ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/ભાતીગળ મઘરેબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૫
હસમુખ શાહ

ભાતીગળ મઘરેબ

અમારી સંસ્કૃતિયાત્રાઓની અગ્રિમતામાં સામાન્ય રીતે મઘરેબ ન આવે. છતાં અમે ત્યાં ગયા. ત્યાંના ઇતિહાસ, ભૂગોળ વિરાસત એવાં ન હતાં કે અમે ત્યાં જઈએ જ. એક વાત તો નક્કી કે ટૅન્જિઅરના વતની, નાની ઉંમરે ઇસ્માલિક ધર્મશાસ્ત્રમાં વિદ્વત્તા પ્રાપ્ત કરનાર, ઇબ્ન બતૂતાના ખેંચાણનું મહત્ત્વ ખરું. આ ખેંચાણનો આરંભ મારા મિત્ર મુસા ૨ઝાએ નીલાને અને મને જમવા નોતર્યાં ત્યાં થયો. ઔપચારિક બે ચાર સવાલ-જવાબ પછી એમણે અમને પૂછ્યું, ‘ગુજરાતમાં ગાંધાર ક્યાં આવ્યું?’ મરોક્કોના પ્રવાસી ઇબ્ન બતૂતા ભરુચના બારા વિસ્તારમાંથી ઘોડા ખરીદી ગાંધારથી એમને વહાણમાં મલબાર લઈ ગયા હતા, એમણે ઉમેર્યુ. અમને તરત તો ગડ ન બેઠી. પરંતુ મોડેથી ઘેર પહોંચ્યા પછી ગુજરાતનું ગાંધાર મળ્યું. ત્યારથી અમારી વાતોમાં ગાંધાર આવતું થયું. મક્કાની પહેલી મુસાફરી પછી ઇબ્ન બતૂતાએ ૨૮ વર્ષ સુધી ૧૩મી, ૧૪મી સદીના વિશ્વની મુસાફરી કરી. ભારતમાં પણ ઘણું રહ્યા. ગુજરાત પણ આવેલા. કાવી જેતપુર અને અન્ય સ્થળોથી ઘોડા ખરીદી દરિયામાર્ગે મલબાર ગયા. જ્યાં જાય ત્યાં અઠેદ્વારકા : રાજાઓને એમના રોમાંચક અનુભવોથી ચકિત કરે, એમની મહેમાનગતિ માણે. ક્યાંક પરણે પણ ખરા. પછી બૈરાં-છોકરાંને મૂકીને આગળ. મરોક્કોની વાટે અમને ચડાવવામાં આ વિશ્વપ્રવાસીનો ફાળો સ્વીકારવો રહ્યો. ઇબ્ન બતૂતા હતા પણ એવા, જે મળે તે સૌને પ્રભાવિત કરે. એમનું વતન ટૅન્જિઅર. નાની વયે ઇસ્લામિક ધર્મચિંતનમાં વિદ્વતા પ્રાપ્ત કરીને નામના મેળવવા એ લબરમૂછિયાએ ગંર્દભ પર સવાર થઈને મક્કાની વાટ પકડી હશે ત્યારે ટૅન્જિઅરથી એ પ્રવાસીને વળાવનારાઓ કોણ અને કેટલા? એ પછી અઠ્ઠાવીસ વર્ષ સુધી એ વિશ્વપ્રવાસીએ પંચોતેર હજાર માઈલની મુસાફરી કરી. દિલ્લીના સુલતાનની અમીનજર પામ્યા અને એની ખફગી પણ વ્હોરી. સુલતાને અને બીજા ચમરબંદીઓએ એમની મહેમાનગતિ કરી એ હકીકત; એમની નિયત વિષે પ્રબળ શંકા જાગેલી એ પણ સાચું. મઘરેબના ચાર દેશો વિધવિધ પરિમાણોને લક્ષ્યમાં લઈને ભૂગોળ પંડિતોએ દુનિયાના દેશોને પાંચ ભૂખંડમાં વહેંચ્યા છે. એ ઉપરાંત ભૌગોલિક રીતે જે દેશો નિકટ હોય અને એ દેશોનાં સંસ્કાર, સંસ્કૃતિ, ઇતિહાસ, ધર્મ વગેરેની સમાનતા હોય એ દેશોના સમૂહોને એ જે રીતે સામાન્યતઃ ઓળખાતા હોય એ ઓળખ પણ સ્વીકારાઈ છે. ઉદાહરણ તરીકે સ્વીડન, નૉર્વે અને ડેન્માર્ક સ્કેન્ડિનેવિયા તરીકે વધુ ઓળખાયા. એવું જ દક્ષિણ યુરોપમાં લેવન્ટ તરીકે ઓળખાતા ઇટલી તેમજ તેની આજુબાજુના પ્રદેશો વિષે છે. એ જ રીતે યુરોપની દક્ષિણે, ભૂમધ્ય સમુદ્રના દક્ષિણકિનારે સમાનધર્મી અને સમાન સંસ્કૃતિના વારસ ચાર દેશો – લિબિયા, ટ્યુનિશિયા, અલ્જીરિયા અને મરોક્કો – સામૂહિક રીતે મઘરેબ તરીકે ઓળખાયા. અરબી ભાષામાં મઘરેબ એટલે પશ્ચિમ. આફ્રિકાની ઉત્તર-પશ્ચિમે અને ઇસ્લામના અનુયાયી દેશોની પશ્ચિમે એમ આ પ્રદેશ મઘરેબ તરીકે ઓળખ પામ્યો. મઘરેબમાં કોઈ મોટું રણ નથી, પરંતુ પશ્ચિમ સહરાનો એક ખૂણો મરોક્કોના તાબામાં છે. કોણ જાણે કેમ, અમને રણનું આકર્ષણ રહ્યું છે. દુનિયાભરનાં નાનાં-મોટાં રણો અમે જોયાં છે. એમાં રહેતી જનજાતિઓ અને અન્ય લોકો સાથે અમે બેઠાં છીએ. આ પારદર્શક લોકોનાં ઉષ્મા અને આતિથ્યનો આનંદ માણ્યો છે. એમનો રોટલો ખાધો છે. રણમાં થયેલી અનુભૂતિઓનું માત્ર શબ્દ દ્વારા જ વર્ણન ન થાય. બીજા રેગિસ્તાનોની જેમ સહરાનો પણ જાદુ છે. પૂર્વ સહરાની આંધીઓ માનવ અસ્તિત્વને તુચ્છ બનાવે; એની નીરવતા સમાધિ અવસ્થા સુધી લઈ જાય. પૂર્વ સહરા કોણ જાણે કેમ ગતિશીલ, પ્રવૃત્તિશીલ લાગે, એની સરખામણીમાં પશ્ચિમ સહરા શાંત, મંદ-મંદ વહેતું જણાય. ક્યારેક તો આપણા દિલોદિમાગનો કબજો લઈ લે. અમને તો પૂર્વ તેમજ પશ્ચિમ બંને સહરા ગમે છે. મઘરેબની એક ખાસિયત એ છે કે ત્યાંના જનજીવન ઉપર દક્ષિણ યુરોપની સારી એવી અસર છે. એની રહેણીકરણી, ટાઉન પ્લાનિંગ, વેપાર, લોકોની આવજાવ. કાસાબ્લાન્કા જેવાં બંદરો અને શહેરો ઉપર વિશેષ અસર જોવા મળે છે. પરંતુ સ્પેન જેવા દેશે મૂર લોકોની તાબેદારી કરી તેમ છતાં મઘરેબમાં સ્પેનની અસર પ્રમાણમાં ઓછી જોવા મળે છે. ફ્રેન્ચ ભાષાનું વર્ચસ આ ચારેય દેશોમાં જોવા મળે છે – ખાસ કરીને અલ્જીરિયા, ટ્યુનિશિયા અને મરોક્કોમાં. મઘરેબના ચારેય દેશોમાં ફરવાનો અમને રસ ન હતો. વિસ્તારમાં સૌથી મોટો દેશ અલ્જીરિયા. બીજા નંબરે લિબિયા આવે. ત્યાં તેલ વિપુલ માત્રામાં હોવા છતાં ત્યાં જવાનો ઉત્સાહ ન હતો. અમે ટ્યુનિશિયામાં અલપઝલપ ગયેલા, ત્યાં જવાનો ઉત્સાહ પણ ન હતો. અમને અલ્જીરિયા અને મરોક્કોને જોવા, સમજવામાં વધુ રસ હતો. અમારે અલ્જીરિયા, બે વખત જવાનું થયેલું. મઘરેબના ચાર દેશોમાં ટ્યુનિશિયા સૌથી નાનો દેશ. એનો જમીન વિસ્તાર ગુજરાતથી ઓછો અને વસ્તી ગુજરાતના છઠ્ઠા ભાગની. ટ્યુનિસ શહેર અમે જોયું. પણ કશું વિશિષ્ટ ન જણાયું. ટ્યુનિશિયાના ઇતિહાસમાં કાર્થેજ(Carthage)માં અમને ઘણો રસ પડ્યો, પરંતુ એ પ્રાચીન શહેરને નેસ્તનાબૂદ થયે પણ હજારેક વર્ષ થઈ ગયેલાં. અલ્જીરિયામાં વિશેષ રસ લેવાનાં બે કારણો છે. એક, અલ્જીરિયાએ કૅમૂ જેવા મહાન બુદ્ધિજીવી અને સર્જક આપ્યા છે. ફ્રાન્સની એડી નીચે અલ્જીરિયા ખૂબ કચડાયું. જ્યારે એમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો ત્યારે એના લોકોને ટેકો આપનારામાં સાર્ત્ર જેવા સમાજ-દાર્શનિક પણ હતા એ એક વિશેષતા. એ અત્યાચારોનો બદલો વાળતા હોય એમ ફ્રાન્સમાં વસતા અલ્જીરિયનોએ હવે ફ્રેન્ચ સરકારના નાકે દમ લાવી દીધો છે. અમને અલ્જીરિયામાં રસ પડવાનાં કારણો વિશેષતઃ ત્યાંના સ્વાતંત્ર્યસંગ્રામને સંબંધિત રહ્યાં છે. ફ્રેંચશાસન દરમ્યાન, ૧૯૫૪થી આઠ વર્ષ સુધી ચાલેલો સ્વાતંત્ર્યસંગ્રામ લોહિયાળ બની ગયેલો. ઉભય પક્ષે બર્બરતાની હદ વટાવેલી. ફ્રેન્ચશાસને પણ કોઈ મર્યાદા રાખી ન હતી. જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ જનરલ દગૉલને સલાહ મળી કે અલ્જીરિયાની સ્વતંત્રતાને ટેકો આપી રહેલા સાર્ત્રની અસર ઘણી છે તેથી તેમને કારાવાસમાં પૂરી દઈએ ત્યારે દગૉલે એમ કહ્યું હોવાનું મનાય છે કે ‘સાર્ત્ર ફ્રાન્સનો આત્મા છે, એમને બંદી ન બનાવાય.’ છતાં ફ્રેન્ચ સિક્રેટ સર્વિસે સાર્ત્રના ઘરમાં અને ઑફિસમાં બૉમ્બ મૂકીને તારાજી સર્જેલી. એ જ સંગ્રામ દરમિયાન બે મિત્રો, સાર્ત્ર અને કૅમૂ, વચ્ચે ઉગ્ર મતભેદો થયા અને બંને છૂટા પડ્યા. કૅમૂ તો નાની ઉંમરે ૧૯૬૦માં એક મોટર એક્સિડન્ટમાં ગયા. અલ્જીરિયાના સંગ્રામનું પરિણામ એ આવ્યું કે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ અલ્જીરિયાને સ્વાતંત્ર્ય આપવા ઠરાવ કર્યો. હવે અલ્જીરિયાનાં ભાંગફોડિયાં તત્ત્વો આજકાલ પૅરિસમાં જે તબાહી પોકારાવે છે તે કોઈ ને કોઈ રીતે નજર સામે આવે છે. અમારા પૅરિસના મિત્રો અલ્જીરિયનોનાં તોફાનો, આડોડાઈ અને ગુનાહિત પ્રવૃત્તિઓની વાતોથી અમને જ્યારે મળે કે લખે ત્યારે પરિસ્થિતિની જાણ કરે જ. અલ્જીરિયામાં અમને કાંઈ ખાસ જોવા કે અનુભવવાનું જણાયું નહીં. ત્યાંની રિફાઈનરીની પેદાશો અને આડપેદાશો મેળવવામાં અમને રસ હતો, પરંતુ તે પણ ગોઠવાયું નહીં. અલ્જીરિયનોને આઈ.પી.સી.એલ. સાથે સંબંધ બાંધવામાં ખાસ રસ ન પડ્યો. મઘરેબમાં મરોક્કો મોખરે અમારો મરોક્કોનો પહેલો પરિચય ‘કાસાબ્લાન્કા’ ફિલ્મ દ્વારા. કાસાબ્લાન્કા એ મરોક્કોની એક સમયની રાજધાની. એ નામની હમ્ફ્રી બોગાર્ટ અને ઇન્ગ્રિડ બર્ગમેનની અદાકારીવાળી, બીજા વિશ્વયુદ્ધમાં જાસૂસી, ગઠિયાગીરી, પ્રેમ, સત્તાનું નિરૂપણ કરતી એક ઉત્તમ ફિલ્મ. આખી ફિલ્મ હૉલિવુડના સ્ટુડિયોમાં ઉતારેલી. કાસાબ્લાન્કા કોઈ ગયેલું પણ નહીં! આ અમારી મરોક્કોની પ્રથમ ઓળખ. આ ઉપરાંત અમે ક્યુએટાથી મરોક્કો ઉપર નજર માંડેલી. ક્યુએટા નગર ભૌગોલિક દૃષ્ટિએ મરોક્કોનો જ ભાગ છે, પરંતુ આ સાડાઅઢાર ચો.કિ.મીના, એક લાખથી ઓછી વસ્તીવાળા નગર ઉપર કબજો સ્પેનનો છે. યુરોપની રાજધાનીઓમાં બેસીને એ તત્કાલીન સામ્રાજ્યવાદીઓએ દુનિયાનો કયો પ્રદેશ કોનો એ નક્કી કરીને સહી-સિક્કા કરેલાં, એમાં ક્યુએટા જેવો ટચૂકડો પ્રદેશ અને અલ્જીરિયા અને ટ્યુનિશિયા જેવા દેશો આવે. નાનકડા ક્યુએટા નગરમાં ફરીએ ત્યારે નગરની એક પ્રકારની આગવી ઓળખ ઊભી થાય છે. પ્રમાણમાં નાનું, શાંત. રસ્તા અને લોકો પણ શાંત, આ નગરમાં ટૅન્શન ન મળે. નગર વચ્ચેના પાર્કમાં સ્પેનના ફ્લેમેન્કો નૃત્યની ગતિ ત્યાં ઊભા રહીને અનુભવીએ ત્યારે એ ગંતિ દર્શક-પ્રેક્ષકને લપેટમાં લઈ લે. ક્યારેક એમાં તણાઈને આપણાં હાથપગ તેમજ આંગળીઓ અજાણતાં પ્રતિભાવ આપવા લાગે. આપણા સિંધી વેપારીઓ ત્યાં બિઝનેસ કરે, એક હિંદુ મંદિર હોવાનું પણ જાણ્યું. અમને જૂનાં શહેરો ગમે છે, કારણ કે સૈકાઓની હસ્તીને કારણે એમની ચોખ્ખી ઓળખ – આઇડેન્ટિટી – હોય છે, નગર અંતર્મુખ થતું હોય એમ જણાય. જ્યારે નવાં નગરો બહિર્મુખ હોય છે. એ વાંકી-ચૂકી ગલીઓ, બજારો, અવાજો, વિધવિધ ગંધોના મિશ્રણથી આવતી ‘સુગંધ’, દુકાનોના ઘાટઘૂટ, એની ગોઠવણી, પશુઓને પણ સમાન હક્ક – આ બધું જોઈને ખાનેખલીલી કે ચાંદની ચોક કે ઈસ્ફહાનની બજારમાં હોઈએ એવો અનુભવ થાય. આવો અનુભવ અમને મર્રકેશમાં દાખલ થતાં જ, હજારેક વર્ષ પહેલાં સ્થપાયેલ આ નગરના દીદાર કરતાં થયો. વારાણસી, જેરુસલેમ, અલ કાહીરા, જૂનું દિલ્હી, ઈસ્ફહાન, બીજિંગ, ઍથેન્સ, રોમ વગેરે. વળી જૂનાં ઇસ્લામિક નગરોની ભૂગોળમાં – જામા મસ્જિદ, સૂક અથવા બજાર, મદરેસા, મદીના – એ પણ અપેક્ષિત જ હોય. પંચરંગની છાંટ, મુક્ત મના ત્વારેગ ભાતીગળ મરોક્કોનું નૈસર્ગિક વૈવિધ્ય મન ભરી દે. એની પચરંગી છાંટવાળી પ્રજામાં રણના બર્બર અને ત્વારેગ જોવા મળે, દક્ષિણ યુરોપની પ્રજાનાં મિશ્રણમાં ફૂટડા લોકો જોવા મળે. તળ મરોક્કોના મૂળ નિવાસી એમના નાના ગૂંચળાવાળા વાળને કારણે તરત ઓળખાય. સહરામાં દૂર-દૂર સુધી વિચરતી જનજાતિઓમાં અવ્વલ નંબરે આવે ત્વારેગ (Tuareg). અમે ત્વારેગ વિશે વાંચેલું. અમારા આ પ્રવાસ દરમિયાન અમે પશ્ચિમ સહરાની ધારે રાતવાસો કરેલો ત્યારે અમારા સહયાત્રી નીના કિલાચંદે ત્વારેગ લોકોને જોવાની ઇચ્છા વ્યક્ત કરેલી. એમણે થોડે-થોડે અંતરે એક વિશિષ્ટ વાદળી રંગનો ગમછો કોઈના શરીર ઉ૫ર જોયેલો. ત્વારેગ નામથી અમે અજાણ નહીં. હોલીવુડની ફિલ્મોમાં ત્વારેગ લોકો દેખા દે. અસાધારણ ઊંચાઈ ધરાવતા પૂર્વ આફ્રિકાના મસાઈ જેવા ઊંચા પરંતુ પ્રતિભામાં કોઈક જ જનજાતિ ત્વારેગની તોલે આવે. એ જે ધરતી પર ચાલે એ એમના અધિકારની હોય એવો એમનો રૂઆબ. સહરા ભ્રમણ કર્યા પછી મોડી સવારે એક ત્વારેગ ખોરડું શોધી કાઢ્યું. અડધું કાચું, અડધું પાકું, અડધું ચણેલું, અડધું ઉઘાડું. ઋતુ-ઋતુના નિવાસ માટે ખુલ્લાં આકાશ નીચે જીવન જીવનારાને આખું ચણેલું બંધિયાર મકાન કેમ ફાવે? પશુપાલન ઉપર ગુજરાન ચલાવતા, સમગ્ર સહરામાં વિચરતા લોકો આ આવાસનો જરૂર પૂરતો જ ઉપયોગ કરતા. એટલે આપણને એ અપૂર્ણ લાગે. અમે જે આવાસ જોયો એમાંથી બધા લોકો દિવસભર માટે નીકળી ગયા હતા. એક પંદર-સત્તર વર્ષની છોકરી કશા ભય વગર ઘેર હતી. એ નારીપ્રધાન સમાજની વારસ હતી. જ્યાં એ સંપત્તિની માલિક, વ્યવહારનો દોર સાચવનારી, એકથી વધુ પુરુષસંબંધ તેમજ એકથી વધુને પરણવાની છૂટ ધરાવતી આ સ્ત્રીઓની મુક્તતા વિરલ છે. છૂટાછેડે પણ છોકરાઓ એની જોડે રહે. સહરામાં અને સહરાની બહાર, હોલીવુડમાં પણ, ત્વારેગ લોકોને વાદળી રંગના માનવી તરીકે લોકો ઓળખે છે. સહરાની વનસ્પતિમાંથી બનાવેલ વિશિષ્ટ વાદળી રંગનો ગમછો ગળે ફરતો અને આજુબાજુએ વીંટે, જ્યારે ગમછાનો રંગ ઊતરે ત્યારે ત્વારેગના ગળાને તેમજ ચહેરે એ રંગ ચોટે. આ રંગે એમને વાદળી રંગના માનવ(Blue men)ની ઓળખ આપી. વાદળી રંગ ચોપડી, સહરા અને તેના નિકટના વિસ્તારોમાં ત્વારેગની ઓળખ આપીને બનાવટી ત્વારેગનો નવો ધંધો ટૂરિસ્ટો માટે ફાલ્યો છે. ત્વારેગ લોકો મગરૂબ છે. એમની ઓળખનો લાભ લેતી સહરાની અન્ય જનજાતિઓથી એ નારાજ છે. વળી, સારી એવી સંખ્યામાં ત્વારેગ લોકો શહેરોની ધારે વસતા થયા છે. તેથી હવે નખિશખ ત્વારેગના સંપર્કમાં આવવું શક્ય નથી. મર્રકેશ મરોક્કો ઉપર નગરસંસ્કૃતિની અસર ઠીક-ઠીક પ્રમાણમાં છે, પણ એનાં શહેરો નવાં ઊભાં થયેલાં ઔદ્યોગિક નગરો જેવાં નથી. આ નગરોનો પણ ઇતિહાસ છે, એમની પ્રતિભા છે. મરોક્કોનું ભૌગોલિક વૈવિધ્ય અમને આકર્ષતું રહ્યું. પછી ભલે એ પશ્ચિમદિશે મોં માંડેલું કાસાબ્લાન્કા હોય, નમણું રૂપાળું ફૅઝ હોય, રોમન મહાલયોનાં ખંડેરો દ્વારા અતીતને ઊભું કરતું મેકનેસ હોય, કે ઇસ્લામિક જગતને ચરિતાર્થ કરતું મર્રકેશ હોય. મરોક્કોનાં નગરોનાં નામ ઇસ્લામિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે એવાં છે. અમને જૂનાં શહેરોમાં વિશેષ રસ, એમાં મર્રકેશ મોખરે. પશ્ચિમ મરોક્કોમાં આવેલ મરોક્કોની જૂની રાજધાની મર્રકેશ વાણિજ્યનું મોટું કેન્દ્ર હોવાને કારણે ત્યાંની મસ્જિદ, મહેલો, બાગબગીચા, મદીના અને એ વિસ્તારની ફરતો કોટ આ શહેરને એની જાહોજલાલીની પ્રતીતિ કરાવે છે, એના કરતાં એ છેક બર્બરોના સમય સુધી લઈ જાય છે, એની વાંકીચૂંકી ગલીઓ અને સૂકમાં નવો ઔદ્યોગિક માલ પણ મળે છે, પરંતુ મરોક્કોનાં આગવાં કળા-કસબ તો ત્યાં જ મળે. આગવી કળાનાં કાપડ, ભરતકામ, પૉટરી અને ઝવેરાતો મરોક્કોની સ્ત્રીઓ એમના પટારામાં સાચવીને રાખે. માઈલોથી દેખાય તે બારમી સદીમાં મૂર લોકોએ બાંધેલો મિનારો અલ-કુનુલિયા એ શહેરનું આભૂષણ. આ ઉપરાંત મદરેસા, મસ્જિદ, મહેલો વગેરે મર્રકેશને સંપૂર્ણપણે ઇસ્લામિક નગર બનાવે. મર્રકેશમાં જૂના વિસ્તારો, જે વધારે પ્રમાણમાં છે, ત્યાં જવાની ઇચ્છા તો થાય, એ ઉત્તેજિન પણ કરે અને થકવે પણ ભારે. મર્રકેશમાં અમારી હોટેલમાં દાખલ થતાં પહેલાં જ આજુબાજુના વિસ્તારમાં ઘોંઘાટિયા પૅસેન્જરોથી લદાયેલા ધીમાં વાહનો – જ્યાં શાંત વિસ્તારનું બોર્ડ હોય ત્યાં પણ હૉર્ન વેચનાર અને ટૂરિસ્ટને પજવનાર ફેરિયાઓની બુમરાણનો પાર નહીં. અમને અરાજકતા ગમતી નથી. ઘાંટાઘાંટથી અમે દૂર રહીએ છીએ. ભીડનો અમને ભય રહે છે. નાનાં-મોટાં ટોળામાં ક્યાં અને શું વકરશે એનું અનુમાન થઈ શકતું નથી. મોટા કર્કશ અવાજે માલ વેચનારા બિચારા ફેરિયાઓ, સહેજ મોકળાશ જોઈને મનોરંજન કરવા નીકળી પડતા બજાણિયા કે ગારુડી કે મદારી; ટોળામાં ભળી જઈને લોકોને ભ્રમમાં નાખવાની કળા દેખાડનારા બહુરૂપીઓને માંડ બે પૈસા મળતા જોઈને અમારું દિલ ડંખે છે. છતાં દુનિયાની સૂકોમાં કે બજારોમાં અમને ગમે છે. ચાંદની ચોક કે ખાનેખલીલી, હૉંગકૉંગની તરતી બજારો, ઈસ્ફહાનની ભવ્ય બજારોમાં અમે કશી ઉતાવળ વગર ફર્યા છીએ. અમે જ્યોતિષી પાસે જતાં નથી. પણ આ સૂકોમાં હાથચાલાકી કે મેનાપોપટ પાસે પત્તું ખોલાવતાં અમને રમૂજ પડી છે. એમ તો અમે મણિપુરની મહિલા બજારમાં ફરતાં અને એમની મજાકનો ભોગ બનતાં પણ આનંદ માણ્યો છે. સાત સૂફી સંતો અમારા એક મજેદાર મિત્ર હરસુખ પંડિત કહેતા કે દિલ્હીએ કંઈક આસમાની-સુલતાની જોઈ છે, કંઈક શહેનશાહો તેમજ બડકમદારોએ બે હજાર વર્ષ દિલ્હીમાં આણ વર્તાવી છે, પરંતુ કોઈ એમને યાદ નથી કરતું. લોકો જાય છે જંગપુરામાં નિઝામુદ્દીન ઓલિયાની મઝારે અને બીજી મહાત્મા ગાંધીની સમાધિએ. બધી જૂની સંસ્કૃતિઓમાં જનમાનસ આ જ છે. યુરોપ કે દૂર પૂર્વના દાખલા નથી આપતો, પરંતુ જ્યાં આ પરંપરા વધુ દૃઢ છે તે પશ્ચિમ અને અગ્નિ એશિયાની વાત કરીએ છીએ. અમે મર્રકેશમાં સાત સૂફી સંતોની કબરો એક હરોળમાં જોઈ. આ તીર્થસ્થાન છે જ્યાં દૂર-દૂરથી લોકો જાય છે. આ સંતો જુદી જુદી સદીઓમાં થઈ ગયા. લોકો હજુ એમની રહેણીકરણી, ઔદાર્ય, ચમત્કાર, શક્તિ વગેરેની વાતો કરે છે – સત્ય, અર્ધસત્ય કે દંતકથારૂપે. અભી ભી વહાં મત્થા ટિકને કે લિયે ઔર વાંછના કી તૃપ્તિ કે લિયે લોગ જાતે હૈ | સંતો માટે આ પૂજ્યભાવ બધે જોવા મળે – પછી એ ભારતમાં હિંદુ સંત-મહાત્માની સમાધિ હોય કે શિરાઝમાં હાફીઝની મઝાર કે તુર્કીમાં કોન્યામાં જલાલુદ્દીન રૂમીના સ્થાનકે હોય. બધે માહોલ એકસરખો. સાત સૂફી સંતો વિષે અમે વાંચેલું. એમાં યોગીઓ, જ્ઞાનીઓ અને કર્મના પુરસ્કર્તા હતા. મર્રકેશમાં આ સૂફી સંતોના દીદાર કર્યા અને એ માહોલમાં અન્ય અનેક સાથે સહભાગી થયા. ફૅઝ એક સમયની રાજધાની ફૅઝ નમણું શહેર છે. સામ્રાજ્યના ભભકા - ઇમારતો, બાગબગીચા, મહેલો, મદ્રેસા વગેરેની છાયામાં એ ખોવાઈ નથી ગયું. ફૅઝને એની આગવી પ્રતિભા છે. અમને ફૅઝની એક જૂની યાદી છે. અમારી શિશુ-કિશોરાવસ્થામાં ૧૯૪૫-૪૬માં બજાણામાં ઊંચી લાલ ટોપી અને કાળા છોગાંવાળા મુસ્લિમ લીગી લોકો આવતા થયેલા. ત્યારે અમે એમ માનતા કે આ તુર્કી ટોપી છે. પણ વાસ્તવમાં એ ફૅઝ કૅપ હતી. એ સુધારો અમે મોડો જાણ્યો, જ્યારે ફૅઝ ગયા ત્યારે ફૅઝ કૅપ મરોક્કોનિવાસીઓમાં cultural fusionનો પ્રાથમિક નમૂનો છે. પાશ્ચાત્ય સ્ટાઇલના સૂટ અને એની ઉપર ફૅઝ કૅપ એ જોતાંવેંત અજુગતું લાગે, પરંતુ હજારો લોકોને એ ડ્રેસમાં જોઈએ ત્યારે કલ્ચરલ ફ્યુઝનનો ખ્યાલ આવે. આપણે ત્યાં પણ અંગ્રેજ સમયે દક્ષિણમાં, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં ડ્રેસનું આવું ફ્યુઝન જોવા મળતું. મરોક્કોનું ચામડું દુનિયાભરમાં વખણાય. મરોક્કન લેધર સુંદર ચામડાનો લગભગ પર્યાય થઈ ગયેલો. ફૅઝની અનેક સુંદર ચીજો આંખની સામે તરવરે છે, પણ આપણે ઋક્ષ ચામડાને સુંદર બનાવવાની કળાની વાત કરીએ. ૧૦૦૦ વર્ષની ટૅક્નોલોજી એક હજાર વર્ષ પહેલાં વિકસેલી ટૅક્નોલોજીએ ઋક્ષ પદાર્થમાંથી નિપજતી સુંદર જણસની શોધમાં સુંદર, સંપન્ન નારીઓ નગરોનાં ખૂણા ખાંચરા ફરી વળે. એ ટૅક્નોલોજીનો વિકાસ વિશેષતઃ માણસની કોઠાસૂઝ છે. હેમંતની એક નમતી સાંજે અમે મરોક્કોના નમણા નગર ફૅઝમાં એ ટૅક્નોલોજી અને કળાનો વિકાસ જોવા નીકળ્યાં. મરોક્કો એના ચર્મઉદ્યોગ માટે સૈકાઓથી પ્રસિદ્ધ છે. સહરાના રણનાં ગાડર, બકરાં, ઊંટ, ખચ્ચર એવા પશુઓના ઋક્ષ ચામડાને ચોખ્ખું કરી, ધમારી, ઘસીને કૂણું કરી, રસાયણ અને રંગોમાં ઝબોળી રાખી, પછી જ્યાં જગ્યા મળે ત્યાં સૂકવે ત્યારે ફૅઝના ઘરો અને અવકાશમાં અનેર રંગી કૃતિઓ સર્જાય. ક્યાંક કોઈની દીવાલે, કોઈના છાપરે, અગાશીએ, કે રસ્તા ઉપર સૂકવવા નાખેલા જોઈએ ત્યારે જોનારા એ રંગો અને આકારોમાં ખોવાઈ જાય. ખૂલતી સાંજે ગુલાલ ઊડું-ઊડું થતો લાગે, વાયુની ગતિમાં આવરણ ઝાલ્યા ઝલાય નહીં. એ આ ઘડી. હજુ થોડી વાર પહેલાં જ અમ્લાને એ વેળાના ભેદને પકડતી પૅનોરમિક છબી પાડી હતી. આ કળા અને સૌંદર્યને અનુભવવા, અમે ફૅઝના ઊંચા ઢોળાવ અને નિકટની એક ઊંચી હવેલીએ પહોંચ્યા. હજાર કસબના મૂળમાંથી ઉદ્ભવેલી આ કળા સમજવા ઍટલાસની પર્વતમાળાની આંટીઘૂંટીને સમજવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમાં ગોથે ચડી ગયાં. ટૅન્જિઅર વર્ષો સુધી ટૅન્જિઅર યુરોપિયન સત્તાઓને કારણે આંતરરાષ્ટ્રિય નગર બની રહ્યું, જેનો લાભ ટૅન્જિઅરની સુંદર હવા માણતાં સંપન્ન યુરોપિયનોએ ખૂબ-ખૂબ લીધો, ટેક્સની માફી અને કસ્ટમમાંથી માલ છોડાવવાની સુવિધાનો લાભ યુરોપિયનોની સેવા કરતા મોરોક્કનોને પણ મળે. ટૅન્જિઅર સમૃદ્ધ શહેર. અનેક જાણીતી વ્યક્તિઓએ ત્યાં જમીનો લીધી, મકાનો બાંધ્યા અને મોજ કરી. ટૅન્જિઅરમાં જાસૂસી કરનારા તો હતા જ, પરંતુ નાટ્યકારો, સોશ્યલાઇટ અને અન્ય માલેતુજારોએ ટૅન્જિઅરની અનુકૂળતાનો લાભ લીધો. ઓંરી મત્તીસ આવ્યા અને સુંદર ચિત્રો કર્યાં, ટૅન્જિઅર વિશે એમણે લખ્યું છે : ‘ત્યાંની મારી મુલાકાતે મને ઘનું નવું શીખવ્યું.’ આ ઉપરાંત ટૅનેસી વિલિયમ્સ અને વિલિયમ બરો જેવાં અનેક સાહિત્યકારોએ ટૅન્જિઅરમાં વસવાટ કરેલો. સંગીતની સાથે સરસ્વતી તો હોય જ, ટૅનેસી વિલિયમ્સ કે બરો તેમજ અન્ય સારસ્વતો પણ એમનું વિશ્વ અહીં ખોલે છે. આ મત્ત વાતાવરણમાં મહેફિલો જમાવવા દિવસો સુધી તૈયારીઓ કરવી પડે છે. સજાતીય સંબંધ બાંધનારને અહીં ખૂણોખાંચરો નથી શોધવો પડતો. રાત્રિને દિવસ સાથે જોડતા અહીંના નગરોમાં નિર્મળ પ્રકાશની શોધમાં કોણ ન આવે! દક્ષિણ ફ્રાન્સમાં ડેલક્વા(Delacroix) જેવાં ચિત્રકારો પોતાનો ખૂણો શોધીને પોતાના સર્જનમાં પડી જાય એ જ રીતે મરોક્કોમાં ઓંરી મત્તીસ જેવો ઊંડો વિચારક અને મોટા ગજાનો કલાકાર શાંતિથી બેસી જાય અને સર્જે વિવિધરંગી, આંખ ભરી દે એવાં પુષ્પો, જેણે ત્રણ પેઢીને રંગનાં કામણ પાયાં છે. સર્જન અને મસ્તીની ખોજની વચ્ચે વિદ્વાન પણ પાછળ રહેતો નથી. ઇબ્ન બતૂતા ૨૮ વર્ષો સુધી ચાલેલા એ યાત્રીના પગલાં તમને સંભળાય કે નહીં, પરંતુ ચૌદમી સદીના સુસંસ્કૃત ગણાતા દેશોમાં એ પગલાંના અવાજની પાછળ અનેક જ્ઞાનપિપાસુઓ દોડ્યા હશે, રાજાઓએ એમનો આદર કર્યો હશે. આપણે ઇબ્ન બતૂતાને દિલ્લીમાં કુતુબની કોટવાલી કરતાં જોયા કે નિષ્પક્ષ ન્યાય તોળતા? વળી આપણે તો એમને અમદાવાદથી ખંભાત થઈને, ભરૂચ ને ગાંધાર વટાવી નવા થનગનતા ઘોડા લઈને મલબારને માર્ગે નીકળી પડ્યા એ દૃશ્ય જોયું હશે. એક પ્રસંગે અમારે મરોક્કો સબબ એક ચિંતાજનક અવસ્થામાં પસાર થવું પડેલું. એક દિવસ અલ્પનાના મુંબઈના ટેલિફોનની ઘંટડી વાગી. ફોન ઉપાડેલ પણ કોઈ અવાજ ન આવે. અંતરિક્ષમાંથી કોઈનો અવાજ આવતો લાગે, થોડી મથામણ પછી અમારી દુહિતા અને અલ્પનાની પુત્રી તુલસી બીજે છેડે છે એવું સમજાયું, પરંતુ, તુલસી ક્યાંથી હોય એ તો મરોક્કોના ફૅઝ નગરમાં છે. ઘણી પૂછપરછના અંતે ભાળ મળી કે તુલસી એની યુનિવર્સિટી, શિકાગોની નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં અભ્યાસના ભાગરૂપે મરોક્કોના ફૅઝ નગરે એક પ્રોજેક્ટ માટે ગઈ હતી, એની સાથે ભણતી ફૅઝની એક છોકરી પણ સાથે હતી. એ છોકરીનું ફૅઝનું વિશાળ ઘર અને એમાં રહેનાર કોણ ક્યાં છે એની ખબર પણ ન પડે. તુલસી ત્રણ દિવસથી વાયરસના ઊંચા તાવથી પરેશાન હતી. મોં સૂઝેલું, આંખો ઢંકાઈ ગઈ હતી. પરંતુ મોટા મોભાવાળા ઘરમાં આ પરદેશીની ગેરહાજરી કોઈને ન જણાઈ. આ બધી જાણ થઈ ત્યારે દિલ્લીમાં દિવાળીના તહેવારો હતા. મોરોક્કન દૂતાવાસના બારણાં બંધ, અને કર્મચારીઓ દિલ્લીની દિવાળી માણતા હતા. અમે કામે લાગ્યા. ચારે બાજુ દોરડાં ઝણઝણ્યા. છેવટે તત્કાલીન નાયબ વિદેશમંત્રીનો સંપર્ક થયો શ્રીમતી પ્રણીતિ કૌર એ સમયે બુડાપેસ્ટમાં કોઈ મિટીંગમાં હાજરી આપતા હતા. બધું કામ પડતું મૂકીને એમણે તાત્કાલીક સૂચનો આપી મરોક્કોના દૂતાવાસે રજાના દિવસે વીઝાનો થપ્પો લગાવ્યો. એમ અલ્પના ફૅઝ પહોંચી. દીકરીને ભેટી ત્યારે એ ઓળખાય એવી ન હતી. વાતચીત થતાં વધુ એક દિવસ નીકળી ગયો. આંખ બચી તો ગઈ, પરંતુ સંપૂર્ણપણે નહીં. ભાતીગળ મરોક્કોનો આ એક વધુ પ્રસંગ. મરોક્કોએ કોઈને અલવિદા નથી કીધી, ક્યારેય.


[નિરુદ્દેશે, ૨૦૧૮]