ગુજરાતી બાળવાર્તા સંપદા/બોર જાંબુ બમ બમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બોર, જાંબુ, બમબમ

રમેશ શિ. ત્રિવેદી

એક છે ને રાતું-રાતું, પાક્કું બોર હતું. બોર બોરડી પરથી ટપ્‌ દઈને પડી ગયું. બોર નીચે પડ્યું એવું ગાવા લાગ્યું : હું જાડું જાડું બમબમ ! હું ચાલું કેવું ધમધમ ! બોર તો પછી નાચતું-કૂદતું ચાલવા માંડ્યું. રસ્તામાં એને જાંબુ મળ્યું. બોર કહે : અલ્યા, જાંબુ, ક્યાં જાય છે ? જાંબુ કહે : છે ને હું તો ફરવા જાઉં છું ! બોર કહે : એમ ! પણ કયાં ફરવા જાય છે ? જાંબુ કહે : છે ને મારે તો આખા જંગલમાં ફરવું છે ને. ઝાડ પર પહાડ પર વેલા ને વડ પર ઊંચા-ઊંચા તાડ પર બધે જ ચઢવું છે, ફરવું છે, નદીમાં પડવું છે અને ખૂબ મજા-મજા કરવી છે ! બોર કહે : અલ્યા, જાંબુ, હું ય આવું તારી સાથે ? જાંબુ કહે : ચાલને દોસ્ત, હસતા-કૂદતા ફરીશું, મોજ-મજા કરીશું ! જાંબુ ને બોર નાચતાં-કૂદતાં, ફૂલ જેવું હસતાં-હસતાં, આગળ ને આગળ ચાલવા લાગ્યાં. એકબીજાંને ટપલી મારતાં-મારતાં ગાવાં લાગ્યાં : અમે જાડા જાડા બમબમ. અમે ચાલીએ કેવા ધમધમ ! રસ્તામાં ડોલતા પહાડ જેવો હાથી મળ્યો. હાથીએ ઝીણી આંખોથી જોયું ને કહ્યું : ‘અલ્યા, બોર-જાંબુ, તમે બે ટિનકુડા-ટિનકુડા આમ ક્યાં ચાલ્યાં ? હેં ??...’ બોર હસી પડ્યું : ‘હાથીદાદા, અમે તો છે ને, તમને મળવા જ આવ્યાં છીએ હોં !...’ હાથીએ કહ્યું : ‘અલ્યા, મારું તે વળી શું કામ છે ?’ બોર કહે : ‘હાથીદાદા, છે ને અમારે લપસણી ખાવી છે !...’ હાથી હી-હી કરતો હસી પડ્યો : ‘તો એમ વાત છે ! તો લ્યો, હું નીચે બેસી જાઉં, પછી મારી પીઠ પરથી તમતમારે ખાઓ, લપસણી...!’ બોરે જાંબુને તાળી આપી : ‘ચાલો, ખાઈએ લપસણી !’ બોર તો હાથીદાદાની પીઠ પર એક કૂદકે ચઢી ગયું. એણે જાંબુને પણ હાથ ઝાલીને ઉપર ચઢાવ્યું ને પછી તો સરરર કરતાં નીચે... હેય, હેય...!! ફરી પાછાં હસતાં-હસતાં હાથીદાદાની પીઠ પર !.... ફરી પાછાં સરરરર કરતાં નીચે... હેય ! હેય ! જાંબુ-બોર તો લપસણી ખાઈખાઈને થાકી ગયાં. હાથીદાદાને ‘થૅન્ક યુ’ - કહીને પછી બંને ફરી પાછાં ઊપડ્યાં... ધમ... ધમ... ધમ... રસ્તામાં એક શિયાળ મળ્યું. શિયાળે પૂછ્યું : ‘અલ્યા, બોર-જાંબુ, આમ કઈ બાજુ ?’ જાંબુએ કીધું : ‘શિયાળમામા, શિયાળમામા, અમે તો છે ને થાકી ગયાં છીએ !....’ શિયાળ હસી પડ્યું : શાને થાકી ગયાં આમ ? બોર-જાંબુ એકસાથે હસતાં-હસતાં બોલ્યાં : અમે તો છે ને વહેલી સવારથી ફરતાં ફરીએ છીએ. શિયાળ કહે : ‘એમ ! ક્યાં-ક્યાં ફર્યાં તમે ?’ જાંબુ-બોર બંને સાથે બોલ્યાં : ‘મામા, અમે તો બહુબહુ જ ફર્યાં, ને ટાંટિયા તો એવા દુખે છે... એવા દુખે છે !’ શિયાળ હસ્યું : ‘એમ વાત છે ! તો એમ કરો તમે બંને જણ લટકી જાઓ !’ બોરે કીધું : ‘ક્યાં લટકીએ મામા ?’ શિયાળે ફરી હસીને પોતાની ભરાવદાર પૂંછડી તરફ ઇશારો કર્યો. ‘અરે ! વાહ, મામા, વાહ !’ - કહીને બોર-જાંબુ તો લટકી પડ્યાં. અને હેય, હેય, કરતાં ગાવાં લાગ્યાં : ઝૂલો ખાવાની કેવી મજા ! હેંકૂટ ખાવાની કેવી મજા ! શિયાળ તો ખૂબ દોડ્યું. એ દોડીદોડીને હાંફી ગયું : ‘અલ્યા, બોર-જાંબુ, તમે તો ખરેખર જાડા-જાડા બમ છો !...’ જાંબુને દયા આવી : ‘મામા, બસ, ઊભા રહી જાઓ !...’ બોરે કીધું : ‘થૅન્ક યુ, મામા !’ થોડો થાક ઓછો થયો. એટલે પાછાં બંને દોડવા લાગ્યાં. રસ્તામાં નદી આવી. બોર-જાંબુ તો હેય, હેય ! કરતાં નાચી ઊઠ્યાં. નદીમાં ભૂસકા માર્યા. મજા કરી હેય, હેય !! બોર-જાંબુ આગળ ચાલ્યાં. ચાલતાં-ચાલતાં ઊભાં રહી ગયાં. જાંબુ કહે : ‘અરે ! આ શું ?’ બોર કહે : ‘આ તો ખિસકોલીનું બચ્ચું છે !’ જાંબુ કહે : ‘બિચારું ઝાડ પરથી પડ્યું લાગે છે હોં !’ બોર દોડીને નદી પાસે ગયું; પાણી લઈ આવ્યું, પાણી ખિસકોલીના બચ્ચાને છાંટ્યું. બચ્ચાએ આંખો ખોલી. જાંબુ કહે : ‘અલ્યા, બચ્ચા, તને ભૂખ લાગી છે ?’ બચ્ચું ધીમેથી બોલ્યું : ‘મે ઝાડ પર ચઢતાં હજુ નથી આવડતું. તે પડ્યું ધબ્‌ દઈને, મને... ભૂ...ખ... લાગી છે !’ જાંબુ બોલ્યું : ‘તો એમ કર, મને ખાઈ જા તું !’ બોર બોલ્યું : ‘ના, પહેલાં મને ખાઈ જાય !’ જાંબુ કહે : ‘ના, પહેલાં મને ખાઈ જા !’ ‘અરે ! બચ્ચું તો અલોપ થઈ ગયું !’ ... બોર-જાંબુ એકબીજા સામે અચરજથી જોઈ રહ્યાં. બોર-જાંબુ તો ઘડીકમાં આમ જુએ, તેમ જુએ, ઘડીકમાં આગળ જુએ, પાછળ જુએ, ઊંચે જુએ, નીચે જુએ. બોર કહે : ‘આ કોણ આવ્યું ?’ જાંબુ કહે : ‘અરે ! આ તો પરી લાગે છે !’ ‘અલ્યા, હું તો પરી નથી. વન-દેવી છું ! પણ તમે કોને શોધો છો ?...’ ‘અમે ? ખિસકોલીના બચ્ચાને શોધીએ છીએ.’ બોર-જાંબુ તો આટલું બોલીને વન-દેવીની ઝગમગ થતી પાંખોને, ચમક-ચમક થતી આંખોને, લીલીછમ સાડીને જોતાં રહ્યાં. વનદેવી હસી પડ્યાં : ‘અલ્યા, જુઓ તો ખરાં, બચ્ચું તો પે...લું રહ્યું, ઝાડ નીચે...’ બોર હસ્યું : ‘હા, અલ્યા, કેવું લપાઈને બેઠું છે એની મમ્મી પાસે !’ જાંબુ ય હસ્યું : ‘જુઓ તો ખરા કેવું ટગરટગર જોયા કરે છે !’ ....ટિનકું, મારું બેટ્ટું ! જબરું છે હોં !...’ વનદેવી કહે : ‘અલ્યા, બોર-જાંબુ, તમે બચ્ચાંને બચાવ્યું તે જોઈને હું ખુશ થઈ હોં ! આ આખુંય વન મારું છે. હું આ વનની દેવી છું...’ બોર-જાંબુ એકબીજાં સામે જોઈ રહ્યાં. વનદેવીએ હસીને કીધું : ‘આ ખિસકોલી, આ બચ્ચું, આ ઝાડ, પેલી કોયલ, પેલો કાગડો, પેલો પહાડ ને ઝરણાં, સસલાં ને હરણાં, પેલાં વાડ ને વેલાઓની ઝૂલ, સુંદર રંગબેરંગી ફૂલ... ને પતંગિયાં, ગુનગુન કરતા ભમરા એ બધાં ય મારાં છે હોં...’ બોરે ધીમેથી પૂછ્યું : ‘વનદેવીજી, અમેય તમારાં નહીં ?’ જાંબુ ય હસ્યું : ‘હા, અમે ય વનમાં જ રહીએ છીએ ને !’ વનદેવી તો ખૂબ હસ્યાં. એમણે કીધું : ‘અલ્યા, તમે તો બહુ ચાલાક છો હોં !’ બોર-જાંબુ એકબીજા સાથે જોઈને હસી પડ્યાં. વનદેવીએ કહ્યું : ‘અલ્યા, રાત પડી, અંધારું થયું, તમે એમ કરો, મારી આંગળી પકડી લ્યો, ચાલો, હું તમને તમારે ઠેકાણે મૂકી જાઉં !’ ‘હા, ચાલો !...’ - કહીને બોર અને જાંબુએ વનદેવીની બંને હાથની એક એક આંગળી પકડી લીધી. એ ચાલતાં-ચાલતાં ગાવા લાગ્યાં : અમે જાડાં જાડાં બમબમ ! અમે ચાલીએ કેવાં ધમધમ. પછી બોરડી આવી, બોર તો જઈને બોરડી પર લટકી પડ્યું અને જાંબુ ય જઈને જાંબુડા પર બેસી ગયું ને પછી છે ને વનદેવી ય થઈ ગયાં - અલોપ !!