટી.બી. તે પીડિત પંડ્યાની વહુથી આખા ઘરને દૂર રાખવા માટે વિહ્‌વળ પત્નીના પ્રયત્નોના વિરોધે વાર્તાને અંતે કિશોરવયની સખી પતિના વાળમાં પાતળી પાતળી આંગળી ફેરવે ચૂંટી ખણે તે સ્નેહભર્યો સ્પર્શ નિરપેક્ષ પ્રેમનો ધ્વનિ વ્યંજિત કરે છે. ‘ગૃહપ્રવેશ’ની વાર્તાઓ – મોટાભાગની વાર્તાઓનાં પાત્રો પરિણીત સ્ત્રીપુરુષો છે. એમનું વિવાહિત જીવન ખોડંગાયેલું છે, લગ્નેતર સંબંધોથી એટલે કે મેરીટેલ અફેર. એ ઉપરાંત, પત્નીની સ્વભાવગત જડતા, પૂર્વગ્રહો, સંકુચિત મનોદશા, પતિને મેણાંટોણાં મારતી પત્ની, કુંઠિત અને યાંત્રિક વિવાહિત જીવન, સંચારહીન ગતિશૂન્ય દામ્પત્યજીવન, પતિને આર્થિક મદદ કરવા માટે પરપુરુષ સાથે સિનેમાઘરમાં બેસીને સંતોષ આપતી પત્ની. સામાજિક દૃષ્ટિકોણથી જોતાં આ બધાં પાત્રો ચારિત્ર્યભ્રષ્ટ છે, બેવફા છે, અનીતિમાન છે પણ સુરેશ જોષીએ વાર્તાકાર તરીકે આ પાત્રોને ચીલાચાલુ દૃષ્ટિકોણથી મૂલવ્યાં નથી. વાર્તાકારનો પરિપ્રેક્ષ્ય ચુકાદા સ્વરૂપનો નથી, નૈતિક નથી. પરંતુ આ બધા સંબંધો નિમિત્તે સર્જાતી પરિસ્થિતિમાં પાત્રોની ભાવશબલ અવસ્થાઓનું નિરૂપણ કરે છે. પાત્રોની અસ્તિત્વપરક સંકુલતાને નિરૂપે છે. પાત્રોને સામાજિક દૃષ્ટિકોણથી જોવાની સ્થિર રીતનો હ્રાસ કરીને સ્ત્રીપુરુષના સંબંધોનું સંકુલ વિશ્વ નિરૂપે છે. એ નિરૂપણ માટે સન્નિધિકરણ, આઘાતક અંત અને ભાવશબલતાની ટેક્‌નિકનો વિનિયોગ કરે છે. આ ટેક્‌નિકને કારણે વ્યંજના સિદ્ધ થઈ છે. આ ટેક્‌નિકને કારણે વાર્તાકથકના સીધા પ્રક્ષેપને અવકાશ નથી મળતો. ૦ ૭. નળદમયન્તી : વાર્તાનું સ્ત્રીપાત્ર ચિત્રા છે. ચિત્રાનો પતિ આર્થિક ભીંસમાં છે. એ સ્થિતિમાં ચિત્રા તેમની બહેનપણી અરુણાની મદદથી એક પુરુષ સાથે થિયેટરમાં નળદમયન્તી સિનેમા જોવાનું સ્વીકારે છે બદલામાં ૨૫ રૂપિયા મળશે. વાર્તાનું focal point એમણે કરેલ આ નિર્ણયથી સર્જાતા મનોવ્યાપારો છે. ચિત્રાનો ભય, આશંકા, ઉદ્‌વેગ, અસુરક્ષા, અનિશ્ચિતતા, જેવા સંચારીભાવોનું આવાગમન. એ સંચારીભાવો અસ્તિત્વની ગૂંચો, મૂંઝવણોને વ્યક્ત કરે છે. વાર્તાકારે ચિત્રાનું મૂલ્યાંકન નૈતિક દૃષ્ટિથી કરવાનું ટાળીને પાત્રની અસ્તિત્વગત મૂંઝવણો અને વિશમનની ક્ષણોને કલાત્મક રીતે મૂલવી છે. ‘નળદમયન્તી’ ફિલ્મ અને ફિલ્મને જોતાં ચિત્રા અને પુરુષ એ બેનું સન્નિધિકરણ અર્થનો સ્ફોટ સર્જે છે. આ સર્જનાત્મક પ્રયુક્તિને કારણે બે પરિણામો મળ્યાં છે એક તે ઘટનાનું તિરોધાન અને વ્યંજનાસિદ્ધિ. ‘A real artist never talks about main thing’ ટૉમસ નામના સૂત્રને આ વાર્તાએ સંપૂર્ણપણે સિદ્ધ કર્યું છે. અરુણા થિયેટર પર થોડી આવી એ ક્ષણે ચિત્રાના મનનો પ્રતિભાવ ખૂબ સૂચક છે. ‘અનિચ્છનીય પરિસ્થિતિમાંથી છૂટી જવાનો આનંદ નહીં પણ ચિત્રાએ નિરાશા અનુભવી’ ચિત્રાની નિરાશા તેમની આર્થિક જરૂરિયાતની પ્રાથમિકતા સૂચવે છે. ભયવિહ્‌વળ છે પણ સાહસ માટે તૈયાર છે. થિયેટરના મોટા આયનામાં ચિત્રાએ એનાં પ્રતિબિંબો જોયાં. જાણે આયનો નફ્ફટ બનીને વસ્ત્રાહરણ કરી રહ્યો છે. થિયેટરમાં દાખલ થઈ તે ક્ષણથી શરૂ કરીને થિયેટરમાંથી બહાર નીકળી ત્યાં સુધીની ઘટનાવ્યાપાર ચિત્રાની ભાવદશાનાં જૂજવાં રૂપોની સંકલના છે. નળદમયન્તીનું ચિત્રપટ સામે સ્ક્રીન પર શરૂ થયું તેની સમાંતરે ખુરશીમાં બેઠેલા પુરુષનો સળવળાટ શરૂ થયો. ચિત્રાએ સમસ્ત સંવેદનાને જૂઠી કરી નાખી. પરિસ્થિતિને અતિક્રમી જવાનો ઉપાય, પરિસ્થિતિ સાથે તત્સમ થઈને રહેવાનો – એવું એક બિંદુ શોધવા માંડ્યું. ચિત્રાના મનોવ્યાપારો તેની આંતરદશાને સૂચવે છે. પતિના અપમાનની વાત. ટેવ ગમે તેવા ઉત્કટ દુઃખની ધારને તીક્ષ્ણ રહેવા દેતી નથી. ટવેવશ બનીને નિર્જીવ બની જવાની લાચારી. જાણે કે માનવીની માનવીપણાની સીમામાંથી હદપારી! એક તરફ ફિલ્મમાં દમયન્તીને ગ્રસી જવા માટે આગળ વધતો અજગર ને બીજી તરફ ચિત્રાની સાથળ પર પુરુષનો હાથ. એ તટસ્થ બની જોવા લાગી. હાથની ગતિમાં મરણિયાપણું, દયા ઉપજાવતું હતું. એના શરીર પર જાણે ચીલા પડી ગયા હતા. ઇન્ટરવલમાં થોડી વાતચીત થોડી હળવાશ. ફરી ફિલ્મ શરૂ. હાથ હવે પરિચિત થઈ ચૂકેલા માર્ગે ગતિ કરતો હતો. ચિત્રાને પોતાની સ્વસ્થતાથી આશ્ચર્ય થયું. ચિત્ત જાણે જાળમાંથી છૂટીને મુક્તપણે વિહરવાને સમર્થ બન્યું. મનોદશાની સંક્રાન્તિ, ભીંસ, ભયથી હળવાશ તરફ. ઉદારતાના ભાવનો જુવાળ. ક્ષમા અને દયાની મિશ્ર લાગણી. ખભા પર પોતાનું માથું ઢાળ્યું. શાંતિનો અસીમ પારાવાર રેલાઈ. પારાવારના અણુએ અણુમાં પોતાની જાતને પ્રસારી લીધી. ચિત્તમાં ઔદાર્ય અને ક્ષમાના ભાવનું સંચિત. ભાવશબલ અવસ્થાનાં રૂપો. ફિલ્મ પૂરી. પચ્ચીસને બદલે ત્રીસની સંખ્યા જોઈ એને કશુંક કહેવાનું મન થયું. પણ એક ઘેરી ઉદાસીનતામાં એના શબ્દો ખોવાઈ ગયા. ઘેરી ઉદાનસતાનો ભાવ ચિત્રાના મનની નવી ગતિ સૂચવે છે. અસ્તિત્વની શુદ્ધ અવસ્થાની અનુભૂતિ અને સમાંતરે પ્રવાહમાં બિન્દુ જેવી દશાની અનુભૂતિ. બિન્દુ ન બની શકવાની સ્થિતિમાંથી ઉલ્લંઘન બિન્દુને બિન્દુ હોવાપણાંની સ્થિતિની ઝંખના. ચિત્રા ઘેર આવી. યુદ્ધના વ્યૂહને ભેદીને પાછી ફરી હોય એવું લાગ્યું. પતિ પૂછે છે ક્યાં હતી? એ પ્રસન્ન હતી. સ્વસ્થતાનું એવું કોઈ કેન્દ્ર મળી ગયું. વસ્ત્ર બદલવા લાગી ઘરરખ્ખુ ગૃહિણીની ઓળખ પાછી આપી. તે રાતે ચિત્રાના ચિરપરિચિત સ્પર્શે રોમાંચ જગાડ્યો તેણે પતિને પણ કોઈ અભૂતપૂર્વ ઉલ્લાસથી ભરતીમાં ઝબકોળી દીધો. થિયેટરની ચિત્રા, પતિ સાથે શરીરસુખ ભોગવતી ચિત્રા. ગૃહિણી ચિત્રા. અનેક ચિત્રા! અવ્યાખ્યેય અસ્તિત્વ! ભાવક માટે અવકાશ સર્જે છે વાર્તાકારની ટેક્‌નિક. ૮. વિચ્છેદ : સુરેશ જોષીની પહેલી વાર્તા રચનાવર્ષ ૧૯૪૪. પ્રમાણમાં લાંબી વાર્તા છે. વાર્તાનાં પાત્રોની સંવેદનાઓમાં ભવિષ્યની કૃતિઓનાં બીજ પડેલાં છે. મનુષ્ય અને જગત વચ્ચેનો અંતરાલ! એ અંતરાલની અનુભૂતિથી જન્મતો વિષાદ. વાર્તાનું સ્ત્રીપાત્ર વાર્તાકથક છે. તેનું નામ ઉર્વશી છે. વાર્તાની ભાવસૃષ્ટિ ઊર્મિ, સ્મૃતિઓ, વ્યથા-વેદના, ભય અને હતાશાથી સભર છે. સ્ત્રીપાત્ર એક તરફ પતિના આવવાની રાહ જુએ છે તો બીજી તરફ તેનું મન ટેબલ પર પડેલું પરબીડિયું તરફ દોડે છે, એનું આકર્ષણ છે, સમાંતરે ભય અને વિવશતા છે. ‘પરબીડિયું એક દૃઢ બીબામાં ઢાળી દીધેલા મારા વ્યક્તિત્વની સીમાઓને છિન્નભિન્ન કરી નાખનાર વર્ષાના ગાંડા પૂરના જેવું મને લાગે છે.’ એ પરબીડિયું લખનાર છે શ્રીકાન્ત. વાર્તાના અંત સુધી એ પરબીડિયું ખોલતી નથી, વાંચતી નથી. પરંતુ એ પરબીડિયા પરના અક્ષરો એમને ભૂતકાળમાં લઈ જાય છે, ખેંચી જાય છે. તે વર્તમાન અને ભૂતકાળ વચ્ચે વિભાજિત થઈ જાય છે, એનું નામ શ્રીકાન્ત. એ દેખાવે વિરૂપ હતો. આંખોની નીચે નાક એનાં બે નસકોરાં જાણે વિરૂપતાની સીમા સુધી પહોંચાડવાની હઠ કરીને પહોળાં થઈ ગયાં છે – લબડી પડતો હોઠ – જુગુપ્સા થાય તેવો દેખાવ. પીળી આંખો. દેખાવે વિરૂપ શ્રીકાન્તની મિત્રમંડળીમાં સતત ઉપેક્ષા થતી. ઉપહાસની છોળોથી ઘેરાઈને જ એ જીવવાનું શીખ્યો હતો. એની વિરૂપતાના આવરણને કોઈ ભેદી શકતું નહીં. અંદરનું સૌંદર્ય કોઈ જોઈ શકતું નહોતું. વિરૂપની સીમામાં રુંધાઈ રહેલા પરમસુંદરનો એ તલસાટ તે દિવસે અનુભવવા જેટલો સમભાવ નહોતો. શ્રીકાન્તની ઉપેક્ષા કાવ્યવાચન વખતે થતી. શ્રીકાન્ત ઉપેક્ષાને કારણે દૂર જવા લાગ્યો. વાર્તાકથક ઉર્વશીને વર્તમાનની ક્ષણે એ ઉપેક્ષિત શ્રીકાન્તના પરમસુન્દરની પ્રતીતિ થઈ. સુહાસ સાથે લગ્ન કર્યું. શ્રીમતી ઉર્વશી મુનશી બની. પણ હૃદય ઉદાસીન. હૃદય અને વ્યવસ્થાના નિયમો વચ્ચેનો વિચ્છેદ. કારણ કે ઉર્વશીનું હૃદય તો કશુંક અસામાન્ય, અપૂર્વ પરમસુન્દરને ઝંખતું રહ્યું. તેને નરી સામાન્યતા લોલુપ વિષયવાસના પસંદ ન પડી. જીવનની ઉપલી રોનક, માત્ર દેહસુખથી બંધાયેલી ઉર્વશીને વિરૂપ શ્રીકાન્તના પરમસુંદરની ઝંખના. પરમસુન્દર ઉર્વશીને વાસ્તવિકતાની ચરમ સીમાએ ખેંચી લાવ્યું છે. વાર્તાને આરંભે સાંજની ઉદાસીનતા વર્ણવતું એક વાક્ય છે : ‘હવે પાસેનું સોનચંપાનું ઝાડ પણ સ્થિર થઈ ગયું છે. ધીમે ધીમે બધું શાંત ને અંધકારમય બનતું જાય છે ને ઉર્વશી શ્રીકાન્તની પરમસુન્દર ચેતનાનો સાક્ષાત્‌કાર કરે છે. શુદ્ધ નિરપેક્ષ હૃદયની ઊર્મિઓથી છલકાતા પ્રણયભાવની પ્રતીતિ કરે છે. નૈર્વ્યક્તિતાની સૃષ્ટિમાં ઉર્વશી સહજ રીતે આવજા કરે છે. વાર્તાકારે ઉર્વશીનો સ્મૃતિવ્યાપાર, બંને કાળમાં આવન-જાવન અને શ્રીકાન્ત તરફના નિરપેક્ષ પ્રેમની અનુભૂતિ દ્વારા માનવહૃદયની શબલિત ભાવનાઓનું રૂપ સર્જ્યું છે. ઉર્વશીના હૃદયના ભાવો વાર્તામાં પ્રણયભાવની ઉદાત્તતાનું એક વાતાવરણ સર્જે છે. ઉર્વશીની નિર્ભ્રાન્તિની ક્ષણે પરબીડિયું તો અંકબંધ છે પણ એ અકબંધ પરબીડિયાંએ ઉર્વશીના અકબંધ હૃદયનાં દ્વાર ખોલી નાખ્યાં ને અવરોધિત પ્રવાહ વહેતો થયો. ૯. સાત પાતાળ : વાર્તા સુધીરના આશંકાપ્રેરિત ચિત્તના સંચલનોનું નિરૂપણ. ઓરડાની વસ્તુઓ સુધીરની મશ્કરી કરે છે જાણે ‘પાઇપ’ની ખંધાઈભરી દૃષ્ટિ, કોલન પરફ્યુમ, નંદવાઈ ગયેલી બંગડીના કટકા. સાત મિનિટમાં જાણે મનનાં સાત પાતાળ પર ફરી વળ્યો. ૧૦. ત્રણ લંગડાની વાર્તા : ત્રણ લંગડામાં એક કાન્તિલાલ, બીજો છે એમનો સાત વરસનો દીકરો ભગીરથ ને ત્રીજો છે ઑફિસના સાહેબ પડી ગયા તે. વાર્તાની શરૂઆતમાં કાન્તિલાલને વિચાર આવે છે કે કોઈ નિમિત્તે હસવું જોઈએ. પોતાની છબિ જોઈને એને એકાએક લાગ્યું કે એ આ માણસને ઓળખતો નથી. ત્યાં સાત વરસનો દીકરો ભગીરથ લાકડીને ટેકે કાન્તિલાલ પાસે આવે છે. તેના હાથમાં હિમાચ્છાદિત ગિરિશૃંગોની ભવ્યતા સાકાર થઈ ઊઠે તેવી છબીઓ છે. પિતા ખિન્ન છે પુત્રને ગિરિશૃંગો પર ચડવાની ઝંખના તેમાં ગોકળગાયની વાર્તાનો સંદર્ભ. વાર્તાને અંતે ઑફિસમાં સાહેબ પડીને લંગડા બની ગયા તે ક્ષણે કાન્તિલાલ હસી પડ્યા. સત્તાવાહી અવાજનું લંગડા થવું તે કાન્તિલાલ માટે સુખદ આશ્વાસન. બે શારીરિક પંગુતા વચ્ચે એક માનસિક પંગુતા. ૧૧. વારતા કહોને : આ વાર્તા લાગણીઓની શબલિત અવસ્થાઓનું રૂપ છે. એ સુન્દરી નથી, સ્ત્રી છે. આશરે એકવીસની હશે. રુંવાટી ભરેલું સાંકડું કોડિયા જેવું કપાળ. ઝીણી આંખો, નાના હોઠ, નાકના ટેરવા પરનો મસો, સાધારણ પુષ્ટ કહેવાય એવું શરીર. ટૂંકમાં આંખને આશ્વાસન મળે એવું પણ કશું એનામાં નહીં – બિચારી. વાર્તાકથક હું એ આંકેલું ચિત્ર. એનું નામ ચંપા. રમતિયાળ, ભોળી. બાળસહજ વર્તન કરે. એ આવી ત્યારે રેડિયો પર કોઈકના દુઃખી સંસારનું હૃદયદ્રાવક નાટક ચાલતું હતું તેણે મુંબઈ ખસેડીને સિલોન મૂક્યું. ઘીથી ખરડાયેલી આંગળી ચાટી રહી. ચંપા પર આક્ષેપ હતો કે તે મા બની શકશે નહીં પણ તે વાર્તાકથકને કહે છે કે મારામાં ખામી નથી હું છોકરાની મા બની શકું એમ છું – આંખમાં ઝળઝળિયાં આવી ગયાં! ચંપાનો હાથ વાર્તાકથક હુંને વળગ્યો. એ આધાર ઝંખતી હતી. એ પંજાબણ જેવી રૂપાળી દેખાવા માટે પ્રયત્નો કરે છે. હું એનો હાથ ચંપાની ધબક્તી છાતી આગળ જઈને થોભ્યો. ચંપા ઉન્માદમાં ચોળીનાં બટન ખોલવા લાગી. ખોલતી ખોલતી કહેવા લાગી ‘બોલો હવે બૂમબરાડા પાડશો?’ ‘ખુલ્લાં થયેલાં સ્તન પાંજરુંં ખોલી દેતાં સસલાં બહાર કૂદી પડે તેમ જાણે લગભગ મારા અંગ પર કૂદી પડ્યાં... મને દયા આવી. એ સ્થિતિમાં જોતાં મારું હૃદય હચમચી ઊઠ્યું. ચિત્તમાંની બધી આર્દ્રતા એકઠી કરીને હું બોલ્યો : ‘ચંપા’ એ આર્દ્રતાના સ્પર્શે એ ભાંગી પડી. ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.’ હું એ એનું માથું ખોળામાં લીધું ને એને પાંચ વરસ પહેલાં ગુજરી ગયેલી દીકરી યાદ આવી ગઈ. રિસાયેલી દીકરીને પરીની વાર્તા કહીને મનાવી હતી. ચંપાને પરીની વાર્તા સંભળાવવાની લાગણી. બંને પાત્રોમાં થતી ભાવસંક્રાન્તિનું સ્વરૂપ માનવ હૃદયના ભાવોની સંકુલ ગતિ સૂચવે છે. હુંનો વાત્સલ્યભાવ ચંપાના આવેગ અને ઉન્માદને શાંત પાડે છે. ૧૨. સેતુબંધ : નીલકંઠ બહારગામથી ઘેર આવ્યો છે પણ ઘરનું વાતાવરણ તદ્દન નીરસ આવકાર વિનાનું. કોઈ તબિયતના સમાચાર પૂછશે એવી કલ્પના કરેલી પણ કોઈ કશું બોલ્યું નહીં. બાપુ એક ખૂણે સવારનું પેપર ઉથલાવતા બેઠા હતા. પક્ષાઘાતથી પટકાઈને પડેલા દાદાજીની આંખ. ઘરમાં નજર ફેરવી. એક તરફ એક ખુરશી ખાલી પડી હતી. સાવ ઉદાસીન પરાઙ્‌મુખ. તેણે ખુરશીને સ્પર્શ કર્યો તો ખુરશીએ એના પર ગુજારેલા અત્યાચારની ફરિયાદ કરી. નાની બહેન પૂર્ણિમા. પરિવારજનોની તરફથી ઉપેક્ષા. બધાં માટે વસ્તુઓ લાવ્યો હતો. સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ શક્ય નહોતો. ઓરડીમાં હવા નહોતી હતો કેવળ પ્રાણીનો ઝેરી ઉચ્છ્‌વાસ. પરિવેશનું રૂપ ‘શબ્દના ઉચ્ચાર માત્રથી ભારે પ્રયત્ને સમતોલ રાખેલી પરિસ્થિતિ ડામાડોળ થઈ જાય એવી ભીતિ. સમય જાણે કે અજગર. થાક કંટાળો બધું છિન્નવિછિન્ન ખણ્ડ રૂપે એના મનમાં ઝબકતું હતું. બે ક્ષણ વચ્ચે મ્હોં પહોળું કરીને ઊભેલી શૂન્યતા. પગની આંગળીના ટેરવાને ધીમે ધીમે કોતરતો વંદો. ઘરના માણસો વચ્ચે સંવાદ લાગણી અને પ્રેમ નહોતાં. કોઈની વચ્ચે સેતુ ન હતો. માત્ર ભય, એકલતા અને શૂન્યતા સાથેનો સેતુ. બધાં જ જાગતાં હતાં. બધાં જ ઝઘડતાં હતાં. ઘરનું વાતાવરણ નીલકંઠની આંખમાં એના ન્હૉર ઉઝરડા મૂકી ગયું. વાર્તાને અંતે મંદાકિનીને મળવા જાય છે. બંને મળ્યાં. પરાંના એક સ્ટેશન પરના ઇલેક્ટ્રીક ઘડિયાળની નીચેની બેન્ચ પર બેઠાં. મંદાકિની સાથેનો મિલાપ એ પણ જાણે વિચ્છેદનું રૂપ હતું. બંને વચ્ચે દૂરતાનો સાગર. નીલકંઠ બકુલની માળાને વિસ્તરતી જોઈ રહ્યો. વાર્તાકારે સંવાદ માટે આતુર નીલકંઠને થતી ઉપેક્ષા અને સંવાદહીનતાની સંવેદનાને આકાર આપ્યો છે. ઘરની તંગ આબોહવા બાળકને મૂંઝવે છે. સુરેશ જોષીની વાર્તાઓમાં ઘરનું વાતાવરણ ઉષ્માહીન અને સતત માથે તોળાતા ભયના ઓથારનું છે. જીવનનો ઉલ્લાસ નહીં પણ એક યાંત્રિક ક્રમ. ગરીબ ઘર. ઓરડી દાદાની ખાંસી. ખાટલામાં મૃતદેહની જેમ સૂતેલા. પક્ષાઘાતથી પીડાતા. ‘સેતુબંધ’ ઉપરાન્ત અન્ય વાર્તાઓ ‘દ્વિરાગમન’ ‘પરાક્રમકાણ્ડ’ ‘ત્રણ લંગડાની વાર્તા’ કુરુક્ષેત્ર, થીગડું, ઉપેક્ષિતા અને ‘ઝેર-માં રુંધામણની આબોહવા છે. ગરીબી, જગ્યાની સંકડાશ, આર્થિક વિટંબણાઓ, અને જિજીવિષાથી પીડાતા કરુણ પાત્રોની લાચારી. આ બધી સ્થિતિને કથન-નિરૂપણ-વર્ણનની પ્રયુક્તિથી મૂર્ત કરી છે. ૧૩. કાલીયમર્દન : કામવાસનાની બિહામણી શિકારવૃત્તિનું નિરૂપણ છે. સાંજની ધૂસરતા. તેમાં પાઇપ-તમાકુની વાસ. અસાધારણ અનુભવની આકસ્મિકતાથી આવેલી પરવશ મૂર્ચ્છિત અવસ્થા. એ ધૂસરતામાં વૈરાગ્યની લાગણી. વાર્તાકારે નાયિકા માટે બે સંસ્કૃત સંજ્ઞા યોજી છે. સ્રસ્તવસ્ત્રા આલુલાયિત નાયિકાનાં ગાત્રોમાં રતિક્રીડાને અન્તે આવતી શિથિલતા. ચન્દ્રકાન્ત ઉપભોગે છે એ નારીદેહ જુગુપ્સાપ્રેરક છે પણ કામાતુર મનોદશાને વશ તેને ભોગવે છે. પ્રિય એવી સોનલ સાથેનો સહવાસ યાદ કરતો કરતો ઉન્માદના મારણ તરીકે ભોગવતો રહે છે વાસનાના સર્પનું મર્દન કરતો રહે છે. ૧૪. રીગર મોર્ટિસ : મૃત્યુની સખતાઈ. મૃત્યુની ભીંસ. બીમારીના બિછાને પડેલા વૃન્દરાવન શેઠના ઇન્દુબાલા સાથેના શરીરસંબંધની સ્મૃતિઓ. સાપના શરીરની શીતળતા. કીડો, ગરોળીના સંદર્ભો. સ્પર્શ. વૃન્દરાવનશેઠ હૉસ્પિટલના બિછાને છે. વૉર્ડમાં ચુપકીદી ગમગીની. એમના ચિત્તપ્રદેશમાં ભૂતાવળના નાચતા પડછંદા ગાજતા હતા. વાર્તાકારે મરણાસન્ન વૃન્દરાવનશેઠની તંદ્રા અવસ્થાનું નિરૂપણ કર્યું છે. એમાં ગમગીની છે, ગુસ્સો છે, અજંપો છે, અસુરક્ષા છે, કામાવેગો છે. પથારીની એક બાજુ જુવાન દર્દી તેની હસતી પ્રેયસી. ચાહનારી. શેઠની પરપીડનવૃત્તિથી પ્રેરિત જુવાન દર્દી વિશેના વિચારો. તેમાં પોતાનું વિકૃત સ્વરૂપ જુએ છે. જમણી બાજુના ખાટલા પર જગમોહન નામનો દર્દી છે. એની હૂંફ લેવાનો વિચાર. જગમોહનની પથારીમાં ગયા એની સોડમાં ભરાઈને સૂતા. એ સોડથી તેને યાદ આવી માની સોડ, વિજયા શેઠાણીની શેઠ. તંદ્રાનાં મોજાંનું આક્રમણ ને તેઓ નીચે ને નીચે જ રહ્યા. પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ બુદબુદ્‌ – માંસનો પિણ્ડ. થાકીને સૂતેલી ઇન્દુબાલાનું નીચે ગબડી ગયેલું સ્તન, સાપ વીંટાળાતો જાય છે. શરીરની બધી નસો પણ જાણે બહાર નીકળીને વીંટળાઈ રહી છે. શેઠની પરાવાસ્તત્વિક સૃષ્ટિ મૃત્યુની ભીંસ સૂચવે છે. વાર્તાનો ચોંકાવનારો અંત. મરી ગયેલા જગમોહનના ગળે વીંટળાયેલા શેઠના હાથ લાકડા જેવા થઈ ગયા હતા. એની પકડમાંથી શેઠનું ગળું છૂટતું નહોતું. પ્રેમ, હૂંફ, સોડને જંખતા શેઠને મરણે ગાઢ આલિંગનમાં જકડી લીધા. વિચ્છિન્ન મનોદશાનું પરાવાસ્તવિક આલેખન. માનવચિત્તના સંકુલ આંતરપ્રવાહો વ્યંજક રીતે અસ્તિત્વપરક શૂન્યતાને સૂચવે છે. તન્દ્રાની અવસ્થાનું નક્કર ચિત્ર. ૧૫. પરગજુ વ્રજભૂખણદાસ : વ્રજભુખણદાસના પરગજુપણાની હાંસી ઉડાવે છે. પરગજુપણા પાછળની સ્વાર્થવૃત્તિને પ્રગટ કરી છે. દરરોજ અંધેરીથી ચર્ચગેટ ગાડીમાં મુસાફરી. ભારે શરીર. મુંબઈની લોકલ ટ્રેનની મુસાફરી. તેની ભીંસ એમની સાથે રોજ એક ક્રિશ્ચિયન યુવતી આવતી પણ આજે ન દેખાઈ. આમ તો એ યુવતી પ્રવાસનો ભેદ નિવારવાનું સાધન માત્ર હતી. ટ્રેનમાં પરસેવાની ફૂટતી સાવરણીઓ. સ્ત્રી-પુરુષ વચ્ચેના આડાસંબંધોની વાતો. ઘરના રસોયાનો આપઘાત. લોકમાનસની વિચારવાની સાંકડી દૃષ્ટિ. પરગજુ વ્રજભુખણદાસને કોઈના ખિસ્સામાં પડેલું પાકીટ દેખાયું. પાકીટ સેરવી લીધું. પણ એમણે સ્ટેશન પર ઊતરીને જમણા કિસ્સામાંથી ડાબા હાથે પાકીટ બહાર કાઢ્યું ને બૂમ પાડી : ‘એ રેશમી પહેરણવાળાભાઈ, જરા થોભો, આ તમારું પાકીટ પડી ગયું છે તેનુંય તમને ભાન નથી?’ ‘ઘણો આભાર તમારો, તમારા જેવા તો સતજુગમાં જ જોવા મળે. આજે પાકીટ જાત તો ભારે થઈ જાત. દીકરીના કરિયાવરનો સામાન લેવા નીકળ્યો હતો.’ વાર્તાનું અંતિમ વાક્ય : ‘પરગજુ વ્રજભુખણદાસ જમણા હાથ પરના ડાબા હાથના વિજયથી સંતોષ પામીને આગળ વધ્યા.’ વ્યક્તિની અંદર પરસ્પરથી વિરોધી વૃત્તિનું નિરૂપણ પરગજુપણા વ્યવહારુ અર્થનું વિઘટન કરે છે. ૧૬. કાદવ અને કમળ : વાર્તામાં બે પાત્ર છે જગ્ગુ અને ગંગા. જગ્ગુ ખૂની હિંસક. ગંગા અનાથ માયાળુ. પવિત્ર. એક તરફ હિંસકતા બીજી તરફ કોમળતા. જગ્ગુને તાવ હતો. કપાળ પર ગંગાના હાથ. ગંગાના હાથનો સ્પર્શ બધું શોષ્યે જતો હતો. પરંતુ વેદનાના જંતરડામાં કામવૃત્તિ અમળાઈ. જગ્ગુને લાગ્યું કે એનું શરીર પરાળથી ભરેલું છે. એની અંદર સૂક્કાં પાંદડા ખખડે છે ને એમાં થઈને એક સાપ સરકી રહ્યો છે. કોમળતા વાત્સલ્ય પર કામવૃત્તિનું આક્રમણ . વાર્તાના અંતે ગંગા એ દૈહિક સમાગમનો આઘાત સહન ન કરી શકી. આપઘાત કરી લીધો. વૃત્તિઓના આક્રમણે માણસ વિવશ બની જાય. એને તર્કથી સમજી શકાતું નથી. ૧૭. રાત્રિર્ગમિષ્યતિ : પત્ની લીલા. પતિ ધનંજય શ્રોફ. અપરિચિત આગંતુકનું આવવું. પતિ બહાર છે. મિત્ર મધુકરની હાજરીમાં પત્ની લીલાની સંચારી ભાવોની ગતિ એ જ વાર્તાનો વિષય. હૃદયમાં કશીક ભીતિનો સંસાર. આત્મીયતા દર્શાવવા મથવું, વ્યસ્ત રહેવાના મરણિયા પ્રયત્નો, સંકોચ, છૂપું આકર્ષણ, અંદર બહારની દશા વચ્ચેનું મોટું અંતર માનવમનની સંકુલ ભાવગતિ સૂચવે છે. ૧૮. વાતાયન : આઘાતક અંતની પ્રયુક્તિનો સર્જનાત્મક વિનિયોગ. વાર્તાના આરંભથી અંતપર્યંતની સૃષ્ટિનો જોનાર, માણનાર કોણ છે તેનું જ્યારે રહસ્યોદ્‌ઘાટન થાય છે એ ક્ષણ ભાવક ચેતનાના વિસ્મય ભાવને વિસ્તારે છે. વરસાદના ભેજથી ધૂંધળા બનેલા કાચમાંથી જોતાં દુનિયા જાણે માયાવી સ્વરૂપ ધારણ કરતી હોય એવું એને લાગ્યું. એન્જિન એનાં મોટાં મોટાં પૈડાં એક સાથે પાંચ-છ આંટા મારીને સ્થિર થઈ ગયાં... ફરી ગતિ. બાળક પગથિયાં ચઢવા માંડ્યું. બાળકના આરોહણને એ ઊંચે શ્વાસે જોઈ રહ્યો. ઉપરના માળની સામેની બારી ખુલી. ચંદ્રાને જોઈ રહ્યો. દાદર ઊતરવાનો દ્રુતલય. તેને ગતિના વિવિધ અધ્યાસો યાદ આવવા લાગ્યા. ઘોડાના પગ. ઠેકતી બિલાડી. વાર્તાનું અંતિમ આઘાતક દૃશ્ય. ભીંતને ટેકે મૂકેલી લાકડાની ઘોડી લીધી. પંગુએ જોયેલી ગતિશીલ સૃષ્ટિ તેના કરુણ જીવનનું આલંબન છે. પંગુની દયા ખાધા વિના ગતીશીલ તૃપ્તિના વિરોધે તેની પંગુતાને મૂકીને કરુણને વધુ આસ્વાદ્ય કર્યો છે. પંગુના કેન્દ્રથી ગતિ, આરોહણની સૃષ્ટિનું રૂપ ઘેરી અસર સર્જે છે. ૧૯. ચુમ્બન : ચુમ્બનના નિયમ અધ્યાસોનો હ્રાસ કરીને તે અવકાશમાં ચુમ્બનના નવા અર્થોની નિષ્પત્તિ તે જ વાર્તાનો આસ્વાદ. એકતરફ સદ્‌ગત પત્નીની છબિ આગળ ઘીનો દીવો કરીને સૂવા જતા પતિની તંદ્રાવસ્થાની ગતિ અને તેમાં દેખાતાં દૃશ્યો અને વૃત્તિઓ, બીજી તરફ ઘીની વાસથી આકર્ષાઈ બળી ગયેલા પૂમડાના અવશેષને ખાવા માટે વારંવાર પ્રયત્ન કરતો ઉંદર. આ બંનેનું સન્નિધિકરણ પતિના વિરહભાવને તદ્દન અપરિચિત ઉદ્દીપનોથી પુષ્ટ કરવાનો પ્રયોગ. ઘરનું વાતાવરણ. ઘીની વાસ. તંદ્રામાં ઉજળો દેખાતો ઓરડો, પંતગિયાના ઝંપલાવવાથી ઘીના દીવાનું બુઝાવું, ઉંદર બળી ગયેલા પૂમડાના અવશેષને ચાખવા ગયો ને નાકનું ટેરવું દાઝ્યું. વાર્તાનો સૂચક અંત. પતિની પત્નીને ચુમ્બન કરવાની ઇચ્છા સ્વપ્નમાં તીવ્ર બનતી હતી ત્યારે ઓઢવાનું ખસી જતાં બહાર નીકળેલા પગના અંગૂઠાને ઉંદરે દાંત માર્યો. ઊંઘમાં પત્નીને ચુમ્બન કરવાની તીવ્ર ઇચ્છાની સમાંતરે હવે ઉંદરે તેના હોઠ પર બચકું ભર્યું. તે લોહીના સ્વાદથી ચોંક્યો. એણે લાઇટ કરીને જોયું તો એક ઉંદર ગભરાઈને માળિયામાં પેસી જતો દેખાયો. ચુમ્બન કરવાની ઇચ્છાનો અનપેક્ષિત અંત. ચુમ્બનના મૃદુ સ્પર્શને સ્થાને ઉંદરના દાંતનું તીક્ષ્ણ બટકું! સર્જનની લીલા. ૨૦. પ્રિયતમા : ‘ગૃહપ્રવેશ’ની બીજી વાર્તાઓ કરતાં આ વાર્તાનો પરિવેશ ગ્રામીણ છે. આઘાતક અંતની પ્રયુક્તિ વાર્તાના પાત્ર શારદાના પ્રણયભાવની વિડંબના છે. શારદાના કબજામાં એક કાગળ છે. બલ્લુકાકાના હેમન્તે શારદાને કાગળ આપ્યો છે. એ કાગળ લેતી વખતે હેમન્તના હાથનો સ્પર્શ ને ઉષ્ણ ઉચ્છ્‌વાસ તેને વિહ્‌વળ બનાવે છે. આ કાગળની વાત બહેનપણી નન્દિનીને કહેશે. શારદા દેખાવે સુંદર નહોતી. પહોળું નાક. આગળ ધસી આવેલી દાઢી, ઝીણી આંખ. શારદા કાગળ વાંચવા આતુર, એ આતુરતાને વાર્તાકારે સરસ રીતે તીવ્ર બનાવીને અંતે આઘાત આપ્યો છે. કાગળમાંની વાત વાછરડીના કાનમાં કહી દેવાને લલચાઈ. અંતે કાગળ ઘીના દીવાને અજવાળે વાંચવા લાગી. હેમન્તે નન્દિનીને ઉદ્દેશીને લખેલો કાગળ. કાગળ શારદાની પહોળી થયેલી આંગળી વચ્ચેથી સરી ગયો. શારદા રસોડા તરફ વળી. ચૂલામાં લાકડાં સળગાવ્યાં! ધુમાડાથી એની રાતી આંખોમાં પાણી ભરાયાં. સાંજના છેલ્લા કિરણની શિખાએ આંસુ સળગી ઊઠ્યાં. શારદાનો આશાભંગ સંયત રીતે નિરૂપ્યો છે. વાછરડીની સાથે ફેરફુદરડી ફરવાની ક્ષણો આવી જ નહીં. બધું અંદર સળગી ગયું. દેખાવે વિરૂપ શારદાનો કાગળના વાહક તરીકેનો ઉપયોગ ક્રૂર તો છે જ પણ પ્રેમ માટે વિરૂપ દેખાવ જાણે કે અપરાધ છે. અહીં ‘વિચ્છેદ’ વાર્તાના શ્રીકાન્તની યાદ આવી જાય. ૨૧. ગૃહપ્રવેશ : સંગ્રહની શ્રેષ્ઠ વાર્તા. રાતનો સમય છે. વાર્તાનું પાત્ર પ્રફુલ્લ પોતાના ઘરે આવતો હોય છે પણ એ પોતાના ઘરથી વીસેક ડગલાં દૂર જઈને ઊભો રહ્યો. એણે ઘર તરફથી આંખોને વાળી લીધી. ઘરની અંદરની બે છાયાઓને એ હજુ જોઈ રહ્યો હતો. ઘરમાં પત્ની સાથે કોઈ પુરુષ હતો. એ ઘરમાં ન ગયો. ત્યાંથી નીકળીને મિત્રોના ઘરે જાય છે. એના મન પર પડેલા ઊંડા આઘાતની માનસિક અસર અને તે અસરના ભારમાંથી મુક્ત થવાના મરણિયા પ્રયત્નો તે વાર્તાનો વિષય છે. પ્રફુલ્લનો આંતરચેતના પ્રવાહ એમની આંતર એકોક્તિઓ અને બહાર હાડ સુધી ઊંડે ઊતરી જતી ઠંડીની ક્રૂરતા. પ્રફુલ્લની એકલતા અને વાસ્તવિકતાથી ભાગી જવા માટે પ્રયત્નો ‘ગૃહપ્રવેશ’ સંજ્ઞા સાથે જોડાયેલા શુભમંગલ અધ્યાસોનો હ્રાસ કર્યો છે. વાર્તાને અંતે પ્રફુલ્લ નહીં પ્રફુલ્લનો પડછાયો ઘરમાં પ્રવેશે છે. એનું તો અસ્તિત્વ હવે રહ્યું નથી. પોતાના ઘરમાં બે છાયાઓને જોયા પછી એના ચિત્તમાં જાગેલાં વમળો અને પ્રત્યાઘાતોનું નિરૂપણ પ્રફુલ્લની આંતરદશા છે. વિચિત્ર તરંગો ઊઠે છે. આખી ભાષાનું કલેવર બદલી નાંખવાની રમત રમવાનું એને મન થઇ જાય છે. શબ્દોને બાઝેલા અધ્યાસપિણ્ડને ખંખેરી નાખીને એને નવેસરથી નવી ધરતીમાં, નવા વાતાવરણમાં એ રોપવા મંડી ગયો. ‘અંધકાર અને ઠંડીના પડ વચ્ચે એને જડી દેવાને કોઈ ખીલા ઠોકતું હોય તેમ દસના ટકોરા ક્યાંક ઠોકાયા. વાર્તાકારે પ્રફુલ્લની ચેતનાની ક્ષિતિજમાં ભાવકચેતનાનો પ્રવેશ કરાવ્યો. ફરી જીવવું શરૂ કર્યું. પોતાની આખી જાતનો ભાર ઉપાડીને જીવવાનું કપરું લાગ્યું. બે સંપીલી આંખોને છૂટી પાડીને દૂર ફેંકી દેવાનું એને મન થયું. બે પગને વિખૂટા પાડીને સ્થળના એક બિન્દુને હજારો ટુકડામાં છિન્નભિન્ન કરવાને મથ્યો. કસીને બાંધેલી ગાંઠ છોડી નાખીને બધું વેરવિખેર કરી નાખવાની એને ઉત્કટ ઇચ્છા થઈ આવી. પેલા દર્દે જ (પત્નીની બેવફાઈનું દર્દ) અનેક ગણા દર્દના રેણને ઓગાળી નાખવા માટે એ દર્દથી ઉત્કટ દર્દનો તાપ જો એ પામી શકે તો જ એમાંથી છૂટી શકે તેમ હતું. એ દર્દથી છૂટવા મથતો હતો. મિત્રના ઘેર ગયો. મિત્ર બહારગામ. ત્યાંથી નીકળીને એ ફરી શબ્દોના ચહેરાને ભૂંસી નાખવા મથ્યો. આઘાતક ઘટનાઓને યાદ કરીને દર્દની માત્રા ઘટાડવા મથે છે. પ્રફુલ્લ અને પ્રફુલ્લના હું વચ્ચે વિચ્છેદ. સ્વવિચ્છેદની અનુભૂતિ. અન્ધકાર એના શરીરમાં અનેક છિદ્ર પાડીને પેસવા લાગ્યો. અન્ધકાર અને ઠંડીએ મળીને એને જાણે જર્જરિત કરી નાખ્યો. પત્નીની બેવફાઈના દર્દે તેને જર્જરિત કરી નાખ્યો. રસ્તામાં મિત્ર સુહાસ મળી ગયો. કલ્પના-તરંગોમાં ભાગી જઈને પેલા દર્દથી દૂર જવાના મરણિયા પ્રયત્નો. બનાવટના શરણે. તથ્યની સીમામાંથી ભાગ્યો. હાસ્યનાં મોજાં ઉછાળતો એ ભાગ્યો. ચીનની શાહજાદીને મળવાની વાત કરે છે. સુહાસની સાથે પોતાના ઘેર આવવા નીકળે છે. દસ મિનિટનો એ રસ્તો પૂરો કરતાં જાણે ખગોળની પ્રદક્ષિણા. પત્ની માયાનું ઘરમાંથી આવતું હાસ્ય. સુહાસ ઘરમાં દાખલ થયો પોતે નહીં. એ તો નિષ્કાસિત થઈ ગયો છે. પેલું હાસ્ય થંભી ગયું. ઘરમાં બે પડછાયાને બદલે ત્રણ પડછાયા દેખાયા. એક પડછાયાએ બીજાને બોચીમાંથી ઝાલ્યો ને ભોંય પર પછાડ્યો. કોઈની ચીસ સંભળાઈ. એ ચીસ એને જાણે બહારથી અંદર તેડી ગઈ. એ અંદર ગયો ત્યારે એને લાગ્યું કે એ બહાર રહી ગયો હતો ને એનો પડછાયો અંદર પ્રવેશ્યો હતો. પ્રફુલ્લની અસ્તિત્વહીનતા. પત્નીની બેવફાઈની ઘટનાને સામાજિક, નૈતિક દૃષ્ટિએ નિરૂપણ કરીને તેનું સંકોચન કરી નાખવાને બદલે એ વજનદાર ઘટનાનું તિરોધાન કરીને પાત્રના દર્દની તીક્ષ્ણતા, એના માનસિક આઘાતો, વાસ્તવથી ભાગી છૂટવાના મરણિયા પ્રયત્નોનું નિરૂપણ કર્યું છે. એ નિરૂપણથી પ્રફુલ્લનું દર્દ નહીં દર્દના આકારો સર્જીને દર્દની સીમાઓનો વિસ્તાર કર્યો છે. અનુભૂતિના આકારોની સૃષ્ટિ. શરીરના અંગોનું વિઘટન. સ્વવિચ્છેદની પીડા. પડછાયામાં રૂપાંતર થવાની પ્રક્રિયા. વાર્તાકારે લગ્નજીવન, પ્રેમ, ઘર એ બધા માન્ય અધ્યાસપિણ્ડોનું વિઘટન કરીને વાસ્તવની સીમાઓનો વિસ્તાર કરીને નવાં સત્યો પ્રગટ કર્યાં. જીવન વિશેનું નવું સત્ય. પણ એ સત્ય રજૂ કરવાની રીત સર્જનાત્મક છે. કલાની શરતે સિદ્ધ કર્યું છે. સુરેશ જોષીના ઘટનાતિરોધાનના વિભાવને અનુભવવા માટે ‘ગૃહપ્રવેશ’ વાર્તાની સંવિધાનરીતિ માર્ગદર્શક છે.

‘ગૃહપ્રવેશ’ સંગ્રહની ૨૧ વાર્તાઓનો વિગતે ને વિસ્તારથી પરિચય આપ્યો. સુરેશ જોષીની વાર્તાસર્જનની પદ્ધતિ અને માનવજીવન તરફના આધુનિક અભિગમને રજૂ કરવા માટે વિસ્તાર કર્યો. એમની વાર્તાઓનું વિશ્વ વાચક સમક્ષ ખુલ્લું કરવાનો પ્રયત્ન. વાર્તાઓની સર્જકતા અને નૂતન નિરૂપણરીતિઓના કલાત્મક વિનિયોગને ધ્યાનમાં લીધા વિના ‘ગૃહપ્રવેશ’ (પ્ર. આ. ૧૯૫૭) ના પ્રકાશનથી શરૂ કરીને આજના સમય સુધી આત્યંતિક દૃષ્ટિથી ટીકાઓ થતી રહી છે. પરંતુ એની સમાંતરે શ્રી રામપ્રસાદ બક્ષી, શ્રી રાધેશ્યામ શર્મા, શ્રી જયંત ગાડીત, શ્રી સુમન શાહ, શ્રી શિરીષ પંચાલ, શ્રી નીતિન મહેતા અને જયેશ ભોગાયતા (શોધનિબંધમાં) એ વાર્તાઓની સર્જકતાને સાધાર વર્ણવી છે. સુરેશ જોષીએ તો (‘ગૃહપ્રવેશ’ની વાર્તાઓને પ્રસ્તાવનામાં પ્રયોગોની નોંધ રૂપે દર્શાવી છે. એ વાર્તાઓ પછી નવી દિશાએ જવાનો સંકેત આપ્યો હતો. ‘બીજી થોડીક’ની વાર્તાઓનું વિશ્વ અને વાર્તાલેખનરીતિ ‘ગૃહપ્રવેશ’ની વાર્તાઓથી જુદાં છે. ‘ગૃહપ્રવેશ’ વાર્તાઓની પ્રયોગશીલતા ક્રમશઃ સૂક્ષ્મ બનતી જાય છે જેમનું ઉત્તમ શિખર ‘અપિચ’ની વાર્તાઓ છે. ૦ ‘બીજી થોડીક’ (પ્ર. આ. ૧૯૫૮. વિજયાદશમી, ૨૦૧૪) સંગ્રહમાં ૧૩ વાર્તાઓ છે. આ વાર્તાઓમાં પૌરાણિક પાત્રો અને મહાકાવ્યોની ઘટનાઓનો રચનારીતિ તરીકે વિનિયોગ છે. પૌરાણિક સંદર્ભોને વર્તમાન સમયના સંદર્ભો સાથે ગૂંથીને વાસ્તવની સીમાઓનો વિસ્તાર કર્યો છે. એ વિસ્તારના અનુભવથી ભાવકચેતનાનો ઉત્કર્ષ થયો છે. ‘કુરુક્ષેત્ર’, ‘કૂર્માવતાર’ ‘વરાહવતાર’, ‘વામનાવતાર’, ‘નરવાનરકથા’, ‘અજાતકથા’ ‘લોહનગર’, ‘વસ્ત્રાહરણ’ અને ‘થીગડું’ વાર્તા પૌરાણિક, મહાકાવ્ય, બોધકથાના સંદર્ભોનો અને રચનારીતિનો વિનિયોગ કર્યો છે. ટૂંકી વાર્તાલેખનની નવી નવી શક્યતાઓ ચીંધી છે. આધુનિક મનુષ્યની વિસંગતિ, અસ્તિત્વપરક હતાશા, નિરાશા, વિચ્છિન્નતાની સંવદેનાઓને પૌરાણિક સંદર્ભો અને પ્રાચીન કથાસાહિત્યની કથનરીતિના વિનિયોગથી મૂર્ત કરી છે. આ પ્રકારની કથનરીતિના વિનિયોગ સમયના બે ભિન્ન ખંડની સહોપસ્થિતિ અનુભવાય છે. અન્ય વાર્તાઓ ‘બે ચુમ્બનો’ ‘ઢીંગલી, કુસુમ, પદ્મિની, સુએઝ..’, ‘શૈરવ’ અને ‘ઉપેક્ષિતા’ સન્નિધિકરણ અને આઘાતક અંતની પ્રયુક્તિથી સર્જી છે.

GTVI Image 35 Biji Thodik.png

‘ગૃહપ્રવેશ’ની ૨૧ વાર્તાઓનો વિગતે પરિચય આપ્યો તે રીતે ‘બીજી થોડીક’ની વાર્તાઓ વિશે નોંધ નહીં લખું. સમીક્ષાલેખના લંબાણને ટાળવા માટે. સંગ્રહની વાર્તાઓની પૃષ્ઠ સંખ્યા ૭થી ૮ની વચ્ચેની છે. વાર્તાનું ટૂંકાપણું સચોટ અસર ઊભી કરે છે. ક્યાંય પણ બિનજરૂરી લંબાણ નથી. લાઘવ સિદ્વ કર્યું છે. ૧. ‘કુરુક્ષેત્ર’ પ્રથમ પ્રકાશન ‘સંસ્કૃતિ’ જુલાઈ, ૧૯૫૮. ‘કુરુક્ષેત્ર’ શબ્દ સાંભળતાં જ મહાભારતના વિનાશક યુદ્ધનું સ્મરણ થાય છે. એમાં થયેલો માનવસંહાર. મહાભારતનું પ્રત્યેક પાત્ર કુરુક્ષેત્રનું યુદ્ધ લડે છે. દરકેનાં અંગત કુરુક્ષેત્રો છે! આ વાર્તાનાં પાત્રો પણ પોતાનાં કુરુક્ષેત્રો લડી રહ્યાં છે. લડવાની ભૂમિ યુદ્વભૂમિ નથી પણ ઓરડી છે જે વાર્તાના પરિવેશને કારણે કુરુક્ષેત્ર જ છે. વાર્તાનાં પાત્રોનાં આંતરિક યુદ્ધને વાર્તાકારે કલ્પનો અને અલંકારોથી આકાર આપ્યો છે. તેને કારણે યુદ્વનો ઇન્દ્રિયાનુભવ થાય છે વાચકને. ‘કુરુક્ષેત્ર’ વાર્તાના ઘરની આબોહવા, તેની રૂંધામણ ‘સેતુબન્ધ’ (ગૃહપ્રવેશ) વાર્તાને મળતી આવે છે. વાર્તાકથક હું છે જે વાર્તાનું પાત્ર છે. ઘરનો સભ્ય છે. વાર્તાનો ભૌતિક સમય રાતના બેથી સવાર સુધીનો છે. ચૈતસિક સમયનું પરિમાણ અનેકગણું છે. રાતે બે વાગે મેં ઘરમાં ફાનસની જ્યોતને મોટી કરી તો થરકતી જ્યોત સાથે બધી વસ્તુઓના પડછાયા પણ હાલવા લાગ્યું. આખું ઘર તોફાનમાં ફસાયેલા વહાણની જેમ ડોલમડોલ થઈ રહ્યું છે. અંધકાર શરીરમાં ક્યાંક તળિયે બેસવા લાગ્યો. પરિવારના સભ્યો : ડોસા આગલા ઓરડાના બારણાંની નજીક મોંએ ધોતિયું ઓઢીને સૂતા હતા – સીધા સપાટ જાણે હવે ઠાઠડી પર સૂવડાવવાનું જ બાકી રહ્યું ન હોય. રાંધણીના ભેજની દુર્ગંધ વચ્ચે બા અને ભાભી સૂતાં હતાં. ઘરની આબોહવામાં સુસ્તી મરણના શ્વાસ. પત્ની સૂતી હતી ‘સોમવારના વ્રતની વારતાની ચોપડી’ ઓશીકે મૂકીને. પતિવ્રતાપણું પત્નીનું પતિવ્રતાપણુંના વિરોધે પતિનાં માનસિક સંચલનો અને તેમાં આવતાં સ્ત્રીપાત્રો વિડંબના સર્જે છે. મનુભાઈ માસ્તરની ચન્દ્રકાન્તાને તમાચો મારી દીધો તે ઘટના, કેતકી મહેતા, વાર્તાકથક રાત્રિના અંધકારમાં ટુકડા ગોઠવતો હતો. એની છિન્ન મનોદશાના સંકેતો. સ્ત્રીના ચહેરાઓનું કોલાજ. અનેક શત્રુઓની સામે ઝઝૂમતાં પાત્રો. પત્ની સાથેની શરીર સમાગમની ક્ષણે મનોદશા શૂન્યતા અનુભવે છે. જંતુમાં પોતાનું રૂપાન્તર થયાનું ભાન. હજાર પગવાળા જીવડાની જેમ મારું શરીર હજાર પગે ચાલવા માંડ્યું. સવાર પડી. ચામાં ધુમાડાનો સ્વાદ. વાડામાં ચૂલામાંની રાખના ઢગલા પર વિખરાયેલા તડકાના રઝળતા ટુકડાને જોઉં છું. રઝળતા ટુકડાનો ધ્વનિ કુરુક્ષેત્રના યુદ્વમાં પડેલાં કપાયેલાં અંગોની યાદ તાજી કરાવે છે. કવિ છે વાર્તાકથક. પોતાની કવિતા દિવસના પ્રકાશમાં નહીં પરંતુ અંધકારમાં આંખો ખોલશે એવા ઉત્સાહથી બીજા દિવસના બીજા છેડા સુધી પહોંચી જવાની હામ ભીડે છે. ૨. કૂર્માવતાર : કૂર્મ એટલે કાચબો. શ્રી વિષ્ણુ ભગવાનનો અવતાર. વાર્તા બે ખંડમાં છે. પહેલા ખંડમાં લાભશંકરની તન્દ્રા અવસ્થામાં થતા વિચિત્ર અને સંબંધો વગરના મુક્ત સાહચર્યો જેવા અનુભવની સૃષ્ટિ. એ ચેતનાને તળિયે પહોંચી ગયા છે. જ્યાં બધી માનવસર્જિત ઓળખાણો, ભાષા, સંબંધો, ઇન્દ્રિયોના નિયત વ્યાપારો બધું જ અદૃશ્ય. ભૂરા અવકાશમાં ડૂબતા રહ્યા. ખાલી થતા જવાનો અનુભવ. સર્વથી અસંબદ્ધ. વાર્તાકારે લાભશંકરની ચેતનાના ભૂરા અવકાશમાં ડૂબતા જવાની અનુભૂતિને અનેક સાહચર્યોથી મૂર્ત કરી છે. બીજા ખંડમાં લાભશંકરની તન્દ્રાવસ્થાથી સાવ જુદું જ જગત. જ્યાં સાસુ વહુનો ઝઘડો છે, વહુનો કર્કશ ચિત્કાર, ડોશીને વાયુના ઓડકાર, સિલોન રેડિયોનો અનુભવ, આ બધા કર્કશ અવાજોએ લાભશંકરની તંદ્રાવસ્થાનું આવરણ ભેદી નાખ્યું. કર્કશ યાંત્રિક જિંદગી. જ્યાં કડવાશ, ઉપેક્ષા, દર્દ ને નરી યાંત્રિકતા છે. લાભશંકર ફરી એ જ ક્રમમાં જિંદગી જીવવા લાગ્યા. લાભશંકર ખરજવું ખણ્યે ગયા એ ખરજવું ખણતા રહેવામાંથી એમની મુક્તિ નથી. સ્વપ્ન ને જાગૃતિ વચ્ચેનો અંતરાલ પૌરાણિક કથા અનુસાર શ્રી વિષ્ણુનો એક અવતાર તે કૂર્માવતાર. દેવો અને દૈત્યોએ અમૃત અને અન્ય રત્નોની પ્રાપ્તિ માટે મંદરાચળને રવૈયો બનાવી સમુદ્રમંથન કરવા માંડ્યું. મંદરની નીચે આધાર નહોતો તેથી ક્ષીર સાગરમાં ડૂબવા લાગ્યો ત્યારે શ્રી વિષ્ણુએ કૂર્મનું રૂપ લીધું. અને પોતાની એક લાખ યોજનની વિશાળ પીઠ પર મંદરાચળને ધારણ કર્યો. વાર્તાના લાભશંકર તંદ્રારૂપી ભૂરા અવકાશમાં કાચબો બનીને જાણે કે દૈનિક જીવનના કર્કશ અવાજો અને સમસ્યાઓેને પોતાની પીઠ પર ધારણ કરે છે. લાભશંકરને કૂર્માવતારમાં અંગવિહીનતાની અનુભૂતિ હળવાશ આપે છે. ૩. વરાહ અવતાર : પૌરાણિક કથા પ્રમાણે વિષ્ણુના દસ અવતારમાંનો ત્રીજો અવતાર તે વરાહ અવતાર. હિરણ્યાક્ષ નામના અસુરના વધ માટે આ અવતાર લીધો હતો. ને પૃથ્વીના ઉદ્ધાર માટે પોતાના દંતશૂળથી પૃથ્વીને ઊંચકી હતી. એ પૌરાણિક સંદર્ભને નવી રીતે અહીં જોડ્યો છે. વાર્તાકથક હું એકાન્તપ્રિય વ્યક્તિ છે. વાચન-લેખનથી પોતાનો સમય પસાર કરે છે. ભીડ ગમતી નથી. પરંતુ મિત્ર અતુલના આગ્રહથી એક સાંજે ધનિકોની મહેફિલમાં આવે છે. વાર્તાકારે આ મહેફિલમાં ભદ્રવર્ગના લોકોનાં બનાવટી હાસ્યો, દંભ, કૃત્રિમ વ્યવહારો, ઘમંડ, ભૌતિક સુખનો અતિરેકનું વાતાવરણ સર્જ્યું છે. જાણે કે ભ્રાન્તિઓનું જ વિશ્વ. ચારે બાજુ મૃગજળનો સાગર. તેમાં ડૂબતાં ઢીંગલાં જેવા લોકો. આ ગૂંગળાવી નાખતા વાતાવરણમાં હું કેદ થઈ ગયો છે. આમાંથી છૂટવું કેમ તેવી અકળામણ અનુભવતો હતો. પરંતુ દુઃખતા દાંત વચ્ચે ઠંડો આઇસક્રીમ અડતાં જ દુઃખાવો ઊપડે છે ને દાંતના દુઃખાવાએ મૃગજળના અતાગ ઊંડાણમાં ગરકી જતાં બચાવી લીધો. વરાહની જેમ હુંના દાંતે તેને બચાવી લીધો. મહેફિલમાં ભેગા થયેલો ભદ્ર વર્ગ દંભ અને ભૌતિક સુખોથી પોતાને સુખી હોવાના પ્રયત્નો કરે છે. ૪. વામનાવતાર : પૌરાણિક કથા પ્રમાણે વિષ્ણુના દશ અવતારમાંથી પાંચમો અવતાર. આચાર્ય શુક્રએ એમની સંજીવની વિદ્યાથી બલી તથા બીજા અસુરોને જીવિત કરી દીધા. રાજા બલીએ જીવન પ્રાપ્ત કર્યું. આસુરી સેના અમરાવતી પર ચઢી ગઈ. સ્વર્ગ ફરી મેળવવા ઇન્દ્ર વ્યાકુળ. પતિ મહર્ષિ કશ્યપની પ્રાર્થનાથી અદિતિના ગર્ભમાંથી વામનનો જન્મ. વામને યુક્તિ કરીને બલી પાસેથી ત્રણેય લોક પાછા મેળવ્યા ને બલી પર અંકુશ મેળવ્યો. આઘાતક અંતની પ્રયુક્તિ. છબી બદલાય જવાની ઘટનાથી સર્જાયેલ પરિસ્થિતિમાં કાશ્મીરાના પ્રત્યાઘાતો અને વાર્તાને અંતે તેનું સુખદ વિશમન. પતિ ધનવન્તે બીજી પત્નીને ખુશ કરવા મુંબઈથી એક પાળેલી બિલાડીની છબી મોકલવાનું કહેલુ પરંતુ ભૂલથી પ્રથમ પત્ની રેણુની છબી એના પિતાજીને ત્યાં મોકલવાને બદલે ધનવન્તને ત્યાં આવી ગઈ ને બિલાડીની છબી રેણુના પિતાને ઘેર! બીજી પત્ની કાશમીરા પૂર્વ પત્ની રેણુની છબીથી અસ્વસ્થ થઈ ગઈ. પોતાને પરાણે આવી પડેલી માનવા લાગે છે. ફોટો હવે ફોટો ન રહ્યો. ઓરડાની હવાના કણેકણમાં સૂક્ષ્મ રીતે વ્યાપી ગયો. ભીંસાવા લાગી. એનું કદ નાનું થતું ગયું. વાર્તામાં વળાંક, કાશમીરાના ગર્ભમાં જીવ ફરક્યો. એ ફરી હિંમતમાં આવી. ગર્ભમાંનો વામનજીવ પોતાનાં પગલાં નીચે પોતાના વિરોધીને દાબી દેવા તત્પર થયો. વાર્તાને અંતે રેણુની છબી પિતાના ઘેર મોકલવાની વાત થઈ ત્યારે કાશમીરાએ કહ્યું : ‘ના, ના, આ ઘર એનું પણ હતું જ ને?’ કાશ્મીરાની અસલામતીની લાગણી, ઘરમાં પોતે આગન્તુક છે, માલિક નથી તેવા ભાવનું બાળકનો જન્મ થવાની ઘટનાથી વિશમન થયું. એ જાણે કે વામનમાંથી વિરાટ બની ગઈ. વામનસ્વરૂપ ગર્ભસ્થ શિશુએ પોતાનું પ્રભુત્વ જમાવી દીધું. ૫. નરવાનરકથા : ચોટદાર અંતવાળી વાર્તા – એક જમાનામાં બધાંને ગમતું એવું એક રમકડું હતું, જેમાં વાંદરું જે ઉપર જતું હતું ને ત્યાંથી નીચે આવતું હતું. રમકડાંનાં વાંદરાંની આ ચડઊતરનો વાર્તાકારે વાર્તામાં વળાંક લાવવા માટે ઉપયોગ કર્યો છે. વાર્તાનું પાત્ર ‘વેલકમ સ્ટોર,’માં પ્રવેશે છે. ત્યાંથી વાર્તાની શરૂઆત થાય છે. વાર્તાનું પાત્ર સ્ટોરના બધા વિભાગોમાં ફરે છે, જુએ છે. જાહેરાતોનું જગત પણ હતું ‘ક્વીન્ક’ શાહીની જાહેરાત કરતી નમણી યુવતીનું ચિત્ર, તો બીજી બાજુ જિન્દગીનું ઉત્તમ સુખ તે અમુક પ્રકારની સિગારેટ પીવામાં જ છે એમ એક યુવક સ્મિતપૂર્વક સૂચવી રહ્યો હતો. અમુક ચૉકલેટ કે અમુક સાબુની જાહેરાત. Poisionની બોટલ જોઈ. માખીને ખંજરથી વીંધાતી બતાવી. એક પ્રૌઢ વયની સ્ત્રી હોઠે લીપસ્ટીક લગાડી રહી હતી. એ ‘યાર્ડલી’ના ઢગલાને જોઈ રહ્યો. એને થયું કે એ ખડકલાની નીચે નૈસર્ગિક સૌંદર્યની કબર ચણાઈ ગઈ હતી (જો કે આ વાર્તાકથકનો પ્રક્ષેપ છે). ખરેખર તો એણે આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો, સ્ટોરમાં ઝેરી દવા ખરીદવા આવેલો. ત્યાં એક ગર્ભવતી સ્ત્રીએ દુકાનમાં પ્રવેશ કર્યો એ પ્રવેશે વાર્તાના અંતને બદલી નાખ્યો. ગર્ભવતી સ્ત્રીએ સ્વેટર ગૂંથવાનું ઊન માગ્યું. ગર્ભાશયનું આચ્છાદન છોડે કે બીજું આચ્છાદન તૈયાર જ! સ્ત્રીનું સૌથી મોટું અર્પણ તે આચ્છાદન છે, ને એ આચ્છાદન કેટલું માયાવી હોય છે!’ આપઘાતના વિચાર કરતા યુવાનના મનમાં જીવન માટેનાં સ્પંદનો જાગ્યાં! જીવનનો સ્પર્શ! રમકડાંનો વિભાગ ખૂલ્યો. રમકડાં જ રમકડાં. ઢીંગલીઓની હાર. ત્યાં એની નજર વાંદરાનાં રમકડાં પર પડી. વાંદરાની ઉન્નતિ-અધોગતિના પલટા. માણસની દુનિયા પર રમકડાંની દુનિયાનો વિજય! મરવાની દવાઓને બદલે વાંદરાવાળું રમકડું બંધાવ્યું. મરવાનો નિર્ણય બદલી નાખ્યો. ચડતી-પડતીમાં સ્થિતપ્રજ્ઞ રહેવાનું જ્ઞાન મળ્યું. હસતા રહેવાનું જ્ઞાન. આપઘાતથી ફરી જીવન તરફ. જીવનની ઉત્ક્રાન્તિનું દર્શન! વાર્તાનો સ્ટોર આધુનિક જીવનનું ચિત્ર છે. ૬. અજાતકથા : ગર્ભાધાન પામતા જીવની કથા. કપોલકલ્પિતની યુક્તિ દ્વારા જન્મની ઘટનાને અટકાવવાના પ્રયત્નો, જન્મવું સજા છે. એ સંવેદનની અભિવ્યક્તિ. વાર્તાની કથનશૈલી હળવાશભરી છે. પણ તેનો ધ્વનિ જન્મ લેવો એ જાણે કે પીડા છે તેમાંથી મુક્તિ મળે તેના આનંદની વાર્તા. બૌદ્ધકથાનો સંદર્ભ. અજાતક કથા કહે છે! મારા ગર્ભાધાનના મુહૂર્તની રાતે એક ઘટના મને બહુ અનુકૂળ થઈ પડી. વિજયા શેઠાણી અને મનોહરદાસ શેઠને ઝઘડો થયો. પૃથ્વી પર ફરી જન્મવાની પરિસ્થિતિની બહુ નજીક હતો પણ ઝઘડાને કારણે એ ઘટના ઘટી નહીં. શેઠ-શેઠાણી વચ્ચેનો ઝઘડો ધીમે ધીમે જે ગંભીર રૂપ ધારણ કરે છે તે વિસંવાદનું વાતાવરણ દામ્પત્યજીવનનું ખોખલાપણું સૂચવે છે. આવી વિસંવાદી માનસિકતા જન્મને કયાંથી અનુકૂળ હોય? ૭. બે ચુમ્બનો : સન્નિધિકરણની પ્રયુક્તિથી ચાર પાત્રો અને ચકલીની ઉદ્વેગ અને અજંપાની દશાનું નિરૂપણ. બે ચુમ્બનોનું સન્નિધિકરણ આસ્વાદ્ય છે. વાર્તાની શરૂઆત થઈ છે ચકલીને ઉડાડી ઉડાડીને થાકી જતી અંજુની મનોદશાથી. ચકલી ઓરડાની બહાર નીકળતી નહોતી. પાસેના દીવાનખાનામાં અંજુના પિતા શ્રીપતરાય એ પણ અકારણ અધીરા. વિહ્‌વળ, દશેક સિગારેટ અર્ધી પીધી ન પીધી ને ફેંકી દીધી. દીવાનખાનામાં આંટા મારતા હતા (ચકલીની જેમ!). પત્ની મંજુ ભરત ગૂંથવામાં પરોવાયાં હતાં. અંજુ બારી આગળની આરામખુરશી પર બેઠી હતી. આનન્દ આજે પહેલીવાર એને ઘરે આવવાનો હતો. સ્વાભિવકતાનો ડોળ કરતી ખુરશી પર બેઠી હતી. મોગરાને અસંખ્ય કળીઓ. લીમડાની મંજરીની સુવાસ. શિરીષનાં ફૂલોની ક્ષીણ વાસ. સૂતેલી લાગણીઓ પ્રદીપ્ત કરે તેવું માદક વાતાવરણ. શ્રીપતરાય મંજુના દેહનું બારીક નિરીક્ષણ. એમના સ્મૃતિપટ પર એક ચિત્ર આવી ગયું. વાડીના હીંચકા પર બેઠી બેઠી વેણી ગૂંથવાને મંજુ સોયમાં દોરો પરોવી રહી હતી. શ્રીપતરાયને મંજુના દેહને સ્પર્શવાની ઇચ્છા, અંજુ આનન્દની રાહ જુએ છે. ત્યાં ચકલીએ બેસવાની જગ્યા બદલી. એક બદલાતી ગાઠવણો. બિલાડી ચકલીને ખાવા માટે આમતેમ આંટા મારે છે. શ્રીપતરાય મંજુના ખભાના સુડોળ માંસલ ઢોળાવને સ્પર્શવા માટે વ્યાકુળ. મંજુ પોતાની સ્વસ્થતા ટકાવવા મરણિયા પ્રયત્નો કરતી હતી ભરતકામમાં આંગળીઓ ફરતી જ રહી. રખેને સ્વસ્થતાનું નકલી આવરણ ખરી પડે. આ બાજુ નિદ્રાગ્રસ્ત, ભયત્રસ્ત ચકલીની ફફડતી પાંખો. પ્રત્યેક પાત્રની અંદર ફફડાટનું એ રૂપક છે. હવે વાર્તાનો અંત. બધાં પાત્રો પોતપોતાની ઇચ્છાઓ પાર પાડવા સક્રિય બને છે. શ્રીપતરાય ચોરપગલે મંજુના સોફા તરફ આગળ વધ્યા, બિલાડી ચોરપગલે કબાટ પર બેઠેલી ચકલી તરફ ગઈ અંજુ અંગૂઠા પર ઊંચી થઈને સહેજ ઊંચેના ફૂલોના ગુચ્છાને તોડવા મથતી હતી. ત્યાં આનન્દ ચોરપગલે અંજુ પાસે આવી કર્ણમૂળ પાસે ચૂમી લીધી. શ્રીપતરાયે મંજુના ખભાને ચૂમી લીધો. મંજુથી ચીસ પડાઈ ગઈ. બિલાડી ચકલીને મોઢામાં ઘાલીને ક્યાં જઈને બેસવું તેની શોધમાં આંટા મારતી હતી. બધાં પાત્રોએ ચોરપગલે પોતપોતાની ઇચ્છા સંતોષી. ક્યાંય સહજતા કે સ્વાભાવિકતા નહીં. બે ચુમ્બનો પણ કેવાં ભિન્ન. એકમાં વયસહજ પ્રસન્નતા ને બીજું કુણ્ઠિત સહજ નહીં. કામવૃત્તિનાં જૂજવાં રૂપો. ચકલીને બહાર કાઢવા મથતી અંજુ ને અંતે ચકલી ભક્ષ્ય બની બિલાડીની. અંતઃ શ્રીપતરાય કૅલેન્ડરનું પાનું ફાડતા હતા. દિવસ પૂરો થયો જાણે. દિવસનો બોજ ઉતર્યો જાણે. ઘટનાઓની એવી ગાઠવણી કરી કે અંતે અથડાઈ જાય છે. ૮. લોહનગર : પ્રાચીનકથાની કથનશૈલીનો નિરૂપણરીતિ તરીકે વિનિયોગ કરીને આધુનિક સંવેદનાનું નિરૂપણ. રાજા અને પ્રજા માટે સલામતીનો પ્રશ્ન મોટો છે. અંતે સુરક્ષાની દીવાલ ચણવાનું નક્કી થયું. એ દીવાલ ચણવાની શરૂઆત થવાથી સમગ્ર પરિવેશ બંધિયાર બની ગયો. માતાનાં હાલરડાં બંધ થયાં. બાળકોનું હસવું બંધ થયું. કેવળ ઓજારોનો અવાજ કાને સંભળાવા લાગ્યો. પંખીઓ બહાર રહી ગયાં. રાત પડી. અમાસની રાતથીયે ગાઢો અંધકાર. ક્યાંય જીવનસંચાર નહીં. એકલી નરી સુરક્ષિતતા. એ પણ સાવ આંધળી, મૂંગી-બહેરી. ‘પૃથ્વીના અંગ પર પડેલું ઘારું’ સુરક્ષાની વૃત્તિએ જીવનને માંદલું રુગ્ણ બનાવી દીધું. પ્રાચીન કથાની કથનશૈલી વડે મનુષ્યની ચેતનાને છિન્નભિન્ન કરતી યંત્ર સંસ્કૃતિની ભયાનકતાને નિરૂપી છે. અસુરક્ષા અને અસલામતીના ભયથી જીવનની નૈસર્ગિક ગતિનો અંત. પ્રકૃતિથી વિચ્છેદ. વાર્તાનો ધ્વનિ ગૂંજે છે કે વીસમી સદીની માનવપ્રજા ભયભીત છે યુદ્ધના આક્રમણને કારણે તેથી સુરક્ષા માટે દરમાં ભરાઈ જાય છે. વાર્તાકારે યુદ્ધના ભયથી ડરતી માનવપ્રજાના અંધકારમય ભાવિનું દર્શન રજૂ કર્યું છે. પ્રાચીનકથાની શૈલીને કારણે વાર્તાની અસર વધુ તીવ્ર બની છે. ‘લોહનગર’ સંજ્ઞા યંત્રસંસ્કૃતિના ફેલાવાનું વિશાળ કદ સૂચવે છે. ઓજારોના અવાજથી કંપતી પ્રજા! ૯. ઢીંગલી, કુસુમ, પદ્મિની, સુએઝ.... : [ચિ. તોત્ઝુકાની પ્રથમ વર્ષગાંઠની સ્મૃતિમાં] કુસુમ જિદ્દી છે રવિવાર નથી છતાં રવિવારને બોલાવવા માટે જિદ કરે છે. બાળસહજ જિદની હળવાશ. રવિવારની ડૂબી જવાની બાળવાર્તા કહે છે પિતા કુસુમને શાંત કરવા. રવિવારને દરિયાદાદાના પેટાળમાં નાનીશી છીપલીની કેદમાં છે ત્યાંથી છોડાવવાના ઉપાયો. ‘ટાઇમ્સ’ વાંચવાની ઉતાવળ છોડી દે છે. એક તરફ કુસુમની બહાર જવાની જિદ વારંવારની ને સમાંતરે ‘ટાઇમ્સ’માં આવેલા અમેરિકાએ હાઈડ્રોજન બૉમ્બના કરેલા ધડાકાના સમાચાર. ગંગા નદીમાં ડૂબી ગયેલી હોડી. કુસુમ સાથે વહાલભર્યો સંવાદ ને દુનિયામાં સર્જાતી જતી વિનાશક ઘટનાઓ. અંતે નવી ઢીંગલી બનાવવાનો વિચાર ને છાપાંના કટીંગમાંથી બનવા લાગી નવી ઢીંગલી. વિનાશક સમાચારોનાં છાપાંના કટીંગને પાણીમાં પલાળીને ગૂંદી નાખ્યાં. સમાચારો પર ફરતી કાતર અને તેને ગૂંદી નાખવાની પ્રક્રિયા પ્રતીકાત્મક છે. દુનિયાની આઘાતક, હિંસક ઘટનાઓનો અંત નિર્દોષતાથી આવી શકે છે. એ વિનાશકતાનું સર્જનાત્મક વૃત્તિમાં રૂપાન્તર. કુસુમ માટે હસતાં-રમતાં નવી ઢીંગલી બનાવવાની ઘટના મનુષ્યની સર્જનાત્મક શક્તિનો મહિમા કરે છે. વાર્તાને આરંભે જિદ્દી કુસુમ વાર્તાને અંતે ખળખળ હસતી ઢીંગલી બની ગઈ. નિર્દોષતા, વાત્સલ્ય, મુક્ત હાસ્ય તેવી જીવનપોષક ભાવનાઓ નકારાત્મક વૃત્તિઓનું રૂપાન્તર કરવા સક્ષમ છે. કુસુમ માટે ઢીંગલી બનાવવાની ઘટના કેવા સૂચિતાર્થો સર્જે છે! ૧૦. રૌરવ : એક નરક આધુનિક નરકની ભયાવહ સૃષ્ટિ. યંત્રસંસ્કૃતિએ અમાનવીયની પ્રક્રિયાથી એક ભયાનક નરક સર્જ્યું છે. વાર્તાના આરંભે કઠેરા પર ઝૂકીને પત્નીએ કહ્યું... ‘વહેલા’ પણ આવજો’ અશ્વિને પત્નીનો હોઠ ચૂમી લીધો. પ્રણયની મધુરની અનુભૂતિથી આનંદિત અશ્વિને ઑફિસમાં પગ મૂક્યો રોજની જેમ અને મૂકતાંની સાથે જ વાતાવરણ દુઃસ્વપ્ન જેવું લાગ્યું. ‘ટાઇપરાઈટર’નો એક સરખો અવાજ, ‘લિફ્ટ’, કીડીની હાર જેવા માણસો, ઑફિસની ભયાવહ રચના. સળંગ કાઉન્ટર, વચ્ચે વચ્ચે હાથ બારી, કાઉન્ટરની ખુલ્લી બારીમાંથી બહાર આવતા હાથનું રૂ૫! નસો બધી ફૂલી આવેલી, આંગળીઓ ગાંઠા ગાંઠા વાળી. એને જુદા જ પ્રાણીઓનો દેશ લાગ્યો. દુઃસ્વપ્નની આબોહવામાં સાંજ સુધી ગૂંગળાતો અશ્વિન બહાર નીકળે છે ઘેર જવા માટે ત્યારે એક માર્મિક ઘટના ઘટે છે. કોટના ખિસ્સામાં હાથ નાખતાં હાથની આંગળીને કશીક પરિચિત વસ્તુનો સ્પર્શ થયો. એ વસ્તુને બહાર કાઢી. વિદાય આપતી પત્નીના અંબાડોમાંથી ખરી ગયેલું એક ફૂલ હતું. એને હાથમાં રમાડતો રમાડતો એ ઘર તરફ વળ્યો. મોઢા પર હાસ્ય! નરકથી મુક્તિ. પ્રેમથી સર્જાતું સ્વર્ગ. પ્રેમ જ મોટું બળવાન મૂલ્ય છે નરકના અનુભવને ભૂલવા માટે. એક ફૂલનું સૌંદર્ય, પ્રેમના મીઠા બે શબ્દો પૂરતાં છે નરકની સામે ટકવા માટે! ૧૧. ઉપેક્ષિતા : આઘાતક અંતમાં નિર્વહણ પામતી વાર્તા. એક ગરીબ કુટુંબ. આર્થિક ભીંસથી પીડાતું. સમસ્યાગ્રસ્ત. વાર્તાનો આરંભ. રવિવારે ‘ઓવરટાઇમ’ કર્યા બદલ પાંચ રૂપિયા વધારે મળે છે. પાંચ રૂપિયાની નોટને એ પોતાના ખિસ્સાની અંદર એની પાંચ આંગળીઓ વચ્ચે રમાડી રહ્યો હતો. નોટને રમાડવી તે એને માટે પ્રસન્નતા હતી. પાંચ રૂપિયાથી શું શું ખરીદી શકાય? એક તરફ મોટી આર્થિક ભીંસ ને તેની સામે પાંચ રૂપિયાની નોટ! તે ઘરે આવ્યો. ઘરમાં અંધારું હતું. નાનો ભાઈ રખડુ. અપરાધ કરતો હતો, બાપ ત્રસ્ત છે. બધાં જીવતાં છતાં કબરમાં દટાઈ ગયાં હતાં. બધાં હાલતાં ચાલતાં હતાં પણ તે કબરની અંદરના કીડાની જેમ. મૌન અને અંધકારના ઢાંકણ નીચે બધું ઢંકાઈ ગયું હતું. ઘરમાં ઉંદરો. બહેન ભોંય પર જ સૂઈ ગઈ હતી. ત્યાં શિશુએ અવાજ કર્યો ને ઘરની અંદરનો અન્ધકાર હાલી ઊઠ્યો. ધીમે ધીમે નિસ્તબ્ધતાની વજ્રની કિલ્લેબંધી તૂટી. વાર્તાકારે એક અભાવગ્રસ્ત ઘરનું બિહામણું વાતાવરણ સર્જ્યું છે. એણે કોટ ઉતારતાં ખિસ્સામાંથી પેલી પાંચ રૂપિયાની નોટ કાઢીને એણે એક ચોપડી નીચે દબાવીને મૂકી. એને ઝોકું આવી ગયું. તંદ્રામાં નવાં નવાં દૃશ્યો દેખાય છે. રોશનીથી ઝાકઝમાળ રાજમહેલ છે. ચારે બાજુ દર્પણોથી મઢેલી ભીંત છે. પાંચનો આંકડો. પિતા, ભાઈ, બહેન, પત્ની, મા, દીકરો બધાં એને બાઝી રહ્યાં છે. બધાંને પૈસાની ખેંચ પરેશાન કરે છે. વાર્તાનો આઘાતક અંત : એ જાગે છે ને જુએ છે તો એના દીકરાએ ચોપડીનાં ચારેક પાનાં તો ફાડી નાખ્યાં છે, તે એની નીચે દબાવેલી પાંચ રૂપિયાની નોટને હાથમાં લઈને ફાડી રહ્યો છે, એ નોટના ફાટવાના ચર્‌ર્‌ અવાજને સાંભળી રહ્યો. ઘરની સમસ્યાઓ સામે પાંચની નોટની તો કોઈ કિંમત જ નહોતી કે બધા પ્રશ્નો ઉકેલી દે. ખરેખર તો એ પહેલેથી જ ફાટેલી જ હતી! ૧૨. વસ્ત્રાહરણ : આઘાતક અંતની પ્રયુક્તિ. ઘટના વડે ઘટનાનો છેદ ઉડાડવાની યુક્તિ. વાર્તાનાં ત્રણ પાત્રો. કિશોરીદેવી, રમણલાલ શેઠ અને યુવાન વયની મજૂરણ બાઈ. કિશોરીદેવી હવે બહુ સુંદર નહોતાં લાગતાં. એની કાયાની આજુબાજુ ચરબીના લોચા ખડકાયેલા હતા. એ લોચા છુપાવવા માટે સૌંદર્યપ્રસાધનો વાપર્યાં. કિશોરીદેવી બે વાર બહાર નજર કરે છે. પહેલીવાર નજર કરી તો લુંગી પહેરેલા કેટલાક મુસલમાન ખાટકીઓ તાજા જ હલાલ કરેલાં ઘેટાં-બકરાંનાં માંસના લોચા લોહી નીતરતી કોથળીમાં ભરીને રસ્તા પર થઈને ચાલ્યા જતા હતા. માંસના લોચા લોહી નીતરતી કોથળીનું કિશોરીદેવીના શરીર સાથે સામ્ય. કિશોરદેવીને જુગુપ્સા થાય છે ને શરીરનું બેડોળપણું ઢાંકવા ‘વૉર્ડરોબ’ ખોલે છે. હેન્ગર પર રમણલાલ શેઠે આપેલી ઘણી સાડીઓ ઝુલતી હતી. સુંદર દેખાવાની ઘેલછા ઉપડી હતી. કિશોરીદેવી બીજી વાર ફરી બહાર નજર કરે છે. શેઠની પ્રતીક્ષા કરે છે. ત્યાં એમના કાને કશુંક રસ્તા પર એકાએક પડી ગયાનો અવાજ થયો. બાલ્કનીમાંથી જોયું તો યુવાનવયની એક મજૂરણ બાઈ મુશ્કેલીમાં હતી. ડાલડાના ડબ્બા દોરી તૂટી જતાં રસ્તા પર વેરાઈ ગયા હતા. એનું શરીર ઘાટીલું હતું. સાંજની રતાશ પડતી ઝાંયમાં રસાઈને એ વધારે મોહક લાગતું હતું. અંગેઅંગમાં સ્વાસ્થ્યની ખુમારી. શરીર પરનું લૂગડું ખેંચી કાઢ્યું. શેઠના મોઢામાંથી બીભત્સ સિસકાર નીકળી ગયો. એ સિસકારી સાંભળી કિશોરીદેવી રોષથી ધૂંઆપૂંઆ. પલંગ પર ફસડાઈ પડી. અંગ પરની સાડી ઉતારીને દૂર ફગાવી દીધી. મજૂરણ બાઈના કુદરતી સૌંદર્યએ કિશોરીદેવીના કૃત્રિમ સૌંદર્યની વિરૂપતા છતી કરી દીધી. જેને માટે કલાકોથી સૌંદર્યપ્રસાધનો વાપરીને સુડોળ દેખાવા મથતા હતા એ શેઠને મજૂરણબાઈના સૌંદર્યનું આકર્ષણ હતું. એક ગરીબ મજૂરણબાઈએ પોતાના કુદરતી સૌંદર્યથી ધનવાન કિશોરીદેવીનાં વસ્ત્રો હરી લીધાં. એમની અંદરની વિરૂપતાને ઉઘાડી પાડી દીધી. કિશોરીદેવીનું વસ્ત્રાહરણ પ્રસાધનોથી રૂપાળા દેખાવાના પ્રયત્નોની નિરર્થકતા સૂચવે છે. ૧૩. થીગડું : આ સંગ્રહની ઉત્તમ વાર્તા. આ વાર્તામાં ગરીબી છે, અછત છે, મરણ છે, પણ તેનું નિરૂપણ સંયત સૂરમાં છે. કરુણની નિષ્પત્તિ ભાવક ચિત્ત પર ઘેરી અસર પાડે છે. વાર્તાકારે કથન-વર્ણન-આલેખન વડે પ્રભાશંકરની જિજીવિષાનું રૂ૫ સર્જ્યું છે. પ્રતીકની પ્રયુક્તિની સાથે વાર્તામાં વાર્તા ગૂંથવાની રચનારીતિનો વિનિયોગ કર્યો છે. એ કથાને કારણે પ્રભાશંકરની વેદના તીવ્ર બની છે. વાર્તાનાં પાત્રોનું ગૃહસ્થજીવન ગરીબીને કારણે અભાવગ્રસ્ત છે. પાત્રોના સ્મૃતિવ્યાપારોનું નિરૂપણ ખૂબ જ કાર્યસાધક છે. પ્રભાશંકર અને પારવતી ડોશીનો સંસાર તકલીફો ભરેલો છે. ક્યાંય આશા નથી નવા ભવિષ્યની. એ જ રીતે બસ થીગડાં મારતાં મારતાં જીવવાનું.

વાર્તાનો સૂચક આરંભ :

‘પશ્ચિમમાં ક્ષિતિજ ૫૨ વાદળાં છવાયેલાં હતાં તેથી આથમવા આવેલા સૂરજની રતૂમડી આભા દેખાતી નહોતી. જાણે કોઈ નાગણે બટકું ભરી અંધારના ઝેરની કોથળી ઠાલવી દીધી. એ ઠલવાયેલો અંધકાર પ્રભાશંકરને પણ ચારે બાજુથી ઘેરી વળ્યો.’ સાંજના અંધકારમાં બહાર નીકળતાં પ્રભાશંકરને કેટલીક સ્મૃતિઓ તાજી થાય છે એ સ્મૃતિઓ એમના ગરીબ ને સંઘર્ષભર્યા સંસારજીવનને વ્યક્ત કરે છે : પ્રભાશંકરનો કોટ એનો દીકરો મણિશંકર મિલિટરીના સસ્તે ભાવે કાઢી નાખેલાં કપડાંમાંથી લઈ આવેલો. કોટ પર થીગડાં મારવાનું કામ પત્ની પારવતી કરતાં. એ ગુજરી ગયાં પછી હવે પ્રભાશંકર થીગડાં મારતા. પ્રભાશંકર સોયમાં દોરો પરોવી ના શક્યા એ વખતે દયાશંકરનો મનુ આવે છે ને મનુ શરત મૂકે છે કે જો પ્રભાશંક૨ વાર્તા કહે તો સોયમાં દોરો પરોવી આપે ને આ શરતથી વાર્તા વળાંક લે છે ને (૧) રાજકુમાર ચિરાયુની વાર્તા પ્રભાશંકરની વેદનાને વધુ તીવ્ર બનાવે છે. ચિરાયુને મળેલું કાયમ યુવાન રહેવાનું વરદાન જ એમની કરુણ જિંદગીનું કારણ બને છે. માતા-પિતાના નિસાસાથી જ મરણમુક્તિ માટે મળેલ રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું ને એ વૃદ્ધ બની ગયો. એ ફાટેલું વસ્ત્ર એ જ સાંધી શકે જે પાપરહિત હોય ને એમની જિંદગીનાં વર્ષો આપે. ચિરાયુ વસ્ત્ર સંધાવા માટે ભટકતો રહે છે ત્યારે મનુએ સવાલ કર્યો કે એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું? આપણે બે મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું. પ્રભાશંકર સોયદોરો કાઢી લઈને ઊભા થયા ને ઘરની અંદરના અન્ધકારમાં અલોપ થઈ ગયા. જિજીવિષા રૂપી ફાટેલું વસ્ત્ર ઉતારીને ફેંકી શકાતું નથી પરંતુ તેને સતત થીગડાં મારતાં રહેવાની, સાંધતા રહેવાની મનુષ્યની કરુણ નિયતિનો ધ્વનિ ‘થીગડું’ શબ્દમાંથી સાંભળી શકીએ છીએ. સાંજનો અન્ધકાર, પ્રભાશંકરનું જીર્ણ સંસારજીવન, જિજીવિષાથી મુક્ત થવાની અશક્તિ સમગ્ર મનુષ્યજીવનની અસ્તિત્વગત કરુણતાને વ્યંજિત કરે છે.

GTVI Image 36 Apich.png

સુરેશ જોષીનો ત્રીજો વાર્તાસંગ્રહ ‘અપિ ચ’ (પ્ર. આ. ૧૯૬૩) આ સંગ્રહમાં દસ વાર્તાઓ. ત્રીજા સંગ્રહની વાર્તાઓનું વિશ્વ આગળના બે સંગ્રહ કરતાં જુદું છે. ત્રીજા સંગ્રહથી સુરેશ જોષી વાર્તાઓ નારીપ્રેમ, પ્રકૃતિ અને મરણ એમ ત્રણ વિષયોને આલેખે છે. વાર્તાનાં ગતિસાધક ઘટક છે કલ્પનો અને પરાવાસ્તવિક જગતનાં દૃશ્યો. પ્રકૃતિનું આદિમ વિસ્મય અને ભયાવહ રૂપ, એની સામે વીસમી સદીની રુગ્ણ સંસ્કૃતિનું બિહામણું રૂ૫. મનુષ્યની અસ્તિત્વગત શૂન્યતા, સ્થગિતતા અને મરણભીતિને આંતરચેતના પ્રવાહ, પરાવાસ્તવિક દૃશ્યો અને પ્રણયભાવનાં સૂક્ષ્મ ઋજુ કલ્પનો વડે આકાર આપ્યો છે. અવકાશ, સમયનાં નવાં રૂપો. વસ્તુજગતનું રૂપાન્તર અસ્તિત્વની તીવ્ર અનુભૂતિ. પૃથ્વી અને બ્રહ્માંડનો અમાપ વિસ્તાર, વાર્તાકારની બૃહદ્‌ ચેતનાના સંસ્પર્શે નવી સૃષ્ટિનો આવિર્ભાવ જ્યાં પાર્થિવ જગતનાં રૂપો તિરોધાન પામ્યાં છે.

૧. ‘એક પુરાણી વાર્તા’ શૂન્યની અનુભૂતિનું સ્પર્શક્ષમ નિરૂપણ છે. ઘડિયાળના કાંટાથી ફરતા સમયની ભૌતિક ગતિથી મુક્ત ચેતનાની સમયહીનતાની ગાઢ સંવેદનાનું નિરૂપણ. એ ચૈતન્યસભર સંવાદી સૃષ્ટિનું રૂપ વિશિષ્ટ આનંદ આપે છે. જાણે ગતજન્મોની સૃષ્ટિમાં હોવાની અનુભૂતિ. સર્વવ્યાપી વેદનાની પણ અનુભૂતિ! મનુષ્યની અંતઃચેતનાના અગ્રાહ્ય ખંડોની ગાઢ અનુભતિને કાર્યકારણથી મુક્ત કથનરીતિ વડે રૂપ આપ્યું છે. ૨. ‘એક મુલાકાત’ વાર્તામાં મુલાકાત માટે જનાર અને મુલાકાત આપનાર વચ્ચેનો ઉચ્ચાવચતાનો સંબંધ એક તાણ ઊભી કરે છે તે તાણનું નિરૂપણ છે. વાર્તાનું પહેલું વાક્ય જ એ માનસિક તાણને સૂચવે છે : ‘આખરે હિંમત કરીને મેં શ્રીપતરાયને મળવા જવાનું નક્કી કર્યું. ત્યારથી જ જે કાંઈ કર્યું વિચાર્યું તેના પર એનો પાસ બેસી ગયો. આખરે શબ્દ સૂચવે છે કે વાર્તાનું પાત્ર હું શ્રીપતરાયના દમનકારી સ્વભાવથી પરિચિત છે. હુંના મનમાં શ્રીપતરાયની સત્તાનો જે દાબ છે તે આખી વાર્તામાં અનુભવાય છે. ‘બારણું ખૂલ્યું. અંદરના વેન્ટિલેટરના કાચ પરથી પરાવર્તિત થઈને આવતો તડકો જાણે કોઈએ ડૂચો વાળીને મારી ભણી ફેંક્યો હોય તેમ આંખ સાથે અથડાયો. ‘આપનું સમ્બોધન સાંભળીને મને આજુબાજુની દુનિયા સાથેની મારી વિચ્છિન્નતાની ખાતરી પૂરેપૂરી થઈ ગઈ ‘ખુરશીનું ચોકઠું જાણે મને પૂરેપૂરું ગળી ગયું’ હુંની શ્રીપતરાય સાથેની વાસ્તવિક નહીં પણ ચૈતસિક-આભાસી મુલાકાત હુંની ભયગ્રસ્ત છિન્ન ચેતનાને વ્યક્ત કરે છે. તેથી વાસ્તવમાં જ્યારે મુલાકાતનો સમય આવે છે ત્યારે તે ડરનો માર્યો જતો રહ્યો. ૩. કપોલકલ્પિત : કથાસાહિત્યલેખન માટે પ્રયોજાતી કપોલકલ્પિત એક પ્રયુક્તિ છે. પરંતુ અહીં વાર્તાકારે કપોલકલ્પિત સૃષ્ટિની વિરોધે વિઘાતક સૃષ્ટિની સન્નિધિ દ્વારા શૂન્યતા અને વેદનાનું વિશ્વ સર્જ્યું છે. ગામનું પાદર. ઘટાદાર લીમડા, ને તેની ઘટાના સ્પર્શે જૂની સ્મૃતિઓ જીવંત થઈ ઊઠે. કિશોરવયની સખીનું પ્રાકૃતિક રૂપ તાજું થઈ જાય છે. એ નામની સીમામાં બંધાઈ રહે તેવી નહોતી. એના દેહરચનાની પ્રક્રિયા પરીકથા જેવી. પૃથ્વીનાં સર્વે સર્જનાત્મક તત્ત્વોએ એને ઘડી હતી. સતત કશુંક ધારણ કરે ને રૂપાન્તર થયા કરે. રૂપાન્તરની સૃષ્ટિ જાણે. ‘એની મોટી મોટી શાન્ત આંખોમાં તમે મીટ માંડો તો એમ લાગે કે કોઈ ઊંડા સાગરને તળિયે તમે નાના કાંકરાની જેમ પડ્યા છો ને ચન્દ્રનું કિરણ તમને શોધતું દોડ્યું આવે છે. એનો ઊડતો પાલવ તમને સહેજ સરખો અડી જાય તો એના સ્પર્શે તમારાં સાતેય આવરણ સરી પડે. કોમળતા, મોહકતાનું વાતાવરણ હતું. એ સૃષ્ટિ હવે આજે અદૃશ્ય થઈ ગઈ છે. ઝેર અને આંસુની સૃષ્ટિ. બધાં હૈયે તાળાં. આંખો સૂની, ખેદાન-મેદાન થઈ ગયેલી યુદ્ધભૂમિના જેવી. માણસના બે શ્વાસ વચ્ચે, હૃદયના ધબકારની વચ્ચે તસુભર જગ્યા શોધી. એ જગ્યા ય ખાલી નહોતી. મરણનો પડછાયો ક્યારનોય સંતાઈને બેઠો હતો. ઘણીવાર આપણો શ્વાસ એનાં હીબકાંથી ધ્રુજી ઊઠે છે. રૂપાન્તરની સૃષ્ટિના અંત પછીનું નિર્જીવ, ભયાવહ અને શૂન્ય જગત આપણી વાસ્તવિકતા છે. ૪. રાક્ષસ : ‘રાક્ષસ’ વાર્તા સુરેશ જોષીની જ નહીં, પરંતુ ગુજરાતી ભાષાની ઉત્તમ ટૂંકી વાર્તા છે. આગળની ‘કપોલકલ્પિત’ વાર્તા સાથે ‘રાક્ષસ’ વાર્તા વિષયવસ્તુ અને નિરૂપણરીતિ એમ બંને રીતે સામ્ય ધરાવે છે. વાર્તાનો આરંભ : ‘મારી પથારી પાસેની છજામાં પડતી, બારી પર એક કાંકરો આવીને અથડાયો, તરત જ બીજો કાંકરો આવીને અથડાયો. હું સફાળો બેઠો થઈ ગયો. આજુબાજુ સૂતેલું કોઈ જાગી નહિ જાય એમ, ચોરપગલે, નીચે ઊતર્યો. ઓસરીમાં ઝીણું કરીને રાખેલું ફાનસ હોલવી નાખ્યું. વદ ચોથનો ચન્દ્ર ઊગવાનો આભાસ જ હજી પૂર્વમાં હતો. એના ધૂંધળા અસ્તરમાં બધું લપેટાઈ ગયું હતું. વાર્તાનો અંત : ....ઘણાં વરસો પછી હું એને મળવા ગયો. કરોડરજ્જુના ક્ષયથી પીડાતી એ ઇસ્પિતાલમાં પથારીવશ હતી. મને જોઈને એની આંખ ચમકી ઊઠી. એના હાથ-પગ સળવળી ઊઠ્યા એ બેઠી થવા ગઈ, બાજુમાં ઊભેલી નર્સે એને સુવડાવી દીધી. એણે પાસેના ટેબલ પર પડેલા મોસંબીના બે બી લઈને એક પછી એક સામેની બારી પર ફેંક્યાં. હું સફાળો ઊભો થઈ ગયો. એણે મારો હાથ ખેંચીને પાસે લીધો. પોતાની આંગળીથી મારી હથેળીમાં લખ્યું : ‘રાક્ષસ!’ વાર્તાના આરંભના સ્થળ, કાળ, વાતાવરણથી વાર્તાના અંતના સ્થળ, કાળ, વાતાવરણ એકબીજાથી સાવ જ જુદાં છે. ધૂંધળા અસ્તરમાં લપેટાયેલી વન્યસૃષ્ટિને સ્થાને ઇસ્પિતાલમાં ક્ષયગ્રસ્ત જીવનનું વાસ્તવ. સમયના બે ખંડ વચ્ચેનો મૂળગામી ભેદ પ્રકૃતિની વિસ્મયભરી સૃષ્ટિનો વિનિપાત સૂચવે છે. વાર્તાનો પ્રથમ ખંડ મોટો છે. બીજો ખંડ સાવ જ ટૂંકો છે. પ્રથમ ખંડમાં હુંને એની કિશોરવયની સખી પ્રકૃતિની વિવિધ રૂપો સભર સૃષ્ટિનો સૌંદર્યદૃષ્ટિથી પરિચય કરાવે છે. એ સૃષ્ટિ વિસ્મય, ભય, રાક્ષસ, ડાકણ, પરી, પંખી, ફળ, તમરાં, અંધકારથી સભર છે. ભોળા ભૂવાએ બનાવેલું અદ્‌ભુત તાવીજ, ઘુવડની આંખની ભસ્મ, વાઘની મૂછનો વાળ, સાત આમલીના ઝુંડવાળા રાક્ષસનો દાંત, આવી કાંઈ કેટલીયે વસ્તુમાંથી બનાવેલું તાવીજ. દુનિયામાં પરી પણ છે ને રાક્ષસ પણ છે. રાક્ષસ વધતા જ જાય છે. માણસના હાથે માણસના લોહીનું ટીપું પડે એટલે એક ટીપાંમાંથી સો રાક્ષસ થાય. પાકું સીતાફળ. એ ધોળી પેશીઓ. ગામની માલી ડાકણના બે દાંતનું ખાતર નાખીને ઉછેરેલી સીતાફળી. તમરાંનો અવાજ એ અન્ધકારના તન્તુ સાથે તન્તુને ગૂંથવાનો છે. મેલીવિદ્યા. કાપેલો મરઘો. ટપકતું લોહી. તળાવડીની શેવાળની અંદર પૂરાઈ રહેતી સૃષ્ટિ, લાખા વણજારાની વાત. ‘એના પગ સળવળી ઊઠ્યા... પરોઢને સમયે બંને પાછા ફર્યા ત્યારે એ માયાવી સૃષ્ટિમાંના ભૂલા પડેલાં પ્રવાસીની જેવાં સાવ અજાણી દુનિયામાં આવી ચઢ્યાં હોઈએ એવો અનુભવ થયો. વાર્તાનો બીજો સાવ નાનો ખંડ જેમાં કિશોરવયની મુગ્ધ સખી ઇસ્પિતાલમાં કરોડરજ્જુના ક્ષયથી પીડાતી પથારીવશ હતી. જે કિશોરવયમાં ઊડતી હતી, પગમાં ગતિ હતી, સૃષ્ટિનાં વિસ્મયસભર અને અદ્‌ભુત તત્ત્વોનો આનંદ લેતી હતી હવે મરણપથારીએ પડી હતી. હુંની હથેળીમાં ‘રાક્ષસ’ લખે છે ત્યારે એ રાક્ષસ શબ્દના અનેક અર્થો ભાવક ચેતનામાં ધ્વનિત થાય છે. કિશોરવયમાં પરીકથાની સુષ્ટિનો રાક્ષસ, એ રાક્ષસને જેર કરવા માટેનો ઉત્સાહ, માણસ માણસનું લોડી વહેડાવે તેમાં યુદ્ધના રાક્ષસનો ધ્વનિ, રાક્ષસનું હોવું એ ટાળી ન શકાય તેવું માનવનિયતિનું વાસ્તવ, ક્ષયગ્રસ્ત, પથારીવશ, જાણે મરણના રાક્ષસથી પીડાતી અને વીસમી સદીને ગ્રસી જતો રુગ્ણતાનો રાક્ષસ. ૫. વરપ્રાપ્તિ : ‘વરપ્રાપ્તિ’ વાર્તા વરને પ્રાપ્ત કરવાની મુગ્ધ પ્રકિયાનું અતિ કોમળ નિરૂપણ છે. સ્ત્રીપાત્રનું નામ લવંગિકા છે. વાર્તાનું પાત્ર હું લવંગિકાનું આંતર સંવેદનશીલ રૂપ આકારે છે તે આકાર જ આસ્વાદ્ય છે : ‘હું ઓરડામાં દાખલ થયો ત્યારે એ પશ્ચિમ તરફની બારી પાસેની ટિપોય પરની ફૂલદાનીમાં ઘૂંટણિયે બેસીને, મૅગ્નોલિયાનાં ફૂલો ગોઠવતી હતી. મારા આવ્યાની એને ખબર તો પડી જ હશે પણ એ એણે મને જાણવા દીધું નહીં.’ ‘લવંગિકાની આ એક ખૂબી છે. પોતાના વ્યક્તિત્વનો અંચળો ગમે ત્યારે ઉતારી નાખીને એ આપણી વચ્ચે હોવા છતાં દૂર સરી જઈ શકે છે’ ‘દીવો સળગાવ્યો. નાની શી જ્યોતથી એની ચિબુકથી તે સીમન્તરેખા સુધીની સીધી લીટીમાં પ્રકાશની ધાર અંકાઈ ગઈ’ આ ત્રણ સંદર્ભો હુંનો લવંગિકા તરફનો અનુરાગ સૂચવે છે. આ ક્ષણોમાં અતુલ આવવાનો છે એ વાત બધું ભારેખમ બનાવી દે છે. અતુલ સાથેના લવંગિકાના લગ્નની વાત. પણ બંને વચ્ચે વહેતો શાન્ત પ્રણયપ્રવાહ નવી દિશા તરફ ગતિ કરી જાય છે ને રોષના ભાવ સાથે, આંસુની ભીનાશ સાથે, અપ્રગટ પ્રેમની સ્વીકૃતિ. વરપ્રાપ્તિની ક્ષણ પ્રણયભાવનું સંકુલ રૂપ છે. ૬. ઝેર : ‘ઝેર’ વાર્તા કુંઠિત ને જુગુપ્સાજનક કામવાસનાનાં અગ્રાહ્ય રૂપોનું નિરૂપણ છે. હકૂમતરાયની વાસના, એ વાસનાની ભીંસ ને તેના સંતોષ માટેના વિકૃત પ્રયત્નો વાર્તાનું કેન્દ્ર છે. કામવાસનાપીડિત પુરુષની ભાવશબલતાનું કલ્પનો વડે નિરૂપણ. કલ્પનો સીમિત સંદર્ભને વ્યાપક સંદર્ભમાં વિસ્તારીને વ્યંજના સિદ્વ કરે છે. ‘એ આભાસના સંગાથથી ટેવાઈ જવાના જ કદાચ હવે દિવસો આવ્યા. ઇજિપ્તના પિરામીડમાંના મમીની ત્વચા પર જેવો ચળકાટ હોય છે તેવો એ ચળકાટ લાગતો હતો. એમાં ઉછીની ચમકથી જીવવા મથતી નિષ્પ્રાણતાની લાચારી હતી. વાર્તાકારનો કુંઠિત કામવાસના તરફનો અભિગમ નૈતિક કે સામાજિક નથી. ‘પથારીમાં અસ્તવ્યસ્ત વસ્ત્ર થવાને કારણે પત્નીની સાથળ ખુલ્લી પડી ગઈ હતી. લબડી પડેલી ચરબીવાળી એ સાથળ પર પડતો તડકો જોતાં એમને જુગુપ્સા ઊપજી હતી.’ હકૂમતરાયે બેચેની કંટાળાથી છૂટવા બારીઓ ખોલી નાખી. પત્ની, પુત્ર, ભાવિ પુત્રવધૂ અને સહિયરોના અવાજો આવતા હતા. હકૂમતરાયની પીડતી ભીંસતી કામવાસનાનું આક્રમક રૂપ. ‘તેજાબથી નસ્તર મૂકીને આખી ખાલ ઊતારી નાખી નાસી છૂટવાનું એમને મન થયું. ત્યાં પત્ની ઉપરના ઘરમાં આવે છે. ‘ચરબીથી સ્ફીત સ્તન શરીરની સહેજ સરખી હિલચાલથી ઊછળતાં હતાં.’ ભાવિ પુત્રવધૂ આવી ચરણસ્પર્શ કરવા આવી ત્યારે, ‘ભાવિ પુત્રવધૂના વાળની લટના રેશમી સ્પર્શે લલચાઈને હાથ સહેજવાર વધારે માથા પર રહ્યો. ગરદન પરની રૂંવાટીનો હકૂમતરાયને સ્પર્શ થયો. સ્ફીત માંસલતાને નહોર ભરી લેવાની એમને ઇચ્છા થઈ. વાર્તાને અંતે એક પ્રતીકાત્મક ઘટના ઘટે છે. ખેંચાખેંચમાં લૉકેટ (હકૂમતરાયનું) નીચે પડી ગયું. અંદરથી ફોટો ન નીકળ્યો. પડીકી નીકળી. લખ્યું હતું ઝેર. દીકરો ને પુત્રવધૂ હેબતાઈ ગયાં. પત્ની ડૂસકાં ભરવાં માંડ્યાં. કામવાસનાનું ઝેર શરીરમાં પ્રસરી ગયું હતું. પુત્રવધૂના શરીર માટેની વાસનાનું ઝેર. ૭. પ્રત્યાખ્યાન : પ્રત્યાખ્યાન એટલે પરિત્યાગ, અસ્વીકાર, ઉપેક્ષા, ઠપકો. આ વાર્તામાં પણ કામેચ્છા, કામાતુર દશાનાં રૂપો. વાર્તાનો આરંભ રૂમાના સ્વપ્નદૃશ્યથી થાય છે. ‘રૂમા ચાલતી હતી. આકાશમાંના સૂરજમાંથી સાત રંગનાં ઝરણાં દોડી જતાં હતાં, ખંધુ પ્રાણી ફૂલોની ડોક મરડીને દોડ્યે જતું હતું. પ્રાણીની આંખમાં કશીક અકળ વ્યથા હતી. એને જોઈને રૂમા છળી મરી નહીં, ચીસ પાડી ઊઠી નહીં. રૂમાની દોટ, તગતગતાં ઈંડાં, બખોલમાં પુરાઈ જવું, પ્રાણીને બાઝી પડવું ને સ્વપ્નમાંથી જાગી ત્યારે પતિ પાસે સૂતેલો, એનો રૂંવાટીવાળો હાથ. એ સ્વપ્નથી ડરી ગયેલી. પૂરતો શ્વાસ લઈ શકતી નહોતી. બારી પાસે આવી. કાળા વાદળને લીધે ચન્દ્ર ઘડીભર ઢંકાઈ ગયો હતો. પવન સાવ થંભી ગયો હતો. એને માયાવી લોકમાં નવું રૂપ ધારણ કરીને અદૃશ્ય થઈ જવાનું મન થયું. એને ભાગી જતાં રોકતું હતું એનું બાળક. વાદળ ખસી જતાં, ચાંદની ઓરડામાં ફેલાઈ ગઈ. એ ચાંદનીમાં પતિનું શરીર જોયું. ચાંદની પછડાઈને પાછી વળતી હતી. પતિની દંભી પોલી જિંદગીનું ચિત્ર કલ્પે છે. પતિના શરીરથી જુગુપ્સા. કામવાસનાનું હિંસક પ્રાણી એની અંદર પ્રવેશવા મથતું હતું. વાર્તામાં ફરી ચન્દ્ર આથમી ગયા પછીના વાતાવરણમાં રૂમા સુખદ સ્પર્શને ઝંખે છે, એ પોતાની નિરાવરણ કાયાની નિરાવણતાને ઝંખે છે. શરીરને વિખેરી દેવા ઇચ્છતી હતી. આછા તેજથી લેપાયેલા અન્ધકારને એણે પોતાના રન્ધ્રેરન્ધ્રમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરી દીધો. કાયાના વિરાટ વિસ્તારો હજુ તો વણસ્પર્શ્યા રહી ગયા હતા. શતલક્ષ વીયુબિન્દુ જેવાં કિરણોને પોતાનામાં રેલાઈ જતા અનુભવવાને એ અધીરી બની. સાગરની બાથમાં ભિડાઈને કચડાઈ જવાનું એને મન થયું. કાયાને અનાવૃત્ત કરીને ઢાળી દીધી. કિરણના પ્રથમ સ્પર્શની પ્રતીક્ષાથી એની કાયા તસ તસ થઈ ઊઠી પણ એ સમગ્ર સૃષ્ટિ તેની અંદર પ્રવેશી શકી નકીં. કોઈના શાપથી એ શિલાની જેમ પડી રહી. એ હાડપિંજરની જેમ પડી ૨હી. એની પરિત્યાગની ઇચ્છા અધૂરી જ રહી! ૮. વર્તુળ : લાભશંકરનો આંતરચેતના પ્રવાહ. વિવિધ સ્મૃતિસાહચર્યો. શૂન્યતાના આક્રમણ સામે ઝઝૂમતા. ભૂતકાળનાં પગલાંને સાંભળતાં અનુભવે છે. એ પગલાં કોનાં હતાં? પત્નીનો અવાજ. લાભશંકરનું અવલંબન હતી રસોળી. એ રસોળીમાં એમણે સમસ્યાઓરૂપી રાક્ષસોને પૂરી દીધા હતા. રસોળી એનો કિલ્લો હતો જેમાં એ પોતાની જાતને સુરક્ષિત માનતા. સંસારની સમસ્યાઓથી મોં ફેરવીને સુરક્ષિત હોવાની ભ્રમણાનું આશ્રયસ્થાન તે રસોળી. પત્ની અને પુત્રોના મરણની ઘટના યાદ આવે છે. એમની કાંધે એકી સાથે ત્રણ ત્રણ જણનો ભાર ચંપાયો હતો! કાટ ખાઈ ગયેલું તાળું. તૂટેલા કાચવાળી બારી. તાજાં શાકભાજીની વાસ એમને બહુ ગમતી. વઘારની વાસ, છમકાર, લીલા ધાણા ને લીલા લસણની ચટણીની વાસ, સ્વાદની સોબત. રસોઈની એકેએક ક્રિયામાં એને રસ. ચોખા ધોયેલા પાણીની વાસ, ચૂલાના સળગતા લાકડાનો ધુમાડો, પત્નીને પ્રેમથી કૂણી કાકડી જેવી કહેતા. આ બધું યાદ આવતાં લાભશંકર જમીન પર હાથ ટેકવીને ઊભા થયા. મૂળાના પાંદડામાંથી એક મોટી લીલી ઈયળ એમના કોટની બાંયની અંદર સરી જતી દેખાઈ. અવાજોની એક સૃષ્ટિ તેમને સંભળાવા લાગી. એ અવાજોને લાભશંકર પોતાની આસપાસ વીંટળાતા જોઈ રહ્યા. સ્મૃતિઓ, વિવિધ અવાજોના આક્રમણથી પોતે ઈયળની જેમ સંતાવાનું સ્થાન શોધવા લાગ્યા. વાર્તાને અંતે સંતાવાનો લોભ છોડીને શૂન્યની સામે હામ ભીડીને ઊભા રહી પછડાવાનો એમણે સંકલ્પ કર્યો ને શૂન્ય અવકાશમાં પોતાની જાતને વીંઝી. વીંઝાતાની સાથે તણખો ખર્યો – ચેતના! લાભશંકરની સતત સંતાતા રહેવાની આદત વાર્તાને અંતે સંતાવાથી મુક્ત થવાનો સંકલ્પ એમની શૂન્યચેતનાનું સંક્રમણ સૂચવે છે. ૯. પદભ્રષ્ટ : ‘વર્તુળ’ વાર્તાના લાભશંકરની ચેતનાનો આ વાર્તામાં નવા સ્વરૂપે આવિર્ભાવ છે. વાર્તાની શરૂઆતમાં લાભશંકર ખૂબ થાકેલા છે ને તેઓ ખુરશી પર બેસવા આતુર છે. લાભશંકર અને ખુરશી વચ્ચેના ભૌતિક અંતર એમની સ્મૃતિઓને કારણે જોજનો દૂરના અંતરમાં રૂપાન્તર પામે છે. ખુરશી એમની સ્મૃતિઓનો ઉદ્દીપક વિભાવ છે. એ ખુરશી એમના સંસારજીવનની સાક્ષી પણ છે. એ ખુરશીને જોતાં જ સ્મૃતિનાં વર્તુળો બનવાં લાગ્યાં. એની લીલાનું રૂ૫. પરણ્યા પછી બીજે જ વર્ષે, એમનાં વહુ પાર્વતીના ખાસ આગ્રહથી આ ખુરશી એમને ખરીદવી પડેલી. ખીલી નથી દેખાતી. તેલનાં ધાબાં હજી દેખાતાં નહોતાં. ત્યાં ખીલી દેખાવી લાગી. ખીલીએ ઘણીવાર કપડાં ફાડ્યાં. પાર્વતીના ગયા પછી તો ખીલીને ઠોકીને બેસાડવાનું પણ એમણે છોડી દીધું હતું. જીવનરસ ક્ષીણ થઈ ગયો. સ્મૃતિઓના સંસ્પર્શે ખુરશીનું ભૌતિક સ્વરૂપ ઓગળી ગયું. ખુરશી લાભશંકરના જીવનની લાંબી ઘટમાળને ઉખેડતી રડી. લાભશંકરના જીવનના અનેક અધ્યાસપિણ્ડોેએ એક અ-પૂર્વ ખુરશીનું સર્જન કર્યું. લાભશંકરની નિઃસહાયતા, એકલતાને વ્યંજનાવ્યાપારથી મૂર્ત કરી. વાર્તાને અંતે જોજનો દૂરનું ચૈતસિક અંતર વટાવતાં વટાવતાં ફસડાઈને ખુરશી પર બેસી પડ્યા. એમનું ફસડાવું જીવનના થાકનો ધ્વનિ છે. જીવનની લાચારી. અહીં ‘થીગડું’ વાર્તાના પ્રભાશંકર અને લાભશંકર એકબીજાથી જુદા નથી. જિજીવિષાનું કરુણ રૂપ. ૧૦. વીરાંગના : વાર્તાનું શીર્ષક ‘વીરાંગના’ ઇતિહાસ કથિત વીરાંગનાના અર્થ સાથે એક રૂપ નથી પણ વિષમ અર્થ છે, વિડંબનાનો અર્થ છે. માની સત્તાના ઘેરાવા વચ્ચે ભીંસાતી વીરાંગનાનું પાત્ર સ્ત્રીની લાચાર, પંગુ દશાને સૂચવે છે. મા એને જાણે કે વેતરી રહે છે રોજ. એમની જિંદગી પર માની હકૂમત છે. ઇતિહાસમાં થયેલા યુદ્ધના સંદર્ભોને સંયુક્તાના જીવન સાથે અથડાવીને નવો ધ્વનિ સર્જ્યો છે. સ્ત્રીની શૌર્યશીલ ચેતનાનું બંધિયાર ચેતનામાં રૂપાન્તર. પાંચને પાંત્રીસે એ ઑફિસેથી છૂટે છે. છ પચ્ચીસ ને છ ચાળીસની વચ્ચે એ ઘેર આવે છે. ઉમ્બર આગળ ઊભી રહીને બટન દબાવે છે, અંદર ઘંટડી વાગે છે. બારણું ખૂલે છે. બેઠકના ઓરડામાંની રોકિંગ ચૅર હાલવાનો અવાજ સંભળાય છે. એ અંદર જાય છે. એની માની આંખો એના શરીરને તપાસી લે છે. જન્મ વખતે હતી તેથી સાવ નવસ્ત્રી કરી નાંખે છે. માએ બૂમ પાડી – સંયુક્તા. કાંટાળા તારની અંદર પૂરી રાખેલા કેદીઓ પર પળેપળ ચકરાવા લેતી ફ્લેશલાઇટની જેમ એ બૂમ એની ચારે બાજુ ફરી વળી. બૂમની રૂપનિર્મિતિ માની સત્તાને સૂચવે છે. એ હજુ કુંવારી છે. એને જોવા માટે બિપિનચંદ્ર આવવાના છે. એ સજ્જ થવા લાગી. એક પછી એક વસ્ત્ર ઊતારવા લાગી. એનું શરીર માનું ભક્ષ્ય છે. એણે પોતાના સ્તનાગ્રની કઠોર તીક્ષ્ણતાને પોતાની કોમળ હથેળી પર કસી જોઈ, ને હસી પડી. એને એ સંવનનનો આનંદ હતો. પોતાનું અસ્તિત્વ પોતાની ઓળખ ભૂંસી નાખવા માટે વ્યાકુળ. બિપિનચંદ્ર આવ્યા. અકરાંતિયાની જેમ એમણે જિન્દગીનાં વર્ષો ઠાંસી ઠાંસીને ભર્યાં હતાં. લગ્ન શા માટે? મોટરમાં આગલી સીટ ખાલી રહે છે એ પૂરવાની છે. વાર્તાને બિપિનચંદ્રના ગયા પછી માને વળગી પડી. માની છાતીના ધબકારામાં ફરી એને પેલા ઘોડેસ્વારના ઘોડાના દાબડા કાને પડ્યા. બન્ને સ્તન એને બે બાજુથી ગૂંગળાવી નાખતા હતા. એમાંથી એ છૂટવા મથવા લાગી. નખના નહોર ભરીને એ સ્તનને જાણે પીંખી નાખ્યાં, પણ ચારે બાજુ અન્ધકાર છવાતો ગયો. પોતાની માએ જ ચણેલા સલામતીના કિલ્લામાં કેદ. એ સલામતીના ખીલા કેટલા અણીદાર છે તેનાથી વીંધાતી વીરાંગના. વાત્સલ્યભાવથી સાવ વિરુદ્ધના ભાવોનું વાસ્તવ. ૦ સુરેશ હ. જોષીનો ચોથો વાર્તાસંગ્રહ ‘ન તત્ર સૂર્યો ભાતિ’ (પ્ર. આ. ૧૯૬૭ ડિસેમ્બર) આ સંગ્રહમાં દસ વાર્તાઓ છે. સુરેશ જોષીની વાર્તાસૃષ્ટિનાં ‘અપિ ચ’ સંગ્રહ પછી મુખ્ય બે કેન્દ્ર છે સ્ત્રી ચેતના – સ્ત્રીનો પ્રેમ અને મરણની ગાઢ અનુભૂતિ.

GTVI Image 37 Na Tatra Suryo Bhati.png

આ સંગ્રહની વાર્તાઓ પરિચિત વાસ્તવથી ખૂબ દૂરની છે. અજ્ઞાત શક્તિનો ભય, મરણનો ઓથાર ‘ન તત્ર સૂર્યો ભાતિ’ વાર્તામાં વિરામચિન્હોનો લોપ. સળંગ ઉક્તિનો પ્રયોગ. અભિવ્યક્તિનો મુક્ત ઉલ્લાસ. સ્ત્રીપાત્ર અને મરણ સાથે જોડાયેલા સર્વે પરિચિત અધ્યાસોનું તિરોધાન. શબ્દના અવકાશનો વિસ્તાર. આ પદ્ધતિની ઉત્તમ વાર્તાઓ પરિચિત વાસ્તવનું નિગરણ સાધીને અ-પૂર્વ સૃષ્ટિ સર્જે છે. ‘વાર્તાની વાર્તા’નું સ્ત્રીપાત્ર એષા છે. સ્ત્રીપાત્રની નાજુક રેખાઓ આસ્વાદ્ય છે. ‘મોઢા પર કંઈક આવો ભાવ હોય છે. હું અહીં જ છું, પણ મારા તરફ ખાસ ધ્યાન આપશો નહિ’ કોઈ પણ સંદર્ભની, સીમાની એ બહાર રહેવા ઇચ્છે છે. સ્ત્રીપાત્રની અસ્તિત્વપરક આ ઓળખ સુરેશ જોષીની સર્વે વાર્તાઓનાં સ્ત્રીપાત્રોની ઓળખ છે. બંને પાત્રો એક વાર્તા લખવાનો પ્રયત્ન કરે છે. એ વાર્તાલેખન નિમિત્તે બંને વચ્ચેના અદૃશ્ય પ્રણયભાવ ધ્વનિત થાય છે. વાર્તાનું સ્ત્રીપાત્ર સાવ જ વાસ્તવ નિરપેક્ષ છે. પ્રણયની રૂઢ રીતો પર હળવો વ્યંગ્ય પણ છે. વાર્તા જેમ કન્યા-યુવકની નિષ્ફળ પ્રેમકથા છે વાર્તાલેખન કરનાર સ્ત્રી-પુરુષનો પ્રણય પણ અપ્રગટ છે વિષાદયુક્ત છે. The lost return to us when we are lost. આ અનુભૂતિનો ધ્વનિ ભાવકચેતનામાં પડઘાતો રહે છે. સ્ત્રીચેતનાની શકિત તે ગાઢ પ્રણયભાવથી ઓગળી જવામાં છે. એનો વિલય એનું વિસ્મયસભર અસ્તિત્વ છે. ‘ધુમ્મસ’ વાર્તા ઝંખના, શોધ, છૂટાં પડવાની ક્ષણ, વિવિધ સ્વરૂપે નિરૂપાયેલાં સ્મૃતિ-સંવદેનાઓના અધ્યાસો. આ બધું સર્જે છે બે વ્યક્તિ વચ્ચેનો અંતરાલ, વેદનાનો જ સંબંધ જાણે. આંસુથી છલકાઈ ઊઠતી આંખો, ખડક સામે અથડાઈને ચૂરેચૂરા થઈને રસ્તા પર વેરાઈ જતાં મોજાંઓ, સ્ત્રીપાત્રનો પુરુષપાત્રનો ખડક જેવી કઠોરતાનો અનુભવ ને તેની વચ્ચે ઇંગ્લિશ ભાષાની પંક્તિઓ! I may be silent but I’m thinking I may not talk but Don’t mistake me for a wall – પુરુષપાત્રનો ઉત્તર છે. ‘ધુમ્મસ’ શીર્ષક બંને વચ્ચેની અપારદર્શિતા, ધૂંધળાશ, આચ્છાદનને વ્યંજિત કરે છે. ‘આંધળી માછલીઓ’ અંધકાર અને અવાજનાં કલ્પનોથી મૃદુ પ્રણયભાવોનું નિરૂપણ. રૂપાન્તર અને વિલયની અનુભૂતિ. દેહાતીત હોવાની અનુભૂતિ. બૃહદ્‌ અવકાશમાં વિસ્તરી જવાની ઇચ્છા. ‘હું અહીં બેઠી બેઠી સાંભળું છું. આ એમનો જ અવાજ. એ મને શોધતો આવે છે. શરૂઆતમાં ઝરતા ઝાકળ જેવો, પછીથી ભમ્મરિયા કૂવાની બખોલમાં પોતાનો જ પડઘો સાંભળતા બેસી રહેલા અન્ધકારના જેવો. આ અવાજના પ્રલયપુરથી બચવા હું કશાકને બાઝી પડવા ઇચ્છું છું. કોઈ પુરાણા વૃક્ષની જેમ ખૂબ ખૂબ ઊંડે મૂળ પ્રસારીને જુગ જુગ સુધી વિસ્તરવા ઇચ્છું છું – નિબિડ સ્પર્શને, ગાઢ આલિંગનને. ‘બે હોઠ વચ્ચેના હૂંફના સાગર વચ્ચે મારી આંખો – આંધળી માછલીઓ તર્યા કરે છે. આંખો આંધળી માછલીઓ જેવી. પુરુષપાત્ર એની આંખોને પરીકથાની સૃષ્ટિ જેવી અનુભવે છે. ‘કેવી લાગે છે મારી આંખો? એક કિલ્લો છે, ખૂબ પુરાણો, અંદર રાજારાણીના મહેલના ખંડિયેર છે. કરોળિયાનાં જાળાં જેવો પારદર્શી ભૂતકાળ ત્યાં બેઠો છે.’ નથી એમાં સૂર્ય, નથી એમાં ચન્દ્ર, એમાં તરે છે એક માથું.’ આંધળા કૂવામાં તરતાં માથાની આંખોની બખોલમાં આંધળી માછલીઓ સંતાકૂકડી રમતી હતી.’ ‘આંધળી માછલીઓ’ વાર્તાઓ સુધી આવતાં વાર્તાની મુખ્ય પ્રયુક્તિ કપોલકલ્પિતનો પરિચય થઈ જાય છે. વાસ્તવ સ્થિર-જડ સીમાઓનો હ્રાસ કરીને નૂતન વાસ્તવનું સર્જન કરવા માટે Fantasy-કપોલકલ્પિતનું જગત વ્યંજનાસિદ્ધ કરે છે. રોજબરોજના બોજિલ વાસ્તવથી મુક્ત પાત્રો મનુષ્યની અંતઃ ચેતનાનાં રૂપો છે. પરસ્પરમાં સમાઈ જવાની એકરૂપ બની જવાની તીવ્ર ઝંખના અને એના વચ્ચેના અંતરાલની પ્રતીતિ – આવી અસ્તિત્વપરક સ્થિતિનું કાવ્યાત્મક નિરૂપણ. ‘વલય’ વાર્તા સ્મૃતિનાં વલયોના આકારો છે. સમયના બે ખંડોના સન્નિધિકરણ વડે સ્ત્રીપાત્રની શોધ વ્યંજિત કરી છે. માછલીઘરમાં તરતી માછલીઓ જેવી બંધિયાર દશાની પ્રતીતિ. ચિત્ત નિસ્તબ્ધ છે. ‘ભય’ વાર્તાનું પાત્ર યોષિતા એનું ચિત્ર. બોલતી નથી, હસતી નથી. નિષ્પલક નેત્રે જોઈ રહે છે. આંખો પારદર્શી છે. એ હવે કશું સાચવતી નથી. આંસુ પણ નહિ. એ આંખોમાં આછી ભૂરાશ છે – દૂર દૂરના પર્વતો પર દેખાય છે તેવી. હવે એ તોફાન નથી, એ નિસ્તરંગ પ્રવાહ. યોષિતા સુરેશ જોષીનાં અન્ય સ્ત્રીપાત્રોનું નવું રૂ૫ છે. એ બધાં સ્ત્રીપાત્રો સ્ત્રીચેતનાનાં સંકુલ આવિર્ભાવો છે. એ ચેતનાને વાર્તાકારે મુક્ત ચેતનારૂપે અનુભવીને કલ્પનો, Fantasy અને કાવ્યાત્મક ઉદ્‌ગારો વડે અપૂર્વતા સર્જી છે. સ્થળ-કાળ નિરપેક્ષ સ્ત્રીચેતનાનું અવતરણ પ્રેમતત્ત્વનું પ્રતિભાસિક વિશ્વ છે. શ્રી ભૂપેશ અધ્વર્યુની ‘ઊહાપોહ’ સામયિકના મે, ૧૯૭૦ના અંકમાં ‘ન તત્ર સૂર્યો ભાતિ’ સંગ્રહની તટસ્થ સમીક્ષા પ્રગટ થઈ હતી, ‘થીજી ગયેલો સૂર્ય’ શીર્ષકથી. લેખનું શીર્ષક જ વાર્તાનું સ્થગિત નિર્જીવ સ્વરૂપ સૂચવે છે. વાર્તાને શિથિલ બનાવનારાં તત્ત્વોમાં પુનરાવર્તનોને જવાબદાર દર્શાવ્યું છે. એ ટીકાના સૂર વચ્ચે ભૂપેશે સફળ વાર્તાઓની પણ નોંધ લીધી છે. સુરેશ જોષીની ‘અપિ ચ’ પછીની વાર્તાઓ એક બીજી વાર્તાઓ વચ્ચે સંવેદનોની ભૂમિકાએ આંતરસંબંધ છે. રૂઢ શૈલી અને પુનરાવર્તનોને શ્રી સુમન શાહે નોંધ્યું છે તે મુજબ ચિત્રકાર મોરાંદેની શીશીઓના ખુલાસાને સમજવો જરૂરી હતો. કલાકારની સમર્યાદ aesthetic choiceને પણ સમજી સમજવી જરૂરી હતી. (સંદર્ભ : સુરેશ જોષી. પ્ર. આ. ઑક્ટોબર, ૧૯૭૮) ‘ભય’ વાર્તા બે પાત્રો વચ્ચેની દૂરતાને તેમ જ સામાજિક સુરક્ષાના તકલાદીપણાંને સૂચવે છે. નક્ષત્રો નક્ષત્રો વચ્ચેના શૂન્ય અવકાશમાં. ‘તારા શબ્દો ભારે છેતરામણા હોય છે – કઠણ ઠળિયો જ મોટો, ને ઉપર માત્ર આછો ગર. મોઢામાં મૂકીએ ને છેતરાઈ જઈએ. હું જવાબ આપતો નહિ. નહિ તો કહ્યું હોત – મૃદુ કઠોરના આધારે જ ટકી રહે. કઠોર ગુપ્ત રહે ને પ્રકટ કરે મૃદુને, બધી મધુરતા પણ એ મૃદુને જ દઈ દે.’ પણ બે વચ્ચે વિચ્છેદ. ને સંસારની યાંત્રિક ઘટમાળમાં જીવનને સંકોચી નાખ્યું. ઘરની ચાર દીવાલ, તુલસીનું કૂંડુ. ઘીનો દીવો. એકે પુરુષના નામનું રક્ષણને પછી દીર્ઘ પથને એને અન્તે મરણનો ખોળો. જીવનના પ્રવાહને રૂંધી નાખતી સામાજિક વ્યવસ્થાઓથી પરની આદિમ આબોહવામાં જીવનને ખીલતું ઝંખે છે. આદિકાળની એ ગુફા શું હજી આપણા ચિતમાં નથી? જાણે જળ જળ જળને અડ્યું – જળમાં શમી ગયું. દુન્યવી વાતાવરણથી મુક્તિ. સુરેશ જોષીની વાર્તાનાં પાત્રોની ચેતનાનો સ્પર્શ આપણાં બોજિલ વાસ્તવને ઓગાળી નાખે છે. આપણી અનુભવવાની પદ્ધતિને નકામી બનાવી દે છે. વસ્તુઓને, ઘટનાઓને કે બે વ્યક્તિના સંબંધને જોડવાની વ્યવહારુ કે, તાર્કિક કડીઓને નકામી બનાવી દે છે. જગતને હેતુપૂર્વક કે કાર્યકારણની દૃષ્ટિથી જોડીને તેમાંથી અર્થ કાઢવાની સંકુચિત પદ્ધતિનો હ્રાસ કરે છે. સમય, અવકાશ, આસપાસનું જગત એ બધાંને કેવી રીતે જોડવું? આપણને સતત જોડી જોડીને અર્થ કાઢવાની રૂઢ ટેવ છે. એ ટેવનો અંત લાવવાનો સર્જક પુરુષાર્થ તે વાર્તાઓનું વિશ્વ. ‘દુર્લભા’ વાર્તાનું સ્ત્રીપાત્ર ‘રેખા’ સંસારની સંકીર્ણતામાં ખોવાઈ ગઈ છે. એ વિશેષ પ્રકારનું એકત્વ ઝંખે છે પણ પતિ સુહાસની ભક્ષવાની વૃત્તિથી લુપ્ત થઈ ગઈ છે. જીવનાન્દદાસની કવિતાનો સંદર્ભ. વ્યાઘ્રયુગ. વ્યાઘ્રયુગની મુખ્ય વૃત્તિ. હરિણીનું મીઠું મુલાયમ માંસ ભક્ષવાની. બધા જ પુરુષો વાઘ. સ્ત્રીપુરુષના સંબંધને મજબૂત કરનાર તત્ત્વો કોમળતા, મુલાયમતા અને એકત્વની અનુભૂતિ તે આજના સમયમાં રહ્યાં નથી. છે માત્ર નર્યું આકર્ષણ. એ આકર્ષણ બધું છેદી નાખે છે. ‘બે સૂરજમુખી અને’ વાર્તા એક પ્રયોગ છે. તેમાં પ્રયોગ બે સ્તરનો છે. પહેલું સ્તર તે વિરામચિન્હોનો લોપ. વાર્તાકારે એક પણ વિચમચિન્હ વાપર્યું નથી તેને કારણે વાર્તા એક સળંગ ઉક્તિ રૂપે અનુભવાય છે. વાર્તા પૂરી થાય છે ત્યાં પણ કોઈ વિરામચિન્હ નથી. બીજું સ્તર તે સમયના જુદા જુદા ખંડોમાં બનેલી ઘટનાઓનું સન્નિધિકરણ. આ સન્નિધિકરણને કારણે બે પ્રેમીજનોના પ્રેમાલાપ, પ્રણયચેષ્ટાઓ, ચુંબનો, હોઠની મીઠાશ, દાદા અને મનુ પૌત્ર વચ્ચેના સંવાદો, દિવસે દિવસે આંખનાં પોપચાં નીચે ભાર અનુભવતા દાદા, મનુને ડાકણથી બચવા મેલી વિદ્યાના પ્રયોગો, શ્લોકોનું પઠન, ગીતાના સન્ધિપ્રચુર શ્લોકો વાંચવામાં તકલીફ અનુભવતો મનુ, રેણુ અને પપ્પા વચ્ચેના બાળસહજ છે સંવાદો, બાળકથા કાળા સૂરજનું ચિત્ર દોરતી રેણુ, પતિ-પત્ની વચ્ચે વિસંવાદ, બોજ, શૂન્યતાઓ અવાજ, મૌન ને વાર્તાસર્જકની મરણની અનુભૂતિ. પોતાની રેઢિયાળ રોમેન્ટિક વાર્તાનો અસ્વીકાર. વાર્તાકારે એમની સ્મૃતિઓને સળંગ પ્રવાહ રૂપે નિરૂપીને શ્રી સુમન શાહ અને શ્રી જયંત પારેખે નોંધ્યું છે તેમ એક કૉલાજ (collage) રચ્યું છે. એ કૉલાજ અર્થાત્‌ સંયોજનામાં પ્રેમાલાપ છે. પરીકથાની સૃષ્ટિ છે, વિચ્છેદ છે, સાથે જીવવાની ઉબક છે, વૃદ્ધાવસ્થાનો થાક છે, અંગોની શિથિલતા છે ને મરણની અને શૂન્યની તીવ્ર અભિજ્ઞતા છે, પોતાની વાર્તાઓ વિશેની આકરી ટીકા છે – સર્જકચિત્તમાં વહેતા પ્રવાહોએ રચેલો કૉલાજ સર્જકની વચ્છિન્ન ભાવ દશાને મૂર્ત કરે છે. બળબળતા તાપમાં ઉન્મુખ સૂરજમુખીને જેમ બળતા તાપમાં સહવાસની આનંદી ક્ષણોની સ્મૃતિ વાર્તાસર્જક કથકને પ્રિય છે. એ પ્રેમાલાપ અને પ્રણય ચેષ્ટાઓની યાદ વારંવાર આવે છે. સમયવિભાજનની ભૌતિક પદ્ધતિનો છેદ ઉડાડીને ભૂત-વર્તમાનને સળંગ પ્રવાહ રૂપે અનુભવતો સર્જક વારંવારમાં જુદાજુદા સમયખંડમાં સરકતો રહે છે. આ સ્મરણવ્યાપાર પડે અસ્તિત્વનો અનુભવ કરે છે. વાર્તા પ્રયોગશીલ છે તેથી બીજાંં અર્થઘટનો પણ થઈ શકે. પણ અર્થઘટનથી બાંધવાને બદલે એનું વાચન જે અનુભવ આપે છે તે અનુભવ એ જ એનો અર્થ. ‘અને મરણ’ વાર્તા મૃત્યુના ભયને આકાર આપે છે. સાત માળનું તોતિંગ મકાન. મહેલ કે બાદશાહી હોટેલ નથી. ફેકટરી છે. તેજાબની ફેકટરી. એ ફેકટરીથી ભીંસનો અનુભવ, દુઃસ્વપ્ન, સ્મરણો. છિન્નભિન્નતાનો અનુભવ. ‘પદ્મા તને’ વાર્તાસંગ્રહની ઉત્તમ વાર્તા છે. જાણે કે આગળની નવ વાર્તાઓનો પ્રવાહ અહીં વિલીન પામે છે. વેદના, આંસુ, તિરસ્કાર, ગાઢ પ્રેમ, ફરિયાદ, સુરક્ષાની કેદ સામેનો આક્રોશ. ‘પદ્માએ સંસારજીવનનું સુરક્ષા કવચ ઓઢી લીધું તેની સામે પ્રેમી પાત્રનો વેદના સંમિલીત આકોશ છે. ‘પદ્મા હું તને તિરસ્કારું છું. તારા મુખની રેખાએ રેખા મને યાદ છે. કારણ કે એને ભૂંસી નાખવાનો હું પ્રયત્ન કર્યા કરું છું.’ ફરિયાદ કરે છે કે તારે ડૂબી જવું જોઈએ. ખૂબ ઊંડા જળમાં, પણ ડૂબવાને માટે ભાર જોઈએ. પોતાનું પ્રિયપાત્ર સંસારમાં કેદ છે તે બંધન તેને વ્યથિત કરે છે. ‘જાણું છું કે અત્યારે તું નોકરચાકર અને સગાંવહાલાંથી ઘેરાઈને બેઠી છે. સાંજે છ વાગે પેકાર્ડ હાજર. તારી વયની ઘનિક કુટુમ્બની કન્યા જે કાંઈ કરે તે બધું તું ખંતપૂર્વક કરવા મથી રહે છે. જેથી તારી સાધારણતા જ તારું રક્ષાકચન બને.’ પુરુષપાત્ર ઇચ્છે છે કે તું તરતી તરતી વહ્યે જ જાય તે જ સારું. નદી જ સારી. પથરાળ નદી. કેવી આનન્દની વાત. આખોય વખત ચાલ્યા કરશે તારું ને જળનું કૂજન. તારાં ચરણ જળની હથેલીમાં ઊંચકાઈ જશે, જળની કાયા તને વીંટળાઈ વળશે. જળને દાંત નથી, નહોર નથી, તું પૃથ્વીના લોકોની વાત ભૂલી જા. ઘણાય દંતક્ષત ને નખક્ષત તારી ગુપ્ત કાયાના પર અંકાયા છે. તારો આરમ્ભી દે તારો અન્તિમ અભિસાર. જળ જ પરમ સૌભાગ્ય. જળની નગ્નતા ને તારી નગ્નતાનો સંગમ થવા દે. તારી નગ્નતા જ તારી કાયાના પ્રવાહની બંકિમ ગતિને પ્રગટ કરશે. બધો ભાર ધીમે ધીમે ધોઈને જળના કણમાં વિખેરી દે જે, તું જળમાં લય પામશે એટલે હુંય હળવો થઈ જઈશ. પછી જ મારો મોક્ષ. ૦ સુરેશ જોષીનો પાંચમો વાર્તાસંગ્રહ. પ્ર. આ. જૂન, ૧૯૮૧.

Everything can be retouched
except
the negative
inside us
By Reiner Kunze.

અસ્તિત્વવાદનું કહેવું એટલું જ છે કે જે બને છે તેમાંથી અનુપસ્થિત રહીને તમે એને સમજવાનો પ્રયત્ન ન કરો. બધી પરિસ્થિતિમાંથી આપણે ક્યારના ગેરહાજર રહેવાનું શીખી ગયા છીએ. ‘અને હું – વાર્તામાં મિત્રમંડળી છે. દરેક મિત્રને પોતાના અંગત પ્રશ્નો છે. મિત્રમંડળી નક્કી કરે છે આજે રાતે ઊંઘવાનું નથી આખી રાત કોઈની કારમાં બેસીને શહેરમાં રખડવાનું છે. અતુલના બાપને કેન્સર હતું. ધનુને પ્રેમનું લફરું. જયાએ દગો દીધો હતો. પ્રતાપને ક્ષય. શોભાએ બે વાર આપઘાતનો પ્રયત્ન. વિરજાને ઘરે ખાવાનાં ફાંફાં. નટવરની પામે પૈસો હતો. નટવરની ખખડધજ ડેમ્લરમાં રખડવા નીકળતા હતા. ને આ બધાંની સાથે હું. થાક, કંટાળો, હતાશા. સમય પસાર કરવાની લાચારી. નટવર સુખના નાના ખાબોચિયામાં સડતો પડ્યો છે, આ વિરજા પોતાના શબને સ્થૂળ શરીરમાં સંતાડીને ફરે છે. આપણામાંના કોઈની પાસે મરણ સુધ્ધાં આગવું નથી. થોડા થોડા ધીમે ધીમે બધાં મરતાં જાય છે. બધા પાસે ટુકડો ટુકડો મરણ છે. તેને ચૂસતાં બેસી રહે છે. વાર્તાનો અંત મરણની સાક્ષાત્‌ ઉપસ્થિતિ. ‘ડેમ્લર દોડીને મારા ઘર પાસે આવી પહોંચી. અજયને શોધવા! નટવરે બારણું ઠોક્યું. બારણું ખૂલ્યું, હું ઘરમાં ગયો ને જોયું તો મોભ સાથે દોરડાનો ફાંસો બાંધ્યો હતો. ફાંસો ખાઈને હું જ લટકતો હતો. ફરી મારી જગ્યાએ બેસી જવા હું બહાર નીકળ્યો. જોયું તો દૂર દોડી જતી ડેમ્લરનો લાલ દીવો દેખાતો હતો. હું પાછો ફર્યો. ફાંસો ખાઈને લટકતા એ શરીરમાં હું બરોબર ગોઠવાઈ ગયો. ને ઝૂલવા લાગ્યો. શરીર અને મરણ જાણે એક સાથે જીવતાં હતાં! ‘પંખી’ વાર્તા મરણનો પડછાયો જેની ચેતના પર લંબાઈને પડ્યો છે તેવી ચેતનાએ જોયેલી સૃષ્ટિની આબોહવા છે. ‘ઓરડામાંનો અરીસો બહારના સૂર્યના કર્કશ ઘોંઘાટનો પડઘો પાડતો હતો. પવન પંખીઓની બીડેલી પાંખ વચ્ચે લપાઈ ગયો હતો. નિસ્તબ્ધતા પણ ત્યાં અશરીરી મરણની ભયપ્રેરક ઉપસ્થિતિ. ઘર પાસેનો લીમડો તોતિંગ આકાર ધારણ કરીને ઊભો હતો. બારીની પાળ પર ચાલતી કીડીની આંખો મણકા જેવી મારી સામે તાકી રહી હતી. બારી આખી કોઈ આકારથી ઢંકાઈ ગઈ હતી. એ આકાર ધબકતો હતો. બે પગના પંજા દેખાયા. મરણની તીવ્ર સંવિત્તિની ક્ષણે પદ્માનું સ્મરણ. પદ્મા તરફ ખેંચાતો હતો. પદ્મા દૂર દૂર જતી હતી. મરણનું હિંસક સ્વરૂપ. પંખી જેવી ચાંચ, વાઘ જેવા નખ, આંખો રાતા અંગારા જેવી તગતગે, મારી પદ્માકાર ચેતનાનો તણખો એની ચાંચમાં પકડાતો નથી. એ તણખો મારી આંખમાં લપાઈ ગયો છે. પદ્માની ચેતનાનું આકર્ષણ ને સમાંતરે મરણનો પડછાયો એ બેની ભીંસનું નિરૂપણ. ‘પુનરાગમન’ વાર્તાનું પાત્ર ઘણાં વર્ષો પછી પોતે જ્યાં જીવન વીતાવ્યું છે તે સ્થળે જાય છે ત્યારે એ સ્થળ સાથે જોડાયેલી અનેક સ્મૃતિઓ ચમકી ઊઠે છે. વાડાનું બારણું ખુલ્લું હતું. વૃક્ષોની ઘટા વચ્ચેથી ચાંદનીમાં ચળકતાં તળાવનાં સ્થિર જળ દેખાતાં હતાં. આજુબાજુનું બધું જ એનું વજન અને પરિમાણ ખોઈ બેઠું હતું. વાડામાંની ધન ગાય ભાંભરે, પડોશના દલપત ડોસાની ઉધરસની ઠણકી સંભળાય, રાતે પસાર થતી ગાડીનો અવાજ સંભળાય, પણ કશું કાને પડ્યું નહીં. એ નર્યો શૂન્ય પ્રસાર. હજી ક્યાંય કોઈનો પદસંચાર નહોતો. દૂબળાઓનાં ઝૂંપડાંમાંથી ધૂમ્રસેર નીકળતી નહોતી, ગાય દોહવાનો અવાજ આવતો નહોતો. મન્દિરનો ઘણ્ટ રણકતો નહોતો. આ નિસ્તબ્ધતાની ઓથ લઈને એ ચાલ્યો. પૂર્વનું જીવન સર્વે સંદર્ભો જાણે કે નામશેષ! વાર્તાને અંતે એનો વાડામાં પ્રવેશ, ઘરમાં પ્રવેશીને બારણું વાસવું અને અંદર જઈને ખાટલા પર પડેલા પોતાના ખોળિયાને ઓઢીને સૂઈ ગયો. ખોળિયું ઓઢીને સૂઈ જવું જાણે કે એ પાછો આવ્યો છે પણ તે મૃત્યુ લઈને! ‘એકદા નૈમિષારણ્યે’ વાર્તા કથાકથનનું સત્ય શું છે તેનું આલેખન છે. કથા કહેવી. કથા દ્વારા ઊભા થતાં સત્યો, કથાકથન એક આશ્વાસન છે, એક સંતાવાની જગ્યા છે. કથા-વાર્તા કહેવા-લખવાની સમગ્ર પ્રવૃત્તિનું અસ્તિત્વગત સત્ય સૂચવે છે. સતત કથા-વાર્તા કહેવાની આદિકાળની પરંપરા જાણે કે મનુષ્ય માટે એક સલામત આશ્રય છે. ‘સંકેત’ વાર્તા રાજીવ અને વિશાખાની સ્થિતિનું નિરૂપણ છે. કાર અકસ્માતમાં રાજીવ ઘાયલ. વિશાખાના ચિત્ત પર ઘાયલ રાજીવના શરીરનો ભાર. વાર્તાના આરંભે રાજીવની પથારી પાસે ટિપોઈ પરની ફૂલદાનીમાંના ગુલાબ ડોક ઢાળીને પડ્યાં રહ્યાં હતાં. બે ચાર ખરી પડેલી પાંખડીઓ રાજીવની પથારીમાં પડેલી દેખાતી હતી. વિશાખાની આંખો પડદાથી ઢંકાયેલી બારીની બહાર દોડી જવાને ચંચળ બની ઊઠી હતી. એ આ સ્થિતિમાંથી મુક્તિ ઇચ્છતી હતી. મરણની ગન્ધ! ઓરડાને અપાર્થિવ બનાવી દેતી હતી. કોઈક વાર ઓરડામાંથી હવા કણસતી હોય એવો અવાજ આવતો હતો. રાજીવના પગના અંગૂઠાનું હલનચલન માત્ર સજીવની ઉપસ્થિતિ. વિશાખા ચૈતસિક સ્તરે ત્યાંથી બહાર આવવાનું અનુભવે છે. એક અજાણ્યો હાથ એને ઓરડામાંથી બહાર લાવી દે છે. એ એને અનુસરતી જાય છે વિવશપણે. બે આંખોને ખંખેરી નાખવાનો કોઈ વિધિ કરતી હોય તેમ એને ચુમ્બન કર્યું. વિશાખાની મુક્તિનો સંકેત તેનું બંધિયાર જગ્યાથી ભાગી છૂટવાનો મનોદાબ છે. ‘મેં બારણું ખોલ્યું’ વાર્તા મરણ જ્યાં પ્રવેશી ગયું છે એ ચેતનાની સૃષ્ટિની પરાવાસ્તવિકતાનું ચિત્ર છે. મહાનગરની ભીડ. નિર્જીવ નગરનું પરાવાસ્તવિક રૂપ. પવનમાં ઊડતા કાગળની જેમ ઊડવા લાગ્યો. એક સરખા ચહેરાઓ સિવાય કશું દેખાતું જ નહોતું. પંખીઓની, બાળકોની સૃષ્ટિ શોધે છે. અવાજ અપાર્થિવ. મકાનોની હાર જાણે મારા પર ધસી આવતી હોય, મારા પગનાં તળિયાં કશાકના નક્કર સ્પર્શને માટે રવરવતાં હતાં. સ્વાદની દુનિયા એ પણ છીનવાઈ ગઈ. નગરની ભયાનકતાનું નિરૂપણ. ‘વ્યાધિ’ વાર્તા પણ મોટા દાકતરને તબિયત બતાવવા જનાર પાત્રની ચેતનાએ અનુભવેલું દવાખાનાનું પરાવાસ્તવિક સ્વરૂપ સૂચક રીતે પાત્રને ગ્રસી જનાર મરણનું જ અસ્તિત્વ છે. મારું દરદ ‘સ્પેસ્મોડિક’ છે કે પછી ‘શૂટિંગ પેઇન’ પાસે બેઠેલા માણસોનો પરસેવો ગંધાતો હતો. આસપાસના માણસો અસામાન્ય. જગતની અસામાન્યતાના. વિચિત્રપણું. બેડોળપણું. સંક્રમણ-શૂન્યતા. એકબીજાની તરફ જોતાં નહોતાં. ઘર પૂઠાંનાં હોય એમ પવનમાં હાલતાં હતાં. વ્યાધિના કેન્દ્રથી અનુભવેલું જગત. વ્યાધિની તીવ્ર સંવિત્તિએ સ્થૂળ વાસ્તવિક જગતનાં સ્થળકાળને સાવ જ રૂપાંતર કરી નાખ્યાં છે, એ દુઃસ્વપ્નની સૃષ્ટિ છે, ભય છે, વિચ્છેદ છે. ‘મહાનગર’ વાર્તા શુષ્ક, પ્રેમશૂન્ય, માનવસંબંધની હૂંફ ગુમાવી ચૂકેલી દંભી બેડોળ જિંદગીનું ભયાવહ ચિત્ર છે. અનેક વિટમ્બણાઓ વેઠીને આખરે ચિન્મયને ઘરે પહોંચ્યો દાદર ચઢીને પણ ચિન્મયને માયા તો બહાર જતાં હતાં. ક્લબની ડિનર મિટિંગમાં. પછી કરુણાને મળવાનું નક્કી કર્યું. પણ ઘરનું વાતાવરણ તંગ હતું. ત્યાંથી નીકળીને એને યાદ આવ્યું કે પેરિસિયનમાં બપોરે અમે કૉફી ગટગટાવતાં બેસતાં. આ મહાનગરમાં યુવાનીના પ્રારંભનાં વર્ષો ગાળ્યાં હતાં. અને આજે હવે એકાએક મને બધું સાવ અજાણ્યું લાગવા માંડ્યું. વાતાવરણમાં નહિ સારેલાં આંસુની ભીનાશ હતી. આકાશ પંખીઓના ઉડ્ડયનની રેખા વગરનું, કોરું કટ. દીવાલ વગરના કબ્રસ્તાનમાં હાડકાંઓનો પાસું બદલવાનો અવાજ સંભળાતો હતો. ચારે બાજુના ઘોંઘાટ ને ચિત્કારના વાતાવરણથી ક્ષુબ્ધ. પવન નાસી છૂટ્યો. પવને બધું અસ્થિર કરી નાખ્યું. વંટોળમાં શહેર ઘૂમરાતું હતું. મારું હૃદય અકથ્ય ગ્લાનિથી ભરાઈ ગયું. મહાનગરની વંધ્યતાનો અનુભવ. ‘અગતિગમન’ વાર્તા ‘એક મુલાકાત’ પ્રકારની છે. ‘એક મુલાકાત’ વાર્તામાં બે પાત્રો વચ્ચે મોઢામોઢની ખરી મુલાકાત તો થતી જ નથી. થાય છે ચૈતસિક સ્તરે. તેનું કારણ શ્રીપતરાયની સત્તાનો ભય. સંમુખ થવા જેટલી હિંમતનો અભાવ. ‘અગતિગમન’માં પણ ગમન ખરું પણ ગતિ દ્વારા નહીં પણ અગતિ દ્વારા ક્યાંક ખોડાઈ ગયાનો તીવ્ર અનુભવ. સ્થૂળ સ્થાનેથી ખસ્યા વિના ચૈતસિક ગતિએ જોયેલું જગત. પરાવાસ્તવિક જગત. જ્યાં સતત ગતિમાં રહેવાનો થાક છે. મોડું થઈ જવાનો ભય. બસમાં જોયેલી સૃષ્ટિ, પેસેન્જરના દેખાવો. ચામડી પર જાંબુડી રંગઝાંય. હાથ ફૂલેલો. સ્ત્રીનું વિચિત્ર, અપ્રમાણસરનું શરીર. પરસેવાની ગંધ. નીતરતો પરસેવો. હોઠ ખૂલતા નહોતા. આંખો બંધ. બારીમાંથી પવનનો સપાટો. પોતાની જ વિરૂપતાનું દર્શન. ને આંખો ખોલી ત્યારે એ બસની રાહ જોતા હતા. ચૈતસિક ગતિનાં પરાવાસ્તવિક દૃશ્યો મનુષ્યની દોડ, ગતિની અંધતાની ભયાનકતા સૂચવે છે. ૦ ‘એકદા નૈમિષારણ્ય’ની વાર્તાઓનું વિશ્વ મરણ અને મહાનગરની ભયાનકતાનું છે. મરણનો ઓથાર વાસ્તવનું રૂપ પલટી નાખે છે. મહાનગરની યાંત્રિકતા, સંવેદનશૂન્યતા તેની ક્ષણિકતા અને અસ્થિરતાને સૂચવે છે. જે દેખાય છે તે ભ્રાન્તિનાં રૂપો છે. સર્જકચેતના તેનું દુઃસ્વપ્ન સ્વરૂપ અસ્તિત્વ નિરૂપે છે ત્યારે સજીવતાને શોષી લેનાર મહાનગરની ભયાનકતાનો અનુભવ થાય છે.

GTVI Image 38 Ekada Niranyamishe.png

સુરેશ હ. જોષીની અગ્રંથસ્થ વાર્તાઓ :

કુલ ૧૩ વાર્તાઓ છે. ઈ.સ. ૧૯૫૧થી ૧૯૮૫ના ગાળાની. તેમાં ‘ઉપસંહાર’ વાર્તા અરવિંદ તલાટીના નામે લખેલી હતી. ‘ઘટસ્ફોટ’ વાર્તા વિદ્રોહી પ્રકૃતિની કાદમ્બિનીના કરુણ જીવનની છે. કાદમ્બિની ‘વિપ્લવ’ નામની નવલકથા વાંચે છે. તેની વિદ્રોહી નાયિકા શેફાલીના ચરિત્રની ઊંડી અસર. પિતાજી પરણાવી દેવા માગે છે તેનો વિરોધ. કાદમ્બિની પત્રમાં લખે છે કે મને જીવતા જાગતા માણસમાં રસ છે, આદર્શના નિષ્પ્રાણ પૂતળામાં નહીં. શ્રીકાન્ત નામના માણસની ચાલને કારણે કાદમ્બિની નકારેલા મૂરતિયા સાથે સિવીલ મેરેજ કરી લે છે. એક વિદ્રોહી ચેતનાનો કરુણ અંજામ. એક સામાન્ય ઘટનાપ્રધાન વાર્તા છે. ‘છૂટકારો’ વાર્તા એક ખૂની પાત્રનો આંતરિક મુક્તિનો સૂર છે. ‘ગંગાવતરણ’ સામાન્ય સ્તરની વાર્તા. જેમ વહેમને કારણે ઘટતી ઘટનાઓ છે. ‘ફોટો’ વાર્તા એક મનમોહનદાસની ફોટામાં પુરાઈ જવાની વદેનાનું નિરૂપણ છે. તેને સવાલ થાય છે કે ફોટામાં પોતે વેઠેલું અનુભવેલું દુઃખ આવશે ખરાં? પોતાનાં કુટુમ્બીજનો જાણે કે એમના વિદાયની રાહ જુવે છે. વાર્તાનો ચોટદાર) અંત. ફોટો ઉતારવા ગયા ને ફોટો નીચે પડ્યો. તૂટી ગયો. ફોટા પાછળથી નીકળ્યા પત્રો, થોડાં બિલ, ધોબીનાં કપડાંની યાદી, તેને અંદરથી અવાજ આવ્યો કે અલ્યા, આખરે તું તો પરચૂરણ વસ્તુ સંતાડવાનો ગોખલો છે? ગોખલો! અંગૂઠામાંથી કાચ વાગવાને કારણે લોહી દદડતું ફોટામાંના મનમોહનદાસના હોઠ પર ટપકી પડ્યું. ‘નિષ્ક્રમણ’ વાર્તા મિત્રમંડળીથી જુદી સંવેદના અનુભવતી સ્ત્રીપાત્રની છે. બધાં મિત્રો રૂબી, રોમેન, રીટા, વ્યોમેન, જય, અમિતા, મનોજ, મંજુ એક ફાઈન પિકનીક સ્પૉટ પર આવ્યાં છે. બધાં ટેકરી ચઢવાની વાત વિસારે પાડી ખાવા મંડી પડ્યાં. ચાવવાના અવાજ આવવા લાગ્યા. પણ તે ટેકરી પર ગઈ. પંખીઓના અવાજો નિસ્તરંગ શાંતિ. એ અસિતને આનન્દની વાત લખતી હતી. મોન્તાલેની કવિતા. શબ્દો બધા કબ્રસ્તાનમાંની તૂટેલી કબરોની જેમ અહીંતહીં વેરાઈને પડેલા છે. કશુંક કશુંક ક્ષણે બળ્યા કરે છે. શૂન્યની જ્વાળા. મારી ચારે બાજુ છવાયેલી નીરવતાના જ સમ્મોહક ધ્વનિથી વિવશ થઈને હું આગળ વધ્યે ગઈ. પરિવેશનું સંવદેનશીલ ચિત્ર. સ્ત્રીપાત્રની સૌંદર્યઝંખનાને સૂચવે છે. ‘પ્રેમાલાપ’ એ સામાન્ય સ્તરનો વાચાળ પ્રેમાલાપ છે. તારી આંખોમાં હંમેશા અધીરાઈ છે, આશંકા છે, ભય છે – એ મને અસ્વસ્થ બનાવી મૂકે છે. પ્રેમી જ્યારે ફિલસૂફી ડહોળે છે ત્યારે સમજવું કે પ્રેમનું તળિયું આવી ગયું. ‘એક વાર્તા’ લાચાર, દુઃખી ઉપેક્ષીત સ્ત્રીના જીવનની વાર્તા છે. પતિની ક્રૂરતા, પશુ જેવો વ્યવહાર. ‘એ લોકો, હું અને મૃણાલ’ સામાન્ય સ્તરની વાર્તા છે. ‘પ્રલયોત્થિતા’ વાર્તા પ્રતીક્ષા, મુગ્ધતા, વિરહ, અને વેદનાને પચાવી લેવાની વાત. ‘અને પછી’ વાર્તામાં બે પાત્રો – સ્ત્રીપુરુષ કિલ્લાઓ અને ખંડેરોની મુલાકાતે. જૂના કિસ્સા ત્યાં હણહણતા હતા. એક વિલક્ષણ પ્રકારનો પ્રેમસંબંધ બંને વચ્ચેનો. તને કિલ્લાઓનું આકર્ષણ છે મારું કેમ નથી? એ કહેતો મારે મન તું પણ કિલ્લો જ છે. એક અભેદ્ય કિલ્લો. બંને વચ્ચે મીઠો રોષ. નિકટતા, દૂરતા અકેબીજાને સમજવાના પ્રયત્નો. પ્રવાસ. કિલ્લાનો. રખડવાનો આનંદ વાર્તાને અંતે ‘અને પછી’નો ધ્વનિ એક અંતહીન પ્રક્રિયાનો છે. ‘ઉપસંહાર’ વાર્તા અરવિંદ તલાટીના નામે લખી હતી. આ વાર્તામાં પણ મિત્રોની મંડળી છે. તેમાં કેન્દ્રમાં શચીશનું પાત્ર છે. હું, કાન્તિ, રતુ ને શચીશ. ઉન્માદનાં પૂર મારી શિરાએ શિરામાં ધસી આવ્યાં હતાં. હું અણુઅણુમાં છિન્નવિચ્છિન્ન થઈ ગયો હતો. શચીશ પહેલેથી જ સુકુમાર તો ખરો જ. અમારી મંડળીમાં ભળ્યા પછી કાંઈક ખડતલ બન્યો. તોય અપંગની જેમ અમે વગર કહે એની સગવડ સાચવતા. અમારી મંડળીના ઇતિહાસમાં આવી ઘટના આ પહેલાં બની નહોતી. કોઈની નાકેરી છૂટી જતી, કોઈ કશાકમાં સંડોવાતો. કૉલેજમાંથી છૂટા પડ્યા પછી પાંચેક વરસે અમે મળ્યા ત્યારે શચીશ પરણી ગયો હતો. પત્ની સ્મિતા. દીકરો ન્યૂમોનિયાથી ગુજરી ગયો. સ્મિતાને દેશમાં મૂકી આવ્યો ને મંડળીમાં પ્રવેશ્યો. શચીશને ટ્યુશન મળી ગયું. ભાઈબંધો વચ્ચે પ્રેમ, તકરાર, મારામારી. સ્મિતા કોઈ જોડે ભાગી ગઈ. ઘટનાક્રમ વચ્ચે શચીશની દશાનું વર્ણન. એકબીજાની તકલીફોમાં સામેલ થતા મિત્રોનો પ્રેમ. પરસ્પર આધાર આપવાની તત્પરતા. સાચી મિત્રતા. આધાર આપીને જીવન તરફ વાળવાના પ્રયત્નો. ‘પ્રથમ મનોયત્ન’ અગ્રંથસ્થમાંથી સૌથી શ્રેષ્ઠ વાર્તા છે. વાર્તાકારની કેફિયત અને વાર્તાલેખન એ વાર્તાનો વિષય છે. Meta Fiction શૈલીની વાર્તા. સુરેશ જોષીની વાર્તાસૃષ્ટિનો વ્યંજનાસભર પરિચય પણ મળે છે. ગઈ રાતે સૂતો ત્યારે યુફોરિયાની સ્થિતિ હતી. ધીમે ધમે હું તંદ્રામાં સરતો ગયો. કાંઈ કેટલાય પ્રસંગો મારા મનશ્ચક્ષુ સમક્ષ ભજવાતા ગયા. એ બધું એટલી ત્વરિત ગતિએ બનતું હતું કે કશાંની સ્પષ્ટ છાપ અંકાયેલી રહેતી નહોતી. એમોનિયાને કારણે ઝળઝળિયાં આવી જતાં હતાં. ઘરમાં બધાં વચ્ચે જઈને બેઠો ત્યારે હું પૂરો સ્વસ્થ થઈ ચૂક્યો હતો. હવે સર્જનનો સ્રોત સુકાઈ ગયો છે. પણ જીવવાનો રસ થોડો જ સુકાઈ ગયો છે? મારો લખવાનો ઓરડો જુદો નથી. બેઠકના ઓરડામાં બેસીને જ લખું છું. સેવંતીનાં ફૂલોને જોઉં છું, ગુલાબને જોઉં છું. લખવા બેસું છું. વાસ્તવિકતા પર મારી ઝાઝી પકડ નથી. એક સાદી સીધી ઘટના લઉં છું. અને એનો અહેવાલ આપવા જાઉં છું કે તરત જ ગઈ કાલે જોયેલાં સ્વપ્નો, ભૂતકાળમાં સાંભળેલો એકાદ શબ્દ અને એવું એવું બીજું એમાં ભળતું જાય છે. કદાચ આ બધાંથી જ મારી વાસ્તવિકતા બનેલી છે. સર્વજ્ઞ પાત્ર કથા કહે એ મને અવાસ્તવિક લાગે છે. હું જાણું છું કે એક જ ઘરમાં અમે બધાં કેટલાંય વર્ષોથી સાથે રહીએ છીએ. તે છતાં આ ઘર વિશે અમારા અભિપ્રાયો જુદા છે. અમે એકબીજા વતી એ વિશે કશું કહી શકતા નથી. આથી મને લાગે છે કે પાત્રો એક જ પરિસ્થિતિની વાત કરતાં હોય ત્યારે આ ગૂંચ પણ પ્રકટ થવી જોઈએ. સર્વજ્ઞ કથા કહેનારની જોહુકમી વાસ્તવિકતાને સરળ સુબોધ રાખવા જતાં એનાં થોડાં પરિમાણોને જ બાદ કરી નાખે છે. ભાષા એક સરખી રીતે પ્રવાહી ન હોય શકે. બધાં જે ભાષા વાપરે છે તે વાપરવા છતાં એમાં મારે ગાંઠનું આગવાપણું ઉમેરવાનું છે. એમ કરવા જતાં મારી ભાષા કેવળ મારી જ બની રહે તોય આફત. ભાષા કોઈક સ્થાને થંભી જાય છે. ઘૂમરી ખાય છે, કોઈ સ્થળે છીછરી બને છે, તો કોઈકવાર એવી તો ઊંડી બને છે કે એમાંથી અર્થ એકદમ બહાર લાવી શકાતો નથી. પાત્રનું મનોગત રજૂ કરવાનું આપણે ત્યાં ગોવર્ધનરામના સમયથી જ સહેલું બની ગયું છે, પણ નક્કર વાસ્તવિકતાનાં પ્રતિરૂપોનું નિર્માણ કરવાનું મને તો અઘરું લાગે છે. પાત્ર, પરિસ્થિતિ, કથનકેન્દ્ર, ભાષા અને મનોગત આ બધાં વાર્તાનાં ઘટકતત્ત્વોની વિસ્તારથી વિચારણા કર્યા પછી એક વાર્તાલેખનનો પ્રયોગ છે. એ પ્રયોગ લેખનનાં સત્યો રજૂ કરે છે. એક જ પરિસ્થિતિને બે પાત્ર નિરૂપે છે ત્યારે પોતાના દૃષ્ટિકોણથી નિરૂપશે. બંનેનાં નિરૂપણમાં બધું જ સરખું નથી. ઘણું જુદું છે. બંનેનો કોણ જુદો હોવાને કારણે બંનેનું વાસ્તવ કેટલું જુદું પડે છે. વાસ્તવ ક્યારેય એકપરિમાણી નથી હોતું. એ અનેક પરિમાણી હોય છે કારણ કે તેને અનુભવનારની માનસિકતા દૃષ્ટિકોણ ભિન્ન હોય છે. ‘ઉત્ત૨પર્વ’ એક વૃદ્વ પાત્રની મરણાસન્ન દશાનું નિરૂપણ છે. જીવનની ઉત્તરકાલીન દશાનું કરુણ. એને પંચ્યાશી થયાં છે. એ વિશે, એની પાસે કશી ચોક્કસ માહિતી નથી. એની જન્મતિથિ યાદ રાખનાર હવે કોઈ રહ્યુંં નથી. પોતાના નામ સાથેનો તન્તુ પણ હવે જીર્ણ થઈ ગયો છે. આથી નામ બદલવાની રમત પણ એ રમી શકે છે. સ્મૃતિ ધીમે ધીમે અપારદર્શક બનતી ગઈ છે. તડકો ઘરમાં ખૂબ છવાઈ ગયો હોય છે ત્યારે જ કોઈક વાર મનમાં કરુણતા છલકાઈ ઊઠે છે. હવે એનાં મૂળ એટલે ઊંડે ઊતરી ગયાં છે કે એને ખેંચી કાઢવાનો શ્રમ કરવાનું મન થતું નથી. કેટલીક વાર એ પોતાને જ શોધવા બધા ઓરડામાં ફરી વળે છે. પહેલાં એનું જીવવાનું એ જાણે એક લાંબી વાર્તા લખ્યું જવા જેવું હતું. હવે પોતે જે લખ્યું છે તેને એ વાંચી રહ્યો છે, એમાં ઘણું એને બદલવા જેવું લાગે છે. કેટલાંક તો આખાં ને આખાં પાનાં જ ફાડી નાખવા જેવાં છે. સૌથી ઓછી મૂડી કુતૂહલ બચી છે. ઉત્તરકાલીન અવસ્થાના સર્જકની એકલતા અને વ્યથાનું નિરૂપણ. પોતા વડે જિવાયેલા સર્જકજીવનનું પુનરાવલોકન પોતાની નવી છબી ઘડે છે. સુરેશ જોષીના પાંચ વાર્તાસંગ્રહો અને ૧૩ અગ્રંથસ્થ વાર્તાઓ વિશે મેં વિસ્તારપૂર્વક પરિચય લેખ લખ્યો છે. તેમાં મારું મુખ્ય પ્રયોજન સુરેશ જોષીની કલાત્મક વાર્તાસૃષ્ટિનો પરિચય કરાવવાનું છે. મેં એક બે સ્થાન સિવાય વિવેચકોનાં મંતવ્યોને મારા લેખમાં ટાંક્યાં નથી. મારો અને વાર્તા વચ્ચેનો સીધો સંવાદ અપેક્ષિત હતો. સીધું સંક્રમણ અપેક્ષિત હતું. મારો પોતાનો મારી સમગ્ર ચેતના સહિતનો પ્રવેશ અપેક્ષિત હતો. મારી સંવેદનશીલતા પાત્રોની ચેતનામાં સીધો પ્રવેશ કરે, ચેતના સાથે ગાઢ અનુબંધ રચાય તે અપેક્ષિત હતું. સર્જકચેતના અને ભાવકચેતનાનો આંતરસંવાદ. સુરેશ જોષીની વાર્તાસૃષ્ટિએ મને જગતને અનુભવવાની એક નવી દૃષ્ટિ આપી છે. વિશ્વની પ્રતિભાસમૂલક અવસ્થાનું દર્શન આપ્યું છે. તર્ક અને કાર્યકારણની પદ્ધતિએ જગતને સંકોચી નાખતી દૃષ્ટિનો હ્રાસ કર્યો છે. કલ્પનો, પ્રતીકો, સન્નિધિકરણ, ફ્લેશબૅક, કપોલકલ્પિત, પરાવાસ્તવવાદ, તંદ્રા, સ્વપ્ન, સ્મૃતિવ્યાપાર, ભ્રાંતિ, ભાવશબલતા, આંતરચેતનાપ્રવાહ જેવી વિવિધ નિરૂપણરીતિઓના વિનિયોગથી બહુપરિમાણી અને અગ્રાહ્ય માનવવાસ્તવનો રસકીય પદાર્થ રૂપે આવિર્ભાવ કર્યો છે એ આવિર્ભાવથી વિશ્વની અસીમતાને અનુભવી છે.

જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi2005@yahoo.com